હજરત મોહંમદ (સલ્લ.)ના દેહાંત બાદ હજરત અબુ બક્ર (રદિ.) પણ થોડો જ સમય ખલીફા રહ્યા અને તેમનો પણ ઈન્તિકાલ થઈ ગયો. આ ટૂંકા સમયગાળામાં પણ તેમણે આરબ દેશને ઈસ્લામનો અનુયાયી બનાવી દીધો હતો. તેમના પછી હજરત ઉમર ખલીફા બન્યા. તેઓ આરબ રાષ્ટ્રના શક્તિશાળી સમ્રાટ હતા. એક દિવસ તેઓ મસ્જિદમાં અલ્લાહની પ્રશંસા કરી રહ્યા હતા ત્યારે અધવચ્ચેથી જ તેમને રોકતાં એક બુઢિયાએ મોટા અવાજે પૂછયું: ”હે ઉમર! પહેલાં તમે મારા એક પ્રશ્નનો જવાબ આપો પછી જ હું તમારી વાત માનીશ. ગનીમતનું જે વસ્ત્ર મને મળ્યું હતું તેમાંથી મારો કુર્તો ના બની શક્યો. તમને પણ એટલું જ વસ્ત્ર પણ મળ્યું હતું તો તમારો કુર્તો કેવી રીતે બન્યો?”
મસ્જિદમાં સન્નાટો છવાઈ ગયો. હજરત ઉંમરના ગુસ્સાવાળા સ્વભાવથી બધા પરિચિત હતા. લોકો ગભરાઈ ગયા કે હવે આ બુઢિયાની કત્લ જ કરી દેવાશે. પણ લોકોની ધારણાથી વિરુદ્ધ ઉમરે (રદિ.) વલણ લીધું. હવે તેઓ પહેલાંના ઉમર નહોતા. હવે તેઓ જનતાના સંરક્ષક અને વલી હતા. તેઓ શાસક હતા પણ એક એક પૈસાનો હિસાબ દેવાની જવાબદારી સમજતા હતા, અને એ જવાબ જનતાને અને પાલનકર્તાને પણ. ખૂબ જ નમ્રતાથી તેમણે કહ્યું: ”આ વૃદ્ધ મહિલાના સવાલનો જવાબ મારો પુત્ર અબ્દુલ્લા આપશે.”
હજરત અબ્દુલાહ (રદિ.) ઊભા થયા. તેઓ ધીમેથી બોલ્યાઃ ”ભાઈઓ ! ગનીમતનો જે હિસ્સો મારા પિતાજીને મળ્યો હતો તે વસ્ત્ર એક કુર્તો બનાવવા માટે પૂરતું નહોતું, તેથી મેં મારા ભાગમાં આવેલું વસ્ત્ર મારા પિતાને આપી દીધું. આમ બે હિસ્સા જોડીને મારા પિતાનો એક કુર્તો સીવડાવ્યો છે.”
મસ્જિદમાં બેઠેલા સહુ આ વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. બુઢિયા ડરી ગઈ અને ભયથી કાંપવા લાગી. માફી પણ માંગવા લાગી. પરંતુ હજરત ઉમરે એ બુઢિયાના સાહસને બિરદાવ્યું અને પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું: ”જ્યાં સુધી આ દેશમાં આવા લોકો જીવિત છે ત્યાં સુધી શાસન ભલાઈના માર્ગે ચાલશે. ભાઈઓ ! મારામાં કોઈ ભૂલ દેખાય તો મને જરૂરથી ટોકજો, જેથી હું સાચા રસ્તા પર ચાલી શકું.”
આ હતા મુસલમાનોના બીજા ખલીફા, જેના પગ નીચે અબજોનો ખજાનો હતો, પરંતુ એક પૈસો પણ તેમણે પોતાના માટે તેમાંથી ખર્ચ્યો નહોતો. ઈસ્લામની એ સુંદર શિક્ષા હતી, જેમાં રાજા અને પ્રજા વચ્ચે કોઈ જ અંતર નહોતું. આઠમી સદીના તેઓ મહાન સમ્રાટ હતા. એક દિવસ આખા નગરને સજાવવામાં આવ્યું હતું. બાળકો રંગબેરંગી વસ્ત્રો પહેરીને બજારમાં અને ગલીઓમાં ઘૂમી રહ્યા હતા. ઈદગાહમાં લોકો નમાજ પઢવા જઈ રહ્યા હતાં. એમાં ખલીફા પણ પોતાનાં બાળકો સાથે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. નગરના તમામ લોકોએ સુંદર નવાં વસ્ત્રો પહેર્યાં હતા. ત્યારે હજરત ઉમર ખલીફાનું ખમીસ જૂનું અને ફાટેલું હતું. કેટલીયે જગાએથી સાધેલું હતું. બાળકોએ પણ રોજ સ્કૂલમાં જતી વખતે પહેરવાનાં વસ્ત્રો પહેરેલાં હતા. એ સમયે ત્યાં ઊભેલી એક ગરીબ બુઢિયા કોઈ મદદ માંગવા ઈચ્છતી હતી પણ એમના દીદારને તે જોઈ જ રહી અને માંગવાનું મોકૂફ રાખ્યું. પણ એ વૃદ્ધાની તકલીફ સમજી જતાં હજરત ઉમર ખલીફાએ કહ્યું: ”બુઢ્ઢીમાં ! આપ મને ના જુઓ, હું તો આપનો સેવક છું. તમારી બધી જ જરૂરિયાતો પૂરી કરી દેવામાં આવશે. મને ખલીફા એટલા માટે નથી બનાવાયો કે હું મારા ઐશોઆરામ માટે બધું ભેગું કરું. બોલો તમારે કઈ ચીજ વસ્તુની જરૂર છે.”
અને તરત જ ઉમર ખલીફાએ રાજ્યના ખજાનચીના નામે એક ચિઠ્ઠી લખી દીધી કે, ”આ વૃદ્ધાની તમામ જરૂરિયાતો પૂરી કરી દેવામાં આવે.”
આઠમી સદીના મહાન સમ્રાટ હજરત ઉમર નિયમોનુસાર રાત્રીના સમયે સામાન્ય વસ્ત્રોમાં જ મદીનામાં લોકોની હાલત જોવા ચૂપચાપ નીકળ્યા હતા. તેમની સાથે તેમનો ગુલામ અસલમ પણ હતો. નગરથી થોડેક દૂર તેમણે સળગતી આગ જોઈ. તેમણે પોતાના ગુલામ અસલમને કહ્યું : ”અસલમ! લાગે છે કે, રાત્રે દૂરથી આવેલો કોઈ કાફલો અહીં આવીને રોકાઈ ગયો છે. ચાલ તેમની પાસે જઈને પુછીએ કે તેમને કોઈ ચીજની જરૂર તો નથી ને?”
ખલીફા તેમના સેવકને લઈ એ જલતી આગ તરફ ગયા. તેમણે નજીક જઈ જોયું તો એક ઔરત ત્યાં બેઠેલી હતી. ચૂલા પર હાંડી મૂકેલી હતી. ચૂલાની નીચે લાકડાં સળગતાં હતા અને એ મહિલાનાં બાળકો રડી રહ્યા હતાં.
એ સ્ત્રીએ કહ્યું: ”અમારો કાફલો આગળ નીકળી ગયો છે. હું પાછળ રહી ગઈ છું. રાત અહીં જ રહીશ.”
એ સ્ત્રીએ કહ્યું: ”હાંડીમાં ફક્ત પાણી જ છે. મારી પાસે અનાજ નથી.”
ઔરતે કહ્યું: ”કારણ કે બાળકો સળગતા ચૂલા પર હાંડી જોઈને ચૂપ થઈ જાય. રાહ જોતાં જોતાં થાકીને ઊંઘી તો જશે ને…. પણ ખુદાના ઘેર અમે જઈશું ત્યારે ઉમરથી બદલો લઈશું.”
ઉમર ખલીફાએ કહ્યું: ”પરંતુ ઉમરને કેવી રીતે ખબર કે તમારી પાસે રાંધવાનું કોઈ અનાજ નથી?”
બંને જણ ભાગતા ભાગતા રાજ્યના અનાજના ગોદામ પર પહોંચ્યા. ગોદામમાંથી એક બોરી લોટ અને રસોઈનો બીજો સામાન પણ લીધો. ઉમર ખલીફાએ કહ્યું: ”અસલમ,આ ગુણ મારા માથા પર ચઢાવી દે.”
ઉમર બોલ્યાઃ ”અરે અસલમ! શું ક્યામતને દિવસે પણ મારા ગુનાઓનો બોજ તું ઉઠાવીશ? આ બોરી તું મારા માથા પર ચડાવી દે.”
અસલમે તે બોરી ઉમર ખલીફાના માથે ચઢાવી દીધી અને બેઉ દોડતા દોડતા નગરના છેવાડે રાત ગાળી રહેલી ઔરત પાસે પહોંચ્યાં. તેમણે લોટ અને રાંધવાના બીજા સામાનની બોરી તે મહિલાની સામે મૂકી દીધી. ઉમરે કહ્યું:”એ અલ્લાહના બંદાઓ, તમે હટી જાવ. હું જ રસોઈ પકાવી દઉં છું.” એમ કહી આગ ફૂંકવા લાગ્યા. આટો ગૂંદીને રોટી પકવવા લાગ્યા. બાળકોની માતા અને અસલમ તો આ દૃશ્ય જોઈ રહ્યાં. રસોઈ તૈયાર થઈ ગયાં બાદ તેમણે એ મહિલાને કહ્યું: ”હવે બાળકોને ખવરાવો.”
બાળકોએ નિરાંતે જમી લીધું ત્યાં સુધી તે બેઉ ત્યાં જ બેસી રહ્યા. તેઓ ઊભા થયા એટલે તે સ્ત્રી દુઆ દેતાં બોલીઃ ”અલ્લાહ,તમારું ભલું કરે. તમે જ અમીરુલ મોમીન હોવા જોઈએ. સ્વયં ખલીફા સિવાય આવું કોઈ જ કરી શકે નહીં.”
ઉમરે કહ્યું: ”કોઈ વાંધો નહીં. કાલે સવારે તમે જ્યારે અમીરુલ મોમીન પાસે આવશો ત્યારે હું પણ તમને ત્યાં જ મળીશ.”
એવું કહીને ઉમર ખલીફા તેમના સેવક સાથે રવાના થઈ ગયા. પહેલાં તેઓ પ્રજા પ્રત્યેની જવાબદારી પૂરી ના થવાથી સજાના ડરથી કાંપી રહ્યા હતા પરંતુ હવે એક મોટી જવાબદારી પૂરી કર્યાના આનંદથી સંતુષ્ઠ અને ખુશ હતા. આ હતા બે શક્તિશાળી રાજ્યો પર વિજય હાંસલ કરનાર અને સંપૂર્ણ ઈસ્લામી રાષ્ટ્રના આદર્શ સમ્રાટ હજરત ઉમર ખલીફા. આવા શાસકો આજે ક્યાં છે? આવા ખલીફા આજે ક્યાં છે? ખુદ ઈસ્લામી રાષ્ટ્રોમાં પણ આવા પ્રજાવત્સલ સત્તાધીશો ક્યાં છે? પવિત્ર કુઆર્નમાં રાજનીતિથી માંડીને દરેક વ્યક્તિનાં જીવનની આચારસંહિતા માટે સ્પષ્ટ માર્ગદર્શન આપેલું છે. કુઆર્ને હકૂમત માટે જે આચારસંહિતા તૈયાર કરી એ તેમાંથી થોડાંક દૃષ્ટાંત આ પ્રમાણે છેઃ (૧) ”કિસી જાન કો કત્લ ના કરો, જિસકે કત્લ કો અલ્લાહને હરામ કર દિયા હૈ,સિવાએ હક કે” (બની ઈસરાઈલ ૩૩) (૨) ”અપને ધન કો આપસ મેં અવૈધ રૂપ સે મત ખાઓ.” (બકરા- ૧૮૮) (૩) ”કોઈ ગિરોહ દૂસરે ગિરોહ કા મજાકના ઉડાયે…. ઔર એક દૂસરે કા અપમાન ના કરે. ઔર ન હી બુરે નામોં સે યાદ કરે, ના કોઈ કિસી કા પીઠ પીછે બુરાઈ બયાન કરે… (હુજરાત ૧૧-૧૨) (૪) ”અપને ઘરોં કે સિવા દૂસરે ઘરોં મેં બિના આજ્ઞા દાખિલ ન હો.” (નૂર-૨૭) (૫) ”ધર્મ કે વિષય મેં કિસી પર કોઈ જબરદસ્તી નહીં.” (બકરા-૨૫૬) (૬) ”ક્યા તૂ લોંગો કે મજબૂર કરેગા કિ મોમીન હો જાએ (ઐસા મત કરના)” (યુનુસ-૯૯) (૭) ”કિસી ઐસી બાત કે પીછે ન લગ જાઓ, જિસ કા તુમ્હે જ્ઞાન નહીં હૈ.” (બની ઈસરાયેલ-૩૬) (૮) ”ઔર ઉન કે ધન મેં માંગને વાલોં કા ઔર ઉનકા હક હૈં, જો પાને સે રહ ગયે (મજબૂર અને લાચારોનો હક) (જારિયાત-૧૯)
લાગે છે કે વિશ્વની તમામ પ્રજાઓ અને તમામ કોમોને ઈસ્લામની સાચી ઓળખથી પરિચિત કરાવવા જોઈએ. કુઆર્નની વાતો ખરેખર તો માનવીને શિતલ છાયા બક્ષનારી છે.
Leave a Reply