તારીખ ૧૬મી મે પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં એનડીએની સરકાર રચાય તો ભારતની વિદેશનીતિ કેવી હશે? ભારતમાં ચાલી રહેલી ચૂંટણી પર માત્ર દેશની જ નહીં, પરંતુ પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ અને જાપાન સહિતના દેશોની પણ નજર છે. યુરોપ અને અમેરિકા પણ બારીકાઈથી ભારતના આ મહાચૂંટણી પર્વનું નિરીક્ષણ કરી રહ્યાં છે. પાકિસ્તાનનાં મીડિયા પર તો કેટલાંક લોકો એવું કહી રહ્યા છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવાની શક્યતા હોઈ પાકિસ્તાને અત્યારથી જ સરહદ પર લશ્કર ગોઠવી દેવું જોઈએ. આનાથી વધુ બેવકૂફીભરી ચર્ચા બીજા કોઈ હોઈ ન શકે.

ભારત ફરી અણુધડાકો કરશે?

ઇન્દિરા ગાંધીની નીતિ

હા, એ વાત સુનિશ્ચિત છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો ભારતની વિદેશનીતિમાં કેટલાંક પરિવર્તનો આવશે. ઇિંન્દરા ગાંધીને બાદ કરતાં દેશની વિદેશનીતિ હંમેશાં નરમ રહી છે. એમાં એક નામ ઉમેરી શકાય અને તે લાલ બહાદુર શાસ્ત્રીનું. પાકિસ્તાનના આક્રમણનો તેમણે જડબાતોડ જવાબ આપ્યો હતો અને યુદ્ધ વખતે જ ભારત-રશિયા મૈત્રીકરાર કરી પાકિસ્તાનને મદદ કરી રહેલી વિદેશી તાકાતોને ઠંડી પાડી દીધી હતી. જવાહરલાલ નહેરુની વિદેશનીતિ નિષ્ફળ હતી અને કૃષ્ણમેનનની બેવકૂફીને કારણે જવાહરલાલ નહેરુને છેતરીને ચીને ભારત પર આક્રમણ કરી દીધું હતું. નહેરુને કારણે જ કાશ્મીરનો મામલો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અટવાઈ ગયો. એક માત્ર ઇન્દિરા ગાંધીએ યુરોપ-અમેરિકાની પરવા કર્યા વિના પાકિસ્તાનના બે ટુકડા કરી બાંગ્લાદેશને આઝાદી અપાવી હતી. તે પછી લંડનમાં બીબીસીના પત્રકાર ડેવિડ ફ્રોસ્ટના આકરા પ્રશ્નોનો જવાબ આપતાં ઇન્દિરા ગાંધીએ અમેરિકા અને પશ્ચિમના દેશોએ કરેલ યુદ્ધો અને આચરેલા નરસંહારની યાદ અપાવી ડેવિડ ફ્રોસ્ટને મૌન કરી દીધા હતા.

પાકિસ્તાન અંગે

ખેર! ફરી નરેન્દ્ર મોદી પર આવીએ. એ વાત નક્કી છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો ખુદ ભારતની પ્રજા તેમની પાસે ભારતનાં ગૌરવ અને ગરિમા પુનઃ પ્રસ્થાપિત થાય તેની અપેક્ષા રાખશે. એનો મતલબ એ નથી કે મોદી આવશે એટલે યુદ્ધ કરી દેશે. ન્યુક્લિઅર આયુધોથી સજ્જ પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું શક્ય નથી. હા, અટલ બિહારી વાજપેયીના સમયમાં તેઓ બસમાં બેસી લાહોર ગયા હતા અને કવિતાઓ ગાતા હતા. તેવી વિદેશનીતિને હવે કોઈ સ્થાન નથી, કારણ કે વાજપેયીજી લાહોરમાં ફરતા હતા તે જ વખતે પાકિસ્તાનનું લશ્કર કારગિલમાં પ્રવેશી રહ્યું હતું. અમેરિકાની સખ્તાઈ અને પાબંધીને કારણે ભારતે પાકિસ્તાનની ભૂમિમાં પ્રવેશ કર્યા વિના જ કારગિલમાં મર્યાદિત એક્શનથી સંતોષ માનવો પડેલો અને તેનું બિલ ૧૦ હજાર કરોડ આવ્યું હતું. પાડોશી દેશોને પાઠ ભણાવવો એ મુત્સદ્દીગીરી નથી. પાકિસ્તાનની સાન ઠેકાણે રાખી પાકિસ્તાનને મિત્ર બનાવી અમેરિકાની ભાગલા પાડો અને રાજ કરોની કૂટનીતિને ખતમ કરવી એ જ સાચી મુત્સદ્દીગીરી છે. અમેરિકાને શસ્ત્રો વેચવામાં રસ છે અને તે માટે ભારત પાકિસ્તાન સહિત વિશ્વના અનેક દેશો યુદ્ધ કરતાં રહે તે અમેરિકા માટે જરૃરી છે. આ પરિપ્રેક્ષ્યમાં નરેન્દ્ર મોદી માટે સાચો લક્ષ્યાંક પાકિસ્તાન નહીં પરંતુ અમેરિકા હોવો જોઈશે.

અમેરિકા જ સંહારક

આમેય અમેરિકાએ લોકતાંત્રિક રીતે ત્રણ વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા નરેન્દ્ર મોદીને વિઝા નહીં આપીને ભારતના લોકતાંત્રિક નાગરિકનું અપમાન જ કર્યું છે. ગોધરા કાંડ માટે નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવનાર અમેરિકા એ વાત ભૂલી જાય છે કે બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બ ઝીંકીને ગણતરીની મિનિટોમાં ૧૦ લાખ લોકોને રાખ કરી દીધા હતા. બીજા લાખ્ખો લોકો વર્ષ સુધી કેન્સરથી પીડાઈને રીબાઈ રીબાઈને મૃત્યુ પામ્યા. મોદીને નરસંહારક કહેતા અમેરિકાએ વિયેતનામ પર આક્રમણ કરીને તેના પર બોમ્બ ઝીંક્યા હતા અને લાખ્ખો નાગરિકોને મારી નાંખ્યા હતા. અમેરિકન સૈનિકોએ સેંકડો વિયેતનામ સ્ત્રીઓને ગર્ભવતી બનાવી દીધી હતી. અમેરિકાએ તેલના રાજકારણ માટે સદ્દામ હુસેન પર ખોટો આરોપ મૂકી ઇરાક પર ચઢાઈ કરી હતી અને એક રાતમાં હજારો બોમ્બ ઝીંકી ૧૦ લાખ ઇરાકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જર્મનીના હિટલર પછી સહુથી વધુ માનવ હત્યાઓ અમેરિકાએ કરી છે એ અમેરિકાને મોદી પર આક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. અપેક્ષા એવી હશે કે નરેન્દ્ર મોદી પાકિસ્તાન આજે જેમ અમેરિકાનું ખંડિયું રાજ છે તેવી પરિસ્થિતિમાંથી પાકિસ્તાનને પણ ઉગારે અને ભારતની ૧૨૫ કરોડની પ્રજાનું સ્વાભિમાન પુનઃસ્થાપિત કરે. ભારતમાં ધંધો કરી દેશના નાના વેપારીઓને લૂંટવાનો પરવાનો અમેરિકાની વોલમાર્ટ જેવી કંપનીઓને ન મળે તે જોવું રહેશે. એ જ રીતે અમેરિકા જવા માગતા ભારતના યુવાનોને વિઝા આપતી વખતે અમેરિકન કોન્સ્યુલેટ કચેરીમાં જે રીતે અપમાનિત કરવામાં આવે છે, તે બંધ કરાવી ભારત આવવા માગતા અમેરિકન નાગરિકો માટે વિઝાનાં ધોરણો ભારત કડક બનાવે તે જરૃરી હશે. મોદી વડાપ્રધાન બનશે તો અમેરિકાના પ્રમુખ જ મોદીનું ભવ્ય સ્વાગત કરશે એમાં કોઈ શંકા નથી.

મસ્કુલર પોલિસી?

ઘણા લોકો એવું માને છે કે નરેન્દ્ર મોદી સત્તા પર આવશે તો ભારતની વિદેશનીતિ ‘મસ્કુલર’ હશે. એનો અર્થ મસલ પાવરનો ઉપયોગ કરવો કે કેમ તે હજુ સંદિગ્ધ છે, પરંતુ વિદેશીનીતિના તજ્જ્ઞાોની માન્યતા છે કે નરેન્દ્ર મોદી ચોક્કસ અને જરૃર પડયે સખત નિર્ણયો લેવાની ક્ષમતાવાળા હશે. દેશના શ્રેષ્ઠ હિતમાં જે નિર્ણયો લેવા પડશે તે નિર્ણયો તેઓ લેશે જ. મોદી એક એક્શન ઓરિએન્ટેડ લીડર છે. આજે આખા વિશ્વમાં ભારત એક સોફટ નેશન હોવાની છાપ છે તે દૂર થવી જોઈએ. ‘ગરીબ કી જોરૃ સબ કી ભાભી’ એ દિવસોનો હવે અંત આવવો જોઈએ.

જાપાન સાથે મિત્રતા

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ભવિષ્યમાં બિનજોડાણવાદી વિદેશનીતિ અપનાવે તેમ લાગતું નથી. બિનજોડાણવાદી નીતિ બોલવામાં સારી લાગે છે, પરંતુ તેનો અર્થ એમ કરી શકાય કે બિનજોડાણવાદી નીતિ એટલે ન કોઈ મિત્ર ન કોઈ દુશ્મન. આજના કપરા કાળમાં આવી માયકાંગલી નીતિ ચાલે નહીં. ભારતને મજબૂત મિત્રો હોવા જોઈએ. બની શકે કે નરેન્દ્ર મોદી અમેરિકા અને યુરોપિયન યુનિયન સામે એક મજબૂત એશિયન પાવર ઊભો કરે. નરેન્દ્ર મોદીના ચીન અને જાપાનના દેશોના રાજકારણીઓ સાથે સુમધુર સંબંધો છે. ભારતના આજે પણ જાપાન સાથેના સંબંધો સારા છે. મોદીના આવ્યા બાદ તેમાં વેગ મળશે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે સાથે વ્યક્તિગત સંબંધો છે. ૨૦૦૭માં જાપાનના વડાપ્રધાને ટોકિયોમાં મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એ વખતે મોદી રાષ્ટ્રીય નેતા ન હોવા છતાં જાપાનમાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ચીન સાથે સંબંધો

ચીનને લાગેવળગે છે ત્યાં સુધી પ્રશ્ન પેચીદો છે. તાજેતરમાં અરુણાચલમાં પ્રવચન વખતે નરેન્દ્ર મોદીએ કેટલીક રિમાર્ક્સ કરી હતી. એ અંગે કેટલાકે એવી દહેશત વ્યક્ત કરી હતી કે અરુણાચલની સુરક્ષા માટે મોદીનું શાસન ચીન સામે કોઈ એક્શન લેશે,પરંતુ ચીને જાતે જ એવું નિવેદન કરીને એ વાતને ખારીજ કરી દેતાં કહ્યું હતું કે “ચૂંટણી ઝુંબેશ વખતે આવા સ્થાનિક મુદ્દા પર બોલવું જ પડે છે.” નિષ્ણાતો માને છે કે મોદીના નેતૃત્વ હેઠળ ભારત-ચીન વચ્ચે વેપારી સંબંધો ખીલી ઊઠશે. અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદી ચાર વખત ચીનનો પ્રવાસ ખેડી ચૂક્યા છે. ચીનના ગ્રેટ હોલ ઓફ ધી પીપલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત થઈ ચૂક્યું છે. આ અસાધારણ ઘટનાની ભારતનાં મીડિયાએ ઉપેક્ષા કરી હતી. મોદીના નેતૃત્વ હેઠળ ભારત અને ચીનના સંબંધો મજબૂત બનવાની સંભાવના છે.

વળી ઇન્દિરા ગાંધીએ પહેલો અને વાજપેયીએ બીજો પ્રાયોગિક પરમાણુ ધડાકો કર્યો તે પછી દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. હવે પાકિસ્તાન, કોરિયા અને શાયદ ઈરાન પાસે પણ પરમાણુ બોમ્બ છે ત્યારે ભારતે તેના ન્યુક્લિઅર પ્રોગ્રામને અપગ્રેડ કરવો પડશે. પરમાણુ બોમ્બ ધડાકો કરવાથી વિશ્વનું ધ્યાન ભારત પર કેન્દ્રિત કરી શકાય છે.

ન્યુક્લિઅર પોલિસી

હવે સહુથી અગત્યની વાત ભારતની ન્યુક્લિઅર પોલિસીની. સામાન્ય માનવી એવું માનવા જરૃર પ્રેરાય કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં સરકારની રચના થશે તો મોદી પણ ઇન્દિરા ગાંધી અને વાજપેયીની જેમ પોખરણમાં પરમાણુ વિસ્ફોટ કરી ભારતની તાકાતનું પ્રદર્શન કરશે, પરંતુ તેમ કરવાથી દેશને કોઈ ફાયદો થતો નથી, કારણ કે વિશ્વને હવે ખબર જ છે કે ભારત એક ન્યુક્લિઅર પાવર ધરાવતો દેશ છે. જ્યારે જ્યારે ભારતે પરમાણુ ધડાકા કર્યા છે ત્યારે ત્યારે ભારતે અનેક આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડયો છે. પરમાણુ પ્રયોગ કરવાથી ભારતની આર્થિક યાતનાઓ વધી શકે છે. ભારત અનેક પ્રકારની સહાય ગુમાવી શકે છે. ભારતની અગ્રતા યુદ્ધ નહીં પરંતુ ગરીબી સામેના યુદ્ધની છે. હા, એક વાત ચોક્કસ છે કે ભાજપે ‘ઈન્ડિપેન્ડેન્ટ સ્ટ્રેટેજિક ન્યુક્લિઅર પ્રોગ્રામ’ને અપડેટ કરવાનો ઈશારો કર્યાે છે. બની શકે કે, ન્યુક્લિઅર શસ્ત્રોનો ‘નો ફર્સ્ટ યુઝ’ સિદ્ધાંત હવે ત્યજી દેવો પડે. અત્યારે ભારત કે પાકિસ્તાને પહેલાં ન્યુક્લિઅર શસ્ત્રનો ઉપયોગ કરવો નહીં એવી સમજૂતી છે. મોદીના નેતૃત્વ હેઠળ આ બદલાવ આવે તેવી શક્યતા કેટલાક જોઈ રહ્યા છે. એ વાત ચોક્કસ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દિલ્હીમાં સરકાર રચાશે તો ભારતની ન્યુક્લિઅર પોલિસીમાં પણ ફેરફાર આવશે અને તેને સમયની માગ પ્રમાણે અપડેટ કરાશે. નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતા કરી જ કે પાકીસ્તાન સાથે સંઘર્ષની નીતિ અખત્યાર કરવામાં આવશે નહીં પરંતું રાષ્ટ્રહીતને સૌથી વધુ અગ્રતા આપવામાં આવશે. અણુંધડાકો કર્યા વગર પણ લાલ આંખ રાખી શકાય છે અને તે તરકીબો મોદી સારી રીતે જાણે જ છે. પડોશી દેશો એ વાત ન ભુલે કે નરેન્દ્ર મોદી એક એક્ક્શન ઓરિએન્ટેડ લીડર છે