ગુજરાતના પૂર્વ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઇસ ચાન્સેલર ઠાકોરભાઇ દેસાઇ જે ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા તે જ વિદ્યાપીઠના તેઓ કુલનાયક અર્થાત વાઇસ ચાન્સેલર થયા હતા. ડો. રાજેન્દ્ર પ્રસાદના અવસાન બાદ મોરારજી દેસાઇ ગૂજરાત વિદ્યાપીઠના ચાન્સેલર બન્યા હતા. કોઇએ તેમને પૂછયું કે, “ગૂજરાત વિદ્યાપીઠમાંથી તમે શું શીખ્યા?”
તો ઠાકોરભાઇ દેસાઇને જવાબ આપ્યો હતો : “ગાંધીજી, જગદગુરુ શંકરાચાર્ય, અંબાલાલ સારાભાઇ (મિલમાલિક અને મારો રવિયો દૂબળો એ સહુ સમાન છે.”
રવિયો દૂબળો એટલે કોણ?
ઠાકોરભાઇ દેસાઇ મૂળ નવસારી પાસેના ખરસાડ ગામના વતની. તેમના વડવાઓ મોસાળમાં ગણદેવી જિલ્લાના વેગાળ ગામે ગયા હતા. તેઓ અનાવિલ હતા. મોરારજી દેસાઇ પણ અનાવિલ હતા. વાપીથી તાપી વસતાં અનાવિલ ખેડૂત કુટુંબોમાં હાળીની પ્રથા હતી, હાળી એટલે સુખી જમીનદાર ખેડૂતના ત્યાં કાકા કરતો જમીનવિહોણો ખેત મજૂર. એક એક પ્રકારની ગુલામીની જ પ્રથા હતી. ઠાકોરભાઇ યુવાન હતા ત્યારે તેમના ઘેર ‘રવિયો’ નામનો હાળી-ખેતમજૂર કામ કરતો હતો. આ ‘રવિયો’ ઠાકોરભાઇના મનમાં વસી ગયો હતો. રવિયો એટલે સમાજનો નબળામાં નબળો છેવાડાનો ગરીબ માણસ. ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા બાદ ઠાકોરભાઇ દેસાઇ વાઇસ ચાન્સેલરથી માંડીને ગુજરાત સરકારમાં પ્રધાન બન્યા પરંતુ આ સમગ્ર કાળ દરમિયાન ‘રવિયો’- ગરીબ માણસની સેવા જ તેમનો જીવનમંત્ર બની ગયો. એટલે જ તેઓ રવિયા દૂબળાને અને મિલમાલિકને એક સરખા ગણતા.
એ વખતે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક એટલે કે વાઇસ ચાન્સેલર કોને બનાવવા તેની શોધ ચાલતી હતી. ઠાકોરભાઇ દેસાઇ તેમના સ્વભાવ પ્રમાણે કોઇ પદ માગે જ નહીં. વિદ્યાપીઠના વરિષ્ઠોએ નક્કી કર્યું કે, ‘ઠાકોરભાઇ દેસાઇને જ વાઇસ ચાન્સેલર બનાવો.’ ઠાકોરભાઇને વાઇસ ચાન્સેલર બનાવવાનું નક્કી થયું તે વખતે ઠાકોરભાઇએ વરિષ્ઠો આગળ એક શરત મૂકી : “તમારે દર વર્ષે મારા માટે પાંચ એડમિશન રિઝર્વ રાખવાં. હું જેના નામની ભલામણ કરું તેને એડમિશન આપવાં.”
પ્રસ્તાવ લઇને ગયેલા રામલાલ પરીખ તેમને ઓળખે એટલે એમણે તરત જ એ શરત મંજૂર રાખી. પણ વાત બહાર આવી ગઇ. અધ્યાપકોમાં ગણગણાટ શરૂ થયો : “આ શરત કેવી? પાંચ એડમિશન વાઇસ ચાન્સેલર ધારે તેને આપે તે કેવું?”
કેટલાક સમય બાદ એક આદિવાસી ગરીબ વિદ્યાર્થીએ ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટે અરજી કરી. તે લેખિત પ્રવેશ પરીક્ષામાં નાપાસ થયો. તે વિદ્યાર્થી ઠાકોરભાઇ દેસાઇ પાસે આવ્યો. ઠાકોરભાઇ દેસાઇએ તે ગરીબ વિદ્યાર્થીને પ્રવેશ આપવા સૂચના આપી. કોઇએ પૂછયું : “આમ કેમ કર્યું?”
તો ઠાકોરભાઇ દેસાઇએ જણાવ્યું : “કોઇ વિદ્યાર્થી પછાત વિસ્તારમાંથી આવતો હોય અને તેને ભણવાની તીવ્ર ઇચ્છા હોય તો તેને પ્રવેશ મળવો જ જોઇએ. આવા પછાત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને ભણાવવા જ મેં ગૂજરાત વિદ્યાપીઠનું કુલનાયકપદ સ્વીકાર્યું છે. મેં શરત કરી હતી ને કે દર વર્ષે પાંચ એડમિશન મારા માટે રિઝર્વ રાખવાં. મેં આવા કામ માટે એ શરત મૂકી હતી.”
જેને ભણવું છે અને કોઇ ગરીબ રવિયા દૂબળાનો દિકરો છે તેથી તેને નિયમાનુસાર પ્રવેશ મળતો નથી એ વાત ઠાકોરભાઇ દેસાઇને ખૂંચતી.
શિક્ષણ ધનવાનો માટે જ
આજે અમદાવાદ જેવા શહેરોની સ્કૂલો, કોલેજો, ટેકનિકલ ઇન્સ્ટિટયૂટસ, બિઝનેસ મેનેજમેન્ટ કોલેજો કે યુનિર્વિસટીઓ ક્યાં તો મેરીટ્સ પર જ એડમિશન આપે છે અથવા તો ક્યાં તો પૈસા-ડોનેશન લઇને ‘પેમેન્ટ સીટ’ પર એડમિશન આપે છે ત્યારે ઠાકોરભાઇ દેસાઇ જેવી એકપણ વ્યક્તિ આજે ગુજરાતમાં નથી કે જે પછાત વિસ્તારમાંથી કે ગામડામાંથી કે ઝૂંપડપટ્ટીમાંથી આવેલા અને ભણવાની તીવ્ર ઇચ્છા રાખતા ઓછા માર્કસવાળા વિદ્યાર્થીની ચિંતા કરતી હોય! ખરેખર તો ભણવામાં નબળો છે તેને જ સહુથી વધુ શ્રેષ્ઠ શિક્ષણ આપવાની જરૂર છે. જે કુપોષિત છે તેને સારામાં સારુ પોષણ આપવાની જરૂર છે એમ સરકાર અને સમાજ માનતો હોય તો આ વાત શિક્ષણજગતમાં લાગુ કેમ પડતી નથી? શિક્ષણ એક લકઝરી બની ગયું છે. જેઓ ધનવાનો છે તેઓ તેમના સંતાનોને ઊંચી ફી ચૂકવીને દેશ-વિદેશની શ્રેષ્ઠ સ્કૂલોમાં મોકલે છે. જ્યારે ગરીબ માણસ તેના બાળકને મ્યુનિસિપલ કોર્પોરેશનની કે સરકારી પ્રાથમિક શાળામાં મોકલે છે. જ્યાં શિક્ષણનું ધોરણ ખાડે ગયું છે. આજે ગુજરાતના કે બીજા રાજ્યોના એક પણ મંત્રી કે ધારાસભ્યનો પુત્ર સરકારી પ્રાથમિક શાળા કે મ્યુનિસિપલ શાળામાં કેમ ભણતો નથી? એટલે ઠાકોરભાઇ દેસાઇને યાદ કરવા પડે છે. તેઓ માનતા હતા કે ગૂજરાત વિદ્યાપીઠ માત્ર ઊંચા ગુણ લાવનાર વિદ્યાર્થીઓ માટે જ નથી પરંતુ ભણવાની તીવ્ર ઇચ્છા ધરાવતા નબળા વિદ્યાર્થીઓ માટે પણ છે.
ઠાકોરભાઇ આઠમાવાળા
ઠાકોરભાઇ દેસાઇ આઠમા ધોરણથી અંગ્રેજી ભણાવવાના હિમાયતી હતા. યુનિર્વિસટીનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઇએ તે માટેના આગ્રહી હતા. તેમના સાથી મગનભાઇ દેસાઇ કે તેઓ પણ એક તબક્કે ગુજરાત યુનિર્વિસટીના વાઇસ ચાન્સેલર થયા હતા. તેઓ પણ માતૃભાષાના કડક આગ્રહી હતા. મગનભાઇ દેસાઇના માતૃભાષાના ખૂબ હઠાગ્રહના કારણે ગુજરાતી માધ્યમ માટે’મગન માધ્યમ’ શબ્દ પ્રચલિત થયો હતો. કેટલાક લોકો ગુજરાત યુનિર્વિસટીના ટાવરને મગન ટાવર કહેતા. ઠાકોરભાઇ દેસાઇ અને મગનભાઇ દેસાઇના આઠમાથી જ અંગ્રેજી ભણાવવાના આગ્રહના કારણે એ વખતના કટાર લેખકો આ બંને મહાનુભાવો પર વ્યંગ કરતા : “જેમને અંગ્રેજી આવડતું ના હોય તે લોકો જ અંગ્રેજીનો વિરોધ કરે છે.’ એક કટાર લેખકે તો લખી નાંખ્યું કે ‘બળદીયા ચારનારા આ બે જણ બળદના પૂંછડા આમળતાં આમળતાં યુનિર્વિસટીના વાઇસ ચાન્સેલર બની ગયા છે.” એ બંને જણ ઉઠાં સુધી ભણેલા છે એવી વાત વહેતી થઇ હતી. દેખાવમાં પણ તેઓ પહેરવેશના કારણે ગામડીયા લાગતા.
પણ વાસ્તવિકતા કાંઇ જુદી જ હતી. ઠાકોરભાઇ દેસાઇ ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા અને અંગ્રેજી અને સંસ્કૃત સાથે ભાષાવિશારદની પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષા તો પાસ કરી પરંતુ પદવીદાન સમારંભમાં તેઓ પદવી લેવા ગયા નહોતા. કારણ ખબર નથી. ઘણાં વર્ષો સુધી તેમની પદવી વિદ્યાપીઠમાં અનામત પડી રહી હતી. ઘણાં વર્ષો બાદ તેમણે પદવી લીધી હતી. કાકા કાલેકરના તેઓ પ્રિય શિષ્ય હતા. ઠાકોરભાઇ દેસાઇએ વિનોબાજીના ગીતા પ્રવચને નામના મરાઠી પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. તે પછી વિનોબાજીના ‘સ્થિતપ્રજ્ઞા દર્શન’ પુસ્તકનો અનુવાદ કર્યો. એ પછી જવાહરલાલ નહેરૂએ જેલમાંથી તેમના પુત્રી ઇન્દિરાજીને જે પત્રો લખ્યા હતા તે પત્રો ‘લેટર, ફ્રોમ ફાધર ટુ વ્હિઝ ડોટર’ નામે પ્રગટ થયા હતા. તે અંગ્રેજી પુસ્તકનો અનુવાદ પણ ઠાકોરભાઇ દેસાઇએ ‘ઇન્દુને પત્રો’ ના નામે ગુજરાતીમાં કર્યો હતો. આ ઉપરાંત અચ્યુત પટવર્ધન અને અશોક મહેતાના ‘ધી કોમ્યુનલ ટ્રાયંગલ’ પુસ્તકનો પણ અનુવાદ તેમણે જ કર્યો હતો. મજાની વાત એ છે કે આ તમામ પુસ્તકોના અનુવાદક ઠાકોરભાઇ દેસાઇ હોવા છતાં તેમણે ક્યાંયે અનુવાદક તરીકે પોતાનું નામ મૂક્યું નથી. નોંધપાત્ર વાત એ છે,Collected Works of Mahatma પુસ્તકનો ગુજરાતી અનુવાદ પણ ઠાકોરભાઇ દેસાઇની કલમે થયો. તે પુસ્તકનું નામ “ગાંધીજીનો અક્ષર દેહ” છે. એ નામ પણ ઠાકોરભાઇએ જ આપ્યું હતું. કાકા સાહેબ કાલેલકર તો આ નામ પર જ વારી ગયા હતા. તેઓ બોલ્યા હતા : ‘આ નામ તો ઠાકોરભાઇને જ સૂઝે.”
સહુથી અગત્યની વાત એ છે કે પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ ઠાકોરભાઇનું અંગ્રેજી તેમના સમકાલીનોના અંગ્રેજી કરતાં ઘણું ઉત્તમ હતું. ગૂજરાત વિદ્યાપીઠના યુનિર્વિસટીનો દરજ્જો આપવાના મુદ્દે યુજીસી તરફથી ડો. કોઠારીના અધ્યક્ષપદે એક ઉચ્ચ કમિટી ગૂજરાત વિદ્યાપીઠ આવી હતી. તે વખતે ઠાકોરભાઇ દેસાઇ વિદ્યાપીઠના કુલનાયક હતા. ડો. કોઠારી અને તેમના સભ્યો અંગ્રેજીમાં જ રજૂઆત સાંભળવાનો આગ્રહ રાખતા હતા. તે પછી ઠાકોરભાઇ દેસાઇએ અસ્ખલિત અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું. ડો. કોઠારી અને તેમના સાથીઓ ઠાકોરભાઇ દેસાઇના પ્રભાવશાળી અંગ્રેજીથી સ્તબ્ધ થઇ ગયા અને તેઓ તેમનું અંગ્રેજી બરાબર સમજી શકે તે માટે વાક્પ્રવાહ ધીમે કરવા વિનંતી હતી. ઠાકોરભાઇની મશ્કરી કરનાર એ વખતના કટારલેખકોને ખબર જ નહોતી કે ઠાકોરભાઇ દેસાઇ એલેકઝાન્ડર ડૂમા અને ચાર્લ્સ ડિકન્સન બધા જ પુસ્તકો અંગ્રેજીમાં વાંચી ચૂક્યા હતા. ઠાકોરભાઇ દેસાઇ સ્વયં એક સાક્ષર હતા.
આવા હતા ઠાકોરભાઇ દેસાઇ.
મગનભાઇ દેસાઇ અને ઠાકોરભાઇ દેસાઇની જ્યારે કટારલેખકો આવી મજાક કરતા હતા
Comments are closed.