રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.

વડોદરામાં રઝિયા નામની એક ટીનએજ કિશોરી શહેરની એક કોન્વેન્ટમાં ભણતી હતી. તે એક શિક્ષિત પરિવારની પુત્રી હતી. બારમા ધોરણમાં આવી ત્યારે એનું રૂપ ખીલી ઊઠયું. સ્કૂલ તેના ઘરથી થોડે જ દૂર હતી. રોજ ચાલીને જ સ્કૂલે જતી હતી. રસ્તા પરથી પસાર થાય તો લોકો એને જોઈ રહેતા. રસ્તામાં મોટર સાયકલ રિપેર કરવાનું એક ગેરેજ હતું. આ ગેરેજમાં કામ કરતા એક મુસ્લિમ મિકેનિકની તેની પર નજર હતી. તે અવારનવાર રસ્તા વચ્ચે રઝિયાને રોકી તેની સાથે વાત કરવા પ્રયાસ કરતો હતો. એક વાર એણે રઝિયાને રોકી તેની સાથે બહાર ફરવા આવવા માંગણી કરી. રઝિયાએ સાફ ઇન્કાર કરી દીધો. થોડા દિવસ પછી એણે ફરી રઝિયાને રોકતાં કહ્યું : “હું તને ચાહું છું.”

લિક્વિડ વેપન : એસિડ એટેક

રઝિયાએ મોં ફેરવી લીધું. થોડા દિવસ બાદ એ યુવકે તેને કહ્યું, “તું મને પ્રેમ નહીં કરે તો હું તારી જિંદગી બગાડી નાંખીશ.”

રઝિયા તેને વશ થઈ નહીં. તે રસ્તો બદલીને સ્કૂલે જવા લાગી. મોટર મિકેનિક રોજ તેના ઘર સામે ઊભો રહેતો.રઝિયા પરેશાન થઈ ગઈ. રઝિયાએ તેનાં માતા-પિતાને વાત કરી. રઝિયાનાં માતાપિતાએ ગેરેજના માલિકને ફરિયાદ કરી. ગેરેજ માલિકે તેના મિકેનિકને સખત ઠપકો આપ્યો. તે પછી બધું શાંત થઈ ગયું. મિકેનિક હવે રઝિયાનો રસ્તો રોકતો નહોતો.

કેટલાક સમય બાદ ઉનાળામાં રાત્રે રઝિયા તેના ઘરના કંપાઉન્ડમાં તેના પરિવારના સભ્યો સાથે સૂતી હતી. અડધી રાત્રે તેને લાગ્યું કે તેના ચહેરા પર કંઈક ભીનું ભીનું છે. તે જાગી ગઈ. થોડી ક્ષણો બાદ તેને અસહ્ય બળતરા ઊપડી. એણે બૂમાબૂમ કરી મૂકી. બીજા સભ્યો પણ જાગી ગયા. એમણે જોયું તો મિકેનિક દીવાલ કૂદીને ભાગતો હતો. એણે ઊંઘતી રઝિયાના ચહેરા પર એસિડ રેડી દીધો હતો. રઝિયા હવે કદરૂપી થઈ ચૂકી હતી. એણે આંખો ગુમાવી દીધી હતી. મિકેનિક પકડાઈ ગયો અને ભરી અદાલતમાં રઝિયાએ કહ્યું : “સાહેબ, એને જેલની સજા થાય એમ હું ઇચ્છતી નથી. એણે મારી સાથે જે કર્યું તે જ હું તેની સાથે કરવા માંગું છું.”

કોર્ટમાં હાજર સહુ સ્તબ્ધ થઈ રઝિયાની વાત સાંભળી રહ્યા. કોર્ટે મિકેનિકને યોગ્ય સજા પણ કરી, પરંતુ કદરૂપી થઈ ગયેલી રઝિયા એટલું જ બોલતી રહી. મારે રૂપ નહીં, રોશની જોઈએ છે.

કમનસીબે દેશ અને દુનિયાનું કોઈ વિજ્ઞાન તેને રોશની અપાવી શક્યું નહીં અને દુઃખી હાલતમાં રઝિયાએ આ દુનિયામાંથી વિદાય લીધી.

આવી ઘટનાઓ વર્ષોથી ભારતમાં ઘટતી રહી છે. ઘણાં વર્ષો બાદ ભારતની સર્વોચ્ચ અદાલતે એસિડ ફેંકનાર ગુનેગારો સામે લાલ આંખ કરી છે. નોંધનીય વાત એ છે કે એસિડ હંમેશાં સ્ત્રીઓ તરફ જ ફેંકવામાં આવે છે. હવે એસિડ ફેંકવાની ઘટના એક ગંભીર ગુનો ગણવામાં આવશે અને આવું કૃત્ય આદરનારને ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકશે. કેટલાંક રાજ્યો તો એસિડ ફેંકવાની ઘટનાને હવે હત્યાના ગુનાની બરાબર ગણવા માંગે છે તે આવકારદાયક છે.

આ પ્રકારના ગુનાઓ વકર્યા છે. તેનું એક કારણ એ પણ છે કે બજારમાં એસિડ આસાનીથી ઉપલબ્ધ છે. માત્ર એસિડ જ નહીં પરંતુ એસિડયુક્ત સામગ્રી રોજ વ્યવહારમાં વપરાય છે. જૂની મોટરકારોનાં રેડિયેટર્સ સાફ કરવાથી માંડીને બાથરૂમની ગંદી ટાઈલ્સ પરના ડાઘ દૂર કરવા એસિડ વપરાય છે. ફેરિયાઓ લારીઓમાં એસિડની બાટલીઓ લઈ વેચવા નીકળતા હોય છે. એસિડ એક સાવ સસ્તામાં મળતું ઘાતક શસ્ત્ર છે અને તેને પણ હવે બંદૂક કે રિવોલ્વરની કક્ષામાં મૂકવું જોઈએ.

અનુ મુકરજી નામની એક યુવતીની વાત સાંભળવા જેવી છે. એ કહે છેઃ એ બાટલીમાં ભરેલા પ્રવાહીની કિંમત માત્ર રૂપિયા ૩૦ હતી, પરંતુ માત્ર ૩૦ સેકંડમાં એ પ્રવાહીએ મારી જિંદગી બરબાદ કરી દીધી.

અનુ મુકરજી દિલ્હીની એક હોટેલમાં બાર ડાન્સર હતી. તેની વય ૩૨ વર્ષની છે. તેના રૂપથી ઈર્ષ્યા પામેલા તેના જ એક સાથી અને તેના કઝીને તેની પર એસિડ છાંટી દીધો. તે કદરૂપી તો થઈ ગઈ પણ આંધળી પણ થઈ ગઈ. એકમાત્ર અનુ જ તેના ઘરનું ભરણપોષણ કરતી હતી. હવે તે ખુદ બેસહારા થઈ ગઈ છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે એક કેસમાં એસિડનો ભોગ બનેલી પીડિતાને રૂપિયા ત્રણ લાખની મદદ નક્કી કરી આપી. અનુ મુકરજીના કેસમાં તેના પર હુમલો કરનારાઓને પાંચ વર્ષની જેલની સજા કરી છે અને બે લાખ રૂપિયાનો દંડ કર્યો છે. અનુ મુકરજીને વળતર પેટે રૂપિયા ૧.૪૦ લાખ મળ્યા છે, પરંતુ તેના પરની શસ્ત્રક્રિયા અને સારવારનો ખર્ચ અત્યાર સુધીમાં રૂપિયા ૧૦ લાખ જેટલો થઈ ગયો છે. અત્યાર સુધીમાં તેની પર ૧૦ ઓપરેશન્સ થઈ ગયાં છે અને બીજાં દસ બાકી છે. બીજાં ૧૦ ઓપરેશનનું બીલ રૂપિયા ૩૦ લાખ જેટલું આવનાર છે. અનુ મુકરજીએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી વધુ વળતર માટે અને તેના પર એસિડ છાંટનારાઓને જનમટીપની સજા કરવા માંગણી કરી છે.

અનુ મુકરજી જેવી કેટલીયે કરુણ કથાઓ ભારતીય સમાજમાં જોવા મળે છે. દેશમાં કેટલી સ્ત્રીઓ એસિડ એટેકનો ભોગ બને છે તેના અધિકૃત આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ એસિડ સર્વાઇવર્સ ફાઉન્ડેશન નામની એક સ્વૈચ્છિક સંસ્થાના જણાવ્યા અનુસાર ૨૦૦૬થી ૨૦૧૧ દરમિયાન એકમાત્ર પશ્ચિમ બંગાળમાં જ ૭૭ જેટલા એસિડ એટેકના બનાવો નોંધાયા હતા. કર્ણાટકમાં ૧૯૯૮થી ૨૦૦૮ સુધીમાં એસિડ એટેકના ૭૦ બનાવો નોંધાયા હતા. નેશનલ વિમેન્સ કમિશનના જણાવ્યા અનુસાર એકમાત્ર ૨૦૧૨ની સાલમાં દેશમાં એસિડ એટેકના ૧૩ કિસ્સા નોંધાયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં આઠ કિસ્સા નોંધાયા છે.

એસિડ એટેકનો ભોગ બનનાર સ્ત્રીઓનું જીવન અત્યંત દુઃખદાયક બની જાય છે. કોઈ આંખો ગુમાવે છે તો કોઈ રૂપ, કોઈ ગળું ગુમાવે છે તો કોઈ ફેફસાં. એથીયે વધુ ખરાબ તો એ વાત છે કે લોકો એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓ તરફ ટગર ટગર જોઈ રહે છે. સમાજનું આ વલણ સહુથી વધુ દુઃખદાયક છે. એસિડ એટેકનો ભોગ બનેલી પીડિતાઓની બાકીની જિંદગી હોસ્પિટલ અને અદાલતોનાં ચક્કર કાપવામાં જ પૂરી થઈ જાય છે. તેઓ નાણાકીય રીતે પણ બરબાદ થઈ જાય છે. તેમની સાથે કોઈ પરણતું નથી. પોતાના ખૌફનાક બની ગયેલા ચહેરાના કારણે તેઓ સ્વયં પોતાનો ચહેરો દર્પણમાં જોતાં ડરે છે. લોકો પણ તેમને જોઈ ભયભીત બની જાય છે. એસિડ એટેકનો ભોગ બનેલી સ્ત્રીઓ બહાર હોટેલમાં, રેસ્ટોરાંમાં કે થિયેટર્સમાં પણ જતા ક્ષોભ અનુભવે છે.

આવી પીડિતાઓના પુનર્વસન માટે ભાગ્યે જ કોઈ બહાર આવે છે. એક વાર એસિડ એટેકનો ભોગ બન્યા બાદ તેઓ જીવતા નર્ક જેવું જીવન જીવે છે. એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓને પણ બજારમાં ખરીદી કરવા જવાની ઇચ્છા હોય છે. તેમને પણ શેરીમાં જઈ ભાજીપાઉં કે ચાટ ખાવાની ઇચ્છા હોય છે પણ તેમને લઈ જાય કોણ? અને જાય તો લોકો તેમને જ જોઈ રહે છે. દુનિયાના ઘણા બધા દેશો હવે એસિડને લિક્વિડ વેપન ગણવા લાગ્યા છે. અફઘાનિસ્તાનમાં એસિડ ફેંકનારને ૧૦ વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈ કરવામાં આવી છે. જનમટીપ પણ થઈ શકે છે. બાંગલાદેશમાં એસિડ ફેંકનારને મૃત્યુ દંડની સજાની જોગવાઈ છે. આફ્રિકામાં એકમાત્ર કંબોડિયા જ એવો દેશ છે કે જ્યાં સહુથી વધુ એસિડ એટેકના કિસ્સા બને છે. કમનસીબે કંબોડિયા પાસે એસિડ એટેક અટકાવવા કોઈ ચોક્કસ કાનૂન જ નથી. હા, તેને એક ગુનો ગણવામાં આવે છે. ઇંગ્લેન્ડ અને અમેરિકામાં ૧૯મી સદીમાં એસિડ એટેકના સહુથી વધુ કિસ્સા બનતા હતા, પરંતુ સામાજિક સભાનતા અને પોલીસ તથા ન્યાયતંત્રની જાગરૂકતાના કારણે હવે એસિડ એટેકના કિસ્સા એકદમ ઘટી ગયા છે. યુ.કે. ઇટાલી, અમેરિકા અને કેનેડામાં હવે માત્ર નહીંવત્ કિસ્સા જ બને છે. 

www.devendrapatel.in