૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. ધર્મમાં જેમ અપરાધીઓ ઘૂસી ગયા છે, તે રીતે રાજકારણ પણ કેટલાક ગુનેગારોનું આશ્રયસ્થાન બની ગયું છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાંથી તો ખૂન, બળાત્કાર, ખંડણી અને અપહરણ કરનારાઓ પણ વિધાન સભાઓમાં અને લોકસભામાં પ્રવેશી જાય છે.
રાજનીતિમાં ગુનેગારોને રોકવા માટે ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશને ગંભીરતાથી લેવામાં આવી હોત તો આજે દેશની રાજનીતિનો ચહેરો કાંઈક અલગ જ હોત. આ દેશની લોકશાહી પદ્ધતિની મોટામાં મોટી નબળાઈ એ છે કે અનેક લોકોની હત્યા કરનાર ડાકુરાણી ફૂલનદેવી પણ ચૂંટાઈને લોકસભામાં આવી જતાં હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક સમયે ડોન લતીફ પણ પાંચ પાંચ જગ્યાએથી ચૂંટાઈને આવ્યો હતો.
તા. ૨૭ ઓક્ટોબર, ૨૦૦૬ના રોજ તે વખતના મુખ્ય ચૂંટણી કમિશનર એન.ગોપાલસ્વામીએ વડાપ્રધાનને પત્ર લખી જણાવ્યું હતું કે જનપ્રતિનિધિત્વ કાનૂનમાં જો સંશોધન કરવામાં નહીં આવે તો અબુ સાલેમ અને દાઉદ ઇબ્રાહીમ જેવા પણ લોકસભામાં કે વિધાનસભામાં બેઠેલા જોવા મળી શકશે.
એ વખતે ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ કાનૂનમાં અનુચ્છેદ ૮-બી જોડવાની ભલામણ કરી હતી. જેથી પાંચ વર્ષની સજા પામવાવાળા ગુનાઓમાં જો કોઈ ઉમેદવાર સામે અદાલતમાં આરોપ મૂકવામાં આવે તો એને ચૂંટણી લડવા માટે અયોગ્ય ગણવામાં આવે. ચૂંટણી પંચના આ પત્રને વડાપ્રધાને તે વખતના કાયદામંત્રી હંસરાજ ભારદ્વાજને મોકલ્યો હતો. કાયદામંત્રીએ એ પત્ર કાયદા મંત્રાલય સંબંધી રાજ્યસભાની સંસદીય સમિતિને સોંપ્યો હતો. સંસદીય સમિતિમાં બધા જ પક્ષોના સાંસદો હોય છે, પરંતુ એક પણ સભ્ય ચૂંટણી પંચના આ ગાળિયાને પોતાના ગળામાં નાખવા તૈયાર નહોતો એટલે એ સંસદીય સમિતિએ સર્વાનુમતે ચૂંટણી પંચની એ ભલામણને ફગાવી દીધી હતી.
ચૂંટણી પંચનો એ તર્ક હતો કે આ દેશમાં કાનૂની પ્રક્રિયા લાંબી હોય છે. સજા થવામાં વર્ષો લાગી જાય છે. તેથી જે ગુનાઓમાં પાંચ વર્ષ કે તેથી વધુ સજા થઈ શકે છે તેવા મામલાઓમાં કોઈ વ્યક્તિ પર એ પ્રકારનો આરોપ નક્કી થઈ જાય તો તેવી વ્યક્તિને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવવી, પરંતુ સંસદીય સમિતિએ એવું માન્યું કે આરોપ નક્કી કરવાની પ્રક્રિયા એ પોલીસવિધિ જ છે. જેમાં પોલીસ જ આરોપો ઘડે છે અને એ વખતે આરોપીને બચાવ કરવાનો મોકો મળતો નથી. ચૂંટણી પંચના એ પ્રસ્તાવ મુજબ ૮-બીના ગંભીર અપરાધો ઉપરાંત બીજા ગુનાઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા જેથી એવા આરોપો નક્કી થાય તો જે તે વ્યક્તિને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠેરવી શકાય.
જેમ કલમ ૧૫૩-એ મુજબ બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવું, ૧૭૧-ઈ મુજબ લાંચ લેવી, ૧૭૧-એફ મુજબ ચૂંટણીને પ્રભાવિત કરવી, ૧૭૧-એચ મુજબ ચૂંટણી દરમિયાન ગેરકાયદે પૈસા વહેંચવા, ૧૭૧-જી મુજબ ચૂંટણી બાબતે ખોટું સોગંદનામું રજૂ કરવું, ૧૭૧-આઈ મુજબ ચૂંટણી ખર્ચનો હિસાબ ન રાખવો વગેરેનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત અનલોકલ પ્રિવેન્સ એક્ટ-૧૯૬૭ની કલમ ૧૦ તથા ૧૨ મુજબ દાખલ થયેલા ગુનાઓ, એનડીપીએસ એક્ટ હેઠળના અપરાધો, બળાત્કાર કે એવો કોઈ ગુનો કે જેમાં આજીવન કેદ કે ફાંસી થઈ શકે છે તેવા કિસ્સાઓમાં જેની સામે આરોપનામું ઘડાયું હોય તેવા આરોપીઓને ચૂંટણી લડતા રોકી શકાયા હોત, પરંતુ એ ભલામણો ન સ્વીકારાતાં હજુ વિધાનસભાઓ અને લોકસભાનાં દ્વાર સજા ન થાય ત્યાં સુધી એવા ખતરનાક આરોપીઓ માટે ખુલ્લાં રહેશે.
આંકડાકીય રીતે જોઈએ તો દેશની સંસદમાં અને રાજ્યોની વિધાનસભાઓમાં કુલ ૪૮૦૭ સાંસદો અને ધારાસભ્યો છે. તે પૈકી ૧૪૬૦ સભ્યોએ પોતાની વિરુદ્ધ કેસો હોવાની જાહેરાત કરેલી છે. તેમાંથી ૬૮૮ સભ્યો વિરુદ્ધ ગંભીર ગુનાઓની ફરિયાદો થયેલી છે. તેમાંથી ૨૪ સંસદસભ્યો અને વિધાનસભ્યોએ એવી જાહેરાત કરી છે કે તેમને સજા સંભળાવવામાં આવેલી છે તે પૈકી ૦.૫ ટકા સભ્યોએ ઉપરી અદાલતોમાં અરજી કરી રાજનીતિ ચાલુ રાખી છે. લોકસભામાં કુલ ૫૪૩ સભ્યો છે, તે પૈકી ૧૬૨ સાંસદો વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે, તેમાંથી ૭૦થી ૭૨ ટકા કેસોમાં આરોપનામાં ઘડાઈ ચૂક્યાં છે અને તેમને પાંચ વર્ષ કરતાં વધુ સજા થઈ શકે તેમ છે. ૨૦૦૫ની ચૂંટણીઓમાં એકમાત્ર બિહાર વિધાનસભામાં ૧૧૭ ધારાસભ્યો એવા ચૂંટાયા હતા જેમની સામે ગંભીર ગુનાઓના કેસ ચાલી રહ્યા હતા. ૨૦૧૦ની ચૂંટણીમાં બિહાર વિધાનસભામાં ૧૪૧ દાગી ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા.
બ્રિટનમાં મતદાન શરૂ થવાના દિવસથી પાંચ વર્ષ પહેલાં સુધીની અવધિ સુધીમાં ત્રણ મહિના કે તેથી વધુ સજા પામનાર વ્યક્તિ બ્રિટનની પાર્લામેન્ટની ચૂંટણી લડી શકતી નથી. ચીનમાં દેશદ્રોહ, ભ્રષ્ટાચાર અને સંગઠિત અપરાધના કાનૂન હેઠળના અપરાધમાં સજા પામેલી, ફાંસી કે આજીવન કેદની સજા પામેલી કે દસ વર્ષથી વધુ સમયની સજા પામેલી વ્યક્તિ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિથી લઈને કોઈ પણ સ્તરની ચૂંટણી લડી શકતી નથી. ઓસ્ટ્રેલિયામાં ૧૨ મહિના કે તેથી વધુ સમય માટે સજાની જોગવાઈ હેઠળના ગુનામાં સંડોવાયેલી વ્યક્તિ, ભલે સજા ન સંભળાવવામાં આવી હોય તોપણ સેનેટની ચૂંટણી લડી શકતી નથી. પાકિસ્તાનમાં જેલની સજા ભોગવીને બહાર આવ્યા બાદ એવી વ્યક્તિ પાંચ વર્ષ સુધી પાર્લામેન્ટની ચૂંટણી લડી શકતી નથી. અલબત્ત, આ સજા પાકિસ્તાનની કોઈ પણ સક્ષમ અદાલત દ્વારા દેશની વિરુદ્ધ ઝુંબેશ, દેશની સંપ્રભુતા, એકતા, સુરક્ષા પ્રત્યે ખતરો, દેશમાં શાંતિ તથા ન્યાયાલયની સ્વતંત્રતાનો ભંગ કરવા જેવા અપરાધોમાં સંભળાવવામાં આવેલી હોવી જોઈએ. બંગલાદેશમાં બે વર્ષથી ઓછી સજા પામેલી વ્યક્તિ ત્યારે જ ચૂંટણી લડી શકે છે જ્યારે તેની સજા મતદાનના દિવસે પૂરાં પાંચ વર્ષે પૂરી થઈ ગઈ હોય. જ્યારે બે વર્ષથી વધુ સજા પામેલી વ્યક્તિને કોઈ પણ ચૂંટણી લડવાની પરવાનગી નથી. એ સિવાય ચૂંટણી સંબંધિત કોઈ પણ કાયદાનો ભંગ કરનાર વ્યક્તિ પણ ચૂંટણી લડી શકતી નથી.

Comments are closed.