Devendra Patel

Journalist and Author

Month: September 2015 (Page 2 of 2)

સીમાવર્તી રાજ્યોની ભીતર શું ચાલી રહ્યું છે?

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
બધું જ બરાબર છે?
ના.

સરકારની વાત નથી, કોઈ રાજકીય પક્ષની વાત નથી, દેશની ભીતર ચાલી રહેલી કેટલીક ભૂગર્ભ પ્રવૃત્તિઓની વાત છે. ભૂકંપ આવવાનો હોય તો તેની પહેલાં ભૂગર્ભમાં ધગધગતો લાવા ભીતર પ્રચંડ વરાળ ઊર્જા પેદા કરે છે. પ્લેટ્સને ખસેડે છે અને તે પછી સપાટી પર ભયંકર હોનારત સર્જાય છે. આ વાત પણ દેશમાં અને સરહદી પ્રાંતોમાં ચાલી રહેલી કેટલીક ઘટનાઓ વિશે છે. દેશનાં સીમાવર્તી રાજ્યોમાં કેટલીક એવી ઘટનાઓ ઘટી છે જેને દેશે ખૂબ ચિંતાની નજરે જોવી જોઈએ.

સૌથી પહેલાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોની વાત. મણિપુરમાં ડોગરા રેજિમેન્ટના સલામતી દળ પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો અને ૨૮ જવાનો શહીદ થઈ ગયા. તેના જવાબમાં ભારતીય લશ્કરે મ્યાનમારમાં ઘૂસી સર્જિકલ ઓપરેશન કર્યું. બોડો ત્રાસવાદીઓ આ ઘટનાનો બદલો લેવા પ્રયાસ કરશે તેવી દહેશત છે. મ્યાનમારમાં પ્રવેશી ભારતીય લશ્કરે ૫૦ જેટલા ત્રાસવાદીઓનો સફાયો કર્યો, તે પછી બે મંત્રીઓએ જે ડંફાશ મારતાં આ નિવેદનો કર્યાં તેનાં ઉગ્ર પ્રત્યાઘાત પાકિસ્તાને આપ્યા છે. મ્યાનમારમાં જે કર્યું તેવું પાકિસ્તાનમાં ઘૂસીને કરવું મુશ્કેલ છે. તેનાં બે કારણો છે. એક તો મ્યાનમાર ભારતનું મિત્ર છે અને બીજું તેની પાસે અણુબોમ્બ નથી. એથી ઊલટું પાકિસ્તાન માટે છે. પાકિસ્તાન ભારતનું મિત્ર નથી અને પાકિસ્તાન પાસે અણુબોમ્બ છે. ન્યુક્લિયર દેશમાં મ્યાનમાર જેવો પ્રયોગ દુઃસાહસ સાબિત થઈ શકે છે. અમેરિકાએ પાકિસ્તાનમાં પ્રવેશીને ઓસામા બિન લાદેનને ખતમ કર્યો તે ઘટનાની નકલ કરવાની વાત કરવી એક વાત છે અને તેનો અમલ કરવો બીજી વાત છે. પાકિસ્તાનની મરજી, મંજૂરી કે મજબૂરી એ બધાનો લાભ ઉઠાવી એ કામ અમેરિકા કરી શકે છે, ભારત નહીં. પાકિસ્તાન એ અમેરિકાનું ખંડિયું રાજ્ય છે. એ કારણે અમેરિકા કહે તે પ્રમાણે પાકિસ્તાને ઘૂંટણિયે પડવું પડે. વળી, ભારતને નિયંત્રણમાં રાખવા જ અમેરિકા પાકિસ્તાનને આર્થિક અને બીજી બધી જ સહાય કરે છે. ચીન તો પાકિસ્તાનનું મિત્ર છે જ. આ પરિસ્થિતિને ખ્યાલમાં રાખીને જ નેતાઓએ નિવેદનો કરવાં જોઈએ. ભાષણો કરવાથી ચૂંટણી જીતી શકાય છે, યુદ્ધ નહીં. ભારતનું એ સદ્નસીબ છે કે અજય ડોભાલ જેવી વિચક્ષણ વ્યક્તિ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. તેમને તેમની રીતે કામ કરવા દો. સમજણ વગરનાં નિવેદનો કરીને તેમના વ્યાવસાયિક કૌશલ્ય અને વ્યૂહરચનાને નુકસાન ના પહોંચાડો.

હવે ભારતના અભિન્ન ભાગ કાશ્મીરની વાત. કાશ્મીરમાં છાશવારે પાકિસ્તાની ઝંડા લહેરાવવામાં આવે છે. પહેલાં પણ લહેરાવવામાં આવતા હતા, પરંતુ હમણાં આ ઘટનાઓ રોજ બને છે. આપણને એમ જ લાગે કે કાશ્મીરમાં વસતા લોકો પોતાની જાતને પાકિસ્તાનના નાગરિક માને છે. આ ડેન્જરસ સિગ્નલ છે. ભારતીય અખંડિતતાની આ ખુલ્લી અવગણના સામે ભારત સરકાર જાણે કે લાચાર લાગે છે. કાશ્મીરમાં વસતા અલગતાવાદીઓ બેફામ બન્યા છે. જમ્મુ અને કાશ્મીરની મુફ્તી સરકાર અલગતાવાદીઓની હમદર્દ હોય તેમ લાગે છે. ભારતીય જનતા પાર્ટી જેવી રાષ્ટ્રવાદી પાર્ટીએ મુફ્તી સાથે કેમ ગઠબંધન કર્યું તે સમજાતું નથી.

કાશ્મીરમાંથી હાંકી કઢાયેલા અથવા જન્મભૂમી છોડવા મજબૂર બનેલા કાશ્મીરી પંડિતોને ફરી કાશ્મીરમાં વસાવવાના મુદ્દે કાશ્મીરી પંડિતો માટે અલગ કોલોની બનાવવાનો અલગતાવાદીઓ વિરોધ કરી રહ્યા છે. કોણે કોની સાથે રહેવું તે શું કાશ્મીરના અલગતાવાદીઓ નક્કી કરશે? આ મુદ્દા પર અલગતાવાદીઓ સાંપ્રદાયિક રંગ ચડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તીને પોતાની જાતને ધાર્મિક ધ્રુવીકરણથી પર દર્શાવીને સત્તા ટકાવી રાખવા સિવાય બીજા કશામાં રસ નથી. કાશ્મીરમાં પાકિસ્તાનનો ઝંડો લહેરાવવો તે ગંભીર અને રાષ્ટ્રદોહ કરનારો ગુનો છે, પરંતુ મુફ્તી સરકારને આવા રાષ્ટ્રદ્રોહીઓ સામે કડક હાથે પગલાં લેવામાં કોઈ રસ નથી.

હવે ત્રીજા ભયજનક સંકેતની વાત. ગઈ તા. ૬ઠ્ઠી જૂને પંજાબમાં ઓપરેશન બ્લૂ સ્ટારની ૩૧મી વાર્ષિક તિથિ હતી. આ દિવસે અમૃતસરના સુવર્ણ મંદિરમાં ભીંડરાનવાલેના સંબંધીઓને કેટલાંક ઉપહાર આપવામાં આવ્યા. આ દિવસે ભીંડરાનવાલેના સમર્થકોએ ઉશ્કેરણીજનક નારાબાજી પણ કરી. વર્ષો પછી આ પવિત્ર પરિસરમાં ખૂનખરાબાની નોબત આવી. આ પણ આવનારા સમય માટે ખતરાની ઘંટી છે.

પંજાબમાં બાદલ સરકાર છે. પ્રકાશસિંહ બાદલ અને સુખબીરસિંહ બાદલનું ધ્યાન સરકાર ચલાવવા કરતાં તેમનાં કારખાનાં, હોટલો અને બસો ચલાવવા પર વધુ છે. તેમની માલિકીની બસોમાં ખુલ્લેઆમ બળાત્કાર થાય છે. પંજાબમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓ ફરી માથું ઊંચકી રહ્યા છે. પંજાબના પડોશી જમ્મુમાં ભીંડરાનવાલેનો સ્મૃતિ દિવસ હિંસક ઘટનાઓ સાથે મનાવવામાં આવ્યો. પંજાબના નાગરિકો દેશભક્ત અને રાષ્ટ્રભક્ત છે, પરંતુ ફરીથી ઉગ્રવાદ પેદા થાય તો?

ચિંતા છે ખરી, કોઈને? બાદલ સરકારને ખબર છે આ બધી ઘટનાઓની? તેઓ ગંભીર છે ખરાં? પંજાબની મોટાભાગની યુવાપેઢી નશામાં ડૂબીને બરબાદ થઈ રહી છે. હેરોઇન, બ્રાઉનસુગર અને નશીલી ટેબ્લેટ્સ કરિયાણાની દુકાનોમાં આસાનીથી મળે છે. નશાનાં આ ખતરનાક દ્રવ્યો હવે બીજાં રાજ્યોમાં પણ પ્રવેશી શકે છે. જો એમ થશે તો આ દેશની યુવાપેઢીનું ભવિષ્ય કેવું હશે? આવનારા સમયમાં ડ્રગ-માફિયાઓ આ દેશની યુવાપેઢીનો કબજો લઈ લેશે.

આ બધું જોતાં લાગે છે કે કેટલાંક રાજ્યોમાં પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. સીમાવર્તી રાજ્યોમાં ઊભરતી ઉગ્રવાદી પ્રવૃત્તિઓ પર જે તે સરકારનો કે કેન્દ્ર સરકારનો કોઈ જ કાબૂ રહ્યો ના હોય તેમ લાગે છે. વડાપ્રધાન ખુદ ઝારખંડમાં જાહેર કાર્યક્રમમાં જાય અને નકસલવાદીઓ અનેક ગામોના લોકોને બંધક બનાવી દેશના વડાપ્રધાનની સભામાં લોકોને જવા જ ના દે તે કેવું? નકસલવાદીઓ કેટલાંક રાજ્યોમાં મોબાઇલ ટાવરો ઉડાવી દે છે. જાહેર સડકો જ બાંધવા દેતા નથી. શાળાઓ પર તાળાં મારી દે છે. નકસલવાદથી પ્રભાવિત રાજ્યોમાં કોનું શાસન છે તેની જ ખબર પડતી નથી.

આ બધાં જ ડેન્જરસ સિગ્નલ્સ છે. પરિસ્થિતિ કાબૂ બહાર જાય તે પહેલાં અલગતાવાદી તત્ત્વોને જેર કરી લેવાં જરૂરી છે.

જીવાત્માનું પરમાત્મા સાથેનું મિલન તે યોગ છે

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

‘યોગ’ શબ્દ ૫૦૦૦ વર્ષ પુરાણો છે. આ શબ્દનો સૌથી પહેલો પ્રયોગ ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના સમયે અર્જુનને આપેલા ઉપદેશ વખતે કર્યાે હતો. વિષાદ પામેલા અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણે કર્મયોગ, જ્ઞાાનયોગ, ભક્તિયોગ તથા સાંખ્યયોગનું ઉત્કૃષ્ટ જ્ઞાાન આપ્યું હતું.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે, “જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ-ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે, એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. બહારના વિષયભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દૃષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીત્યાં છે, એવો મોક્ષ પરાયણ મુનિ ઇચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત છે. (મુનિ એટલે પરામાત્માનું સતત ચિંતન કરનાર) યોગમાં આદૃઢ થવા ઇચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું તે જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે.”

ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “જે વ્યક્તિ ઇન્દ્રિયોના ભોગોમાં અને કર્મમાં આસક્ત થતી નથી, તે સઘળા સંકલ્પોને ત્યાગી યોગરૂઢ થઈ કહેવાય છે. મનને તથા ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કશાયની ખેવના ના રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈ આત્માને નિરંતર પરમાત્મા જોડે, પવિત્ર ભૂમિ પર દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરીને ના ઘણા ઊંચા કે ના ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિરરૂપે સ્થાપીને તેની પર બેસી, ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાને વશમાં રાખીને, મનને એકાગ્ર કરીને, માનવી અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે. કાયા, મસ્તક અને ડોકને સીધાં તેમજ ટટ્ટાર ધારણ કરીને, સ્થિર થઈને, પોતાની નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ ટેકવીને, અન્ય દિશામાં ના જોતો બ્રહ્મચારી વ્રતમાં સ્થિત, નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી મારા પરાયણ થઈ ધ્યાનમાં બેસે. વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે.”

શ્રીકૃષ્ણ કહે છેઃ “આ યોગ ખૂબ ખાનારને સિદ્ધ થતો નથી તથા બિલકુલ ના ખાનારને પણ સિદ્ધ થતો નથી. તે જ રીતે ખૂબ ઊંઘનારને પણ સિદ્ધ થતો નથી અને હંમેશાં જાગનારનેય સિદ્ધ થતો નથી. દુઃખનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર-વિહાર કરનારાને, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારને તથા યથાયોગ્ય ઊંઘનાર તથા જાગનારને સિદ્ધ થાય છે. સંપૂર્ણ રીતે વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક રીતે સ્થિત થઈ જાય છે, એ વખતે સમસ્ત ભોગોથી નિસ્પૃહ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે.

જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જિતાયેલા ચિત્તની કહેવાઈ છે.”

શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “પરમાત્માની પ્રાપ્તિરૂપી જે લાભ પામીને એનાથી વધુ બીજા કશા લાભને માનતો નથી અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણાં દુઃખથી પણ વિચલિત થતો નથી. જન્મ-મરણનાં દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે તેને જાણવો જોઈએ. જેનું મન શાંત છે, નિષ્પાપ છે, જેનો રજોગુણ શાંત થઈ ગયો છે, એવા સચ્ચિદાનંદ ધન બ્રહ્મની સાથે એકાત્મકતા પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. હે અર્જુન, જે યોગીની જેમ સઘળાં ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અને દુઃખ પણ સમ જુએ છે, તે યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે.”

યોગનો આધ્યાત્મિક અર્થ સમજાવતાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “યોગભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકને એટલે કે સ્વર્ગને પામે છે. ત્યાં ઘણાં વર્ષો સુધી નિવાસ કર્યા બાદ શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘેર જન્મ લે છે. આ સિવાયના વૈરાગ્યવાન યોગભ્રષ્ટ માણસો એ લોકમાં ના જતાં જ્ઞાાનવાન યોગીઓના કુળમાં જન્મ લે છે. ત્યાં તેઓ પૂર્વજન્મના શરીરમાં સંઘરેલા બુદ્ધિ સંયોગ-સંસ્કારોને પામે છે તથા જે શ્રીમંતોના ઘેર જન્મ લેનાર યોગભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં પૂર્વજન્મના અભ્યાસના બળે ભગવાન પ્રત્યે આકર્ષાય છે, પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કારના બળે આ જન્મે જ સિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ પરમ ગતિને પામે છે. યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે, શાસ્ત્રોથીયે શ્રેષ્ઠ છે અને સકામ કર્મ કરનારાથીયે શ્રેષ્ઠ છે, માટે હે અર્જુન, તું યોગી થા? સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માંથી મને ભજે છે, તે યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે.”

યોગનો આ તો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આધ્યાત્મિક સંદેશ છે. ‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ આ દેશની પ્રાચીન ધરોહર છે. ભારતમાં યોગને એક આધ્યાત્મિક પ્રક્રિયા કહે છે જેમાં શરીર, મન અને આત્માને એકસાથે લાવવા (યોગ)નું કામ થાય છે. આ શબ્દ, પ્રક્રિયા અને હિન્દુ ધર્મ,બૌદ્ધ, જૈન ધર્મમાં ધ્યાનની પ્રક્રિયા સાથે સંબંધિત છે. યોગ શબ્દ ભારતથી બૌદ્ધ ધર્મની સાથે ચીન, જાપાન, તિબેટ, દક્ષિણ પૂર્વ એશિયા અને શ્રીલંકામાં પણ ફેલાઈ ગયો.

યોગની બાબતમાં શ્રીમદ્ ભગવદ્ગીતામાં આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં આ શબ્દનો પ્રયોગ થયેલો છે. તેમાં ક્યારેક તે એકલો, તો ક્યારેક વિશેષણ જેમ કે બુદ્ધિયોગ, સંન્યાસ યોગ, કર્મયોગ તરીકે વપરાયો છે. વેદોત્તર કાળમાં તે ભક્તિયોગ અને હઠયોગના નામથી પ્રચલિત છે. મહાત્મા ગાંધીએ અનાસક્તિ યોગનો વ્યવહાર કર્યો. પાતંજલ યોગદર્શનમાં ક્રિયાયોગ શબ્દ જોવામાં આવે છે. એ સિવાય પાશુપત યોગ અને માહેશ્વર યોગ જેવા શબ્દો પણ ચર્ચામાં આવ્યા છે. ઘણા વિદ્વાનો યોગ શબ્દનો અર્થ કરવામાં ગૂંચવણમાં પડી ગયેલા જોવા મળે છે. કેટલીક વાર તે જુદાં જુદાં સ્થળો પર તેનો જે અર્થ કરવામાં આવ્યો છે તે એકબીજાના વિરોધી જેવો લાગે. તેથી ઘણાને યોગની પરિભાષા કરવી કઠિન લાગે છે. આમ છતાં ભગવાન શ્રીકૃષ્ણે કરેલું યોગનું અર્થઘટન શ્રેષ્ઠ અને માન્ય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે ‘યોગઃ કર્મસુ કૌશલમ. (અર્થાત્ કર્મોમાં કુશળતાને યોગ કહે છે) કેટલાંક વિદ્વાનોનું કહેવું છે કે, જીવાત્મા અને પરમાત્માના ઐક્યને યોગ કહે છે.

બીજી બાજુ પતંજલિએ ‘યોગદર્શન’માં કહ્યું છેઃ “પૂર્ણપણે થંભી જવાનું નામ યોગ છે.” આ વાક્યના બે અર્થ છેઃ ચિત્તવૃત્તિઓના નિરોધની અવસ્થાનું નામ યોગ છે અથવા આ અવસ્થા લાવવાના ઉપાયને યોગ કહે છે.

યોગના અનેક પ્રકાર હોવાનું કહેવાયું છે. યોગની ઉચ્ચ અવસ્થા સમાધિ, મોક્ષ, કૈવલ્ય સુધી પહોંચવા અનેક સાધકોએ જે સાધનોનો ઉપયોગ કર્યો તેનું વર્ણન જુદાં જુદાં ધર્મશાસ્ત્રોમાં જોવા મળે છે. યોગના જે વિવિધ પ્રકારો છે તેમાં ૧. મંત્રયોગ ૨. હઠયોગ ૩. લયયોગ અને ૪. રાજયોગ જાણીતા છે. મનની ચંચળતાને રોકવી તે મંત્રયોગ છે. મંત્રથી ધ્વનિ તરંગો પેદા થાય છે. મંત્ર શરીર અને મન બેઉ પર પ્રતાપ નાખે છે. હઠયોગમાં હઠ દ્વારા કોઈ કાર્ય કરવું તેવો મતલબ છે.’હ’નો અર્થ સૂર્ય તથા ‘ઠ’નો અર્થ ચંદ્ર છે. સૂર્ય અને ચંદ્રની સમાન અવસ્થા તે હઠયોગ છે. શરીરમાં હજારો નાડીઓ છે. તેમાંથી ત્રણ પ્રમુખ નાડીનું વર્ણન આ પ્રમાણે છેઃ સૂર્યનાડી અર્થાત્ પીંગળા જમણા સ્વરનું પ્રતીક છે. ચંદ્રનાડી અર્થાત્ ઇડા તે ડાબા સ્વરનું પ્રતીક છે. આ બંનેની વચ્ચે એક ત્રીજી નાડી છે સુષુમ્ના. આ રીતે હઠયોગ તે પ્રક્રિયા છે જેમાં પીંગળા અને ઇડાના સહારે પ્રાણને સુષુમ્ના નાડીમાં પ્રવેશ કરાવીને બ્રહ્મરંધ્રમાં સમાધિસ્થ કરવી. હઠયોગમાં ચાર અંગોનું વર્ણન છે, જેમાં આસન, પ્રાણાયામ, મુદ્રા, બન્ધ અને નાદાસુધાનનો સમાવેશ થાય છે.

લયયોગમાં સાધક જ્યારે ચાલતાં, બેસતાં, સૂતાં, ભોજન કરતાં હર સમયે બ્રહ્મમાં ધ્યાન રહે તેને લયયોગ કહે છે. જ્યારે રાજયોગ બધા યોગોનો રાજા કહેવાય છે. તેમાં બધા જ પ્રકારના યોગની કોઈ ને કોઈ સામગ્રી અવશ્ય મળે છે. રાજયોગનો વિષય ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો તે છે. મહર્ષિ પતંજલિ કહે છે કે, સમાહિત ચિત્તવાળાઓ માટે અભ્યાસ તથા વૈરાગ્ય તથા વિક્ષિપ્ત ચિત્તવાળાઓ માટે ક્રિયાયોગનો સહારો લઈ આગળ વધવાનો રસ્તો તેમાં દર્શાવ્યો છે. આ યોગથી ક્લેશનો નાશ થાય છે, ચિત્ત પ્રસન્ન થઈ જ્ઞાાનનો પ્રકાશ ફેલાય છે અને વિવેક પ્રાપ્ત થાય છે.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં જ્ઞાાનયોગ, કર્મયોગ અને સાંખ્યયોગનું વર્ણન છે. કર્મયોગમાં વ્યક્તિ પોતાની સ્થિતિ અનુસાર ઉચિત અને કર્તવ્યો અનુસાર કર્મોનો શ્રદ્ધાપૂર્વક નિર્વાહ કરે છે. ભક્તિયોગ એ ભક્તિનો યોગ છે. તેમાં ભગવદ કીર્તન, શ્રવણ જેવી ક્રિયાઓનો અનુરોધ છે. જ્ઞાાનયોગમાં જ્ઞાાન દ્વારા પરમેશ્વરને જાણવા અને જ્ઞાાનસર્જન કરવું તેમ કહેવાયું છે.

યોગ એ ગહન વિષય છે. યોગ એ જ્ઞાાન, વિજ્ઞાાન અને આધ્યાત્મના સંકલન દ્વારા મનની, શરીરની અને હૃદયની શાંતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિઓની સમગ્ર વિશ્વને ભારત દ્વારા અપાયેલી ભવ્ય ભેટ છે.

જ્યારે એક બાળકને ત્રણ વર્ષની વયે પૈસા પ્રત્યે અનાસક્તિ થઈ

જશન.

આ નામના એક બાળકનો જન્મ તા. ૨ ઓગસ્ટ, ૧૯૧૮ના રોજ હાલ પાકિસ્તાનમાં આવેલા હૈદરાબાદમાં થયો હતો. માતાનું નામ ક્રિશ્નાદેવી અને પિતાનું નામ પહલાજરાય. નવજાત શિશુનો રડવાનો અવાજ સાંભળી પિતા અંદરના ખંડમાં ગયા. એમણે બાળકને હાથમાં લીધું. ક્રિશ્નાદેવી ધીમેથી બોલ્યાં : “આ આપણો નાનકડો જશન (સેલિબ્રેશન) છે.” પિતાએ ઈશ્વરનો આભાર માન્યો. છ દિવસ પછી નામકરણ વિધિ માટે બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા. તેમણે જન્મકુંડળી તૈયાર કરી બાળકનું નામ પાડયું ‘વીરુ’, પરંતુ પરિવારે બાળકને ઘરમાં જશન કહીને જ બોલાવવાનું ચાલુ રાખ્યું.

નાનકડા જશનને બે બહેનો પણ હતી. એક દિવસ પડોશમાં દુર્ગાષ્ટમીની પૂજા થઈ રહી હતી. આસપાસમાં રહેતી નાની કુંવારિકાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બીજી કન્યાઓને કહેવામાં આવ્યું હતું કે, પૂજા પછી પ્રત્યેક કુમારિકાને બે આના (તે વખતનું ચલણ) આપવામાં આવશે. જશનની બે બહેનો શકુંતલા અને હરિને થયું કે તેમના નાનકડા ભાઈ જશનને પણ બે આના મળવા જોઈએ. એ હેતુથી તેમણે તેમના ત્રણ વર્ષની વયના નાનકડા ભાઈ જશનને છોકરીનાં વસ્ત્રો પહેરાવ્યા. સ્કર્ટ અને બ્લાઉઝમાં જશન પણ સુંદર કન્યા જેવો લાગતો હતો. બધા પૂજામાં ગયા. પૂજા પછી બધી કુમારિકાઓ બે આનાના સિક્કા લેવા લાઈનમાં ઊભી રહી ગઈ. જશનને સૌથી આગળ લાઈનમાં ઊભો રાખ્યો. તેના હાથમાં બે આનાનો સિક્કો મૂકવામાં આવ્યો, પરંતુ તેની પાછળ ઊભી રહેલી બે બહેનોથી હસવું ખાળી શકાયું નહીં. આ કારણે પૈસા વહેંચી રહેલા પુરુષને શંકા ગઈ. તેમણે ધારીને જોયું અને ખ્યાલ આવી ગયો કે છોકરો છોકરીનાં કપડાં પહેરીને આવ્યો છે. તેને ખખડાવી નાખવામાં આવ્યો : “શું તું અમને મૂર્ખ સમજે છે ? તેં છોકરીનાં વસ્ત્રો પહેરીને આવવાની હિંમત કેવી રીતે કરી ? આ છેતરપિંડી છે.” એમ કહી તેના હાથમાંથી બે આનાનો સિક્કો પાછો લઈ લીધો. એટલું જ નહીં, પણ તે માણસે નાનકડા જશનને એક તમાચ પણ ફટકારી દીધી.

ત્રણ વર્ષના જશનને આ અપમાન લાગ્યું. તે ક્ષોભ અનુભવતાં રડવા લાગ્યો. તેની બહેનો પણ હવે નિઃસહાય હતી, પરંતુ એ નાનકડા બાળકે એ ઉંમરે અને એ જ ક્ષણે પૈસાથી એક અંતર રાખવાનું નક્કી કરી નાખ્યું. નાની વયના બાળકના દિલોદિમાગ પર આ ક્ષોભજનક સ્થિતિની જબરદસ્ત અસર થઈ.

પિતા કરાંચીની મ્યુનિસિપલ પ્રાઈમરી સ્કૂલના સુપરવાઈઝર હોઈ ત્રણ વર્ષના જશનને ખાસ કેસ તરીકે ટી. સી. સિંધી મીડિયમ સ્કૂલમાં પ્રવેશ મળ્યો. પ્રાથમિક શિક્ષણનો પાંચ વર્ષનો કોર્સ એણે ત્રણ વર્ષમાં પૂરો કરી નાખ્યો. આઠ વર્ષની વયે બાળકને સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાં પ્રવેશ મળ્યો. એક વાર આ નાનકડા બાળકે એને સહાધ્યાયીઓને પૂછયું : “તમે કદી એ વિચાર્યું છે કે, તમે દુઃખી, અસંતુષ્ટ અને હતાશ કેમ થાવ છો ?”

”ના, તું જ કહે.” બીજાં બાળકોએ પૂછયું.

નાનકડા જશને કહ્યું : “આપણે દુઃખી છીએ, કારણ કે આપણે આ જીવન જેવું છે તેવું સ્વીકારી શકતા નથી. આપણી પાસે જે છે તેનો આપણને સંતોષ નથી. આપણે ભૂતકાળમાં જીવીએ છીએ. ભવિષ્યની કલ્પનામાં રાચીએ છીએ. કોઈ પરિવર્તન આવે તો આપણે તેનો પ્રતિકાર કરીએ છીએ. આપણે આપણી આસપાસની પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ તેથી દુઃખી થઈએ છીએ.”

નાનકડો જશન થિયોસોફિકલ સોસાયટીમાં એણે જે સાંભળ્યું હતું તે તેના મિત્રોને કહી રહ્યો હતો. પિતાના અવસાન પછી તે દરિયા કિનારે જઈ વિચારવા લાગ્યો. કરાંચીનો દરિયા કિનારો એને ગમતો હતો. એ દૂર દૂરથી આવતા મોજાંને જોઈ રહેતો. એ મોજાં દરિયા કિનારે વિખરાઈ જતાં. કોઈ વાર તે ગાંધી ગાર્ડન જતો. અહીં એક નાનકડું ઝરણું હતું. ઝરણા પર એક જૂનો સસ્પેન્શન બ્રિજ હતો. તે ગમે ત્યારે પડી જાય તેવો હતો. તેનું સમારકામ કરવું જરૂરી હોઈ એક દિવસ બ્રિજની આગળ એક બેરીકેડ મૂકી સૂચના લખવામાં આવી હતી કે, “આ બ્રિજ ભયજનક છે. કોઈએ તેની પરથી પસાર થવું નહીં.” નાનકડા જશને બ્રિજ પાસે જઈ આ બોર્ડ વાંચ્યું. એણે જોયું તે બ્રિજની નીચેના ભાગમાં એક પક્ષીએ એક માળો બાંધ્યો હતો. તેમાં તેનાં નાનાં બચ્ચાં પણ હતાં. જશનને પક્ષીઓ માટે બહુ જ લગાવ હતો. તે માળા પાસે ગયો અને ધીમેથી બોલ્યો : “ઓ નાનકડાં પક્ષી, તને ખબર છે કે, આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડશે ? તારું જીવન ભયમાં છે.”

થોડી વાર પછી બાળકને લાગ્યું કે અંદરથી પક્ષી જાણે કે બોલી રહ્યું છે : “ભય ? શાનો ભય ? બ્રિજ તૂટી પડવા જેવું લાગશે તો અમે અમારી પાંખો પ્રસારી ઊડી જઈશું.”

કેવું આશ્ચર્ય ! એ ક્ષણે જશનને લાગ્યું કે, મારે પણ આવી જ શ્રદ્ધા અને વિશ્વાસથી જીવવું જોઈએ. શું આપણા બધાની સંભાળ રાખવા આપણાથી ઉપર ભગવાન નથી ? આખરે આપણે એમનું તો સર્જન છીએ ? આ વિચારની સાથે જ નાનકડા જશનને પોતાની પાંખો પ્રસારી ઊડી જવાનું મન થયું.

પિતાના મૃત્યુ બાદ જશનને એક બીજો આંચકો લાગ્યો. તેના ૩૦ વિદ્યાર્થીઓના વર્ગમાં તે હંમેશાં પહેલા નંબરે પાસ થતો હતો, પરંતુ આ વખતે તે પ્રથમ નંબર ચૂકી ગયો અને બીજા નંબરે પાસ થયો. નિરાશ જશન ફરી દરિયા કિનારે ચાલ્યો ગયો. એવામાં તેના જ વર્ગનો એક વિદ્યાર્થી હાથમાં મીઠાઈ લઈને ખુશ થતો તેની પાસે આવ્યો. એણે કહ્યું, “જશન ! લે આ મીઠાઈ ખા. હું તો મારી સફળતાને ઊજવી રહ્યો છું.”

જશને પૂછયું : “તું તો છેક છેલ્લા નંબરની નજીક ૨૯મા નંબરે આવ્યો છે. તેમાં સફળતા શું ?”

એના મિત્રએ હસતાં હસતાં કહ્યું : “હું તો પાસ થઈ ગયો તેનો જ મને આનંદ છે. મને તો હતું કે હું નાપાસ જ થવાનો છું. હું નાપાસ થયો હોત તો મારું એક વર્ષ બગડત. બોલ, હવે તને નથી લાગતું કે હું નસીબદાર છું ?”

“હા… હા…” જશને કહ્યું અને એણે મીઠાઈ લીધી. તે પછી જશન બીચ પર ગયો. બેઠા બેઠા તે વિચારવા લાગ્યો કે, કોઈ પણ પરિસ્થિતિને તમે કઈ નજરથી જુઓ છો તે જ મહત્ત્વનું છે. મને પ્રથમ નંબરના બદલે બીજો નંબર મળ્યો તેથી હું દુઃખી હતો અને મારો સહાધ્યાયી માત્ર પાસ જ થઈ ગયો તેના કારણે આનંદમાં હતો. એને એથી વધુ કાંઈ ખપતું જ નહોતું. જશનને આત્મજ્ઞાાન લાદ્યું કે, બહારના સંજોગો તમારું સુખ નથી કરતાં, પરંતુ તે સંજોગોને નિહાળવાનો દૃષ્ટિકોણ જ તમારું સુખ નક્કી કરે છે.

આવો નાનકડો જશન એક વાર તેના ઘરની બહાર પસાર થઈ રહ્યો હતો. તેના બે મિત્રો તેને જોઈ રહ્યા હતા. રસ્તામાં ખૂણા પર એક મોટી વયના સજ્જન વ્યક્તિ ઊભા હતા. જશન અચાનક નીચે નમ્યો અને રસ્તા પરથી કોઈ ચીજ લઈ એણે મુઠ્ઠીમાં મૂકી દીધી. મોટી વયના એક વ્યક્તિ તેની પાસે આવ્યા અને કડકાઈથી કહ્યું : “છોકરા ! તારી મુઠ્ઠી ખોલ.”

જશને મુઠ્ઠી ખોલી નહીં.

પુખ્ત વયના પુરુષે તેને ખખડાવ્યો : “જો છોકરા ! તેં રસ્તા પર પડેલા કોઈના પૈસા લઈ લીધા છે ને ?તારે કોઈના એ પૈસા ના લેવા જોઈએ જે તારા નથી. આ એક પ્રકારની ચોરી છે. તું સારા ઘરનો છોકરો લાગે છે. તેં આમ કેમ કર્યું ?”

જશને કહ્યું : “મારી મુઠ્ઠીમાં એવું કંઈ નથી.”
“નહીં તારે તારી મુઠ્ઠી ખોલવી જ પડશે.” પુરુષે સખ્તાઈથી કહ્યું.

બાળકે સસંકોચ મુઠ્ઠી ખોલી. તેની મુઠ્ઠીમાં તીક્ષ્ણ કાચનો એક તૂટેલો ટુકડો હતો.

“કાચ ?” પેલા માણસે પૂછયું : “તેં આ કાચનો ટુકડો કેમ લીધો ?”

જશને કહ્યું : “સર, જેના પગમાં જૂતાં નહીં હોય એવો કોઈ ગરીબ માણસ અહીંથી પસાર થાત તો એના પગમાં આ કાચ વાગી ના જાય એટલે મેં એને ઉઠાવી લીધો.” આ કહેતી વખતે બાળકની આંખમાં આંસુ હતા. રસ્તામાં ઊભેલા તેના મિત્રો અને તેને ઠપકો આપનાર પુરુષ મૌન થઈ ગયા.

આ બાળક એક મોટો થઈ અને એક દિવસ મહાન સંતના રૂપમાં પરિવર્તિત થયો અને તેમનું નામ દાદા જે. પી. વાસવાણી.

તેઓ માત્ર ૧૭ વર્ષની વયે બી.એસસી. થયા હતા. માસ્ટર ડિગ્રી માટે તેમણે ‘ધી સ્કેટરિંગ ઓફ એક્સ-રે બાય સોલિડ્સ’ વિષય પર થિસીસ લખી હતી જેનું મૂલ્યાંકન નોબલ પ્રાઈઝ વિજેતા સી. વી. રમને કર્યું હતું. તેઓ કરાંચીની ડી. જે. સિંધી કોલેજના ફેલો તરીકે પણ રહ્યા. તે પછી તેઓ તેમના કાકા અને સંત સાધુ વાસવાણીના અનુયાયી બન્યા. દાદા જે. પી. વાસવાણી આજે ચિંતક, દર્શક અને ધર્મગુરુ તરીકે આખા વિશ્વમાં નામના પામ્યા છે. તેઓ લંડનના હાઉસ ઓફ કોમન્સ (પાર્લામેન્ટ)ને અને ઓક્સફર્ડમાં પણ પ્રવચન આપી ચૂક્યા છે. શિકાગોમાં યોજાયેલી વિશ્વના ધર્મો અને આધ્યાત્મિક વડાઓની પરિષદને પણ સંબોધી ચૂક્યા છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પણ પ્રવચન આપી ચૂક્યા છે. તેમણે ૭૫ જેટલાં પુસ્તકો લખ્યાં છે અને તેમને ‘યુ થાન્ત’ પિસ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેઓ હાલ ૯૭ વર્ષની વયના છે. દેશ અને દુનિયાભરમાં ચાલતી અનેક સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓને તેઓ માર્ગદર્શન આપે છે. અમદાવાદમાં સરદારનગર ખાતે ચાલી રહેલી સાધુ વાસવાણી હાયર સેકન્ડરી સ્કૂલનું સંચાલન પણ તેમના કુશળ માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.

તેમનો એક જ જીવનમંત્ર છે અને સંદેશ છે : ‘ટર્ન બેક ટુ ગોડ.’ તેઓ કહે છે : “આપણે ભગવાનને શાળાઓમાંથી અને ઘરમાંથી બહાર ફેંકી દીધા છે. ભગવાનને સ્કૂલોમાં, ઘરમાં અને તમારા જીવનમાં પાછા લાવો.”

– દેવેન્દ્ર પટેલ

વધુ ને વધુ ધન કમાવાની ધૂન સંતોષ આપશે નહીં

વોરેન બફેટ.

વિશ્વના બીજા નંબરના ધનવાન વ્યક્તિ ગણાય છે. તાજેતરમાં જ તેમણે બર્કશર હૈથવે ઇંકના ૨.૪૮ બિલિયન ડોલર એટલે કે રૂ. ૧૮ હજાર કરોડના સ્ટોકનું દાન આપી દીધું. અત્યાર સુધીમાં તેમણે આપેલા તમામ ધનની કુલ રકમ ૨૧.૫ અબજ ડોલર જેટલી થાય છે. ઉપરોક્ત રકમ તેમણે બિલ ગેટ્સ ફાઉન્ડેશનને માનવ કલ્યાણ માટે વાપરવા આપ્યું છે. હજી તેઓ પોતાની તમામ સંપત્તિ દાનમાં આપી દેવાની મહેચ્છા ધરાવે છે. બિલ ગેટ્સ ફાઉન્ડેશન શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં તથા ગરીબી નિર્મૂળ કરવાના ક્ષેત્રમાં કામ કરે છે.

દુનિયાભરના જે લોકો પૈસામાં જ સુખ શોધે છે તેમણે વોરેન બફેટની જિંદગીની કહાણી અને તેમના વિચારોમાં ડોકિયું કરવા જેવું છે. સ્કૂલના દિવસોમાં તેઓ અખબાર વેચતા હતા. ૧૧ વર્ષની વયે તેમણે પહેલું મૂડીરોકાણ કર્યું. શેરના ભાવોમાં ચઢાવ-ઉતારની રમત તેમને પસંદ આવી ગઈ. ભણતાં ભણતાં તેઓ બિઝનેસ પણ કરી લેતા હતા. જોતજોતામાં તેઓ વિશ્વના સૌથી અમર વ્યક્તિ બની ગયા.

વોરેન બફેટનો જન્મ તા. ૩૦ ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ અમેરિકાના નેબ્રાસ્કા પ્રાંતમાં થયો હતો. પરિવારમાં ત્રણ ભાઈ-બહેન હતાં. એમના પિતા હોવાર્ડ બફેટ સ્ટોક બ્રોકર હતા. આસાનીથી ઘર ચાલતું હતું, પરંતુ વોરેન બફેટ શરૂઆતથી જ સ્વાવલંબી હતા. તેઓ પોતાનો ખર્ચ પિતા પર પડે તેવું ઇચ્છતા નહોતા. એટલે જ સ્કૂલના દિવસોમાં સ્કૂલે જતા પહેલાં સવારમાં અખબાર વેચવા લાગ્યા હતા. એ કારણે તેમનું ખિસ્સાખર્ચ આસાનીથી નીકળી જતું હતું. તેમની માતા લીલા સ્ટાફલ બફેટ ઘર સંભાળતી હતી. તેમને પુત્રના પાર્ટ ટાઈમ જોબ સામે કોઈ વાંધો નહોતો.

એક દિવસ વોરેન બફેટ તેમના પિતાની સાથે શેરબજારમાં ગયા. શેરબજારમાં પહેલી જ વાર નાનકડા કિશોરે શેરબજારની ઉત્તેજના નિહાળી. શેરોના ઊંચકાતા અને ગગડતા ભાવો પર શેર દલાલોના ચહેરા પર દેખાતા રોમાંચથી તેઓ અભિભૂત થઈ ગયા. એમને આ ધંધો દિલચશ્પ લાગ્યો. તે પછી તેઓ અવારનવાર પિતાની સાથે શેરબજાર જવા લાગ્યો.

વોરેન બફેટે ૧૧ વર્ષની ઉંમરે પહેલો શેર ખરીદ્યો. એક શેરની કિંમત ૩૮ ડોલર હતી. ખરીદીના બીજા જ દિવસે તે શેરનો ભાવ ઘટીને ૨૭ ડોલર થઈ ગયો. વોરેન ઉદાસ થઈ ગયો. પિતાએ થોડા દિવસો સુધી ઇંતજાર કરવા કહ્યું. કેટલાક દિવસો બાદ એ શેરની કિંમત ૪૦ ડોલર થઈ ગઈ. નાનકડા વોરેને તે શેર ઝડપથી વેચી દીધો. કેટલાક દિવસો બાદ એ જ શેરનો ભાવ ૨૦૦ ડોલર થઈ ગયો. હવે વોરેનને શેરબજારની ખૂબીઓ જાણવામાં રસ પડયો. ભણતાં ભણતાં તેણે શેરબજારમાં રસ લેવા માંડયો. વોરેન પહેલેથી જ હિસાબ-કિતાબમાં હોેશિયાર હતા. ગણિત પર તેમનો જબરદસ્ત કાબૂ હતો. નફા-નુકસાનને તેઓ બરાબર સમજતા હતા.

અલબત્ત, જીવનમાં જરૂરિયાતને તેઓ બહુ જ મહત્ત્વ આપતા હતા. બિઝનેસની સાથેસાથે ભણવાનું ચાલુ રાખ્યું. ૨૦ વર્ષની વયે વોરેને કોલંબિયા સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમની મુલાકાત બેન્ઝામિન ગ્રેહામ સાથે થઈ. બેન્ઝામિન ગ્રેહામ અર્થતંત્રના જાણીતા વિશ્લેષક હતા. તેમની પાસેથી વોરેન ઘણું શીખ્યા.

એ દરમિયાન ૨૨ વર્ષની ઉંમરે ૧૯૫૨માં વોરેને સુસૈન થોમસન સાથે લગ્ન કરી લીધું. બે વર્ષ બાદ બેન્ઝામિન ગ્રેહામે વોરેનને પોતાની કંપનીમાં નોકરી આપી. અહીં તેમને પ્રતિવર્ષ ૧૨,૦૦૦ ડોલરનું વેતન મળતું હતું. ૧૯૫૬માં બેન્ઝામિન ગ્રેહામ નિવૃત્ત થઈ ગયા. તે પછી વોરેન પોતાના વતન વતન ઓમાહા પાછા આવ્યા. અહીં તેમણે બફેટ પાર્ટનરશિપ લિમિટેડ નામની કંપની ઊભી કરી. ૩૨ વર્ષની વયે તેઓ કરોડપતિ બની ગયા. ૧૯૬૫માં તેમણે બર્કશાયર હૈથવે કંપની લઈ લીધી. તે વખતે તેમની વય ૩૫ વર્ષની હતી. તે પછી તેઓ એક પછી એક એમ મોટું મૂડીરોકાણ કરતાં ગયાં. વોરેને એ પછી કદી પાછું વળીને જોયું નહીં.

વોરેન પોતાના મિત્રો અને સલાહકારોની બાબતમાં ખૂબ જ સજાગ રહેતા. વોરેન હંમેશાં કહેતા કે, “તમે કેવા પ્રકારના માનવી છો તે તમારા મિત્રોથી નક્કી થાય છે. તમારી પ્રગતિ અને બરબાદીમાં તમારી આસપાસના લોકોની જ મુખ્ય ભૂમિકા હોય છે.”

વોરેન બફેટ કમાતા જ રહ્યા. ૨૦૦૮માં તેમની સંપત્તિ ૬૨ અબજ ડોલરની થઈ ગઈ. ‘ફોર્બ્ઝ’ મેગેઝિને વોરેન બફેટને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે જાહેર કર્યા. આજે તેઓ બર્કશાયર કંપનીના સીઈઓ છે, પરંતુ વોરેન બફેટે પોતાની સફળતા અને સંપત્તિ પર કદી અભિમાન કર્યું નહીં. તેમને પૈસાનો દેખાડો બિલકુલ પસંદ નથી. આજે પણ વોરેન બફેટ એ જ સામાન્ય ઘરમાં રહે છે જે તેમણે ૧૯૫૮માં ઓમાહામાં ૩૧,૫૦૦ ડોલરમાં ખરીદ્યું હતું. આ ઘરમાં માત્ર ત્રણ જ બેડરૂમ છે. જેટ વિમાન કંપનીના માલિક હોવા છતાં તેઓ કદી પ્રાઈવેટ જેટ વિમાનમાં મુસાફરી કરતા નથી. તેમના ઘરની બહાર કોઈ ઊંચી તારની વાડ નથી. ઘરમાં જરૂર કરતાં એક પણ ચીજ વધારાની ઉપલબ્ધ નથી. તેઓ જાતે જ પોતાની મોટરકાર ચલાવે છે. ડ્રાઈવર રાખતા નથી. મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીની પાર્ટીઓમાં કદી જતા નથી. તેઓ કોઈ સેલફોન રાખતા નથી. તેમના ટેબલ પર કોમ્પ્યુટર રાખતા નથી. ક્રેડિટ કાર્ડ રાખતા નથી. તેઓ કદીયે બેંકમાંથી લોન લેતા નથી. બ્રાન્ડેડ વસ્ત્રો, જૂતાં કે ચશ્મા ખરીદતાં નથી.

તેઓ કહે છે : “બર્કશાયર હૈથવે નામની મારી પેઢી ૬૩ કંપનીઓનો સમૂહ છે. મારી તમામ કંપનીના વડાઓને વર્ષમાં એક જ વાર મિટિંગમાં બોલાવી તેમને લક્ષ્યાંક આપી દઉં છું. યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપું છું. મારી દરેક કંપનીના સીઈઓને બે નિયમો આપું છું. નિયમ નંબર એક : શેર હોલ્ડરોનાં નાણાં ડૂબવા જોઈએ નહીં અને નિયમ નંબર બે : પહેલા નંબરના નિયમનો ભંગ કરવો નહીં.”

તેઓ કહે છે : “પૈસો માનવીનું સર્જન કરતો નથી, પણ માનવી જ પૈસાનું સર્જન કરે છે. બીજાઓ જે કરે છે તેમ ના કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તે પછી તમને જે યોગ્ય લાગે તેમ કરો. ખુશ રહેવા માટે બહુ જ ધન હોવું જરૂરી નથી. કેટલીક સાધારણ ક્ષણો તમને બેસુમાર ખુશીઓ આપી શકે છે. દા.ત. કોફી શોપમાં બેસીને આવતા જતા લોકોને નિહાળવામાં મને ઘણો આનંદ આવે છે. જેમ કે મને ઢળતા સૂરજની સંધ્યાએ ઉઘાડા પગે સમુદ્રના કિનારે ચાલવાનું બહુ જ ગમે છે. ભીની રેતી અને સુંદર હવા મને ઘણો આનંદ આપે છે જે કીમતી મોટરકારો અને મોંઘાદાટ વસ્ત્રો આપી શકતાં નથી.”

વોરેન બફેટ કહે છે : “કામ એવું પસંદ કરો કે સવાર થતાં જ તમને ફટાફટ ઓફિસે પહોંચી જવાનું મન થાય. ગમે તેટલા પૈસા હોય પણ સામાન્ય માનવી જેવું જ જીવન જીવો. પૈસાથી ખુશીઓ ખરીદી શકાતી નથી. બીજાઓની સાથે સરખામણી કરીને વધુ ને વધુ કમાવાની ધૂન તમને કદી સંતુષ્ટ કરી શકશે નહીં.”

આટઆટલી સંપત્તિ હોવા છતાં સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવતા વોરેન બફેટ વિશ્વના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું બીડું પણ ઉપાડયું છે. વિશ્વના મોટા દાનદાતાઓમાં વોરેન બફેટનું નામ ટોચ પર છે. ૨૦૦૬માં તેમણે પોતાની સંપત્તિનું દાન આપવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાની ૮૩ ટકા સંપત્તિ બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને આપવાની જાહેરાત કરી છે. ‘ટાઈમ’ મેગેઝિને તેમને વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ કર્યા હતા. ૨૦૧૨ એપ્રિલમાં મેડિકલ ટેસ્ટમાં તેમને માલૂમ પડયું કે તેમને કેન્સર છે. પાંચ મહિનાના સફળ ઇલાજ બાદ તેઓ કેન્સર સામેનો જંગ જીતી ગયા. ૮૩ વર્ષની વયે આજે તેઓ પોતાની જાતને ઓફિસ અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખે છે.

– દેવેન્દ્ર પટેલ

Page 2 of 2

Powered by WordPress & Theme by Anders Norén