ભારતની રાજનીતિમાં નહેરુ-ગાંધી પરિવાર પર પરિવાદના નામે વિપક્ષો આક્ષેપ કરે છે, પરંતુ ભૂમિગત હકીકત એ છે કે દેશના તમામ પક્ષોમાં પરિવાદનું અસ્તિત્વ છે અને દેશની પ્રજાએ વંશવાદને સ્વીકાર્યો છે. ગુજરાતથી શરૂઆત કરીએ તો માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા, આજે તેમના પુત્ર ભરતસિંહ સોલંકી જેટલી વાર લોકસભાની ચૂંટણી લડયા છે, તે તમામ વાર જીતતા આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી પણ સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા વિઠ્ઠલ રાદડિયા સંસદમાં અને તેમના પુત્ર જયેશ રાદડિયા વિધાનસભામાં ચૂંટાયા છે અને હવે મંત્રી બન્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ પણ અગાઉ વિધાનસભામાં ચૂંટાઈ ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા એ બંને ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા છે.
મહારાષ્ટ્રમાં શિવસેનાના સુપ્રીમો સ્વ. બાલ ઠાકરેએ શિવસેનાના વારસદાર તરીકે તેમના જ પુત્ર ઉદ્ધવ ઠાકરેને નીમી દીધા અને એ વારસો ન મળતાં બાલ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરેએ અલગ પાર્ટી ઊભી કરી છે. મહારાષ્ટ્રમાં એનસીપીના વડા શરદ પવાર સ્વયં કેન્દ્રીય મંત્રી છે. અને તેમનાં પુત્રી સુપ્રિયા પણ સાંસદ છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ સુનીલ દત્તનાં પુત્રી પ્રિયા દત્ત પણ સાંસદ છે. તામિલનાડુમાં ડીએમકેના સુપ્રીમો કરુણાનિધિનાં પુત્રી કનિમોઝી સાંસદ છે. કરુણાનિધિના પરિવારના જ દયાનિધિ મારન પણ સાંસદ છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ અને તેમનાં પત્ની રાબડી દેવી બંને મુખ્યમંત્રી પદ ભોગવી ચૂક્યાં છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના પુત્ર હાલ યુપીના મુખ્યમંત્રી છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લા હાલ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી છે. ડાબેરીઓના પ્રકાશ કરાત અને તેમનાં પત્ની વૃંદા કરાત બેઉ રાજનીતિમાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજેશ પાઇલટના પુત્ર પણ સાંસદ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી દેવરાના પુત્ર મિલિન્દ દેવરા પણ આજે કેન્દ્રીય મંત્રી છે.
મધ્યપ્રદેશનાં પૂર્વ રાજમાતા વિજયારાજે સિંધિયા કે જેઓ ભાજપની સ્થાપનાનાં મુખ્ય સ્તંભ હતાં. તેમનો આખો પરિવાર રાજનીતિમાં છે. રાજમાતા વિજયારાજે સિંધિયાના પુત્ર સ્વ. માધવરાવ સિંધિયા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી પદે રહી ચૂક્યા હતા. તેમના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે કેન્દ્રીય મંત્રી છે. રાજમાતા વિજયારાજે સિંધિયાનાં પુત્રી વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનમાં ભાજપનાં મોવડી છે અને રાજ્યનાં મુખ્યમંત્રી પણ રહી ચૂક્યાં છે. હવે ફરી રાજસ્થાનમાં સત્તા કબજે કરવા પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ નેતા સંજય ગાંધીનાં પત્ની મેનકા ગાંધી અને તેમનો પુત્ર વરુણ ગાંધી બંને ભાજપમાં સક્રિય છે અને સાંસદ પણ છે. પંજાબમાં આખો બાદલ પરિવાર વંશવાદનો પ્રતીક છે. એક બાદલ મુખ્યમંત્રી છે, બીજા બાદલ ઉપમુખ્યમંત્રી છે અને એક પુત્રવધૂ સાંસદ છે. આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી એન.ટી. રામારાવના જમાઈ ચન્દ્રાબાબુ નાયડુ પણ આંધ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બીજુ પટનાયકના પુત્ર નવીન પટનાયક આજકાલ ઓડિશાના મુખ્યમંત્રી છે.
રાજસ્થાનમાં સિંધિયા પરિવાર તો આખો રાજનીતિમાં છે પરંતુ બીજા રાજવી પરિવારોનાં દૃષ્ટાંતો પણ જોવા જેવાં છે. બિકાનેર રાજવી પરિવારનાં સિદ્ધિ કુમારી હાલ ભાજપ તરફથી વિધાનસભામાં છે, તેમના દાદા કરણસિંહ પણ સાંસદ હતા. ભિન્ડરના રાજવી પરિવારના રણધીરસિંહ ભિન્ડર અગાઉ અપક્ષ તરીકે ચૂંટણી લડી વિધાનસભામાં ચૂંટાયા હતા. દેવગઢ રાજઘરાનાના સભ્ય રણધીરસિંહ ભિન્ડર અપક્ષ તરીકે ચૂંટણી લડી વિધાનસભામાં ચૂંટાયા હતા. દેવગઢના રાજવી પરિવારના સભ્ય કૌશલેન્દ્રસિંહ વિધાનસભામાં ચૂંટાયા હતા. તેમના પિતા માંધાતા સિંહ કેન્દ્રમાં મંત્રી હતા.
રાજસ્થાનના કુંદનપુરના રાજવી પરિવારના સભ્ય ભરતસિંહ કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભામાં ચૂંટાયા હતા. તેમના પિતા જુંઝારસિંહ અગાઉ કેન્દ્રમાં મંત્રી હતા. જયપુરના રાજવી પરિવારનાં સભ્ય દિયા કુમારી ભાજપની ટિકિટ પર રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે. તેમનાં દાદી ગાયત્રીદેવી અને તેમના કાકા પૃથ્વીરાજસિંહ સંસદમાં ચૂંટાયાં હતાં. તેમના પિતા ભવાનીસિંહ પણ લોકસભાની ચૂંટણી લડયા હતા. ભરતપુર રાજવી પરિવારના વિશ્વેન્દ્રસિંહ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના કાકા માનસિંહ અગાઉ ધારાસભ્ય અને કાકાના પુત્ર અરુણસિંહ પણ રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા છે. શાહપુર (જયપુર) પરિવારના રાવ રાજેન્દ્રસિંહ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમના પિતા રાવ ધીરસિંહ રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમનાં માતા ગુણવંત કંવર પણ ધારાસભ્ય રહી ચૂક્યાં છે.
દેશના દરેક રાજકીય પક્ષો એવા જ ઉમેદવારોને ટિકિટ આપે છે કે જેઓ આસાનીથી જીતી શકે. આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ પ્રજામાં એક એવો વર્ગ છે કે જે પૂર્વ રાજાઓને અને તેમના પરિવાર પ્રત્યે જબરદસ્ત આદર ધરાવે છે. ગુજરાતમાંથી વડોદરાના પૂર્વ મહારાજા ફતેસિંહ રાવ ગુજરાતમાં મંત્રી રહી ચૂક્યા હતા. રાજકોટના રાજવી પરિવારના મનોહરસિંહજી પણ રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા છે. રાજવી પરિવારોની લોકપ્રિયતા જોતાં દરેક રાજકીય પક્ષની એ મજબૂરી બની ગઈ છે કે તેઓ વધુ ને વધુ પૂર્વ રાજાઓના પરિવારના કોઈ ને કોઈ સભ્યને ચૂંટણીના મેદાનમાં ઉતારે છે. આ એક પ્રકારની નવી જ રાજાશાહી છે. રાજસ્થાનમાં રાજકીય પરિવારોની પ્રજા પર પકડ વધુ હોઈ જયપુર, જોધપુર, કોટા, બિકાનેર, ભરતપુર, અલવર, ધૌલપુર, ભીલવાડા, કરૌલી, નાગૌર અને ડુંગરપુર જેવા જિલ્લાઓમાં પૂર્વ રાજવી પરિવારોના સભ્યો કોઈ ને કોઈ રૂપે રાજનીતિમાં સક્રિય છે. આ વખતે પણ બધા જ રાજકીય પક્ષોએ એ રાજવી પરિવારોના કોઈ ને કોઈ સભ્યને ટિકિટો આપી છે. આ અંગે એક મત એવો પણ છે કે રાજવી પરિવારોને ટિકિટો આપવાથી કેડર આધારિત સંગઠન નબળું પડે છે. આમ કરવાથી રાજવી પરિવારોના સભ્યો રાજઘરાનાઓના જ પરિવારોનાં હિતો જુએ છે એમ કેટલાકને લાગે છે. રાજસ્થાનનાં વસુંધરા રાજે સિંધિયાના સમયગાળામાં રાજસ્થાનનો વિકાસ રસ્તા અને વીજળી વ્યવસ્થા ખાડે ગયાં હતાં. એ પછી અશોક ગેહલોતની સરકારે તેમાં ઘણો સુધારો કર્યો હોવા છતાં વસુંધરા રાજે ફરી મુખ્યમંત્રી બને તેમ લાગે છે. તેઓ સ્વયં રાજમાતાનાં પુત્રી છે. ધૌલપુર રાજવી પરિવારનાં સભ્ય છે અને તેમના પુત્ર પણ સાંસદ છે. રાજસ્થાનમાં તો રાજાશાહી પાછી આવી ગઈ હોય તેમ લાગે છે.
રાજસ્થાનમાં કેટલાક રાજનેતાઓની છબી બગડેલી છે અને કેટલાક જેલમાં છે, છતાં તેમના પરિવારોને ટિકિટો આપવામાં આવી છે. દા.ત. ભંવરી દેવી પ્રકરણમાં જેલમાં ગયેલા મહિપાલ મદેરણાને કોંગ્રેસે ટિકિટ આપી છે. આ જ પ્રકરણમાં જેલ ભોગવી રહેલા બીજા નેતા મલખાન સિંહનાં માતા અમરી દેવીને કોંગ્રેસે ટિકિટ આપી છે. બળાત્કાર કેસના આરોપી બાબુલાલ નાગરના ભાઈ હજારીલાલ નાગર પણ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડી રહ્યા છે.
એ જ રીતે રાજસ્થાનમાં પરિવારવાદની વાત કરીએ તો રાજસ્થાન વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રામનિવાસ મિશ્રાના પુત્ર હરેન્દ્ર મિશ્રા અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ મંત્રી ગંગારામ ચૌધરીની પૌત્રી ડો. પ્રિયંકા ચૌધરી ભાજપની ટિકિટ પર બાડમેરમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. ગંગારામ ચૌધરી આઠ વખત ધારાસભામાં રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી લાલચંદ કટારિયાએ તેમના ભાઈની પત્નીને ટિકિટ અપાવી છે. પૂર્વે સાંસદ અબરાર એહમદના પુત્ર પણ ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નવલકિશોર શર્માના પુત્ર વ્રજકિશોર શર્મા પણ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી નટવરસિંહના પુત્ર જગતસિંહ ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે રાજસ્થાનમાં ગોગુંદ, સાગવાડા, ચૌરાસી, ખાનપુર, છબડા, બાડમેર, ફત્તેહપુર, શ્રી માધોપુર, સાદુલપુર,સૂરતગઢ, સંગરિયા અને ભાદરાની બેઠકો પર પરિવારવાદના આધારે જ ઉમેદવારો ઊભા રાખ્યા છે. આખો દેશ પરિવારવાદ પર ચાલતો હોય તો નહેરુ-ગાંધી પરિવાર પર જ આરોપ કેમ?
www. devendrapatel.in

Comments are closed.