નવી પેઢી માટે ઠાકોરભાઇ દેસાઇ અજાણ્યું નામ હશે. સ્વાભાવિક છે. હા આજની પેઢી અમદાવાદમાં લો-ગાર્ડન પાસે આવેલા ઠાકોરભાઇ દેસાઇ હોલને સારી રીતે જાણે છે. એ હોલ એમના નામનો જ છે. બસ એ જ ઠાકોરભાઇ દેસાઇની આ વાત છે. મોરારજી દેસાઇના જમાનાના તેઓ નેતા હતા. ૧૯૦૩ની સાલમાં જન્મેલા ઠાકોરભાઇ સ્વાતંત્ર્યસેનાની હતા અને અનેકવાર જેલમાં જઇ આવ્યા હતા,હિતેન્દ્રભાઇ દેસાઇના મંત્રીમંડળમાં તેઓ મંત્રી બન્યા હતા. માતૃભાષામાં જ શિક્ષણ આપવાના અને અંગ્રેજી આઠમા ધોરણથી જ શીખવવાના આગ્રહી હોઇ તેઓ ઠાકોરભાઇ આઠમાવાળા તરીકે પણ જાણીતા બન્યા હતા. સાદગી તેમની સ્વાભાવિક હતી. ગળી અને ઇસ્ત્રી વગરના જાડા ધોતિયા, કફની અને ગોળ મટોળ ટોપીવાળા ઠાકોરભાઇ દેસાઇ ગુજરાતી માધ્યમના આગ્રહી હોવા છતાં અંગ્રેજી ભાષાના અચ્છા જાણકાર હતા. ગૂજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા અને તે જ સંસ્થાના વાઇસ ચાન્સેલર પણ બન્યા હતા. રોટલો ને મરચુ ખાઇને જીવન ગુજારતા. રળિયા-દુબળા (ગરીબ લોકોના) તેઓ હિતચિંતક હતા.
ઠાકોરભાઇ દેસાઇઃ ગુજરાતના રાજકારણનું એક આખાબોલુ વિલક્ષણ વ્યક્તિત્વ હતા !
મંજીરા વગાડવા નથી
ધારાસભા કે પાર્લામેન્ટમાં જવા માટે આજે લોકો જાતજાતની રીતરસમો અને ખુશામતો કરે છે ત્યારે ઠાકોરભાઇ એક ભિન્ન પ્રકૃતિના માણસ હતા. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને તે પછી પ્રદેશ પ્રમુખ બન્યા હતા. રાજકારણમાં રહી પ્રજાના કામો કરવા માટે વિધાનસભા કે સંસદમાં જવું જોઇએ કે પ્રધાનપદુ મેળવવું જોઇએ અને એમ કરવાથી જ પ્રજાના કામો થાય એમ તેઓ માનતા નહોતા. પક્ષના પ્રમુખપદે પહોંચ્યા પછીય તેમણે ક્યારેય વિધાનસભા કે સાંસદની ટિકિટ મળે તેવી ઇચ્છા રાખી નહોતી. ૧૯૫૭ના અરસામાં તેમને રાજ્યસભાની ટિકિટ આપવાનું સૂચન થયું ત્યારે તેનો ઇન્કાર કરતાં તેમણે લાક્ષણિક રીતે કહ્યું હતું : ‘ત્યાં જઇને મારે શું મંજીરા વગાડવાના છે?’ તેમણે મંજીરા વગાડવાનો વિકલ્પ ના સ્વીકાર્યો અને ગુજરાતના સંસ્થાકીય રાજકારણના કેન્દ્રમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું?
ચાલીને કોંગ્રેસભવન જતાં
હાલ જ્યાં સરદાર સ્ટેડિયમ છે ત્યાં ૧૯૫૦ના સમયમાં બે તલાવડીઓ અને ટેકરો હતો. તેની સામે નવજીવન બ્લોકસ બાંધવામાં આવ્યા હતા. ૧૯૫૩ પછી ઠાકોરભાઇ નવજીવન પ્રેસના ટ્રસ્ટી તરીકે અહીં રહેવા આવ્યા હતા. નદી પારનો આ વિસ્તાર વગડા જેવો હતો. બસ પકડવી હોય તો હાલના સરદાર સ્ટેડિયમવાળી જગાએથી ઇન્કમટેક્સ સુધી ચાલીને જવું પડતું. એ જમાનામાં ટૂંકી પોતડી, ઝભ્ભો અને માથે તીરછી ટોપી પહેરી ઠાકોરભાઇ દેસાઇ ધગધગતા ઉનાળામાં નવજીવન બ્લોકસ (સરદાર સ્ટેડિયમ પાસે) થી કોંગ્રેસ હાઉસ, ભદ્ર, લાલદરવાજા સુધી ચાલીને જતા. એ વખતે નહેરુબ્રિજ નહોતો. નદી ઓળંગવા ગાંધી પુલ કે એલિસ્બ્રિજ જ ઓળંગવો પડતો. ઠાકોરભાઇ ગાંધી પુલ ઓળંગી કોર્ટની રાંગે રાંગે ચાલતા ભદ્ર-કોંગ્રેસ હાઉસના રોજ ચારથી પાંચ કલાક બેસતા.
ફી ભરવા પૈસા નહોતા
ઠાકોરભાઇ દેસાઇ મૂળ સુરત જિલ્લાના ખરસાડ ગામના વતની હતા પરંતુ અમદાવાદ આવી ઘર વસાવ્યું. ત્યારે ફર્નીચરમાં તેમણે બે ખુરશીઓ, એક ટેબલ, આરામ કરવા એક પાટિયું, બાળકોને રાખવા માટે બે ઢાળીયા, રેંટિયા મૂકવા અડધીયુ કબાટ, પાટીવાળા બે ખાટલા, અને લાકડાની બે પેટી બનાવરાવી હતી. અમદાવાદમાં ઉનાળો આકરો છતાં ઘરમાં સિલીંગ ફેન વસાવ્યો નહોતો. રેડિયો તે વખતે લકઝરી ગણાતો. ઠાકોરભાઇને સમાચાર સાંભળવાની ટેવ છતાં રેડિયો વસાવી શક્યા નહોતા. રેડિયો સાંભળવા તેઓ રોજ જીવણકાકાના ઘેર જતા. ઠાકોરભાઇ દેસાઇના પુત્ર જીતેન્દ્ર દેસાઇ પિતાના સંસ્મરણો આલેખતાં ‘રવિયા દુબળાના રખેવાળ’ પુસ્તકમાં લખે છે ‘૧૯૪૮માં હું અને કિલબિલ સી.એન.સ્કૂલમાં ભણતા હતા. એક મહિને ફી ના ભરી શક્વાના કારણે અમને બંનેને વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.’ બીજા દિવસે ઠાકોરભાઇ દેસાઇએ સીએનના આચાર્ય મણિભાઇ દેસાઇ’સ્નેહરશ્મિ’ ને ચિઠ્ઠી લખી સમયસર ફી ના ભરી શકવા માટે દિલગીરી વ્યક્ત કરી ફી ભરવા માટે મુદત માંગી હતી. એ ચિઠ્ઠી વાંચ્યા બાદ ઠાકોરભાઇ દેસાઇના સંતાનોને વર્ગમાં બેસવા દેવામાં આવ્યાં હતાં. ૧૯૫૬માં ઠાકોરભાઇ દેસાઇના પુત્ર જિતેન્દ્ર દેસાઇને પત્રકારત્વના અભ્યાસ માટે નાગપુરની કોલેજમાં જવું હતું પરંતુ ત્યાં હોસ્ટેલમાં રહી, ભણવાનું હોઇ એ ખર્ચ માટેની આર્િથક વ્યવસ્થા ના હોઇ ઠાકોરભાઇ દેસાઇએ પુત્રને ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ કર્યો હતો. અહીં પણ ફી મોડી ભરવા બદલ નોટિસ મળી હતી.
પુત્રી કિલબિલના લગ્ન વખતે ઠાકોરભાઇએ કંકોત્રી પણ છપાવી નહોતી. લગ્ન મુંબઇમાં હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી યશવંતરાવ ચવાણને પણ ઠાકોરભાઇ કંકોતરી વગર રૂબરૂ જ આમંત્રણ આપવા ગયા હતા. યશવંતરાય ચવાણને દિલ્હી જવાનું હોઇ તેઓ આવી શકશે નહીં તેમ તેમણે કહ્યું ત્યારે ઠાકોરભાઇએ ચવાણના પટાવાળા વિઠુને લગ્નમાં મોકલવા કહ્યું હતું. મુંબઇમાં પ્રાંતિય સરકારો રચાઇ ત્યારે ખરે સાહેબ મુખ્યમંત્રી અને મોરારજી દેસાઇ ગૃહમંત્રી હતા. એ વખતે વિઠુ પણ દોરીદાર પાઘડી, સફેદ કોટ અને લાલ પટ્ટો પહેરતો પટાવાળો હતો. એ વખતે ઠાકોરભાઇ મોરારજીભાઇના પીએ હતા. તે પછી મોરારજીભાઇ કેન્દ્રમાં ગયા અને વિઠુ પણ યશવંતરાય ચવાણ સાથે આવી ગયો. ઠાકોરભાઇએ વિઠુને જોતા જ કહ્યું, ‘ચવાણ સાહેબ, તમે આવી ના શકો તો કોઇ વાંધો નહીં પણ આ વિઠુને ખાસ રજા આપજો જેથી તે મારી પુત્રીના લગ્નમાં આવે એ મારો જૂનો સાથી છે. કિલબિલને એણે નાનપણમાં હેતથી રમાડી છે.’ લગ્નમાં વિઠુ આવ્યો. ઠાકોરભાઇ માટે યશવંતરાય ચૌહાણ અને તેમના પટાવાળો એક સમાન હતા.
હાર્યા એટલે હાર્યા
૧૯૬૪માં ચૂંટણી આવી. એ વખતે ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવાનું કામ ઠાકોરભાઇ દેસાઇએ કર્યું હતું. કોંગ્રેસના નેતાઓએ ઠાકોરભાઇને આગ્રહ કર્યો કે, ઠાકોરભાઇને હવે વિધાનસભામાં મોકલવા જોઇએ. વાત સ્વીકારાઇ. ઠાકોરભાઇ માટે નવસારી મતવિસ્તાર વધુ અનુકૂળ હતો પરંતુ પોતાના વતન (વેગામ)ની અને ગણદેવીના જૂના સાથી કાર્યકર્તાઓની લાગણીથી તેઓ ગણદેવીમાંથી ચૂંટણી લડયા અને હાર્યા. ધનવાનો ઇચ્છતા નહોતા કે ગરીબોના હિતચિંતક ઠાકોરભાઇ વિધાનસભામાં આવે. ઠાકોરભાઇ હાર પચાવી શક્યા પરંતુ કાર્યકર્તાઓ તેમ કરી શક્યા નહીં તેમણે એવો મુદ્દો શોધી કાઢયો કે મતદાનના ચોવીસ કલાક પહેલા પ્રચાર બંધ થઇ જવાની આચારસંહિતા છતાં સામેના ઉમેદવારે સભાઓ ભરી હતી તેના પુરાવા અને ફોટા રજૂ કરી ચૂંટણી રદ કરાવવા કોર્ટમાં જવું. પણ ઠાકોરભાઇએ એમ કરવા સંમતિ ના આપી. અંતે કહ્યું ‘હાર્યા એટલે હાર્યા… હવે આ બધાનો કોઇ અર્થ નથી.’ તે પછી પણ કાર્યકરોના ચહેરા પર નિરાશા જોઇ ઠાકોરભાઇ બોલ્યા ‘તમારા મોંઢા આવા કાળી શાહી જેવા કેમ થઇ ગયા છે? શું તમે કોઇ ગુનો કર્યો છે? તમે મહેનત કરવામાં કોઇ કચાશ રાખી નથી. પછી આ હતાશા શાની? હતાશા ખંખરી નાંખો અને ટટ્ટાર થઇ જાવ. આવી સાત ચૂંટણીઓ હારી જઇએ તો પણ નિરાશ થવાનું ના હો….” અને કાર્યકરો સ્વસ્થ થઇ ગયા. એટલું કહી તેઓ ગણદેવીથી અમદાવાદ આવવા નીકળ્યા. અમદાવાદ આવીને તેમણે પહેલું કામ રેંટિયો કાંતવાનુ કર્યું, તેમણે કોંગ્રેસ જેટલું જ રેંટિયામાં મન પરોવ્યું.
આજના કોંગ્રેસીઓ કારમી હાર પછી ઠાકોરભાઇ પાસેથી કંઇક શીખે. (ક્રમશઃ)
Comments are closed.