મસાલેદાર પ્રવચનોની સ્પર્ધામાં દેશની સમસ્યાઓના અસલી મુદ્દા ગુમ થયા !
૨૦૧૪ની લોકસભાની આવી રહેલી ચૂંટણીઓનું ગ્રાન્ડ રિહર્સલ ભજવાઈ રહ્યું છે. સામાન્ય રીતે મેરેથોન દોડમાં શરૂઆતમાં ધીમે દોડવાનું હોય છે અને છેલ્લે ફાસ્ટ દોડવાનું હોય છે, પરંતુ ભાજપા-એનડીએના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શરૂઆતથી જ ખૂબ ઝડપથી અને બીજા પક્ષો ધીમેથી દોડી રહ્યા છે. લોકસભાની ચૂંટણીઓ પૂર્વે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હીમાં નરેન્દ્ર મોદી રેલીઓ ગજવી, અને એનો થાક તેમના ચહેરા અને સ્વર પર વર્તાય છે. જ્યારે દિલ્હીમાં શીલા દીક્ષિતની સભાઓમાં પાંખી હાજરીની ચિંતા કોંગ્રેસી નેતાઓના ચહેરા પર વર્તાય છે. દિલ્હીમાં આમઆદમીની પાર્ટીમાં ‘બચના ઓ હસીના..’ જેવાં નિમ્ન કક્ષાના ગીતો પીરસવામાં આવે છે.
૨૦૧૪ની ચૂંટણીઓ પૂર્વેની કેટલીક વિધાનસભાની ચૂંટણીઓમાં નેતાઓ તરફથી જે પ્રવચનો થઈ રહ્યાં છે તે જોતાં લાગે છે કે, રાજનીતિ અને પ્રવચનોનું સ્તર તથા ગરિમા નીચે આવી રહ્યાં છે. સમાજવાદી પક્ષના એક નેતા નરેશ અગ્રવાલે નરેન્દ્ર મોદીને ચા વેચવાવાળા વ્યક્તિ કહ્યા. કોઈએ તેમને હિટલર કહ્યા, તો કોઈએ તેમને ફાસીસ્ટ કહ્યા. રાહુલ ગાંધીએ ભાજપને ચોરોની પાર્ટીની ઉપમા આપી. તેની સામે મોદીએ સોનિયા ગાંધીને બીમાર અને કોંગ્રેસને ખૂની પંજો કહ્યા. મોદી કોંગ્રેસને ઇનડોર પાર્ટી કહે છે અને ભાજપાને આઉટડોર પાર્ટી કહે છે. મોદી રાહુલ ગાંધીને શાહજાદા કહે છે તો કોંગ્રેસ મોદીને સાહેબજાદા કહે છે. આ બધામાં બિહારમાં નીતીશકુમાર પણ બાકાત નથી. નીતીશકુમારે એવું હાસ્યાસ્પદ નિવેદન કર્યું કે, પટણામાં આતંકવાદીઓએ બોમ્બ ધડાકા કર્યા ના હોત તો મોદીની રેલી ફ્લોપ હતી. લાગે છે કે, આવનારા દિવસોમાં નેતાઓની ભાષાનું સ્તર હજુ નીચે જશે.
પ્રવચનો કરવાની ઉતાવળમાં મોટા મોટા નેતાઓ પણ ભૂલો કરી બેસ છે. કોઈ કહે છે કે, નરેન્દ્ર મોદીને ઇતિહાસ, ભૂગોળનું જ્ઞાન જ નથી. જનતાદળ (યુ)ના નેતા શિવાનંદ તિવારીએ એવું નિવેદન કર્યું હતું કે, “મોદી બૌદ્ધિક રૂપથી દરિદ્ર છે અને તેમની બૌદ્ધિક સંપન્નતાનો પરિચય આપે છે.” તેની સામે ભાજપાના એક પ્રવકતાએ કહ્યું કે, “શિવાનંદ તિવારી સ્વયં ગ્રેજ્યુએટ પણ નથી અને નીકળી પડયા છે ઇતિહાસ-ભૂગોળની વાત કરવા. ડિગ્રી વગરના આવા નેતાના દિમાગ પર સંશોધન થવું જોઈએ.” જેમના પતિ જેલમાં છે તેવા લાલુ યાદવનાં ધર્મપત્ની રાબડીદેવીએ ભાજપાને ‘રાવણ’ અને જનતાદળને ‘કંસ’ કહ્યા. એ જ રીતે કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજયસિંહે મોદીને ફેંકુ નં. ૧ અને શિવરાજસિંહને ફેંકુ નં. ૨ કહ્યા. તેની સામે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે, “ખુદ તેમની પાર્ટી પણ દિગ્વિજયસિંહને ગંભીરતાથી લેતી નથી.” નેતાઓની આ બયાનબાજી જોતાં લાગે છે કે, દેશની કરોડની જનતાના પ્રશ્નોના અસલી મુદ્દા ભૂલાઈ ગયા છે અને નેતાઓ સ્ટંટ, કોમેડી અને થ્રીલથી ભરપૂર મસાલાવાળી ફિલ્મનું મનોરંજન દેશને પૂરું પાડી રહ્યા છે. આખો દેશ પેટ્રોલ-ડિઝલના ભાવવધારાથી, શાકભાજીના ભાવવધારાથી, વસતીવધારાથી, બેરોજગારીથી, મંદીથી બળાત્કાર-હિંસા અને હત્યાઓથી તથા આંતરરાષ્ટ્રીય સમસ્યાઓથી ત્રસ્ત છે, પરંતુ એક પણ નેતા પાસે આ પ્રશ્નો હલ કરવા તેમની પાસે શું યોજના છે તેની વાત કોઈ કરતું નથી. આતંકવાદ તો એથીય મોટી સમસ્યા છે, પરંતુ તે વિશે કોઈ બોલતું જ નથી. પબ્લિક પણ હૈસા ભેગો હૈસો કરી રહી છે. એમ પણ લાગે છે કે, આ દેશમાંથી ‘મધર ઇન્ડિયા’નું ઓડિયન્સ અલોપ અને ‘દબંગ’નું ઓડિયન્સ પેદા થઈ રહ્યું છે.
જો કે આવાં સૂત્રો અને નારાનું કલ્ચર રાતોરાત પ્રગટ થયું નથી. એની શરૂઆત તો છેક ૧૯૭૧થી જ થઈ ચૂકી હતી. ૧૯૭૧માં લોકસભાની ચૂંટણી પૂર્વે ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું હતું અને તેમના પુત્ર સંજય ગાંધી એ વખતે દેશમાં મારુતિ કાર બનાવવાની ઝુંબેશ ચલાવી રહ્યા હતા ત્યારે ચૂંટણી વખતે જનસંઘે એક સૂત્ર ઉચ્ચાર્યું હતું : “બેટા કાર બનાતા હૈ ઔર માં બેકાર બનાતી હૈ.” જો કે કોંગ્રેસ પાર્ટીએ એ નારાનો કોઈ નિષેધાત્મક જવાબ આપ્યો નહીં, એના બદલે ઇન્દિરા ગાંધીએ એક બીજું જ સૂત્ર આપ્યું : “વહ કહેતે હૈ ઇન્દિરા હટાવ, હમ કહેતે હૈ ગરીબી હટાવ.” એ પછી કોંગ્રેસની લોકસભામાં પણ બહુમતી આવી. જો કે તે પછી સ્વતંત્ર પાર્ટીના નેતા પીલુ મોદીએ દિલ્હીની એક સભામાં કહ્યું : “ઇન્દિરાજીને ચાર સાલ પહલે કહા થા ગરીબી હટાવ મગર ગરીબી તો હટી નહીં સિર્ફ ગરીબ હટ ગયા.” એ વખતે મંચ પર એ વખતના જનસંઘના નેતા અટલ બિહારી વાજપેયી બેઠેલા હતા. તેઓ પણ હસી પડયા હતા અને તે પછીની તમામ સભાઓમાં વાજપેયીજીએ પીલુ મોદીના એ વિધાનનો પોતાના પ્રવચનમાં ઉપયોગ કર્યો.
કેટલાંક વર્ષો પહેલાં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની ભીતર વિદ્રોહ થતાં ઇન્દિરા ગાંધીએ કમલાપતિ ત્રિપાઠીને દિલ્હી બોલાવી પોતાના મંત્રીમંડળમાં સામેલ કરી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે હેમવતીનંદન બહુગુણાની પસંદગી કરી દીધી હતી. એ પછી ચૂંટણીઓ આવી ત્યારે જનસંઘે બહુગુણાને ‘દુર્ગુણાજી’ કહેવા સિવાય બીજા કોઈ મુદ્દાઓ પર ભાષણો કર્યા નહીં. ઉત્તરપ્રદેશમાં મુલાયમસિંહ યાદવે મુસ્લિમ વોટબેંકને અંકે કરવા ભૂતકાળમાં કોશિશ કરી તો કેટલાકે તેમને ‘મૌલવી મુલાયમ’ કહ્યા. તેમના જ એક સાથી અને તેમની સ્ત્રી-મિત્ર અને પૂર્વ ફિલ્મ એક્ટ્રેસના સંબંધો માટે અહીં પ્રયોજી ના શકાય તેવા શબ્દનો ઉપયોગ થયો. કોંગ્રેસના નેતા શશિ થરુર અને તેમનાં પત્ની માટે પણ પતિ-પત્નીની ગરિમાને ધ્વસ્ત કરે તેવા ‘ગર્લફ્રેન્ડ’ શબ્દનો પ્રયોગ થયો. આ સિલસિલો આજે પણ અટક્યો નથી. નરેન્દ્ર મોદીના એક બયાન પછી એક કોંગ્રેસી નેતાએ કહ્યું : “ભાજપાનું કલ્ચર જ કુંવારાઓનું છે. તેમને ‘ફેમિલી’ શું છે તેની શું સમજ પડે ?” ભૂતકાળમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી માટે પણ અશોભનીય શબ્દોનો પ્રયોગ થયો હતો.
ભૂતકાળમાં હાર-જીતના મુદ્દા વિવિધ પક્ષોની નીતિઓમાંથી પ્રગટ થતાં હતા. હવે જાતિ, વર્ગ, વર્ણ, સંપ્રદાય અને કોમ પર આધારિત ચૂંટણીઓ થઈ રહી છે. લગભગ તમામ પક્ષોએ તેમના મૂળ સિદ્ધાંતોને તિલાંજલિ આપી છે. દેશની રાજનીતિ હવે વેપારમાં તબદિલ થઈ ગઈ છે. કેટલાક નેતાઓ રાજકારણને એક ધંધો જ સમજે છે. રાજનીતિ હવે સ્વયં એક બજાર છે. આજે ડાબેરીઓને બાદ કરતાં તમામ પક્ષોના ૮૦ ટકા નેતાઓ પ્રોપર્ટી ડિલર છે. આવા વેપારીઓના ખભા પર ઊભી થયેલી પોલિટિકલ પાર્ટીઓના નેતાઓ પાસેથી આપણે કેવી રીતે ગરિમાપૂર્વક ભાષાની અપેક્ષા રાખી શકીએ ?

Comments are closed.