લોકસભા ૨૦૧૪ની ચૂંટણી અનેકવિધ બાબતો માટે ઐતિહાસિક બની રહેશે. ભારતમાં બંધારણીય લોકશાહી અને સમવાયી તંત્ર છે. દેશના વડા પ્રધાન કોણ બને તે માટે પ્રજા સીધું બટન દબાવતી નથી,પરંતુ લોકસભામાં ચૂંટાયેલા સાંસદો નક્કી કરે છે, પરંતુ આખીયે ચૂંટણી અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિની જેમ લડાઈ. ભારતીય જનતા પાર્ટીએ પહેલેથી જ જાહેર કરી દીધું કે, અમારો પક્ષ અને એનડીએની બહુમતી આવશે તો નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે. પક્ષે પણ ‘અબ કી બાર મોદી સરકાર’નું સૂત્ર આપ્યું. નરેન્દ્ર મોદીના પ્રભાવ હેઠળ ભાજપા, ભાજપાના નેતાઓ અને સંઘ પણ વામણો બની ગયો.

ભાજપના તમામ દિગ્ગજો મોદીમ્ શરણમ્ ગચ્છામિ!

મીડિયા દ્વારા યુદ્ધ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બીજી અનેક રીતે લોકોને યાદ રહેશે. આ ચૂંટણી મીડિયાના પ્લેટફોર્મ પર, મીડિયાને કેમેરા સામે જ અને મીડિયા દ્વારા જ લડવામાં આવી. નેતાઓએ પણ મીડિયાની ઉપસ્થિતિમાં જ બોલવાનું પસંદ કર્યું. જો મીડિયા ગાયબ તો પ્રચાર પણ ગાયબ તેવી પરિસ્થિતિ રહી. ખાસ કરીને ઈલેક્ટ્રોનિક્સ મીડિયા પણ બે ભાગમાં વહેંચાઈ ગયું. કોણ કોની તરફેણ કરે છે તે સ્પષ્ટ થઈ ગયું. ક્યાં પેઈડ સ્લોટ છે તે પણ સ્પષ્ટ થઈ ગયું. કેટલાક ઈન્ટરવ્યૂઝ તો ‘ફિક્સ મેચ’ જેવા રહ્યા. નેતાઓએ પણ જ્યાં મૈત્રીપૂર્ણ એન્કર્સ હતા ત્યાં મૈત્રીપૂર્ણ જવાબો આપ્યા અને જ્યાં તટસ્થ રીતે પ્રશ્નો પૂછાયા ત્યાં ઉદ્ધત જવાબો આપ્યા. નેતાઓનો અહંકાર પણ દેખાયો. નરેન્દ્ર મોદી માટે મીડિયા તેમને ઊંચકનારું સાબિત થયું. જ્યારે રાહુલ ગાંધીનો ‘ટાઈમ્સ નાઉ’સાથેનો ઈન્ટરવ્યૂ તેમના માટે હોનારત સાબિત થયો.

પ્રિયંકા ગાંધી

ચૂંટણીના અંતિમ તબક્કામાં મીડિયાએ અચાનક જ પ્રિયંકા ગાંધી તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડયું. પ્રિયંકા ગાંધીનાં કેટલાંક વિધાનો લાંબા પ્રવચનો કરતાં વધુ ધારદાર અને સીધાં તીર જેવા જણાયાં. કોંગ્રેસે તેના નેતા તરીકે રાહુલ ગાંધીને પ્રોજેક્ટ કર્યા, પરંતુ પ્રિયંકા ગાંધી રાહુલને ઓવરટેક કરી ગયાં. પ્રિયંકા ગાંધીએ રાયબરેલી અને માત્ર અમેઠીમાં જ પ્રચાર કર્યો, પરંતુ લોકો સાથે સીધી વાતચીત કરવાની તેમની શૈલીથી તેઓ છવાઈ ગયાં. કોંગ્રેસમાં આજે પણ ઘણો મોટો એવો વર્ગ છે કે જેઓ માને છે કે,કોંગ્રેસનું નેતૃત્વ ખરેખર તો પ્રિયંકા ગાંધીને વહેલાથી સોંપવાની જરૂર હતી. લેમન યલો સાડીમાં સ્ટેજ પર ચડતાં પ્રિયંકા પર કેમેરા તકાયેલા રહ્યા. નોંધપાત્ર વાત એ રહી કે, પ્રિયંકા કલાક સુધી બોલવાના બદલે માત્ર ૭ મિનિટ જ બોલે છે, પરંતુ શ્રોતાઓ માટે એટલું જ પૂરતું રહ્યું. એવું લાગે છે કે, રાહુલ ગાંધી આખા ઉત્તર પ્રદેશમાં અનેક મીટિંગો કરીને જે મેળવી ના શક્યા તે પ્રિયંકા ગાંધીએ છેલ્લા ચાર જ દિવસમાં હાંસલ કરી દીધું. તા. ૧૬મીએ કોંગ્રેસ માટે પરિણામો વિપરીત આવે તો કોંગ્રેસના નેતૃત્વમાં ક્રાંતિકારી ફેરફારો આવી શકે છે. ચૂંટણી પછી પ્રિયંકા ગાંધીએ મોટો રોલ ભજવવાનો આવશે તેમ દિલ્હીનાં વર્તુળો કહી રહ્યાં છે. પ્રિયંકાનો દેખાવ, રંગીન સાડીઓ, સ્મિતભર્યો ચહેરો અને લોકો સાથે સીધા સંવાદ કરવાની તેમની શૈલી કેમેરા ફ્રેન્ડલી રહી.

મોદી આગળ વામણા

આ ચૂંટણીની નોંધપાત્ર વાત એ રહી કે ચૂંટણીપ્રચાર અને ભાષણો દરમિયાન નરેન્દ્ર મોદીએ માત્ર વિપક્ષોના જ નહીં, પરંતુ પોતાના પક્ષના તમામ દિગ્ગજનોને વામણા સાબિત કરી દીધા. ચૂંટણીપ્રચારમાં ૧થી ૨૦ નંબર સુધી માત્ર અને માત્ર નરેન્દ્ર મોદી જ રહ્યા. ફિલ્મી સિતારા પણ મોદી જેટલી ભીડ એકત્ર કરાવી શક્યા નહીં. પક્ષની સ્થાપના કરનાર એલ. કે. અડવાણીની કોઈએ ક્યાંય પણ નોંધ ના લીધી. પક્ષના પ્રમુખ રાજનાથસિંહ મોદીના સચિવ જેવા જ રહ્યા. મુરલી મનોહર જોશી, લાલજી ટંડન જેવા દિગ્ગજો પણ મોદી શરણમ્ ગચ્છામિ કરતાં રહ્યાં. અરુણ જેટલી પણ નાના અને સ્થાનિક નેતા જ બની રહ્યા. સુષ્મા સ્વરાજની હાલત તો એટલી ખરાબ રહી કે મધ્યપ્રદેશમાં એક સ્થળે તેઓ ભાષણ કરવા ગયાં, પરંતુ એરપોર્ટ પર તેમને લેવા જ કોઈ ના આવ્યું. વેંકૈયા નાયડુનો તો કોઈએ ભાવ જ ના પૂછયો. યશવંત સિંહા પણ ગુમ રહ્યા. ભાજપામાં એકમાત્ર મોદી જ સ્ટારપ્રચારક રહ્યા અને બાકીના ઝાંખા પડી ગયેલા ઉપગ્રહો જેવા લાગ્યા. મોદી માત્ર સ્ટાર પ્રચારક જ નહીં, પરંતુ સૌથી વધુ રેલીઓ સંબોધવાની બાબતમાં, સૌથી વધુ થ્રીડી સભાઓ સંબોધવામાં, સૌથી વધુ ચાય પે ચર્ચા કરવાની બાબતમાં અને સૌથી વધુ વાયુવેગે પ્રવાસ-ઉડ્ડયન કરવામાં પણ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ્સ બ્રેક કરી નાખ્યા. મીડિયાને સૌથી વધુ ઇન્ટરવ્યૂઝ પણ તેમણે જ આપ્યા.

અમિત શાહ

ઉત્તર પ્રદેશમાં પ્રભારી તરીકે અમિત શાહને મૂકવાની નરેન્દ્ર મોદીની વ્યૂહરચના કામિયાબ રહી હોય તેમ લાગ્યું. ચૂંટણીની રણનીતિ ઘડવામાં અમિત શાહ કુશાગ્ર રાજકારણી છે. તેઓ પરિણામ હાંસલ કરવા સામ, દામ, દંડ અને ભેદ એમ તમામ રીતિનીતિઓ વાપરવાની કળા જાણે છે. ઉત્તર પ્રદેશની ભૂમિ અને રાજનીતિથી અપરિચિત હોવા છતાં તેમણે થોડાક જ દિવસોમાં ઉત્તર પ્રદેશની પોલિટિકલ કેમિસ્ટ્રી સમજી લીધી. મીડિયાવાળાઓએ પણ નરેન્દ્ર મોદી પછી એલ. કે. અડવાણી કે મુરલી મનોહર જોશીના ઇન્ટરવ્યૂઝ લેવાના બદલે અમિત શાહના ઇન્ટરવ્યૂઝ લેવાનું વધુ પસંદ કર્યું. એન.ડી.એ.ની સરકાર રચાશે તો અમિત શાહનું પ્રભુત્વ દિલ્હીમાં અને દેશમાં વધશે. વારાણસીમાં નરેન્દ્ર મોદીના નામાંકન પ્રસંગે પ્રચંડ જનમેદની એકત્ર કરી અમિત શાહે પોતાની આવડત, તાકાત અને રણનીતિનો પરચો પોતાના જ પક્ષના દિગ્ગજોને આપી દીધો. તા. ૧૬મી પછી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર રચાશે તો દિલ્હીમાં અમિત શાહનો દબદબો રહેશે.

ગુજરાતનો દબદબો

દેશની રાજનીતિમાં વર્ષોથી ગુજરાત મહત્ત્વપૂર્ણ રોલ ભજવતું આવ્યું છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તે પહેલાં અંગ્રેજોને હાંકી કાઢવાના મુદ્દે દેશના સ્વાતંત્ર્ય સેનાની નેતાઓ વહેંચાયેલા હતા. કેટલાક રાજાઓ અંગ્રેજોના પીઠ્ઠુ હતા. ગાંધીજીના આગમન પછી જ ગાંધીજીના નેતૃત્વ હેઠળ આઝાદી માટે લડતા નેતાઓ એક થયા. ગુજરાતે એક માત્ર ગાંધીજી જ નહીં, પરંતુ સરદાર સાહેબ પણ આપ્યા. દિલ્હીની રાજનીતિ માટે એવું કહેવાયું કે, નહેરુ વડા પ્રધાન છે, પરંતુ સરકાર તો સરદાર જ ચલાવે છે. ગાંધીજી અને સરદાર સાહેબના અવસાન પછી નહેરુના જમાનામાં મોરારજી દેસાઈનો દિલ્હીમાં પ્રભાવ હતો. મોરારજીભાઈને નહેરુ સાથે બનતું નહોતું, પરંતુ નહેરુ મોરારજી દેસાઈની ઉપેક્ષા કરી શકે તેમ નહોતા. નહેરુના અવસાન બાદ મોરારજી દેસાઈ અને ઈન્દિરા ગાંધી વચ્ચે સંઘર્ષ થયો અને એક તબક્કે મોરારજીભાઈ પણ દેશના વડા પ્રધાન થયા. નહેરુના જ સમયમાં ગુજરાતના ઉચ્છરંગરાય ઢેબર પણ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા. ઇન્દિરા ગાંધીના સમયમાં દિલ્હીમાં ગુજરાતનું પ્રભુત્વ મોરારજી દેસાઈના કારણે ઘટયું, પરંતુ રાજીવ ગાંધીના સમયમાં ગુજરાતના અહેમદ પટેલ દિલ્હીમાં મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય નેતા બની રહ્યા. રાજીવ ગાંધીના સમયથી માંડીને આજ સુધી દિલ્હીમાં લેવાતા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં અહેમદ પટેલની ભૂમિકા ચાવીરૂપ રહી. કેન્દ્રમાં હવે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર રચાશે તો એ સ્થાન અમિત શાહ લઈ શકે છે. અલબત્ત,તા. ૧૬મી સુધી રાહ જોવી રહી.