એક નાનકડું ગામ.
ગામમાં રામચંદ્ર, ગોકુલ અને સોની નામના ત્રણ ભાઈઓ રહેતા હતા. પિતાના મૃત્યુ બાદ ત્રણેય ભાઈઓએ તેમની મિલકતની વહેંચણી કરી નાખી હતી. દરેક ભાઈઓ અલગ અલગ રહેતા હતા.
વચેટ ભાઈ ગોકુલનાં લગ્ન મનોરમા સાથે થયાં હતાં. પિયરથી પહેલી જ વાર સાસરીમાં આવેલી મનોરમાને કોઈ કારણસર ગોકુલ બહુ ગમતો નહોતો. તે કમજોર અને અરસિક પણ હતો. જ્યારે તેની સામે મનોરમા ચંચળ અને રસિક હતી. તેને સરસ રીતે તૈયાર થઈને બહાર જવાનું, ફરવા જવાનું, ફિલ્મ જોવા જવાનું ગમતું હતું. પતિ ગોકુલને એ કશાયમાં રસ નહોતો. મનોરમાને લાગવા માંડયું કે, તેણે એક ગલત પુરુષ સાથે લગ્ન કર્યું છે.
એવામાં બન્યું એવું કે, પડોશમાં મોહનલાલ નામનો એક નવો પડોશી રહેવા આવ્યો. તે ૩૫ વર્ષનો અને પરિણીત હતો. દેખાવમાં રૂપાળો અને હૃષ્ટપુષ્ટ હતો. એક દિવસ મનોરમાની નજર મોહનલાલ પર પડી. મોહનલાલની નજર સાથે નજર મળતાં જ જાણે કે કાંઈક વાત થઈ ગઈ. બંનેએ એકબીજાને સ્મિત આપ્યું. મોહનલાલની પત્નીનુ નામ કાંતા હતું.
દિવસો વીતતાં મનોરમાએ કાંતા સાથે સખીપણા બાંધી લીધાં. એ બહાને તે એના ઘરે જવા લાગી. મનોરમાએ સંબંધોની આડમાં મોહનલાલને ‘જીજાજી’ કહેવાનું શરૂ કર્યું. મોહનલાલ પણ કોઈ મોકાની તલાશમાં હતો.
એક દિવસ બન્યું એવું કે, મોહનલાલની પત્ની કાંતા ખોળો ભરાવીને પ્રથમ પ્રસૂતિ માટે પિયર ગઈ. મનોરમાનો પતિ ગોકુલ સવારથી જ ખેતરમાં જતો રહેતો છેક સાંજે ઘરે આવતો. મનોરમાને ખબર પડતાં જ તેણે મોહનલાલને કહ્યું : “જીજાજી ! આજે તો હું જ તમને જમાડીશ.”
મોહનલાલે કહ્યું : “તમે મને આવું કહો એની જ હું રાહ જોતો હતો.”
એ દિવસે મનોરમા ખુદ મોહનલાલના ઘરમાં ગઈ. એણે મોહનલાલના ઘરમાં જ મોહનલાલને ગમતી રસોઈ બનાવી જમાડયો. આ સંબંધો આગળ વધ્યા, બલકે બેમર્યાદ થયા. પછી તો આ રોજનું થઈ ગયું. થોડા દિવસ બાદ કાંતા પાછી આવી જતાં મનોરમાની મોહનલાલના ઘરમાં અવરજવર બંધ થઈ ગઈ.
મોહનલાલે બીજો રસ્તો શોધી કાઢયો. મોહનલાલને ખબર હતી કે મનોરમાના પતિને ક્યારેક દારૂ પીવાનો શોખ હતો. મોહનલાલે ગોકુલ સાથે દોસ્તી કરી લીધી. એક દિવસ ગોકુલને દારૂ પીવા ઘરે બોલાવ્યો. તે પછી તે ખુદ દારૂની બોટલ લઈ ગોકુલના ઘરે જવા લાગ્યો. ગોકુલને દારૂમાં મસ્ત કરી દઈ તેને અર્ધબેભાન કરી દેતો. આ પરિસ્થિતિનો એણે ગેરલાભ પણ લેવા માંડયો.
પરંતુ આ વાત બહુ છૂપી રહી નહીં. પડોશીઓ બધું જ જોતા હતા. એમણે ગોકુલને ચેતવ્યો કે મોહનલાલ રોજ રાત્રે તારા ઘરમાં આવે છે તે બરાબર નથી. તારી પત્ની તારા કાબૂમાં નથી.
ગોકુલને આ વાત હાડોહાડ લાગી ગઈ. એણે મનોરમાને ખખડાવી નાખી. મનોરમા તેની સામે થઈ ગઈ. તે બોલી : “તમારામાં પત્નીને સાચવવાની તાકાત ના હોય તો કોઈ શું કરે ?”
છે ?”
“હું શા માટે જાઉં ? તમારે જવું હોય તો જતા રહો. હું તો અહીં જ રહીશ.” મનોરમા બળવાખોર સ્વરમાં બોલી.
ગોકુલ પોતાની બેબસી પર ચૂપ થઈ ગયો.
એ પછી મનોરમા વધુ બેકાબૂ બની ગઈ. તે પતિની હાજરીમાં જ અવારનવાર મોહનલાલને ઘરમાં બોલાવવા લાગી. મોહનલાલ આવવાનો હોય ત્યારે સજીને શૃંગાર કરતી. સરસ રીતે તૈયાર થતી. જાણે કે મોહનલાલ જ તેનો પતિ હોય તેમ વર્તતી અને પત્નીધર્મ નિભાવતી હોય તેવો વ્યવહાર કરવા લાગી. તેની સામે ગોકુલ નિઃસહાય હતો. લાચાર હતો. એ પછી તો પરિસ્થિતિ એવી આવી કે, મોહનલાલ ઘરમાં આવે એટલે ગોકુલ જ પત્નીની બેશરમી જોવી ન પડે તે માટે ઘરમાંથી બહાર નીકળી જતો.
સમય વીતતો રહ્યો. આખા મહોલ્લાને આ પ્રકરણની ખબર હતી, પરંતુ કોઈ કશું કહેવા તૈયાર નહોતા. મનોરમાને પણ કોઈની પરવા નહોતી. એક દિવસ કોઈ કામસર મનોરમાના જેઠ બપોરના સમયે ગોકુલના ઘરે આવી ગયા. ઘરનું બારણું સહેજ જ આડું હતું. તેઓ બારણાને હડસેલીને અંદર પ્રવેશ્યા. તેમણે જોયું તો ઘરમાં મોહનલાલ જમવા બેઠો હતો અને મનોરમા ખુદ તેના હાથે મોહનલાલને જમાડી રહી હતી. મનોરમાના જેઠ રામચંદ્ર પરિસ્થિતિ પામી ગયા. તેમણે મનોરમાને ખખડાવી નાખી. મનોરમાએ હસીને જેઠને કહ્યું : “મોટાભાઈ, મારા આ જીજાજીની પત્ની કાંતા ખોળો ભરાવીને પ્રસૂતિ માટે પિયર ગઈ છે. એ મહિનાથી આપણા ઘરે જ જમે છે.”
રામચંદ્ર બીજી કોઈ પણ વાત કર્યા વગર ઘરની બહાર નીકળી ગયા. તેઓ નાના ભાઈ ગોકુલને મળવા સીધા ખેતરમાં ગયા. ગોકુલે પોતાની બેબસીની વાત કરી. એણે નાના ભાઈને સાંત્વના આપી. એ પછી એમણે કંઈક યુક્તિપૂર્વકની સલાહ પણ આપી.
એ સાંજે ઘરે ગયા પછી ગોકુલે રાત્રે જ મનોરમાને કહ્યું : “જો મનોરમા, મને આજથી તારા અને મોહનલાલના સંબંધો સામે કોઈ વાંધો નથી. મોહનલાલને બોલાવ. હું તેની સામે જ આ વાત કરવા માગું છું.”
મનોરમાએ રાજી થતાં તેના પ્રેમી મોહનલાલને બોલાવ્યો. મોહનલાલ આવતાં જ ગોકુલે કહ્યું : “મેં તમારા અને મનોરમાના સંબંધોને સ્વીકારી લીધાં છે.”
મોહનલાલે કહ્યું : “ડહાપણનું કામ કર્યું. શું એક સ્ત્રી બે પુરુષોની પત્ની ના હોઈ શકે ? જો પત્ની ઇચ્છતી હોય તો બીજાને વાંધો ન હોવો જોઈએ. તમારી પત્ની તમારા જ ઘરમાં તેના હાથે મને જમાડે તો તમારે વાંધો લેવો જોઈએ નહીં.”
ગોકુલે કહ્યું : “મનોરમા ઇચ્છતી હોય તો મને વાંધો નથી. બોલ, મનોરમા, તું શું ઇચ્છે છે ?”
“હું તમારી અને મોહનલાલ એમ બંનેની સાથે રહેવા માગું છું” મનોરમા બોલી. “કારણ કે હવે સ્ત્રીઓ સ્વતંત્ર છે. સમય બદલાઈ ગયો છે.”
ગોકુલે કહ્યું, “તારે બેની સાથે રહેવું હોય તો મને વાંધો નથી.”
સમય વહેતો ગયો.
એ દિવસ પછી મોહનલાલા બિનધાસ્ત ગોકુલના ઘરમાં આવતો ગયો.
આ વાતને ત્રણ-ચાર મહિના વીત્યા. હવે તો મોહનલાલની પત્ની કાંતા પણ બાળકને લઈ પાછી આવી ગઈ હતી.
એક દિવસ મોહનલાલ બહારગામ ગયો હતો. તે રાત્રે પાછો ફર્યો. એણે પોતાના ઘરનું બારણું ખટખટાવ્યું. બારણું અંદરથી બંધ નહોતું. બારણું હડસેલ્યું તે અંદર ગયો. લાઈટ કરી સીધો અંદરના રૂમમાં ગયો. એ અંદરનું દૃશ્ય જોઈ આભો બની ગયો. તેના ઘરમાં ગોકુલ જમવા બેઠો હતો અને તેની પત્ની કાંતા ગોકુલને જમાડી રહી હતી. જે કામ તે ગોકુલના ઘરમાં કરતો હતો એ જ દૃશ્ય એણે પોતાના ઘરમાં જોયું. પોતાની જ પત્ની બીજાને પોતાના હાથે જમાડતી હતી. આ દૃશ્ય જોઈને મોહનલાલ સમસમી ગયો.
મોહનલાલે ત્રાડ પાડી : “આ બધું શું છે ?”
ગોકુલ બોલે તે પહેલાં મોહનલાલની પત્ની કાંતા બોલી : “જો પત્ની ઇચ્છતી હોય તો તે બે પુરુષ સાથે કેમ રહી ના શકે ? આ દેશમાં સ્ત્રીઓ હવે સ્વતંત્ર છે.”
મોહનલાલને તેની જ ભાષામાં તેની પત્ની કાંતાએ જવાબ આપ્યો તો સ્તબ્ધ થઈ સાંભળી રહ્યો. કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર ઘરની બહાર નીકળી ગયો.
કાંતા બોલી : “ગોકુલભાઈ, જુઓ તમે ઘરે જાઓ. ચિંતા ના કરો. આજનું દૃશ્ય જોયા પછી મારો વર કદી તમારા ઘરે નહીં આવે.”
અને એમ જ બન્યું.
મોહનલાલની સાન ઠેકાણે લાવવા માટે ગોકુલે મોહનલાલની પત્ની કાંતાને વિશ્વાસમાં લઈને માત્ર દેખાવ ખાતર જ એ દૃશ્ય ઉપજાવ્યું હતું. એ દિવસ પછી મોહનલાલ કદીયે ગોકુલના ઘરમાં આવ્યો નહીં.
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "