હું આ દેશની એક નાનકડી દિકરી છું. મારે આવતી કાલે સ્કૂલમાં આપના વિષે બોલવાનું છે તેથી હું આપની સાથે થોડી વાતો કરવા આવી છું. આ દેશના લોકો આપને ભૂલી ગયા છે, પણ હું આપને ઓળખું છું. આપણા દેશને આઝાદ કરાવવા આપે ઘણો સંઘર્ષ વેઠેલો છે. આપે લાઠીઓ ખાધી છે, ઉપવાસ કર્યા છે, જેલમાં ગયા છો,સત્યાગ્રહ કર્યો છે. દાંડી માર્ચ કરી છે, પણ હવે એ બધું ભુલાઇ ગયું છે. લોકો આપને પણ ભૂલી ગયા છે. હમણાં ઉત્તરપ્રદેશની એક સ્કૂલમાં કોઇએ પૂછયું: ‘મહાત્મા ગાંધી કોણ હતા?’ તો કેટલાંક બાળકોએ જવાબ આપ્યોઃ ‘ઇન્દિરા ગાંધીના પિતા.’ કોઇએ જવાબ આપ્યો : ‘ભારતના વડાપ્રધાન’ કોઇએ જવાબ આપ્યો : ‘રાષ્ટ્રપતિ’
બાપુ, હું તો બહુ નાની છું. મારા દાદાજીએ આપના વિશે ઘણી વાતો કરેલી છે. મને ખબર છે કે આપ રેંટિયો ચલાવતા હતા. જાતે જ વણેલું કાપડ પહેરતા હતા. હવે આપણા દેશના નેતાઓને રેંટિયો ચલાવતા આવડતું નથી. નેતાઓ લીનનના વસ્ત્રો પહેરે છે. ૨૦ હજારના ડિઝાઇનર શૂઝ અને બ્રાન્ડેડ ચશ્મા પહેરે છે. હાથમાં ૪૦ હજારનો સ્માર્ટ ફોન રાખે છે. ખાલી ભાષણ કરવા જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.
બાપુ, હું હમણાં ટીવી પર સમાચાર જોતી હતી. મને ખબર છે કે, કલકત્તામાં રમખાણો થયા હતા ત્યારે આપે રમખાણો બંધ કરાવવા આમરણાંત ઉપવાસ કર્યા હતા. આજે નેતાઓ મત લેવા રમખાણો કરાવે છે. આપ કહેતા હતા કે, આ દેશના હિન્દુઓ અને મુસલમાનો મારી બે આંખો છે. આજે નેતાઓ આપની એ બંને આંખોને એક બીજા સામે લડાવે છે. અમારા જેવા નાનાં-નાનાં બાળકોને ક્યાંક જીવતાં સળગાવી દેવામાં આવે છે. બાપુ! સત્તા કબજે કરવા હિન્દુઓ અને મુસલમાનોનો એક સાધન તરીકે ઉપયોગ થઇ રહ્યો છે. હવે તો આપના ઉપવાસ જેવા સાચા ઉપવાસ કરનારું પણ કોઇ રહ્યું નથી. કોઇક ક્યાંક ઉપવાસનું નાટક કરે છે પણ તે ટીવીવાળા આવે એટલે ઉપવાસ પર બેઠાનો તમાશો કરે છે અને ટીવીવાળા જતા રહે એટલે પારણાં કરી લે છે.
બાપુ ! હમણાં હમણાં નેતાઓનાં ભાષણો ટી.વી. પર બહુ આવે છે. ચૂંટણીને વાર છે, પણ નેતાઓ કાલે જ ચૂંટણી હોય એવા જોરદાર પ્રવચનો કરે છે, પણ મંચ પર આપનો ફોટો કેમ ક્યાંય દેખાતો નથી ?
બાપુ! હમણાં હમણાં કેટલાક સાધુ-સંતોએ પણ તેમના નામની પાછળ ‘બાપુ’ શબ્દ લગાડવાની શરૂઆત કરી છે, પણ એ લોકો સારા માણસો નથી. ‘બાપુ’ શબ્દને લાંછન લગાડે તેવાં કામો તેઓ કરે છે. નાનકડી દીકરીઓને તેઓ હેરાન કરે છે. મને કહેતાં પણ શરમ આવે તેવાં કામો તેઓ કરે છે. આપ એમને કેમ કાંઇ કહેતા નથી?
બાપુ, કેટલાક સાધુ-સંતો ગુરુકુલ ચલાવે છે. તેમાં મારા જેવા નાનકડા બાળકોને મારી નાંખવામાં આવે છે. બાપુ, પોલીસ એમને પકડતી નથી તેનું શું કારણ? મારા દાદાજી કહેતા હતા કે અંગ્રેજોના જમાનામાં તાંત્રિક વિધિ કરનારાઓને પોલીસ પકડીને જેલમાં પૂરી દેતી હતી. આજે પોલીસ બાળકો મરતાં હોય તો મરવા દે છે. અને બાપુ! મેં તો સાંભળ્યું છે કે આજકાલ પોલીસવાળા જ જેલમાં છે.
અંગ્રેજોના જમાનામાં તો સ્વાતંત્ર્ય સેનાનીઓને જેલમાં પૂરવામાં આવતા હતા. આજે તો પોલીસવાળાઓને જેલમાં પૂરવા પડે છે. એમ કેમ? બાપુ, મેં ક્યાંક વાંચ્યુ હતું કે ભારતને આઝાદી આપવાનો વિરોધ કરતાં બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ર્ચિચલે તેમના દેશની પાર્લામેન્ટમાં કહ્યું હતું કે, ભારતને આઝાદી આપવી એનો અર્થ એ હશે કે, ભારત ચોર અને પીંઢારાઓને સોંપી દેવું.’ – મને તો ર્ચિચલની વાત સાચી લાગે છે. હું પોતે જ બીતી બીતી અહીં આવી છું. મારી બાજુમાં રહેતી મારા જેવડી નાનીકડી છોકરી ગૂમ થઇ ગયાને બે વર્ષ થયાં પણ પોલીસ એને શોધી શકી નથી. બાપુ, આ દેશમાંથી દર વર્ષે મારાં જેવા એક લાખ બાળકો ગૂમ થઇ જાય છે. એમને ઊઠાવી જનારા પકડાતા નથી. મોટા શહેરોમાં મહિલાઓના દોરા ખેંચી લેવામાં આવે છે. રોજ બેંકોની બહાર લૂંટ થાય છે. ધોળે દહાડે ઘરફોડ ચોરીઓ થાય છે. ભગવાનની મૂર્તિઓ પણ ચોરાય છે. રેપ થાય છે, પરંતુ પોલીસ કશું કરતી નથી. આ દેશમાં ખાલી નેતાઓ જ સલામત છે, પ્રજા નહીં. બાપુ! આ ઝેડ-પ્લસ સલામતી શું છે? શું આપના સમયમાં આવી કોઇ વ્યવસ્થા હતી? અમારા સર કહેતા હતા કે, ઝેડ પ્લસ કેટેગરીમાં એક નેતા પસાર થતા હોય ત્યાં તેમની મોટરકારની આસપાસ નવ નવ ગાડીઓ હોય છે. પાછળ એમ્બ્યુલન્સ પણ હોય છે. નેતાઓ ખુદ પોલીસના ઘેરામાં રહે છે. આ રાજકારણીઓ કોનાથી ડરે છે, બાપુ? લોકોની વચ્ચે લોકો જેવા થઇને જ કેમ રહેતા નથી? લોકોની વચ્ચે લોકોની જેમ જ કેમ ફરતા નથી? એમણે એવાં તો શું કામ કર્યાં છે કે પોતાના દેશના લોકોથી ડરવું પડે? શું આપણા નેતાઓ ડરપોક થઇ ગયા છે?
અને બાપુ! બીજુ કહું? હમણાં હમણાં નેતાઓ પાંચ-પાંચ માણસો ઊંચકે એટલા મોટા હાર પહેરે છે. આપ તો સુતરની આંટી સિવાય કશું સ્વીકારતા જ નહોતા. અને હવે તો કોઇ રૂપિયાના હાર પહેરે છે તો કોઇ ૨૦ કિલો ફૂલોના હાર પહેરે છે. આપ એમને કેમ કાંઇ કહેતા નથી? આવું તો આ દેશના રાજાઓ પણ કરતા નહોતા. આ નવા રાજાઓ ક્યાંથી પેદા થયા? અને હા, બાપુ! આ રાજાઓની વાત કરતાં કરતાં મને સરદાર સાહેબ પણ યાદ આવી ગયા. જે સરદાર સાહેબે દેશને એક કર્યો હતો તે દેશમાં રોજ એક નવું રાજ્ય જન્મે છે. સરદાર સાહેબ મૃત્યુ પામ્યા ત્યારે તેમનું બેંક બેલેન્સ માત્ર રૂ.૨૬૬ હતું. આજે આ દેશના કેટલાક નેતાઓનું બેંક બેલેન્સ કરોડોમાં છે. સ્વિસ બેંકોમાં તેમના ખાતાં છે. કરોડોની જમીનોના તેઓ માલિકો છે. બાપુ! આપ રાષ્ટ્રપિતા બન્યા પછી ગુજરાતમાં કોઇ જમીનો ખરીદી હતી? આપના નામે જે ‘ગાંધીનગર’ છે તે નગરની જમીનો આપે તો ખરીદેલી નથીને? બાપુ! આપનું સ્વિસ બેંકમાં કોઇ ખાતું ખરું? આપના કોઇ ચાર્ટર્ડ વિમાનો ખરાં? આપના કોઇ ભાઇ, ભત્રીજા, પુત્ર, જમાઇ કે પત્નીના નામે કોઇ મિલકત ખરી? જે હોય તેમને સાચુ કહેજો. મારે કાલે સ્કૂલમાં આપના વિશે બોલવાનું છે.
અને હા, બાપુ! બાનાં ખબર પૂછવાનું તો હું ભૂલી જ ગઇ. ક્સ્તુરબા શું કરે છે? આપની બકરી કેમ છે? સરદાર સાહેબ દેશનાં છાપાં વાંચે છે ખરા? એમને કહેજો, ના વાંચે. નાહક આઝાદી પછીના નેતાઓ પર તેઓ ગુસ્સે થઇ જશે. નહેરૂ ચાચા શું કરે છે? મને ખબર છે તેમને બાળકો બહુ ગમતા હતાં. હવે તેમની કફની પર ગુલાબ પરોવે છે, ખરા? બીજી વખત આવીશ ત્યારે હું એમના માટે ગુલાબ લેતી આવીશ. બાપુ! હવે હું ઘેર જાઉં છું. મેં બહુ વાતો કરી. અહીં આવીને મેં જ બોલ બોલ કર્યું. આપ તો કાંઈ બોલ્યા જ નહીં. આપના મૌન પરથી લાગે છે કે, આપ દુઃખી છો. બીજી વખત હું આવું તો મને એક પ્રશ્નનો જવાબ જરૂર આપજો. મારો પ્રશ્ન એ છે કે, આપ હિન્દુ હતા છતાં એક હિન્દુએ જ આપને ગોળી કેમ મારી? આપે એનું શું બગાડયું હતું? આપના જેવા એક મહાત્માને ત્રણ-ત્રણ ગોળીઓ કેમ મારી? ચાલો, બાપુ એ વાતને યાદ કરીશ તો મને રડવું આવી જશે. હું જાઉં છું. મમ્મી મારી ચિંતા કરતી હશે.
બાપુ, આપના નામે જે ગાંધીનગર છે ત્યાં આપની કોઇ જમીનો કે મિલકત ખરી?

Leave a Reply