રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

તાલિબાન અને અલ કાયદાને પણ પાછળ પાડી દે તેવા ખૂંખાર આતંકવાદી સંગઠનનું નામ ISIS છે. તેનું આખું નામ ‘ઇસ્લામી સ્ટેટ ઇન ઈરાક એન્ડ ધી સીરિયા/ લેવેન્ટ’ છે. તે ટૂંકમાં ISIS તરીકે પણ ઓળખાય છે. અત્યાર સુધીમાં ઉદ્ભવેલાં આતંકવાદી સંગઠનો પૈકી આ સંગઠન સૌથી વધુ ખતરનાક અને નિર્દયી સાબિત થયું છે. આ સંગઠન જો તેની કાર્યવાહીમાં સફળ થશે તો માત્ર ઇરાકનું જ અસ્તિત્વ ખતરામાં છે તેવું નથી, આખી દુનિયાનો નકશો જ બદલાઈ જશે. આ સંગઠને ઇરાકમાં ખોફનાક રીતે ૧૭૦૦ જેટલા ઇરાકી સૈનિકોની હત્યા કરી તેની વીડિયો તસવીરો જાહેર કરી આખા વિશ્વને ચોંકાવી દીધું છે. માનવતાનાં તમામ મૂલ્યોને રક્તરંજિત કરી દેવાયાં છે. આખું વિશ્વ એ વાત જાણવા આતુર છે કે આખરે આ આતંકવાદી સંગઠન કોણ છે, જેના કારણે અમેરિકા પણ પરેશાન છે. ઇરાકની સડકો પર મોતનું તાંડવ જોઈ આખી દુનિયામાં ચિત્કાર ઊઠયો છે.

અત્યાર સુધી ઓસામા બિન લાદેન જ વિશ્વનો સૌથી ખૂંખાર આતંકવાદી ગણાતો હતો પરંતુ તેનું સ્થાન હવે અબુ બકર અલ બગદાદીએ લીધું છે. અલ બગદાદી નામનો માણસ જ ISISનો વડો છે. તેની તસવીર ઉપલબ્ધ નથી. તે પોતાના કમાન્ડરો સાથે પણ માસ્ક પહેરીને વાત કરે છે. વા ISISની કમાન સંભાળનાર અલ બગદાદી ઓસામા બિન લાદેનનો પ્રશંસક રહ્યો છે. અમેરિકી સૈનિકો દ્વારા ઓસામા બિન લાદેનની હત્યા બાદ તા.૧૬ મે, ૨૦૧૦ના રોજ ISIS અથવા તેના વડા અલ બગદાદીએ ફક્ત લાદેનની હત્યાનો બદલો લેવાની ઘોષણા કરી હતી, પરંતુ તેણે ઇરાક સહિત બધા જ લેવેન્ટ દેશો એટલે કે સાયપ્રસ, ઇઝરાયેલ, જોર્ડન, લેબેનોન, સીરિયા, પેલેસ્ટાઈન અને તુર્કીને મિલાવી એક નવો જ ઇસ્લામિક દેશ બનાવવાનું પણ એલાન કર્યું હતું. અલ બગદાદી વિશે ખુદ અમેરિકા પણ અંધારામાં હતું. એક સામાન્ય મૌલવી ખતરનાક આતંકવાદી સંગઠનનો વડો કેવી રીતે બની ગયો? એ વિશ્વની ગુપ્તચર સંસ્થાઓ માટે એક કોયડો છે. અમેરિકાના નેતૃત્વ હેઠળ ૨૦૦૩માં ઇરાક પર કરવામાં આવેલા હુમલા સમયે અલ બગદાદી એક મસ્જિદમાં મૌલવી હતો. એ વખતે અમેરિકી સૈનિકોએ આતંકવાદીઓના કેમ્પમાં અલ બગદાદીને ચાર વર્ષ સુધી કેદમાં રાખ્યો હતો. આ કેમ્પમાં અલ કાયદાના કમાન્ડરોને રાખવામાં આવેલા હતા. એ સમયગાળા દરમિયાન જ અલ બગદાદીનો ઝુકાવ આતંકવાદ તરફ વધતો ગયો. ફરક એટલો છે કે, ઓસામા બિન લાદેન અને અલ ઝવાહિરીની જેમ તે તેની વીડિયોગ્રાફી કદી કરવા દેતો નથી. તેની વાસ્તવિક ઓળખ અસ્પષ્ટ છે. એ કારણે તેનું નામ ‘અદૃશ્ય શેખ’ પણ પડયું છે.

ISIS એ ઇરાક યુદ્ધની નીપજ છે. તે અલ કાયદાનું જ ખતરનાક નવું સ્વરૂપ છે. આ સંગઠનના મુઠ્ઠીભર આતંકવાદીઓએ ઇરાકને લોહીલુહાણ કરી દીધું છે. ઇરાકના બીજા નંબરના શહેર તરીકે જાણીતું મોસુલ શહેર પણ આતંકવાદીઓના કબજા હેઠળ આવી ગયું છે. તેલની રિફાઈનરીઓ પર આ સંગઠન કબજો જમાવીને બેઠું છે.

આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ તે માટેનાં કારણો જાણવાં જેવાં છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી દળો પાછાં ખેંચી લેવાની વાત અને શરૂઆત કરી તે પછી આ પ્રશ્નો ઊભા થયા છે. વિશ્વના ઘણા બધા દેશોમાં સમસ્યાઓ ઊભી કરનાર પણ ખુદ અમેરિકા જ છે. જે જે દેશોમાં અમેરિકા પ્રવેશ્યું છે તે તે દેશોમાં આવી જ પરિસ્થિતિ પેદા થઈ છે. ઇરાકને લાગેવળગે છે ત્યાં સુધી અમેરિકાએ એ દેશમાં સૌથી વધુ દરમિયાનગીરી કરી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ સિનિયર બુશને તેલના રાજકારણ અને ડોલરના રાજકારણમાં રસ હોઈ ઇરાક પર આક્રમણ કર્યું હતું, જે ‘ગલ્ફ વોર-૧’ તરીકે ઓળખાયું તે પછી તેમના પુત્ર જુનિયર જ્યોર્જ બુશે પિતાની ઇચ્છાઓ પૂરી કરવા ઇરાકના એ વખતના વડા સદ્દામ હુસેન પર એવો આરોપ મૂક્યો કે, સદ્દામ હુસેન પાસે વિશ્વનો નાશ કરી દે તેવાં ખતરનાક રાસાયણિક અને પરમાણુ શસ્ત્રો છે. એવા આક્ષેપ સાથે ઇરાક સાથે યુદ્ધ છેડયું. લાખ્ખો ઇરાકીઓને મોતને ઘાટ ઉતાર્યા. પપેટ સરકાર મૂકી સદામ હુસેનને ફાંસી આપી દીધી, પરંતુ ઇરાકમાંથી કોઈ શસ્ત્રો મળ્યા નહીં. સદ્દામ પાસેથી કંઈ ન મળતાં પરેશાન થયેલા અમેરિકાએ લોકતાંત્રિક સરકાર સ્થાપિત કરવાના બહાને જે ષડ્યંત્ર રચ્યું તેનાં પરિણામો બહુ જ ઘાતક નીવડયાં. ISIS અથવા ISIS એ જે નવા ઈસ્લામી રાષ્ટ્રની સાજિશ રચી છે, તે લાખો બેગુનાહ લોકોની અમેરિકા દ્વારા કરવામાં આવેલી કતલનો અંજામ છે.

નોંધપાત્ર વાત એ છે કે, ૨૦૧૧માં અમેરિકાના સૈનિકોએ ઇરાક છોડયું ત્યારે ઇરાકનું તંત્ર પત્તાંના મહેલ જેવું હતું. ઇરાકમાં પહેલેથી જ શિયા અને સુન્નીઓ વચ્ચે સંઘર્ષ ચાલે છે. આ સંઘર્ષ હવે નાગરિક યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. અહીં કુર્દ લોકો પણ રહે છે. તેઓ પણ અલગ રાષ્ટ્રીયતા માગી રહ્યા છે. અમેરિકાએ વિદાય લેતી વખતે બગદાદનું શાસન શિયા-સરકારને સોંપ્યું હતું. સરકારના વડા તરીકે નૂરી અલ મલિકી હંમેશાં બિન લોકપ્રિય રહ્યા. લોકોને પાણી, રસ્તા, વીજળી કે શિક્ષણની સવલતો આપવામાં તે નિષ્ફળ રહ્યા. પરિણામ એ આવ્યું કે સુન્ની લોકો અલગ થઈ ગયા અને સુન્નીઓ જ સરકાર સામે બળવાખોર બની ગયા. આ વિદ્રોહીઓ અમેરિકા દ્વારા તાલીમ પામેલા ઇરાકના લશ્કર સામે પણ મેદાને પડયા. રસપ્રદ વાત એ છે કે ઇરાકના લશ્કરમાં શિયા અને સુન્ની બેઉ છે જ્યારે ISIS અથવા ISIS એ સુન્ની આતંકવાદી સંગઠન છે.

આશ્ચર્યની વાત એ છે કે ISISના થોડાક જ આતંકવાદીઓએ રાતોરાત ઇરાકના બીજા નંબરના ઓઈલ- રિચ નગર મોસુલ પર ગણતરીના કલાકોમાં કબજો જમાવી દીધો. તે પછી તિરકીટ જીતી લીધું. તિરકીટ એ સદામ હુસેનનું વતન છે.

ઇરાકમાં ચાલી રહેલા આ ગૃહયુદ્ધના આખા વિશ્વમાં પ્રત્યાઘાત પડે તેમ છે. ભારત તેનું ૮૦ ટકા ક્રૂડ વિદેશોમાંથી આયાત કરે છે. પશ્ચિમ એશિયામાં કોઈ પણ કટોકટી ઊભી થાય તો તેની સીધી અસર ભારત પર પડે છે. ભારત લગભગ ૧૨થી ૧૫ ટકા ક્રૂડ ઇરાકથી મગાવે છે. કેન્દ્ર સરકાર કહે છે કે ચિંતાનું કોઈ કારણ નથી, પરંતુ હકીકતમાં એવું નથી. ખતરાની ઘંટડી ગમે ત્યારે વાગી શકે તેમ છે. હા, ગમે ત્યારે પેનિક બટન દબાવવામાં આવશે અને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન તથા ગેસના ઊંચા ભાવ ચૂકવવાની ભારતવાસીઓએ તૈયારી રાખવી પડશે. ભારત સરકારે અન્ય દેશો પાસેથી પણ ક્રૂડ ઓઈલ મેળવવાના વિકલ્પો સત્વરે વિચારવા પડશે.

સૌથી મોટી િંચંતાની વાત એ છે કે, તાજેતરમાં બીજો એક વીડિયો જારી થયો છે. તેમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે,ત્રાસવાદીઓની એક વણઝાર કાશ્મીરને આઝાદ કરાવવા માટે અફઘાનિસ્તાનના માર્ગે આગળ વધી રહી છે. આ વીડિયોઓમાં અલ કાયદાના પાકિસ્તાન સેલ્ટન વડા મૌલાના આસીમ ઉમરે એવી અપીલ કરી છે કે, કાશ્મીરી મુસલમાનોએ તેમના ઇરાકના અને સીરિયામાં રહેણાક ભાઈઓને મદદ કરવા માટે ભારત સામે હિંસક જેહાદ શરૂ કરવાની જરૂર છે. આ વીડિયોની અગત્યતાની ચકાસણી થઈ રહી છે, પરંતુ એણે ભારતીય સલામતી દળોની નીંદ હરામ કરી દીધી છે. અને છેલ્લે એક વાત નોંધવી જોઈએ કે,ઇરાકનો સરમુખત્યાર સદ્દામ હુસેન ભલે એકાધિકારવાદી હતો પણ એણે જ ઇરાકને આધુનિક બનાવ્યું હતું. કટ્ટરપંથીઓને એણે જ દૂર રાખ્યા હતા. ઇરાક પરના યુદ્ધને ખુદ પ્રેસિડેન્ટ બરાક ઓબામા એ જ ‘dumb war’ કહ્યું છે. આ યુદ્ધે જ ઇરાકને છિન્ન ભિન્ન કરી નાખ્યું. આજે ઇરાકમાં ખતરનાક ત્રાસવાદી સંગઠન પેદા થયું છે, જેનું નામ ISIS છે. તેનું અસલ નામ ‘અલ કાયદા ઇરાક’ હતું. આ આતંકવાદી સંગઠનના જન્મની મીડ વાઇવ્સ (દાયણો) જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને ટોની બ્લેર છે.

www. devendrapatel.in