૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વધુ ને વધુ રસપ્રદ બની રહી છે. આમ તો દેશમાં પાર્લામેન્ટરી પદ્ધતિની ચૂંટણી છે, પરંતુ જે રીતે ચૂંટણીના ઘણા સમય અગાઉ ભારતીય જનતા પાર્ટીએ અગાઉથી જ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી દીધી છે ત્યારથી ચૂંટણી અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિની ચૂંટણી જેવી બની ગઈ છે.
આ ચૂંટણીમાં જે દિવસથી નરેન્દ્ર મોદીને પીએમપદના ઉમેદવાર જાહેર કરાયા તે દિવસથી મોદીના દુશ્મનોની સંખ્યા પણ વધી ગઈ છે. પહેલાં તો ભાજપમાં જ એક બે નેતાઓને બાદ કરતાં તમામ વરિષ્ઠ નેતાઓ અંદરથી તેમની વિરુદ્ધમાં છે. જેમાં એલ.કે.અડવાણી,સુષમા સ્વરાજ, મુરલી મનોહર જોષી, યશવંત સિંહા, શિવરાજસિંહ ચૌહાણ જેવાં અનેક નામો છે. પક્ષની બહારના બીજા પક્ષોના જે નેતાઓ મોદીના વડાપ્રધાન બનવા સામે વિરોધ કરી રહ્યા છે તેમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, એનસીપીના શરદ પવાર, સપાના મુલાયમસિંહ, જનતાદળ(યુ)ના નીતીશકુમાર, બીજુ જનતાદળના નવીન પટનાયક, બસપાનાં માયાવતી, તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી, એઆઈએડીએમકેનાં જયલલિતા, ડાબેરીઓના વડા પ્રકાશ કરાત વગેરે છે. આ જ વાતને બીજા શબ્દોમાં જ કહેવી હોય તો એમ કહી શકાય કે ‘નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઓલ’ જેવી પરિસ્થિતિ છે. આ વાતને વધુ વિગતવાર કહેવી હોય તો એમ કહી શકાય કે આખીયે ચૂંટણી નરેન્દ્ર મોદી એકલા હાથે લડી રહ્યા છે. નરેન્દ્ર મોદીને બાદ કરીએ તો ભાજપ ઝીરો છે. મોદીને કારણે જ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી એક ‘ઈવેન્ટ’ બની ગઈ છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે તાજેતરમાં કહ્યું કે,”ભાજપનો હવે એક જ મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો છેઃ મોદી, મોદી, મોદી અને મોદી. અમે તો કહીએ છીએ કે જુઓ, આ રહ્યો અમારો ચૂંટણી ઢંઢેરો, પરંતુ તેઓ કહે છેઃ મોદીને વડાપ્રધાન બનાવો. એ લોકોની ચૂંટણી ઝુંબેશ વ્યક્તિલક્ષી છે. અમારી ચૂંટણી ઝુંબેશ પાર્ટીલક્ષી છે. મેં મોદીને છેલ્લાં ૧૨ વર્ષથી કામ કરતા જોયા છે. તેમનું ડીએનએ રાજકીય એકાધિકારવાદનું છે. સમાજને વિભાજન કરનારું છે અને તેમની આર્થિક નીતિ થોડા ઉદ્યોગપતિઓ માટે જ છે. તેમણે ગુજરાતમાં જ ભાજપને વામણો કરી દીધો છે. ગુજરાતમાં તેઓ વિધાનસભાને કામ કરવા દેવા માગતા નથી. ૧૦ વર્ષ સુધી ગુજરાતમાં લોકાયુક્ત નહોતા. ગુજરાતમાં ભાજપ સરકાર નહીં પરંતુ ‘મોદી સરકાર’ છે.”
જયરામ રમેશના આક્ષેપો સારા હોય તોપણ એ વાત તેમણે સ્વીકારવી પડશે કે, ગુજરાતમાં ત્રણ વખત ચૂંટણીઓ જીતીને મોદીએ હેટ્રિક લગાવી છે. હજુ તેઓ અણનમ છે. ગુજરાતમાં જેમ મોદી સરકાર છે તેમ દિલ્હીમાં પણ જો તેમની બહુમતી આવશે તો ‘મોદી સરકાર’ જ હશે. એક વાર મોદી વડાપ્રધાન બનશે પછી તેઓ દિલ્હીમાં પણ પોતાની સ્ટાઇલથી જ કામ કરશે. ચાણક્ય કહે છે કે,જનતાને તાકાતવર નેતાઓ જ ગમે છે. પ્રજા પણ તે રાજાને સાથ આપતી નથી, જે શક્તિશાળી ન હોય. પક્ષીઓ પણ એ વૃક્ષ પર બેસતાં નથી, જેની પર ફૂલ ન હોય. એ જ રીતે ‘વર્જિન’ ગ્રૂપના માલિક રિચર્ડ બ્રાન્સન કહે છે :”સાચું કહું, મને નરમ સરમુખત્યારશાહી ગમે છે … જો હું ખુદ સરમુખત્યાર હોઉં તો જ.” આ ઉક્તિઓ દર્શાવે છે કે, પ્રજાને સશક્ત નેતાઓ જ ગમે છે ભલે તેઓ સરમુખત્યાર જેવા હોય. ઈંગ્લેન્ડનાં પૂર્વ વડાપ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલ અને માર્ગારેટ થેચર, ફ્રાન્સના પૂર્વ પ્રેસિડેન્ટ ચાર્લ્સ દ ગોલ અને ભારતનાં પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધી પણ સરમુખત્યાર જેવાં જ હતાં. પક્ષમાં અને સરકારમાં તેઓ કહે એમ જ થતું. ક્યુબાના પ્રેસિડેન્ટ ફિડેલ કાસ્ટ્રો સરમુખત્યાર હોવા છતાં લોકપ્રિય રહ્યા. ૩૦૦૦ વર્ષ પૂર્વે રોમ એક લોકતાંત્રિક સેનેટ ધરાવતો દેશ હોવા છતાં તેના સરસેનાપતિ જુલિયસ સિઝર સરમુખત્યાર જેવા મનાતા અને છતાં લોકપ્રિય હતા.
બી.પી. કેપિટલ મેનેજમેન્ટના વડા ટી.ઓન પિન્કસ કહે છે કે, “નેતા બનવું હોય તો નિર્ણય લેવાની જવાબદારી પણ તમારે જ લેવી પડશે. તમારે જ નિશાન તાકવું પડે અને તમારે જ બંદૂક ફોડવી પડે.” આ વાત નરેન્દ્ર મોદીને પણ લાગુ પડે છે. ભાજપમાં તેમના જ પક્ષના નેતાઓને ગમે કે ન ગમે, પરંતુ પક્ષના મહત્ત્વના નિર્ણયો તેઓ જ લે છે. અડવાણીએ પણ ચૂંટણી ક્યાંથી લડવી તે નિર્ણય પણ મોદી જ લે છે, અડવાણી નહીં. જસવંતસિહને ટિકિટ આપવી કે ન આપવી તે નિર્ણય પણ મોદી જ લે છે. પક્ષના પ્રમુખ રાજનાથસિંહે તો માત્ર અમલ જ કરવાનો રહે છે.
બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, ભગવા રંગની ભાજપનું ‘મોદીકરણ’ થઈ ગયું છે. તેમણે પાર્ટીનું સ્વરૂપ જ બદલી નાખ્યું હોઈ અંગ્રેજીમાં તેને ‘Modification’ પણ કહી શકાય. ઘણાં ચિંતકો માને છે કે, દેશમાં મોદીનો એક ચાહકવર્ગ પેદા થયો છે. મોદીના નામનો એક કલ્ટ પેદા થયો છે. મોદીના નામનો આ જુવાળ છેક નોર્થ ઈસ્ટનાં રાજ્યો સુધી જોવા મળે છે. મોદીના આ જુવાળ સામે યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે મહારાષ્ટ્ર જેવાં શિવસેનાથી પ્રભાવિત રાજ્યોમાં હવે તે પ્રાંતોના નેતાઓનો’પ્રાંતવાદ’ પણ ચાલતો નથી. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પણ મોદી આગળ નાના અને મર્યાદિત પ્રભાવવાળા નેતાઓ લાગે છે. મોદી બિહારમાં જઈ નીતીશકુમાર વિરુદ્ધ પ્રવચન કરે છે ત્યારે લોકો તાળીઓ પાડે છે. મહારાષ્ટ્રમાં અશોક ચવાણ વિરુદ્ધ પ્રવચન કરે છે તો લોકો તાળીઓ પાડે છે. યુપીમાં મુલાયમ વિરુદ્ધ પ્રવચન કરે છે તો લોકો તાળીઓ પાડે છે. મોદીના નામનો આ જુવાળ વિરોધ પક્ષોને તો ગળી જશે, પરંતુ ખુદ ભાજપનો પણ તે કોળિયો કરી જશે એમ ઘણા માને છે. દેશમાં મોદીના લાખો ફેન્સ મોદી નામના મંત્રનો જાપ કરી રહ્યા છે. આ દૃશ્યો જોઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત પણ અંદરથી ગભરાયા હોય તેમ લાગે છે એટલે જ તેમણે કહેવું પડયું કે, “સંઘના સેવકો મર્યાદા જાળવે અને નમો નમો કરવાનું બંધ કરે.”
લાગે છે કે ભાજપ એક પરિવર્તન યુગમાંથી પસાર થઈ રહ્યો છે. પાર્ટીનું જાણે કે ઓવરહોલિંગ થઈ રહ્યું છે. પક્ષમાં નવી નેતાગીરીનો ઉદય થઈ રહ્યો છે. પક્ષ એક નવો જ અવતાર ધારણ કરી રહ્યો છે. મોદી માત્ર વડાપ્રધાનપદના ઉમેદવાર જ નથી, પરંતુ પક્ષને એક નવીન સ્ટાઈલ, નવીન ફેશન અને નવી જ ટેક્નિક તથા ટેક્નોલોજીથી સજ્જ કરી રહ્યા છે. ઘણાં બધાં લોકોને ભાજપમાં નહીં, પરંતુ નરેન્દ્ર મોદીમાં રસ છે. મોદીમાં તેમને મસીહા દેખાય છે. મોદી નવા મતદારોને આકર્ષિત કરી રહ્યા છે. મોદીનો શબ્દ જ ચૂંટણી ઢંઢેરો છે. મોદીના વિચારો જ પક્ષની વિચારધારા છે. જેઓ મોદીમાં વિશ્વાસ કરતા નથી તેમનું સ્થાન ભાજપમાં નથી. ઉમેદવારોની પસંદગીમાં પણ મોદી ઈફેક્ટ જણાય છે. ભાજપની આખીયે ચૂંટણી ઝુંબેશ મોદીલક્ષી છે અને મોદીની ઇમેજ લાર્જર ધેન લાઇફ બનાવવા માટેની છે. ‘હર હર મોદી – ઘર ઘર મોદી’નો નારો કેટલાક સંતોના વિરોધના કારણે ભલે પડતો મૂકવામાં આવ્યો હોય, પરંતુ લોકોની જીભે તો તે નારો ચડી જ ગયો છે. આજે તો પરિસ્થિતિ એવી છે કે નરેન્દ્ર મોદી ભાજપમાંથી બહાર નીકળી જાય તો લોકો મોદી સાથે જશે અને ભાજપને છોડી દેશે. સંઘ પાસે પણ હવે મોદી સિવાય કોઈ જ વિકલ્પ નથી. આવનારા સમયમાં સંઘના નેતાઓ પણ મોદીને નમન કરે તો નવાઈ નહીં.
અલબત્ત, ચડિયાતા પ્રચાર, ચાહકોના ઉન્માદ અને લાખોની જનમેદનીની રેલીઓ મતમાં પરિર્વિતત નહીં થાય તો જે લોકો પક્ષમાં નાછૂટકે ‘નમો’ ને નમન કરી રહ્યા છે તે બધા જ મેદાનમાં આવી જઈ શકે છે. કોઈ પણ નેતા કે અભિનેતા માટેનો કલ્ટ કદીક નેતા કે અભિનેતાને અતિ ઊંડા આત્મવિશ્વાસમાં ગરકાવ કરી દે છે અને તે અહંકારનું નિમિત્ત પણ બને છે. અહંકાર વગરની સરમુખત્યારશાહી લોકો કદીક સ્વીકારે છે, પરંતુ અહંકારી સરમુખત્યારને લોકો સ્વીકારતા નથી. અંગ્રેજી ભાષામાં પ્રજાનાં કલ્યાણકારી કામો કરતા પ્રજાભિમુખ સરમુખત્યાર માટે ‘બેનિવોલન્ટ ડિક્ટેટર’ શબ્દ વપરાય છે. પક્ષમાં કે સરકારમાં તમે ભલે શક્તિશાળી સરમુખત્યાર બની રહો, પરંતુ પ્રજાને તો પ્રજાભિમુખ નેતા જ ગમે છે.

Comments are closed.