દિલ્હીમાં શીલા દીક્ષિત એકલાં પડી ગયાં ભાજપ માટે નરેન્દ્ર મોદી જ તારણહાર

૨૦૧૪માં આવનારી લોકસભાની ચૂંટણીઓ પૂર્વે પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓ પર સમગ્ર દેશનું ધ્યાન હતું. થોડા વખત બાદ ૭૦ એમ.એમ.માં આવનારી કોઈ સ્પેક્ટેક્યુલર ફિલ્મના ટ્રેલર જેવી આ ચૂંટણીઓ હતી. જે જે પાંચ રાજ્યોમાં આ ચૂંટણીઓ યોજાઈ તે રાજ્યોમાં જે રીતે વિક્રમજનક મતદાન થયું તે જોતાં લાગે છે કે, એ ચૂંટણીઓ એક મહાપર્વ બની ગઈ.

'સાહેબ' અને 'શાહજાદા' માટે ડેન્જરસ આમઆદમી

દિલ્હી અને આન્ટી

આ પાંચ રાજ્યો પૈકી સૌની નજર દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પર મંડાયેલી હતી. દિલ્હી સિવાય બીજાં ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર હતી. દિલ્હીમાં છેલ્લાં ૧૫ વર્ષથી શીલા દીક્ષિતના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર હતી. શીલા દીક્ષિત દિલ્હીમાં ‘આન્ટી’ તરીકે જાણીતાં છે, પરંતુ ૧૫ વર્ષના શાસનના કારણે શાસન વિરોધી લહેરમાં કોંગ્રેસ પરાસ્ત થઈ છે અને અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટી હવે એક ત્રીજા પરિબળ તરીકે ઉપસી છે. શીલા દીક્ષિત એક સરળ વ્યક્તિત્વ ધરાવતાં નમ્ર મહિલા છે. છેલ્લાં ૧૫ વર્ષમાં તેમણે વર્લ્ડક્લાસ મેટ્રો,અનેક ફ્લાયઓવર્સ અને ભવ્ય સ્ટેડિયમ્સ દ્વારા દિલ્હી અને એનસીઆરની સીકલ બદલી નાખી હોવા છતાં કોમનવેલ્થ ગોટાળા, ટુ-જી સ્પેક્ટ્રમ, કોલસા કૌભાંડ, મોંઘવારી, ડુંગળીનો ભાવવધારો અને અણ્ણા હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલને શીલા સરકારના વિકાસકાર્યોને દબાવી દીધાં. સતત ત્રણ ટર્મથી શીલા દીક્ષિત ચૂંટાતાં હતાં. તેથી સ્વાભાવિક રીતે જ દિલ્હીમાં સરકાર વિરોધી લહેર હતી. જેને ખાળવી મુશ્કેલ હતી. વળી દિલ્હીની ચૂંટણી શીલા દીક્ષિતે એકલા હાથે જ લડવી પડી. કોંગ્રેસના મોટાભાગના સિનિયર નેતાઓ મેદાનમાં ઊતર્યા નહીં. મીટિંગોમાં ભીડ લાવવી પડે છે, પણ શીલા દીક્ષિતને કોઈએ મદદ કરી નહીં.

રાજસ્થાન

રાજસ્થાનને લાગેવળગે છે ત્યાં સુધી આ રાજ્યની એ પરંપરા રહી છે કે, દર પાંચ વર્ષે રાજસ્થાનની પ્રજા શાસકો બદલી નાખે છે. અગાઉ વસુંધરા રાજેની સરકારને પરાસ્ત કરીને રાજસ્થાનની પ્રજાએ અશોક ગેહલોતની સરકારને તક આપી હતી. હવે રાજસ્થાનની પ્રજાએ ફરી વસુંધરા રાજેના નેતૃત્વવાળી ભાજપાની સરકાર પસંદ કરી છે. અશોક ગેહલોતે રાજસ્થાનમાં ઘણી લોકપ્રિય યોજનાઓ અમલમાં મૂકી હતી, પરંતુ બીજાં રાજ્યોની જેમ રાજસ્થાનમાં કોંગ્રેસમાં જૂથબંધી પરાકાષ્ટાએ હતી. એક તરફ અશોક ગેહલોતનું જૂથ હતું તો બીજી બાજુ સી. પી. જોષીનું જૂથ હતું. ટિકિટોની વહેંચણીમાં પણ ભારે ખેંચતાણ થઈ હતી. એ જ રીતે ભંવરીદેવીની હત્યા પ્રકરણમાં સંડોવાયેલા કોંગ્રેસના જ કેટલાક નેતાઓના કારણે સત્તાધારી પક્ષની છબીને નુકસાન થયું હતું. વળી જે દિવસે ચૂંટણી હતી તે જ દિવસે ડિઝલના ભાવમાં કરાયેલા વધારાની સીધી અસર મતદારો પર થઈ હતી. વસુંધરા રાજેના અગાઉના શાસન વખતે દારૂના ઠેકાઓની હાટડીઓ ઠેરઠેર ખૂલી ગઈ હતી, પરંતુ મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ સામે એ બધું જ ભૂલાઈ ગયું અને ફરી એકવાર રાજસ્થાનમાં ભાજપાની વિજય પતાકા લહેરાઈ ગઈ.

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળની સરકારને ત્રીજી વખત જીત મળતાં વિજયની ‘હેટ્રિક’ થઈ છે. શિવરાજસિંહ ચૌહાણ સ્વયં એક લો પ્રોફાઈલ અને લોકપ્રિય નેતા છે. તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. કેટલાંક વર્ષો પહેલાં મધ્યપ્રદેશની જે હાલત હતી તેમાં તેમણે ઘણો સુધારો કર્યો છે. તેમની સરકારની ‘લાડલી લક્ષ્મી યોજના’ કન્યાદાન યોજના અને જનની સુરક્ષા યોજનાના કારણે રાજ્યની મહિલાઓમાં ‘મામાજી’ તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશની જનતામાં શિવરાજસિંહ એક નિરાભિમાની અને સરળ વ્યક્તિ લેખાય છે. તેઓ ક્યારેક સાઈકલ લઈને ગામોમાં ફરવા નીકળી પડે છે. મુસ્લિમોના તહેવાર વખતે તેમને મુસ્લિમ ટોપી પહેરવા સામે કોઈ જ પરહેજ નથી. ચૂંટણી વખતે તેમનાં પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ મૂક્યા હતા તેમાં નીચે લખેલી લાઈન સૌનું ધ્યાન ખેંચતી હતી. શિવરાજસિંહ ચૌહાણની તસવીરની નીચે ‘શાસક નહીં, સેવક’ એવી લાઈન મૂકવામાં આવી હતી. તેમણે મધ્યપ્રદેશમાં લોકાયુક્તની પણ નિમણૂક કરી હતી અને એક ડઝન મંત્રીઓના કહેવાતા ભ્રષ્ટાચાર સામે લોકાયુક્ત દ્વારા તપાસ પણ કરાવી હતી. મધ્યપ્રદેશની પ્રજામાં શિવરાજસિંહ ચૌહાણની ઇમેજ ‘લાર્જર ધેન લાઈફ’ જેવી ગણાય છે. તેમની સામે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ તેમનાં બેફામ વિધાનોના કારણે કોંગ્રેસને જ નુકસાન કરતાં રહ્યા. હા, કોંગ્રેસે મધ્યપ્રદેશમાં જે કાંઈ સારો દેખાવ કર્યો તે માત્ર અને માત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાના કારણે.

મોદી ઇફેક્ટ

મિઝોરમને છોડીને બાકીનાં ચારેય રાજ્યોની વિધાનસભાની ચૂંટણી-ઓમાં જ્યાં જ્યાં નરેન્દ્ર મોદી ગયા ત્યાં ત્યાં જબરદસ્ત માનવભીડ જોવા મળી. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીએ વધુ મત હાંસલ કર્યા છે ત્યાં ત્યાં મોદી ફેક્ટર પણ કામ કરી ગયું છે. નરેન્દ્ર મોદીની જાહેર સભાઓમાં લોકોનો જે ઉત્સાહ અને પ્રતિભાવ જોવા મળતો હતો તેવો બીજા એક પણ નેતાની જાહેર સભામાં જોવા મળ્યો નથી. નરેન્દ્ર મોદીના એકલાના જ માથે આ ચારેય રાજ્યોની ચૂંટણી સભાઓને ગજવવાની જવાબદારી આવી પડી હોય તેમ લાગ્યું. નરેન્દ્ર મોદીએ તેમના જ પક્ષના અડવાણી, રાજનાથસિંહ, અરુણ જેટલી સહિતના તમામ નેતાઓને આઉટ કરી દીધા હતા. આ ચૂંટણીમાં મોદી એક જ સુપરસ્ટાર પ્રચારક રહ્યા. ફિલ્મ અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ મોદી જેટલું આકર્ષણ જમાવી શક્યા નહીં. એમ કહી શકાય કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી અને છત્તીસગઢમાં ભાજપાને જે મત મળ્યા તેમાં સ્થાનિક પરિબળો ઉપરાંત મોદી ફેક્ટરે વધારાના મત ભાજપાને અપાવ્યા. ભાજપાના બીજા તમામ સિનિયર નેતાઓ કરતાં નરેન્દ્ર મોદીએ ભાજપાની રેલીઓ માટે વધુ સમય ફાળવ્યો. ઉમેદવારો તરફથી પણ મોદીની રેલી માટે વધુ ને વધુ માગ આવતી રહી. એમ કહી શકાય કે મોદીએ લોકોમાં રહેલા કોંગ્રેસ વિરોધી મોજાને આકરા પ્રહારોથી વધુ મજબૂત બનાવ્યું. લોકોની કેમિસ્ટ્રી અને મૂડને બદલવાનું કામ મોદીએ કર્યું. મોદીના તેમની પાર્ટીમાં જ રહેલા વિરોધીઓ આ રાજ્યોની ચૂંટણીઓ સુધી મોદીને ભાજપાના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકેની જાહેરાત રોકી રાખવા માગતા હતા. તેમને એમ હતું કે મોદીની ભાવિ વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકેની જાહેરાતથી તે રાજ્યોમાં ભાજપાને નુકસાન થશે, પરંતુ મોદીના કારણે ભાજપાને ફાયદો થયો છે તે હવે સ્પષ્ટ દેખાય છે. આગામી ચૂંટણીમાં મોદી ભાજપા માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

નવો સિતારો કેજરીવાલ

આ ચૂંટણીઓનું ધ્યાન ખેંચતું મહત્ત્વનું પાસું એ છે કે, દિલ્હીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી એક નવા વિકલ્પ તરીકે ઊભરી છે. લોકો મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત હતા. એ લોકોએ કોંગ્રેસનો વિકલ્પ શોધતા હતા. જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો મળ્યા ત્યાં આમ આદમી પાર્ટી તરફ નજર દોડાવી અને બાકીનાં ત્રણ રાજ્યોમાં આમ આદમી પાર્ટી ના હોઈ ત્યાં ભાજપાને જ વિકલ્પ તરીકે સ્વીકાર્યો. દિલ્હીનાં પરિણામો કોંગ્રેસ અને ભાજપા એ બેઉ માટે ખતરાની ઘંટી છે. આમ આદમી પાર્ટીના સાવ અજાણ્યા ઉમેદવારોએ કોંગ્રેસના દિગ્ગજોને હરાવ્યા છે. બીજું નોંધપાત્ર પાસું એ છે કે, દિલ્હીમાં મોદીએ મોટી રેલીઓ સંબોધી હતી, પરંતુ દિલ્હીની જનતાએ કટ્ટર હિન્દુત્વના કે લઘુમતીને ખુશ રાખવાના અન્ય પક્ષોના એજન્ડાની સામે આમ આદમીને ૨૮ બેઠકો આપી દીધી છે. હવે આમ આદમી પાર્ટી બીજાં મોટાં શહેરો અને નાનકડાં નગરોમાં તેમના ઉમેદવારો ઊભા રાખે તે માત્ર કોંગ્રેસને જ નહીં, પરંતુ ભાજપાને પણ નુકસાન પહોંચાડી શકે તેમ છે. આ ચૂંટણીમાં નથી તો મનરેગા કામ આવ્યું કે નથી તો લેપટોપ. દિલ્હીમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન જ કામ આવ્યું છે.

બી કેરફૂલ મોદીજી એન્ડ રાહુલજી !