રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

ભારતમાં એઈડ્સના દરદીઓની સંખ્યા ૨૪ લાખ પહોંચી ગઈ હોવાનો અંદાજ છે. તેનાથી ૩૯ ટકા એટલે કે ૯ લાખથી વધુ મહિલાઓ છે. તેમાંથી સાડા ત્રણ ટકા બાળકો છે. જેમની વય ૧૫ વર્ષ કરતાં ઓછી છે. ચિંતાજનક વાત એ છે કે એઈડ્સનો ચેપ ધરાવતી વ્યક્તિઓમાં ૮૩ ટકા લોકો ૧૫થી ૪૯ વર્ષની વયના છે. અલબત્ત,નોંધપાત્ર વાત એ છે કે ૨૦૦૦ની સાલમાં પ્રતિવર્ષ ૨.૭ લાખ જેટલા એઈડ્સના નવા દરદીઓ ઉમેરાતા હતા તે સંખ્યા હવે ઘટીને પ્રતિવર્ષ ૧.૪ ટકા થઈ છે. લગભગ ૫૬ ટકાની ગિરાવટ દર્શાવે છે કે લોકો હવે એઈડ્સના ખતરા સામે જાગૃત થઈ રહ્યા છે.

Be careful... સેક્સ સંબંધ વિના પણ એઈડ્સ થઈ શકે છે!

દેશમાં લગભગ ૨૫ વર્ષ પહેલાં ચેન્નાઈમાં એચ.આઈ.વી.- એઈડ્સનો પ્રથમ કેસ નોંધાયો હતો. એ વખતે આ બીમારી વિશ્વભરમાં નવી હતી. એ કારણે વિશ્વમાં એઈડ્સ વિરુદ્ધ જાગરૂકતા જગાવવા શરૂ થયેલી ઝુંબેશના કારણે તથા એઈડ્સની દવાઓ સસ્તી બનવાના કારણે એઈડ્સની રફતાર ધીમી પડી છે. ભારતમાં એઈડ્સનો ફેલાવો સહુથી વધુ આંધ્ર,તામિલનાડુ, કર્ણાટક, કેરાલા, મહારાષ્ટ્ર અને ગોવામાં હતો. મુંબઈમાં ગ્રાંટ રોડ જેવા વિસ્તારોમાં ‘રેડલાઈટ’ એરિયા છે. અહીં વસતી રૂપજીવિનીઓ પહેલાં કરતાં હવે વધુ જાગૃત છે, પરંતુ દક્ષિણનાં રાજ્યોમાં એનું પ્રમાણ વધુ હતું. ત્યાં એઈડ્સ વિરોધી અભિયાન તેજ કરવાના કારણે આ રાજ્યોમાં એઈડ્સના દરદીઓમાં ૮૦ ટકાનો ઘટાડો થયો છે. એથી ઉલટું ઉત્તરનાં રાજ્યોમાં એઈડ્સનું પ્રમાણ ઓછું હતું ત્યાં એઈડ્સના દરદીઓ વધી રહ્યા છે. અલબત્ત, તાજા આંકડાઓ અનુસાર હજુ દર વર્ષે જે નવા ૧.૨ લાખ દરદીઓ આવે છે તે હજુ પણ મોટેભાગે દક્ષિણનાં રાજ્યો અને મહારાષ્ટ્રમાંથી જ આવે છે. આ રાજ્યોમાંથી કુલ એઈડ્સના દરદીઓના ૩૯ ટકા દરદીઓ આવે છે.

મુંબઈ, દિલ્હી અને કોલકાત્તા દેશમાં સહુથી મોટું સેક્સ વર્કર્સ બજાર ધરાવે છે. આખા દેશમાંથી ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી ગરીબ પરિવારની યુવતીઓને પ્રોસ્ટિટયુશનના વ્યવસાયમાં લાવવામાં આવે છે. તેમાં નેપાળ, તિબેટ અને ભૂતાનની યુવતીઓનું પણ એક આગવું બજાર છે. હાલ આથમી ગયેલી નેપાળી એક્ટ્રેસ મનીષા કોઈરાલાના મુંબઈમાં પદાર્પણ બાદ ફિલ્મની હિરોઈન બનવાનું ખ્વાબ લઈને સેંકડો યુવતીઓ નેપાળથી મુંબઈ આવતી થઈ હતી અને તેમનો છેવટનો મુકામ ગંદાં વેશ્યાગૃહોમાં જ થંભી જતો હતો. દિલ્હીમાં હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશથી સહુથી વધુ યુવતીઓ પેટિયું રળવા આવે છે અને છેવટે લોહીના વેપારમાં વ્યસ્ત થઈ જાય છે. દિલ્હી એ દેશનું પાટનગર અને આંતરરાષ્ટ્રીય પર્યટક સ્થળ હોવાથી ઘણાં વિદેશી સહેલાણીઓ પણ દિલ્હી આવે છે, પરંતુ તેમાં ભાંગી ગયેલા રશિયાના વિખૂટા પડેલા દેશો જેવા કે યુક્રેઈન અને ઉઝબેકિસ્તાનની પણ ઘણી યુવતીઓ દિલ્હીમાં જ રહી જઈ કોલગર્લનો વ્યવસાય સ્વીકારી લે છે. કોલકાત્તા જેવા શહેરમાં આસપાસનાં ગરીબ ગામોની યુવતીઓ આ જ ધંધામાં પનાહ લે છે. તેમાં હવે બંગલાદેશની યુવતીઓ પણ ઉમેરાતી જાય છે. જે યુવતીઓ ગરીબ પરિવારમાંથી આવે છે તેઓ ઝાઝી શિક્ષિત ના હોઈ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોતી નથી અને શ્રમજીવી વર્ગના ગ્રાહકો સાથેના સંબંધોથી એઈડ્સનો ભોગ બને છે અને એઈડ્સ ફેલાવે છે. પ્રોસ્ટિટયુશન એ આ જાતનો હજારો વર્ષ જૂનો વ્યવસાય છે. તે અટક્યો નથી અને અટકશે નહીં. પ્રાચીન ગ્રીસ, પ્રાચીન રોમ, પ્રાચીન ટ્રોય અને પ્રાચીન ભારતમાં પણ આ વ્યવસાય હતો. એ વખતે પણ સેક્સ સંબંધોથી થતા રોગો હતા. એડોલ્ફ હિટલર ખુદ સિફિલીસથી પીડાતો હતો, પરંતુ એઈડ્સ એ ૨૦મી સદીનો રોગ છે.

અમેરિકામાં ૧૯૮૧ના વર્ષમાં સહુથી પહેલો એચ.આઈ.વીનો કેસ નોંધાયો હતો. શરૂઆતમાં તેને સમલૈંગિકોના સંક્રમણથી થતો રોગ કહેવામાં આવતો હતો. તે વખતે તેને ‘ ગે રિલેટેડ ઇમ્યુન ડેફિશિયન્સી’ રોગ કહેવાતો હતો. તે પછી અન્ય લોકોમાં પણ તે પ્રસરતાં તેને એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ(એઈડ્સ) તરીકે ઓળખવામાં આવ્યો. એચ.આઈ.વી. એટલે કે ‘હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ’ એક એવો વાયરસ છે જે વિકસિત થઈને એઈડ્સનું સ્વરૂપ લે છે. કોઈ એચઆઈવી પોઝિટિવ હોય તો તેનો તે એઈડ્સ છે તેવો નથી. એચઆઈવી શરીરમાં પ્રવેશે તે પછી તે શરીરની પ્રતિરોધક શક્તિ એટલે કે રોગો સામે લડવાની શક્તિ ઘટાડી નાંખે છે અને તેથી શરીર બીજી અન્ય બીમારીઓ તથા બીજા વાઇરસની ઝપેટમાં આવી જાય છે. સામાન્ય રીતે ૧૦ વર્ષ બાદ જ એઈડ્સનાં લક્ષણો જોવા મળે છે. એઈડ્સની ઓળખ કરવા માટે કોઈ ચોક્કસ લક્ષણ નથી. શરીરની અન્ય રોગો સામે લડવાની ક્ષમતા ઘટતી જાય અને ઝડપથી વજન ઘટવા માંડે તથા વારંવાર ડાયેરિયા થઈ જવો, તાવ આવવો, સૂકી ખાંસી આવવી, રાત્રે પરસેવો થવો, જીભ અને ગળામાં સફેદ નિશાન થવાં એ લક્ષણો એઈડ્સનો નિર્દેશ કરે છે. જો કે આ લક્ષણો બીજી બીમારીઓમાં પણ જોવા મળે છે. એઈડ્સની પહેચાન કરવા માટે એઈડ્સનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. તેનો વાઇરસ છ માસ સુધી સક્રિય હોય છે. પહેલો ટેસ્ટ નેગેટિવ આવે તો છ મહિના બાદ બીજો ટેસ્ટ કરાવવો જરૂરી છે. બીજો ટેસ્ટ પણ નેગેટિવ આવે તો તમને એઈડ્સ નથી એમ સમજી શકાય.

માત્ર યૌન સંબંધોથી જ એઈડ્સ થાય છે તેવું નથી. કોઈ બીમારી દરમિયાન તમને બહારનું કોઈ લોહી ચડાવવામાં આવ્યું હોય અને તે લોહી અથવા તે સોય કોઈના ચેપથી પ્રદૂષિત હોય તો લોહી લેનાર વ્યક્તિને પણ એઈડ્સ થઈ શકે છે.

હાલ જે આંકડા ઉપલબ્ધ છે તે પ્રમાણે (૧) અસુરક્ષિત સેક્સ સંબંધોથી એચઆઈવી સંક્રમણનું કારણ ૮૭.૪ ટકા છે. (૨) મા બાપના કારણે જે બાળકોને એઈડ્સ થાય છે તેનું પ્રમાણ ૫.૪ ટકા છે. (૩) એઈડ્સ થવાનાં કારણોમાં ચેપી સોયથી આ રોગ થવાની ટકાવારી ૧.૬ ટકા છે. (૪) ચેપી લોહીથી આ રોગ થવાની ટકાવારી ૧ ટકા છે. સમલૈંગિક સંબંધોથી આ રોગો થવાની ટકાવારી ૧.૩ ટકા છે. (૫) કોઈ અજ્ઞાત કારણોથી આ રોગ થવાની ટકાવારી ૩.૩ ટકા છે. ટૂંકમાં, સેક્સ સંબંધ સિવાય પણ બીજાં કારણોસર એઈડ્સ થઈ શકે છે.

દેશમાં ૩૧૩ જેટલાં સેન્ટરો દ્વારા એચઆઈવી સંક્રમિત રોગીઓને સારવાર આપવામાં આવે છે. જેમાં ૪,૨૮,૬૩૮ જેટલા દરદીઓ સારવાર લઈ રહ્યા છે. મોટી સરકારી હોસ્પિટલોમાં એઈડ્સના દરદીઓને મફત સારવાર આપવામાં આવે છે. આ સારવાર લેનારાઓમાં ૨૫૦૭૧ જેટલાં તો બાળકો છે. ભારતમાં એઈડ્સ વિરુદ્ધ કાર્યક્રમ નેશનલ એઈડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (નાકો) દ્વારા ચલાવવામાં આવે છે. એઈડ્સની દવાઓ હવે ભારતમાં પણ બને છે. આ દવાઓ સસ્તી છે. એક દરદી દીઠ માસિક રૂપિયા ૫૦૦નું ખર્ચ આવે છે. અલબત્ત, વિશ્વમાં એઈડ્સને ડામવા હવે સેકંડ લાઈન ઉપચાર પણ શરૂ થઈ ગયો છે. નાકોએ પણ સેંકડ લાઈન ટ્રીટમેન્ટ શરૂ કરી છે પણ એ ટ્રીટમેન્ટ મોંઘી છે. તેમાં એક દરદી દીઠ ઉપચારનું ખર્ચ રૂપિયા ૨૫,૦૦૦ આવે છે. અલબત્ત, ભારતની કંપનીઓ પણ હવે એઈડ્સ માટે સેકંડ જનરેશનની દવાઓ બનાવવામાં કાર્યરત છે. લોકો એ વાતનો પણ ખ્યાલ રાખે કે ટેટુ, ઇયર પિર્યિંસગ, કાન વીંધાવવા, એક્યુપંક્ચર અને દાંતની ટ્રીટમેન્ટ લેતી વખતે પણ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે તે વખતે જે ઉપકરણ વપરાય છે તે પણ આગલી વ્યક્તિ કે ગ્રાહક કે દર્દી દ્વારા એચઆઈવીથી સંક્રમિત હોઈ શકે છે.