વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવનાર જસવંતસિંહની ટિકિટ તેમણે જ કપાવી

ભારતીય જનતા પાર્ટીમાં અટલ-અડવાણી યુગનો અસ્ત થઈ ગયો છે. મોદી યુગનો આરંભ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીના આગમનની સાથે જ એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી, લાલજી ટંડન, જસવંતસિંહ, યશવંત સિંહા અને કલરાજ મિશ્રને તેમનું સ્થાન બતાવવામાં આવી દીધું છે. જે લાલકૃષ્ણ અડવાણી ગઈકાલ સુધી પક્ષની તમામ ટિકિટો વહેંચતા હતા, તેઓ આજે તેમની મનપસંદ બેઠક પર ચૂંટણી લડી શકતા નથી. લાલજી ટંડનનો યુ.પી.માં ડંકો હતો તેઓ પોતાની બેઠક મોદી માટે ખાલી કરી નમો નમો કરવા લાગ્યા હતા. મુરલી મનોહર જોશીને પોતાની પસંદગીની બેઠક વારાણસી છોડીને અન્યત્ર ભાગવું પડયું છે. એક વખત વિદેશમંત્રી રહી ચૂકેલા જસવંતસિંહને તો ટિકિટ આપવાનો ઈનકાર કરી ‘ના’ સાંભળવાની તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય જનકતા પાર્ટીમાં હવે નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ અને વસુંધરા રાજેનો દબદબો છે. આ યુતિએ ભલભલા બુઝર્ગોની આંખમાં આંસુ લાવી દીધાં છે.

'મોદી યુગ'ના ઉદય સાથે બુઝર્ગોની આંખમાં આંસુ

ખાનદાની દુશ્મની

ભારતીય જનતા પાર્ટીમાં નવી નેતાગીરીના ઉદયે સૌથી વધુ આંચકો જસવંતસિંહને આપ્યો છે. જસવંતસિંહ રાજસ્થાનની બાડમેર બેઠક પરથી પક્ષની ટિકિટ પર ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમને ટિકિટ ના આપવાના નિર્ણયને રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેના વિજય તરીકે ગણવામાં આવે છે. આ બંને નેતાઓ વચ્ચે છેલ્લા સાત વર્ષથી એકબીજા સામે દુશ્મની છે. બંને રાજપૂત છે. એ દુશ્મની હવે ખાનદાની દુશ્મનીમાં પલટાઈ ગઈ છે. વસુંધરારાજેની રાજનીતિ પણ એકાધિકારવાદી જ છે. જેઓ તેમનું શરણું સ્વીકારતા નથી તે તમામ નેતાઓને ખૂણામાં ધકેલી દેવામાં આવે છે. જસવંતસિંહ તેનું છેલ્લું ઉદાહરણ છે. જસવંતસિંહ એક જમાનામાં ભારતીય લશ્કરમાં હતા. અટલ બિહારી વાજપેયીના મિત્ર રહ્યા છે. તેઓ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના જેસોલ ગામના વતની છે. રાજસ્થાનના મારવાડ વિસ્તારમાં તેમનો સારો એવો પ્રભાવ છે.

અસલીનકલી

જસવંતસિંહને ટિકિટનો ઇનકાર કરાયા બાદ તેમણે કહ્યું છે કે, દેશમાં હવે બે ભાજપા છે. એક અસલી ભાજપા છે અને એક નકલી ભાજપા છે. બહારથી આયાત થઈ રહેલા ઉમેદવારોએ સાચુકલા ભાજપા પણ એક પ્રકારનું દબાણ છે. હવે કાર્યકરોએ જ નક્કી કરી નાખવાનું છે કે, અસલી ભાજપા અને નકલી ભાજપાના ઉમેદવારોને ઓળખી લે. પક્ષની ટિકિટ ના મળતાં જસવંતસિંહે બાડમેરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભર્યું છે. જસવંતસિંહને ટિકિટ આપવાનો ઇનકાર કરીને ભાજપાએ કોંગ્રેસમાંથી હમણાં જ ભાજપામાં આવેલા સોનારામ ચૌધરીને ટિકિટ આપી છે. સોનારામ ચૌધરી જાટ છે. આ વિસ્તારમાં જાટ મતોની સંખ્યા પણ ઘણી મોટી છે.

વસુંધરાના ગુરુ

વિધિની વક્રતા એ છે કે, એક જમાનામાં વસુંધરા રાજેને તેમની રાજકીય કારકિર્દીમાં પોતાની મહત્ત્વાકાંક્ષા પાર પાડવા જસવંતસિંહની મદદ લેવી પડતી હતી. એ જમાનામાં રાજસ્થાનના રાજકારણમાં ભૈરોસિંહ શેખાવતનો દબદબો હતો. ભૈરોસિંહ શેખાવત ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા. તેઓ જ વસુંધરા રાજેને જસવંતસિંહની ભલામણના કારણે રાજસ્થાનની રાજનીતિમાં લાવ્યા હતા. એક વખત એવો હતો કે, જસવંતસિંહ અને ભૈરોસિંહ શેખાવત અંદરના દીવાનખંડમાં બેઠા હોય ત્યારે વસુંધરા રાજેએ તેઓ અંદર બોલાવે નહીં ત્યાં સુધી બહાર બેસી રહેવું પડતું. ૨૦૦૩ની ચૂંટણીઓ દરમિયાન વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્યમંત્રી બન્યાં હતાં. એ વખતે જસવંતસિંહ કેન્દ્રમાં નાણામંત્રી હતા અને વસુંધરા રાજેને પહેલી જ વાર મુખ્યમંત્રી બનાવવામાં મુખ્ય ફાળો જસવંતસિંહનો જ હતો. એ વખતે વસુંધરા રાજે લાગણીશીલ થઈ ગયાં હતાં અને હર્ષનાં આંસુ સાથે તેમણે જસવંતસિંહનાં ચરણ સ્પર્શ પણ કર્યાં હતાં.

દુશ્મનાવટનો આરંભ

એ ઘટનાના ચાર વર્ષ બાદ બધું પલટાઈ ગયું. બન્યું એવું કે, એક પ્રકાશકે એક પુસ્તક પ્રગટ કર્યું અને તેમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેને એ પુસ્તકમાં હિન્દુ દેવી તરીકે વર્ણવ્યાં. આ વાત જસવંતસિંહનાં પત્ની શીતલ કંવરને પસંદ ના આવતા તેમણે પુસ્તકના પ્રકાશકની સામે જૂન, ૨૦૦૭માં પોલીસ ફરિયાદ કરી દીધી. આ ઘટનાથી વસુંધરા રાજે છંછેડાયાં અને જસવંતસિંહના પરિવાર સામે તેમની દુશ્મનાવટનો આરંભ થયો. આ ઘટનાના પાંચ મહિના બાદ જસવંતસિંહે તેમના ગામ જેસોલ ખાતે ભાજપાના અસંતુષ્ટ નેતાઓની એક બેઠક બોલાવી અને તેમાં અફીણ પીરસવામાં આવ્યું. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આ ઘટનાની તપાસ માટે સીઆઈડીને ઓર્ડર કરતાં સંબંધો વણસ્યા. અલબત્ત, ૨૦૧૨માં થોડા સમય માટે બેઉએ તેમના આંતરિક મતભેદો દફનાવી દીધા, કારણ કે, ૨૦૧૩માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન બેઉએ સાથે પ્રવાસ કર્યો. એ વખતે જસવંતસિંહનો હેતુ તેમના પુત્ર માનવેન્દ્ર સિંહ માટે રાજકીય ભૂમિકા તૈયાર કરવાનો હતો. માનવેન્દ્ર સિંહ વિધાનસભાની ચૂંટણી જીતી ગયા, પરંતુ વસુંધરા રાજેએ જસવંતસિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને પ્રધાનમંડળમાંથી બાકાત રાખ્યા. આ કારણે પિતા-પુત્ર ચીડાયા.

કોણ કોને હરાવશે ?

હવે ભાજપાનું હાઈ કમાન્ડ ખુલ્લંખુલ્લા વસુંધરા રાજેની પડખે છે. વસુંધરા રાજેના સખત દબાણ હેઠળ જસવંતસિંહને બાડમેરની ટિકિટ આપવામાં આવી નથી. એ કારણે જસવંતસિંહે બાડમેરમાંથી જ અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. તેઓ જીતશે કે નહીં એ તો ખબર નથી, પરંતુ તેઓ જીતશે તો વસુંધરા રાજે સાથેનો તેમનો સ્વીટ રિવેન્જ હશે. જસવંતસિંહની હાર તેમની રાજનીતિને સમાપ્ત કરી દેશે અને તેમનો વિજય વસુંધરા રાજેના ટેબલ ટર્ન કરી શકે છે. જસવંતસિંહને એલ. કે. અડવાણીના આશીર્વાદ છે. સુષ્મા સ્વરાજની શુભેચ્છા અને શુભ લાગણી છે. મુરલી મનોહર જોશી અને લાલજી ટંડન જવાઓનો છૂપો સાથ છે, પરંતુ બાડમેરની પ્રજા તેમને સાથ આપે છે કે નહીં તે જોવા સૌને ઇન્તજાર છે.

વૃદ્ધો નિવૃત્ત થાય

૮૦ વટાવી ગયેલા બુઝર્ગોએ પણ હવે સમજી લેવાની જરૂર છે કે, મોદી-રાજનાથ- વસુંધરા યુગનો ઉદય થઈ ગયો છે. નવો પવન વહી રહ્યો છે ત્યારે વૃદ્ધો પાછલી ઉંમરમાં ઘોડે ચડવાની જેમ ચૂંટણી લડવાનો અભરખો છોડીને અને નવા રાજનીતિજ્ઞાો માટે જગ્યા કરે તે સમયની માગ છે. ૮૭ વર્ષની ઉંમરે એલ. કે. અડવાણી ચૂંટણી લડી રહ્યા છે તે વિચિત્ર નથી લાગતું ?