સરદારની અસલી વિરાસત શું હતી ?

સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્મૃતિ સંગ્રહાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કાશ, સરદાર સાહેબ દેશના પ્રથમ વડા પ્રધાન હોત તો દેશની તસવીર અને તાસીર આજે કાંઈક ઓર જ હોત.” તે પછી વડા પ્રધાન ડો. મનમોહનસિંહે કહ્યું કે, “સરદાર પટેલ પૂરેપૂરા ધર્મનિરપેક્ષ હતા અને સરદાર પટેલ જે પાર્ટીમાંથી આવતા હતા તે જ રાજકીય પક્ષનો હું સભ્ય છું તેનો મને ગર્વ છે.”

સરદારે રાજાઓને એક કર્યા આજના નેતાઓ એક થતાં નથી

આ બંને વિધાનોનું દેશના મીડિયાએ પોતપોતાની રીતે અર્થઘટન કર્યું. તે પછી કેવડિયા કોલોની ખાતે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના શિલાન્યાસ વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું : “હું સરદાર સાહેબની જ ધર્મનિરપેક્ષતામાં જ માનું છું. સરદાર સાહેબ કોઈ એક પક્ષના નહીં, પરંતુ સમગ્ર દેશના હતા.

નેતાઓ બાખડયા

લાગે છે કે, સરદાર સાહેબની વિરાસત માટે યુદ્ધ છેડાઈ ગયું છે. સરદાર સાહેબ દેશનાં ૫૦૦થી વધુ રજવાડાંઓને એક કરી શક્યા, પરંતુ આજના નેતાઓને એક કરી શકતા નથી. જનતાદળ (યુ)ના નેતા શરદ યાદવ કહે છે કે, “આ દેશ બાવલાઓનું કબાડખાનું બની ગયો છે.” એનસીપીના નેતા શરદ પવારે પણ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે, ૬૫ વર્ષ બાદ ભાજપાને સરદાર સાહેબ કેમ યાદ આવ્યા ?” તેની સામે ભાજપાનો આક્ષેપ છે કે, “કોંગ્રેસે સરદાર સાહેબને અન્યાય કરવા સિવાય બીજું કાંઈ કર્યું નથી. વાત આટલેથી અટકતી નથી. કોંગ્રેસ પૂછે છે કે, “ગાંધીજીની હત્યા બાદ સરદાર સાહેબે દેશના ગૃહમંત્રી તરીકે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો, તમે સરદાર સાહેબની એ વિચારધારા સાથે સંમત છો ?” તેની સામે ભાજપાનો જવાબ છે કે, સત્યની ખાતરી થયા બાદ સરદાર સાહેબે જ એ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને ગાંધીજીની હત્યામાં સંઘનો કોઈ હાથ નથી તેમ કહ્યું હતું.” અલબત, ઇતિહાસના નિષ્ણાતોનો મત છે કે, ‘સરદાર સાહેબે આરએસએસ પાસે એવી બાંહેધરી માંગી હતી કે તેમનું સંગઠન રાજનીતિમાં ભાગ નહી લે. અને આવી સંઘે આપેલી એ ખાતરી બાદ જ સરદાર સાહેબે આરએસએસ પરનો પ્રતિબંધ ઉઠાવ્યો હતો. હવે આજે આરએસએસ ખુલ્લી રીતે ભાજપના નામે રાજનીતિમાં તરબતર છે અને સંઘે સરદાર સાહેબને આપેલી ખાતરીનું ઉલ્લંઘન કર્યું છે.’ આમ, આ આખો પ્રશ્ન એક ચર્ચાનો વિષય છે.

નહેરુ અને સરદાર

આ વિવાદને બાજુએ રાખીએ તો પણ એક નક્કર હકીકત એ છે કે, દુનિયાના નક્શા પર ભારતને શક્તિશાળી દેશનો દરજ્જો અપાવનાર સરદાર સાહેબ જ હતા. ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, દેશના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર સાહેબ વાતચીત કરવામાં અત્યંત મૃદુ હતા. તેઓ નિર્ણયોના મજબૂત હતા. સરદાર સાહેબે લશ્કર મોકલી હૈદરાબાદના નિઝામને નમાવી દીધા હતા અને જૂનાગઢના નવાબને પાકિસ્તાન ભાગી જવું પડયું હતું. ભારતના ભાગલાની જાહેરાત પછી પાકિસ્તાનની સેનાએ કબાલિયોનો સાથ લઈને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી, ત્યારે ભારતીય સેનાએ તે વખતના લશ્કરી જનરલ રાજેન્દ્રસિંહના નેતૃત્વ હેઠળ કાશ્મીરમાં જઈ પાકિસ્તાની સેનાને ભગાડી મૂકી હતી.

નહેરુના પિતા મોતીલાલ નહેરુ એમના જમાનાના એરિસ્ટોક્રેટ હતા. તેમની પાસે સેંકડો પેઢીઓ ચાલે તેટલી સંપત્તિ હતી. આઝાદી પહેલાં અંગ્રેજો પણ તેમના અતિથિ બનતા. આઝાદી પહેલાં જમ્મુ-કાશ્મીરમાં એક નહેર ખોદવાની જરૂર પડી. એ નહેર મોતીલાલ નહેરુની જમીનોમાં થઈ પસાર થતી હતી. પંડિત મોતીલાલ નહેરુએ એ નહેર ખોદવાની પરવાનગી આપી. અંગ્રેજોએ તે નહેર માટે જે કર ભરવાની વ્યવસ્થા કરી તેના કારણે ગામ લોકો નહેરવાળા મોતીલાલને ‘નહેરુ’ તરીકે ઓળખવા લાગ્યા. આવા મોતીલાલ નહેરુએ પણ તેમના પ્રિય પુત્ર જવાહરલાલ નહેરુને ગાંધીજીના સાંનિધ્યમાં દેશ માટે સમર્પિત કરી દીધો અને જવાહરલાલ નહેરુએ પણ તમામ ઐશ્વર્ય છોડી આઝાદી માટે અનેકવાર જેલમાં જવાનું પસંદ કર્યું. એમણે પોતાની કોઈ સંપત્તિ રાખી નહીં, જે હતું તે તમામ દેશને અર્પણ કરી દીધું. સરદાર સાહેબે પણ એ જ કર્યું. નહેરુએ તેમના વ્યક્તિત્વથી લોર્ડ માઉન્ટ બેટનથી માંડીને અનેક અંગ્રેજોને પ્રભાવિત કર્યા હતા. સરદાર સાહેબે તેમની કુનેહથી ૫૦૦થી વધુ રજવાડાંઓને ભારતમાં વિલીન કરાવી દીધા હતા. સરદાર સાહેબ પાસે પણ પોતાની કોઈ સંપત્તિ નહોતી. બેંક બેલેન્સ માત્ર ૨૬૨ રૂપિયા, બે જોડી કપડાં અને ચંપલ સિવાય તેમની પાસે કાંઈ જ નહોતું. ખુદ ગાંધીજીએ તેમના માટે કહ્યું હતું : “વલ્લભભાઈ મને મળ્યા ના હોત તો જે કામ થયું તે ન થાત.” પંડિત જવાહરલાલ નહેરુએ તેમના માટે કહ્યું હતું : “સરદાર વલ્લભભાઈનું જીવન એક મહાન ગાથા છે… ઇતિહાસનાં પાનાંઓમાં તેની નોંધ લેવાશે.” લોર્ડ માઉન્ટ બેટને તેમના માટે કહ્યું હતું : “પટેલનો સાથ મળે તો ઘણું ભારે કામ પણ સરળ થાય, પણ વિરોધ કરે તો કોઈપણ કામ થવાની આશા રાખી ન શકાય.” એક અંગ્રેજ પત્રકાર અને લેખક બ્રેશરે ૧૯૫૦માં નોંધ્યું હતું કે : “સરકારના વડા નહેરુ છે, પણ સરકાર તો સરદાર પટેલ જ ચલાવે છે.”

સરખામણી શા માટે ?

સરદાર અને નહેરુની સરખામણી અને હવે વિવાદ સાવ અપ્રસ્તુત છે. બંને એકબીજાના પૂરક હતા. ભારતને આઝાદી મળે તે માટે બંનેએ સંઘર્ષ કર્યો છે. બેઉ ગાંધીજીના અનુયાયી હતા. સાચી વાત એ છે કે, ગાંધી-નહેરુ- સરદારની ત્રિપુટીએ જ અંગ્રેજોને હાંકી કાઢવા એકબીજાના પૂરક બની એક ‘ત્રિદેવ’ જેવી તાકાત ઊભી કરી હતી. હવે આ બધાની એકબીજા સાથેની સરખામણી આજના સમયે અર્થપૂર્ણ નથી. એમ કરવાથી આપણે કોઈ એકને જાણે અજાણે અન્યાય કરી બેસીએ છીએ. નહેરુ અને સરદાર બંને ગાંધીજીના નેતૃત્વ હેઠળના સ્વાતંત્ર્ય સંગ્રામના અપ્રતિમ સાથી હતા. બંનેએ ગાંધીજીને પોતાના ગુરુ માન્યા હતા. નહેરુએ ૧૯૧૮માં અને સરદારે ૧૯૧૭માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. આયુષ્યમાં નહેરુ ગાંધીજીથી ૨૦ વર્ષ નાના અને સરદાર ગાંધીજીથી ૬ વર્ષ નાના હતા. ગાંધીજી નહેરુને પુત્રવત્ અને સરદારને નાના ભાઈ જેવા ગણતા. નહેરુ સરદાર કરતાં ૧૪ વર્ષ નાના હતા. ઉંમર, ઉછેર અને વિચારમાં બંને વચ્ચે અંતર હોવા છતાં બેઉ એકબીજાની શક્તિ અને સીમાઓથી પરિચિત હતા. બંને વચ્ચે કેટલીક બાબતોમાં ભિન્ન વિચારો હોવા છતાં બેઉ એકબીજાની આમન્યા રાખતા. આજે વૈચારિક મતભેદો કોની વચ્ચે નથી ? કોંગ્રેસ અને ભાજપા વચ્ચે નથી ? કોંગ્રેસની ભીતર સોનિયા ગાંધી અને મનમોહનસિંહ વચ્ચે નથી ? ભાજપાની ભીતર નરેન્દ્ર મોદી અને એલ. કે. અડવાણી વચ્ચે નથી ? શિવસેના, એનસીપી, ડાબેરીઓ કે જનતાદળ (યુ)ની અંદર પણ મતભેદો નથી ? નહેરુ અને સરદાર વચ્ચે રાજકીય મતભેદો હોવા છતાં બેઉનું એકબીજા પ્રત્યેનું સન્માન અને ગૌરવ આજના રાજકારણીઓને નહીં સમજાય. નહેરુ અને સરદારની સરખામણી એ બંને ઉત્કૃષ્ટ નેતાઓને અન્યાય કરનારી બની રહેશે.

સરદારની વિરાસત

સરદારની વિરાસત માટે આજે નેતાઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. પણ હકીકત એ છે કે, સરદાર માત્ર પટેલોના, માત્ર ગુજરાતના, કે માત્ર કોંગ્રેસના નેતા નહોતા. સરદાર કોઈ કોમના કે કોઈ સમુદાયના નેતા નહોતા. સરદાર સાહેબ સમગ્ર રાષ્ટ્રના નેતા હતા. સરદાર વગર નહેરુ જ નહીં, પરંતુ ગાંધીજી પણ અધૂરા હતા. ખુદ ગાંધીજીએ કહ્યું છે કે, “સરદાર ના હોત તો જે કામ થયું છે તે થયું ના હોત.” રાષ્ટ્રના એક મહાન સપૂતની વિરાસત માટે આજે નેતાઓ ઝઘડે છે, પરંતુ સરદાર સાહેબ મૃત્યુ પામ્યા ત્યારે તેમનું બેંક બેલેન્સ માત્ર રૂ. ૨૬૨ હતું. આજે દેશના એક પણ નેતાની હિંમત છે કે તેઓ પોતાની વિરાસત-સંપત્તિની જાહેરાત કરે ! કોંગ્રેસ અને ભાજપાના નેતા પૈકી એકની પણ તાકાત છે કે, જે છાતી ઠોકીને કહે કે, “રાજનીતિ કરતી વખતે હું મારી સંપત્તિ નહીં વધારું. મારા પુત્ર-પુત્રીઓ, જમાઈઓની પરવા નહીં કરું !” સરદાર સાહેબનાં પુત્રી મણિબહેન પટેલ તો જિંદગીભર અમદાવાદમાં એક ભાડાંના મકાનમાં રહ્યાં અને રિક્ષામાં જ ફર્યાં. સરદાર સાહેબની વિરાસત અપનાવવી હોય તો સરદાર સાહેબની સાદગીની, રાષ્ટ્રપ્રેમની, અકિંચનપણાની અને સર્વધર્મસમભાવની અપનાવો. સરદારની અસલી વિરાસત આ હતી.

સરદારે દેશના ૫૦૦ રાજાઓને એક કર્યા. આજે દેશના નેતાઓ સરદારના નામે પણ એક થઈ શકતા નથી. કેવી વક્રતા ?