રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

Ÿ         સમૃદ્ધિ નામનું પતંગિયું હંમેશાં આપણી આસપાસ ઊડતું જ રહે છે. પરંતુ સત્ય એ છે કે સુખ અને સમૃદ્ધિ ભૌતિક તત્ત્વોમાં જ નથી, પણ લક્ષ્મી પ્રાપ્ત કરવાના આકાંક્ષી આ વાત ભૂલી જાય છે

લક્ષ્મીજી આપણી ભીતર મોજૂદ છે

આજે દીપાવલી છે. હિન્દુઓનો આ સૌથી મોટો તહેવાર છે. ગરીબથી માંડીને તવંગર સહુ આજના દિવસે તમામ દુઃખો ભૂલીને આ તહેવાર ઊજવે છે. ઉલ્લાસ અને ઉત્સાહથી ભરેલા મહાપર્વ દીપાવલી અનેક ઘટનાઓની યાદ અપાવે છે. કારતકની અમાવાસ્યાના દિવસે જ ભગવાન શ્રીરામ લંકા વિજય કરીને સીતાજી, લક્ષ્મણ, હનુમાનજી તથા અન્ય સાથીઓની સાથે આકાશમાર્ગે અયોધ્યા પધાર્યા હતા.

જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી આજના જ દિવસે નિર્વાણ પામ્યા હતા. મહાન સમાજ સુધારક દયાનંદ સરસ્વતી પણ આજના દિવસે જ નિર્વાણ પામ્યા હતા. સ્વામી રામતીર્થ પરમહંસનો જન્મ અને જળસમાધિ આજના દિવસે જ થયાં હતાં. શીખોના છઠ્ઠા ધર્મગુરૂ હરગોવિંદજી અને પરાક્રમી રાજા વિક્રમાદિત્યએ પણ આજના જ દિવસે વિજયપર્વ મનાવ્યું હતું. ભગવાન શ્રીરામ અયોધ્યા પધાર્યા તેની ખુશાલીમાં આખા નગરે દીપ પ્રગટાવ્યા હતા. એ પરંપરા પ્રમાણે આજના દિવસે લોકો તેમના ઘરે દીપ પ્રગટાવે છે. રંગોળી પૂરે છે. ઘરનાં બારણાં આગળ તોરણ બાંધે છે. દારૂખાનું ફોડે છે.

દીપાવલીનો દિવસ લક્ષ્મીપૂજનનો દિવસ પણ છે. સમુદ્રમંથન દરમિયાન જે ૧૪ રત્નો બહાર નીકળ્યાં તેમાં સહુથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી હતાં. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી, તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદના, શુભા અને ક્ષમાશીલ એવાં લક્ષ્મીજીને આ અનુપમાને પત્નીના રૂપમાં સ્વીકાર કર્યાં હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈ સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય કરી દીધું હતું. આ કાળી રાત્રે જ આપણે પણ પ્રતિવર્ષ સમસ્ત વાતાવરણને દીપમાલાઓથી પ્રજ્વલિત કરી મહાલક્ષ્મીનું સ્વાગત કરીએ છીએ અને પૂજન પણ કરીએ છીએ. આ દિવસે આંબા અને અશોક વૃક્ષનાં પાંદડાંઓનું તોરણ બનાવી તેને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવાથી ધનધાન્યની વૃદ્ધિ, વંશવૃદ્ધિ તથા મનને શાંતિ મળે છે. લક્ષ્મીજી શુક્ર ગ્રહનાં કિરણોથી આકૃષ્ઠ થાય છે. પૂજન વખતે નવી કલમ, નવી સ્યાહીનો ઉપયોગ કરવાની જરૂર રહે છે. ચાદર ઇત્યાદી શ્વેત રંગના હોવા જરૂરી છે. શુભ્રતાનો વિશેષ ખ્યાલ રાખવો જરૂરી છે.

પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છેઃ જે ઘરમાં ફૂલ પગ નીચે કચડાય છે તે ઘરમાં લક્ષ્મીજી બિરાજતાં નથી. જે ઘરમાં સાયંકાળે કજિયા થાય છે તે ઘરમાં લક્ષ્મીજી બિરાજતાં નથી. સાયંકાળે લક્ષ્મી-નારાયણ ઘરે આવે છે. જે ઘરે આવેલા ભિખારીનું અપમાન થાય છે તે ઘરમાં લક્ષ્મીજી બિરાજતાં નથી. ભિખારીને કંઈ આપવાની અનુકૂળતા ન હોય તો તેને હાથ જોડી નમ્રતાપૂર્વક ‘જય શ્રીકૃષ્ણ’ કહો. સાયંકાળે સૌભાગ્યવતી સ્ત્રી માથું ઓળવા બેસે તે ઘરમાં લક્ષ્મી બિરાજતાં નથી. સૌભાગ્યવતી સ્ત્રીના કેશમાં લક્ષ્મીજી બિરાજે છે. જે ઘરમાં ઠાકોરજીની પૂજા થાય છે, તે વૈકુંઠ ધામ ગણાય છે. જે ઘરમાં પ્રભુના નામનું કીર્તન થતું નથી તે ઘર ઘર નથી, સ્મશાન છે. તે ઘર અશુદ્ધ છે. કેટલાક લોકો ઠાકોરજીને પધરાવે છે પણ ઘરના ગોખલામાં જ બંધ રાખે છે. પોતાના માટે લાખોનું ર્ફિનચર બનાવે છે પણ ઠાકોરજીને ગોખલામાં પૂરી રાખે છે. પ્રભુએ સંપત્તિ આપી હોય તો ભગવાનની સેવામાં તેનો ઉપયોગ કરો. લક્ષ્મી નારાયણની છે. લક્ષ્મી ભોગવવા માટે નથી. ભગવાન માટે સુંદર સિંહાસન બનાવો. સુંદર મખમલની ગાદી બનાવો. તમારા ઘરમાં જે સારામાં સારી જગ્યા હોય તે ભગવાન માટે રાખો. જે ઘરમાં લક્ષ્મીનો ઉપયોગ નારાયણની સેવા માટે થાય છે તે ઘરમાં લક્ષ્મીજી અખંડ બિરાજે છે. સુખમાં જીવ ભાન ભૂલે છે. અતિ સુખ મળે તે સારું નહીં. દુઃખમાં માનવી થોડો ડાહ્યો થાય છે. ખૂબ પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન પ્રાપ્ત થતું નથી તે દુઃખના સમયે અનાયાસે જ અંદરથી સ્ફુરણા પામે છે. ભગવાન જ જીવને પોતાના તરફ ખેંચવા તેના માટે આપત્તિ ઊભી કરે છે. મનુષ્ય સ્વભાવ જ છે કે તેને માર પડે એટલે તે સુધરે છે. તેથી જે સુખમાં ભગવાન ભુલાય તે સંપત્તિ એ વિપત્તિ છે અને જે વિપત્તિમાં ભગવાન યાદ આવે તે વિપત્તિ એ સંપત્તિ છે. સમૃદ્ધિ નામનું પતંગિયું હંમેશાં આપણી આસપાસ ઊડતું જ રહે છે. પરંતુ સત્ય એ છે કે સુખ અને સમૃદ્ધિ ભૌતિક તત્ત્વોમાં જ નથી. આજનો માનવી સમૃદ્ધિની ઓળખ ગોલ્ડ, શેર, બંગલો, ફ્લેટ અને બેન્ક બેલેન્સથી કરે છે. લક્ષ્મીજીના આશીર્વાદથી આ બધું મળે છે, પરંતુ લક્ષ્મી પ્રાપ્ત કરવાના આકાંક્ષી એ વાત ભૂલી જાય છે કે લક્ષ્મીજી ખુદ કદી ભૌતિક ચીજોની પાછળ પડયાં નથી. લક્ષ્મીજી તો ભગવાન વિષ્ણુની પાછળ દોડે છે. ક્ષીરસાગરમાં શાંત ચિત્તે સૂતેલા ભગવાન વિષ્ણુ જ સમૃદ્ધિના અસલી પ્રતીક છે. તેઓ સ્વયં એટલા સમૃદ્ધ છે કે તેમને સમૃદ્ધિની કોઈ ચાહત જ નથી. સમૃદ્ધિની અપેક્ષા હોય તો લક્ષ્મીજીની જેમ ચંચળ નહીં પરંતુ ભગવાન વિષ્ણુની જેમ શાંત ચિત્ત હોવું જરૂરી છે. સતત અશાંત રહેવું અને સતત અભાવની લાગણીથી પીડાવું તે વાસ્તવિક સમૃદ્ધિથી માનવીને દૂર લઈ જાય છે. અભાવની સોચ ચાહે તે પૈસાના અભાવની, પ્રતિષ્ઠા – પદના અભાવની, પ્રેમના અભાવની હોય તે માનવીમાં અભાવ -દુઃખ જ પેદા કરે છે. સુપ્રસિદ્ધ દાર્શનિક ટોમસ હોલ્સ કહે છે કે સમૃદ્ધિને શોધી શકાતી નથી. તે પોતે જ પોતાની રીતે આવે છે. શરત એટલી જ છે કે તમે બે હાથ ફેલાવી તેના સ્વાગત માટે તૈયાર હોવા જોઈએ. સમૃદ્ધિ આપણી ભીતર જ મોજૂદ છે. બસ, એની અનુભૂતિ કરવાની જરૂર છે. એટલા માટે જરૂર છે કે આપણે સારી વાતો સ્વીકારતા શીખીએ. એ સારી વાતો જે આપણા જીવનમાં પહેલાંથી જ મોજૂદ છે. યાદ રહે કે જે માનવી પોતાને તુચ્છ ગણે છે અને પોતાની પાસે કોઈને આપવા જેવું કાંઈ નથી તે માનસિકતા માનવીને અસમૃદ્ધિ તરફ લઈ જાય છે. માત્ર હિન્દુ ધર્મ જ નહીં, પરંતુ વિશ્વના ઘણા બધા ધર્મોનું દર્શન એ જ છે કે વાસ્તવમાં એ જ સમૃદ્ધ છે જે બીજાને કાંઈક આપી શકે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છેઃ કોઈ પણ ચીજ એવી નથી જે તમારા ભીતર મોજૂદ નથી.

આજે દીપાવલીના દિવસે તમારી પાસે જે છે તે બીજાને આપનાર દાનવીર બનવાનો સંકલ્પ કરો. દરેક વ્યક્તિની પાસે કાંઈક ને કાંઈક છે. કોઈને ધન આપો. ધન ન હોય તો શુભાશિષ આપો. કોઈને સાંત્વના આપો. કોઈને આશીર્વાદ આપો. કોઈનાં ખબર-અંતર પૂછો. કોઈ નિરાશ વ્યક્તિને આશા આપો. કોઈને આત્મવિશ્વાસ આપો. કોઈ દુઃખી મનુષ્યોનું દુઃખ સાંભળો. કોઈને દવા આપો. કોઈને સાચી સલાહ આપો. કશું જ આપવા જેવું ન હોય તો પશુ, પક્ષી કે મનુષ્યને દયા આપો જે કાંઈ પણ બીજાને આપી શકે છે તે જ સમૃદ્ધ છે. હતાશ અને હારી ગયેલા મનુષ્યને હતાશામાંથી બહાર કાઢવા અપાતા બે બોલ પણ હૃદયથી સમૃદ્ધ વ્યક્તિ જ આપી શકે છે. સમૃદ્ધિની સાચી વ્યાખ્યા આ છે. સમૃદ્ધ હોવું અને સમૃદ્ધિનો અભાવ એ બંને અંદરની પરિસ્થિતિ છે. લક્ષ્મી આપણી અંદર જ મોજૂદ છે. લક્ષ્મીજીનું અને સમૃદ્ધિનું સાચું સ્વરૂપ જે દિવસે જાણી લઈશું તે દિવસે સુખ શાંતિ પ્રાપ્ત કરી લઈશું. જે દિવસે આપણે આપણી ભીતર ભગવાન વિષ્ણુ જેવા પાલનહારનો અંશ આપણી અંદર મહેસૂસ કરીશું તે પછી કોઈ કારણ નથી કે લક્ષ્મીજી આપણી પર કૃપા ન કરે. આજે દીપાવલીના મંગલ દિવસે ખુશીયાં વહેંચીએ. આપણી પાસે જે છે તે બીજાને આપીએ. કાંઈ જ ન હોય તો કોઈને સ્મિત આપીએ.  

www.devendrapatel.in