શોભા રેડ્ડી.
આખું નામ છે શોભા નેગી રેડ્ડી. આંધ્રપ્રદેશની વાયએસઆર કોંગ્રેસના નેતા જગનમોહન રેડ્ડીએ શોભા રેડ્ડીને અલાગાડા મતવિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી. શોભા રેડ્ડી અત્યાર સુધીમાં ચાર વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યાં હતાં, પરંતુ ચૂંટણીના એક સપ્તાહ પૂર્વે જ કાર અકસ્માતમાં તેમનું મૃત્યુ નીપજ્યું. મતદાનને હજુ વાર હતી. શોભા રેડ્ડીના અવસાન બાદ ચૂંટણીપંચ માટે પેચીદો પ્રશ્ન ઊભો થયો. ચૂંટણી બંધ રાખવી કે ચૂંટણી ચાલુ રાખવી તેની દ્વિધા હતી, પરંતુ ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો.
શોભા રેડ્ડીના મૃત્યુના શોક છતાં તેમના બે દીકરીઓ અખિલા પ્રિયા, મોનિકા પ્રિયા અને પુત્ર જગત વિખ્યાત રેડ્ડીએ મૃત્યુ પામેલી માતા માટે ચૂંટણી ઝુંબેશ ચાલુ રાખવા નિર્ણય લીધો.
ચૂંટણીપંચે જાહેરાત કરી કે, શોભા રેડ્ડી ભલે મૃત્યુ પામ્યાં, પરંતુ મતપત્રક પરથી તેમનું નામ હટાવવામાં આવશે નહીં. ચૂંટણીપંચના પ્રિન્સિપલ સેક્રેટરી કે. એફ. વિલ્ફ્રેડે પક્ષના મહામંત્રીને એક પત્ર લખી જાણ કરી છે કે, ચૂંટણીપંચના ચૂંટણીઓ માટેના નિયમ ૬૪ મુજબ મૃત્યુ પામેલ ઉમેદવાર જ છે અને જો તે સૌથી વધુ મત મેળવશે તો તેમને (શોભા રેડ્ડી)ને ચૂંટાયેલા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે. અલબત્ત, સૌથી વધુ મત મેળવનાર ઉમેદવાર હયાત ના હોય તો ‘રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ, ૧૯૫૧’ મુજબ તે પછી પેટાચૂંટણી યોજવી.
ચૂંટણીપંચનું કહેવું છે કે, જે જે વિસ્તારોમાં ત્રાસવાદીઓ કે એવાં કોઈ હિંસક ઉપદ્રવ છે તે તે વિસ્તારોમાં આવો નિર્ણય લેવો પડે છે. નક્સલવાદથી પ્રભાવિત કેટલાક વિસ્તારોમાં ચૂંટણીની જાહેરાત તથા નામાંકન બાદ કેટલીકવાર કેટલાક ઉમેદવારોની હત્યા થવાના બનાવો બનવા પામ્યા હતા. ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા રોકવા કેટલાક ઉમેદવારોની હત્યાઓ પણ થઈ હતી. આંધ્રપ્રદેશ પણ રાજકીય હિંસાઓનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે, પરંતુ કોઈવાર આવા વિસ્તારોમાં અકસ્માતના કારણે અથવા તો કુદરતી રીતે મૃત્યુ નીપજ્યું હોય તો પણ ચૂંટણીપ્રક્રિયા ચાલુ રાખવાના નિર્ણયો લેવા પડે છે. આ કારણથી મૃત્યુ પામેલા ઉમેદવારને પણ મત આપવાનો અધિકાર ચૂંટણીપંચ આપે છે. મૃત્યુ પામેલા ઉમેદવાર પણ ચૂંટણી લડે અને તેને મત આપી શકાય તેવું તો એક અજીબોગરીબ ઘટના છે.
આતંકવાદથી ત્રસ્ત જમ્મુ અને કાશ્મીરમાં આવું વલણ અગાઉ પણ ચૂંટણીપંચે અપનાવેલું છે. ઝારખંડમાં પણ ચૂંટણીપંચે આવી પરવાનગી આપેલી છે. અલબત્ત, બધા જ રાજ્યોમાં અને બધા જ કેસોમાં મૃત્યુ પામેલા ઉમેદવારને મત આપવાની જોગવાઈ નથી. દરેક કેસ ચૂંટણીપંચ પોતાની રીતે મેરીટ્સ પર નક્કી કરે છે.
ચાલો હવે શોભા રેડ્ડીની વાત. ઉમેદવાર હોવા છતાં તેમનું કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું, પણ તેમની બે યુવાન દીકરીઓ અને એક ટીનએજ પુત્રએ મૃત્યુ પામેલી માતાને જીતાડવાની ઝુંબેશ કરવાની હિંમત દાખવી છે. તેમનો મતવિસ્તાર રાયલસીમા બેલ્ટ પાસે આવેલો છે. બંને દીકરીઓ અને નાનકડો પુત્ર ૪૩ ડિગ્રી ગરમીની પરવા કર્યા વિના ખુલ્લી જીપમાં મૃત્યુ પામેલી માતાને જીતાડવા માટે લોકો પાસે જઈ વોટ્સ માગે છે. સૌથી મોટી પુત્રી અખિલા પ્રિયા ૨૭ વર્ષની છે. મોનિકા ૨૧ વર્ષની છે. નાનકડો ભાઈ જગત વિખ્યાત ૧૪ વર્ષની વયનો છે. તેઓ કોઈ પણ સંજોગોમાં તેમની મૃત્યુ પામેલી માતાને વિજયી બનાવવા માગે છે. લોકો સાથે વાત કરતાં કરતાં કોઈ કોઈવાર ભાંગી પડે છે. લાગણીશીલ બની જાય છે. બહુ જ ઓછું બોલે છે. પરંતુ મૃત્યુ પામેલી માતા-શોભા રેડ્ડી માટે સહાનુભૂતિનું મોજું પેદા કરવામાં તેઓ સફળ નીવડયા છે. શોભા રેડ્ડીનું ગઈ તા. ૨૪મી એપ્રિલે અવસાન થયું હતું. તેઓ ૪૫ વર્ષની વયનાં હતાં.
શોભા રેડ્ડીની પુત્રીઓ અને પુત્ર લોકોને મળે છે ત્યારે કોઈ સૂત્રો પોકારવામાં આવતાં નથી. કોઈ તાળીઓ પાડવામાં આવતી નથી. પ્રતિસ્પર્ધી ઉમેદવારો માટે કોઈ વિરોધી ઉચ્ચારણો કરવામાં આવતાં નથી. કોઈનીયે સામે આક્ષેપો કરવામાં આવતાં નથી. બસ,બે હાથ જોડી તેઓ કહે છે : “અમારી મૃત્યુ પામેલી વહાલી મમ્મીને જીતાડજો. એમને સાંભળનારા લોકો પણ આંખમાં આંસુ સાથે શોભા રેડ્ડીના સંતાનોને ખાતરી આપે છે.
શોભા રેડ્ડીને ટિકિટ આપનાર વાયએસઆર કોંગ્રેસના નેતા જગનમોહન રેડ્ડીએ આ મતવિસ્તારથી ૩૩૨ કિલોમીટર દૂર આવેલા હૈદરાબાદથી એક શોક સંદેશામાં લોકોને અપીલ કરી હતી કે, “સ્વ. શોભા રેડ્ડીને જીતાડવાથી વધુ શ્રેષ્ઠ બીજી કઈ શ્રદ્ધાંજલિ હોઈ શકે ?”
શોભા રેડ્ડીનો વિધાનસભા મતવિસ્તાર લોકસભાના નાદિયાલ મતવિસ્તારનો એક ભાગ છે અને તે કુર્નુલ જિલ્લામાં આવેલો છે. લોકસભાની સાથે સાથે જ વિધાનસભાની આ બેઠક માટે પણ ચૂંટણી યોજાઈ રહી છે. આ મતવિસ્તારમાં કુલ બે લાખ મતદારો છે. તેમાંથી ૪૮ ટકા મતદારો મહિલાઓ છે. મૃત્યુ પામેલાં શોભા રેડ્ડી સામે તેલુગુદેશમ્ પાર્ટીના ઉમેદવાર તરીકે ગંગુલા પ્રભાકર રેડ્ડી છે. તેઓ પણ સ્વીકારે છે કે, મારા કરતાં સ્વ. શોભા રેડ્ડી આગળ છે. ૨૦૦૯માં શોભા રેડ્ડી આ જ મતવિસ્તારમાંથી ૮૦ હજાર મતોની સરસાઈથી જીત્યાં હતાં.
શોભા રેડ્ડીની પુત્રી અખિલા પ્રિયા કહે છે : “મમ્મી, હું તમને મિસ કરી રહી છું. અલ્લાગાડા મતવિસ્તારના લોકો પણ તમને મિસ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે મારી મમ્મી એક લાખ મતની સરસાઈથી જીતશે.”
વિધિની વક્રતા તો જુઓ. વાયએસઆર કોંગ્રેસ તરફથી શોભા રેડ્ડીને ટિકિટ મળી તે પછી શોભા રેડ્ડીએ ઉમેદવારીપત્ર ભર્યું અને તેમનાં પુત્રી અખિલા પ્રિયાએ તેમના ડમી તરીકે ફોર્મ ભર્યું હતું. ફોર્મ પાછાં ખેંચી લેવાના દિવસે અખિલા પ્રિયાએ ડમી ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું તેના બીજા જ દિવસે તેની મમ્મીનું કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું. હવે મૃત્ચુ પામેલાં શોભા રેડ્ડી ચૂંટણી જીતી જાય છે તો તે પછી આવનારી પેટાચૂંટણીમાં તેમની મોટી પુત્રી અખિલા પ્રિયા જ પક્ષની ઉમેદવાર હશે. અખિલા પ્રિયા એમ.બી.એ. છે.
શોભા રેડ્ડીનાં ત્રણેય સંતાનો રોજ પાંચથી છ કલાક સુધી લોકો વચ્ચે ફરી ચૂંટણીપ્રચાર કરે છે. તેમની સાથે ફૂલોની માળા પહેરાવેલી માતાની મોટી સાઈઝની તસવીર જીપ પર રાખે છે. કોઈ વાર શોભા રેડ્ડીના પતિ પણ ચૂંટણીપ્રચારમાં જોડાય છે, પરંતુ પ્રચારની અસલી કમાન તો સંતાનો પાસે જ છે. શોભા રેડ્ડીની બીજા નંબરની પુત્રી મોનિકા કહે છે : “મારી મમ્મીએ જે કોઈ વચનો આપ્યાં છે તે પૂરા કરવામાં અમારા ડેડીનો પૂરો સહકાર છે.” મોનિકા ફેશન ડિઝાઈનિંગની વિર્દ્યાિથની છે અને નાનકડો જગત વિખ્યાત ૯મા ધોરણમાં ભણે છે. શોભા રેડ્ડી જીતી જશે તો મૃત્યુ પામેલા ઉમેદવારનો વિજય એક ઐતિહાસિક ઘટના હશે અને તે પછી તેમની પુત્રી અખિલા પ્રિયાને પેટાચૂંટણીમાં ટિકિટ મળશે તો તે ‘એક્સિડેન્ટલ પોલિટિશિયન’ હશે.

Comments are closed.