‘ઈસરો’ અર્થાત્ ભારતીય અંતરિક્ષ એજન્સીએ શ્રીહરિકોટાથી ‘પીએસએલવી સી-૨૩’ નામના રોકેટની મદદથી પાંચ વિદેશી ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકી એક નવો જ વિક્રમ હાંસલ કર્યો. રોકેટ વિજ્ઞાાનના પિતા તો ડો. વિક્રમ સારાભાઇ હતા અને માત્ર ૨૮ વર્ષની વયેજ છેક ૧૯૪૭માં તેમણે અમદાવાદમાં ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી હતી. ડો. હોમી જહાંગીર ભાભા ભારતના અણુવિજ્ઞાાન કાર્યક્રમોના પિતા હતા તો ડો. વિક્રમ સારાભાઇ રોકેટ વિજ્ઞાાનના પિતા ગણાય છે. પીએસએલવી સી-૨૩ના પ્રક્ષેપણ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધરોહર જેવા વૈજ્ઞાાનિક ડો. વિક્રમ સારાભાઇને પણ યાદ કર્યા હતા. ડો. વિક્રમ સારાભાઇએ રશિયાએ પહેલી જ વાર ‘સ્પુટનિક’ ને અંતરિક્ષમાં તરતો મૂક્યો તે પછી તરત જ ડો. સારાભાઇએ ભારતમાં પણ અવકાશ વિજ્ઞાાન પર સંશોધન માટે “ઇસરો” ની સ્થાપના કરવા કેન્દ્ર સરકારને સમજાવી લીધી હતી. આવા ડો. વિક્રમ સારાભાઇ કોણ હતા? સ્કૂલના દરેક બાળકોએ અહીં આ કથા પર નજર નાખવા જેવી છે.

તા.૧૨મી ઓગસ્ટ ૧૯૧૯. રક્ષાબંધનનો દિવસ હતો. કેલીકો મિલના માલિક અંબાલાલ સારાભાઇ પરિવારના બાળકો શાહીબાગ કેમ્પના મેદાનમાં ઘોડેસવારી કરતાં હતાં. સાંજનો સમય હતો. તેમના ઘોડારના એક સવારે દોડતા આવી શુભ સમાચાર આપ્યા કે તેમના કુટુંબમાં એક પુત્રનો જન્મ થયો છે. બાળકોએ ઘોડા ઘર તરફ વાળ્યાં, બાળકોએ નવા ભાઇને જોવો હતો.

એનું નામ વિક્રમ પાડવામાં આવ્યું. એક વાર રવીન્દ્રનાથ ટાગોર ‘રિટ્રીટ’ બંગલામાં રહેવા આવ્યા હતા. વિક્રમનું કપાળ જોઇ તેઓ બોલ્યા ઃ ‘કેવું ભવ્ય કપાળ છે એનું. આ બાળક તેજસ્વી બનશે.’

અને એ જ બાળક એક દિવસ દેશનો મહાન વૈજ્ઞાાનિક બન્યો ઃ ‘ડો. વિક્રમ સારાભાઇ.’ નોંધનીય વાત એ છે કે વિક્રમ જ્યારે બાળક હતા ત્યારે તેમણે કોઇ પ્રાથમિક, માધ્યમિક કે સાર્વજનિક શાળામાં અભ્યાસ કર્યો નહોતો. અંબાલાલ સારાભાઇના બાળકો માટે ‘રિટ્રીટ’ બંગલામાં જ ખાનગી શાળા શરૂ કરવામાં આવી હતી. તેમને લાગતું હતું કે એ વખતે દેશની ઉપલબ્ધ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના શિક્ષણ માટે યોગ્ય નહોતી. તે વખતે ઇંગ્લેન્ડમાં ડો. મારિયા મોન્ટેસરીએ આધુનિક શિક્ષણ પર પુસ્તકો લખ્યાં હતાં. અંબાલાલ સારાભાઇને ત્યાં ‘લંડન ટાઇમ્સ’ અખબાર આવતું. તેમણે તેમાં ડો. મોન્ટેસરી વિશે વાંચ્યું હતું. અંબાલાલ સારાભાઇ અને સરલા દેવી પોતે જ ડો. મોન્ટેસરીને મળવા ઇંગ્લેન્ડ ગયાં. પાછળથી એમણે ડો.મોન્ટેસરીને અમદાવાદ બોલાવ્યાં. તેમની મદદથી જ ‘રિટ્રીટ’માં ખાનગી શાળા શરૂ થઇ.

નાનકડા વિક્રમને યંત્રોમાં રસ હતો. બંગલામાં જ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા ઊભી કરવામાં આવી. વિક્રમને ભાષાઓ, ગણિત અને કળાનું ભરપૂર જ્ઞાાન હતું. ૧૯૩૭માં આર.સી.ટેકનિકલ સ્કૂલ દ્વારા મેટ્રિકની પરીક્ષા પાસ કરી વિક્રમે ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર પછી ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિર્વિસટીની સેન્ટ જ્હોન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેઓ સ્નાતક થયા. ત્યાર બાદ સી.વી.રામને વિક્રમને પોતાના વિદ્યાર્થી તરીકે સ્વીકાર્યો. તેમણે બ્રહ્માંડ કિરણો પર પોતાનો અનુસ્નાતક અભ્યાસ શરૂ કર્યો. ૧૯૪૭માં કેમ્બ્રિજ યુનિર્વિસટીએ વિક્રમભાઇનો ‘બ્રહ્માંડ કિરણો’ પર શોધ મહાનિબંધ સ્વીકાર્યો અને ‘કોસ્મિક રેઝ ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિક્સ લેટીટયુડ્સ’ વિષય પર પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરી. હવે તેઓ ડો.વિક્રમ સારાભાઇ બન્યા.

ડો. વિક્રમ સારાભાઇએ માત્ર ૨૩ વર્ષની વયે હિમાલય પર પરમેનન્ટ હાઇ ઓલ્ટીટયૂડ લેબોરેટરી સ્થાપવાની ભલામણ કરી. ૧૯૪૭માં કેમ્બ્રિજમાં પાછા ફર્યા બાદ બ્રહ્માંડ કિરણો (કોસ્મિક રેઝ) અને વાતાવરણના ઉચ્ચ સ્તરીય અભ્યાસ માટે આધુનિક સંસ્થા સ્થાપવા પોતાના વિચારો અમલમાં મૂક્યા. તેમાંથી અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીનો જન્મ થયો. ૧૯૪૭માં એમ.જી.સાયન્સ કોલેજના બે ઓરડામાં જ આ લેબોરેટરી શરૂ થઇ. ડો. કે.આર. રામનાથન જેવા વૈજ્ઞાાનિક તેના પ્રથમ ડાયરેક્ટર બન્યા. વિક્રમભાઇ તેના સહ ડાયરેક્ટર હતા. પીઆરએલ ઊભી થઇ ત્યારે તેના સ્થાપક ડો. વિક્રમ સારાભાઇની વય માત્ર ૨૮ વર્ષની હતી. તેનો સતત વિકાસ થતો રહ્યો. ૧૯૫૪માં પીઆરએલના નવા મકાનનું ઉદ્ઘાટન તે વખતેના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે કરવામાં આવ્યું.

૧૯૪૭થી ૧૯૭૪ સુધીના ગાળામાં વિક્રમભાઇએ વૈજ્ઞાાનિક સંશોધન ઉપરાંત રાષ્ટ્રઘડતરના કાર્યમાં પણ ઝંપલાવ્યું. આ વર્ષો દરમિયાન તેમણે ૩૫થી વધારે સંસ્થાઓ સ્થાપી. આ કાર્યમાં તેમને ઉદ્યોગપતિ શેઠશ્રી કસ્તૂરભાઇ લાલભાઇનો સાથ સહકાર મળ્યો. વિક્રમભાઇ રત્ન હતા તો ક્સ્તૂરભાઇ હીરાપારખુ હતા. તે વખતે અમદાવાદ મિલોથી ધમધમતું શહેર હતું. કાપડ ઉદ્યોગમાં ઉત્તમ ક્વોલિટીની જાતોના સંશોધન માટે કસ્તૂરભાઇના સાથ સહકારથી ‘અટીરા’ ની સ્થાપના કરી. ‘અટીરા’ની કામચલાઉ લેબોરેટરી પણ પહેલાં તો એમ.જી.સાયન્સ કોલેજના ‘પીઆરએલ’ ના ઓરડાની બાજુના ઓરડામાં જ શરૂ થઇ હતી. ડો. વિક્રમ જ ‘અટીરા’ ના પહેલા નિયામક બન્યા.

ડો.સારાભાઇ આટલેથી અટક્યા નહીં. ત્યાર બાદ તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના કરી. આઇઆઇએમના મકાનના ઉદ્ઘાટન માટે તેમણે વિશ્વવિખ્યાત સ્થપતિ લુઇ કહાનને નિમંત્ર્યા. આજે પણ અમદાવાદમાં આઇઆઇએમનું મકાન સ્થાપત્યનો અજોડ નમૂનો છે, જે ડો. સારાભાઇની ભેટ છે. અમદાવાદનું કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, નેહરુ ફાઉન્ડેશન, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન, ત્રિવેન્દ્રમનું થુમ્બા રોકેટ લોચિંગ સ્ટેશન, ઇસરો-અમદાવાદ, શ્રી હરિકોટા રોકેટ રેન્જ, એક્સપેરિમેન્ટલ સેટેલાઇટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિવિઝન, સેટેલાઇટ કમ્યુનિકેશન અર્થસ્ટેશન, અરવી, ફાસ્ટ બિડર રિએકટર્સ, કલ્પકમ, ન્યુક્લિયર સેન્ટર ફોર એગ્રિકલ્ચર, દિલ્હી જેવી અનેક સંશોધન સંસ્થાઓ ડો. વિક્રમ સારાભાઇએ સ્થાપી.

તેઓ ઇસરોના અધ્યક્ષ તરીકે રહ્યા. ઇન્દિરાજીએ હોમીભાભાના અવસાન પછી ડો. સારાભાઇને ભારતીય અણુપંચના અધ્યક્ષ બનાવ્યા. ૨૫ જેટલા વિદ્યાર્થીઓએ ડો. વિક્રમ સારાભાઇના માર્ગદર્શન હેઠળ પીએચ.ડીની ડિગ્રી પ્રાપ્ત કરી. ૮૫ જેટલા વૈજ્ઞાાનિક સંશોધન લેખો લખ્યા. ભારતના રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ ‘મિસાઇલ મેન’ ગણાય છે પરંતુ ભારતે પોતાનો મિસાઇલ કાર્યક્રમ શરૂ કરવો જોઇએ તેવી પહેલી દરખાસ્ત ડો. વિક્રમ સારાભાઇએ રજૂ કરી હતી. ડો. કલામ પણ ડો. સારાભાઇને ભારતીય અવકાશ કાર્યક્રમ અને ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા ગણાવે છે.

૧૯૭૧માં ભારત-પાક યુદ્ધ વખતે તે વખતનાં વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના ટુકડા કરી નાંખી બાંગ્લાદેશને આઝાદ કરવાની યોજના બનાવી હતી. તે વખતે પાકિસ્તાનને દહેશત હતી કે બંગલાદેશમાં યુદ્ધની પરિસ્થિતિનો લાભ ઉઠાવી ભારત પશ્ચિમ પાકિસ્તાન પર આક્રમણ કરી દેશે. આમ ના થાય તે માટે પાકિસ્તાને અમેરિકાને ભારત પર દબાણ લાવવા વિનંતી કરી હતી. અમેરિકાના પ્રમુખ નિકસને તરત જ તેમના સલાહકાર કિંસીજરને ભારત મોકલ્યા હતા. કિસીંજર ઇન્દિરાજીને મળવા ગયા ત્યારે ઇન્દિરાજીએ કહ્યું ઃ ‘તમે ડો. વિક્રમ સારાભાઇને મળી લો.’ ત્યારબાદ કિસીંજર ડો. વિક્રમ સારાભાઇને મળ્યા અને ડો. સારાભાઇએ વડાપ્રધાનના ખાસ પ્રતિનિધિ તરીકે કિસીંજર સાથે મંત્રણા કરી હતી. ડો. સારાભાઇએ કોણ જાણે શું કહ્યું કે કિસીંજર એક સંતોષ સાથે અમેરિકા જવા રવાના થઇ ગયા હતા. યાદ રહે કે એ વખતે ડો. વિક્રમ સારાભાઇ અણુશક્તિ પંચના અધ્યક્ષ હતા.

ઉપગ્રહ દ્વારા દેશના ખૂણે ખૂણે હજારો ગામડાંઓમાં સંદેશાવ્યવહાર અને ટીવી પ્રસારણ એ ડો. સારાભાઇનું સ્વપ્નુ હતું. આજે તે સાચું પડયું છે.

ડો. વિક્રમભાઇને શારીરિક રીતે કોઇ ગંભીર વ્યાધિ નહોતી, લોહીનું દબાણ થોડું વધું જણાતું. આથી તેઓ તેની દવા લેતા હતા અને નિયમિત રીતે તબિયત તપાસાવતા હતા. તા.૨૬-૧૨-૧૯૭૧ના દિવસે સાંજના પ્લેનમાં મુંબઇ ગયા. ત્યારે સંદેશો મળ્યો કે તા.૨૭-૧૨ના દિવસે મહત્ત્વની મિટિંગ માટે નવી દિલ્હી પહોંચવું. હજુ બે દિવસ પહેલાં જ દિલ્હી ગયા હતા ત્યારે આવી કોઇ મિટિંગ નક્કી નહોતી. તેઓ બીજે દિવસે થુમ્બા જવાનું રદ કરીને સવારે તા.૨૭-૧૨ના દિવસે દિલ્હી ગયા. સાંજે ખૂબ જ થાકીને પાછા ફર્યા. તા.૨૮-૧૨ના દિવસે થુમ્બા જવા વહેલી સવારે નીકળવાનું હતું. થુમ્બા રેલવે સ્ટેશનમાં શિલાન્યાસ કાર્યક્રમમાં રેલવે પ્રધાન શ્રી હનુમંતૈયા આવવાના હોવાથી ત્યાં જવું જ પડે એમ હતું. વળી તે વખતે તો ડાકોટા પ્રકારના નાનાં પ્લેન હતા. આથી ત્રિવેન્દ્રમ જવા વાયા બેંગલોર થઇને જવું પડતું હતું. ત્રિવેન્દ્રમ પહોંચીને તુરત જ ખૂબ ઝડપે કારમાં નજીકની હોટલમાં જઇને કપડાં બદલાવ્યાં અને ઝડપથી ત્રિવેન્દ્રમના અવકાશ મથક નજીકના થુમ્બા રેલવે સ્ટેશનના સ્થળે પહોંચ્યા અને તે જ વખતે રેલવે પ્રધાન પણ પહોંચ્યા. થુમ્બા રેલવે સ્ટેશનની શિલાન્યાસ વિધિ સમયસર થઇ ગઇ. બાદમાં, નિયમ મુજબ સાથી વિજ્ઞાાનીઓ સાથે મિટિંગો ચાલી. બીજા દિવસે તા.૧૯-૧૨ના દિવસે ફરી મિટિંગો શરૂ થઇ. બીજા દિવસે મુંબઇ જવાનું હોવાથી, રાત્રે વિજ્ઞાાનીઓને પોતાની સાથે જવા માટે કોવાલમ હોટેલમાં બોલાવ્યા અને ચર્ચાનો દોર જમતાં જમતાં ચાલુ રહ્યો. લગભગ ૧-૦૦ વાગ્યે બધા છૂટા પડયા. વિક્રમભાઇ બધાને ગુડ નાઇટ કહી સૂવા પોતાના રૂમમાં ગયા. સવારે ૫-૦૦ વાગે હોટેલના બેરરે કોફી લઇને દરવાજો ખટખટાવ્યો. પણ જવાબ ન મળ્યો. આથી તેણે માન્યું કે રાત્રે મોડે સુધી જાગ્યા હોવાથી થોડીવાર પછી તેઓને ઉઠાડવા. ૧૫-૨૦ મિનિટ બાદ ફરીથી પ્રયત્ન કર્યો. પરંતુ જવાબ ન મળ્યો. આથી નજીકમાં રહેતા તેમના અંગત સચિવ તથા સાથીને તુરત જ બોલાવ્યા અને બધાએ સાથે મળીને દરવાજાના વેન્ટિલેશનમાં હાથ નાખીને દરવાજો ઉઘાડયો અને જોયું કે, પથારીમાં વિક્રમભાઇ ચિરનિદ્રામાં સૂતા હતા. તુરત જ ડોકટરને બોલાવ્યા. ડોકટરે તેઓને તપાસીને કહ્યું કે, છેલ્લા ૩-૪ કલાકમાં તેઓને હૃદયરોગનો હુમલો આવ્યો જેથી તેઓનું અવસાન થયું છે.’

સામાન્ય રીતે તેઓ સૂતા પહેલા અખબાર લેતા. થોડીવાર વાંચી ઘડિયાળ કાઢી બહારના ટેબલ પર મૂકતા,સાથે અખબાર મૂકતા. ત્યાર બાદ પાણી પીને સૂઇ જતા. પરંતુ જ્યારે વિક્રમભાઇનો રૂમ ખોલવામાં આવ્યો ત્યારે ઘડિયાળ અને અખબાર પથારીમાં જ હતા પરંતુ લાઇટ બંધ હતી.

વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીનું તાસ્કંદમાં હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું ત્યારે તેઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહીં જે વિશે અનેક ટીકા થઇ હતી. તેમ ડો. વિક્રમભાઇનું ઓચિંતુ કોઇપણ રોગ ન હોવા છતાં, ઊંઘમાં અવસાન થયું. તેમ છતાં તેમનું પણ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહીં અને તેઓના આ પ્રકારના અવસાને અનેક શંકાને જન્મ આપ્યો.

તેઓએ કહ્યું હતું ઃ ‘મારા જીવનમાં મેં ત્રણ પ્રકારની ભૂમિકા ભજવી છે- વિજ્ઞાાની, ઉદ્યોગપતિ અને સરકારી અધિકારી, હું ઇચ્છું છું કે, મારા જીવનની છેલ્લી ભૂમિકા શિક્ષક તરીકેની હોય.’

ડો. વિક્રમ સારાભાઇને અમદાવાદ શહેર માટે અપાર પ્રેમ હતો. પરંતુ અત્રે નોંધનીય છે કે ગુજરાત યુનિર્વિસટીનું આધુનીકરણ કરવા ઇચ્છતા સ્વપ્નદૃષ્ટા ડો. વિક્રમ સારાભાઇને કુલપતિની ચૂંટણીમાં રાજકારણીઓને હરાવી દીધા હતા. ડો.વિક્રમ સારાભાઇ થોડાંક વર્ષ માટે પણ કુલપતિ બન્યા હોત તો આજે ગુજરાત યુનિર્વિસટીનું સ્વરૂપ કેવું હોત?

 
– દેવેન્દ્ર પટેલ