- લખનૌની એક વિશિષ્ઠ-પ્રાયોગિક જેલ કે જ્યાં કેદીઓનું જીવન બદલાઇ રહ્યું છે
મોજીલું લખનૌ શહેર. લગ્નોની મોસમ છે. આજે લખનૌમાં પણ એક વરઘોડો નીકળ્યો છે. વરરાજા સજીધજીને શણગારેલા ઘોડા પર બેઠા છે. આજુબાજુમાં જાનૈયાઓ નાચી રહ્યા છે. પાછળ જાનડીઓ લગ્ન ગીતો ગાઇ રહી છે. સહુથી આગળ બેન્ડવાજાં વાગી રહ્યા છે.
બેન્ડવાજાના કલાકારોએ રાજા-મહારાજા જેવો યુનિફોર્મ પહેર્યો છે. બેન્ડ-વાજા પર લેટેસ્ટ ફિલ્મી ગીતોની ધૂન બજી રહી છે. એ ધૂન આખી જાનને મસ્તીમાં ડોલાવી રહી છે. બેન્ડના માસ્ટર ટ્રમ્પેટ બજાવી રહ્યા છે. બાકીના બાર કલાકારો જુદાં જુદાં ઇન્સ્ટ્રુમેન્ટસ વગાડી રહ્યા છે. દરેક કલાકારના ચહેરા પર સ્મિત છે. લોકો કહે છે કે આખા લખનૌમાં આ બેન્ડની સહુથી વધુ માંગ છે.
લાંબો રસ્તો કાપ્યા બાદ બેન્ડવાજાથી દોરાતી જાન કન્યાના દરવાજે પહોંચે છે. એ વખતે બેન્ડ પર ‘યે દેશ હૈં વીર જવાનો કા’ ની ધૂન પરાકાષ્ટાએ પહોંચે છે. કન્યા પક્ષ તરફથી જાનમાં આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત થાય છે. વરરાજાનાં પોંખણાં થાય છે. વરરાજા માંડવામાં પ્રવેશે છે અને તે પછી બેન્ડવાજાવાળા વિરામ લે છે. તેમના ઇન્સ્ટ્રુમેન્ટસ બાજુએ મૂકી કોઇ બીડી ફૂંકે છે. હળવો નાસ્તો કરી બેન્ડવાજાવાળા તેમની કામગીરી પૂરી થતાં પોતપોતાની સાઇકલ લઇ ઘેર જવાના બદલે લખનૌની જેલના દરવાજે પહોંચે છે. જેલનો દરવાજો ખૂલે છે.બધાં જ અંદર પ્રવેશે છે. સહુ પોતપોતાની ખોલીમાં જઇ પોતાનો યુનિફોર્મ ખીંટી પર લટકાવી દે છે અને કેદીનાં વસ્ત્રો પહેરે છે.
જાનની આગળ બેન્ડ વગાડતા તમામ લોકો હકીકતમાં લખનૌની જેલના કેદીઓ છે. તે બધા જ સજા પામેલા લોકો છે. કોઇ ખૂની હતા, કોઇ હુમલાખોર હતા, કોઇ ચોર હતા. કોઇએ અગાઉ છેતરપિંડી કરી હતી. તે પૈકીના બાદલ અને ડ્રમ વગાડનાર રાજકુમાર રસ્તોગી છેલ્લા પાંચ વર્ષથી લખનૌની જેલના કેદી છે. બીજા બે ટ્રમ્પેટ વગાડનાર નિશાન અલી અને ઉત્તમકુમાર નામના બે કેદીઓ છેલ્લા ૧૦ વર્ષથી લખનૌની જેલમાં છે. બાકીના ચાર જણ આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે.
આજે જેલ એટલે ખતરનાક લોકોથી ભરેલું સંકુલ એવી સામાન્ય છાપ છે. જેલોમાં રહીને પણ કેટલાક અસામાજિક તત્વો રિમોટથી બહાર ગુનાખોરી આચરે છે એવી પણ એક છાપ છે, પરંતુ લખનૌની આ જેલ સહેજ અલગ છે. અહીં ‘જેલ સુધારણા’ માત્ર કાગળ પર જ નથી. જેલના કેદીઓના પુનર્વસનનું અનોખું કામ આ જેલમાં થઇ રહ્યું છે. સામાન્ય રીતે દેશની બીજી જેલોમાં કેદીઓ સુધરવાના બદલે નવી ગુનાખોરી અને પ્રવૃત્તિઓ શીખતા હોય છે. કેટલીક જેલો નવી નવી ગુનાખોરી શીખવાની યુનિર્વિસટીઓ બની જતી હોય છે, પરંતુ અહીં એ બધાથી ઊંધું છે. લખનૌની જેલમાં એવી કોઇ સમસ્યાઓ નથી. અન્ય જેલોમાં જે કેદીઓ સારી ચાલચલગત ધરાવતા હોય તેમને અહીં ટ્રાન્સફર આપવામાં આવે છે. એ તમામ કેદીઓને લખનૌની આ વિશિષ્ઠ જેલમાં ચાલતા અભિનવ પ્રયોગમાં સામેલ કરવામાં આવે છે.
લખનૌની આ વિશિષ્ઠ જેલનું વાતાવરણ જોવા જેવું છે. આ જેલમાં રાખવામાં આવતા ૧૦૦ જેટલા કેદીઓને રોજ સવારે લાઇનબંધ બહાર લાવવામાં આવે છે. તે પછી દરેક કેદી પોતપોતાની સાઇકલ પર કોઇને કોઇ કામે જવા નીકળે છે. આ બધા જ કેદીઓ બેન્ડવાળા નથી, કેટલાક જ બેન્ડવાળા છે. કેટલાક કડિયા કામ જાણે છે. કેટલાક સુથારી કામ જાણે છે, કેટલાક પ્લમ્બર છે. કેટલાક હાથશાળ પર કામ કરવા જાય છે. કેટલાક હેરકટીંગ સલુનમાં નાઇનું કામ કરવા જાય છે. કેટલાક લોકો દુકાન પર નોકર તરીકે કામગીરી બજાવે છે. કેટલાક ખેતીકામ કરવા જાય છે. એ બધાને એમના કામનું મહેનતાણું મળે છે. કેટલાક કેદીઓ જેલમાં રસોઇ બનાવે છે. બીજા કેટલાક જેલમાં જાળવણી અને સફાઇનું કામ કરે છે.
જેલર સુરેશચંદ્ર કહે છે : ‘અમારી જેલમાં રહેતા કેદીઓને સુધારવા અને એમના જીવનમાં પરિવર્તન લાવવા માટે અમે તેમને કોઇને કોઇ કામની તાલીમ આપીએ છીએ. તેમના આર્થિક અને સામાજિક પાસાં પર પણ ધ્યાન આપીએ છીએ. આ કેદીઓને મળતા મહેનતાણાનો નાનકડો હિસ્સો જેલની તિજોરીમાં જાય છે. બાકીના પૈસા જે તે કેદી પાસે રહે છે. તેઓ તે રકમ તેમના ખાતામાં જમા કરાવી શકે છે. તેઓ ઇચ્છે તો તે રકમ, તેઓ તેમના પરિવારને મોકલાવી શકે છે.’
સામાન્ય રીતે જેલને કોન્ક્રીટ જંગલ કહે છે. પુરુષો પુરુષો સાથે રહે છે. સ્ત્રીઓ અલગ હોય છે. સજા પામેલા કેદીઓ જેલમાં હોઇ તેમનું લગ્નજીવન માણી શકતા નથી. ભારતની જેલો હજુ અંગ્રેજોના સમયમાં બનેલા જૂના કાયદાકાનૂન પ્રમાણે ચાલે છે. આ નિયમ મુજબ કેદીઓને લગ્ન જીવનના હક્કો મળતા નથી. કાયદામાં એવી કોઇ જોગવાઇ જ નથી. પરંતુ લખનૌની આ વિશિષ્ઠ જેલે આ દીશામાં એક નવી જ પહેલ કરી છે. લખનૌની આ જેલમાં રહેતા પુરુષ કેદીઓ જો પરણેલા હોય તો કેટલાક સમયના અંતરે તેમની પત્ની સાથે એકાંત ગાળી શકે તેવી સુવિધા કરવામાં આવી છે. કેદીઓ માટેની કાનૂની પરિભાષામાં આને ‘કોન્જૂયુગલ વિઝીટસ’ કહે છે. આ સુવિધા એવા કેદીઓ માટે છે જેમનું કુટુંબ લખનૌમાં જ વસે છે. વળી જે કેદીઓને કામ માટે બહાર જવાની છૂટ છે એવા કેદીઓને આ સુવિધા અપાય છે. કેદીઓને જેલની બહારના લોકો સાથે હળવા મળવાની છૂટ હોવાથી એક નાઇ કેદી એક છોકરીના પ્રેમમાં પડી ગયો હતો અને બેઉએ લગ્ન કરી લેવાની ઇચ્છા જેલના સત્તાવાળાઓ સમક્ષ વ્યક્ત કરી હતી. જેલના સત્તાવાળાઓએ એ લગ્નને મંજૂરી પણ આપી. જેલમાં જ તેમના લગ્ન થયાં. ૧૦૦ થી વધુ કેદીઓએ આ લગ્નમાં હાજરી આપી. જેલના અધિકારીઓ તો ખરાજ. એ બધાની હાજરીમાં જેલના સંકુલમાં જ એમના ફેરા થયા. એ દૃશ્ય અનોખુ ંહતું. હોલિવૂડની કોઇ ઇટાલિયન ફિલ્મના દૃશ્ય જેવો સીન હતો. માફિયાના લગ્નમાં ગેંગસ્ટરો હાજરી આપે તેમ અહીં બધા સજા પામેલાઓ જ લગ્નમાં હાજર હતા. જેલમાં બેન્ડવાજાવાળા તો હતા જ.
તા.૨૬ જાન્યુઆરી, ૧૯૯૨ના રોજ એટલે કે ભારતના પ્રજાસત્તાક દિને જ લખનૌની આ વિશિષ્ઠ જેલના પ્રાંગણમાં આ ‘જેલ બેન્ડ’નું ઉદ્ઘાટન થયું હતું. તેમાંથી કેટલાક બદલાતા રહ્યા છે કેટલાક નવા ઉમેરાતા રહ્યા છે. આ કેદીઓ તેમની સજા પૂરી થતાં જેલમાંથી જ્યારે બહાર નીકળશે ત્યારે તેમણે કામ શોધવા જવું નહીં પડે. કામ તેને શોધતું આવશે. કારણકે તે બધા જ હવે કુશળ કલાકારો છે.
આશ્ચર્યની વાત એ છે કે લખનૌની આ જેલમાંથી રોજ અનેક કેદીઓ કોઇને કોઇ કામે બહાર જાય છે અને સાંજે પાછા ફરે છે. આજ સુધી એક પણ કેદી ભાગી ગયો નથી. લખનૌની આ વિશિષ્ઠ જેલને આ અભિનવ પ્રયોગમાં સો એ સો ટકા સફળતા મળી છે. આજ સુધી એક પણ કેદીએ ભાગી જવા પ્રયાસ કર્યો નથી. ગુજરાતમાં અમદાવાદની સેન્ટ્રલ જેલમાં પણ ગુજરાતની જેલોના વડા પી.સી.ઠાકુરના માર્ગદર્શન હેઠળ કેદીઓની સુધારણાના સુંદર પ્રયોગો શરૃ થયા છે. તેના ફળદાયી પરિણામો પણ મળી રહ્યાં છે. સજા પામેલા કેદીને જેલમાં વધુ સજા કરવી તે કરતા તેના જીવનનું પુનર્વસન કરવું તે વધુ મહત્ત્વનું છે.
લખનૌની આ વિશિષ્ઠ જેલમાં રોજ સાંજે બધા કેદીઓ જેલમાં પાછા પ્રવેશ કરતી વખતે જે રીતે કતારમાં ઊભા રહે છે તે દૃશ્ય જોવા જેવું હોય છે. લાગે છે કે, આ બધા જ કેદીઓને તેમણે આચરેલા ગુનાઓનો હવે પસ્તાવો છે. કવિતાની પેલી પંક્તિ ફરી ગણગણવા જેવી છે.’
‘હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી ખાઇને પુણ્યશાળી બને છે.’
(દૂરદર્શન પર પ્રસારીત થયેલી એવોર્ડ વિજેતા શ્રેણી ‘કિરણ’ પર આધારીત ઉમેશ અગ્રવાલના પુસ્તક ‘જીના ઇસી કા નામ હૈ’ના સૌજન્યથી)

Comments are closed.