પ્રિયંકાને બચપણથી જ રાજનીતિમાં રસ હતો- તો રાજનીતિમાં કેમ નહીં?

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી જનાર્દન દ્વિવેદીએ ગાંધી પરિવારના અત્યંત સંવેદનશીલ મુદ્દાને સ્પર્શીને એક મધપૂડાને છંછેડયો છે. તેમણે કહ્યું કે, ‘ખુદ રાજીવ ગાંધીએ મને એક વાર કહ્યું હતું કે, પ્રિયંકા નાની હતી ત્યારથી તેને રાજનીતિમાં રસ હતો.’એથી યે આગળ વધીને તેમણે કહ્યું કે, ‘પ્રિયંકામાં રાજનીતિ અને રાજનીતિની ભાષાની સમજ પહેલેથી જ છે. મારી પાસે તેના પુરાવા છે પરંતુ હાલ હું તે જાહેર કરીશ નહીં.’

પેલેસ પોલિટિક્સનું હુકમનું પત્તું-પ્રિયંકા

જનાર્દન દ્વિવેદીના આ વિધાન બાદ કોંગ્રેસની ભીતર કેટલોક ગણગણાટ શરૂ થયો છે. પ્રિયંકાને પહેલેથી જ પેલેસ પોલિટિક્સનું હુકમનું પત્તું માનવામાં આવે છે. સામાન્ય લોકો માને છે કે, પ્રિયંકા તેમની દાદી ઇન્દિરા ગાંધી જેવા દેખાય છે. પ્રિયંકાના ચહેરા પર સતત સ્મિત રેલાતું હોય છે. તેઓ આસાનીથી લોકો માટે ઉપલબ્ધ છે. ચહેરા પર ગુસ્સો નથી. હેરસ્ટાઇલ અને સાડી પહેરવાની સ્ટાઇલ પણ ઇન્દિરા ગાંધી જેવી જ છે. પ્રિયંકા ગાંધીને સોનિયા ગાંધી કે રાહુલ ગાંધીના સંસદીય મત વિસ્તારો પૂરતાં જ સીમિત રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ આખા દેશમાં તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. અલબત્ત લોકોને અને ખુદ કોંગ્રેસીઓને તેનો ઇન્તજાર છે. બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે દરેકને મોટા ઘરમાં એક પેલેસ પોલિટિક્સ હોય છે. રાજકારણમાં કોણે આવવું તે કોઇવાર સિનિયર્સ નક્કી કરે છે તો કોઇવાર સભ્યો ખુદ. તેમાં પણ એક રાજનીતિ હોય છે અંદરો અંદર પણ.

મીડિયાએ એકવાર પ્રિયંકાને પૂછયું હતું : ‘તમે રાજનીતિમાં આવશો’? – એ પ્રશ્નનો જવાબ તેમણે ‘ના’ માં આપ્યો હતો. પરંતુ એક વાર તેમના પતિ રોબર્ટ વાડેરા બોલી ગયા હતાઃ ‘પ્રિયંકા ભવિષ્યમાં રાજનીતિમાં આવી પણ શકે છે. ફરી એ જ સવાલ મીડિયાએ તેમના પતિનો હવાલો આપીને પ્રિયંકાને પૂછતાં તેમણે હસીને જવાબ આપ્યો હતો : ‘મારા હસબન્ડને તમે ફસાવી દીધાને?’

અલબત્ત ઘણા એમ પણ માને છે કે, રોબર્ટ વાડેરા સામે કેટલાક આક્ષેપોના કારણે જ પ્રિયંકાને રાજનીતિથી દૂર રાખવામાં આવ્યા છે. કારણકે પ્રિયંકાને રાષ્ટ્રીય સ્તર પર મેદાનમાં ઉતારવામાં આવે તો હરિયાણામાં ખોટી રીતે જમીન સંપાદન કરવાના આક્ષેપોથી માંડીને બીજા અનેક પ્રશ્નો વિપક્ષ ઊભા કરે. આ સંદર્ભમાં બીજી પણ એકવાત નોંધપાત્ર રહી છે કે સોનિયા ગાંધી રાયબરેલી મત વિસ્તાર માટે ફોર્મ ભરવા ગયા ત્યારે તે વખતે પ્રિયંકા કે રોબર્ટ વાડેરા ગેરહાજર હતાં. આ વાત અત્યંત સૂચક માનવામાં આવે છે. અત્યાર સુધી આવું કદી બન્યું નથી. લાગે છે કે ૨૦૧૪ની ચૂંટણીમાં પ્રિયંકાના પતિ રોબર્ટ વાડેરાનો મુદ્દો વિપક્ષને ઉછાળવાની તક ના મળે તે હેતુથી જ તેઓ ગેરહાજર રહ્યા હતા તેમ માનવામાં આવે છે. આમ છતાં ભાજપાના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ તો એક જાહેરસભામાં રોબર્ટ વાડેરા પર આકરો વ્યંગ કરતાં કહ્યું જ : ‘રાહુલ ગાંધી જીજાજીને દેશના ચોકીદાર બનાવશે?’

રાષ્ટ્રીય કોંગ્રેસમાં ગાંધી પરિવારના એક વફાદાર જૂથને લાગે છે કે, ‘કોંગ્રેસ અત્યારે તેના સહુથી કપરા કાળમાંથી પસાર થઇ રહી છે ત્યારે નરેન્દ્ર મોદીની આંધીને ખાળવા માટે પ્રિયંકા ગાંધીનો રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવો જોઇએ. પ્રિયંકા ગાંધી એક એવં કેરિશ્મેટિક વ્યક્તિત્વ છે કે જેને જોવા-સાંભળવા લોકો આપોઆપ જ આવશે.’ આ દલીલની સામે બીજી દલીલ એવી છે કે હવે પ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય સ્તરે મેદાનમાં ઉતારવામાં આવે તો તેનો અર્થ એ થાય કે રાહુલ ગાંધી નિષ્ફળ સાબીત થઇ રહ્યા છે. અથવા તો કોંગ્રેસ કાર્યકરોને રાહુલ ગાંધીની નેતાગીરીમાં વિશ્વાસ નથી.’ આ બંને દલીલો જોતાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ભીતર એક વૈચારિક ઘમાસાણ છે એ વાત નક્કી છે. સાથે સાથે એ વાત પણ ચર્ચાય છે કે, દેશના તમામ ઓપિનિયન પોલ્સના સર્વેક્ષણો કોંગ્રેસ બે આંકડામાં જ સીમિત થઇ જાય તેવો નિર્દેશ કરે છે તેથી હજુ પણ સમય છે કે, કોંગ્રેસને બચાવવા હુકમના પત્તા તરીકે પ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય કરવા. આ સંદર્ભમાં કોંગ્રેસના મહામંત્રી જનાર્દન દ્વિવેદીનું આ તબક્કે આવેલું વિધાન સૂચક મનાય છે.

પ્રિયંકા ગાંધી આમ તો જાહેરમાં બહુ આવતા નથી પરંતુ ૨૦૦૮માં ‘સોસાયટી’ નામના એક મેગેઝીને સ્ફોટક અહેવાલ પ્રગટ કર્યો હતો જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, ‘રાજીવ ગાંધીની હત્યામાં સામેલ નલિનીને મળવા પ્રિયંકા ગાંધી જેલમાં ગયા હતા.’

આ મેગેઝીને ‘સ્પ્લીટ ઓવર એ સેન્ટેન્સ’ શીર્ષક હેઠળ એમ લખ્યું હતું કે, રાજીવ ગાંધીના હત્યારાઓને મળવાની બાબતમાં ગાંધી પરિવારમાં મતભેદો છે એમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે, ‘સોનિયા ગાંધી અને પ્રિયંકાને રાજીવ ગાંધીની હત્યામાં સામેલ નલિની માટે સહાનુભૂતિ છે.’ જ્યારે રાહુલ ગાંધી એવું બોલ્યા હતા કે, ‘મારા પિતા રાજીવ ગાંધીની હત્યા અંગે અમને હજુ ન્યાય મળ્યો નથી. આપણી લીગલ સિસ્ટમ ઘણી ધીમી છે. મારા પિતાની હત્યામાં ૪૦ માણસો સંડોવાયેલા છે પણ હજુ તેમને સજા થઇ નથી.’ રાહુલ ગાંધીનું આ નિવેદન ૨૦૦૮ના વર્ષનું છે. આમ ગાંધી પરિવારની ભીતર વૈચારિક મતભેદો છે કે કેમ તે કળવું મુશ્કેલ છે.

કેટલાક લોકો એમ માને છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બેઉને એક સાથે રાજનીતિમાં ઉતારવામાં આવે તો એક જ પક્ષમાં અને એક જ ઘરમાં બે પાવર સેન્ટર ઊભા થાય. એક જ ઘરમાં જેટલા પાવર સેન્ટર વધુ એટલો આંતરિક સંઘર્ષ પણ વધુ એ કુદરતી નિયમ છે. દેશના મોટા ઔદ્યોગિક ગૃહોમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી પરિવારનો સંઘર્ષ, ગ્વાલિયરના રાજવી પરિવારમાં વિજ્યારાજે સિંધિયા અને તેમના જ પુત્ર માધવરાવ સિંધિયા પરિવારનો સંઘર્ષ, બિહારમાં લાલુ યાદવ અને તેમના સગા સાળા વચ્ચેનો સંઘર્ષ, મુંબઇમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચેનો સંઘર્ષ આના ઉદાહરણ છે. શાયદ આ સમજથી જ પ્રિયંકા ગાંધી હજુ ખુલ્લી રીતે રાષ્ટ્રીય કક્ષાએ બહાર આવ્યાં નથી.

પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં લાવવામાં આવશે કે નહીં એ તો ખબર નથી પરંતુ પ્રિયંકા તેમના ભાઇ અને માને જીતાડવા કમર કસી રહ્યા છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ચૂંટણી પ્રચાર માટે સવારથી જ દૂર થઇ જતા રહેતા હોઇ કોંગ્રેસના દિલ્હી ખાતેના ‘વોર રૂમ’નો કબજો પ્રિયંકા ગાંધી વાડેરાએ જ સંભાળી લીધો છે. કોંગ્રેસનો વોર રૂમ નવી દિલ્હી ખાતે રાહુલ ગાંધીના નિવાસસ્થાને ખોલવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધી સવારથી જ ભાઇના ઘેર પહોંચી જાય છે અને મોડી રાત સુધી ત્યાં જ રોકાય છે. ચૂંટણી પ્રચાર, પબ્લિસિટી, મટિરિયલ અને મીડિયા સાથેની વાતચીતનું આયોજન પ્રિયંકા સંભાળે છે. ચૂંટણી મેનેજમેન્ટના સંકલનનો અભાવ હતો તે પ્રિયંકાના આવતા જ દૂર થઇ ગયો છે. કોંગ્રેસ બે આંકડામાં જ સીમિત થઇ જશે એવી ખતરાની ઘંટડી બાદ પ્રિયંકાએ એક્ટિવ રોલ ભજવવા માંડયો છે. ભીતરના સૂત્રો કહે છે : ‘પંજાબમાં અંબિકા સોની અને અમરીન્દર સિંહને મેદાનમાં ઉતાર્યા બાદ કાર્યકરોમાં નવું જોમ આવ્યું છે. પક્ષના રણનીતિકારો માને છે કે, ‘પ્રિયંકા દેશમાં ૧૦૦ જેટલી સભાઓ સંબોધે તો કોંગ્રેસ ૧૬૦ના આંકડા સુધી પહોંચી શકે તેમ છે.’

અલબત્ત, ગાંધી પરિવારે હજુ હુકમનું પત્તું અનામત રાખ્યું છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in