દિલ્હીમાં નિર્ભયા કાંડની ઘટનાને ત્રણ વર્ષ પૂરાં થયાં. અગાઉના કાનૂનની મર્યાદાનો લાભ લઈ સગીર અપરાધી છૂટી ગયો. હવે સગીરની વયમર્યાદા બદલાઈ ગઈ. હવે દુષ્કર્મ કરનારાઓ સામેનો કાનૂન કડક બનાવાયો છે. તે અગાઉ કેટલાક સમય પહેલાં સરઘસો નીકળ્યા. મહિલાઓએ મીણબત્તીઓ સળગાવી. મીડિયામાં ખૂબ ચર્ચાઓ થઈ. મેકઅપ અને લિપસ્ટિક લગાવીને આવેલી એક્ટિવિસ્ટ મહિલાઓએ ડાહી-ડાહી વાતો કરી. આ બધું સાચું પણ તે પછી દેશની હાલત શું છે ?

સેક્સ ક્રાઈમ કેટલા ?

લ્યો આ રહ્યા આંકડા. આ રહી કડવી લાગે તેવી હકીકત. નિર્ભયા-કાંડ પછી આજે પણ દેશના પાટનગર દિલ્હીમાં રોજ યુવતીઓ સાથે દુષ્કર્મની કે છેડતીની ૨૬ ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે. અર્થાત્ દિલ્હીમાં રોજ દર ચાર કલાકે એક બળાત્કારની ઘટના બને છે. આ આંકડા ચોંકાવનારા છે. સાંજ પડયા પછી દિલ્હી આજે પણ સ્ત્રીઓ માટે અસલામત છે. દિલ્હીના આંકડા કહે છે કે પાછલા બે દાયકામાં ગુનાખોરી આજના કરતાં ઓછી હતી. ૧૯૯૮માં દિલ્હીમાં વિવિધ પ્રકારના કુલ ૬૪,૮૮૨ ગુનાઓ નોંધાયા હતા. ૨૦૦૧ આ આંકડો ઘટીને ૫૪,૩૮૪ જેટલો થયો હતો. ૨૦૧૧માં આ આંકડો ઘટીને ૫૩,૩૫૩ જેટલો થઈ ગયો હતો. એ વખતે સ્ત્રીઓ સાથેના ગુના ઓછા હતા.

૨૫૦ ટકાનો વધારો

તા.૧૬ ડિસેમ્બરની નિર્ભયાકાંડની ઘટના બાદ પોલીસને એવી સૂચના આપવામાં આવી કે સ્ત્રીઓ સામેના તમામ ગુનાઓ એફઆઈઆરમાં તબદીલ કરી દેવા.

પરિણામ શું આવ્યું ?

૨૦૧૧થી ૨૦૧૫ દરમિયાન દુષ્કર્મના કેસોમાં ૨૫૦ ટકાનો વધારો થયો. જ્યારે છેડતી વગેરેના કેસોમાં ૭૦૦ ટકાનો વધારો થયો. ૨૦૧૧માં ૫૭૨ દુષ્કર્મના કેસો અને ૬૫૭ છેડતીના કેસો નોંધાયા. આ વર્ષને લાગેવળગે છે ત્યાં સુધી તા.૨જી ડિસેમ્બર સુધીમાં ૨૦૧૭ દુષ્કર્મના અને ૫૦૪૯ કેસો છેડતીના નોંધાયા. દિલ્હીના ગોવિંદપુરી, માલવિયાનગર, ભાલાસવા ડેરી, વસંત વિહાર, મહેરોલી વિસ્તારોમાં આ પ્રકારના કેસોનું પ્રમાણ વધુ છે.

કારણ શું?

નિષ્ણાતો કહે છે કે, જ્યાં વસ્તીની ઘનતા વધુ છે ત્યાં આ પ્રકારના કેસોનું પ્રમાણ વધુ છે. ખાસ કરીને જે વિસ્તારોમાં પાણી, ગટર,શિક્ષણની પાયાની સવલતો ઓછી છે અને જ્યાં બેકારીનું પ્રમાણ વધુ છે ત્યાં આવા ગુના વધુ નોંધાયા છે. આ ઉપરાંત હવે મોબાઈલ પર પણ પોર્નોગ્રાફી મટીરિયલ સરળતાથી ઉપલબ્ધ છે, જ્યાં સસ્તા દારૂ સરળતાથી ઉપલબ્ધ છે, જ્યાં ડ્રગ્સ સરળતાથી ઉપલબ્ધ છે ત્યાં યુવાનોમાં સેક્સુઅલ ક્રાઈમનું પ્રમાણ વધુ છે. કેટલાક વિસ્તારોના દબંગ કિશોરોને તથા યુવાનોને દુષ્કર્મ સામેના કડક કાનૂનનું જ્ઞાાન પણ નથી અને જાગૃતિ પણ નથી. યોગ્ય શિક્ષણનો અભાવ તે સૌથી મોટું કારણ છે. દિલ્હીમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડવાના વચનો રાજનેતાઓ આપતા રહ્યા છે પરંતુ તેવું શક્યું નથી.

મહિલા પોલીસની તંગી

નિર્ભયા સાથેની કમનસીબ ઘટના બાદ એવી જાહેરાત થઈ હતી કે, દિલ્હીમાં મહિલાઓ સાથેના દુરાચારના કેસોની તપાસ હવે માત્ર મહિલા પોલીસ કરશે. આ વાતનો અમલ શરૂ થયો છે પરંતુ જેટલા પ્રમાણમાં મહિલા પોલીસ હોવી જોઈએ તેટલી સંખ્યા દિલ્હી પોલીસ પાસે નથી. દિલ્હીની પોલીસની કુલ સંખ્યાનો નવ ટકા હિસ્સો જ મહિલા પોલીસનો છે અને તેમાંથી પણ માત્ર ૮૦૦ જેટલી મહિલા પોલીસ એવા કેસોની તપાસ કરવાની લાયકાત ધરાવે છે અને દિલ્હીમાં બળાત્કારના કેસોમાં ૨૫૦ ટકાનો વધારો થયો છે. ત્યારે તે બધા કેસોની તપાસ માટે આ સંખ્યા પૂરતી નથી. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે, પોલીસની એક મહિલા ઈન્વેસ્ટિગેશન ઓફિસર પાસે આ પ્રકારના સેક્સુઅલ ક્રાઈમના ૧૫થી ૨૦ કેસો છે. આ સિવાયના બીજા પ્રકારના ગુનાઓની તપાસના કેસો અલગ, જેમાં ચોરી, લૂંટ, ચેઈન સ્નેચિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ મહિલા ઓફિસરોએ ટ્રાફિક નિયમનની કામગીરી પણ બજાવવાની હોય છે. બીજો નોંધપાત્ર આંકડો એ છે કે દિલ્હી પોલીસ વિભાગ આમે ય ૨૦,૦૦૦ પોલીસમેનોની તંગી છે. વળી પોલીસ સ્ટેશનો પર મહિલા પોલીસ માટે જે પાયાની સુવિધાઓ જોઈએ તે પણ બધે ઉપલબ્ધ નથી. પોલીસ ટ્રેનિંગ કોલેજો ઉપલબ્ધ નથી.પોલીસ ટ્રેનિંગ કોલેજો અને સ્કૂલોની પણ તંગી છે.

પોલીસની પણ છેડતી ?

દિલ્હીના ઠગો મહિલા પોલીસને પણ છોડતા નથી. દિલ્હીથી પ્રગટ થતા અંગ્રેજી અખબાર ‘હિંદુસ્તાન ટાઈમ્સ’એ એક કિસ્સો નોંધ્યો છે આ અહેવાલ અનુસાન એક મહિલા પોલીસ અધિકારી છેલ્લા ૨૦ વર્ષથી દિલ્હી પોલીસમાં ફરજ બજાવે છે. તેમને દિલ્હી ટ્રાફિક નિયમન માટે એક પોઈન્ટ પર જવાબદારી સોંપવામાં આવી હતી. આ મહિલા પોલીસ અધિકારી કહે છે : ‘હું રસ્તા પર ટ્રાફિક નિયમન કરતી હોઉં ત્યારે રસ્તા પર જાહેરમાં જ કેટલાક લોકો મને પરેશાન કરે છે. કેટલાક મારી મજાક ઉડાવે છે. એક વાર મારી સેન્ટ્રલ દિલ્હી ખાતે ટ્રાફિક નિયમન માટે નિમણૂક થઈ હતી. જે લોકો ટ્રાફિકના નિયમનો ભંગ કરતા હતા તેમને હું પકડતી હતી અને ચલાન આપતી હતી. એક મોટરકારવાળાએ સિગ્નલનો ભંગ કર્યો. મેં એને રોકયો અને હું એ કાર ચાલકને દંડ ભરવાનું ચલાન આપી રહી હતી તે વખતે એક મોટરબાઈક અચાનક જમ્પ કરીને મારી પાસે આવી અને મારી પાછળ ઊભી રહી. મોટરબાઈક બે સવાર હતા. મોટરબાઈકની પાછળ બેઠેલા એક માણસે મોટા અવાજે મને કહ્યું: ‘મેડમ, હમારા ભી ચલાન કાટ દિજીયે.’ એ માણસની વાત સાંભળી હું ક્ષોભજનક પરિસ્થિતિમાં આવી ગઈ. હું યુનિફોર્મમાં હોવા છતાં તે માણસે મારી મજાક કરવા પ્રયાસ કર્યો હતો કારણ કે હું મહિલા હતી. એ મારી મજાક ઉડાવીને ભાગી ગયો. ‘હું કાંઈ જ કરી ના શકી. હું આઘાતમાં હતી.’

છેવટે એ મહિલા પોલીસ ઓફિસરને રોડ પરથી બદલીને ઓફિસમાં કામગીરી સોંપવામાં આવી.

દિલ્હીના બદમાશો મહિલા પોલીસને પણ છોડતા નથી તો આ દેશમાં અન્ય સ્ત્રીઓની હાલત કેવી હશે ?