રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

ઉત્તર પ્રદેશના ઉન્નાવ ખાતેના ડૌડિયા ખેડા ગામમાં રાજા રામબક્ષસિંહના ૧૦૦૦ ટન સોનાના ખજાનાની ખોજ માટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ કરેલા નિષ્ફળ પ્રયાસોથી એ સંસ્થાએ પોતાની જ વૈજ્ઞાનિક ક્ષમતા પર પ્રશ્નો ઊભા કર્યા. એક સાધુના સ્વપ્નના આધારે આવું ખોદકામ કરવું તે નરી મૂર્ખતા સાબિત થઈ. સરકારે પોતાની આબરૂ ગુમાવી.

સાધુના સ્વપ્નના આધારે સોનું શોધવાની ટીકા કરનાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાચા સાબિત થયા. એક સાધુ આખી સરકારને બેવકૂફ બનાવી ગયો. એવું નથી કે ખજાનાની ક્યાંય ખોજ થતી નથી. ખજાનાની ખોજ થાય છે, પરંતુ તે માટે જિયોલોજિકલ પુરાવા અને વૈજ્ઞાનિક અને વ્યાવસાયિક કૌશલ્યનો આધાર હોવો જોઈએ.

ખજાનો શોધતી કોર્પોરેટ કંપનીઓ : એક સાધુ કેન્દ્ર સરકારને મૂર્ખ બનાવી ગયો

ક્યાંક સોનું મળ્યું પણ…

૨૦૦૯ની સાલમાં યુકેના સ્ટ્રેફોર્ડશાયર વિસ્તારમાંથી એંગ્લો સેક્શન ગોલ્ડ અને સિલ્વરનો મોટો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો. એક એમેચ્યોર પુરાતત્ત્વવાદી યુવાન એક ખેતરમાં કેટલાક એન્ટિક્સ શોધી રહ્યો ત્યારે તેના મેટલ ડિટેક્ટરે જમીનથી નીચે ધાતુ હોવાનો નિર્દેશ કર્યો હતો. એ પછી એણે ઈંગ્લેન્ડના પુરાતત્ત્વખાતાને જાણ કરી હતી. જેણે યોજનાપૂર્વક ખોદકામ કરી ૩૫૦૦ જેટલાં સોના અને ચાંદીના નમૂના શોધી કાઢયા. એવી જ રીતે ૨૦૧૨માં જર્મનીના ગેસેલ ડિસ્ટ્રિક્ટમાં ગેસની પાઈપલાઈન માટે ખોદકામ કરતાં કપડાંમાં વીંટાળેલા ૧૧૭ જેટલી સોનાની કલાકૃતિઓ મળી આવી હતી. એ પછી હમણાં ગયા સપ્ટેમ્બર માસમાં ઈઝરાયેલ ખાતે જેરૂસલેમના એક મંદિર નજીક ખોદકામ કરતાં પુરાતત્ત્વખાતાને ૩૦ જેટલા સોનાના સિક્કા મળી આવ્યા હતા. અલબત્ત, આ બધા જ ખજાના કોઈ સ્વપ્નના આધારે નહીં પરંતુ ક્યાંક ખોદકામ કરતાં અચાનક તો ક્યાંક કાળજીપૂર્વકના અભ્યાસ બાદ મળી આવ્યા હતા.

જયગઢનો ખજાનો

વિશ્વભરમાં આ રીતે સોનું ખોજવા કેટલાયે લોકો પ્રયાસ કરી રહ્યા છે. તેમાંનો એક રસપ્રદ કિસ્સો જયપુર પાસે આવેલા આમેરના કિલ્લાની પાછળ આવેલા જયગઢનો છે. આજથી ૩૦ વર્ષ પહેલાં એક અજાણ્યો માણસ દિલ્હીના આવકવેરા ખાતાની કચેરીએ પહોંચી ગયો. એણે આવકવેરા ખાતાને એક પુરાણો નકશો આપ્યો અને કહ્યું કે જયગઢના કિલ્લામાં અકબરના સેનાપતિ રાજા માનસિંહે દાટેલો ખજાનો છે અને તે ખજાના સુધી પહોંચવાનો આ નકશો છે. આવકવેરા ખાતાએ ભારતીય લશ્કર અને પુરાતત્ત્વખાતાની મદદથી આમેરના કિલ્લાની પાછળ આવેલા જયગઢના પર્વત પર મેટલ ડિટેક્ટર વડે ખજાનો શોધવા પ્રયાસ કર્યો હતો. ઇતિહાસ એવો હતો કે જયપુરના રાજા માનસિંહ અકબરના સૈન્યના વડા બન્યા બાદ અનેક રાજ્યો જીતતા હતા અને તે રાજ્યોમાંથી મળેલું ધન કેટલાક ઊંટ ઉપર લાદી જયગઢ રવાના કરી દેતા હતા. એ ધન જયગઢના પર્વતોની ભીતર છુપાવી દેવાયું હતું. એ વખતે મહારાણી ગાયત્રીદેવી હયાત હતાં. તેમણે એ ખજાના વિશે કાંઈ જ બોલવા ઇનકાર કરી દીધો હતો. આવકવેરા ખાતાએ પુરાતત્ત્વ નિષ્ણાતોની મદદથી એ ખજાનો શોધવા ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ ખજાનો હાથ લાગ્યો નહોતો. અલબત્ત, એ ખજાનો ક્યાંક તો છે જ એ વાત આજે પણ જયપુરવાસીઓનાં દિલોદિમાગ પર લહેરાય છે. રાજવી પરિવાર ભારે ચૂપકીદી સેવી રહ્યું છે.

કંપનીઓ મેદાનમાં

ઉન્નાવના ડૌડિયા ખેડા ગામમાંથી ભલે સોનું મળે કે ન મળે પ્રાચીન કાળથી દુનિયાભરમાં સોનં ખોજવાની જિજ્ઞાસા માનવીમાં રહેલી છે. સોનાની ખોજની આ જિજ્ઞાસા હવે કોર્પોરેટ ક્ષેત્ર સુધી પહોંચી ગઈ છે. આવી ખોજમાં જાણીતી કંપનીઓ પણ હવે કામે લાગી ગઈ છે. વર્ષે જેમની લાખો ડોલરની આવક છે તેવી કંપનીઓ ખાસ કરીને સમુદ્રમાં ડૂબી ગયેલા અથવા ભૂતળમાં રહેલા ખજાનાની ખોજ કરી રહી છે. આવી કેટલીક કંપનીઓની વિગતો જાણવા જેવી છે. દા.ત. સિકવેસ્ટ ઇન્ટરનેશનલ નામની કંપનીની સ્થાપના ૧૯૭૭માં થઈ હતી. તેનું કામ છે દરિયામાં પડેલું સોનું શોધવું. તેનું મુખ્ય કાર્યાલય કેલિફોર્નિયાના ફ્લોરિડા ખાતે આવેલું છે. આ કંપનીની વાર્ષિક આવક ૧૦ લાખ ડોલર છે.

સબ સી રિસર્ચ

સબ સી રિસર્ચ નામની કંપનીની સ્થાપના ૧૯૮૪માં થઈ હતી. તેનું મુખ્ય કાર્યાલય અમેરિકાના મેન રાજ્યના પોર્ટલેન્ડ ખાતે આવેલું છે. આ કંપનીની વાર્ષિક આવક ૫૦ લાખ ડોલર છે. આ કંપનીએ એસ.એસ. પોર્ટ નિકોલસન જહાજની સાથે ડૂબેલા ત્રણ અબજ ડોલરના પ્લેટિનમને દરિયામાંથી સફળતાપૂર્વક બહાર કાઢયું હતું. એવી જ રીતે એક બીજી કંપનીનું નામ ઓડિસી મરીન એક્સપ્લોરેશન છે. તેની સ્થાપના ૧૯૯૪માં થઈ હતી. તેનું મુખ્ય કાર્યાલય અમેરિકામાં ફ્લોરિડાના ટેમ્પા ખાતે છે. તેની વાર્ષિક આવક ૧.૭૫ કરોડ ડોલર છે. અમેરિકામાં ગૃહયુદ્ધ દરમિયાન સમુદ્રમાં ડૂબી ગયેલાં જહાજ ‘એસ.એસ. રિપબ્લિક’માંથી આ કંપનીએ અઢળક સોનું-ચાંદી બહાર કાઢયું હતું. એવી જ રીતે ગેલિયોન વેંચર્સ નામની કંપનીની સ્થાપના ૨૦૦૯માં થઈ હતી. તેનું મુખ્ય કાર્યાલય કેલિફોર્નિયામાં સેંટા મોનિકા ખાતે છે. આ કંપનીની વાર્ષિક આવક ૫૦ લાખ ડોલર છે. અત્યારે તે કંપની ઓપરેશન મિસ્ટ્રી ગેલિયોનમાં વ્યસ્ત છે.

સમુદ્રના ગર્ભમાંથી

૧૯૪૨ના ફેબ્રુઆરી માસમાં બ્રિટિશ જહાજ એસ.એસ. ગૈરસોપ્પા ૨૦૦ ટન ચાંદી સાથે ડૂબી ગયું હતું. તેને આયરલેન્ડના કિનારાથી ત્રણસો માઈલ દૂર ૪૭૦૦ મીટરની ઊંડાઈ પર હોવાનું શોધી કાઢવામાં આવ્યું હતું. ઓડિસી મરીન એક્સપ્લોરેશન નામની એક કોર્પોરેટ કંપનીએ આ જહાજ શોધી કાઢી તેમાંથી ચાંદી બહાર કાઢી હતી. માઇકલ હેચરે ૧૯૯૯માં દરિયામાં ડૂબેલા ચીની જહાજ તેક સિંગને શોધી તેમાંથી ૩,૬૦,૦૦૦ કલાકૃતિઓ બહાર કાઢી હતી. એ પહેલાં આ જ કંપનીએ દક્ષિણ ચીની સમુદ્રમાં ડૂબેલા હોલેન્ડના જહાજને ૧૯૮૧માં શોધી કાઢયું હતું અને તેમાંથી કીમતી ખજાનો બહાર કાઢયો હતો.

ભારતમાં ખજાનો

કેરળના તિરૂવનંતપુરમ ખાતે આવેલા ૧૬મી સદીના પદ્મનાભ સ્વામી (વિષ્ણુ) મંદિરના બે ભૂમિગત ઓરડાઓમાંથી અબજો રૂપિયાનાં કીમતી હીરા, માણેક, સોનું અને ચાંદી મળી આવ્યાં હતાં. આ મંદિરમાં રૂ. ૯૦૦ અબજનો ખજાનો હોવાની વાત ચર્ચાય છે. આ મંદિરના ચાર પૈકી બે ઓરડા છેલ્લાં ૧૩૦ વર્ષથી ખોલવામાં આવ્યા નથી. એવી જ રીતે મહારાષ્ટ્રમાં કોલ્હાપુર ખાતે આવેલું મહાલક્ષ્મી મંદિર આશરે ૯૦૦ વર્ષ પુરાણું છે. તેના ગુપ્ત ઓરડાઓના કરોડો રૂપિયાના હીરા, સોનું, ચાંદી અને સોનાનાં આભૂષણો હોવાનું મનાય છે. આ મંદિરમાં કોંકણના રાજાઓ, ચાલુક્ય રાજાઓ, આદિલ શાહ, છત્રપતિ શિવાજી તથા તેમની માતા જીજીબાઈએ પણ ચઢાવો ચઢાવ્યો હોવાનું મનાય છે.

સમુદ્રના કાનૂન

એ જાણવું રસપ્રદ થઈ પડશે કે સમુદ્ર અને મહાસાગરો પર સંયુક્ત રાષ્ટ્રનો કાનૂન લાગુ પડે છે. આંતરરાષ્ટ્રીય જલક્ષેત્રમાં ડૂબેલી સંપત્તિ પર જહાજને કાઢવાનો કાનૂન તથા જહાજને શોધવાનો કાનૂન અનુક્રમે લો ઓફ સાલ્વેજ અને લો ઓફ ફાઇન્ડ્સ તરીકે ઓળખાય છે. સમુદ્રના ગર્ભમાં ફેલાયેલી જૈવિક, ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સંપત્તિની રક્ષા માટે તથા તે અંગેના વિવાદો ઉકેલવા માટે યુનેસ્કોએ ૨૦૦૧માં ‘કન્વેન્શન ઓન ધી પ્રોટેક્શન ઓફ ધી અંડરવોટર કલ્ચરલ હેરિટેજ’ બનાવ્યો છે.

www. devendrapatel.in