Devendra Patel

Journalist and Author

Date: April 14, 2015 (Page 1 of 2)

તેમને મારા હૃદયમાંથી ભૂલતાં મને વર્ષો લાગ્યાં

નાતાલિયા રિવોલ્ટા કલ્યૂઝનું ૮૯ વર્ષની વયે અવસાન થયું. નાતાલિયાનું ટૂંકું નામ ‘નેટી’ હતું, તે ક્યૂબાના લેજન્ડરી સરમુખત્યાર ફિડલ કાસ્ટ્રોની મિસ્ટ્રેસ હતી. નેટી ક્યૂબાની હાઈ સોસાયટીમાં અત્યંત સુંદર સ્ત્રી તરીકે ખ્યાતિપ્રાપ્ય મહિલા હતી.

નેટીના જીવન વિશે જાણતા પહેલાં તે   જેમની પ્રેયસી હતી તે રાજનેતા ફિડલ કાસ્ટ્રો વિશે જાણી લેવું જરૂરી છે. ફિડલ કાસ્ટ્રો કયૂબાના વર્ષો સુધી લોકપ્રિય સરમુખત્યાર રહી ચૂક્યા છે. અમેરિકાએ કાસ્ટ્રોને મારી નાંખવા અનેકવાર નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. શીતયુદ્ધ વખતે ફિડલ કાસ્ટ્રોની મૈત્રી રશિયા સાથે હતી અને ક્યૂબા અમેરિકાને ગાઠતું ના હોઈ એક તબક્કે અમેરિકા અને રશિયા વચ્ચે અણુયદ્ધ ફાટી નીકળવાની અણી પર હતું. આજનું જે ક્યૂબા છે તે ફિડલ કાસ્ટ્રોની કલ્પનાનું ક્યૂબા છે. હવાના તેની મુખ્ય નગરી છે.

આવા ફિડલ કાસ્ટ્રો જ્યારે બહુ જ ઓછા જાણીતા હતા ત્યારે નેટી તેમના પ્રેમમાં પડી ગઈ હતી. પરિણીત હતી અને ફિડલ કાસ્ટ્રો પણ પરિણીત હતા. નેટી રિવોલ્ટાનો જન્મ તા. ૬ ડિસેમ્બર, ૧૯૨૫ના રોજ થયો હતો. તેના માતા-પિતાના છુટાછેડા થઈ ગયા બાદ તે ૧૦ વર્ષની હતી ત્યારે તેની માતાએ બીજું લગ્ન કર્યું હતું. નેટીએ હવાનામાં આવેલી અમેરિકન સંસ્થા- રસ્ટન એકેડેમી અને ત્યારપછી અમેરિકામાં સેન્ટ જોસેફ એકડેમીમાં શિક્ષણ લીધું હતું. ત્યાર પછી વોશિંગ્ટનની કોલેજમાં અભ્યાસ કર્યા બાદ ૧૯ વર્ષની વયે તે ક્યૂબા પાછી ફરી હતી. કારકિર્દીની શરૂઆત તેણે હવાનામાં આવેલા અમેરિકી દૂતાવાસમાં નોકરીથી કરી હતી.

નેટી ૨૨ વર્ષની હતી ત્યારે આર્લેન્ડો ફર્નાન્ડીઝ નામના એક સર્જન સાથે પરણી હતી. તેના પતિ તેના કરતાં ૨૦ વર્ષ મોટા હતા. તેમનાથી તે નીના નામની એક બાળકીની માતા બની હતી. પતિ અતિ પ્રતિષ્ઠિત હોવાના કારણે હવાનાના ભદ્ર સમાજમાં તેની ઓળખ વધી હતી. હવાનાની કંટ્રી કલબમાં દર શનિ- રવિવારે ટેનિસ રમવા જતી અને દરિયામાં તરતી લકઝુરિયસ યાચમાં લંચ લેતી, ભૂરી નીલી આંખો, વિશાળ બદન, ઉન્નત વક્ષઃસ્થળ અને સ્વરૂપવાન દેહના કારણે અનેક લોકોના આકર્ષણનું તે કેન્દ્ર બની હતી એના ભરાવદાર તનબદનના કારણે ઘણા તેને ‘ગેરિલા પ્રિન્સ’ કહેતા.

મુશ્કેલી એ હતી કે તેના પતિ એક તબીબ હોવાને કારણે અત્યંત વ્યસ્ત રહેતા. મોડી રાત સુધી તેઓ ઘેર જ ના આવતા. એ કારણે નેટી એક કોકટેલ પાર્ટીથી બીજી કોકટેલ પાર્ટીમાં વિહરતી રહેતી. એ વખતે ક્યૂબામાં રાજકીય અસ્થિરતા હતી. સરકાર ભ્રષ્ટાચારમાં લથપથ હતી. એ વખતે ‘ઓર્થોડોક્સ પાર્ટી’ સરકારના ભ્રષ્ટાચારની વિરુદ્ધ એક ચળવળ ચલાવી રહી હતી.

આ સમયગાળા દરમિયાન ૧૯૫૨માં એક ચાંદની રાતે યુનિર્વિસટી ઓફ હવાનાના પગથિયાંમાં એક જોશીલા પણ સરકાર સામે ચળવળ ચલાવતા એક યુવાન સાથે નેટીની મુલાકાત થઈ. એ યુવાન ફિડલ કાસ્ટ્રો હતો. એ વખતે નેટી માત્ર ૨૬ વર્ષની હતી અને ફિડલ કાસ્ટ્રો મિર્તા ડિયાઝ- બાલાઝ નામની મહિલા સાથે પરિણીત હતા. આ એક પ્રાથમિક અને ઔપચારિક મુલાકાત હતી. એ વખતે કેટલાક સ્પેનિશ સૈનિકો દ્વારા ક્યૂબાની આઝાદી માટે લડત ચલાવતા કેટલાક તબીબી વિદ્યાર્થીઓી હત્યા કરી દેવાઈ હતી. આ ઘટનાની વાર્ષિક તિથિ નિમિત્તે યોજાયેલા એક વિરોધ કાર્યક્રમમાં તે ફિડલ કાસ્ટ્રો સાથે જોડાઈ. ફિડલ કાસ્ટ્રો પણ તે વખતની ભ્રષ્ટ ક્યૂબન સરકાર વિરુદ્ધ ચળવળ ચલાવતા હતા.

કાસ્ટ્રોએ એક મિત્ર દ્વારા નેટી અને તેના પતિ સાથે સંબંધો કેળવવા ઓફર મોકલી. નેટીએ કાસ્ટ્રોને સાંજના પાંચ વાગ્યા પછી ઘેર આવવા કહ્યું. ફિડલ કાસ્ટ્રોના ઘરમાં આગમન પછી નેટીને લાગ્યંું કે, આ એક એવો પુરુષ છે જેની ઉપેક્ષા કરવી શક્ય નથી.બંને વચ્ચે મૈત્રી કેળવાઈ. પતિની જાણ બહાર જ નેટી તેના ઘરમાં સરકાર વિરોધી લડતના આયોજનનો બેઝ બનાવી ચૂકી હતી. આ ઘરમાંથી સરકાર સામે ક્યા ક્યા સ્થળે હુમલા કરવા છે તેનું આયોજન થતું. નેટી રિવોલ્ટાએ ઝુંબેશમાં કામ કરતા સ્વાતંત્ર્ય સૈનિકો માટેના યુનિફોર્મ પણ સીવવા લાગી. આઝાદીની લડાઈ માટેની પત્રિકાઓ વહેંચવા લાગી. એટલું જ નહીં પરંતુ તેની પાસે જે બચત હતી તે નાણાં તેના ડાયમંડસ અને ઝવેરાત પણ સ્વતંત્રતાની લડાઈ માટે આપી દીધા. બંને વચ્ચે પ્રેમ પણ પાંગર્યો.

આ લડત દરમિયાન એક હુમલામાં નિષ્ફળતા મળતા યુવાન ફિડલ કાસ્ટ્રો પકડાઈ ગયા. તેમની ધરપકડ થઈ. તેમને જેલમાં પુરવામાં આવ્યા. એ દરમિયાન નેટી તેના પ્રેમી ફિડલ કાસ્ટ્રોને જેલમાં પુસ્તકો, કવિતાઓ અને તેનાં પોતાના ચિત્રો મોકલતી રહી. એકવાર તો એણે એક પરબીડિયામાં દરિયાની રેતી મોકલીને બીચ પર તેમણે ગાળેલા સમયની યાદ અપાવી. તેણે તેમાં લખ્યું: ”તમે ઘણા દૂર છો, છતાં તમે એક સારા સાથી છો- યુ આર અ ગુડ કંપની.”

એ પત્રના જવાબમાં ફિડલ કાસ્ટ્રો પણ પત્રો લખતા તેઓ લખતાઃ ”તું પત્રો લખતી રહેજે. તારા પત્રો સિવાય હું રહી શક્તો નથી, આઈ લવ યુ વેરી મચ.”

એક વાર તેમણે લખ્યું હતું: ”તું ટાઈપ રાઈટર પર લખેલા પત્રો મોકલીશ નહીં. તારા હાથે લખેલા પત્રો જ મોકલ. તારા હાથ નાજુક, કોમળ અને ક્ષતિરહિત છે.”

એ વખતે ફિડલ કાસ્ટ્રો તેમના પત્નીને પણ પત્રો લખતા. એ તમામ પત્રો સેન્સર થતા. એક વખત જેલના અધિકારીઓએ જાણીબુઝીને પત્નીને લખેલો પત્ર નેટીને મોકલી આપ્યો અને પ્રેયસીને લખેલો પત્ર કાસ્ટ્રોની પત્નીને મોકલી આપ્યો.

૧૯૫૫માં ફિડલ કાસ્ટ્રો જેલમાંથી છૂટયા. ફિડલ કાસ્ટ્રોની પત્નીએ પતિને છુટાછેડા આપી દીધા. કારણ કે પત્રોની અદલાબદલીથી પત્નીને પતિના નેટી સાથેના સંબંધોનો ખ્યાલ આવી ગયો હતો. કેટલાક મહિનાઓ સુધી કાસ્ટ્રો અને નેટી પ્રેમીઓ તરીકે સાથે રહ્યા. તે પછી કાસ્ટ્રો ક્યૂબાની સરકાર સામે ક્રાંતિ કરવાનો પ્લોટ રચવા મેક્સિકો ચાલ્યા ગયા. એ વખતે નેટી તેના પ્રેમી કાસ્ટ્રોથી ગર્ભવતી હતી. અલબત્ત કાસ્ટ્રો આ વાત જાણતા નહોતા. મેકિસકો ગયા પછી કાસ્ટ્રોએ નેટીને મેક્સિકો આવવા આમંત્રણ આપ્યું. તેઓ નેટી સાથે લગ્ન પણ કરી લેવા માંગતા હતા પરંતુ આ હિંસક ક્રાંતિમાં કાસ્ટ્રો માર્યા જશે એવા ભયથી તે મેકિસકો ના ગઈ.

તે પછી ૧૯૫૬માં નેટીએ એલિના નામની બાળકીનોે જન્મ આપ્યો જે હકીકતમાં કાસ્ટ્રોથી થયેલી બાળકી હતી. એ પછી કયૂબાની સરકારને ઉથલાવવામાં કાસ્ટ્રો વ્યસ્ત થઈ ગયા. આ લડત બીજાં ત્રણ વર્ષ સુધી ચાલી. આ દરમિયાન એકવાર કાસ્ટ્રો તેમની પ્રેયસી નેટીને મળવા તેના ઘરે ગયા. તેમણે પહેલી જ વાર પુત્રી એલિનાને જોઈ પણ તેઓ ઓળખી શક્યા નહીં. એ દરમિયાન નેટીના પતિએ એલિનાને પોતાની અટક આપી. આ સમયગાળા દરમિયાન નેટી પણ બદલાઈ ચૂકી હતી. તેને હજુ ભૌતિક દુનિયામાં રસ હતો જ્યારે કાસ્ટ્રો ગરીબોના મસીહા તરીકે ઉપસી રહ્યા હતા. કાસ્ટ્રો ક્યૂબન સરકાર વિરુદ્ધ યુદ્ધે ચઢેલા સ્વાતંત્ર્ય સૈનિકોના નેતા અને તેમના સરસેનાપતિ હતા. તેમણે ક્યૂબાની સરકાર ઉથલાવી દીધી. હવે તેઓ ખુદ નવી કમ્યુનિસ્ટ કયૂબન સરકારના પ્રેસિડેન્ટ બની ગયા. પ્રેમીને ક્યુબાના શાસક બનેલા જોઈ નેટીને હવે કાસ્ટ્રો સાથે લગ્ન કરી ક્યૂબાની ‘ફર્સ્ટ લેડી’ બનવાની મહેચ્છા પ્રગટ થઈ, પરંતુ ફિડલ કાસ્ટ્રોએ હવે એ મોભો આપવા ઈન્કાર કરી દીધો. એટલું જ નહીં પરંતુ નેટી સાથે એક અંતર પણ રાખ્યું.

૧૯૫૯માં નેટી અને તેના પતિના છૂટાછેડા થઈ ગયા. તે પછી નેટી કદી પરણી નહીં. કયૂબાની તમામ સંપત્તિનું રાષ્ટ્રીયકરણ થતાં તેણે પોતાનું ભવ્ય નિવાસસ્થાન પણ ગૂમાવ્યું.

આ તરફ કાસ્ટ્રોથી થયેલી પુત્રી એલિના ૧૯૯૭માં કોઈ સ્પેનીશ ટૂરિસ્ટ સાથે ભાગી ગઈ. કાસ્ટ્રો કમ્યુનિસ્ટ વિચારસરણીવાળા નેતા હતા. બહારથી એવા સમાચાર મળતા જ રહ્યા કે એલિના ક્યૂબાની સામ્યવાદી સરકારની વિરુદ્ધમાં ક્યાંક લેખો લખતી રહે છે, જે સ્વયં ક્યૂબાના કમ્યુનિસ્ટ શાસક કાસ્ટ્રોથી પેદા થયેલી પુત્રી હતી.

વર્ષો વીતતા રહ્યા. નેટી ઉર્ફે નાતાલિયા એકાકી જીવન જીવતાં રહ્યા. કાસ્ટ્રો સાથે હવે તેમનો કોઈ સંપર્ક રહ્યો નહોતો. તે હજુ હવાનાના કોકટેલ પાર્ટીમાં ક્યારેક દેખાતા, સિગારેટ ફૂંક્યા કરતા. મૃત્યુ પર્યંત તેઓ માનતા રહ્યા કે ”કાસ્ટ્રોએ ક્યૂબાની ક્રાંતિ માટે પોતાની અંગત જિંદગીને બાજુમાં મૂકી દીધી હતી. કાસ્ટ્રોને મારા હૃદયમાંથી ભૂલતા મને વર્ષો લાગ્યા.”

આવી છે ફિડલ કાસ્ટ્રોના પ્રેયસીની કથા. ફિડલ કાસ્ટ્રો એ ઉંમરના કારણે પ્રમુખપદ અન્યને સોંપી દીધું છે અને હવે તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.

ભાભી, તમે ચાર બાળકોની મા હોય તેવાં લાગતાં નથી

નિશા.

એક નાનકડા ગામના જમીનદારની પુત્રી. તેનું લગ્ન પોતાની જ્ઞાાતિના ચંદ્રભાણ નામના એક યુવક સાથે કરવામાં આવ્યું. લગ્નની લાલ સાડીમાં લપટાયેલી નિશા નવવધૂ બની સાસરીમાં પહોંચી અને તેણે ઘૂંઘટ ઉતાર્યો ત્યારે તેના સુંદર ચહેરાને જોઈને સહુ પ્રભાવિત થઈ ગયા. સુહાગરાતે એનો પતિ ચંદ્રભાણ તો અપલક બની તેની ખૂબસૂરતીને જ જોઈ રહ્યો.

લગ્ન પછીના પાંચ વર્ષ દરમિયાન નિશા ચાર બાળકોની માતા બની ગઈ. સ્વરૂપનું બીજું નામ સુખ નથી. વાસ્તવિક જીવન અનેક કડવી સચ્ચાઈઓથી ભરેલું હોય છે. નિશા હવે ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ. તેના સાસરિયા નિશા પાસેથી સખ્ત કામ લેવા માંડયાં. સાસુ હંમેશા મ્હેણાં-ટોણાં મારતી. પતિ પણ નિશાની ઈચ્છાઓ પર પૂરતું ધ્યાન આપી શક્તો નહોતો. ચંદ્રભાણ ખેતીકામમાં વ્યસ્ત રહેતો હતો.

નિશાની મોટી બેન ગીતાનું લગ્ન નજીકના એક ગામમાં હુકમસિંહ સાથે કરવામાં આવેલું હતું. એક દિવસ નિશા તેની બેનના ઘેર થોડા દિવસ રહેવા માટે ગઈ. અહીં તેનો પરિચય અરવિંદ નામના યુવક સાથે થયો. અરવિંદ એ જ મહોલ્લામાં રહેતો હતો. કુંવારો હતો, દેખાવડો હતો. અવારનવાર ગીતાના ઘેર આવતો હતો. પહેલી જ મુલાકાતમાં તે ગીતાની પરિણીત બહેન નિશાનો દીવાનો થઈ ગયો. બેઉ વચ્ચે પ્રાથમિક પરિચય થયો. એક દિવસ તેણે નિશાને કહ્યું: ”ભાભી! તમને જોઈને લાગતું નથી કે તમે ચાર બાળકોની મા છો. સ્કૂલની છોકરી જેવા જ લાગો છો.”

અરવિંદે કરેલી આ તારીફ પર નિશા ખુશ થઈ ગઈ. બેઉ વચ્ચે આત્મીયતા વધી. કેટલાક દિવસો બાદ નિશા ફરી તેની બહેનના ઘેર આવી. ફરી અરવિંદ તેને મળવા આવ્યો. આ વખતે તો અરવિંદે પૂછી જ લીધું : ”ભાભી, તમારા પતિ ચંદ્રભાણ તમારો ખ્યાલ રાખતા હોય તેમ લાગતું નથી. આ વખતે તમે સહેજ સુકાયેલાં હોય તેમ લાગે છો.”

અરવિંદે નિશાની દુખતી રગ પર હાથ મૂકી દીધો. નિશાએ કોઈ જવાબ આપ્યો નહીં. એની આંખ રડુ રડુ થઈ રહી. અરવિંદે નિશાની આંખોમાં કોઈ છૂપી વેદના જોઈ લીધી. એ વખતે ઘરમાં કોઈ નહોતું. અરવિંદે નિશાનો હાથ પકડી પોતાના હાથમાં લેતાં કહ્યું: ”આજથી હું તમારો ખ્યાલ રાખીશ.” નિશા અરવિંદની કરીબ સરકી. બેઉ વચ્ચે લાગણીના સંબંધો બંધાયા.

એ પછી અરવિંદે નિશાના પતિ ચંદ્રભાણ સાથે દોસ્તી કરી લીધી. અવારનવાર તે ચંદ્રભાણને મળવાના બહાને નિશાના ઘેર જવા લાગ્યો. ચંદ્રભાણને શરાબની આદત હતી, અરવિંદ વ્હિસ્કીની બોતલ લઈને જતો હતો. એક દિવસ તે બપોરના સમયે નિશાના ઘેર પહોંચી ગયો. ચંદ્રભાણ તથા તેના સાસુ- સસરા ખેતરમાં ગયેલા હતા, બાળકો સ્કૂલમાં ગયેલા હતા. નિશા એકલી હતી. એ વખતે તે સ્નાન કરી રહી હતી. સ્નાન કરતી નિશાને જોતાં જ અરવિંદે કહ્યું: ”આજ તો ક્યામત આવી જશે.”

પોતાની તારીફ સાંભળી નિશા પુલક્તિ થઈ ઊઠી. એણે બાથરૂમનું બારણું પહેલાથી જ અડધું ખુલ્લું રાખ્યું હતું. એ ટોવેલ વીંટાળીને ભીના શરીરે જ બહાર આવી. મર્યાદા સમાપ્ત થઈ ગઈ. અને તે દિવસ પછી આ સિલસિલો ચાલુ રહ્યો. એ દિવસ પછી અરવિંદ દર બે ત્રણ દિવસે નિશાને મળવા બપોરના સમયે આવી જતો. એ વખતે ઘરના સભ્યો ખેતરમાં જ કામ કરતા રહેતાં. પરંતુ પડોશીઓના ધ્યાન પર આ વાત આવી ગઈ. કેટલાકે ચંદ્રભાણને સાવચેત કર્યો. પત્નીના અરવિંદ સાથેના આડા સંબંધોની જાણકારી મળતાં ચંદ્રભાણ વ્યાકુળ થઈ ગયો. એણે ઘેર આવી નિશા સાથે પૂછપરછ કરી. નિશાએ અરવિંદ સાથે એવા કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો. છતાં ચંદ્રભાણે નિશાને સખ્ત શબ્દોમાં ચેતવણી આપી દીધી. નિશાએ કહ્યું: ”હવે હું અરવિંદને ઘરમાં જ પેસવા નહીં દઉં.”

ચંદ્રભાણે એ સમયે તો ઝઘડો અટકાવી દીધો. પરંતુ તેનો શક યથાવત્ રહ્યો. એણે નિશા પર નજર રાખવાની વ્યવસ્થા ગોઠવી દીધી. બપોરના સમયે અરવિંદ તેના ઘરમાં આવે તો તેને ખેતરમાં જાણકારી આપવાની વ્યવસ્થા પણ કરી દીધી.

એક દિવસ ફરી એક વાર બપોરના સમયે અરવિંદ નિશાને મળવા તેના ઘેર આવી ગયો. તે નિશા વગર રહી શક્તો નહોતો અને નિશા પણ તેના વગર રહી શકતી નહોતી. તે ઘરમાં પ્રવેશ્યો અને નિશાએ બારણું બંધ કરી દીધું. અગાઉથી કરાયેલી ગોઠવણ પ્રમાણે કોઈકે ખેતરમાં જઈ ચંદ્રભાણને જાણ કરી દીધી. ચંદ્રભાણ ખેતરનું તમામ કામ છોડીને ચૂપચાપ ઘેર આવ્યો. બારણું ખટખટાવ્યું. ડરી ગયેલી નિશાએ બારણું ખોલ્યું. ચંદ્રભાણ ધસમસતો અંદર પ્રવેશ્યો. અરવિંદ તેના ઘરની અંદર જ હતો. બારણું અંદરથી બંધ હતું. તે પરિસ્થિતિ પામી ગયો. ચંદ્રભાણે નિશા અને અરવિંદને ફટકાર્યા. અરવિંદે બે હાથ જોડી માફી માંગી ”હવે ફરી કદી નહીં આવું.”

ચંદ્રભાણે વિચાર્યું કે વધુ મારઝૂડ કરવાથી સમાજમાં તમાશો થશે. એના હાથમાં કુહાડી હતી છતાં એણે કુહાડી ફેેંકી દેતાં કહ્યું: ”આ છેલ્લી તક છે. હવે આવું થશે તો બંનેને કાપી નાંખીશ.”

એ પછી અરવિંદ ત્યાંથી ભાગી ગયો. ચંદ્રભાણની ધમકીથી નિશા અને અરવિંદ એટલા ડરી ગયા હતા કે, મહિનાઓ સુધી અરવિંદ આ તરફ ફરક્યો જ નહીં. પરંતુ પ્રેમ અને વાસના આંધળા હોય છે. ફરીથી નિશા અને અરવિંદ ચોરી છૂપીથી મળવા લાગ્યા. હવે તેઓે ઘરની બહાર નદી કિનારે કોતરોમાં મળવા લાગ્યા. ફરી ચંદ્રભાણને આ વાતની ખબર પડી ગઈ. હવે તેણે મનોમન નિશા અને અરવિંદનો ખેલ ખતમ કરી નાખવાનો નિર્ણય કર્યો. એણે એક નાટક કર્યું. એણે નિશાને જ કહ્યું: ”નિશા! મે ં કારણ વગર તારા અને અરવિંદ પર શક કર્યો. ખરેખર તો તમે બંને નિર્દોષ છો. લોકોએ મારા મનમાં ખોટી ગેરસમજ પેદા કરી હતી. મારી ઈચ્છા છે કે આજે બા- બાપુ બહારગામ ગયાં છે. અરવિંદને બોલાવીએ. હું તેને દારૂ પિવરાવું. તેની માફી માંગું.”

નિશાને પતિના વિચારોમાં આવેલું પરિવર્તન ના સમજાયું. પણ પતિના કહેવાથી નિશાએ મોબાઈલ પર ફોન કરી અરવિંદને રાત્રે ઘેર આવવા આમંત્રણ આપ્યું. ચંદ્રભાણે આગલા દિવસથી જ કુહાડી ઘરમાં લાવી સંતાડી રાખી હતી. નિશાએ અરવિંદને ફોન કરીને કહ્યું: ”આજે રાત્રે આવી જાવ. મારા ઘેર પાર્ટી છે. મારા પતિને તેમની ભૂલ સમજાઈ છે. તેઓ તમને પાર્ટી આપી માફી માંગવા માંગે છે.”

અરવિંદને શક પડયો છતાં તે આવ્યો.

ચંદ્રભાણે એ રાત્રે જ અરવિંદને ખૂબ દારૂ પિવરાવી અરવિંદ અને નિશાની હત્યા કરી દેવાની યોજના બનાવી હતી. પાર્ટી ચાલુ થઈ. દારૂના જામ પર જામ ખાલી થવા લાગ્યા. બત્તી ધીમી થઈ ગઈ. ચંદ્રભાણ ઓછું પીતો હતો અને અરવિંદને વધુ પિવરાવતો હતો. રાત આગળ વધતી હતી. જમવાનું પણ બાકી હતું. ચંદ્રભાણે નિશાને કહ્યું: ”રસોડામાં જઈ જમવાનું કાઢ.”

નિશા રસોડામાં ગઈ.

ચંદ્રભાણ બીજા રૂમમાં છુપાયેલી કુહાડી લેવા ગયો. એણે જોયું તો કુહાડી નહોતી. એણે આખો રૂમ ફેંદી નાખ્યો. એણે બૂમ પાડીઃ”કુહાડી કયાં ગઈ?”

નિશા તેના હાથમાં કુહાડી સાથે ઊભી હતી. તે કોઈ પણ સંજોગોમાં તેના પ્રેમી અરવિંદને ગુમાવવા માગતી નહોતી. દિવસ દરમિયાન નિશાએ ઘરમાં છુપાવવામાં આવેલી કુહાડી જોઈ ગઈ હતી.પતિના ષડયંત્રનો અમલ થાય તે પહેલાં તેણે પોતાની યોજના બનાવી દીધી હતી અને રાત થાય તે પહેલા નિશાએ કુહાડી અન્યત્ર છુપાવી દીધી હતી. રાત્રે દારૂની પાર્ટી બાદ ચંદ્રભાણ હુમલો કરે તે પહેલા પતિ ચંદ્રભાણનો જ ખેલ ખત્મ કરી દેવા નિશાએ પ્લાન બનાવી રાખ્યો હતો. આ યોજના તેણે અરવિંદથી પણ છુપાવી હતી અને નિશાએ પતિના માથામાં કુહાડી ઝીંકી દીધી.

ચંદ્રભાણ તરફડિયા મારીને મૃત્યુ પામ્યો. પતિની યોજના પહેલાં પત્નીની ખતરનાક યોજના કામ કરી ગઈ. ઘરમાં હવે લોહીનું ખાબોચીયું હતું.

અરવિંદ પણ આ દૃશ્ય જોઈને આભો બની ગયો. આ દૃશ્ય જોયા બાદ તે પણ નિશાને ત્યાં જ મૂકી ભાગી ગયો.

સમયાંતરે નિશાની ધરપકડ થઈ. આ ષડયંત્રમાં અરવિંદને સામેલ ગણવો કે કેમ તે અંગે પોલીસ દ્વિધામાં છે.

મારું કોઈ ઈંટ કે ચૂનાનું સ્મારક બનાવશો નહીં

તા. ૪ સપ્ટેમ્બર, ૧૮૯૮.

આ દિવસે વડોદરા જિલ્લાના સાવલી ગામે એક બાળકનો જન્મ થયો. નામ ચુનીલાલ. આખું નામ ચુનીલાલ આશારામ ભગત. પિતા વ્યવસાયે રંગરેજ હતા. ભજનો ગાતાં. ગરીબાઈ છતાં બાળકને ગુજરાતી નિશાળમાં ભણવા મૂક્યો. આખું પરિવાર કાલોલમાં એક ઓરડામાં રહે. આગળ પરસાળ. પિતાને હુક્કો અને અફીણની ટેવ. રોજ રાતે ઘર પાસે ઓટલા નજીક છાણાંથી દેવતા જીવતા રાખે. તેમાંથી દેવતા લઈ હુક્કો પીવે. રાત્રે રોન ફરનારા સિપાઈઓ પણ ત્યાં આવે અને ચુનીલાલના પિતા સાથે બેસી હુક્કો પીએ.

એક દિવસે ઘરે મહેમાન આવ્યા હતા. તેમને બહાર ખાટલો પાથરી રાત્રે સૂવાડયા હતા. રાત્રે રોન ફરનારા બે સિપાઈ આવ્યા. તેમાંના એક સિપાઈએ પૂછયું, “અલ્યા ભગત !આ કોણ સૂતું છે ?”

ભગતે જવાબ આપ્યો, “મહેમાન છે.”

પેલા સિપાઈએ કહ્યું : “તો પછી પોલીસ ચોકીએ ખબર કેમ નથી આપી ?”

ભગતે જવાબ આપ્યો : “એવી ખબર અમારે આપવાની ના હોય.”

આ સાંભળતાં જ સિપાઈનો પિત્તો ગયો. એણે ચુનીલાલના પિતાને ફટકાર્યા અને મારતાં મારતાં પોલીસ ચોકી લઈ ગયો. આ કારમું દૃશ્ય સ્કૂલમાં ભણતાં નાનકડા બાળક ચુનીલાલથી જોઈ શકાયું નહીં. તે દોડતો દોડતો નાગરવાડામાં ગયો અને એક પ્રતિષ્ઠિત વ્યક્તિને બોલાવી લાવ્યો. તેમણે ચુનીલાલના પિતાને છોડાવ્યા. આ ઘટનાએ નાનકડા બાળકને વિચારતો કરી મૂક્યો. એને લાગ્યું કે, “ગરીબને આ સંસારમાં સૌ કોઈ હડધૂત કરે છે, અપમાનિત કરે છે. આપણે ગરીબ ભલે હોઈએ, પણ કોઈ આવી અહવેલના ના કરે તે માટે શું કરવું જોઈએ ?”

મનમાં વિચાર તો ઝબક્યો, પરંતુ ગરીબી તો હજુ યથાવત્ જ હતી. કાલોલમાં નવી અંગ્રેજી શાળા શરૂ થયેલી. બાળકને તેમાં ભણવું હતું, પરંતુ ફી ભરવાના પૈસા નહોતા તેથી એણે આખી નિશાળનું મકાન વાળવાનું માથે લીધું. તેના બદલે મહિને દોઢ રૂપિયો મહેનતાણું મળે. એ રકમમાંથી બાળક ભણ્યો, પણ ગરીબીના કારણે પેદા થયેલી ભાવનાનો પ્રચંડ અગ્નિ તેના હૃદયમાં પ્રજ્વલિત થઈ ચૂક્યો હતો. બચપણમાં જ ગામના એક અનાજના વેપારીને ત્યાં નોકરી શરૂ કરી. વેપારીએ ખેડૂતો પાસેથી લેવાતા તોલમાપમાં ચાલાકી કરી વધુ માલ પડાવવાની તરકીબ શીખવી. બાળકે ખેડૂતોના અનાજનું પૂરેપૂરું તોલમાપ બરાબર કર્યું. એણે શેઠની તરકીબનો ઉપયોગ ના કર્યો. શેઠને આ વાતની ખબર પડતાં ચુનીલાલે નોકરી છોડવી પડી.

જેમતેમ કરીને ૧૯૧૯માં ઊંચા માર્ક્સે તે બાળક મેટ્રિક થયો. વડોદરાની કોલેજમાં ભણવાનું શરૂ કર્યું. ફૂટપાથ પર જઈ બેસીને વાંચવાનું. એ પછી કિશોર ગાંધીજીની સ્વતંત્રતાની લડતના રંગે રંગાયો. કોલેજ છોડી દીધી. નવી શરૂ થયેલી ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા વિચાર્યું, પણ પૈસા ક્યાંથી લાવવા ? દર અઠવાડિયે ‘નવજીવન’ વેચીને ચલાવ્યું. એક નકલે એક પૈસો મળતો. ઇન્દુલાલ યાજ્ઞિાક સાથે કામ કર્યું. દરમિયાન ફેફરું (એપિલપ્સી) નામનો રોગ થયો. આરામ કરવા નર્મદા કાંઠે જવાનું થયું. અહીં એક સાધુ મહારાજે કહ્યું : “એક વર્ષ પછી તને કોઈ સદ્ગુરુ મળશે.”

એક તરફ દેશની સેવાની ધૂન અને બીજી તરફ ગરીબાઈ. યુવાને કંટાળીને નર્મદા નદીમાં ઝંપલાવીને જીવનનો અંત લાવવા નિર્ણય કર્યો. ગરુડેશ્વરથી આગળ જતાં ઊંચી ભેખડ પરથી નર્મદા મૈયામાં ઝંપલાવ્યું. નર્મદા મૈયાના મૃદુ, કોમળ અને શીતળ જળનો સ્પર્શ થતાં જ પાણીના પ્રવાહમાં પ્રચંડ વંટોળ સર્જાયો. તે શરીરે યુવાનના શરીરને ઉછાળીને ભેખડ પર પાછું ફેંકી દીધું. એ અલૌકિક દૃશ્ય હતું. બચી ગયા પછી લાગ્યું કે, “ઈશ્વરે મને કોઈ હેતુ માટે જ મોકલ્યો છે.”

એ દેહ તે પછી ‘પૂજ્ય શ્રી મોટા’ તરીકે દેશભરમાં પ્રચલિત બન્યો.

એ પછીની ઘટનાઓ લાંબી, ચમત્કારિક, અલૌકિક અને અદ્ભુત છે. પૂજ્ય મોટાને સાપ કરડયો, તેઓ દિવસોના દિવસો સુધી ખાધા-પીધા વિના ગુફામાં રહ્યા જેવી અનેક ઘટનાઓ તેમના જીવનમાં ઘટી. તા. ૨૯મી માર્ચ, ૧૯૩૯ના દિવસે કાશીમાં તેમને નિર્ગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો. તેમને પોતાના સાચા સ્વરૂપનો, જીવનમાં સત્યનો અને જન્મના હેતુનો સાક્ષાત્કાર થયો. આથી જ રામનવમી પૂજ્ય શ્રી મોટાના સાક્ષાત્કાર દિન તરીકે ઓળખાય છે.

એક વાર તેઓ બનારસ ગયા હતા. બનારસ સાક્ષર નરસિંહરાવ દીવેટિયાની બે દોહિત્રીઓના વાલી-પિતાની ફરજ બજાવવા તેઓ ગયા હતા. બંને બહેનો બનારસ પરીક્ષા આપવા ગઈ હતી. એ બંને બહેનો બહાર ફરવા જાય ત્યારે ઘરેણાં પહેરે અને પાછી આવે ત્યારે પૂજ્ય શ્રી મોટાને ઘરેણાં સાચવવા પાછું આપી દે. પૂજ્ય શ્રી મોટા એ ઘરેણાં પહેરણના ખિસ્સામાં સાચવે, પણ વિશ્વનાથના મંદિરે દર્શન કરતી વખતે ભીડમાં કોઈએ તેમનું ખિસ્સું કાપી ઘરેણું ચોરી લીધું. બીજા દિવસે ગંગામાં નૌકા વિહાર દરમિયાન ખબર પડી કે, ખિસ્સું કપાઈ ગયું છે. તે ઘરેણું ચોરાઈ ગયું છે. બહેનોએ તે ઘટનાને નજીવી હકીકત કહી, પરંતુ પૂજ્ય શ્રી મોટાને લાગી આવ્યું. નૌકામાં બંને બહેનો ભજનો ગાતી હતી. એ ભજનો સાંભળતાં જ પૂજ્ય શ્રી મોટાના હૃદયમાં ભાવાવેશ પ્રગટયો. શરીરની સ્થિતિ બાહ્ય ભાનરહિત થઈ ગઈ. ભાવાવેશમાં આવી અલૌકિક ધ્યાનમાં પ્રવેશેલા તેમનાથી કોઈ માણસ-ચોર દેખાયો. તેઓ બોલ્યા, “અલ્યા ! આ ઘરેણાં મારાં નથી. કોઈએ મને સાચવવા આપ્યા હતા. હું તો ગરીબ માણસ છું. હું ભરપાઈ કરી શકું તેમ નથી. એ ઘરેણું તારાથી જીરવી શકાશે નહીં. તું મને પાછું આપી જા.”

બીજા જ દિવસે એક માણસ દોડતો આવ્યો. એણે પૂજ્ય શ્રી મોટાને કહ્યું : “આ ઘરેણાં તમે પાછા લઈ લો. હું આખા શરીરે દાઝી રહ્યો છું. મને દાહ મટાડી દો.”

પૂજ્ય શ્રી મોટાએ કહ્યું : “ભાઈ ! તું એક વ્રત લે. આજથી કોઈ પણ મંદિરમાં દર્શને આવનારનું ખિસ્સું તું કાપીશ નહીં. પ્રભુકૃપાથી દાહ મટી જશે.”

આવનાર માણસે પ્રતિજ્ઞાા લીધી : “હું ભૂખે મરીશ, પણ કદી કોઈનું ખિસ્સું કાપીશ નહીં.” અને થોડી જ ક્ષણોમાં તેનો દાહ શાંત થઈ ગયો.

પૂજ્ય શ્રી મોટાનું જીવન આવી અનેક અલૌકિક ઘટનાઓથી ભરેલું છે, પરંતુ તેમનું સૌથી મોટું યોગદાન તો સમાજસેવાનું હતું. તેઓ કહેતા : “મારે સમાજને બેઠો કરવો છે.”

પૂજ્ય શ્રી મોટાએ મોટાં મંદિરો બંધાવી ર્ધાિમક સંત હોવાનો દાવો કદી કર્યો નહોતો. તેમણે આત્મોન્નતિ માટે આશ્રમો ઊભાં કરી’મૌન-મંદિરો’ની રચના કરી. તેઓ એક ક્રાંતિકારી પ્રતિભા હતા. તેઓ સામાજિક અને આધ્યાત્મિક ક્રાંતિના પ્રણેતા હતા. તેમણે સમાજને બેઠો કરવા ટહેલ નાખી. લોકોએ ધનથી તેમની ઝોળી છલકાવી દીધી. એ ધનનો ઉપયોગ તેમણે ગુજરાતમાં અનેક ગામોમાં પ્રાથમિક શાળાના ઓરડા બંધાવવા માટે કર્યો. પૂજ્ય શ્રી મોટાએ ઊભા કરેલા આશ્રમો હરિઃ ઁ આશ્રમોના નામે ઓળખાયા જ્યાં તરણ સ્પર્ધા, સાહસ પ્રવૃત્તિ તથા વૈજ્ઞાાનિક સંશોધનો જેવી પ્રવૃત્તિઓ આજે પણ ચાલે છે. ખૂબી એ છે કે, ક્યાંયે પૂજ્ય શ્રી મોટાનું નામ નથી. નામ છે માત્ર હરિ ઁ આશ્રમનું. પૂજ્ય શ્રી મોટાને એક સમયે એવો વિચાર આવ્યો કે, અંગ્રેજીમાં ‘એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ જેવાં વિશ્વકોષ જ્ઞાાન સંગ્રહનાં પુસ્તકો છે તેવાં ગુજરાતી ભાષામાં પણ હોવા જોઈએ. આ હેતુથી તેમણે ગુજરાત યુનિર્વિસટીને લાખો રૂપિયાનું દાન આપ્યું. તેઓ માનતા હતા કે સમાજમાં વીરતા, ખમીર અને સાહસનાં ગુણો પ્રગટ થવા જોઈએ. હું મારા માટે નહીં, પણ સમાજના માટે ભીખ માગી રહ્યો છું. એટલું બોલતાં તો એમની આંખો સજળ બની જતી. સમાજના ઉત્થાન માટે તેઓ આટલા બધા ભાવુક હતા.

પૂજ્ય શ્રી મોટાના જીવન કરતાં તેમના જીવનનો અંત વધુ રોમાંચક છે. તેમણે અગાઉથી જાહેર કરી દીધું કે, “ફલાણા દિવસે હું સ્વેચ્છાએ શરીર છોડી દઈશ.”

અને તેમ જ થયું.

આજે કેટલાક મોટા સાધુ-સંતોના દેહાંત બાદ ભવ્ય સ્મશાનયાત્રાઓ નીકળે છે. હજારોની ભીડ થાય છે. પણ શ્રી મોટાએ તેમ ના થવા દીધું. તેમના સ્વેચ્છા મૃત્યુ વખતે પાંચ-છ વ્યક્તિઓએ હાજર રહેવું તેવી તેમની સૂચના હતી. બીજા કોઈને ખબર આપવા તેમણે મનાઈ ફરમાવી હતી. તા. ૨૩-૧-૧૯૭૬ના રોજ પાંચ-છ જણાની હાજરીમાં પોતાની ઇચ્છાથી જ દેહ છોડયો. ફાજલપુર મુકામે મહી નદીમાં તેમની ભસ્મ વહાવી દીધા બાદ જ લોકોને જાણ થઈ. અંતકાળે તેમણે એક વસિયત લખી નાખી હતી : “મારા દેહાંત વખતે લોકો પ્રેમથી જે કાંઈ પૈસા આપે તેનો ઉપયોગ શાળાના ઓરડા બાંધવા કરજો. મારું કોઈ ઇંટ-ચૂનાનું સ્મારક બનાવશો નહીં.”

આજે કરોડોના ખર્ચે ભવ્યાતિભવ્ય મંદિરો બાંધવાની સ્પર્ધા ચાલી રહી છે ત્યારે પૂજ્ય મોટાનું જીવન અને મૃત્યુ બેઉ એક ક્રાંતિકારી પ્રભાવ છોડી જાય છે.

– દેવેન્દ્ર પટેલ

હું એકલી છું, તડપું છું મને સહારાની જરૂર છે

દિલ્હી.

પશ્ચિમી દિલ્હીના માદીપુર વિસ્તારમાં રહેતો ૨૮ વર્ષનો મહેતાબ- પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો. એક દિવસે તે ઘેરથી નીકળ્યો અને સાંજ સુધી પાછો જ ના આવ્યો. પરિવારજનોએ બીજા દિવસે પોલીસમાં ફરિયાદ નોંધાવી. પૂરા એક મહિના સુધી તેનો પત્તો લાગ્યો નહીં. પાછળથી પોલીસે એક ખાસ ટીમ બનાવી. મહેતાબના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ્સ કાઢતાં માલૂમ પડયું કે તે જે દિવસે ગાયબ થયો તે દિવસે તેના મોબાઈલ પર કોઈ એક નંબર પરથી ૧૦ કોલ આવ્યા હતા. એ અજાણ્યા ફોન નંબરનું પગેરું છેક દિલ્હીના વજિરાબાદમાં નીકળ્યું. એ સીમ કાર્ડ આસિફખાનના નામે લેવામાં આવ્યું હતું.

આસિફખાનને પોલીસે પકડયો. થર્ડ ડિગ્રીના અમલ સાથે જ એણે કહ્યું: ”હા, મેં જ મહેતાબની હત્યા કરી લાશને ગંગા નહેરમાં ફેંકી દીધી છે.”

કેમ?

વાત કાંઈક આમ હતી. આસિફખાનનો એક ભત્રીજો મહેતાબની બહેન મુમતાઝને લઈને ભાગી ગયો હતો. તેનો બદલો લેવા મહેતાબ અને તેના ભાઈઓએ મહોલ્લામાં જ આસિફખાનને ફટકાર્યો હતો.આસિફખાનને આ ઘટના અપમાનજનક લાગી હતી. એણે બદલો લેવા નિર્ણય કરી લીધો હતો.

એક દિવસની વાત છે. આસિફખાન સાંજના સમયે ખજૂરી ખાસથી પોતાની કાર દ્વારા ઘેર આવી રહ્યો હતો. એણે વજિરાબાદ પુલ પાસે યમુના ઘાટ પર એક મહિલાને બેઠેલી જોઈ. ૨૮-૩૦ વર્ષની એ મહિલા એકદમ ખૂબસૂરત હતી પણ એકલી જ બેઠેલી હતી. એને જોઈ આસિફખાન અટકી ગયો. કારને સડકની બાજુમાં ઊભી રાખી ને તે ઊભો રહી વિચારવા લાગ્યો કે, આટલી સ્વરૂપવાન મહિલા નદીના ઘાટ પર એકલી શા માટે બેઠી હશે ?

કેટલીક વાર પછી તે એ મહિલા પાસે ગયો. એને જોયા બાદ મહિલા ગભરાઈ તો નહીં, પરંતુ પાણી તરફ જોવા લાગી. આસિફે તેને પૂછયું: ”મેડમ! ઘણીવારથી જોઈ રહ્યો છું કે, તમે આવી સૂમસામ જગાએ એકલા કેમ બેઠા છો?”

એ મહિલા બોલીઃ ”હું બહુ જ દુઃખી છું. આ દુનિયાથી કંટાળી ગઈ છું. તેથી આત્મહત્યા કરવા આવી છું.”

આસિફખાને તેને સાંત્વન્ના આપતાં કહ્યું: ‘મેડમ! આત્મહત્યા કરવાથી કોઈ પ્રશ્ન હલ થતો નથી. તમને કોઈ સમસ્યા હોય તો મને કહો, શાયદ હું તમને કાંઈ મદદ કરી શકું.”

આસિફના આ વિધાનના પ્રત્યુત્તરમાં તે મહિલા બોલીઃ ”મારું નામ પરવીન છે. ત્રણ મહિના પહેલાં મારા પતિનું મૃત્યુ થઈ ગયું. મારે એક દીકરી અને એક દીકરો છે. મારી પાસે ઘર ચલાવવા પૈસા નથી. હું મારા બાળકોનું પેટ ભરી શકતી નથી. અમે ભૂખે મરીએ છીએ તેથી હું મરવા આવી છું.”

પરવીનની વાત સાંભળ્યા બાદ આસિફખાને તેને આત્મહત્યા ના કરવા સમજાવી અને મદદરૂપ થવાનું કહી તે એને પોતાની કારમાં બેસાડી તેના ઘેર લઈ આવ્યો. પતિની સાથે આવેલી એક અજનબી મહિલાને જોઈ આસિફની પત્ની ચોકી ઊઠી. એણે પતિને પૂછયું: ”આ મહિલા કોણ છે?” એ પ્રશ્નના જવાબમાં આસિફખાને સચ્ચાઈ બતાવી દીધી.

તે પછી આસિફખાને પરવીનને જમવાનું આપ્યું જમાડયા પછી તે પોતાની કારમાં જ પરવીનને તે જ્યાં રહેતી હતી તે ભોજપુરી ખાતે મૂકી આવ્યો. એ વખતે તેણે પરવીનને ખર્ચ માટે એક હજાર રૂપિયા પણ આપ્યા. પરવીન તો જીવનલીલા સમાપ્ત કરવા ગઈ હતી પરંતુ એ અજાણ્યા આદમીએ તેને બચાવી નવી જિંદગીની ઉમ્મીદ બક્ષી. તે આસિફની દરિયાદિલી પર ખુશ થઈ ગઈ. આસિફને પરવીન માટે હમદર્દી તો હતી પરંતુ પરવીનની ખૂબસૂરતી પર તે આફરીન થઈ ગયો હતો.

આસિફે હવે પરવીનનું રહેવાનું સ્થળ પણ જોઈ લીધું હતું. તે નજદીકિયાં બનાવવા માગતો હતો. કેટલાક દિવસ બાદ તે ફરી પરવીનને મદદ કરવાના બહાને તેના ઘેર ગયો. પરવીને તેનો સત્કાર કર્યો. આમેય તે બેસહારા હતા. તે પછી આસિફ અવારનવાર પરવીનને મળવા લાગ્યો. પરિણામ એ આવ્યંુ કે, બેઉ વચ્ચે સંબંધ બ્ પણ બંધાયો. આસિફ પરવીનને આર્િથક મદદ કરતો હતો. પરવીન અને તેનાં બે સંતાનો માટે એણે શાસ્ત્રીપાર્કની ગલીમાં એક વધુ સારો કમરો ભાડે   અપાવી દીધો. ઘરનો ખર્ચ પણ હવે આસિફ જ ઉઠાવતો હતો.

આસિફખાનને માદીપુરથી વજિરાબાદ આવ્યે ત્રણ વર્ષ વીતી ચૂક્યાં હતા પરંતુ મહેતાબ અને તેના ભાઈઓએ મહોલ્લામાં જ અને જાહેરમાં તેને જે માર માર્યો હતો તે હજુ સુધી ભૂલ્યો નહોતો. બદલો લેવાની તીવ્ર ઈચ્છા હજુ પ્રજ્વલિત હતી, મહેતાબને પોતાની પસંદગીની જગાએ બોલાવી તે મહેતાબને ખત્મ કરી નાખવા માગતો હતો.

આ કામ માટે તેને પરવીન જ યોગ્ય લાગી. મહેતાબ સાથે બદલો લેવા એણે પરવીનનો ઉપયોગ કરવાનું વિચાર્યું. વળી તેને ખાતરી હતી કે, પરવીન તેને કોઈ કામ માટે ના નહીં પાડે.

એક સાંજે આસિફખાને પરવીનને કહ્યું: ”પરવીન! મહેતાબે મને જાહેરમાં માર્યો છે, મારે તેની સાથે બદલો લેવો છે, બોલ, તું મદદ કરીશ.”

પરવીન તો આસિફ માટે મરવા પણ તૈયાર હતી એણે હા પાડી. પરવીનની વાત સાંભળ્યા બાદ આસિફખાને એક યોજના બનાવી. યોજના અનુસાર એણે બિહારના તૌહારના નામનું એક નકલી વોટર આઈકાર્ડ બનાવ્યું. તેના આધારે એક સીમકાર્ડ ખરીદ્યું. એ કાર્ડ પોતાના મોબાઈલ ફોનમાં નાંખી તે ફોન પરવીનને આપ્યો અને મહેતાબનોે આપી એણે કહ્યું: ”પરવીન! તું કોઈ પણ રીતે મહેતાબને તારા હુશ્નની મોહજાળમાં ફસાવી દે.” આ કામ માટે એણે પરવીનને પાંચ હજાર રૂપિયા આપ્યા.

બીજા જ દિવસે પરવીને મહેતાબને મિસ કોલ આપ્યો, મહેતાબે વળતો ફોન કર્યો. મહેતાબને પરવીનની વાતો દિલચશ્પ લાગી. બીજા દિવસે પરવીને ફરી મહેતાબને ફોન કર્યો. બંને વચ્ચે ફરી વાતચીત થઈ. પરવીને કહ્યું: ”હું એકલી છું, ભૂખી છું. તડપી રહી છું. એક મિત્ર પાસેથી તમારો નંબર મળ્યો છે. લોકો કહે છે કે તમે બહુ ઉદાર છો. હું કોઈનો સહારો ઈચ્છું છું.”

મહેતાબને ફસાવવા માટે આટલા શબ્દો કાફી હતા. બેઉને મળવાનું નક્કી કર્યું. મહેતાબ હજુ અપરિણીત હતો. મહેતાબે પહેલી જ વાર પરવીનને જોઈ અને તેના હુશ્નનો દિવાનો થઈ ગયો. બેઉ પહેલીવાર એક રેસ્ટોરાંમાં ગયા. મહેતાબે પરવીનની ખૂબ ખાતિરદારી કરી. બેઉ જણે ખૂબ વાતો કરી. પરવીને કહ્યું: ‘મારા પતિનું મૃત્યુ થઈ ચુક્યું છે. બાળકોને ખવરાવવા પૈસા નથી.”

મહેતાબે તેને મદદ કરવાનું વચન આપ્યું. બેઉ છૂટા પડયા. પરંતુ તે દિવસ પછી મહેતાબ રોજ પરવીનને ફોન કરવા લાગ્યો. બેઉ જણ લાંબી લાંબી વાતો કરવા લાગ્યા. હવે તેઓ એકાંત શોધવા લાગ્યા. એકાંત મળતાં યોજના પ્રમાણે પરવીને મહેતાબ સાથે સંબંધ પણ બાંધ્યો. પરવીને નકલી પ્રેમી મહેતાબને હવે પોતાની જાળમાં બરાબર ફસાવી દીધો હતો. થોડા દિવસ પછી પરવીને તેના અસલી પ્રેમી આસિફખાનને ફોન કર્યોઃ ”મછલી જાળમાં ફસાઈ ગઈ છે.”

આસિફખાને પરવીનને કહ્યું: ‘એક કામ કર. આગલા રવિવારે તું એને રાતના નવ વાગ્યે શાસ્ત્રીપાર્ક, મેટ્રો સ્ટેશન પાસે લઈ આવજે.હું મારા મિત્રો સાથે ત્યાં આવી જઈશ. ત્યાંથી અમે તેનું અપહરણ કરી બીજે લઈ કામ સમાપ્ત કરી દઈશું.”

આસિફખાન મહેતાબ સાથેનો બદલો લેવાની પૂરી યોજના બનાવી ચૂક્યો હતો. એણે તેના બે મિત્રોને પણ આ યોજનામાં સામેલ કરી દીધા.એ યોજના અનુસાર પરવીને રવિવારે મહેતાબને ફોન કર્યોઃ ”ચાલને આજે ફરવા જઈએ. આજે રાત્રે ૯ વાગે શાસ્ત્રીપાર્ક મેટ્રો સ્ટેશન મળજે.”

મહેતાબ તો પરવીનની પાછળ પાગલ હતો. રવિવારની રાત્રે નિયત સ્થળે પહોંચ્યો. આસિફખાન તેની સેન્ટ્રો કારમાં તેના બે મિત્રો દોરડું અને તમંચાથી સજ્જ થઈને બેઠા હતા. પરવીન અલગથી શાસ્ત્રીપાર્ક મેટ્રો સ્ટેશન નજીક પહોંચી. મહેતાબ પણ આવી ગયો તે રાતના અંધારામાં પરવીન સાથે વાતો કરવા લાગ્યો. વાતો કરતાં કરતાં પરવીન મહેતાબને દૂર જવાં આસિફખાનની કાર ઊભી હતી ત્યાં સુધી લઈ ગઈ. મહેતાબ જેવા એ કાર પાસે પહોંચ્યા તેવા જ ત્રણ જણ કારમાંથી બહાર આવ્યા. એ ત્રણે જણે મહેતાબને ખેંચી કારમાં નાંખ્યો. એક જણે એનું મોં દબાવી દીધું. બીજાએ પગ પકડી રાખ્યા. આસિફખાને મહેતાબના લમણામાં તમંચો ધરી ચૂપ રહેવા કહ્યું. મહેતાબ ગભરાઈ ગયો. એ બોલી શક્યો જ નહીં. તે પછી આસિફના એક મિત્રએ કાર દોડાવી દીધી. પરવીન ટ્રેનમાં બેસી પાછી જતી રહી. કાર હવે મેરઠ તરફ દોડતી હતી. દૂર એકાંત આવતાં કારને એક એપ્રોચ રોડ તરફ વાળવામાં આવી. તમંચાની અણીએ મહેતાબના ગળામાં રસ્સી વીંટાળી તેનું ગળું ટૂંપાવી દીધું. થોડીવારમાં જ મહેતાબના શ્વાસ બંધ થઈ ગયા. તેના હાથ-પગ પણ તડપતા બંધ થઈ ગયા. હત્યા કરી દીધા બાદ તેની લાશને એક નહેરમાં ફેંકી દેવામાં આવી. લાશને ઠેકાણે પાડીને બધા ઘેર આવી ચૂપચાપ સુઈ ગયા.

મહેતાબ ગૂમ થઈ ગયાની ફરિયાદના એક મહિના બાદ મહેતાબના મોબાઈલ ફોન પર આવેલા છેલ્લા ફોન કોલ્સના આધારે પોલીસે છેવટે ફોન નંબર અને આઈએમઆઈ નંબરના આધારે આસિફખાન સુધી પહોંચી શકી. પોલીસે આસિફખાન, તેના બે મિત્રો તથા હત્યાના ષડયંત્રમાં મદદરૂપ થનાર પરવીનની ધરપકડ કરી.

બધા જ આરોપીઓ હવે જેલમાં છે.

એક સ્ત્રીના હુશ્ન પર કેટલો ભરોસો રાખશો?

– દેવેન્દ્ર પટેલ

હવે આવી રહ્યું છે ડ્રોન પત્રકારત્વ

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

વિશ્વભરમાં મીડિયા શક્તિશાળી બની રહ્યું છે. સમયની સાથે સાથે મીડિયાનું સ્વરૂપ અને પત્રકારત્વ બેઉ બદલાઈ રહ્યાં છે. હજારો વર્ષથી માનવીને દૂર દૂર કે આસપાસ શું ચાલે છે તે જાણવાની હંમેશાં જિજ્ઞાાસા રહી છે. માહિતીની ઉત્કંઠાના મનોવિજ્ઞાાન પર જ પત્રકારત્વ જન્મ્યું છે અને વિકસ્યું છે. મહાભારતના કાળમાં દેર્વિષ નારદ કોઈ પત્રકાર નહોતા છતાં કોઈ ને કોઈ ઉત્કૃષ્ટ માહિતી સાથે લઈને જ ફરતા હતા. જરૂરી માહિતી એક દેવથી બીજા દેવ સુધી પહોંચાડવાનું દૈવી કાર્ય તેઓ બજાવતા હતા. બલી રાજાએ ભગવાન વિષ્ણુને પાતાળલોકમાં લઈ જઈ મહેલના દ્વારપાળ બનાવી દીધા હતા, પરંતુ દેવી લક્ષ્મીજીને આ વાતની ખબર નહોતી. ઘણા દિવસથી પતિદેવ ભગવાન વિષ્ણુ ન દેખાતાં લક્ષ્મીજીએ નારદજીને જ પૂછવું પડયું હતું કે, “દેર્વિષ, ભગવાન આજકાલ કેમ દેખાતા નથી.” એ પછી ભગવાન ક્યાં છે તેની માહિતી અને કારણ નારદજીએ જ લક્ષ્મીજીને આપ્યાં હતાં.

આમ, માહિતીની જિજ્ઞાસાનું મહત્ત્વ હજારો વર્ષ પહેલાં પણ હતું. ૧૯મી સદીમાં રેડિયો આવ્યો. રેડિયો ખબર આપવાના મુખ્ય માધ્યમ તરીકે વિકસ્યો. આજથી ૪૦-૫૦ વર્ષ પૂર્વે આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી સાંજે ૭ વાગ્યે પ્રસારિત થતા પ્રાદેશિક સમાચાર અત્યંત લોકપ્રિય હતા. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ લોકો સુધી યુદ્ધની માહિતી આપવામાં રેડિયોએ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે બ્રિટન સહિત અનેક યુરોપિયન દેશોને ડરાવી દીધા હતા. તે વખતે બીબીસી જ યુદ્ધની ગતિવિધિના સમાચારનું મુખ્ય માધ્યમ હતું. અલબત્ત, હિટલર રેડિયો દ્વારા અનેક પ્રકારની ખોટી માહિતીઓ પ્રસારિત કરાવી ગોબેલ્સ પ્રચાર પણ કરાવતો.

૨૦મી સદીમાં ટેલિવિઝન આવ્યું. તે પહેલાં સરકારો દર અઠવાડિયે એક માહિતી ફિલ્મ બનાવતી અને સરકારની પ્રવૃત્તિઓ અંગેની માહિતી ખાતાની ફિલ્મ દરેક થિયેટરમાં દર્શાવવી ફરજિયાત હતી. ગાંધીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા લંડન ગયા તે વખતે સખત ઠંડીમાં પણ નજીવાં વસ્ત્રો પહેરીને લંડન ગયેલા ગાંધીજીની ફિલ્મના આર્કાઇવ્ઝ આજે પણ લંડનમાં મોજૂદ છે.

ભારતમાં આઝાદીની લડત દરમિયાન આજના પત્રકારત્વનો પાયો નખાયો. ફરક એ હતો કે એ વખતે અંગ્રેજો સામે લડવાના ખ્યાલથી વિકસેલું પત્રકારત્વ દેશદાઝથી રંગાયેલું હતું. એ વખતે શરૂ થયેલાં અખબારોમાં પત્રકારો વ્યાવસાયિક ધોરણે નહીં,પરંતુ એક મિશન સમજી જોડાતા હતા. આઝાદી બાદ બદલાઈ ગયું. આજના આધુનિક પત્રકારત્વનો પાયો આઝાદી પછીના કાળમાં નખાયો. અંગ્રેજો જતા રહ્યા, પરંતુ ભારતના કેટલાક નેતાઓનાં કૌંભાડો ખોલવાનું કામ ૧૯૬૦ની આસપાસ શરૂ થયું. એને સંશોધનાત્મક પત્રકારત્વ કહેવાયું. અંગ્રેજીમાં તેને ‘ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ’ કહે છે. ‘બ્લિટ્ઝ’ જેવાં અખબારોએ દેશના નેતાઓની પોલ ખોલવા પ્રયાસ કર્યો. એ વખતે ભારતના પૂર્વ સંરક્ષણમંત્રી કૃષ્ણમેનનનું આર્મી માટે ઇંગ્લેન્ડથી ખરીદવામાં આવેલી જીપોનું કૌભાંડ બહાર આવ્યું. પીળું પત્રકારત્વ પણ આ સમયથી શરૂ થયું.

એ પછી કેટલાક દાયકાઓ પૂર્વે અમેરિકાએ વિયેતનામ પર યુદ્ધ ઝીંકી દીધું. વિયેતનામ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો. આખા વિશ્વમાં અમેરિકાની નિંદા થઈ રહી હતી, પરંતુ તે બોમ્બમારો બંધ કરતું નહોતું. એ વખતે એસોસિએટેડ પ્રેસના એક ફોટો જર્નાલિસ્ટ યુદ્ધનું કવરેજ કરવા વિયેટનામ પહોંચ્યો. એક ગામમાં અમેરિકન યુદ્ધ વિમાનોએ બોમ્બ ઝીંકી દીધો. મકાનો સળગવા લાગ્યાં. જાન બચાવવા સાતેક વર્ષની એક બાળકી કે જે નહાતી હતી તે વસ્ત્રહીન દશામાં દોડી. પાછળ તેનાં ઝૂંપડાં સળગી રહ્યાં હતાં. બાળકી નગ્ન હતી અને રડતી રડતી દોડી રહી હતી. ફોટો જર્નાલિસ્ટે એ ક્ષણોને કેમેરામાં કેદ કરી લીધી.

એ બાળકીની તસવીર ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના પ્રથમ પેજ પર છપાઈ અને અમેરિકા શરમાઈ ગયું. બીજા દિવસે જ એણે યુદ્ધ બંધ કરી દીધું.

અખાતના યુદ્ધ વખતે ટેલિવિઝન પર ન્યૂઝ ચેનલોનું મહત્ત્વ વધ્યું. સીએનએન જેવી ન્યૂઝ ચેનલોના પત્રકારો અને કેમેરામેનોએ યુદ્ધનાં ખોફનાક દૃશ્યો આખા વિશ્વને તેમના દીવાનખંડમાં બતાવી દીધાં. આ એક સાહસપૂર્ણ પત્રકારત્વ હતું. તેમાં સેટેલાઇટ ટેક્નોલોજીએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો. આજે ન્યૂઝ ચેનલ્સ અન્ય સોપ ઓપેરા જેટલી જ લોકપ્રિય છે.

હવે ડ્રોન પત્રકારત્વ આવી રહ્યું છે. ડ્રોન એટલે કે માનવરહિત વિમાનો આમ તો જાસૂસી અને મિસાઇલમારા માટે વપરાય છે. આ ડેન્જરસ ટેક્નોલોજી હવે યુદ્ધ પૂરતી સીમિત રહી નથી. આજના ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વમાં પણ હવે ડ્રોનનો ઉપયોગ શરૂ થઈ રહ્યો છે. અખાતના યુદ્ધમાં વિશ્વના પત્રકારત્વના ઇતિહાસમાં નોંધપાત્ર ભાગ ભજવનાર ‘અલ જજીરા’ ચેનલના ત્રણ પત્રકારોએ પરવાનગી લીધા વગર પેરિસમાં ડ્રોન વિમાન ઉડાડીને તેના કેમેરા દ્વારા કેટલાંક દૃશ્યો ઝડપી તેનું કવરેજ કર્યું હતું. આ ઘટનાને અપરાધ ગણવામાં આવ્યો છે. ફ્રાન્સના કાયદા પ્રમાણે પેરિસમાં કોઈ પણ વિમાન ૧૯,૭૦૦ ફૂટથી નીચે ઉડાડવાની મનાઈ છે. ભીડની ઉપર ડ્રોન ઉડાડી ભીડની ફોટોગ્રાફી કરવી તે કેટલાક દેશોમાં ગુનો ગણવામાં આવે છે.

દુનિયાની પહેલી ડ્રોન પત્રકારત્વની પ્રયોગશાળા અમેરિકાની યુનિર્વિસટી ઓફ નેબ્રાસ્કામાં સ્થાપિત થઈ હતી. તેના સંસ્થાપક પ્રોફેસર મેટ હતા. તેઓ ફ્રાન્સમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર ત્રણ પત્રકારોની ધરપકડને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ માને છે. ડ્રોન પત્રકારત્વ હવે એક નવો અભિગમ છે. આ પત્રકારત્વમાં ટેક્નોલોજીનું કૌશલ્ય અને સંપાદન એ બંનેના બહેતર સંતુલન આવશ્યક તત્ત્વ મનાય છે. ડ્રોન વિમાન પર લગાડેલા કેમેરાથી જ્યાં માનવી જઈ શકતો નથી ત્યાં ડ્રોન વિમાન પત્રકારના મહત્ત્વપૂર્ણ સાધન તરીકે કામ કરે છે. તેમાં માત્ર કેમેરાની કમાલ નથી, પરંતુ સમાચાર શોધતા પત્રકારના કૌશલ્યનું પણ પ્રદર્શન છે. શ્રોતાઓ, દર્શકો અને વાચકોની જિજ્ઞાાસાની અભિરુચિ સંતોષવી તે પત્રકારનો ધર્મ છે. વિશ્વમાં કેટલાંક એવાં દુર્ગમ સ્થળો છે, ખીણો છે, પર્વતો છે, યુદ્ધગ્રસ્ત પ્રદેશો છે ત્યાં માનવી પહોંચી શકતો નથી, એવાં સ્થળોએ કેમેરા લગાડેલાં માનવરહિત નાનકડાં ડ્રોન વિમાનો મોકલી શકાય છે અને તેણે ઝડપેલાં દૃશ્યો લોકો સુધી પહોંચાડી શકાય છે. કુદરતી આપત્તિઓથી ઘેરાયેલાં સ્થળો સુધી પહોંચવું માનવી માટે સરળ હોતું નથી ત્યારે ડ્રોન ટેક્નોલોજી કોઈ પણ જાતના માનવીય નુકસાન વિના કુદરતી આફતોની વિસ્તૃત દૃશ્યાવલી લોકો સુધી પહોંચાડે છે.

દુનિયાની પહેલી ડ્રોન પત્રકારત્વ પ્રયોગશાળામાંથી નીકળેલા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓની આજકાલ અમેરિકી મીડિયામાં ભારે માગ છે. વિસ્તૃત અને ઊંડાણપૂર્ણ રિપોર્ટિંગ આજના સમયની માગ છે. હવે કોણ, ક્યાં, કેમ, ક્યારે, એ ન્યૂઝ સ્ટોરીનું મૂળ તત્ત્વ રહ્યું નથી. સમાચારોના આ નવા સમયમાં ડ્રોન પત્રકારત્વ ખૂબ જ રોમાંચક અને ઉપયોગી સાબિત થશે એ નિશંક છે.

www.devendrapatel.in

ગુફામાં રહેતા ભારતીયો

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

વિશ્વ ૨૧મી સદીમાં પ્રવેશ્યું છે. માનવી ચંદ્ર પર ઊતરી ચૂક્યો છે,હવે મંગળ પર ઊતરવાની તૈયારી કરી રહ્યો છે. દેશના ૯૦ કરોડ લોકો પાસે મોબાઇલ છે. મુંબઈના ઉદ્યોગપતિ ૬૦૦૦ કરોડના ભવ્ય આશિયાનામાં રહે છે, પરંતુ આઝાદીનાં ૬૫ વર્ષ બાદ ભારતમાં એક વિસ્તાર એવો છે જ્યાં લોકો ગુફામાં રહે છે. તેઓ આદિમાનવ નથી,પણ વસ્ત્રો પહેરતા આજના માનવીઓ છે. તેમની પાસે રહેવાનું ઘર ન હોઈ તેઓ ગુફાઓમાં રહે છે.

આ વિસ્તાર જમ્મુ અને કાશ્મીર રાજ્યના કિશ્તવાર જિલ્લામાં આવેલો છે. જિલ્લાના હેડક્વાર્ટરથી થોડે જ દૂર પર્વતો છે. પર્વતોના ખડકોની અંદર બનેલી પ્રાકૃતિક ગુફાઓ એક જનસમૂહનું નિવાસસ્થાન છે. આવી ગુફાઓમાં રહેતા લોકો ગુજ્જર અને બેકરવાલ જાતિના છે. ઊંચા ખડકોની નીચે જ્યાં કપાયેલા પથ્થરોની નીચે બાકોરું મળ્યું તેમાં રહે છે. રાત્રે જંગલી પ્રાણીઓ તેમને ખાઈ ન જાય એટલે ગુફાઓના દ્વાર પર જંગલમાંથી કાપી લાવેલાં લાકડાં ગોઠવી દે છે. બહાર ભયાનક જંગલો હોઈ પ્રાણીઓના હુમલાનો તેમને સતત ભય રહે છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના કિશ્તવાર જિલ્લાના પોદર તાલુકામાં આ વસ્તી આવેલી છે.

જેવા તમે પોદર તાલુકામાં પ્રવેશો એટલે ઠેરઠેર ગુફાઓમાં વસતા લોકો જોવા મળશે. ભારતના વિકાસ અને આધુનિકીકરણની યોજનાઓ અહીં પહોંચી નથી. વીજળીનો તો સવાલ જ નથી. હિમાલયની ખૂબસૂરત પહાડીઓની ભીતરના ખડકોની ગુફાઓમાં રહેતા આ લોકો દર્દનાશક જીવન જીવી રહ્યા છે. અહીં બાજુમાં જ ચિનાબ નદી વહે છે. અહીંથી સહેજ આગળ વધો એટલે બરફાચ્છાદિત શિખરો દેખાય છે. અહીંની જમીન કાળી અને ફળદ્રુપ છે. જમીનમાં સમૃદ્ધ ખનિજતત્ત્વો છે, પણ તેની પર રહેતા લોકો ગરીબ છે. ગરીબીરેખાથી પણ નીચલા સ્તરનું જીવન જીવે છે. આ ગરીબો અહીંની જમીનના માલિકો નથી.

જાર નામનું એક ગામ ગ્રામપંચાયત ધરાવે છે, પણ તેના અડધોઅડધ લોકો ગુફામાં રહે છે. આવી ગુફાઓને અહીંના સ્થાનિક લોકો ‘કુદુ’ કહે છે. દિવસે આ ગરીબો બહાર આવી જાય છે. ખુલ્લા આકાશ નીચે પથ્થરો ગોઠવીને બનાવેલા ચૂલા પર એલ્યુમિનિયમનું વાસણ મૂકી ગરીબ મુસ્લિમ મહિલાઓ રાંધે છે. બાળકો નાગાં ફરતાં જણાય છે. મોટાભાગનાં બાળકો કુપોષણનો શિકાર બનેલાં છે.

જે લોકો ગુફાઓમાં વસે છે તે વિસ્તારનાં ગામોમાં (૧) લાઈ (૨) કજઈ (૩) કુન્ડલ (૪) કાંથલુ (૫) ચોકી (૬) ડેડી (૭) ચાનાયેસ (૮) શાશુ (૯) ચીરડી અને (૧૦) ભામાનીનો સમાવેશ થાય છે. આ ગામોના લોકો જે પર્વતોની ગુફાઓમાં વસે છે તે ગુફાઓના પર્વતો સીધા અને અતિશય ઊંચા છે. તેની પર ચઢવાની કોઈ હિંમત કરતું નથી.

દૂર અંતરિયાળના વિસ્તારોમાં રહેતી આ માનવ વસ્તી માટે અનાજ, આરોગ્ય, સેનિટેશન કે શિક્ષણની કોઈ મૂળભૂત સવલતો હજુ પ્રાપ્ત થઈ નથી. તે બધા જ ભારતના નાગરિકો છે. ચોમાસામાં અને કાતિલ શિયાળામાં ગુફામાં જ ચૂલો સળગાવવો પડે છે. અંદરનો ધુમાડો બહાર નીકળવા માટે વેન્ટિલેશનની કોઈ જ વ્યવસ્થા ન હોઈ અંદર રહેતાં લોકો ગૂંગળામણનો ભોગ બની ફેફસાંની બીમારીના દર્દી બની જાય છે. અસ્થમા એ અહીં રહેતા લોકોની સામાન્ય બીમારી છે. તેમની પાસે થોડીક બકરીઓ હોય છે, પણ ચોમાસામાં કે બરફવર્ષા વખતે બકરીઓ કે ભેંસને પણ તેમની સાથે ગુફામાં રાખવામાં આવે છે. ગુફામાં અજવાળું કરવા માટે તેમની પાસે કેરોસીન નથી, તેથી દિવસે જ રાંધી લેવું પડે છે.

અહીં કેટલાંક નદીનાળાં પણ છે, પરંતુ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પુલ નથી, તેથી નીચે વહેતા ધમધોકાર પાણીની ઉપર નદીના એક કાંઠે આવેલા ઝાડથી નદીના બીજા કાંઠાના ઝાડ પર મજબૂત બે દોરડાં બાંધવામાં આવે છે. લોકો એક દોરડા પર પગ રાખી બીજા દોરડાને હાથથી પકડી રાખી નદીના એક કાંઠેથી બીજા કાંઠે જાય છે. ચિનાબ નદી પર જ આવાં દોરડાં બાંધવામાં આવેલાં જોવા મળે છે. આ દોરડાં જ તેમના પરિવહનનું સાધન છે. હમણાં હમણાં સરકારે ક્યાંક ક્યાંક દોરડા પર લાકડાના ઝૂલા બનાવ્યા છે. તેમાં વધુમાં વધુ બે માણસો બેસી શકે છે. એ ઝૂલો દોરડા પર લટકે છે અને સામેથી એક માણસ તે ઝૂલાને ખેંચીને બીજા કાંઠે લાવી દે છે. દોરડા પર ખેંચીને લઈ જવાતો આ ઝૂલો સામાન્ય માનવી માટે નથી. જેઓ બીમાર, અશક્ત છે અને જે સ્ત્રીઓ સગર્ભા છે તેઓ જ એનો ઉપયોગ કરી શકે છે. આ વિસ્તારના શાશુ ગામની ગુફામાં રહેતો ફરીદ અહેમદ કહે છે કે, “નીચે ધસમસતી નદી પર દોરડાં દ્વારા એક કાંઠેથી બીજા કાંઠે જતાં કેટલાયે લોકોએ જાન ગુમાવ્યા છે. તેમના મૃતદેહ પણ હાથ આવતા નથી.”

કાન્થલુ ગામની ગુફામાં રહેતો રફીક કહે છેઃ “મારો પાંચ વર્ષનો બાળક બીમાર હતો. હું તેને પોદર ગામ પાસે આવેલા દવાખાનામાં લઈ જવા માગતો હતો. દોરડા પર ખાટલો બાંધી તેને ખેંચીને એક કાંઠેથી બીજા કાંઠે લઈ જતાં દોરડું ફસાઈ ગયું હતું. હું અને મારો દીકરો ત્રણ કલાક સુધી ધસમસતી નદીની ઉપર દોરડાથી લટકતા ખાટલામાં ફસાઈ ગયા હતા. અમે દયનીય જીવન જીવીએ છીએ. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કેટલીક વખત અમારે પ્રાણીની જેમ પેટે ઘસાઈને જવું પડે છે.” અમે સદીઓથી અહીં રહીએ છીએ, પણ આ વિસ્તારનાં જંગલોની જમીન પર અમારો કાયદેસરનો કોઈ જ હક્ક અમને આપવામાં આવ્યો નથી. જંગલોની પેદાશ પર પણ અમારો કોઈ હક્ક નથી. અહીંનાં જંગલોમાંથી લાકડું લઈ અમે ઘર પણ બાંધી શકતા નથી.”

કેન્દ્ર સરકારે ફોરેસ્ટર રાઇટ એક્ટ ૨૦૦૬ બનાવ્યો છે, પણ અહીં રહેતા લોકોને તેનો કોઈ ફાયદો આપવામાં આવ્યો નથી. પાથેર ગામનો રહીશ સૈફ દીન કહે છેઃ “મારી ગ્રામપંચાયતના વિસ્તારમાં ૫૦૦ ઘર છે, પરંતુ તેમાંથી ૨૫૦ પરિવારો ગુફામાં રહે છે. હું કેન્દ્ર સરકારના ગ્રામ્ય વિકાસ મંત્રી જયરામ રમેશને વિનંતી કરું છું કે તેઓ અમારા વિસ્તારમાં આવે અને અહીં લોકો કેવી રીતે રહે છે તે તેમની સગી આંખે નિહાળે.”

જાર વિસ્તારની ગ્રામપંચાયતના સરપંચ મુલરાજ રાઠોડ કહે છેઃ “અમારા વિસ્તારમાં કોઈને ઘર બાંધવું હોય તો ઇન્દિરા આવાસ યોજના હેઠળ એક ઘર બાંધવા માટે રૃ. ૪૫,૦૦૦ની સહાય આપવામાં આવે છે, પરંતુ આ લાભ પંચાયતદીઠ એક જ પરિવારને અપાય છે. એક ગામમાં ૨૫૦ પરિવારો ગુફામાં રહેતા હોય તો બાકીના ૨૪૯ ગુફાવાસીઓને ઘર ક્યારે મળે? તેથી એ યોજના અહીં નામ પૂરતી જ છે.”

અહીં સ્કૂલ નથી, શિક્ષણ નથી, રોજગારી નથી. યુવાનો નજીકના વિસ્તારોમાં ટ્રકમાં રેતી ભરવા મજૂરીએ જાય છે. ક્વોરીઓમાં જઈ પથ્થરો ઊંચકે છે. આ વિસ્તારમાંથી ચૂંટાતા ધારાસભ્યનું નામ સજ્જાદ અહેમદ કિચલુ છે. તેઓ કહે છેઃ “ના ભાઈ ના, અહીં એવી કોઈ તકલીફ નથી. આમ છતાં લોકો જો ગુફામાં રહેતા હશે તો હું તપાસ કરીશ અને લોકો એવું જીવન જીવતા હશે તો હું મતક્ષેત્ર વિકાસ ભંડોળમાંથી મદદ કરીશ.”

બોલો, સદીઓથી તેમના જ વિસ્તારમાં ગુફાઓમાં જીવન જીવતા લોકો વિશે સ્થાનિક ધારાસભ્યને જ ખબર નથી!

www.devendrapatel.in

સેપ્ટ’ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાને અહમ્નો અખાડો ના બનાવો

ગુજરાતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ હવે આક્ષેપો-પ્રતિઆક્ષેપો,અહમ્ના ટકરાવ અને રાજનીતિનો અખાડો બનતી જાય છે. ગુજરાત યુનિર્વિસટી તથા સેપ્ટ જેવી સંસ્થાઓ એક જમાનામાં ગુજરાતની શાન હતી. આ સંસ્થાઓની સ્થાપનામાં ડો. વિક્રમ સારાભાઈ,કસ્તુરભાઈ લાલભાઈ જેવા દૃષ્ટાઓનો મોટો ફાળો હતો. અમદાવાદની આઈઆઈએમથી માંડીને સ્થાપત્ય શિક્ષણની સંસ્થાઓએ દેશને સર્વશ્રેષ્ઠ સ્થપતિઓ તથા કુશળ વ્યવસાયકારો આપેલા છે, પરંતુ હવે એ જ સંસ્થાઓ એ જ સંસ્થાઓના ભૂતપૂર્વ અને વર્તમાન વડાઓ વચ્ચેના કુસ્તી દંગલનું પ્લેટફોર્મ બનતી જાય છે. સેપ્ટ જેવી પવિત્ર શૈક્ષણિક સંસ્થામાં સત્તાની સાઠમારીનાં દૃશ્યો જોઈ કોઈ પણ શિક્ષણપ્રેમીનું મસ્તક ઝૂકી જાય તેમ છે.

દોશીના આક્ષેપો

તાજેતરમાં ‘સેપ્ટ’ના સ્થાપકો પૈકીના એક અને જાણીતા સ્થપતિ બી. વી. દોશીએ ‘સેપ્ટ’ના ડાયરેક્ટર બિમલ પટેલ સામે એક જાહેર નિવેદન કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. બી. વી. દોશીનું કહેવું છે કે, “સેપ્ટના સાઉથ ફેસાર્ડ અને સાઉથ એલિવેશન વિન્ડોમાં પ્રેસિડેન્ટે મનસ્વી ફેરફારો કર્યા છે. ૫૦ વર્ષ પહેલાં મેં બનાવેલા અમદાવાદના હેરિટેજ સમા ‘સેપ્ટ’ યુનિર્વિસટીના બિલ્ડિંગને નુકસાન કરવામાં આવી રહ્યું છે. ‘સેપ્ટ’ની આ ઐતિહાસિક ઇમારત તે અમદાવાદનો વારસો છે અને તેના બિલ્ડિંગની ડિઝાઈનમાં અને પુનઃ નિર્માણમાં મને પૂછયા વગર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નીતિમત્તાની દૃષ્ટિએ આ ગેરવાજબી છે. મેનેજમેન્ટ મને બોલાવતું નથી. સેપ્ટમાં શૈક્ષણિક કાર્યક્રમો ઘટી રહ્યા છે. ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ વાતાવરણ ઘટી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અનુભવી અધ્યાપકો છૂટા થઈ રહ્યા છે. તાજેતરમાં સ્ટુડન્ટ્સ કાઉન્સિલ વિખેરી નાખી તે બરાબર નથી વગેરે.”

બિમલ પટેલ

સેપ્ટના ડાયરેક્ટર બિમલ પટેલે બી. વી. દોશીના આક્ષેપોનો જવાબ આપતાં કહ્યું કે, “વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હોઈ ૫૦ વર્ષ જૂની ઇમારતમાં સમયાનુસાર પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. બી. વી. દોશી સ્વયં બોર્ડ ઓફ કાઉન્સિલના સભ્ય છે અને બોર્ડની મંજૂરી બાદ જ નિર્ણયો અમલમાં મૂકવામાં આવે છે. વળી મેનેજમેન્ટે બી. વી. દોશીનો ઇ-મેલ દ્વારા તથા વ્યક્તિગત રીતે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. વિદ્યાર્થીઓ પોતાની વાત રજૂ કરી શકે તે માટે સમયાંતરે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવે છે. સેપ્ટ ૨૩૯ જેટલા વિઝિટિંગ ફેકલ્ટીને બોલાવે છે. હાલ ૭૨ ફેકલ્ટી છે. વિદ્યાર્થીઓને ભણાવવા માટે ફેકલ્ટી મેમ્બરે ૮ કલાક હાજરી આપવી અનિવાર્ય છે.

બૌદ્ધિક મારામારી

‘સેપ્ટ’ યુનિર્વિસટીમાં આ પ્રકારનો વિવાદ લાંબા સમયથી ચાલતો આવે છે. આ વિવાદથી નારાજ થયેલા બી. વી. દોશીએ કેટલાક સમય પહેલાં જ ‘સેપ્ટ’માંથી રાજીનામું આપી દીધું હતું. મેનેજમેન્ટે પણ તેમની સાથે કોઈ પણ જાતની ચર્ચા-વિચારણા કર્યા બાદ દોશીનું રાજીનામું સ્વીકારી લીધું હતું. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે, સેપ્ટના વિદ્યાર્થીઆના પ્રશ્નો ટલ્લે ચડી ગયા અને હવે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિવાદે ‘સેપ્ટ’ની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડયું છે. ગુજરાતની આવી સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થામાં હવે જૂના અને નવા સંચાલકોની બૌદ્ધિક મારામારીનાં વરવાં દૃશ્યો જોવા મળે છે. આ એક પ્રકારની હુંસાતુંસી જ છે, જે એ બેઉ મહાનુભાવોને શોભતી નથી.

કીચડ ના ઉછાળો

ગુજરાતની શૈક્ષણિક સંસ્થાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ અને ભવ્ય વારસો જોતાં એ જરૂરી છે કે, બી. વી. દોશી અને બિમલ પટેલ બેઉ સંયમથી વર્તે. બી. વી. દોશી એક પ્રતિષ્ઠિત સ્થપતિ અને સંસ્થાના સ્થાપક છે, જ્યારે બિમલ પટેલ આ સંસ્થાના જ વિદ્યાર્થી અને હવે સંસ્થાના પ્રેસિડેન્ટ પણ છે. આ બંને વિદ્વાનોએ ‘સેપ્ટ’ના આંતરિક પ્રશ્નો અંગે જાહેરમાં એકબીજા સામે કીચડ ઉછાળવાની શરૂઆત કરી છે તેથી છેવટે તો સંસ્થા જ બદનામ થાય છે. ‘સેપ્ટ’ની નામના પૂરા દેશભરમાં છે. બી. વી. દોશી એક સિનિયર વ્યક્તિ છે અને બિમલ પટેલ નવી પેઢીના માણસ છે. બેઉ જણે આ રીતે મીડિયા સમક્ષ જઈ આ રીતે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરીને સંયમ ગુમાવ્યો છે અને સંસ્થાને લાંછન લગાડયું છે. કોઈ પણ મોટી સંસ્થામાં પ્રશ્નો હોઈ શકે છે. નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે એક અંતર પણ હોઈ શકે છે, પરંતુ બે બુદ્ધિજીવીઓ વચ્ચે કોઈ મતભેદ હોય તો પણ તેને ફૂટપાથના રાજકારણીઓની જેમ જાહેરમાં એકબીજા સામે આ રીતે ગંદવાડ ઉછાળવો તેમને શોભતો નથી. તમારે કાંઈ કહેવું હોય તો બંધબારણે અંદર બેસીને ડાહ્યા માણસની જેમ વાત કરો. ‘સેપ્ટ’ એ ફિશ માર્કેટ નથી. કુસ્તી દંગલની કોઈ રિંગ નથી. સેપ્ટ એ યુદ્ધભૂમિ નથી. પ્રશ્નોની બૌદ્ધિક ચર્ચા કરીને એનો બુદ્ધિપૂર્વકનો નિવેડો લાવવો જોઈએ.

નિવૃત્તિને સ્વીકારો

એ વાત સાચી છે કે, ઉંમર ઢળી ગયા પછી નિવૃત્ત થવાનું કોઈને ગમતું નથી, પછી તે રાજકારણ હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય. બી. વી. દોશીએ હવે એ વાત સમજી લેવાની જરૂર છે કે, ૫૦ વર્ષ પહેલાંની વાત જુદી હતી અને આજની વાત જુદી છે. સમય બદલાયો છે. સમય પ્રમાણે સંસ્થામાં પણ પરિવર્તનો લાવવા પડે. સમય સાથે રહેતાં શીખવું જોઈએ. નવા માણસોને કામ કરવા દેવાની તક અને અવકાશ આપવા જોઈએ. બી. વી. દોશી એક અનુભવી સ્થપતિ અને શિક્ષણકાર છે. તેમણે વડીલને છાજે તે રીતે તેમના અનુભવનો લાભ અને માર્ગદર્શન આપવા જોઈએ. જૂની ઇમારતમાં કોઈ ફેરફાર જ ના કરી શકાય તેવા દુરાગ્રહોમાંથી બહાર આવવું જોઈએ.

સિનિયરને માન આપો

એ જ રીતે   સંસ્થાના નવા પ્રેસિડેન્ટ બિમલ પટેલે પણ એટલા જ સંયમથી વર્તવાની જરૂર હતી. તેઓ જે રીતે મીડિયા સમક્ષ જઈ ખુલાસા કરે છે તેમના પદની ગરિમાને અનુકૂળ નથી. બિમલ પટેલ આ સંસ્થાના જ વિદ્યાર્થી હોઈ તેમણે સંસ્થાની પ્રતિષ્ઠાના જાહેરમાં લીરેલીરા ઊડતા હોય ત્યારે શાલીનતાથી વર્તવું જોઈએ. બી. વી. દોશી આ સંસ્થાના સ્થાપક અને સિનિયર વ્યક્તિ છે. બિમલ પટેલે સિનિયરોને માન આપતાં શીખવું જોઈએ. તેમણે એક વાત ગંભીરતાથી સમજવી જોઈએ કે, સંસ્થાના પૂર્વ અને હાલના બે વડાઓ વચ્ચે હાલ જે રીતે શાબ્દિક લડાઈ ચાલી રહી છે તેથી સેપ્ટના વિદ્યાર્થીઓને પણ મૂંઝવણ થઈ છે. તેમની આ જાહેર લડાઈની વિદ્યાર્થીઓ પર શું અસર પડશે તે અંગે તેમણે બંનેએ વિચારવું જોઈએ. વિદ્યાર્થીઓના પણ કોઈ પ્રશ્નો હોય તો સામસામે બેસીને તેનો ઉકેલ લાવવો જોઈએ.

વિદ્યાર્થીઓમાં અજંપો

બી. વી. દોશી અને બિમલ પટેલ એ બંને જણ યાદ રાખે કે, વિશ્વભરમાં ક્રાંતિની જનેતાઓ શૈક્ષણિક સંસ્થાઓ જ હોય છે અને વિદ્યાર્થી આંદોલનોમાંથી જ ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના મેસ બિલના પ્રશ્નમાંથી જ ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન થયું હતું. મહાગુજરાતના આંદોલનમાં વિદ્યાર્થીઓનો મોટો ફાળો હતો. આજે ‘સેપ્ટ’ના વિદ્યાર્થીઓ નારાજ છે. તેમની નારાજગી તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો એ આંદોલન આવતીકાલે રાજકારણીઓના હાથમાં જઈ શકે છે. હજી તો ચિનગારી છે. એમાં પેટ્રોલ નાખવાનું કામ બી. વી. દોશી અને બિમલ પટેલ બેઉ બંધ કરે એ જ ‘સેપ્ટ’ યુનિર્વિસટીના હિતમાં છે.

ભ્રષ્ટાચાર હવે આ દેશની પ્રજાના જિન્સમાં પ્રવેશ્યો

ભારતે આઝાદી હાંસલ કર્યાને ૬૮ વર્ષ થયા. આઝાદી માટે આ ઉંમર પાકટ ગણાય, પરંતુ ભારતે ગરીબી, અન્યાય, ભૂખમરો,બેરોજગારી અને ભ્રષ્ટાચારમાંથી આઝાદી મેળવવાની હજુ બાકી છે. દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોમાં ભારતની ગણતરી થાય છે. નોંધપાત્ર વાત એ છે કે, રાજકારણીઓ અને અધિકારીઓ સૌથી વધુ તવંગર થયા છે જ્યારે પ્રજા સૌથી વધુ ગરીબ થઈ છે. આઝાદી વખતે જેટલા ગરીબો હતા તેમાં અનેક ગણો વધારો થયો છે.

બડા બડા નેતાઓ

નેતાઓ અને સામાન્ય લોકોના જીવનધોરણમાં આસમાન-જમીનનો ફરક આવ્યો છે. પશ્ચિમ બંગાળ કે કેરાલાના સામ્યવાદી પક્ષોના નેતાઓ સિવાય તમામ પક્ષોના કેટલાક નેતાઓ કોઈ ને કોઈ ગોટાળા કે કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપ થયા છે. તમિળનાડુનાં મુખ્યમંત્રી જયલલિતા સામે અનેક કેસ છે. ૧૦ હજાર સાડીઓથી તેમનું વોર્ડરોબ ભરેલું છે. એ જ તમિળનાડુના ડીએમકેના સુપ્રીમો કે. કરુણાનિધિનાં પુત્રી કનીમોઝી અને તેમના પક્ષના નેતા એ. રાજા જેલની હવા ખાઈ આવ્યાં છે. બિહારના લાલુપ્રસાદ સામે ઘાસચારા કૌભાંડનો કેસ ચાલે છે. ઉત્તરપ્રદેશના મુલાયમસિંહ યાદવ સામે આવક કરતાં સંપત્તિ વધુ હોવાનો કેસ ચાલે છે. કોંગ્રેસના સુરેશ કલમાડી સામે કોમનવેલ્થ કૌભાંડના આક્ષેપો છે. મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતાઓ સામે આદર્શ સોસાયટી કૌભાંડના આરોપો છે. કોંગ્રેસના નવીન જિંદાલ સામે કોયલા કૌભાંડના આક્ષેપો છે. ભાજપાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ લક્ષ્મણ બાંગારુ તો ઓફિસમાં જ લાંચ લેતાં પકડાઈ ગયા હતા. ભાજપના નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું પરિવાર વ્યાપમ્ ગોટાળામાં સપડાયું હોવાના આક્ષેપ છે.

બેંકના ચેરમેન પણ

હવે સિન્ડિકેટ બેંકના ચેરમેન સુધીરકુમાર જૈનને કોયલા ખાણ ગોટાળામાં સામેલ કંપનીઓને ધિરાણનો લાભ આપવા માટે રૂ. ૫૦ લાખની લાંચ લેતાં પકડવામાં આવ્યા છે. આ કામ માટે એક જાણીતી સ્ટીલ કંપની સહિત બે કંપનીઓએ એક વ્યક્તિની સેવાઓ લીધી હતી અને બેંકના ચેરમેન સુધીર જૈનને રુશવતની રકમ તેમના સાળા અને ભોપાલના ચર્ચાસ્પદ કોંગ્રેસી નેતા વિનીત ગોધા અને તેમના બિલ્ડર ભાઈ પુનિત મારફતે આપવામાં આવી. ભોપાલના બહુર્ચિચત પવન વિદ્રોહી હત્યાકાંડના મામલામાં પણ પોલીસે વિનીત ગોધાની પૂછપરછ કરી છે. સીબીઆઈને છેલ્લા છ મહિનાથી કેટલીયે ફરિયાદો મળી હતી. બેંકની ધિરાણ મર્યાદા વધારવા માટે આ રુશવત આપવામાં આવી હતી. આ રુશવત સિન્ડિકેટના બેંગાલુરુ, ભોપાલ, દિલ્હી અને દેશભરમાં ફેલાયેલા છે. આજ સુધીમાં દેશમાં હજારો કરોડના ગોટાળા બહાર આવ્યા છે. તેમાં આ ૫૦ લાખની લાંચનો મામલો તો ઘણો નાનો લાગે છે, પરંતુ આ બાબતથી એ વાત હવે સ્પષ્ટ છે કે, બેંકિંગ સેક્ટર અને કોર્પોરેટ સેક્ટર દેશના ધનને પોતાના અંગત હિતો માટે ઉપયોગ કરી રહ્યું છે.

બહુર્ચિચત કૌભાંડો

આ દેશમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો કોઈ નવી વાત નથી. પંડિત જવાહરલાલ નહેરુના સમયમાં પણ ભારતીય લશ્કર માટે ઇંગ્લેન્ડથી જીપ ખરીદવાનું એક મોટું કૌભાંડ થયું હતું અને તેમાં તે વખતના સંરક્ષણમંત્રીનું નામ આવ્યું હતું. તે પછી હરિદાસ મુંદ્રા કૌભાંડ, ધર્મા તેજા કૌભાંડ, કુઆં ઓઈલ ડિલ, હર્ષદ મહેતા શેર કૌભાંડ, ઈન્ડિયન બેંક કૌભાંડ, સ્ટોક બ્રોકર કેતન પારેખ કૌભાંડ, મુંબઈ હાઉસિંગ લોન કૌભાંડ, સત્યમ્ કૌભાંડ, મધુ કોડા મની લોન્ડરિંગ કૌભાંડ જેવાં અનેક કૌભાંડ બહાર આવ્યાં. તે પછી એનડીએની સરકાર વખતે કોફિન કૌભાંડ પણ બહાર આવ્યું. તે અગાઉ બોફોર્સ કૌભાંડ પણ ચમક્યું. યુપીએ સરકાર વખતે ૨જી સ્પેક્ટ્રમ કૌભાંડ અને કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ પણ ચર્ચામાં આવ્યાં. આઝાદી પછીનાં કૌભાંડોની યાદી ઘણી લાંબી છે તેથી અહીં થોડાં ઉદાહરણો જ પેશ કર્યાં છે. આ કૌભાંડોમાં મોટા ભાગનાં કૌભાંડોના આરોપો દેશના નેતાઓ સામે જ થયા છે.

નીચે પણ ભ્રષ્ટાચાર

પરંતુ અહીં એક વાત નોંધવી જોઈએ કે, ભ્રષ્ટાચારનો આરોપ નેતાઓ પર જ મૂકવો વાજબી નથી. સચિવાલયનો પટાવાળો પણ લાંચ લેતો હોવાના ઘણાને અનુભવ છે. એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફાઈલ સરકાવવાની ક્લાર્કની કિંમત નક્કી હોય છે. આર.ટી.ઓ.માં ઘણી વાર પૈસા આપ્યા વિના લાઈસન્સ મળતું નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એક ટ્રક પ્રવેશે છે ત્યારે દરેક નાકા પર ટ્રક દીઠ લાંચની રકમ ફિક્સ હોય છે. આર.ટી.ઓ. અધિકારી કે પોલીસ અધિકારી લાખોની લાંચ આપીને જ મલાઈદાર પોસ્ટિંગ મેળવે છે. આ દેશમાં ટોચનાં શહેરોનાં પોલીસ કમિશનર બનવા માટે કરોડો અપાતાં હોવાની ચર્ચા છે. દેશમાં રેવન્યૂ સૌથી વધુ ભ્રષ્ટ ખાતું છે. જમીન એન.એ. કે એન.ઓ.સી. કરવાના ચોરસવાર દીઠ ભાવ ફિક્સ છે. વ્યવસાયવેરાનાં ર્સિટફિકેટ આપવાના પણ પૈસા લેવાય છે. પૂછતાં અધિકારી કહે છે કે, “અમે ઉપર પૈસા આપીને અહીં આવ્યા છીએ.”

લોહીમાં ભ્રષ્ટાચાર

અમેરિકામાં વસતા મૂળ ભારતીય વૈજ્ઞાાનિક પ્રજ્ઞાા દાસે ભારતમાં તેજીથી વધી રહેલા ભ્રષ્ટાચાર સંદર્ભમાં કહ્યું છે કે, “ભારતમાં ભ્રષ્ટાચારના કેસો જે રીતે વધી રહ્યા છે તે જોતાં લાગે છે કે, ભ્રષ્ટાચાર ભારતીય લોકોના જિન્સમાં દાખલ થઈ ચૂક્યો છે. લોહીના કણોમાં રહેલા જિન્સ દ્વારા આપણને ભ્રષ્ટાચાર વારસામાં પ્રાપ્ત થઈ રહ્યો છે અને એક પેઢીથી બીજી પેઢીને એ મળી રહ્યો છે.”

સવાલ એ છે કે, શું ભ્રષ્ટાચારથી લથપથ આ દેશ વિશ્વની મહાશક્તિ બની શકશે હા, બની શકે છે, પરંતુ તે માટે ભ્રષ્ટાચારને મૂળમાંથી જ હટાવવો પડશે. જે બાળક લાંચ આપીને સ્કૂલમાં ભણવા દાખલ થયું હોય તે બાળક મોટો થઈને શું બનશે ? જે શિક્ષક ડોનેશનના નામની લાંચ આપીને શિક્ષક બન્યો હોય તે બાળકને નીતિમત્તાના કયા પાઠ ભણાવશે ?

 વિચાર કરજો.

રાજ્યપાલપદની ગરિમા હવે ખંડિત થઈ રહી છે !

દેશમાં રાજ્યપાલનું પદ ફરી એક વાર વિવાદમાં છે. બ્રિટિશ રાજના અંત પછી ભારતમાં દરેક રાજ્યમાં રાજ્યપાલનું પદ ઊભું કરવામાં આવ્યું છે. દરેક રાજ્યમાં એક રાજભવન હોય છે. રાજ્યપાલને એડીસી, સચિવો તથા વહીવટી સ્ટાફ આપવામાં આવે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પછી સૌથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવાનું અને તેમને શપથ ગ્રહણ કરાવવાનું કામ રાજ્યપાલ કરે છે. બાકીના સમયમાં રાજ્યપાલ ઉદ્ઘાટનો કરવામાં કે જાહેર સમારંભોની શોભામાં અભિવૃદ્ધિ કરવાનું કામ કરે છે. રાજ્યપાલ પાસે વહીવટીતંત્ર પર કોઈ સીધો કાબૂ હોતો નથી. કોઈ વાર સરકારનો કોઈ ઠરાવ ના ગમે તો તેને પાછો મોકલી શકે છે. મોટા ભાગના રાજ્યપાલોની નિમણૂક કેન્દ્રમાં સત્તાધારી પક્ષની સરકાર કરે છે. તેથી રાજ્યમાં ક્યારેક કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય ત્યારે રાજ્યપાલનો રોલ નિર્ણયાત્મક બને છે. ઘણી વાર પક્ષના જૂના વફાદાર અને વૃદ્ધ થઈ ગયેલા નેતાઓને રાજ્યપાલ બનાવી તેમને ઉપકૃત કરવામાં આવે છે. રાજભવનોના કરોડોના ખર્ચા પ્રજાના કરમાંથી નિભાવવામાં આવે છે.

રાજ્યપાલની ગરિમા

આ બધું હોવા છતાં ભારતમાં રાજ્યપાલનું પદ એક ગરિમા અને પ્રતિષ્ઠાભર્યું છે. દેશને ઘણાં ઉત્કૃષ્ટ અને સમાજસેવામાં પરોવાયેલા રાજ્યપાલો પણ પ્રાપ્ત થયા છે. ગુજરાતને વર્ષો પહેલાં પ્રાપ્ત થયેલા મહેંદી નવાજજંગ એક આવા ઉત્કૃષ્ટ રાજ્યપાલ હતા, ગુજરાતના હાલના રાજ્યપાલ મહામહીમ ઓ. પી. કોહલી એક ઉમદા વ્યક્તિ છે, પરંતુ હમણાં હમણાં ગુજરાત સિવાયના એટલે કે દેશના અન્ય રાજ્યોમાં કેટલાક રાજ્યપાલોએ રાજ્યપાલ પદની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડયું છે. કહેવાય છે કે, જે લોકો સક્રિય રાજનીતિના ખેલમાંથી બહાર નીકળી જાય છે અને પોતાની કળામાં માહેર હોય છે તેવા કેટલાક રાજ્યપાલ બની જાય છે. કોઈક વાર કેટલાકને સક્રિય રાજનીતિમાંથી ફારેગ કરવા પણ રાજ્યપાલ બનાવી દેવાય છે. કહેવાય છે કે, ભારતમાં રાજકારણીઓ કદી નિવૃત્ત થવા માગતા નથી. અંગ્રેજીમાં કહેવત છે કે, “A Politician never retires, unless he dies.”મધ્યપ્રદેશના રાજ્યપાલ રામનરેશ યાદવે વૃદ્ધાવસ્થામાં બેઆબરૂ થઈને રાજભવન છોડવું પડે તેમ છે. મધ્યપ્રદેશના રાજ્યપાલને વ્યાપમ્ ગોટાળામાં આરોપી બનાવાયા છે અને તેમની સામે એફ.આઈ.આર. નોંધાતા તેમને રાજ્યપાલપદ છોડવું પડે તેવી પરિસ્થિતિ છે. વળી તાજેતરમાં જ તેમના પુત્રનું સંદિગ્ધ હાલતમાં મૃત્યુ નીપજ્યું છે તે પણ એક સંદેહ પેદા કરે છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ હાલ બીમાર છે.

આરોપ શું છે ?

મધ્યપ્રદેશની સરકારને ધ્રૂજવતું વ્યાપમ્ કૌભાંડ અત્યંત ચર્ચાસ્પદ બન્યું છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, વન સંરક્ષકની પરીક્ષામાં તેમણે પાંચ ઉમેદવારોના નામની ભલામણ કરી હતી. આરોપ એવો પણ છે કે, એ ભલામણો કરવાના બદલામાં તેમણે પૈસા પણ લીધા હતા. આમ તો વ્યાપમ્ ગોટાળાની તપાસ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને બીજા કેટલાક લોકો સુધી પહોંચેલી છે, પરંતુ મધ્યપ્રદેશના ઇતિહાસમાં પહેલી વાર આવા કોઈ કૌભાંડમાં રાજ્યપાલને આરોપી બનાવાયા છે. ૮૮ વર્ષના રામનરેશ યાદવ પહેલાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે રહી ચૂક્યા છે. પહેલાં તેઓ જનતા પાર્ટીમાં હતા. સમાજવાદી વિચારધારા ધરાવતા રામનરેશ યાદવ કોઈ જમાનામાં રાજનારાયણના સાથી હતા. તે પછી ચૌધરી ચરણસિંહના સમયગાળા દરમિયાન એટલે કે ૧૯૭૭માં તેમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે પછી તેમણે કોંગ્રેસ પાર્ટીના સભ્ય બની જવાનું પસંદ કર્યું હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક યુપીએ સરકારે કરી હતી. ડો. રામમનોહર લોહિયા અને મહાત્મા ગાંધીજીના વિચારોને પોતાનો આદર્શ માનવાવાળા રામનરેશ યાદવ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી. આરોપ મુકાયો છે તેથી તેઓ દોષી છે તેમ માની શકાય નહીં, કારણ કે એ વાતનો ફેંસલો તો હવે અદાલત કરશે, પણ આ આરોપથી તેમની પ્રતિભા ખંડિત તો જરૂર થઈ છે.

અન્ય રાજ્યપાલો

દેશની રાજનીતિના ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે જ્યારે કેટલાક રાજ્યપાલોએ કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તેના હિતમાં જ કામ કર્યું હોય. દા.ત. પૂર્વ રાજ્યપાલો જેવા કે ઠાકુર રામલાલ, બૂટાસિંહ, હંસરાજ ભારદ્વાજ અને રોમેશ ભંડારીએ કેન્દ્રમાં સત્તાધારી પક્ષની કઠપૂતલીઓની જેમ જ કામ કર્યું છે. એક રાજ્યપાલ તો રાજભવનમાં બેસીને ગેરકાયદે જમીનોની ખરીદીને વેચાણનું કામ જ કરતા હતા. એક રાજ્યપાલનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત નીપજ્યું, પરંતુ એ દુર્ઘટનાના સમયે હિમાલયની પહાડીઓ પર એટલી બધી ચલણી નોટો એમાંથી પડી કે લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા.

રાજભવનમાં રંગરેલિયાં

પૂર્વ રાજ્યપાલ નારાયણદત્ત તિવારી તો વયોવૃદ્ધ હોવા છતાં રાજભવનમાં જ અનેક મહિલાઓ સાથે રંગરેલિયાં કરતાં દેખાયા હતા. તે સંબંધની એક વીડિયો બહાર આવતા તેમણે રાજીનામું આપી દેવું પડયું હતું. ત્યાર પછી એક યુવાને દાવો કર્યો હતો કે, હું જ નારાયણદત્ત તિવારીનો પુત્ર છું. આખો મામલો કોર્ટમાં ગયો હતો. નારાયણદત્ત તિવારીનો ડીએનએ ટેસ્ટ લીધા બાદ એ યુવાનનો દાવો સાચો સાબિત થયો હતો. રાજ્યપાલનું પદ ગરિમાપૂર્ણ પદ છે. રાજ્યપાલની નિમણૂક ભલે એક સરકાર કરે, પરંતુ એક વાર તેમની નિમણૂક થઈ તે પછી તેઓ નિષ્પક્ષ બની જાય તેવી અપેક્ષા હોય છે. એવી જ રીતે રાજભવન એ રંગરેલિયાં મનાવવાનું સ્થળ નથી. રાજભવન એ વૃદ્ધાશ્રમ નથી. આપણે એવી અપેક્ષા રાખીએ હાલના તમામ મહામહીમ રાજ્યપાલો રાજ્યપાલ પદની ગરિમા પુનઃ પ્રસ્થાપિત કરે.

હું ભારતીય નહીં, પરંતુ માત્ર એક કાશ્મીરી છું

ભારતમાં રહેવું અને ભારતને નફરત કરવી એવું તમે ક્યાંય સાંભળ્યું છે ?

હા, એક શખસ એવો હતો જેનો જન્મ હિંદુસ્તાનમાં થયો,હિંદુસ્તાનની ભૂમિ પર પાકતું અન્ન ખાધું, હિંદુસ્તાનનું પાણી પીધું,હિંદુસ્તાનની ધરતી પર શ્વાસ લીધા છતાં તે આખી જિંદગી હિંદુસ્તાનને ધિક્કારતો રહ્યો.

શેખ નઝીર અહેમદ

એ શખસનું નામ હતું : શેખ નઝીર અહેમદ. શેખ નઝીર અહેમદ એ બીજા કોઈ નહીં, પરંતુ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના કાકા થાય. છેક મોતીલાલ નહેરુના સમયથી ઓમર અબ્દુલ્લાના દાદા શેખ અબ્દુલ્લા પરિવારનું નામ કાશ્મીરના ઈતિહાસ સાથે સંકળાયેલું છે. ઓમર અબ્દુલ્લા કે તેમના પિતા ફારુક અબ્દુલ્લા આજે ભલે જમ્મુ-કાશ્મીરમાં સત્તા પર નથી, પરંતુ તેમનું પરિવાર જમ્મુ-કાશ્મીરનું ફર્સ્ટ ફેમિલી ગણાય છે. ભારતના ભાગલા પહેલાંથી જ શેખ અબ્દુલ્લા પરિવાર કાશ્મીરમાં એક જાણીતું પરિવાર હતું. જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ પણ કાશ્મીરી પંડિત જ હતા. એમના સમયમાં શેખ મોહંમદ અબ્દુલ્લાનો એક આગવો દબદબો હતો. આવા શેખ અબ્દુલ્લાનો એક ભત્રીજો હતો જેનું નામ શેખ નઝીર અહેમદ હતું. નેશનલ કોન્ફરન્સ નામની પાર્ટીના સ્થાપક શેખ અબ્દુલ્લાએ તેમના ભત્રીજા શેખ નઝીર અહેમદને તે માત્ર ૭ વર્ષની વયનો હતો ત્યારે જ દત્તક લઈ લીધો હતો. આ રીતે શેખ અબ્દુલ્લાના પુત્ર ફારુક અબ્દુલ્લા અને નઝીર અહેમદ ભાઈ થાય અને એ નાતે શેખ નઝીર અહેમદ ઓમર અબ્દુલ્લાના કાકા થાય.

નઝીર એક કોયડો

આટલી પશ્ચાદ્ ભૂમિકા પરથી હવે મૂળ વાત પર આવીએ. શેખ નઝીર અહેમદ એક કોયડારૂપ ગૂઢ માણસ હતા. તેમના પાલક પિતા શેખ અબ્દુલ્લાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો ત્યારે પૂરા ૨૪ વર્ષ સુધી તેઓ તેમના મજબૂત ટેકેદાર રહ્યા હતા, પરંતુ એક વાર અબ્દુલ્લા પરિવારને જમ્મુ-કાશ્મીરમાં સત્તા હાંસલ થઈ તે પછી શેખ નઝીર અહેમદે જાહેર કર્યું કે, “હું કાશ્મીરી છું, ભારતીય નથી.”

શેખ નઝીર અહેમદ આખી જિંદગી તેમની પાર્ટીને અને પરિવારને વફાદાર રહ્યા, પરંતુ હૃદયથી તેઓ બળવાખોર રહ્યા. તેઓ ભાગ્યે જ કોઈ મીડિયાને મળતા કે ભાગ્યે જ જાહેરમાં દેખાતા. અલબત્ત, શેખ નઝીરના ભારત વિશેના જે અભિપ્રાયો હતા તેમાં તેમની પાર્ટી કદી સૂર પૂરાવતી નહીં, પરંતુ તેમના ‘હું ભારતીય નથી’ એવા વિચારોથી તેઓ પાર્ટી માટે અને દેશ માટે એક કોયડો રહ્યા.

ભારતનું કાંઈ ના ખપે

શેખ નઝીર તાજેતરમાં જ ૭૮ વર્ષની વયે મૃત્યુ પામ્યા. ભારતની આઝાદીના સંગ્રામ દરમિયાન ભારત તરફી પોલિટિકલ પાર્ટી- નેશનલ કોન્ફરન્સના એક સ્તંભ જેવા શેખ નઝીરનું પાછળથી ભારત પ્રત્યે ધિક્કારનું વલણ કેમ રહ્યું તે ઘણાંને સમજાતું નથી. ભારતની કોઈ પણ ચીજ કે બાબત સાથે જોડાવાનો તેમણે ઇનકાર કર્યો. શેખ નઝીરે ભારત બહાર વિદેશનો પ્રવાસ કદી ના કર્યો,કારણ કે ભારત બહાર જવું હોય તો તેમણે ‘ભારતીય પાસપોર્ટ’ લેવો પડે. તેમણે ભારતીય પાસપોર્ટ કદી ના લીધો. એટલું જ નહીં,પરંતુ કાશ્મીરની બહાર એટલે કે ભારતના બીજા કોઈ પણ ભાગમાં પણ પગ મૂક્યો નહીં. એ જ રીતે તેઓ એક પણ ચૂંટણી લડયા નહીં અને એક પણ સરકારમાં જોડાયા નહીં. શેખ નઝીર કિડનીની બીમારીથી પીડાતા હતા, પરંતુ ‘ભારતીય’ સંબંધ ધરાવતી એક પણ ચીજ લેવા તેઓ તૈયાર નહોતા. તેમના પરિવારે તેમને દિલ્હીની ‘ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટયૂટ’ ખાતે દાખલ કરવા કહ્યું, પરંતુ તેમાં ‘ઇન્ડિયન’ નામ આવતું હોઈ તેમણે ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટયૂટમાં સારવાર લેવાનો ઇનકાર કર્યો અને તેના બદલે બત્રા હોસ્પિટલમાં દાખલ થયા. ખુદ ફારુક અબ્દુલ્લાએ તેમને દિલ્હી લઈ જઈ ડોક્ટરને બતાવવા દબાણ કર્યું, પરંતુ તેઓ દિલ્હી ના ગયા તે ના જ ગયા.

આશ્ચર્યની વાત એ છે કે, કાશ્મીરમાં રહીને કાશ્મીરનું અલગ રાષ્ટ્ર માગતા કેટલાક અલગતાવાદી નેતાઓ વારંવાર વિદેશ જાય છે અને ભારતીય પાસપોર્ટ માટે લડાઈ કરે છે, પરંતુ શેખ નઝીરે ભારતીય પાસપોર્ટ લેવાનો જ ઇનકાર કરી દીધો.

ઇન્ડિયન એરલાઈન્સ

શેખ નઝીરને ‘ઇન્ડિયા’ શબ્દ માટે એટલી બધી એલર્જી હતી કે, શ્રીનગરથી જમ્મુ જવું હોય તો હંમેશાં મોટર માર્ગે જ જતા. જમ્મુ અને શ્રીનગર વચ્ચે ઇન્ડિયન એરલાઈન્સની વિમાની સેવા હતી, પરંતુ તેમાં ‘ઇન્ડિયા’ શબ્દ આવતો હોઈ તેમણે ઇન્ડિયન એરલાઈન્સ દ્વારા કદી વિમાની મુસાફરી કરી નહીં. શેખ નઝીરના આ વલણને કાશ્મીરના અલગતાવાદી નેતાઓ હંમેશાં સરાહતા રહ્યા. કાશ્મીરનો અલગતાવાદી નેતા શકીલ બક્ષી કે જે તેની ચળવળ માટે કુંવારો રહ્યો છે તે પણ શેખ નઝીરનો પ્રશંસક રહ્યો. શકીલ જેવા અલગતાવાદી નેતાઓ કાશ્મીરની ‘આઝાદી’ માટે કુંવારા રહ્યા છે. શેખ નઝીર અહેમદે પણ લગ્ન કર્યું નહોતું. કારણ ?ખબર નથી. કાશ્મીરના અલગતાવાદી નેતાઓ તેનું અર્થઘટન એવું કરે છે કે, શેખ નઝીર અહેમદ પણ કાશ્મીરની આઝાદી ઇચ્છતા હતા.

આઈબીની નજરમાં

કહેવાય છે કે, શેખ નઝીર અહેમદની ભારત પ્રત્યેની સખત એલર્જીના કારણે ભારતીય ઇન્ટેલિજન્સ વિભાગે અનેકવાર તેમની સખ્તાઈપૂર્વક પૂછપરછ કરી હતી. શેખ નઝીરના નાના ભાઈ મુસ્તફા કમાલ કહે છે કે, શેખ અબ્દુલ્લા જ્યારે અલ્જિરિયામાં એ વખતના ચીનના વડા ચઉ-એન લાઈને મળ્યા ત્યારે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓએ શેખ નઝીરની કાશ્મીરમાં સખ્તાઈપૂર્વક પૂછપરછ કરી હતી. શેખ નઝીરને બરફની પાટ પર સૂવડાવવામાં આવ્યા હતા. એ કારણે તેમની ભારત પ્રત્યેની કડવાશ પેદા થઈ હતી અથવા વધી ગઈ હતી.

છેલ્લા કેટલાક સમયથી તેમને કિડનીનો ટી.બી. થઈ ગયો હતો. તેમના અવસાન પછી તેમના ભાઈ ફારુક અબ્દુલ્લાએ શેખ નઝીરના મૃતદેહને શેખ અબ્દુલ્લાની કબર છે તેની બાજુમાં હઝરત બાલ ખાતે દફનાવવાની લાગણી વ્યક્ત કરી હતી, પરંતુ શેખ નઝીરની ઇચ્છા પ્રમાણે તેમને તેમની ઇચ્છા અનુસાર તેમના પૂર્વજોની જ્યાં કબરો છે તે કબ્રસ્તાન ‘સૌરા’ ખાતે દફનાવવામાં આવ્યા હતા.

ઓમર અબ્દુલ્લાના કાકા શેખ નઝીર જેમને ભારતીય‘ નામની એલર્જી રહી

Page 1 of 2

Powered by WordPress & Theme by Anders Norén