નેતાઓની ભાષાના કારણે વિદેશોમાં ભારતના લોકતંત્રની હાંસી ઉડાવાય છે

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓનો જ્વર પરાકાષ્ઠાએ છે. ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજનેતાઓની ભાષા બેલગામ થતી જાય છે. ગાળાગાળી અને અભદ્ર ટીકા કરવામાં નેતાઓની વચ્ચે હોડ લાગી ગઈ છે. નેતાઓની બેમર્યાદ ભાષા પર ચૂંટણીપંચ પણ લાચાર જણાય છે. નેતાઓની ગંદી જુબાનના કેટલાંક વરવાં ઉદાહરણ આ રહ્યાં.

શું આવાં લોકો જ સંસદમાં બેસી દેશનું શાસન કરશે ?

ભાષાનો વ્યભિચાર

અમદાવાદમાં ભાજપના ઉમેદવાર પરેશ રાવલે કહ્યું કે, ”જે લોકો ઘાઘરીઘેલા છે તે લોકો જ મોદીની વાત કરે છે. મોદી પરણે કે ન પરણે પણ તમે (કોંગ્રેસે) દેશની મા પૈણી નાંખી છે.” કોંગ્રેસના ઉમેદવાર બેનીપ્રસાદ વર્માએ કહ્યું : “નરેન્દ્ર મોદી આર.એસ.એસ.ના ગુંડા છે અને રાજનાથસિંહ મોદીના ગુલામ છે.” તે પહેલાં એનસીપીના વડા શરદ પવારે કહ્યું : “ચૂંટણી પછી નરેન્દ્ર મોદીનો ઇલાજ પાગલખાનામાં કરાવવો પડશે.” ભાજપાના રાજસ્થાનના ધારાસભ્ય હીરાલાલ રેગરએ કહ્યું : “રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનાં કપડાં ઉતારી તેમને ઇટાલી મોકલી દેવાં જોઈએ.” સમાજવાદી પાર્ટીના ઉમેદવાર નાહિદ હસને કહ્યું : “માયાવતીનો પાગલ હાથી શામલી અને કૈરાનામાં પ્રવેશી શકશે નહીં.” બાબા રામદેવે કહ્યું : “સોનિયા ગાંધી એક વિદેશી મહિલા છે અને દેશમાં ભ્રષ્ટાચારની જનની છે. એણે પોતાના સસુરાલ (ભારત)ને લૂંટયું છે.” નરેન્દ્ર મોદીએ કહ્યું : “અગર તમે છત્તીસગઢ પર કોઈ ખૂની પંજાનો છાયો પડવા દેવા માગતા હોવ તો કમળ પર બટન દબાવજો.” કેન્દ્રીય મંત્રી બેનીપ્રસાદ વર્માએ કહ્યું : “સમાજવાદી પાર્ટીમાં મૂર્ખાઓનું રાજ છે અને તે બધાં ગધેડા છે.” સહરાનપુરના કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન મસૂદે કહ્યું : “અગર મોદી ઉત્તર પ્રદેશને ગુજરાત બનાવવાની કોશિશ કરશે તો હું તેમના ટુકડે ટુકડા કરી નાખીશ.” અમિત શાહે કહ્યું કે, “બદલો લેવાનો આ સમય છે.” મુલાયમસિંહ યાદવે બળાત્કારીઓને ફાંસીની સજાનો વિરોધ કરતાં કહ્યું : “છોકરાંઓથી ક્યારેક ભૂલ થઈ જાય છે. બળાત્કાર કરનારાઓને ફાંસી ના હોય.” સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાને કહ્યું : “કારગિલનું યુદ્ધ મુસ્લિમ સૈનિકોએ જીત્યું હતું. મોદી લોહીના સમંદર પર બેઠા છે.” કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારામૈયાએ કહ્યું : “મોદી નરસંહારક છે.”

ક્યાં ગઈ ગરિમા ?

આ તો થોડાક નમૂના જ છે. પ્રવચનોના આ અંશ દર્શાવે છે કે, આજના નેતાઓના સામાજિક અને રાજનૈતિક મૂલ્યોમાં ગીરાવટ આવી છે. ચૂંટણીઓ લડી રહેલા ઉમેદવારો એકબીજાને દુશ્મનાવટની નજરે જુએ છે. લોકોની તાળીઓ હાંસલ કરવા તેઓ ગમે તે હદ સુધી જવા તૈયાર છે. એ બધાં ગંદાં પ્રવચનોએ ‘સાસ ભી કભી બહુ થી’ જેવી સાસુ-વહુની સિરિયલોને પણ ભૂલાવી દીધી છે. સત્તા હાંસલ કરવા સિવાય તેમનો કોઈ જ મક્સદ નથી. એક જમાનામાં ચૂંટણીઓ દરમિયાન રાજનૈતિક હરીફો દિવસ દરમિયાન એકબીજાની વિરુદ્ધ પ્રચાર કરતા હતા અને રાત્રીના સમયે એકબીજાની સાથે બેસી ભોજન લેતા હતા. દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી લાખોની જનમેદનીને મંત્રમુગ્ધ કરી દેતા હતા, પરંતુ તેમનાં ભાષણો ગરિમાપૂર્ણ રહેતાં. વાજપેયીજી ક્યારેય તેમનાં પ્રવચનોમાં વ્યક્તિગત ટીકા કરતા નહોતા.

સ્યાહી અને જૂતાં

પરાકાષ્ઠા તો એ છે કે, કેટલાક લોકો નેતાઓના ચહેરા પર સ્યાહી અને જૂતાં ફેંકે છે. અસહિષ્ણુતાની આ પરાકાષ્ટા છે. નેતાઓ જ નહીં, પરંતુ પ્રજા પણ લોકતંત્રની ગરિમાને નુકસાન પહોંચાડી રહી છે. ભારતના નેતાઓની અને પ્રજાની આ વર્તણૂક વિદેશોમાં ભારતની નકારાત્મક છબી પેશ કરે છે અને વિદેશમાં ભારતનું લોકતંત્ર મજાકનો વિષય બની ગયું છે. વિશ્વના એક મોટામાં મોટા લોકતંત્ર માટે આ શરમજનક વાત છે.

આમાંથી જ કોઈ પી. એમ.

લાગે છે કે, આપણી પાસે આ નેતાઓની બદજુબાની રોકવા કોઈ ઉપાય જ નથી. નેતાઓ માત્ર ગંદી ભાષાનો જ પ્રયોગ કરે છે એટલું નથી. તેઓ અહંકારની ભાષા પણ બોલે છે. વાસ્તવિકતા એ છે કે, આવનારા દિવસોમાં આ જ ‘હત્યારાઓ’, ‘શાહજાદાઓ’, ‘ચાય વેચવાવાળાઓ’, ‘ઇમાન વેચવાવાળાઓ’, ‘મૂર્ખાઓ’ કે ‘સદીના ભ્રષ્ટ નેતાઓ’ પૈકી કોઈ એક વડા પ્રધાન બનશે. તેમાંથી કોઈ મંત્રી બનશે. આ લોકો પૈકી જ કેટલાકને દિલ્હીમાં આલિશાન બંગલા મળશે. પરિણામ એ આવશે કે કાલે આપણા જ સંતાનો આપણને પૂછશે કે, “પપ્પા, ગઈકાલ સુધી લોકો જેને મામૂલી ચાય વેચવાવાળો કે શાહજાદા કહેતા હતા તે વડા પ્રધાન કેવી રીતે બની ગયા ? શું હવે તમે એમના માટે સન્માનની ભાષા વાપરશો ?”

તેમને શું કહેશો ?

એથીયે કડવી વાસ્તવિકતા એ છે કે, જેમના ચહેરા પર સ્યાહી ફેંકવામાં આવી રહી છે, જેમના ચહેરા પર જૂતાં ફેંકવામાં આવી રહ્યાં છે, જેમને જાહેરમાં થપ્પડ મારવામાં આવી રહી છે અને જેમને પાગલ કહેવામાં આવી રહ્યા છે તે લોકો જ દેશના ભાવિ કર્ણધાર હશે. ચૂંટણી પહેલાં જેમને દેશદ્રોહી કહેવામાં આવે છે તે જીતી જશે તો તેને જ લોકો દેશપ્રેમી કહેતા થઈ જશે. સત્તા મળતા જ ભ્રષ્ટાચારીઓ ‘મિસ્ટર ક્લિન’ બની જશે. લાલુથી મુલાયમ સુધીના આવાં અનેક ઉદાહરણો છે. જેમને આજે ગાળો દેવામાં આવી રહી છે તે પૈકી જ કોઈ નેતા આગામી ૧૫મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવશે. એ વખતે તમે જે નેતાને ગાળો દેતા હતા તેમને શું કહેશો ? એટલા માટે જ ભાષા પર લગામ અને ઝેરીલી ભાષા પર કાબૂ જરૃરી છે.

બોલો, એટલે ઓળખું

રાજનીતિ સ્વયં કોઈ ગંદી ચીજ નથી. રાજનીતિમાં પડેલા લોકો તેમની ગંદી ભાષા, વાણી, અવિવેક અને ગેરવર્તનથી રાજનીતિને ગંદી કરે છે. વિશ્વ વિખ્યાત પ્લેટો કહે છે : “બોલો, એટલે હું તમને ઓળખી શકું.” એક આરબ કહેવત છે : “ના બોલાયેલા શબ્દના તમે સ્વામી છો અને બોલાયેલો શબ્દ તમારો સ્વામી છે.”

વકતૃત્વકળાના દંતકથા જેવા નાયક ડેમોસ્થેનિસે કહ્યું છે : “વાણી જ યુદ્ધનો પંચજન્ય શંખ અને વાણી જ બુદ્ધનું કમંડળ.” વિશ્વના સુપ્રસિદ્ધ આર્કિયોલોજિસ્ટ અને યુનિર્વિસટી ઓફ લુઈસવિલેના વડા જ્હોન આર હેલ કહે છે : “Great leaders are great communicators, yet not everyone can utter a phrase like Winstan Churchil. Few of us can hold the attention like Colin Powell and rare person who can tell a story like Paul Harvey.” એટલા માટે જ કહેવાય છે કે, “Speakers are leaders.” એટલે વક્તા જ નેતા છે, એમ લોકો માને છે, પરંતુ જેમની ભાષામાંથી ઝેરની ખેતી જ થતી હોય તેમને તમે શું કહેશો?

આજના કેટલાયે નેતાઓને સંસદમાં બોલતાં જ નથી આવડતું, કેટલાકને સંસદમાં કયા મુદ્દા ઊભા કરવા છે તેનું જ્ઞાન જ નથી,કયા પ્રશ્નો સંસદમાં ઊભા કરવા અને કયા પ્રશ્નો સડક પર ઊભા કરવા તેનું પણ તેમને જ્ઞાન નથી. આજે લોકસભા અને વિધાનસભાઓનો અધિકાંશ સમય બૂમબરાડા અને ધાંધલ ધમાલમાં જ વપરાઈ જાય છે. સંસદની ગરિમા પણ જળવાતી નથી. લાગે છે કે, લોકશાહીને આપણે ટોળાંશાહીમાં પરિર્વિતત કરી રહ્યા છીએ. એમ પણ લાગે છે કે, આવી રહેલી નવી લોકસભાનું ચિત્ર આજની રેલીઓમાં જ પ્રર્દિશત થઈ રહ્યું છે.