પી.એમ. પદ કબજે કરવા માટે મોદીની લોકપ્રિયતાનો મુકાબલો આસાન નથી

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોએ દેશની તમામ નાની અને મોટી પોલિટિકલ પાર્ટીઓના દિગ્ગજોની ઊંઘ હરામ કરી નાખી છે. દિલ્હીમાં સરકાર બનશે કે રાષ્ટ્રપતિશાસન આવશે એ અગત્યનું નથી. નોંધપાત્ર વાત એ છે કે, દેશની રાષ્ટ્રીયપાર્ટીઓ પહેલી જ વાર દિલ્હીમાં સરકાર બનાવવાના બદલે સરકાર નહીં બનાવવાની હોડમાં લાગી ગઈ. દિલ્હી વિધાનસભાની કુલ ૭૦ બેઠકો પૈકી ભાજપા પાસે ૩૨ બેઠકો છે. બહુમતીમાં નજીવી બેઠકો જ ખૂટે છે, જે તે મેનેજ કરી શકે તેમ છે અથવા તો આમઆદમી પાર્ટી વોટિંગ વખતે ગેરહાજર રહીને ભાજપાની સરકારને બચાવી શકે તેમ હોવા છતાં ભાજપા દિલ્હીમાં સરકાર રચવાથી દૂર ભાગી. એ જ રીતે અરવિંદ કેજરીવાલ પાસે પણ ૨૮ બેઠકો છે અને કોંગ્રેસ તેના આઠ સભ્યોનો વિના શરતે ટેકો આપવા તૈયાર હોવા છતાં અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સામે આકરી શરતો મૂકીને દિલ્હીમાં સરકાર ના રચવાનો જ ઇરાદો વ્યક્ત કર્યો. એ શરતો અંગે પણ કોંગ્રેસ સહમતી આપવા તૈયાર છે, પરંતુ કેજરીવાલ ના માને તો હવે રાષ્ટ્રપતિશાસન સિવાય કોઈ વિકલ્પ નથી.

કેજરીવાલ સાહેબ! દિલ્હી અભી દૂર હૈ!

રાજનીતિ જટિલ છે

આ ઘટનાના બે અર્થ નીકાળી શકાય તેમ છે. એક તો અરવિંદ કેજરીવાલની પાર્ટી સત્તાભૂખી નથી તે પ્રકારનો એક સંદેશ આખા દેશને મોકલવા માગે છે અને બીજો અર્થ એ છે કે, દિલ્હી વિધાનસભામાં પહેલી જ વાર ચૂંટણી લડીને ૨૮ બેઠકો હાંસલ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધી ગયો છે અને હવે કેજરીવાલની નજર દિલ્હીના સિંહાસન પર છે. દિલ્હીનાં પરિણામો બાદ કેજરીવાલ આખા દેશમાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ માટે વધુ ને વધુ ઉમેદવારો ઊભા રાખવા માગે છે. અલબત્ત, રાજકીય નિષ્ણાતો માને છે કે, આમઆદમી પાર્ટીએ દિલ્હીમાં જે ચમત્કાર કર્યો તે દેશના અન્ય ભાગોમાં કરવો મુશ્કેલ છે. ભારતની રાજનીતિ અત્યંત જટિલ છે. દેશનો ઘણો મોટો વર્ગ હજુ જ્ઞાતિ અને કોમ આધારિત મતદાન કરે છે. દિલ્હી એ દેશનું પાટનગર છે, પરંતુ દિલ્હી એ જ આખો દેશ નથી. ઉત્તરપ્રદેશ અને બિહારના ગ્રામ્ય વિસ્તારો, ઝારખંડના આદિવાસી વિસ્તારો, દક્ષિણનાં રાજ્યો અને નોર્થ-ઇસ્ટનાં રાજ્યોની પણ અલગ અલગ મિજાજ, અલગ અલગ પ્રશ્નો અને અલગ અલગ ભાત ધરાવે છે. તે બધાં જ દિલ્હીના મતદારો જેવું જ મતદાન કરે તે જરૂરી નથી.

નવી પરિભાષા

એ જે હોય તે, પરંતુ અરવિંદ કેજરીવાલે સત્તાથી દૂર રહીને અને ભાજપા જેવા પક્ષને પણ સત્તાથી દૂર રહેવાની ફરજ પાડીને દેશની રાજનીતિને એક નવી પરિભાષા આપી છે. મોટી મોટી રેલીઓ કરવાના બદલે કેજરીવાલે ઘરે ઘરે જઈ પ્રચાર કરી પરિણામો હાંસલ કર્યાં છે. સામાન્ય વસ્ત્રો પહેરીને પણ લોકો સાથે તાદાત્મ્ય સાધ્યું છે. વ્યક્તિગત આક્ષેપો કરવાના બદલે ઝૂંપડપટ્ટીનાં કપાયેલ વીજ કનેક્શન જોડવાનો પ્રયાસ કરીને ગરીબોના દિલ જીતી લીધાં છે. વિમાનો અને હેલિકોપ્ટરોમાં ઊડવાના બદલે નાની કારમાં જ ફરીને લોકસંપર્ક કર્યો છે. જ્ઞાતિ, જાતિ કે ધર્મના મુદ્દાને અલગ રાખીને સામાન્ય લોકોના પ્રશ્નો લઈને જ પ્રચાર કર્યો છે. ના તો તેમણે મંદિર બાંધવાની વાત કરી છે કે ના તો મસ્જિદ બાંધવાની. એ કારણે ગરીબ અને સામાન્ય પરિવારોમાંથી આવતા હિન્દુઓ અને મુસલમાનો તેમની સાથે રહ્યા છે. કેજરીવાલની સાદગી અને ભ્રષ્ટાચાર વિરોધી વિચારધારાથી દિલ્હીનો યુવાવર્ગ, મધ્યમવર્ગ અને બુદ્ધિજીવીઓ પણ તેમનાથી પ્રભાવિત છે. દેશની રાજનીતિને તેમણે ૩૬૦ ડિગ્રી પર લાવી દીધી છે. દેશના સત્તાભૂખ્યા નેતાઓને કેજરીવાલે એક પ્રકારનો સબક શીખવ્યો છે. જોડતોડની રાજનીતિ કરનારાઓને કેજરીવાલે પદાર્થપાઠ આપ્યો છે.

સભ્ય બનવા લાઈન

આ પરિણામો બાદ લોકપાલને મુદ્દો બનાવીને અણ્ણા હઝારે અને અરવિંજ કેજરીવાલ વચ્ચે અંતર પડી ગયું છે. ગુરુ કરતાં ચેલો સવાયો પાકે તે દૃશ્યો લોકોએ ભાજપમાં જોયાં છે. એ જ જોવાનો વારો હવે અણ્ણા હઝારેનો આવ્યો છે. દેશમાં પ્રામાણિક અને સ્વચ્છ રહીને પણ રાજનીતિ કરી શકાય છે તે અરવિંદ કેજરીવાલે સાબિત કરી આપ્યું છે. કેજરીવાલની આ સફળતાના કારણે દિલ્હીમાં તો આમઆદમી પાર્ટીમાં સભ્ય થવા માટે લાઈન લાગી છે. બીજી રાજકીય પાર્ટીઓમાં તો પરાણે કે બોગસ સભ્યો બનાવવા પડે છે અને પ્રમુખે જ બીજાઓના નામે પૈસા ભરી રકમ અને બોગસ યાદી પ્રદેશ સમિતિને મોકલી આપવી પડે છે, પરંતુ આમઆદમી પાર્ટીમાં એથી ઊંધું છે. છેલ્લા સપ્તાહમાં દેશભરમાંથી દોઢ લાખ લોકો સ્વેચ્છાએ આમઆદમી પાર્ટીના સભ્યો બની ગયા છે.

ફંડ કોણે આપ્યું ?

ચૂંટણીફંડને લાગેવળગે છે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ પાસે આજે તો અદાણી, અંબાણી, એસ્સાર, તાતા, બિરલા કે મિત્તલનો ટેકો નથી. પાર્ટીના નેતાઓના કહેવા પ્રમાણે “શરૂઆતમાં લોકો અમને ચૂંટણીફંડ આપતા ડરતા હતા, કારણ કે અમને જે કોઈ લોકો દાન આપતા હતા તેમના નામ અને રકમ અમારી વેબસાઈટ પર મૂકવામાં આવે છે. એ કારણે વેપારી વર્ગ વધુ ડરતો હતો, પરંતુ હવે તેમને પણ ખ્યાલ આવી ગયો છે કે, અમને લોકોએ મેન્ડેટ આપ્યો છે તેથી તેમણે ડરવાની જરૂર નથી.” પક્ષના નેતાઓના દાવા પ્રમાણે આમઆદમી પાર્ટી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ નિશ્ચિતપણે લડશે. અત્યારે તેમની પાસે દેશભરમાં ૮૮,૦૦૦ સભ્ય સંખ્યા હતી, જે હવે વધી ગઈ છે. આમઆદમી પાર્ટીના નેતાઓ કહે છે : “અમને ૭૧,૬૬૬ જેટલા લોકો તરફથી કુલ ૨૦ કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે. અમે દિલ્હીની ચૂંટણીઓ દરમિયાન રૂ. ૧૮.૨૫ કરોડ ખર્ચ્યા છે. અમારી પાસે રૂ. ૧.૭૫ કરોડની રકમ વધી છે. વિદેશથી આવેલા નાણાં અંગે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે અમને એક પ્રશ્નોત્તરી મોકલી હતી, એમાં ૩૦ પ્રશ્નો હતા. એ બધાનો જ જવાબ અમે મોકલી આપ્યો છે.” યાદ રહે કે, અરવિંદ કેજરીવાલ ખુદ એક જમાનામાં ઇન્કમટેક્સ કમિશનર હતા. તે પછી એક્ટિવિસ્ટ બન્યા અને હવે રાજકારણી છે.

દિલ્હી આસાન નથી

અલબત્ત, તેમણે અપનાવેલો રાજનીતિનો માર્ગ તેઓ ધારે છે તેટલો આસાન નહીં હોય. લોકોનો મિજાજ બદલાતાં વાર નથી લાગતી. રાજનીતિ સારા માણસને પણ બગાડે છે. રાજનીતિમાં રહેવું અને ઇમાનદાર રહેવું મુશ્કેલ છે. તમે ખુદ ઇમાનદાર હોઈ શકો છો, પરંતુ તમારા સાથીઓ પણ ઇમાનદાર હોય તે જરૂરી નથી, જેનું જીવતું જાગતું ઉદાહરણ ડો. મનમોહનસિંહ છે. સાથે સાથે કેજરીવાલ યાદ રાખે કે તેમની પાર્ટી હજુ પ્રાદેશિક પાર્ટી જ છે, શાયદ દિલ્હીની જ પાર્ટી છે. વળી એક તરફ નહેરુ-ગાંધી પરિવારે વર્ષો સુધી તેનો દબદબો જાળવી રાખ્યો છે. હાલ કોંગ્રેસ ભલે નબળી પડી હોય, પરંતુ નિયમિત વેકેશન બાદ નહેરુ-ગાંધી પરિવારને જ લોકો સત્તા સોંપતા આવ્યા છે. તેવી જ રીતે દેશમાં હાલ મોદી મેજિક પણ જાદુ કરી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ માટે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો મુકાબલો કરવો મુશ્કેલ વાત હશે. કેજરીવાલે એ વાત પણ સમજી લેવાની જરૂર છે કે, તેઓ ભલે નમ્ર અને પારદર્શી હોય, પરંતુ કુમાર વિશ્વાસ જેવા તેમના સાથી જરૂર કરતાં વધુ પડતું બોલે છે. દિલ્હીની ગાદી અત્યારે જ તેમના હાથમાં આવી ગઈ હોય તેવું ઘમંડ તેમની ભાષામાં છલકાય છે. તેમની સામે સ્ટિંગ પણ થયેલું છે અને માત્ર બિઝનેસ ક્લાસમાં જ મુસાફરીનો આગ્રહ રાખવાનો તેમની પર આક્ષેપ થયો છે. કેજરીવાલના એક સાથીને તાજેતરમાં જ ઉપવાસ સ્થળે રાજનીતિ કરવા બદલ અણ્ણા હઝારેએ રાલેગાંવ સિદ્ધિમાંથી કાઢી મૂક્યા હતા. ‘હવેલી લેતાં ગુજરાત ખોઈ’ તેવી પરિસ્થિતિ પેદા ના થાય તેની કેજરીવાલે કાળજી લેવી પડશે.

કેજરીવાલ સાહેબ, દિલ્હી અભી દૂર હૈ !