ગાંધીજી સાહિત્ય પરિષદની ચૂંટણી હાર્યા.અબ્રાહમ લિંકન અનેક વાર ચૂંટણીઓ હાર્યા.ચર્ચિલને પણ લોકોએ હરાવી દીધા.ઇંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં હતાં.મોરારજી દેસાઇ ચૂંટણી હારી ગયા હતા.
લોકસભાની ચૂંટણી પૂરી થઈ. પરિણામો પણ આવી ગયાં. નવી સ્થિર સરકારની રચના પણ થઈ. કેટલાંક જીતી ગયા. બહુ બધાં હારી ગયા. ક્યાંક ભારે ઉત્સવ તો ક્યાંક શોકની કાલિમા જોવા મળી. હંમેશાં જીતનારાઓ કરતાં હારનારાઓની સંખ્યા વધારે હોય છે. પરાજિત ઉમેદવારો અને પાર્ટીઓને કળ વળતાં સમય લાગશે. યાદ રહે કે રાજનીતિ એ અનિશ્ચિતતાથી ભરપૂર બાબત છે. રાજનીતિ ક્રૂર પણ છે અને પ્રવાહી પણ છે. હાર-જીતના કોઈ ચોક્કસ નિયમો હોતા નથી. તેની કોઈ પ્રમાણિત રૂલબુક પણ નથી. જેઓ માત્ર ચૂંટણી જ જીતે છે તેઓ જ જીવનનાં તમામ ક્ષેત્રોમાં કામયાબ છે તેવું નથી. જેઓ માત્ર ચૂંટણી જ જીતે છે તેઓ જ ભારતના ભાગ્યવિધાતા બને છે તેવું પણ નથી. ગાંધીજી ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખપદની સામાન્ય ચૂંટણી હારી ગયા હતા. તેઓ કદીયે લોકસભાની ચૂંટણી લડયા નહીં છતાં તે ભારતના રાષ્ટ્રપિતા કહેવાયા. ગોપાલકૃષ્ણ ગોખલે, રવીન્દ્રનાથ ટાગોર, દાદાભાઈ નવરોજી કે મોતીલાલ નહેરુ ચૂંટણી લડયા વગર દેશમાં સહુના આદરણીય રહ્યા. ઇંદિરા ગાંધી એક વાર ચૂંટણીમાં પછડાટ ખાધા પછી પણ વડાપ્રધાન બન્યાં હતાં. ચૂંટણીમાં હાર-જીત એ કુદરત અને જીવનની રમતનો એક ભાગ છે. જેઓ જીતે છે તેમણે હારવાની તૈયારી રાખવી જોઈએ અને જેઓ હારે છે તેમણે જીતવાની તૈયારી રાખવી જોઈએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલર સામે બ્રિટન અને સાથી પક્ષોને જીત અપાવનાર બ્રિટનના વડાપ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલને લોકોએ હરાવી દીધા હતા.
પોલિટિકલી ઇનકરેક્ટ છતાં ચૂંટણીમાં હારજીત તો ચાલ્યા કરે છે. અમેરિકાના સન્માનનીય પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન અનેક વાર ચૂંટણીઓ હાર્યા બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા. અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ બરાક ઓબામા શ્વેત માતાની કૂખે જન્મેલા કાળા પિતાના બાળક હતા. જેને ગોરાઓ કાળો અને કાળાઓ ગોરો સમજતા, જે બન્નેના રોષ અને અવિશ્વાસનું પાત્ર હતો. આજે એ માણસ વ્હાઈટ હાઉસમાં ગયો છે. કાળાઓએ પણ એને પોતાનો માન્યો છે અને ગોરાઓએ પણ. બરાક ઓબામાની ઉમેદવારી દુન્યવી રીતે ‘પોલિટિકલી કરેક્ટ’ નહોતી છતાં માત્ર અમેરિકાએ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના સમાજે તેમને સ્વીકૃતિ આપી છે.
ઓબામાની સફળતા એમના એટિટયુડ્સમાં છુપાયેલી છે. જે વાત માટે એમને રંજાડવામાં આવ્યા હતા એ જ વાત એમની આઉટસ્ટેન્ડિંગ ગુણવત્તાનો સજ્જડ પુરાવો બની ગઈ છે. એવું નથી કે બરાક ઓબામાએ ભૂલો કરી નથી, પણ દરેક વખતે તેમણે નવી ભૂલો કરી અગાઉની ભૂલોનું પુનરાવર્તન કર્યું નથી. પરાજયથી નિરાશ થવાને બદલે દરેક વખતે તેમની વિજયની ભૂખ વધતી રહી. બહુ ઓછા લોકો જાણે છે કે નાનપણમાં શાળામાં તેમને ‘ઢોલુ’ કહી અન્ય બાળકો ચીડવતાં હતાં. બાલ્યાવસ્થામાં તેઓ દારૂ, સિગારેટ અને ડ્રગ્સના શિકાર બન્યા હતા, પરંતુ યુવાનીમાં હોસ્ટેલમાં રહી અભ્યાસુ બની ગયા અને તે પછી જીવનની ક્ષિતિજો વિસ્તારવા આયોજન કરવા લાગ્યા. ઓબામાના દોસ્તો કહે છેઃ “એમના જેટલું સૂક્ષ્મ આયોજન ભાગ્યે જ કોઈ કરતું હશે. માણસો આળસુ હોતા નથી, પરંતુ તેમની પાસે સર્જનાત્મક સ્વપ્નો હોતાં નથી. માણસો કામચોર હોતા નથી પરંતુ તેમની પાસે કામનું કોઈ પ્રયોજન હોતું નથી. રાજનીતિમાં બીજાં કાર્યો હોતાં નથી, પરંતુ બીજા ક્રમાંકની પોઝિશન હોતી નથી. આવું માનનારા માણસો પાસે વિજય સિવાય બીજું કાંઈ મળતું નથી.”
પ્રેસિડેન્ટ બરાક ઓબામા કહે છેઃ “રાજકારણ એ પૂર્ણ સમયની રમત છે અને અધવચ્ચેથી છોડી શકાય નહીં. તેમાં રહેલી મજા જોતાં રહેવાથી પણ ચાલતું નથી. થોડી તડજોડ પણ કરવી પડે છે, પણ છેવટે તો તમારે મેદાન પર જ પરફોર્મ કરવું પડે છે. એકમાત્ર સાચું છે કે, એ માટે ખેલદિલી અર્થાત્ સ્પોર્ટ્સમેન સ્પિરિટ જોઈએ અને જીતવા માટે સખત વ્યૂહરચના જોઈએ. જીતવા માટે એનાથી વધુ કાંઈ કરવું પડતું નથી.”
ગુલામોના તારણહાર અબ્રાહમ લિંકનની વાત કરી લઈએ. અબ્રાહમ લિંકન ઈલિનોય રાજ્યના ધારાસભ્ય તરીકે આઠ વર્ષના અનુભવ બાદ હવે રાષ્ટ્રીય ભૂમિકા પર ‘કોંગ્રેસ’માં જવા માગતા હતા. ભારતમાં કોંગ્રેસ એ રાજકીય પક્ષનું નામ છે પણ અમેરિકામાં પાર્લમેન્ટને કોંગ્રેસ કહે છે. પક્ષમાં તેમના અનેક મિત્રો હોવા છતાં તેમને કોંગ્રેસ (પાર્લમેન્ટ)માં જવાની ટિકિટ ન મળી. ફરી ટિકિટ માટે તેમણે ચાર વર્ષ રાહ જોવાનું નક્કી કર્યું. છેવટે તા.૧ મે, ૧૮૪૬ના રોજ વિગ પક્ષના સંમેલનમાં તેમને કોંગ્રેસમાં જવા માટે પક્ષના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા.
એ વખતે લિંકનની સામે પીટર કાર્ટરાઈટ નામનો ડેમોક્રેટિક પક્ષનો ઉમેદવાર ખૂબ જ પ્રભાવશાળી અને આગઝરતાં ધર્મોપદેશક ભાષણો આપનાર મજબૂત ઉમેદવાર હતો. તે ઝનૂની હતો. પીટર કાર્ટરાઈટ લિંકનની વિરુદ્ધ કંઈ કહી શકે તેમ નહોતો તેથી તે બધી જ સભાઓમાં લિંકનને નાસ્તિક કહેતો હતો. અબ્રાહમ લિંકન કોઈ પણ ખ્રિસ્તી સંપ્રદાયના કે ચર્ચના સભ્ય નહોતા. ચૂંટણી દરમિયાન તેમના હરીફે એક પેંતરો રચ્યો. તેમની સામેનો ઉમેદવાર પીટર કાર્ટરાઈટ એક સ્થળે ધાર્મિક પ્રવચન આપવાનો હતો. જાણીબૂઝીને યોજનાના ભાગરૂપે એણે એ સભામાં લિંકનને પણ આવવા આમંત્રણ આપ્યું. મિત્રોએ લિંકનને એ સભામાં ન જવા સલાહ આપી હતી, પરંતુ એ સલાહને અવગણીને લિંકન એ ધાર્મિક સભામાં ગયા. હવે લાગ જોઈને પીટર કાર્ટરાઈટે લિંકનને સાણસામાં લેવા એક યુક્તિ કરી. એણે સભાજનોને સંબોધતાં કહ્યું: ” જેઓ નવું જીવન જીવવા તથા પોતાનું હ્ય્દય ઈશ્વરને સર્મિપત કરવા ઇચ્છતાં હોય તથા જેઓ સ્વર્ગમાં જવા ઇચ્છતા હોય તે બધાં ઊભા થાય.”
લિંકન સિવાયના તમામ સભાજનો ઊભા થઈ ગયા. એ પછી કાર્ટરાઈટે બધાંને બેસી જવા કહી ફરી કહ્યું: “જેઓ નર્કમાં જવા ન ઇચ્છતા હોય તે બધાં ઊભા થાય.” આ વખતે પણ લિંકન સિવાયના બધાં જ સભ્યો એકદમ ઊભા થઈ ગયા.
એ પછી પીટર કાર્ટરાઈટે અબ્રાહમ લિંકનને પૂછયું: “મિ.લિંકન, તમે ક્યાં જવા માગો છો? હું એ પૂછી શકું?”
અબ્રાહમ લિંકને ઊભા થઈ જવાબ આપ્યોઃ “હું ન તો સ્વર્ગમાં જવા માગું છું કે ન તો નર્કમાં, હું કોંગ્રેસ (પાર્લમેન્ટ)માં જવા માગુ છું.”
અબ્રાહમ લિંકનના આ સ્પષ્ટ જવાબની અસર પીટર કાર્ટરાઈટે ધારી હતી કે એ કરતાં ઊલટી થઈ અને મોટા ભાગના સભાજનો લિંકનની તરફેણમાં થઈ ગયા. લિંકનને અનાયાસે જ નવા મતદારો મળી ગયા. મણિશંકર ઐયરે જે રીતે નરેન્દ્ર મોદીને ચાવાળો કહી ફસાવવા કોશિશ કરી અને મોદીને અનાયાસે પણ આ રીતે જ નવા મતદારો મળી ગયા તેમ. ચૂંટણીનું પરિણામ અબ્રાહમ લિંકનની તરફેણમાં આવ્યું!
સહુને જીતવા માગું છું
ચાલો, ફરી બરાક ઓબામા પર આવીએ. ઓબામા ચૂંટણી લડી રહ્યા હતા. તેઓ જે શિકાગો યુનિવર્સિટીમાં ભણ્યા હતા તે રાઈડ પાર્કમાં આવેલી છે. ઓબામા ગોરા અને કાળાઓ વચ્ચે એક સેતુ બનવા માગતા હતા. આ સંદર્ભમાં તેમના એક અધ્યાપકે ઓબામાને સલાહ આપી કે ગોરા-કાળાઓને ભેગા કરવાની મથામણમાં એ બેઉ તારાથી દૂર થઈ જશે. આ રમત ડેન્જરસ છે.
એ વખતે તેમની કોલેજના એક પ્રિન્સિપાલે પૂછયું: “મિ.ઓબામા, તમારી વોટબેન્ક કઈ?”
“હાલ તો આફ્રિકન-અમેરિકન” ઓબામાએ જવાબ આપ્યો.
“તમે આ ગોરા અને કાળાઓને સાથે લાવવા પ્રયત્ન શા માટે કરો છો?”
“કારણ કે મારે ફક્ત ચૂંટણી જ જીતવી નથી.”
“આપણે સહુ કોઈએ જીતવું છે.”
“એટલે એનો અર્થ એ છે કે, વર્ષો સુધી આપણા દેશના લોકોને રોજગાર મળવાનો ન હોય, વર્ષો સુધી લોકોને સારી આરોગ્યની સેવાઓ મળવાની ન હોય, વર્ષો સુધી બાળકોને સારું શિક્ષણ મળવાનું ન હોય, વર્ષો બાદ પણ લોકોનાં ઘરમાં સાદું ફ્રીજ પણ ન હોય તો આપણે મતોનું રાજકારણ કરતા રહેવાનો કોઈ અર્થ નથી.”
અને કોલેજના પ્રિન્સિપાલે કહ્યું: “મિ.ઓબામા, તમારા જેવો યોગ્ય પ્રાધ્યાપક શોધેય નહીં મળે.”
ભારતની લોકસભામાં ચૂંટાયેલા અને નહીં ચૂંટાયેલા તમામ સભ્યો માટે આ પ્રસંગો એક સાંત્વન અને દિશાસૂચન છે. યાદ રહે કે રાજનીતિમાં કોઈ સ્ટાન્ડર્ડ રૂલબુક નથી. પરિણામનો મતલબ ધી એન્ડ નથી.
Comments are closed.