ભૂખમરાથી ત્રસ્ત ગરીબ દેશમાં નેતાઓની ફાઈવ સ્ટાર લક્ઝરીથી ભરેલી આ છે ચૂંટણી
૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ભારતના લોકતાંત્રિક ઇતિહાસની સહુથી ખર્ચાળ ચૂંટણી તરીકે ઓળખાશે. ભાષણોની બાબતમાં અત્યંત નિમ્ન સ્તરની ચૂંટણી તરીકે પણ ઓળખાશે. ગાળાગાળી અને ઝેર ઓક્તા આવા ભાષણો અગાઉ કદી સાંભળવા મળ્યા નથી.
રાષ્ટ્રીય મુદ્દાઓને બદલે વ્યક્તિગત આક્ષેપો જ આ ચૂંટણીના ભાષણોમાં પ્રભાવી રહ્યા. ચૂંટણીપંચ દ્વારા ખર્ચાનારી રકમ કરતાં દેશની વિવિધ પોલિટિકલ પાર્ટીઓ અને ઉમેદવારો તરફથી ખર્ચાઈ રહેલી રકમ હજારો કરોડની થવા પામે છે. જે દેશની ૪૦ કરોડની પ્રજા ગરીબની રેખા હેઠળ આવતી હોય તે દેશની રાજકીય પાર્ટીઓ અને તેમના ઉમેદવારોને હજારો કરોડ આપે છે કોણ? શું આ ચૂંટણીઓ દેશના મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ લડી રહ્યા છે? મોટા ભાગના ઉમેદવારો પૂંજીપતિઓના જ પ્રતિનિધિઓ છે? શું દેશના કોર્પોરેટ વર્લ્ડે ૨૦૧૪ની ચૂંટણીઓમાં રાજકીય પક્ષોને પૈસા આપી એક પ્રકારનું મૂડીરોકાણ જ કર્યું છે? કોઈ પણ પક્ષની સરકાર રચાય તે પછી સત્તાધારી પક્ષ પાસેથી દેશની પ્રાકૃતિક સંપદાને લૂંટવાના પરવાના લેવાના છે? રાજકીય પક્ષોને આપેલાં અબજોનાં નાણાંનો બદલો તેઓ વીજળી, પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ભાવવધારો કરાવી વસૂલ કરવાના છે?
વિશ્વના સહુથી મોટા લોકતંત્રના ચૂંટણી મહાપર્વ દરમિયાન ચૂંટણી પંચે પ્રત્યેક ઉમેદવાર દીઠ વધુમાં વધુ રૃ. ૭૦ લાખના ખર્ચની મર્યાદા બાંધી છે, પરંતુ મોટાભાગના ઉમેદવારો ચૂંટણી પંચની આ આચારસંહિતાની હાંસી ઉડાવી કરોડોનું ખર્ચ કરી રહી છે. આજે અમદાવાદની આસપાસ વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો પણ રૃ. ૫ કરોડ ખર્ચવા પડે છે જ્યારે આ તો લોકસભાની ચૂંટણી છે. તેમાં ઉમેદવારે ૧૫થી ૧૮ લાખ મતદારો સુધી પહોંચવાનું હોય છે. કાગળ પર જે ચૂંટણી ખર્ચ દર્શાવવામાં આવે છે તે તો ચૂંટણી પંચની આંખમાં ધૂળ નાંખવા જેવી વાત હોય છે. દેશના બિહાર, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડ જેવા વિસ્તારોમાં ગરીબ આદિવાસીઓ ક્યાં તો એક જ ટંક જમે છે અથવા તો કીડા-મંકોડા ખાઈ પેટ ભરે છે તે દેશના તમામ મુખ્ય આઠ રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ લકઝુરિયસ પ્રાઈવેટ જેટમાં ઊડી લોકોને સંબોધવા જાય છે. જે દેશના સેંકડો ખેડૂતો આપઘાત કરે છે તે દેશના નેતાઓ દિવસે ભાષણો કરી રાત્રે ફાઈવસ્ટાર હોટેલ્સ જેવા લકઝુરિયસ બંગલાના વાતાનુકૂલિત શયનખંડમાં પોઢી જાય છે. ગામડાંઓમાં લોકોને સાયકલ કે સ્કૂટરનાં ફાફાં છે ત્યારે મહિનાથી નેતાઓ પ્રાઈવેટ વિમાનો અને હેલિકોપ્ટર્સમાં જ ઊડે છે. પ્રત્યેક રેલી પાછળ ૧૦થી ૨૦ કરોડ રૃપિયાનું ખર્ચ થાય છે. લોકો હવે સ્વયંભૂ આવતા નથી, લાવવા પડે છે. તેમને લાવવા ભાડાનાં હજારો વાહનો મૂકવાં પડે છે. તેમને મિનરલ વોટર અને નાસ્તાનાં પેકેટ આપવાં પડે છે. દિલ્હીમાં તો રેલીમાં આવતા માણસોને વ્યક્તિદીઠ ૧૦૦થી ૫૦૦ રૃપિયાની રકમ ચૂકવવી પડે છે. ઈલેક્ટ્રોનિક્સ ચેનલ્સ અને પ્રીન્ટ મીડિયામાં વિજ્ઞાપનો આપવાં પડે છે. દેશમાં લાખો પોસ્ટર્સ લગાડવાં પડે છે. પ્રચાર અભિયાનનો ખર્ચો અબજોમાં છે. કેટલીક બેઠક પર લોકસભાની ચૂંટણી લડવી હોય તો રૃ.૨૦થી ૨૫ કરોડ ખર્ચવા પડે છે.હાઈપ્રોફાઈલ બેઠક પર રૃ.૪૦થી ૫૦ કરોડ ખર્ચવા પડે છે.
રેલીઓમાં લોકો હવે જમીન પર બેસવાની ના કહે છે તેથી તેમના માટે હજારો ખુરશીઓ લાવવી પડે છે.રાષ્ટ્રીય સ્તરના નેતાની જનસભા કરવી હોય તો મંડપ અને બેઠક વ્યવસ્થાનું બિલ રૃ.૨૦ લાખ આવે છે. ગામડાંમાં નાની સભા ગોઠવવી હોય તો સાઉન્ડ સિસ્ટમવાળો રૃ.૪૦૦૦ લે છે. લાઈટ અને જનરેટરનો ચાર્જ રૃ. ૫૦૦૦ છે એથી મોટી રેલીના મંડપનું ખર્ચ રૃ.૧૫ લાખ કરતાં વધુ આવે છે. ખુરશીવાળો એક ખુરશી દીઠ રૃ. ૧૦નું ભાડું લે છે. વેલ્વેટ રબર ફોર્મવાળી પ્રત્યેક ખુરશીનું ભાડું રૃ.૨૦ છે. એરકૂલરનું ભાડું રૃ.૪૦૦. મોટી રેલીમાં ૪૦થી ૫૦ એરકૂલર મૂકવાં પડે છે. મિનરલ વોટરવાળો એક બોટલના રૃ.૧૦ લે છે. નાની બોટલ હોય તો રૃ.૫ લે છે. મોટી રેલીમાં એક વ્યક્તિદીઠ ફૂડપેકેટનો ભાવ રૃ. ૯૦ છે. કાર્યકર્તાઓને અપાતું રોજની ટેક્સી કે જીપનું ભાડું ૨૦૦૦,આવી સેંકડો જીપો મૂકવી પડે છે. ર્હોિડગ્સ લગાડવામાં આવે તો દોઢ લાખનું ખર્ચ થાય છે.
દરેક મતવિસ્તારમાં ૪૦થી ૫૦ કાર્યકર્તાઓ એવા હોય છે કે જેમને જીપ અને રોજના ડીઝલના ખર્ચ પેટે રૃ. ૨૦૦૦ આપવા પડે છે. દરેક કાર્યકર્તાએ પરચૂરણ ખર્ચ પેટે રૃ. ૨૦થી ૨૫ હજારની રકમ અગાઉથી આપી દેવી પડે છે. કાર્યકર્તા આ રકમ ઘરમાં જ લઈ જવાનો હોય છે એ વાતની ખબર ઉમેદવારને હોય છે જ પરંતુ આ એક અનિવાર્ય અનિષ્ટ છે. વળી હવે એક નવો ટ્રેન્ડ શરૃ થયો છે. કેટલીક વાર મતદારો પોતાની વિચારધારાવાળા પક્ષના ઉમેદવારને મત આપવા માટે મતદાન મથક સુધી જવાના પૈસા માંગે છે. એક ઘરમાં પાંચ મતદારો હોય તો ૫૦૦ની નોટ આપવી પડે છે. પાંચ હજાર લોકોને મતદાન કરાવવા માટે પાંચ લાખની રકમ ખર્ચવી પડે છે. દારૃ અને અફીણને ચૂંટણી સાથે પુરાણો નાતો છે. ચૂંટણી પર્વ કેટલાંક લોકો માટે જલસો થઈ જાય છે. ગ્રામ્ય વિસ્તારમાં કેટલાંયે લોકોને દારૃ આપ્યા સિવાય પ્રવૃત્તિ કરી શકતા નથી. ગ્રામ્ય વિસ્તારોના કેટલાંક લોકો હવે ‘ઈંગ્લિશ’માંગે છે. દિલ્હી જેવાં શહેરોની બહારની વસ્તીની કોલોનીઓમાં ‘લાલપરી’નું ચોરીછૂપીથી વિતરણ થાય છે.
ચાલો, આ તો શરાબ અને ડાન્સની વાત થઈ, પરંતુ ગુજરાત જેવાં રાજ્યમાં કેટલાંયે એવાં ગામડાં છે કે જ્યાં મંદિર કે દહેરું બાંધવા જે તે જ્ઞાતિ કે સમાજને દાનની રકમ જાહેર કરવાય છે અથવા તો રોકડ રકમ આપી દેવી પડે છે. એના બદલામાં જે તે ગામના લોકો કે સમાજ તે ઉમેદવારને મત આપવાની બાંહેધરી આપે છે. આ બધું ચૂંટણી પંચ કદી નિહાળી કે પકડી શકતું નથી. ઉમેદવારો ચૂંટણીપંચને જે હિસાબ આપે છે તે તો માત્ર આંકડાની કારીગરી જ હોય છે આંકડાની આ કલાબાજીના થોડાક નમૂના આ રહ્યા. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં રૃ.૧ કરોડ ૬ લાખ ૬૫ હજારના ચૂંટણી ખર્ચ (બતાવેલા)માં ચૂંટાયેલા દિલ્હીના સાત લોકસભા સાંસદે આ પ્રમાણે હિસાબ બતાવ્યો હતો.
– ઉત્તર પશ્ચિમી દિલ્હીનાં સાંસદ કૃષ્ણા તીરથનો ખર્ચ રૃ.૬ લાખ ૮૦ હજાર.
– નવી દિલ્હીના સાંસદ અજય માકનનો ખર્ચ રૃ.૨૦ લાખ ૮૮ હજાર.
– પૂર્વી દિલ્હીથી ચૂંટાયેલા સાંસદ સંદીપ દીક્ષિતનો ખર્ચ રૃ.૧૪ લાખ ૯૭ હજાર.
– ચાંદની ચોકથી ચૂંટાયેલા કપિલ સિબ્બલનો ખર્ચ રૃ.૧૨ લાખ ૧૭ હજાર.
– પશ્ચિમી દિલ્હીથી ચૂંટાયેલા મહાબત મિશ્રાનો ખર્ચ રૃ.૧૮ લાખ.
– દક્ષિણી દિલ્હીથી ચૂંટાયેલા રમેશ કુમારનો ચૂંટણી ખર્ચ રૃ. ૧૮ લાખ ૯૩ હજાર.
– ઉત્તર પૂર્વ જેપીનાં ખર્ચ રૃ.૧૫ લાખ.
બોલો, છેને આંકડાની કમાલ? રૃ.૧૫ લાખમાં તો હવે સરપંચની ચૂંટણી પણ જીતી શકાતી નથી સાહેબ! સારું છે કે આજે ગાંધીજી હયાત નથી. બાકી, આજની લક્ઝુરિયસ ચૂંટણી, આજના નેતાઓ, આજનાં ભાષણો અને કૌભાંડો જોઈને ભડકી જ જાત. દેશના કરોડો લોકો છાપરું શોધે છે ત્યારે ચૂંટણીમાં ઠાલાં વચનો આપતા કેટલાંક નેતાઓની તો લાઈફસ્ટાઈલ જ ફાઈવસ્ટાર કલ્ચર જેવી છે.

Comments are closed.