ભારતની બિન સરકારી સંસ્થાઓને ૫૦,૦૦૦ કરોડનું ધન કોણે આપ્યું?

સમગ્ર દેશની નજર પાંચ રાજ્યોની ચૂંટણીઓ પર છે. કેટલાંક રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપા વચ્ચે સીધી ટક્કર છે, પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપા અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલા યોજાઇ રહેલી આ ચૂંટણીઓ કોંગ્રેસ અને ભાજપા માટે લીટમસ ટેસ્ટ હશે. આ બધામાં સહુથી રસપ્રદ ચૂંટણી દિલ્હીની છે. દિલ્હીમાં કોંગ્રેસના શીલા દીક્ષિત છેલ્લા ૧૫ વર્ષથી દિલ્હીના મુખ્યમંત્રી છે, પરંતુ અરવિન્દ કેજરીવાલ હાથમાં ઝાડુંનું નિશાન લઇને શીલા દીદીની પાછળ પડયા છે. કોંગ્રેસના પરંપરાગત મત, ગરીબોના મત, ઝૂંપડપટ્ટીના મતોમાં તેઓ મોટું ગાબડું પાડે તેમ લાગે છે. રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશમાં ભાજપા મોખરે રહેશે એમ લાગે છે. છત્તીસગઢમાં કાંટાની ટક્કર છે, છતાં ભાજપા પણ જીતી શકે તેવું વાતાવરણ છે.

રાજકીય પક્ષોને વિદેશમાંથી કરોડોનું ફંડ કોણે આપ્યું?

આવાજકોણ છે?

અરવિન્દ કેજરીવાલની આમ આદમી પાર્ટી દિલ્હીમાં સારા પરિણામો લાવશે તો તે ૨૦૧૪ની ચૂંટણીઓમાં બીજા રાજ્યોમાં પણ પાંખો પ્રસરાવશે. અરવિન્દ કેજરીવાલ અણ્ણા હજારે દ્વારા શરૂ કરવામાં આવેલા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનની ઉપજ છે. મૂળ તો તેઓ આવકવેરા કમિશનર હતા પરંતુ રાજીનામું આપીને અણ્ણાના આંદોલનમાં જોડાયા હતા. રાજકીય પાર્ટી શરૂ કરવાના મુદ્દે અણ્ણા સાથે મતભેદ થતાં તેઓ હવે અણ્ણાથી અલગ છે. આમ તો તેઓ ભ્રષ્ટાચારના વિરોધી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એવો આરોપ મૂક્યો છે કે, કેજરીવાલની આમ આદમી પાર્ટીને “આવાજ” નામની સંસ્થાએ કરોડો રૂપિયાનું ફંડ આપ્યું છે. ઘણા ઓછા લોકો એ વાત જાણે છે કે “આવાજ” નામની સંસ્થા આરબ દેશોમાં આવા જ આંદોલનો ચલાવવા કરોડો રૂપિયાનું ફંડ આપે છે. કેન્દ્ર સરકારે પણ આમ આદમી પાર્ટીને નોટિસ આપી વિદેશોમાંથી પ્રાપ્ત થયેલા ધનનો સ્ત્રોત જાહેર કરવા જણાવ્યું છે. “આવાજ” એક વિદેશી સંસ્થા છે.

૫૦ હજાર કરોડ રૂપિયા

આ અગાઉ પણ કેટલાક સમય પહેલાં સંસદમાં એવી માંગ ઊઠી હતી કે, ભારતમાં કામ કરતી બીન સરકારી સંસ્થાઓ- એન.જી.ઓ.ને જુદાં જુદાં સ્ત્રોતમાંથી બધી મળીને કુલ ૫૦ હજાર કરોડની મદદ મળેલી છે. આ માંગ ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જ કરી હતી. પરંતુ તેની તરફ કોઇએ ધ્યાન આપ્યું નહીં. અણ્ણા હજારેના દિલ્હીમાં જંતરમંતર પરના આંદોલન દરમિયાન અણ્ણા હજારે ઉપવાસ કરી રહ્યા હતા ત્યારે ત્યાં ઉમટેલી હજારોની ભીડને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા હતા. એ દૃશ્યો જોતાં લાગતું હતું કે, લાખ્ખો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે. એ નાણા કેટલીક બીનસરકારી સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી આવ્યા હોવાનું મનાય છે. એ વખતે ભ્રષ્ટાચાર વિરોધી નાણાં લગાવનારા કેટલાક નેતાઓ પણ ચૂંટણીમાં ઝંપલાવશે અને બીનનિવાસી ભારતીયો પાસેથી ફંડ લઇ ચૂંટણી લડવા નીકળશે તેવો ખ્યાલ કોઇને નહોતો. આમાં સહુથી મોટો પ્રશ્ન એ છે કે કોઇપણ બીનનિવાસી બેંકના ખાતામાંથી ફંડ આપી શકે કે કેમ? આવા ધનને કાળું નાણું સમજી શકાય ખરું? આમ આદમી પાર્ટીના જે કહેવાતા બિનનિવાસી ભારતીયો દ્વારા ફંડ એકત્ર કરવાના પ્રયાસને શું હવાલા કારોબાર પણ ગણી શકાય કે કેમ?

વિદેશોને રસ કેમ છે?

 વિદેશી તાકાતો ભારતની રાજનીતિમાં ભરપૂર રસ લઇ રહી છે. નકસલવાદીઓને શસ્ત્રો અને નાણાં પૂરાં પાડે છે, પરંતુ હવે જો એ તાકાતો ભારતની રાજકીય પાર્ટીઓને પણ પૈસા આપતી હોય તો તે એક ભયજનક ચેતવણી છે. વિદેશી તાકાતો ભારતની રાજનીતિને પ્રભાવીત કરવા માંગે છે. ખાસ કરીને ચીન ભારતની લોકતાંત્રિક વ્યવસ્થાને ખતમ કરવા નકસલવાદ અને માઓવાદને બધી જ રીતે પ્રોત્સાહીત કરે છે. ચીન કે બીજી કોઇ છૂપી તાકાતો ભારતની લોકતાંત્રિક વ્યવસ્થાને ખતમ કરી ભારતમાં અરાજકતા લાવવા માંગે છે. આમ આદમીને ભલે એક રૂપિયો જ મળ્યો હોય પરંતુ તેનો સ્ત્રોત જાહેર ના થાય ત્યાં સુધી તે અંગે કહેવું અત્યારે વહેલું હશે. જો વિદેશી ધનનો ઉપયોગ ભારતની ચૂંટણીઓમાં થશે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિદેશી તાકાતોની કઠપૂતળી જ બની રહેશે. આ તો સારું થયું કે અણ્ણા હજારે કેજરીવાલ એન્ડ કા.થી સમયસર અલગ થઇ ગયા. કેજરીવાલનું અંગત જીવન સાદગીપૂર્ણ છે, પરંતુ જો તેઓ વિદેશમાંથી ધન મેળવી પાર્ટી ચલાવતા હોય તો તેની તપાસ થવી જરૂરી છે. કેજરીવાલને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવવાનો અધિકાર છે, પરંતુ વિદેશી ધનના આધારે તે આંદોલન હોય તો તેમની પ્રામાણિકતા વિશે કોઇને સંદેહ ઊભો થઇ શકે છે.

વેદાન્તા-ડાઉકેમિકલ્સ

ચૂંટણીમાં ફંડ એકત્ર કરવાની બાબતમાં કોંગ્રેસ અને ભાજપા પર પણ આરોપ છે. બંને પક્ષો કરોડો રૂપિયા ચૂંટણી પ્રચાર વખતે વાપરે છે, પરંતુ આ બંને પાર્ટીઓ પર એવો આરોપ મૂકી શકાય તેમ નથી કે તેઓ વિદેશમાંથી ચૂંટણી ફંડ એકત્ર કરે છે. એક વખત ભાજપાએ નાની ભૂલ કરી હતી પરંતુ તરત જ તેણે એ ભૂલ સુધારી લીધી હતી. ભોપાલમાં ગેસ કાંડ કરનાર બદનામ કંપની યુનિયન કાર્બાઇડને ખરીદવાવાળી ડાઉ કેમિકલ્સ કંપનીએ આપેલું ફંડ ભાજપાએ પાછું આપી દીધું હતું.

અલબત્ત, વેદાન્તા કંપનીએ તેની ભારતીય કંપનીઓ દ્વારા કોંગ્રેસ અને ભાજપાને પાંચ-પાંચ કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપ્યું હતું. હા, એ કંપનીએ તેની ભારતીય શાખાની કંપનીઓ દ્વારા એ ફંડ આપ્યું હોઇ તે વિદેશી ધન ગણાય નહીં એવો એ બંને રાજકીય પક્ષોનો દાવો છે. આ બધું જ આર્થિક ઉદારીકરણની ઉપજ છે. બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે વેદાન્તા જૂથની સ્ટાર લાઇટ ઇન્ડિયા નામની એક કંપનીએ વાજપેઇના શાસન વખતે બાલ્કો નામની કંપની મફતના ભાવે ખરીદી હતી. એ જ રીતે ડાઉ કેમિકલ્સ એ જ કંપની છે જે ભારતમાં એવરેડી ટોર્ચ બનાવે છે. વિદેશી કંપનીઓ ભારતમાં તેની સહાયક કંપનીઓ ખરીદે છે અને તેમના ઉત્પાદનોને ભારત પર લાદી કરોડોનો નફો રળે છે. એ સ્પષ્ટ છે કે આવી કંપનીઓ ભારતની વ્યાપારી પ્રણાલીને પોતાની તરફે રાખવા આવા ચૂંટણી ફંડ આપીને ભારતની રાજનીતિને પ્રભાવીત કરવા પ્રયાસ કરતા હોય છે. સામાન્ય માનવીને તો બિચારાને આ બધી ભીતરની વાતોની ખબર જ હોતી નથી. આ સંજોગોમાં આમ આદમી પાર્ટીને કહેવાતા હવાલા દ્વારા કરોડોનું ધન અમેરિકા અથવા બીજા કોઇ દેશમાંથી મળ્યું હોય તો તેની પૂરેપૂરી તપાસ થવી જોઇએ.