નામ છે, અંસાર બર્ની.

અંસાર બર્ની પાકિસ્તાનના નાગરિક છે. પાકિસ્તાનમાં રહી માનવ અધિકારના ક્ષેત્રમાં કામગીરી બજાવે છે. કરાચીમાં જન્મેલા અંસાર બર્ની એક સામાજિક કાર્યકર્તા પણ છે અને પાકિસ્તાનમાં માનવ અધિકારના મુદ્દાના જોરશોરથી ઉઠાવી રહ્યા છે. તેઓ પાકિસ્તાનમાં માનવ અધિકાર મંત્રી પણ રહી ચૂક્યા છે.

તાજેતરમાં તેઓ ભારત આવ્યા હતા. એક કાર્યક્રમ દરમિયાન પ્રવચન આપતા તેમણે જે વાતો કરી તે પાકિસ્તાનના સત્તાલક્ષી રાજકારણીઓ કરતાં સાવ અલગ હતી.

મારો ધર્મ ઇન્સાનિયત

અંસાર બર્નીએ કહ્યું : ‘મને અહીં (ભારત) આવવાથી બહુ જ ખુશી થઇ છે. આપ લોકોએ મને જે પ્રેમ આપ્યો છે તે બદલ હું આપનો આભારી છું. મિત્રો, આ સમયે હું આપને કહેવા માંગુ છું કે, હું માત્ર ઇન્સાનિયતમાં વિશ્વાસ રાખું છું. મારો ધર્મ ઇન્સાનિયત છે, મારો મુલ્ક ઇન્સાનિયત છે. હિન્દુ, શિખ, ઇસાઇ, મુસલમાન અને યહૂદી તો ખાનદાન છે. આ બધા જ ધર્મ એક પરિવાર છે. એક ઘરમાં રહેવાવાળાનું નામ મુસલમાન છે. તો બીજા ઘરમાં રહેવાવાળાને આપણે હિન્દુ કહીએ છીએ. ઇસાઇ, શિખ અને યહૂદી અલગ અલગ ઘરોમાં રહે છે. એ બધાના નામ અલગ અલગ છે, પણ તેઓ એકબીજાથી જુદા નથી.

લોહીનો રંગ એક

આપણા બધાનો જન્મ એકજ રીતે થાય છે. આપણા અહેસાસ અને ભાવનાઓ એક સમાન છે. એટલે કે ઇશ્વરે આપણી વચ્ચે કોઇ ભેદ ઊભો કર્યો નથી. હવે સવાલ એ ઊભો થાય છે કે, આપણે બધા એક જ છીએ, તો આપણે એકબીજાથી નફરત કેમ કરીએ છીએ? એક ધર્મનો માનવી બીજા ધર્મના માનવીની કતલ કેવી રીતે કરી શકે કે ખૂન વહાવી શકે? શુ કોઇએ બીજાને મારતાં પહેલા પોતાના શરીર પર સોંય ભોંકીને જોયું છે કે તેમ કરવાથી ખુદને જ કેટલું દર્દ થાય છે? શું કોઇએ બીજાનું ખૂન વહાવતા પહેલાં એ જોયું છે કે એના લોહીનો રંગ કેવો છે? જો આપણા લોહીનો રંગ એક છે, આપણાં દુઃખ-દર્દ એક છે, તો આપણે એકબીજાને નુકસાન કેવી રીતે પહોંચાડી શકીએ છીએ? એ કોણ લોકો છે, જે ધર્મના નામે બીજાઓની કત્લ કરાવવા માંગે છે?

ધર્મ શું કહે છે?

કોઇપણ મજહબ નફરતનું શિક્ષણ આપતો નથી. પછી તે હિન્દુ ધર્મ હોય, ઇસ્લામ હોય કે ઇસાઇ, મેં કોઇ ધર્મમાં નફરત નિહાળી નથી. દરેક ધર્મ ઇન્સાનિયતનો સંદેશ જ આપે છે નહીં તો, એ આપણને જાનવર જ બનાવી શકતો હતો. ઇશ્વરે આપણને ઇન્સાન બનાવ્યો, જેથી આપણે નેક કામ કરી શકીએ. એણે આપણને ઇન્સાન બનાવવાની સાથે કેટલીક જવાબદારીઓ પણ સોંપી છે. ઇન્સાન હોવાના નાતે આપણી એ જવાબદારી છે કે આપણે આસપાસમાં રહેતા લોકોની મદદ કરીએ, તેમનો ખ્યાલ રાખીએ, ના કે તેમનું લોહી વહેવરાઇએ. અગર બીજા લોકો દુઃખો સહન કરતા હોય તો આપણે ખુશ કેવી રીતે રહી શકીએ? આ તો માનવતાની ખિલાફ છે. અગર બીજાનું દર્દ તમને ખુશી દેતું હોય તો એ જીવન બેકાર છે. હું એવી જિંદગીને શરમજનક સમજુ છું, જે બીજાઓની તકલીફોની વચ્ચે ખુશીઓ મનાવે છે. જે સ્થળ પર આપણે ઇબાદત કરીએ છીએ, ત્યાં ફક્ત પ્યાર અને શાંતિની વાત હોવી જોઇએ. ત્યાં બીજાઓને દર્દ દેવાની વાત હોઇ શકે નહીં. દરેક ધર્મ કહે છે કે, દુઃખી અને મજબૂર લોકોની મદદ કરો.

જે લોકો ખૂનામરકી કરે છે, તેમને હું પૂછું છું કે શું તેમણે કદી વિચાર્યું છે કે અગર તેમનો એક હાથ કે પગ કાપી લેવામાં આવે, તો તેમને કેટલું દર્દ થશે? આખરે એ આપણા ભાઇઓને આટલું દર્દ શા માટે આપે છે? શા માટે આપણને એકબીજાથી દૂર કરવાની કોશિશ થઇ રહી છે? આપણને શા માટે આવી નફરતોની આગમાં જલાવવામાં આવે છે? શા માટે આપણને વહેંચી દેવામાં આવી રહ્યા છે? આપણે એ વિચારવું જોઇએ કે, આ બધી તાકાતોની મંશા શુ છે, એમના ઇરાદા શું છે?

અવાજ ઉઠાવો

હવે સમય આવી ગયો છે કે, આપણે આવી તાકાતોની વિરુદ્ધ અવાજ ઉઠાવીએ આ ઇન્સાનિયતની માંગ છે. આ આજની જરૂરિયાત છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે, સમુદ્રમાં એક જહાજ જઇ રહ્યું હતું. સમુદ્રની નીચે તળ પર મોજુદ કેટલાક લોકો જહાજમાં છીદ્ર પાડી રહ્યા હતા. શાયદ એ લોકો જહાજને ડૂબાડવાની ઇચ્છા રાખતા હતા. જહાજના ઉપરના હિસ્સામાં બેઠેલા લોકો બડા આરામથી આ નજારો જોઇ રહ્યા હતા. એમણે કહ્યું : ‘જે થાય તે થઇ રહ્યું છે તે થવા દો, આપણને શું?’ એ લોકોએ જહાજમાં છેદ કરી રહેલાઓને રોક્યા નહીં. એમને લાગ્યું કે, ‘જહાજ ડૂબશે તો ફક્ત નીચેવાળા લોકો જ ડૂબશે અને આપણે ઉપર છીએ માટે બચી જઇશું.’ તેથી જ કહું છું મારા ભાઇ, આપ લોકો પણ એવી ભૂલ કરશો નહીં. અગર જહાજ ડૂબશે તો આપણે બધા જ મરી જઇશું, કોઇ બચશે નહીં.

આવો આજે આપણે બધા જ પ્રતિજ્ઞાા કરીએ કે, આપણે જહાજને ડૂબવા દઇશું નહીં. એ જહાજ શું છે? એ જહાજ છે ઇન્સાનિયતની અજમત એ નક્કી કરી નાંખીએ કે આપણે ઇન્સાનિયતને ઊની આંચ આવવા નહીં દઇએ. આપણી કોશિષ રહે કે આપણે ભારત અને પાકિસ્તાનને એકબીજાની કરીબ લાવીએ, એમની વચ્ચે શાંતિ પ્રસ્થાપિત કરીએ. એ કઇ તાકાતો છે કે જે બે મુલ્કોને કરીબ આવવા દેતી નથી. કોણે એમને એકબીજાથી દૂર રાખવા કોશિશ કરે છે? મેં અહીં આવતા પહેલાં કોઇને કહ્યું હતું કે, જો ભારત અને પાકિસ્તાન એક થઇ જાય, તો બંને દેશ એટલી તરક્કી કરી દેશે કે ત્રીજા કોઇની જરૂર જ નહીં રહે. આપણે બંને મુલ્કોને કરીબ લાવવાના છે.

આ કેવી રાજનીતિ?

આ કેવી રાજનીતિ છે? અગર પાકિસ્તાનમાં કોઇ શખસ પકડાય છે, તો કહેવામાં આવે છે કે તે ભારતનો જાસૂસ છે. અગર ભારતમાં કોઇ શખસ પકડાઇ જાય તો કહેવામાં આવે છે કે, તે પાકિસ્તાનનો જાસૂસ છે. આ કેવી વાત? કોણ જાસૂસી કરે છે, ‘કોની જાસૂસી કરાવે છે, અને કેમ? અગર કોઇ જાસૂસી કરે છે તો એ બંધ થાય. આ સિલસિલો અટકવો જોઇએ. હું કોઇ નેતા નથી. મારે અને રાજનીતિને કોઇ લેવાદેવા નથી. મારી ખ્વાહીશ છે કે બંને દેશો એકબીજાની નજીક આવે. યુદ્ધ અને વિસ્ફોટોમાં કાંઇ જ નથી. મેં હિંસામાં કોઇ હિન્દુ, શીખ, ઇસાઇ કે મુસલમાનને મરતાં નથી જોયો. મેં અગર કોઇને મરતા જોયા છે તો તે એક પિતા, એક પત્ની, એક મા અગર એક પુત્રને છે. આપણે આ રિશ્તાઓને બચાવવા છે, તો આપણે એક પિતા, એક ભાઇ અને એક મા બની વિચારવું પડશે ત્યારે જ આપણે સમજી શકીશું કે યુદ્ધ અને વિસ્ફોટ કેટલી હદે ઇન્સાનિયતને તબાહ કરી રહ્યા છે.”

અંસાર બર્નીની વાત અહીં પૂરી થાય છે. જે પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે, તે જ પાકિસ્તાનમાં અલ્લાહનો એક સાચો બંદો અને ઇન્સાનિયતનો ફરિશ્તો પણ વસે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in