રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

સાઉદી અરેબિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારના રેતાળ પ્રદેશમાં દૂર દૂર આવેલા એક નિર્જન ગામમાં વિજ્ઞાનીઓની એક ટુકડી રાતનું અંધારું થવાનો ઇંતજાર કરતી હતી. રાત્રિના સમયે આ ગામનાં ત્યજી દેવાયેલાં જૂનાં ઘરોના અંધકારમાં કેટલાંક ચામાચીડિયાં પોતાનું નિવાસસ્થાન બનાવીને રહેતાં હતાં. ચામાચીડિયાં રાત્રે જ જોઈ શકે છે અને રાત્રે જ ઊડતાં હોય છે. રાત પડતાં જ વિજ્ઞાનીઓએ અંદર પ્રવેશી ટોર્ચનો પ્રકાશ ફેંક્યો. હજારો આંખો ચમકી ઊઠી. વિજ્ઞાનીઓને આ જ જગ્યાની ખોજ હતી.

જેનો શિકાર બનનાર અડધોઅડધ દર્દીઓ મોતને ભેટે છે : ખતરનાક વાઇરસ MERS

ચામાચીડિયાંઓની ખોજ કોઈ શિકાર માટે નહોતી. આ ચામાચીડિયાંની ખોજ વિશ્વમાં અચાનક ઊભરેલા એક ખતરનાક વાઇરસના મૂળ સ્રોતની તપાસ અર્થે હતી. એક ડેડલી વાઇરસ સાઉદી અરેબિયાથી જ ઉદ્ભવ્યો છે અને ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ જીવલેણ વાઇરસે માત્ર સાઉદી અરેબિયાના જ નહીં પણ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો આ ડેડલી વાઇરસના મૂળ સ્રોતની ખોજ માટે સાઉદી અરેબિયામાં ઊતરી પડયા છે. હજુ તો ગયા વર્ષે જ આ વાઇરસ શોધી કાઢવામાં આવ્યો હતો. એણે અત્યાર સુધીમાં આઠ દેશોના ૭૭ લોકોને ઝપટમાં લઈ લીધા છે. તેમાંથી ૪૦ લોકો મૃત્યુ પામ્યા છે. આ જીવલેણ વાઇરસ બીજા દેશોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે.

આ વાઇરસથી થતી બીમારીને MERS તરીકે ઓળખવામાં આવે છે. તેનો અર્થ છે મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડેમ, તેનાં લક્ષણો ફ્લૂ જેવાં છે. આ વાઇરસ SARS અર્થાત્ સિવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમના ભાગરૂપે થતો હોવાનું મનાય છે. તેને એસએઆરએસનો સંબંધી કઝીન પણ કહે છે. તેનું મૂળ ઉદ્ભવસ્થાન ચીન છે. એ પછી તે આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. ૨૦૦૩થી તે આખા વિશ્વને ભરડામાં લઈ રહ્યો છે. SARSએ અત્યાર સુધીમાં ૮૦૦૦ જેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને ૮૦૦નો જાન લીધો છે. આ પ્રકારના વાઇરસને ડામવા કોઈ જ શક્તિશાળી ડ્રગ ઉપલબ્ધ નથી.

એક તરફ SARSથી થતાં મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેના ભાઈ જેવો આ નવો વાઇરસ MERS નવો જ ખતરો દુનિયા માટે પેદા કરી રહ્યો છે. એ ક્યાંથી અને કેવી રીતે પેદા થયો તેની ચોક્કસ માહિતી વૈજ્ઞાનિકો પાસે નથી. લોકો તેના સંપર્કમાં કેવી રીતે આવે છે અને હવે તે ક્યાં ઉપદ્રવ સર્જશે તેની કોઈને પણ જાણ નથી. તે SARS જેવી જ ગંભીર પરિસ્થિતિ પેદા કરી શકે તેમ છે.

હા, વૈજ્ઞાનિકો એટલા તારણ પર તો આવ્યા જ છે કે આ વાઇરસ કોઈ ને કોઈ પ્રાણીઓ સાથે સંસર્ગમાં આવેલા માનવીઓને થયો છે અને એ પ્રાણીઓ મોટેભાગે ચામાચીડિયાંમાં અથવા રાત્રે જ જોઈ શકતી ઊડતી વાગોળો હોઈ શકે છે.

આ વાઇરસનું મૂળ શોધી કાઢવાની વૈજ્ઞાનિકોને પણ ઉતાવળ છે, કારણ કે તેનો ભોગ બનેલા લોકોમાંથી અડધા મૃત્યુ પામ્યા છે. વળી જે કેસ નોંધાયા છે તેના જ આ આંકડા છે. બાકીના કેટલાયે કેસમાં તબીબોને જ આ બીમારીની જાણકારી ના હોઈ તેઓ ફ્લૂ અથવા એવી બીમારીના કારણે દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું સમજી રહ્યા છે. તબીબી જગત સાથે સંકળાયેલા લોકોને ચિંતા એ વાતની છે કે MERS વાઇરસનો ભોગ બનેલો દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તો તે બીજા દર્દીઓમાં પણ ઝડપથી આ રોગ ફેલાવી શકે છે. એનાં લક્ષણો ફ્લૂ જેવાં છે અને છેવટે ન્યુમોનિયામાં પરિર્વિતત થઈ શકે છે.

કેટલાક નિષ્ણાતો માને છે કે પૃથ્વી પર વસતીવધારો બેફામ બન્યો છે. માનવીએ વાઇલ્ડલાઇફ પર પણ આક્રમણ કર્યું છે. કેટલાંક પશુ-પક્ષીઓ ખતરનાક વાઇરસનાં વાહક છે જે આપણે કદી જોયાં જ નથી. જંગલમાં રહેતાં પ્રાણીઓ અને કૂતરાં, બિલાડાં કે ઉંદર જેવાં ઘરમાં કે ઘરની આસપાસ રહેતાં પ્રાણીઓમાં ફરક છે. આ પરિસ્થિતિમાં એ નોંધવામાં આવ્યું છે કે MERS વાઇરસનો ભોગ બનેલા દર્દીઓ સૌથી વધુ સાઉદી અરેબિયામાં જણાયા છે. આ વાઇરસનું ઉદ્ભવસ્થાન જોર્ડન, કતાર અને સંયુક્ત આરબ અમીરાત હોવાનું મનાઈ રહ્યું છે. અહીં આવેલા વિદેશી પ્રવાસીઓ હવે આ રોગ યુકે. ઇટાલી, ફ્રાન્સ અને ટયુનિશિયા પણ લઈ ગયા છે. હવે આગામી ઓક્ટોબર માસમાં વિશ્વભરના લાખ્ખો યાત્રાળુઓ હજ પઢવા સાઉદી અરેબિયા જશે ત્યારે તેઓ પણ તેમની સાથે આ વાઇરસ પોતપોતાના દેશમાં લઈ જશે તેવો ડર આરોગ્ય નિષ્ણાતોને સતાવી રહ્યો છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર ડો. થોમસ ફિડેનના જણાવ્યા અનુસાર MERS સૌથી વધુ ઝડપથી ચેપ લગાડતો વાઇરસ છે તે એક મોટી ચિંતાની વાત છે. આ રોગનું એક વાર મૂળ શોધી કાઢવામાં આવે તે પછી જ લોકોને તેનાથી કેવી રીતે બચવું તે કહી શકાય. રાત્રે મંડરાતા ચામાચીડિયાં અને વાગોળો શંકાના દાયરામાં છે. આ જ પ્રાણીઓ SARSના પણ ભંડાર ગણાયાં છે. SARS અને MERSએ બંને વાઇરસમાં જેનેટિક સામ્યતા એક જેવી છે.

સાઉદી અરેબિયાનાં કેટલાંક નિર્જન થઈ ગયેલાં અને ઊજડી ગયેલાં ગામોનાં જૂનાં પુરાણાં મકાનોમાં આ પ્રકારનાં પ્રાણીઓ રહેતાં હોવાનું માલૂમ પડે છે. કેટલાંક મકાનો તો ૧૦૦ વર્ષ પુરાણાં છે. વૈજ્ઞાનિકોની એક ટુકડી આવા જ એક જરીપુરાણા ઘરમાં ગઈ તો એક જ અંધારા ખંડમાં ૫૦૦થી વધુ ચામાચીડિયાં જણાયાં હતાં. તેમને પકડવા વૈજ્ઞાનિકોએ એક જાળ ફેંકી હતી. સામાન્ય રીતે સાંજ ઢળતાં જ તેઓ ખોરાક માટે જીવજંતુ શોધવા બહાર નીકળતાં હોય છે. તેમાંથી કેટલાંક ચામાચીડિયાં પકડીને તેમના પર ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને નમૂના લીધા બાદ તેમને જવા દેવામાં આવ્યાં હતાં. આ ટેસ્ટની પ્રક્રિયા પંદર મિનિટ ચાલી હતી. તેમાં તેમનું વજન કરવામાં આવ્યંુ હતું. તેમની લાળના નમૂના લેવામાં આવ્યા હતા. તેમના શરીરમાંથી લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. ચામાચીડિયાના શરીર પરથી ડીએનએના ટેસ્ટ માટે તેમની ત્વચાના નમૂના પણ લેવામાં આવ્યા હતા. આ બધા જ નમૂનાને ફ્રોઝન કરી લેબોરેટરીમાં આખરી પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા હતા. એ બધા જ નમૂના કોલંબિયા ખાતે આવેલી ડો. ડબલ્યૂ ઇઆન લિપકિનની વાઇરસ અંગેની લેબોરેટરીમાં લઈ જવામાં આવ્યા છે.

વૈજ્ઞાનિકોની આ ટીમે સાઉદી અરેબિયામાંથી કેટલાંક ઘેટાં, ઊંટ, બકરાં અને ઉંદરોના પણ આ પ્રકારના જ નમૂના લીધા છે. સામાન્ય રીતે માનવી આ બધાં પ્રાણીઓના પણ સંપર્કમાં આવતો હોય છે અને આ પ્રકારના વાઇરસનો ભોગ બનતો હોય છે. પ્રાણીઓ દ્વારા ફેલાતી આ પ્રકારની બીમારીને અંગ્રેજીમાં Zoonotic diseaseજ કહે છે. પ્રાણીઓ દ્વારા ફેલાતી આ પ્રકારની બીમારી આવનારા સમયમાં માનવજાત માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

 www.devendrapatel.in