ગુજરાત કોંગ્રેસના પૂર્વ પીઢ નેતા ઠાકોરભાઇ દેસાઇ ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાંથી ૧૯૬૨ની ચૂંટણી હાર્યા અને ૧૯૬૭માં તે જ મત વિસ્તારમાંથી ફરી ચૂંટણી લડયા. આ વખતે તેમની જીત થઇ. આગલી સરકારમાં મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના વિમાની અકસ્માત બાદ હિતેન્દ્રભાઇ દેસાઇ મુખ્યમંત્રી થયા હતા. તેઓ ૧૯૬૭માં પણ મુખ્યમંત્રીપદે ચાલુ રહે તે સ્વાભાવિક હતું. પરંતુ ઠાકોરભાઇ દેસાઇના કાર્યકરોએ કહી નાંખ્યુ કે “આપણે કાંઇ વિધાનસભાનો એક સભ્ય ચૂંટીને મોકલતા નથી, આપણા ગુજરાતનો મુખ્યમંત્રી ચૂંટીને મોકલીએ છીએ.”
ઠાકોરભાઇ દેસાઇ પણ સહજ આનંદમાં હતા. તેમણે પેલા કાર્યકર્તાની વાત ટાંકીને કહ્યું : “હું મુખ્યમંત્રી થાઉં કે ના થાઉં એ વાત જુદી છે, પણ મુખ્યમંત્રી બને તેવા સંભવીત નામોમાં મારી ગણના થાય છે.”
ઠાકોરભાઇ દેસાઇનું આ વિધાન સાંભળ્યા બાદ હિતેન્દ્રભાઇ દેસાઇના હિતેચ્છુઓને ફાળ પડી અને ઠાકોરભાઇ ખરેખર શું બોલ્યા હતા તે જાણવા દોડાદોડી કરી મૂકી. ઘણા કાર્યકર્તાઓએ ઠાકોરભાઇને કહ્યું: “એકવાર તમે મુખ્યમંત્રી બનવા હા પાડો બસ પછી અમે બધું સંભાળી લઇશું.”
“ઠાકોરભાઇ દેસાઇએ કહ્યું : “મુખ્યમંત્રી તરીકે બધા મને પસંદ કરે તો પણ એ કરવા જેવંુ નથી. કારણ કે એમ કરવાથી કોંગ્રેસની શિસ્ત તૂટી જાય. અને બીજું કેન્દ્રમાં મોરારજીભાઇનું સારું ના દેખાય. હું વિધાનસભામાં માત્ર સભ્ય તરીકે બેઠો હોઉં તે જ પૂરતું છે.
તે પછી હિતેન્દ્રભાઇ દેસાઇ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ઠાકોરભાઇ દેસાઇને પંચાયત, સહકાર, ખેતી ખાતાના મંત્રી બનાવવામાં આવ્યા. ૧૯૫૨ થી ૧૯૭૧ સુધી ઠાકોરભાઇ દેસાઇ અમદાવાદમાં રહ્યા. ૧૯૬૭ સુધી અમદાવાદની કોઇપણ બેંકમાં તેમનો એકાઉન્ટ નહોતો. ૧૯૬૭માં હિતેન્દ્રભાઇ દેસાઇના મંત્રીમંડળમાં તેઓ પ્રધાન બન્યા અને મંત્રી તરીકેના વેતનનો પહેલો ચેક તેમને મળ્યો ત્યારે તેમના અંગત મદદનીશ છોટુભાઇએ ઠાકોરભાઇના પુત્ર જિતેન્દ્ર દેસાઇને પૂછયું : “સાહેબનો બેંક એકાઉન્ટ કઇ બેંકમાં છે?”
જિતેન્દ્ર દેસાઇએ કહ્યું : “પિતાજીના નામના કોઇ બેંક એકાઉન્ટ છે જ નહીં!” તે પછી આશ્રમ રોડની સેન્ટ્રલ બેંકમાં એમને બોલાવવામાં આવ્યા. ૧૯૭૧માં તેમનું અવસાન થયું ત્યારે તેમાં નજીવું બેલેન્સ હતું. ઠાકોરભાઇ દેસાઇએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી હતી.
ઠાકોરભાઇ દેસાઇનું વ્યક્તિત્વ સ્પષ્ટ નિખાલસ અને ભાતીગળ હતું. પત્રકારોને તેઓ ગમતા પણ ખરા અને ક્યારેક સાવ વિચિત્ર પણ લાગતા. એ વખતના દેશના રાષ્ટ્રીય નેતા ગોવિન્દ વલ્લભ પંત ગુજરી ગયા. ગોવિન્દ વલ્લભ પંતે આજે જાઉં કે કાલે જાઉં કરતા ખાસ્સા ૩૦ થી ૪૦ દિવસ મૃત્યુને પાછું ધકેલ્યું હતું. એ પછી એક મધરાતે તેઓ ગુજરી ગયા. એક ઉત્સાહી પત્રકારે મધરાતે ફોન કરી ઠાકોરભાઇને ઊંઘમાંથી ઉઠાડતાં કહ્યું : “ઠાકોરભાઇ, ગોવિંદ વલ્લભ પંત ગયા.”
ઠાકોરભાઇએ કહ્યું “સારું. બીજું કાઇ છે?”
પત્રકાર શું કહે? બોલ્યા વગર ફોન મૂકી દીધો.
ઠાકોરભાઇ કેટલીયવાર બોલે જ એવું કે અખબારોને મસાલો મળી જતો. મહાગુજરાતની ચળવળ વખતે ભદ્ર કોંગ્રેસ ભવન પરથી વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો હતો. વિદ્યાર્થીઓ શહીદ થયા. કોઇએ ઠાકોરભાઇને પૂછયું તો તેમણે કહ્યું હતું : “બંદૂકની ગોળી પર કોઇના નામ સરનામાં હોતા નથી.”
એકવાર તેઓ ભરૂચ કાર્યકર સંમેલનમાં ગયા હતા. એ વખતે દક્ષિણ ગુજરાતની અલગ યુનિર્વિસટી શરૂ થઇ હતી. એ વખતે કોઇકે તેમને યુનિર્વિસટી અને વાઇસ ચાન્સેલર અંગે પ્રશ્ન પૂછયો. એના જવાબમાં ઠાકોરભાઇ દેસાઇએ કહ્યું હતું : “પહેલાં મુંબઇની એક જ યુનિર્વિસટી હતી. તેમાં વાઇસ ચાન્સેલરને મળવું હોય તો પણ મળાય નહીં તેવી સ્થિતિ હતી. આજે સાત યુનિર્વિસટી થઇ જતાં વાઇસ ચાન્સેલર તો હવે બજારમાં મળે છે.” અખબારોએ ઠાકોરભાઇ દેસાઇના આ વિધાનને બોક્સ બનાવી છાપ્યા હતા.
એ જ રીતે ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઇ વચ્ચે મતભેદો થતાં કોંગ્રેસના ભાગલા થયા. તેની ઘણી મોટી અસર ગુજરાતમાં હતી. એ વખતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે ઠાકોરભાઇ દેસાઇ હતા. તેઓ મોરારજી દેસાઇની સ્પષ્ટ તરફેણમાં હતા. ઠાકોરભાઇ દેસાઇ મોરારજી દેસાઇના ચુસ્ત સમર્થક હતા. એ વખતે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. એ સમયે મોરારજી દેસાઇ અને ઇન્દિરા ગાંધી વચ્ચે મતભેદો પરાકાષ્ઠાએ પહોંચ્યા હતા ત્યારે ઠાકોરભાઇ દેસાઇએ કોંગ્રેસ ભવનમાં પ્રવચન કરતાં જાહેરમાં કહ્યું હતુ કે, “ઇન્દિરા ગાંધીને વડાપ્રધાનની ખુરશીમાંથી ઉઠાડી મૂકો. જેમને કોંગ્રેસમાં વિશ્વાસ ના હોય તેઓ કોંગ્રેસ છોડી જાય.” આવું બોલવાની હિંમત બીજા કોઇ કોંગ્રેસીમાં નહોતી.
બીજા દિવસના અખબારોમાં ઠાકોરભાઇ દેસાઇનું આ વિધાન હેડલાઇન્સ તરીકે પ્રગટ થયું. તે પછી કોઇ પત્રકારે ઠાકોરભાઇને પૂછયું : “જે લોકો કોંગ્રેસ છોડી ગયા છે તેમના માટે તમે શું માનો છો?”
ઠાકોરભાઇ દેસાઇએ કહ્યું : “ગયા તે સારું થયું. કચરું સાફ થઇ ગયું.” ઠાકોરભાઇના આ વિધાને પણ ખૂબ ચર્ચા ઊભી કરી હતી.
ઠાકોરભાઇ દેસાઇ ચા પીવાના શોખીન હતા. કોઇના ઘેર ગયા હોય અને યજમાન ચા પીવાની ઓફર કરે તો ઠાકોરભાઇ ભાગ્યે જ નકારતા. રાત્રે લાંબો પ્રવાસને અંતે ઘેર આવે તો પણ એક કપ ચા પીને ઘસઘસાટ ઊંઘી જતા. એ જ રીતે બીડી પીવાના પણ તેઓ શોખીન હતા. ઘરમાં કકળાટ છતાં તેઓ બીડી છોડી શક્યા નહોતા. ઘરમાં નિયંત્રણ આવતાં ક્યારેક બાથરૂમમાં જઇ બીડી પી લેતા. તે પછી કાળજીથી બાથરૂમ ધોઇ નાંખતા અને બાથરૂમમાંથી બીડીની વાસ ના જાય ત્યાં સુધી બહાર આવતા નહીં. બહાર ગયા હોય અને તેમની બીડીઓ ખલાસ થઇ ગઇ હોય તો કાર્યકર પાસેથી પણ બીડી માંગીને પીતા તેમને સંકોચ થતો નહીં. નવસારીમાં બીડી વાળનાર કેટલાક મુસલમાન કારીગરોએ પોતે વાળેલી બીડી જાતે જ વેચવી તેમ નક્કી કર્યું હતું. તે માટે તેમણે દુકાન રાખવાનું નક્કી કર્યું. એક દુકાન રાખ્યા બાદ તેનું ઉદ્ઘાટન કોની પાસે કરાવવું તે મૂંઝવણ હતી. કારીગરોએ નક્કી કર્યુ કે બીડીની દુકાનના ઉદ્ઘાટન માટે બીડીની લિજ્જત માણનાર વ્યક્તિ જ હોવો જોઇએ. તે બધાની નજર ઠાકોરભાઇ દેસાઇ પર ઠરી. બધા કારીગરો ઠાકોરભાઇ પાસે ગયા અને તેમની બીડીની દુકાનનું ઉદ્ઘાટન કરવા આવવા વિનંતી કરી. ઠાકોરભાઇ દેસાઇએ તરત જ હા પાડી દીધી. ઠાકોરભાઇ દેસાઇ બીડીની દુકાનનું ઉદ્ઘાટન કરી ઘેર આવ્યા ત્યારે તેમની પાસે પચાસેક બીડીની ઝૂડીઓ હતી.
ઠાકોરભાઇ દેસાઇ જેવું તળપદું અને સ્વચ્છ વ્યક્તિત્વ આજે જાહેર જીવનમાં શોધ્યું પણ જડે તેમ નથી.
ઠાકોરભાઇ દેસાઇએ કાર્યકરોના આગ્રહ છતાં મુખ્યમંત્રી બનવા ઇનકાર કરી દીધો
Comments are closed.