Devendra Patel

Journalist and Author

Month: April 2015 (Page 2 of 2)

હવે આવી રહ્યું છે ડ્રોન પત્રકારત્વ

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

વિશ્વભરમાં મીડિયા શક્તિશાળી બની રહ્યું છે. સમયની સાથે સાથે મીડિયાનું સ્વરૂપ અને પત્રકારત્વ બેઉ બદલાઈ રહ્યાં છે. હજારો વર્ષથી માનવીને દૂર દૂર કે આસપાસ શું ચાલે છે તે જાણવાની હંમેશાં જિજ્ઞાાસા રહી છે. માહિતીની ઉત્કંઠાના મનોવિજ્ઞાાન પર જ પત્રકારત્વ જન્મ્યું છે અને વિકસ્યું છે. મહાભારતના કાળમાં દેર્વિષ નારદ કોઈ પત્રકાર નહોતા છતાં કોઈ ને કોઈ ઉત્કૃષ્ટ માહિતી સાથે લઈને જ ફરતા હતા. જરૂરી માહિતી એક દેવથી બીજા દેવ સુધી પહોંચાડવાનું દૈવી કાર્ય તેઓ બજાવતા હતા. બલી રાજાએ ભગવાન વિષ્ણુને પાતાળલોકમાં લઈ જઈ મહેલના દ્વારપાળ બનાવી દીધા હતા, પરંતુ દેવી લક્ષ્મીજીને આ વાતની ખબર નહોતી. ઘણા દિવસથી પતિદેવ ભગવાન વિષ્ણુ ન દેખાતાં લક્ષ્મીજીએ નારદજીને જ પૂછવું પડયું હતું કે, “દેર્વિષ, ભગવાન આજકાલ કેમ દેખાતા નથી.” એ પછી ભગવાન ક્યાં છે તેની માહિતી અને કારણ નારદજીએ જ લક્ષ્મીજીને આપ્યાં હતાં.

આમ, માહિતીની જિજ્ઞાસાનું મહત્ત્વ હજારો વર્ષ પહેલાં પણ હતું. ૧૯મી સદીમાં રેડિયો આવ્યો. રેડિયો ખબર આપવાના મુખ્ય માધ્યમ તરીકે વિકસ્યો. આજથી ૪૦-૫૦ વર્ષ પૂર્વે આકાશવાણી અમદાવાદ-વડોદરા પરથી સાંજે ૭ વાગ્યે પ્રસારિત થતા પ્રાદેશિક સમાચાર અત્યંત લોકપ્રિય હતા. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ લોકો સુધી યુદ્ધની માહિતી આપવામાં રેડિયોએ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે બ્રિટન સહિત અનેક યુરોપિયન દેશોને ડરાવી દીધા હતા. તે વખતે બીબીસી જ યુદ્ધની ગતિવિધિના સમાચારનું મુખ્ય માધ્યમ હતું. અલબત્ત, હિટલર રેડિયો દ્વારા અનેક પ્રકારની ખોટી માહિતીઓ પ્રસારિત કરાવી ગોબેલ્સ પ્રચાર પણ કરાવતો.

૨૦મી સદીમાં ટેલિવિઝન આવ્યું. તે પહેલાં સરકારો દર અઠવાડિયે એક માહિતી ફિલ્મ બનાવતી અને સરકારની પ્રવૃત્તિઓ અંગેની માહિતી ખાતાની ફિલ્મ દરેક થિયેટરમાં દર્શાવવી ફરજિયાત હતી. ગાંધીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા લંડન ગયા તે વખતે સખત ઠંડીમાં પણ નજીવાં વસ્ત્રો પહેરીને લંડન ગયેલા ગાંધીજીની ફિલ્મના આર્કાઇવ્ઝ આજે પણ લંડનમાં મોજૂદ છે.

ભારતમાં આઝાદીની લડત દરમિયાન આજના પત્રકારત્વનો પાયો નખાયો. ફરક એ હતો કે એ વખતે અંગ્રેજો સામે લડવાના ખ્યાલથી વિકસેલું પત્રકારત્વ દેશદાઝથી રંગાયેલું હતું. એ વખતે શરૂ થયેલાં અખબારોમાં પત્રકારો વ્યાવસાયિક ધોરણે નહીં,પરંતુ એક મિશન સમજી જોડાતા હતા. આઝાદી બાદ બદલાઈ ગયું. આજના આધુનિક પત્રકારત્વનો પાયો આઝાદી પછીના કાળમાં નખાયો. અંગ્રેજો જતા રહ્યા, પરંતુ ભારતના કેટલાક નેતાઓનાં કૌંભાડો ખોલવાનું કામ ૧૯૬૦ની આસપાસ શરૂ થયું. એને સંશોધનાત્મક પત્રકારત્વ કહેવાયું. અંગ્રેજીમાં તેને ‘ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ’ કહે છે. ‘બ્લિટ્ઝ’ જેવાં અખબારોએ દેશના નેતાઓની પોલ ખોલવા પ્રયાસ કર્યો. એ વખતે ભારતના પૂર્વ સંરક્ષણમંત્રી કૃષ્ણમેનનનું આર્મી માટે ઇંગ્લેન્ડથી ખરીદવામાં આવેલી જીપોનું કૌભાંડ બહાર આવ્યું. પીળું પત્રકારત્વ પણ આ સમયથી શરૂ થયું.

એ પછી કેટલાક દાયકાઓ પૂર્વે અમેરિકાએ વિયેતનામ પર યુદ્ધ ઝીંકી દીધું. વિયેતનામ પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો. આખા વિશ્વમાં અમેરિકાની નિંદા થઈ રહી હતી, પરંતુ તે બોમ્બમારો બંધ કરતું નહોતું. એ વખતે એસોસિએટેડ પ્રેસના એક ફોટો જર્નાલિસ્ટ યુદ્ધનું કવરેજ કરવા વિયેટનામ પહોંચ્યો. એક ગામમાં અમેરિકન યુદ્ધ વિમાનોએ બોમ્બ ઝીંકી દીધો. મકાનો સળગવા લાગ્યાં. જાન બચાવવા સાતેક વર્ષની એક બાળકી કે જે નહાતી હતી તે વસ્ત્રહીન દશામાં દોડી. પાછળ તેનાં ઝૂંપડાં સળગી રહ્યાં હતાં. બાળકી નગ્ન હતી અને રડતી રડતી દોડી રહી હતી. ફોટો જર્નાલિસ્ટે એ ક્ષણોને કેમેરામાં કેદ કરી લીધી.

એ બાળકીની તસવીર ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના પ્રથમ પેજ પર છપાઈ અને અમેરિકા શરમાઈ ગયું. બીજા દિવસે જ એણે યુદ્ધ બંધ કરી દીધું.

અખાતના યુદ્ધ વખતે ટેલિવિઝન પર ન્યૂઝ ચેનલોનું મહત્ત્વ વધ્યું. સીએનએન જેવી ન્યૂઝ ચેનલોના પત્રકારો અને કેમેરામેનોએ યુદ્ધનાં ખોફનાક દૃશ્યો આખા વિશ્વને તેમના દીવાનખંડમાં બતાવી દીધાં. આ એક સાહસપૂર્ણ પત્રકારત્વ હતું. તેમાં સેટેલાઇટ ટેક્નોલોજીએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો. આજે ન્યૂઝ ચેનલ્સ અન્ય સોપ ઓપેરા જેટલી જ લોકપ્રિય છે.

હવે ડ્રોન પત્રકારત્વ આવી રહ્યું છે. ડ્રોન એટલે કે માનવરહિત વિમાનો આમ તો જાસૂસી અને મિસાઇલમારા માટે વપરાય છે. આ ડેન્જરસ ટેક્નોલોજી હવે યુદ્ધ પૂરતી સીમિત રહી નથી. આજના ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વમાં પણ હવે ડ્રોનનો ઉપયોગ શરૂ થઈ રહ્યો છે. અખાતના યુદ્ધમાં વિશ્વના પત્રકારત્વના ઇતિહાસમાં નોંધપાત્ર ભાગ ભજવનાર ‘અલ જજીરા’ ચેનલના ત્રણ પત્રકારોએ પરવાનગી લીધા વગર પેરિસમાં ડ્રોન વિમાન ઉડાડીને તેના કેમેરા દ્વારા કેટલાંક દૃશ્યો ઝડપી તેનું કવરેજ કર્યું હતું. આ ઘટનાને અપરાધ ગણવામાં આવ્યો છે. ફ્રાન્સના કાયદા પ્રમાણે પેરિસમાં કોઈ પણ વિમાન ૧૯,૭૦૦ ફૂટથી નીચે ઉડાડવાની મનાઈ છે. ભીડની ઉપર ડ્રોન ઉડાડી ભીડની ફોટોગ્રાફી કરવી તે કેટલાક દેશોમાં ગુનો ગણવામાં આવે છે.

દુનિયાની પહેલી ડ્રોન પત્રકારત્વની પ્રયોગશાળા અમેરિકાની યુનિર્વિસટી ઓફ નેબ્રાસ્કામાં સ્થાપિત થઈ હતી. તેના સંસ્થાપક પ્રોફેસર મેટ હતા. તેઓ ફ્રાન્સમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર ત્રણ પત્રકારોની ધરપકડને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ માને છે. ડ્રોન પત્રકારત્વ હવે એક નવો અભિગમ છે. આ પત્રકારત્વમાં ટેક્નોલોજીનું કૌશલ્ય અને સંપાદન એ બંનેના બહેતર સંતુલન આવશ્યક તત્ત્વ મનાય છે. ડ્રોન વિમાન પર લગાડેલા કેમેરાથી જ્યાં માનવી જઈ શકતો નથી ત્યાં ડ્રોન વિમાન પત્રકારના મહત્ત્વપૂર્ણ સાધન તરીકે કામ કરે છે. તેમાં માત્ર કેમેરાની કમાલ નથી, પરંતુ સમાચાર શોધતા પત્રકારના કૌશલ્યનું પણ પ્રદર્શન છે. શ્રોતાઓ, દર્શકો અને વાચકોની જિજ્ઞાાસાની અભિરુચિ સંતોષવી તે પત્રકારનો ધર્મ છે. વિશ્વમાં કેટલાંક એવાં દુર્ગમ સ્થળો છે, ખીણો છે, પર્વતો છે, યુદ્ધગ્રસ્ત પ્રદેશો છે ત્યાં માનવી પહોંચી શકતો નથી, એવાં સ્થળોએ કેમેરા લગાડેલાં માનવરહિત નાનકડાં ડ્રોન વિમાનો મોકલી શકાય છે અને તેણે ઝડપેલાં દૃશ્યો લોકો સુધી પહોંચાડી શકાય છે. કુદરતી આપત્તિઓથી ઘેરાયેલાં સ્થળો સુધી પહોંચવું માનવી માટે સરળ હોતું નથી ત્યારે ડ્રોન ટેક્નોલોજી કોઈ પણ જાતના માનવીય નુકસાન વિના કુદરતી આફતોની વિસ્તૃત દૃશ્યાવલી લોકો સુધી પહોંચાડે છે.

દુનિયાની પહેલી ડ્રોન પત્રકારત્વ પ્રયોગશાળામાંથી નીકળેલા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓની આજકાલ અમેરિકી મીડિયામાં ભારે માગ છે. વિસ્તૃત અને ઊંડાણપૂર્ણ રિપોર્ટિંગ આજના સમયની માગ છે. હવે કોણ, ક્યાં, કેમ, ક્યારે, એ ન્યૂઝ સ્ટોરીનું મૂળ તત્ત્વ રહ્યું નથી. સમાચારોના આ નવા સમયમાં ડ્રોન પત્રકારત્વ ખૂબ જ રોમાંચક અને ઉપયોગી સાબિત થશે એ નિશંક છે.

www.devendrapatel.in

ગુફામાં રહેતા ભારતીયો

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

વિશ્વ ૨૧મી સદીમાં પ્રવેશ્યું છે. માનવી ચંદ્ર પર ઊતરી ચૂક્યો છે,હવે મંગળ પર ઊતરવાની તૈયારી કરી રહ્યો છે. દેશના ૯૦ કરોડ લોકો પાસે મોબાઇલ છે. મુંબઈના ઉદ્યોગપતિ ૬૦૦૦ કરોડના ભવ્ય આશિયાનામાં રહે છે, પરંતુ આઝાદીનાં ૬૫ વર્ષ બાદ ભારતમાં એક વિસ્તાર એવો છે જ્યાં લોકો ગુફામાં રહે છે. તેઓ આદિમાનવ નથી,પણ વસ્ત્રો પહેરતા આજના માનવીઓ છે. તેમની પાસે રહેવાનું ઘર ન હોઈ તેઓ ગુફાઓમાં રહે છે.

આ વિસ્તાર જમ્મુ અને કાશ્મીર રાજ્યના કિશ્તવાર જિલ્લામાં આવેલો છે. જિલ્લાના હેડક્વાર્ટરથી થોડે જ દૂર પર્વતો છે. પર્વતોના ખડકોની અંદર બનેલી પ્રાકૃતિક ગુફાઓ એક જનસમૂહનું નિવાસસ્થાન છે. આવી ગુફાઓમાં રહેતા લોકો ગુજ્જર અને બેકરવાલ જાતિના છે. ઊંચા ખડકોની નીચે જ્યાં કપાયેલા પથ્થરોની નીચે બાકોરું મળ્યું તેમાં રહે છે. રાત્રે જંગલી પ્રાણીઓ તેમને ખાઈ ન જાય એટલે ગુફાઓના દ્વાર પર જંગલમાંથી કાપી લાવેલાં લાકડાં ગોઠવી દે છે. બહાર ભયાનક જંગલો હોઈ પ્રાણીઓના હુમલાનો તેમને સતત ભય રહે છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના કિશ્તવાર જિલ્લાના પોદર તાલુકામાં આ વસ્તી આવેલી છે.

જેવા તમે પોદર તાલુકામાં પ્રવેશો એટલે ઠેરઠેર ગુફાઓમાં વસતા લોકો જોવા મળશે. ભારતના વિકાસ અને આધુનિકીકરણની યોજનાઓ અહીં પહોંચી નથી. વીજળીનો તો સવાલ જ નથી. હિમાલયની ખૂબસૂરત પહાડીઓની ભીતરના ખડકોની ગુફાઓમાં રહેતા આ લોકો દર્દનાશક જીવન જીવી રહ્યા છે. અહીં બાજુમાં જ ચિનાબ નદી વહે છે. અહીંથી સહેજ આગળ વધો એટલે બરફાચ્છાદિત શિખરો દેખાય છે. અહીંની જમીન કાળી અને ફળદ્રુપ છે. જમીનમાં સમૃદ્ધ ખનિજતત્ત્વો છે, પણ તેની પર રહેતા લોકો ગરીબ છે. ગરીબીરેખાથી પણ નીચલા સ્તરનું જીવન જીવે છે. આ ગરીબો અહીંની જમીનના માલિકો નથી.

જાર નામનું એક ગામ ગ્રામપંચાયત ધરાવે છે, પણ તેના અડધોઅડધ લોકો ગુફામાં રહે છે. આવી ગુફાઓને અહીંના સ્થાનિક લોકો ‘કુદુ’ કહે છે. દિવસે આ ગરીબો બહાર આવી જાય છે. ખુલ્લા આકાશ નીચે પથ્થરો ગોઠવીને બનાવેલા ચૂલા પર એલ્યુમિનિયમનું વાસણ મૂકી ગરીબ મુસ્લિમ મહિલાઓ રાંધે છે. બાળકો નાગાં ફરતાં જણાય છે. મોટાભાગનાં બાળકો કુપોષણનો શિકાર બનેલાં છે.

જે લોકો ગુફાઓમાં વસે છે તે વિસ્તારનાં ગામોમાં (૧) લાઈ (૨) કજઈ (૩) કુન્ડલ (૪) કાંથલુ (૫) ચોકી (૬) ડેડી (૭) ચાનાયેસ (૮) શાશુ (૯) ચીરડી અને (૧૦) ભામાનીનો સમાવેશ થાય છે. આ ગામોના લોકો જે પર્વતોની ગુફાઓમાં વસે છે તે ગુફાઓના પર્વતો સીધા અને અતિશય ઊંચા છે. તેની પર ચઢવાની કોઈ હિંમત કરતું નથી.

દૂર અંતરિયાળના વિસ્તારોમાં રહેતી આ માનવ વસ્તી માટે અનાજ, આરોગ્ય, સેનિટેશન કે શિક્ષણની કોઈ મૂળભૂત સવલતો હજુ પ્રાપ્ત થઈ નથી. તે બધા જ ભારતના નાગરિકો છે. ચોમાસામાં અને કાતિલ શિયાળામાં ગુફામાં જ ચૂલો સળગાવવો પડે છે. અંદરનો ધુમાડો બહાર નીકળવા માટે વેન્ટિલેશનની કોઈ જ વ્યવસ્થા ન હોઈ અંદર રહેતાં લોકો ગૂંગળામણનો ભોગ બની ફેફસાંની બીમારીના દર્દી બની જાય છે. અસ્થમા એ અહીં રહેતા લોકોની સામાન્ય બીમારી છે. તેમની પાસે થોડીક બકરીઓ હોય છે, પણ ચોમાસામાં કે બરફવર્ષા વખતે બકરીઓ કે ભેંસને પણ તેમની સાથે ગુફામાં રાખવામાં આવે છે. ગુફામાં અજવાળું કરવા માટે તેમની પાસે કેરોસીન નથી, તેથી દિવસે જ રાંધી લેવું પડે છે.

અહીં કેટલાંક નદીનાળાં પણ છે, પરંતુ એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે પુલ નથી, તેથી નીચે વહેતા ધમધોકાર પાણીની ઉપર નદીના એક કાંઠે આવેલા ઝાડથી નદીના બીજા કાંઠાના ઝાડ પર મજબૂત બે દોરડાં બાંધવામાં આવે છે. લોકો એક દોરડા પર પગ રાખી બીજા દોરડાને હાથથી પકડી રાખી નદીના એક કાંઠેથી બીજા કાંઠે જાય છે. ચિનાબ નદી પર જ આવાં દોરડાં બાંધવામાં આવેલાં જોવા મળે છે. આ દોરડાં જ તેમના પરિવહનનું સાધન છે. હમણાં હમણાં સરકારે ક્યાંક ક્યાંક દોરડા પર લાકડાના ઝૂલા બનાવ્યા છે. તેમાં વધુમાં વધુ બે માણસો બેસી શકે છે. એ ઝૂલો દોરડા પર લટકે છે અને સામેથી એક માણસ તે ઝૂલાને ખેંચીને બીજા કાંઠે લાવી દે છે. દોરડા પર ખેંચીને લઈ જવાતો આ ઝૂલો સામાન્ય માનવી માટે નથી. જેઓ બીમાર, અશક્ત છે અને જે સ્ત્રીઓ સગર્ભા છે તેઓ જ એનો ઉપયોગ કરી શકે છે. આ વિસ્તારના શાશુ ગામની ગુફામાં રહેતો ફરીદ અહેમદ કહે છે કે, “નીચે ધસમસતી નદી પર દોરડાં દ્વારા એક કાંઠેથી બીજા કાંઠે જતાં કેટલાયે લોકોએ જાન ગુમાવ્યા છે. તેમના મૃતદેહ પણ હાથ આવતા નથી.”

કાન્થલુ ગામની ગુફામાં રહેતો રફીક કહે છેઃ “મારો પાંચ વર્ષનો બાળક બીમાર હતો. હું તેને પોદર ગામ પાસે આવેલા દવાખાનામાં લઈ જવા માગતો હતો. દોરડા પર ખાટલો બાંધી તેને ખેંચીને એક કાંઠેથી બીજા કાંઠે લઈ જતાં દોરડું ફસાઈ ગયું હતું. હું અને મારો દીકરો ત્રણ કલાક સુધી ધસમસતી નદીની ઉપર દોરડાથી લટકતા ખાટલામાં ફસાઈ ગયા હતા. અમે દયનીય જીવન જીવીએ છીએ. એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કેટલીક વખત અમારે પ્રાણીની જેમ પેટે ઘસાઈને જવું પડે છે.” અમે સદીઓથી અહીં રહીએ છીએ, પણ આ વિસ્તારનાં જંગલોની જમીન પર અમારો કાયદેસરનો કોઈ જ હક્ક અમને આપવામાં આવ્યો નથી. જંગલોની પેદાશ પર પણ અમારો કોઈ હક્ક નથી. અહીંનાં જંગલોમાંથી લાકડું લઈ અમે ઘર પણ બાંધી શકતા નથી.”

કેન્દ્ર સરકારે ફોરેસ્ટર રાઇટ એક્ટ ૨૦૦૬ બનાવ્યો છે, પણ અહીં રહેતા લોકોને તેનો કોઈ ફાયદો આપવામાં આવ્યો નથી. પાથેર ગામનો રહીશ સૈફ દીન કહે છેઃ “મારી ગ્રામપંચાયતના વિસ્તારમાં ૫૦૦ ઘર છે, પરંતુ તેમાંથી ૨૫૦ પરિવારો ગુફામાં રહે છે. હું કેન્દ્ર સરકારના ગ્રામ્ય વિકાસ મંત્રી જયરામ રમેશને વિનંતી કરું છું કે તેઓ અમારા વિસ્તારમાં આવે અને અહીં લોકો કેવી રીતે રહે છે તે તેમની સગી આંખે નિહાળે.”

જાર વિસ્તારની ગ્રામપંચાયતના સરપંચ મુલરાજ રાઠોડ કહે છેઃ “અમારા વિસ્તારમાં કોઈને ઘર બાંધવું હોય તો ઇન્દિરા આવાસ યોજના હેઠળ એક ઘર બાંધવા માટે રૃ. ૪૫,૦૦૦ની સહાય આપવામાં આવે છે, પરંતુ આ લાભ પંચાયતદીઠ એક જ પરિવારને અપાય છે. એક ગામમાં ૨૫૦ પરિવારો ગુફામાં રહેતા હોય તો બાકીના ૨૪૯ ગુફાવાસીઓને ઘર ક્યારે મળે? તેથી એ યોજના અહીં નામ પૂરતી જ છે.”

અહીં સ્કૂલ નથી, શિક્ષણ નથી, રોજગારી નથી. યુવાનો નજીકના વિસ્તારોમાં ટ્રકમાં રેતી ભરવા મજૂરીએ જાય છે. ક્વોરીઓમાં જઈ પથ્થરો ઊંચકે છે. આ વિસ્તારમાંથી ચૂંટાતા ધારાસભ્યનું નામ સજ્જાદ અહેમદ કિચલુ છે. તેઓ કહે છેઃ “ના ભાઈ ના, અહીં એવી કોઈ તકલીફ નથી. આમ છતાં લોકો જો ગુફામાં રહેતા હશે તો હું તપાસ કરીશ અને લોકો એવું જીવન જીવતા હશે તો હું મતક્ષેત્ર વિકાસ ભંડોળમાંથી મદદ કરીશ.”

બોલો, સદીઓથી તેમના જ વિસ્તારમાં ગુફાઓમાં જીવન જીવતા લોકો વિશે સ્થાનિક ધારાસભ્યને જ ખબર નથી!

www.devendrapatel.in

સેપ્ટ’ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાને અહમ્નો અખાડો ના બનાવો

ગુજરાતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ હવે આક્ષેપો-પ્રતિઆક્ષેપો,અહમ્ના ટકરાવ અને રાજનીતિનો અખાડો બનતી જાય છે. ગુજરાત યુનિર્વિસટી તથા સેપ્ટ જેવી સંસ્થાઓ એક જમાનામાં ગુજરાતની શાન હતી. આ સંસ્થાઓની સ્થાપનામાં ડો. વિક્રમ સારાભાઈ,કસ્તુરભાઈ લાલભાઈ જેવા દૃષ્ટાઓનો મોટો ફાળો હતો. અમદાવાદની આઈઆઈએમથી માંડીને સ્થાપત્ય શિક્ષણની સંસ્થાઓએ દેશને સર્વશ્રેષ્ઠ સ્થપતિઓ તથા કુશળ વ્યવસાયકારો આપેલા છે, પરંતુ હવે એ જ સંસ્થાઓ એ જ સંસ્થાઓના ભૂતપૂર્વ અને વર્તમાન વડાઓ વચ્ચેના કુસ્તી દંગલનું પ્લેટફોર્મ બનતી જાય છે. સેપ્ટ જેવી પવિત્ર શૈક્ષણિક સંસ્થામાં સત્તાની સાઠમારીનાં દૃશ્યો જોઈ કોઈ પણ શિક્ષણપ્રેમીનું મસ્તક ઝૂકી જાય તેમ છે.

દોશીના આક્ષેપો

તાજેતરમાં ‘સેપ્ટ’ના સ્થાપકો પૈકીના એક અને જાણીતા સ્થપતિ બી. વી. દોશીએ ‘સેપ્ટ’ના ડાયરેક્ટર બિમલ પટેલ સામે એક જાહેર નિવેદન કરીને ગંભીર આક્ષેપો કર્યા છે. બી. વી. દોશીનું કહેવું છે કે, “સેપ્ટના સાઉથ ફેસાર્ડ અને સાઉથ એલિવેશન વિન્ડોમાં પ્રેસિડેન્ટે મનસ્વી ફેરફારો કર્યા છે. ૫૦ વર્ષ પહેલાં મેં બનાવેલા અમદાવાદના હેરિટેજ સમા ‘સેપ્ટ’ યુનિર્વિસટીના બિલ્ડિંગને નુકસાન કરવામાં આવી રહ્યું છે. ‘સેપ્ટ’ની આ ઐતિહાસિક ઇમારત તે અમદાવાદનો વારસો છે અને તેના બિલ્ડિંગની ડિઝાઈનમાં અને પુનઃ નિર્માણમાં મને પૂછયા વગર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નીતિમત્તાની દૃષ્ટિએ આ ગેરવાજબી છે. મેનેજમેન્ટ મને બોલાવતું નથી. સેપ્ટમાં શૈક્ષણિક કાર્યક્રમો ઘટી રહ્યા છે. ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ માટે સાનુકૂળ વાતાવરણ ઘટી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અનુભવી અધ્યાપકો છૂટા થઈ રહ્યા છે. તાજેતરમાં સ્ટુડન્ટ્સ કાઉન્સિલ વિખેરી નાખી તે બરાબર નથી વગેરે.”

બિમલ પટેલ

સેપ્ટના ડાયરેક્ટર બિમલ પટેલે બી. વી. દોશીના આક્ષેપોનો જવાબ આપતાં કહ્યું કે, “વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હોઈ ૫૦ વર્ષ જૂની ઇમારતમાં સમયાનુસાર પરિવર્તન કરવામાં આવી રહ્યું છે. બી. વી. દોશી સ્વયં બોર્ડ ઓફ કાઉન્સિલના સભ્ય છે અને બોર્ડની મંજૂરી બાદ જ નિર્ણયો અમલમાં મૂકવામાં આવે છે. વળી મેનેજમેન્ટે બી. વી. દોશીનો ઇ-મેલ દ્વારા તથા વ્યક્તિગત રીતે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. વિદ્યાર્થીઓ પોતાની વાત રજૂ કરી શકે તે માટે સમયાંતરે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવે છે. સેપ્ટ ૨૩૯ જેટલા વિઝિટિંગ ફેકલ્ટીને બોલાવે છે. હાલ ૭૨ ફેકલ્ટી છે. વિદ્યાર્થીઓને ભણાવવા માટે ફેકલ્ટી મેમ્બરે ૮ કલાક હાજરી આપવી અનિવાર્ય છે.

બૌદ્ધિક મારામારી

‘સેપ્ટ’ યુનિર્વિસટીમાં આ પ્રકારનો વિવાદ લાંબા સમયથી ચાલતો આવે છે. આ વિવાદથી નારાજ થયેલા બી. વી. દોશીએ કેટલાક સમય પહેલાં જ ‘સેપ્ટ’માંથી રાજીનામું આપી દીધું હતું. મેનેજમેન્ટે પણ તેમની સાથે કોઈ પણ જાતની ચર્ચા-વિચારણા કર્યા બાદ દોશીનું રાજીનામું સ્વીકારી લીધું હતું. આ બધાનું પરિણામ એ આવ્યું છે કે, સેપ્ટના વિદ્યાર્થીઆના પ્રશ્નો ટલ્લે ચડી ગયા અને હવે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિવાદે ‘સેપ્ટ’ની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડયું છે. ગુજરાતની આવી સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થામાં હવે જૂના અને નવા સંચાલકોની બૌદ્ધિક મારામારીનાં વરવાં દૃશ્યો જોવા મળે છે. આ એક પ્રકારની હુંસાતુંસી જ છે, જે એ બેઉ મહાનુભાવોને શોભતી નથી.

કીચડ ના ઉછાળો

ગુજરાતની શૈક્ષણિક સંસ્થાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ અને ભવ્ય વારસો જોતાં એ જરૂરી છે કે, બી. વી. દોશી અને બિમલ પટેલ બેઉ સંયમથી વર્તે. બી. વી. દોશી એક પ્રતિષ્ઠિત સ્થપતિ અને સંસ્થાના સ્થાપક છે, જ્યારે બિમલ પટેલ આ સંસ્થાના જ વિદ્યાર્થી અને હવે સંસ્થાના પ્રેસિડેન્ટ પણ છે. આ બંને વિદ્વાનોએ ‘સેપ્ટ’ના આંતરિક પ્રશ્નો અંગે જાહેરમાં એકબીજા સામે કીચડ ઉછાળવાની શરૂઆત કરી છે તેથી છેવટે તો સંસ્થા જ બદનામ થાય છે. ‘સેપ્ટ’ની નામના પૂરા દેશભરમાં છે. બી. વી. દોશી એક સિનિયર વ્યક્તિ છે અને બિમલ પટેલ નવી પેઢીના માણસ છે. બેઉ જણે આ રીતે મીડિયા સમક્ષ જઈ આ રીતે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરીને સંયમ ગુમાવ્યો છે અને સંસ્થાને લાંછન લગાડયું છે. કોઈ પણ મોટી સંસ્થામાં પ્રશ્નો હોઈ શકે છે. નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે એક અંતર પણ હોઈ શકે છે, પરંતુ બે બુદ્ધિજીવીઓ વચ્ચે કોઈ મતભેદ હોય તો પણ તેને ફૂટપાથના રાજકારણીઓની જેમ જાહેરમાં એકબીજા સામે આ રીતે ગંદવાડ ઉછાળવો તેમને શોભતો નથી. તમારે કાંઈ કહેવું હોય તો બંધબારણે અંદર બેસીને ડાહ્યા માણસની જેમ વાત કરો. ‘સેપ્ટ’ એ ફિશ માર્કેટ નથી. કુસ્તી દંગલની કોઈ રિંગ નથી. સેપ્ટ એ યુદ્ધભૂમિ નથી. પ્રશ્નોની બૌદ્ધિક ચર્ચા કરીને એનો બુદ્ધિપૂર્વકનો નિવેડો લાવવો જોઈએ.

નિવૃત્તિને સ્વીકારો

એ વાત સાચી છે કે, ઉંમર ઢળી ગયા પછી નિવૃત્ત થવાનું કોઈને ગમતું નથી, પછી તે રાજકારણ હોય કે શૈક્ષણિક ક્ષેત્ર હોય. બી. વી. દોશીએ હવે એ વાત સમજી લેવાની જરૂર છે કે, ૫૦ વર્ષ પહેલાંની વાત જુદી હતી અને આજની વાત જુદી છે. સમય બદલાયો છે. સમય પ્રમાણે સંસ્થામાં પણ પરિવર્તનો લાવવા પડે. સમય સાથે રહેતાં શીખવું જોઈએ. નવા માણસોને કામ કરવા દેવાની તક અને અવકાશ આપવા જોઈએ. બી. વી. દોશી એક અનુભવી સ્થપતિ અને શિક્ષણકાર છે. તેમણે વડીલને છાજે તે રીતે તેમના અનુભવનો લાભ અને માર્ગદર્શન આપવા જોઈએ. જૂની ઇમારતમાં કોઈ ફેરફાર જ ના કરી શકાય તેવા દુરાગ્રહોમાંથી બહાર આવવું જોઈએ.

સિનિયરને માન આપો

એ જ રીતે   સંસ્થાના નવા પ્રેસિડેન્ટ બિમલ પટેલે પણ એટલા જ સંયમથી વર્તવાની જરૂર હતી. તેઓ જે રીતે મીડિયા સમક્ષ જઈ ખુલાસા કરે છે તેમના પદની ગરિમાને અનુકૂળ નથી. બિમલ પટેલ આ સંસ્થાના જ વિદ્યાર્થી હોઈ તેમણે સંસ્થાની પ્રતિષ્ઠાના જાહેરમાં લીરેલીરા ઊડતા હોય ત્યારે શાલીનતાથી વર્તવું જોઈએ. બી. વી. દોશી આ સંસ્થાના સ્થાપક અને સિનિયર વ્યક્તિ છે. બિમલ પટેલે સિનિયરોને માન આપતાં શીખવું જોઈએ. તેમણે એક વાત ગંભીરતાથી સમજવી જોઈએ કે, સંસ્થાના પૂર્વ અને હાલના બે વડાઓ વચ્ચે હાલ જે રીતે શાબ્દિક લડાઈ ચાલી રહી છે તેથી સેપ્ટના વિદ્યાર્થીઓને પણ મૂંઝવણ થઈ છે. તેમની આ જાહેર લડાઈની વિદ્યાર્થીઓ પર શું અસર પડશે તે અંગે તેમણે બંનેએ વિચારવું જોઈએ. વિદ્યાર્થીઓના પણ કોઈ પ્રશ્નો હોય તો સામસામે બેસીને તેનો ઉકેલ લાવવો જોઈએ.

વિદ્યાર્થીઓમાં અજંપો

બી. વી. દોશી અને બિમલ પટેલ એ બંને જણ યાદ રાખે કે, વિશ્વભરમાં ક્રાંતિની જનેતાઓ શૈક્ષણિક સંસ્થાઓ જ હોય છે અને વિદ્યાર્થી આંદોલનોમાંથી જ ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના મેસ બિલના પ્રશ્નમાંથી જ ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન થયું હતું. મહાગુજરાતના આંદોલનમાં વિદ્યાર્થીઓનો મોટો ફાળો હતો. આજે ‘સેપ્ટ’ના વિદ્યાર્થીઓ નારાજ છે. તેમની નારાજગી તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો એ આંદોલન આવતીકાલે રાજકારણીઓના હાથમાં જઈ શકે છે. હજી તો ચિનગારી છે. એમાં પેટ્રોલ નાખવાનું કામ બી. વી. દોશી અને બિમલ પટેલ બેઉ બંધ કરે એ જ ‘સેપ્ટ’ યુનિર્વિસટીના હિતમાં છે.

ભ્રષ્ટાચાર હવે આ દેશની પ્રજાના જિન્સમાં પ્રવેશ્યો

ભારતે આઝાદી હાંસલ કર્યાને ૬૮ વર્ષ થયા. આઝાદી માટે આ ઉંમર પાકટ ગણાય, પરંતુ ભારતે ગરીબી, અન્યાય, ભૂખમરો,બેરોજગારી અને ભ્રષ્ટાચારમાંથી આઝાદી મેળવવાની હજુ બાકી છે. દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોમાં ભારતની ગણતરી થાય છે. નોંધપાત્ર વાત એ છે કે, રાજકારણીઓ અને અધિકારીઓ સૌથી વધુ તવંગર થયા છે જ્યારે પ્રજા સૌથી વધુ ગરીબ થઈ છે. આઝાદી વખતે જેટલા ગરીબો હતા તેમાં અનેક ગણો વધારો થયો છે.

બડા બડા નેતાઓ

નેતાઓ અને સામાન્ય લોકોના જીવનધોરણમાં આસમાન-જમીનનો ફરક આવ્યો છે. પશ્ચિમ બંગાળ કે કેરાલાના સામ્યવાદી પક્ષોના નેતાઓ સિવાય તમામ પક્ષોના કેટલાક નેતાઓ કોઈ ને કોઈ ગોટાળા કે કૌભાંડમાં સામેલ હોવાના આક્ષેપ થયા છે. તમિળનાડુનાં મુખ્યમંત્રી જયલલિતા સામે અનેક કેસ છે. ૧૦ હજાર સાડીઓથી તેમનું વોર્ડરોબ ભરેલું છે. એ જ તમિળનાડુના ડીએમકેના સુપ્રીમો કે. કરુણાનિધિનાં પુત્રી કનીમોઝી અને તેમના પક્ષના નેતા એ. રાજા જેલની હવા ખાઈ આવ્યાં છે. બિહારના લાલુપ્રસાદ સામે ઘાસચારા કૌભાંડનો કેસ ચાલે છે. ઉત્તરપ્રદેશના મુલાયમસિંહ યાદવ સામે આવક કરતાં સંપત્તિ વધુ હોવાનો કેસ ચાલે છે. કોંગ્રેસના સુરેશ કલમાડી સામે કોમનવેલ્થ કૌભાંડના આક્ષેપો છે. મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતાઓ સામે આદર્શ સોસાયટી કૌભાંડના આરોપો છે. કોંગ્રેસના નવીન જિંદાલ સામે કોયલા કૌભાંડના આક્ષેપો છે. ભાજપાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ લક્ષ્મણ બાંગારુ તો ઓફિસમાં જ લાંચ લેતાં પકડાઈ ગયા હતા. ભાજપના નેતા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું પરિવાર વ્યાપમ્ ગોટાળામાં સપડાયું હોવાના આક્ષેપ છે.

બેંકના ચેરમેન પણ

હવે સિન્ડિકેટ બેંકના ચેરમેન સુધીરકુમાર જૈનને કોયલા ખાણ ગોટાળામાં સામેલ કંપનીઓને ધિરાણનો લાભ આપવા માટે રૂ. ૫૦ લાખની લાંચ લેતાં પકડવામાં આવ્યા છે. આ કામ માટે એક જાણીતી સ્ટીલ કંપની સહિત બે કંપનીઓએ એક વ્યક્તિની સેવાઓ લીધી હતી અને બેંકના ચેરમેન સુધીર જૈનને રુશવતની રકમ તેમના સાળા અને ભોપાલના ચર્ચાસ્પદ કોંગ્રેસી નેતા વિનીત ગોધા અને તેમના બિલ્ડર ભાઈ પુનિત મારફતે આપવામાં આવી. ભોપાલના બહુર્ચિચત પવન વિદ્રોહી હત્યાકાંડના મામલામાં પણ પોલીસે વિનીત ગોધાની પૂછપરછ કરી છે. સીબીઆઈને છેલ્લા છ મહિનાથી કેટલીયે ફરિયાદો મળી હતી. બેંકની ધિરાણ મર્યાદા વધારવા માટે આ રુશવત આપવામાં આવી હતી. આ રુશવત સિન્ડિકેટના બેંગાલુરુ, ભોપાલ, દિલ્હી અને દેશભરમાં ફેલાયેલા છે. આજ સુધીમાં દેશમાં હજારો કરોડના ગોટાળા બહાર આવ્યા છે. તેમાં આ ૫૦ લાખની લાંચનો મામલો તો ઘણો નાનો લાગે છે, પરંતુ આ બાબતથી એ વાત હવે સ્પષ્ટ છે કે, બેંકિંગ સેક્ટર અને કોર્પોરેટ સેક્ટર દેશના ધનને પોતાના અંગત હિતો માટે ઉપયોગ કરી રહ્યું છે.

બહુર્ચિચત કૌભાંડો

આ દેશમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડો કોઈ નવી વાત નથી. પંડિત જવાહરલાલ નહેરુના સમયમાં પણ ભારતીય લશ્કર માટે ઇંગ્લેન્ડથી જીપ ખરીદવાનું એક મોટું કૌભાંડ થયું હતું અને તેમાં તે વખતના સંરક્ષણમંત્રીનું નામ આવ્યું હતું. તે પછી હરિદાસ મુંદ્રા કૌભાંડ, ધર્મા તેજા કૌભાંડ, કુઆં ઓઈલ ડિલ, હર્ષદ મહેતા શેર કૌભાંડ, ઈન્ડિયન બેંક કૌભાંડ, સ્ટોક બ્રોકર કેતન પારેખ કૌભાંડ, મુંબઈ હાઉસિંગ લોન કૌભાંડ, સત્યમ્ કૌભાંડ, મધુ કોડા મની લોન્ડરિંગ કૌભાંડ જેવાં અનેક કૌભાંડ બહાર આવ્યાં. તે પછી એનડીએની સરકાર વખતે કોફિન કૌભાંડ પણ બહાર આવ્યું. તે અગાઉ બોફોર્સ કૌભાંડ પણ ચમક્યું. યુપીએ સરકાર વખતે ૨જી સ્પેક્ટ્રમ કૌભાંડ અને કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ પણ ચર્ચામાં આવ્યાં. આઝાદી પછીનાં કૌભાંડોની યાદી ઘણી લાંબી છે તેથી અહીં થોડાં ઉદાહરણો જ પેશ કર્યાં છે. આ કૌભાંડોમાં મોટા ભાગનાં કૌભાંડોના આરોપો દેશના નેતાઓ સામે જ થયા છે.

નીચે પણ ભ્રષ્ટાચાર

પરંતુ અહીં એક વાત નોંધવી જોઈએ કે, ભ્રષ્ટાચારનો આરોપ નેતાઓ પર જ મૂકવો વાજબી નથી. સચિવાલયનો પટાવાળો પણ લાંચ લેતો હોવાના ઘણાને અનુભવ છે. એક ટેબલ પરથી બીજા ટેબલ પર ફાઈલ સરકાવવાની ક્લાર્કની કિંમત નક્કી હોય છે. આર.ટી.ઓ.માં ઘણી વાર પૈસા આપ્યા વિના લાઈસન્સ મળતું નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એક ટ્રક પ્રવેશે છે ત્યારે દરેક નાકા પર ટ્રક દીઠ લાંચની રકમ ફિક્સ હોય છે. આર.ટી.ઓ. અધિકારી કે પોલીસ અધિકારી લાખોની લાંચ આપીને જ મલાઈદાર પોસ્ટિંગ મેળવે છે. આ દેશમાં ટોચનાં શહેરોનાં પોલીસ કમિશનર બનવા માટે કરોડો અપાતાં હોવાની ચર્ચા છે. દેશમાં રેવન્યૂ સૌથી વધુ ભ્રષ્ટ ખાતું છે. જમીન એન.એ. કે એન.ઓ.સી. કરવાના ચોરસવાર દીઠ ભાવ ફિક્સ છે. વ્યવસાયવેરાનાં ર્સિટફિકેટ આપવાના પણ પૈસા લેવાય છે. પૂછતાં અધિકારી કહે છે કે, “અમે ઉપર પૈસા આપીને અહીં આવ્યા છીએ.”

લોહીમાં ભ્રષ્ટાચાર

અમેરિકામાં વસતા મૂળ ભારતીય વૈજ્ઞાાનિક પ્રજ્ઞાા દાસે ભારતમાં તેજીથી વધી રહેલા ભ્રષ્ટાચાર સંદર્ભમાં કહ્યું છે કે, “ભારતમાં ભ્રષ્ટાચારના કેસો જે રીતે વધી રહ્યા છે તે જોતાં લાગે છે કે, ભ્રષ્ટાચાર ભારતીય લોકોના જિન્સમાં દાખલ થઈ ચૂક્યો છે. લોહીના કણોમાં રહેલા જિન્સ દ્વારા આપણને ભ્રષ્ટાચાર વારસામાં પ્રાપ્ત થઈ રહ્યો છે અને એક પેઢીથી બીજી પેઢીને એ મળી રહ્યો છે.”

સવાલ એ છે કે, શું ભ્રષ્ટાચારથી લથપથ આ દેશ વિશ્વની મહાશક્તિ બની શકશે હા, બની શકે છે, પરંતુ તે માટે ભ્રષ્ટાચારને મૂળમાંથી જ હટાવવો પડશે. જે બાળક લાંચ આપીને સ્કૂલમાં ભણવા દાખલ થયું હોય તે બાળક મોટો થઈને શું બનશે ? જે શિક્ષક ડોનેશનના નામની લાંચ આપીને શિક્ષક બન્યો હોય તે બાળકને નીતિમત્તાના કયા પાઠ ભણાવશે ?

 વિચાર કરજો.

રાજ્યપાલપદની ગરિમા હવે ખંડિત થઈ રહી છે !

દેશમાં રાજ્યપાલનું પદ ફરી એક વાર વિવાદમાં છે. બ્રિટિશ રાજના અંત પછી ભારતમાં દરેક રાજ્યમાં રાજ્યપાલનું પદ ઊભું કરવામાં આવ્યું છે. દરેક રાજ્યમાં એક રાજભવન હોય છે. રાજ્યપાલને એડીસી, સચિવો તથા વહીવટી સ્ટાફ આપવામાં આવે છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ પછી સૌથી મોટા પક્ષને સરકાર રચવા આમંત્રણ આપવાનું અને તેમને શપથ ગ્રહણ કરાવવાનું કામ રાજ્યપાલ કરે છે. બાકીના સમયમાં રાજ્યપાલ ઉદ્ઘાટનો કરવામાં કે જાહેર સમારંભોની શોભામાં અભિવૃદ્ધિ કરવાનું કામ કરે છે. રાજ્યપાલ પાસે વહીવટીતંત્ર પર કોઈ સીધો કાબૂ હોતો નથી. કોઈ વાર સરકારનો કોઈ ઠરાવ ના ગમે તો તેને પાછો મોકલી શકે છે. મોટા ભાગના રાજ્યપાલોની નિમણૂક કેન્દ્રમાં સત્તાધારી પક્ષની સરકાર કરે છે. તેથી રાજ્યમાં ક્યારેક કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય ત્યારે રાજ્યપાલનો રોલ નિર્ણયાત્મક બને છે. ઘણી વાર પક્ષના જૂના વફાદાર અને વૃદ્ધ થઈ ગયેલા નેતાઓને રાજ્યપાલ બનાવી તેમને ઉપકૃત કરવામાં આવે છે. રાજભવનોના કરોડોના ખર્ચા પ્રજાના કરમાંથી નિભાવવામાં આવે છે.

રાજ્યપાલની ગરિમા

આ બધું હોવા છતાં ભારતમાં રાજ્યપાલનું પદ એક ગરિમા અને પ્રતિષ્ઠાભર્યું છે. દેશને ઘણાં ઉત્કૃષ્ટ અને સમાજસેવામાં પરોવાયેલા રાજ્યપાલો પણ પ્રાપ્ત થયા છે. ગુજરાતને વર્ષો પહેલાં પ્રાપ્ત થયેલા મહેંદી નવાજજંગ એક આવા ઉત્કૃષ્ટ રાજ્યપાલ હતા, ગુજરાતના હાલના રાજ્યપાલ મહામહીમ ઓ. પી. કોહલી એક ઉમદા વ્યક્તિ છે, પરંતુ હમણાં હમણાં ગુજરાત સિવાયના એટલે કે દેશના અન્ય રાજ્યોમાં કેટલાક રાજ્યપાલોએ રાજ્યપાલ પદની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડયું છે. કહેવાય છે કે, જે લોકો સક્રિય રાજનીતિના ખેલમાંથી બહાર નીકળી જાય છે અને પોતાની કળામાં માહેર હોય છે તેવા કેટલાક રાજ્યપાલ બની જાય છે. કોઈક વાર કેટલાકને સક્રિય રાજનીતિમાંથી ફારેગ કરવા પણ રાજ્યપાલ બનાવી દેવાય છે. કહેવાય છે કે, ભારતમાં રાજકારણીઓ કદી નિવૃત્ત થવા માગતા નથી. અંગ્રેજીમાં કહેવત છે કે, “A Politician never retires, unless he dies.”મધ્યપ્રદેશના રાજ્યપાલ રામનરેશ યાદવે વૃદ્ધાવસ્થામાં બેઆબરૂ થઈને રાજભવન છોડવું પડે તેમ છે. મધ્યપ્રદેશના રાજ્યપાલને વ્યાપમ્ ગોટાળામાં આરોપી બનાવાયા છે અને તેમની સામે એફ.આઈ.આર. નોંધાતા તેમને રાજ્યપાલપદ છોડવું પડે તેવી પરિસ્થિતિ છે. વળી તાજેતરમાં જ તેમના પુત્રનું સંદિગ્ધ હાલતમાં મૃત્યુ નીપજ્યું છે તે પણ એક સંદેહ પેદા કરે છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ હાલ બીમાર છે.

આરોપ શું છે ?

મધ્યપ્રદેશની સરકારને ધ્રૂજવતું વ્યાપમ્ કૌભાંડ અત્યંત ચર્ચાસ્પદ બન્યું છે. મધ્યપ્રદેશના રાજ્યપાલ પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, વન સંરક્ષકની પરીક્ષામાં તેમણે પાંચ ઉમેદવારોના નામની ભલામણ કરી હતી. આરોપ એવો પણ છે કે, એ ભલામણો કરવાના બદલામાં તેમણે પૈસા પણ લીધા હતા. આમ તો વ્યાપમ્ ગોટાળાની તપાસ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને બીજા કેટલાક લોકો સુધી પહોંચેલી છે, પરંતુ મધ્યપ્રદેશના ઇતિહાસમાં પહેલી વાર આવા કોઈ કૌભાંડમાં રાજ્યપાલને આરોપી બનાવાયા છે. ૮૮ વર્ષના રામનરેશ યાદવ પહેલાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે રહી ચૂક્યા છે. પહેલાં તેઓ જનતા પાર્ટીમાં હતા. સમાજવાદી વિચારધારા ધરાવતા રામનરેશ યાદવ કોઈ જમાનામાં રાજનારાયણના સાથી હતા. તે પછી ચૌધરી ચરણસિંહના સમયગાળા દરમિયાન એટલે કે ૧૯૭૭માં તેમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે પછી તેમણે કોંગ્રેસ પાર્ટીના સભ્ય બની જવાનું પસંદ કર્યું હતું. મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે તેમની નિમણૂક યુપીએ સરકારે કરી હતી. ડો. રામમનોહર લોહિયા અને મહાત્મા ગાંધીજીના વિચારોને પોતાનો આદર્શ માનવાવાળા રામનરેશ યાદવ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવશે તેવી કોઈએ કલ્પના પણ કરી નહોતી. આરોપ મુકાયો છે તેથી તેઓ દોષી છે તેમ માની શકાય નહીં, કારણ કે એ વાતનો ફેંસલો તો હવે અદાલત કરશે, પણ આ આરોપથી તેમની પ્રતિભા ખંડિત તો જરૂર થઈ છે.

અન્ય રાજ્યપાલો

દેશની રાજનીતિના ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ ઘટી છે જ્યારે કેટલાક રાજ્યપાલોએ કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તેના હિતમાં જ કામ કર્યું હોય. દા.ત. પૂર્વ રાજ્યપાલો જેવા કે ઠાકુર રામલાલ, બૂટાસિંહ, હંસરાજ ભારદ્વાજ અને રોમેશ ભંડારીએ કેન્દ્રમાં સત્તાધારી પક્ષની કઠપૂતલીઓની જેમ જ કામ કર્યું છે. એક રાજ્યપાલ તો રાજભવનમાં બેસીને ગેરકાયદે જમીનોની ખરીદીને વેચાણનું કામ જ કરતા હતા. એક રાજ્યપાલનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત નીપજ્યું, પરંતુ એ દુર્ઘટનાના સમયે હિમાલયની પહાડીઓ પર એટલી બધી ચલણી નોટો એમાંથી પડી કે લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા.

રાજભવનમાં રંગરેલિયાં

પૂર્વ રાજ્યપાલ નારાયણદત્ત તિવારી તો વયોવૃદ્ધ હોવા છતાં રાજભવનમાં જ અનેક મહિલાઓ સાથે રંગરેલિયાં કરતાં દેખાયા હતા. તે સંબંધની એક વીડિયો બહાર આવતા તેમણે રાજીનામું આપી દેવું પડયું હતું. ત્યાર પછી એક યુવાને દાવો કર્યો હતો કે, હું જ નારાયણદત્ત તિવારીનો પુત્ર છું. આખો મામલો કોર્ટમાં ગયો હતો. નારાયણદત્ત તિવારીનો ડીએનએ ટેસ્ટ લીધા બાદ એ યુવાનનો દાવો સાચો સાબિત થયો હતો. રાજ્યપાલનું પદ ગરિમાપૂર્ણ પદ છે. રાજ્યપાલની નિમણૂક ભલે એક સરકાર કરે, પરંતુ એક વાર તેમની નિમણૂક થઈ તે પછી તેઓ નિષ્પક્ષ બની જાય તેવી અપેક્ષા હોય છે. એવી જ રીતે રાજભવન એ રંગરેલિયાં મનાવવાનું સ્થળ નથી. રાજભવન એ વૃદ્ધાશ્રમ નથી. આપણે એવી અપેક્ષા રાખીએ હાલના તમામ મહામહીમ રાજ્યપાલો રાજ્યપાલ પદની ગરિમા પુનઃ પ્રસ્થાપિત કરે.

હું ભારતીય નહીં, પરંતુ માત્ર એક કાશ્મીરી છું

ભારતમાં રહેવું અને ભારતને નફરત કરવી એવું તમે ક્યાંય સાંભળ્યું છે ?

હા, એક શખસ એવો હતો જેનો જન્મ હિંદુસ્તાનમાં થયો,હિંદુસ્તાનની ભૂમિ પર પાકતું અન્ન ખાધું, હિંદુસ્તાનનું પાણી પીધું,હિંદુસ્તાનની ધરતી પર શ્વાસ લીધા છતાં તે આખી જિંદગી હિંદુસ્તાનને ધિક્કારતો રહ્યો.

શેખ નઝીર અહેમદ

એ શખસનું નામ હતું : શેખ નઝીર અહેમદ. શેખ નઝીર અહેમદ એ બીજા કોઈ નહીં, પરંતુ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના કાકા થાય. છેક મોતીલાલ નહેરુના સમયથી ઓમર અબ્દુલ્લાના દાદા શેખ અબ્દુલ્લા પરિવારનું નામ કાશ્મીરના ઈતિહાસ સાથે સંકળાયેલું છે. ઓમર અબ્દુલ્લા કે તેમના પિતા ફારુક અબ્દુલ્લા આજે ભલે જમ્મુ-કાશ્મીરમાં સત્તા પર નથી, પરંતુ તેમનું પરિવાર જમ્મુ-કાશ્મીરનું ફર્સ્ટ ફેમિલી ગણાય છે. ભારતના ભાગલા પહેલાંથી જ શેખ અબ્દુલ્લા પરિવાર કાશ્મીરમાં એક જાણીતું પરિવાર હતું. જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નહેરુ પણ કાશ્મીરી પંડિત જ હતા. એમના સમયમાં શેખ મોહંમદ અબ્દુલ્લાનો એક આગવો દબદબો હતો. આવા શેખ અબ્દુલ્લાનો એક ભત્રીજો હતો જેનું નામ શેખ નઝીર અહેમદ હતું. નેશનલ કોન્ફરન્સ નામની પાર્ટીના સ્થાપક શેખ અબ્દુલ્લાએ તેમના ભત્રીજા શેખ નઝીર અહેમદને તે માત્ર ૭ વર્ષની વયનો હતો ત્યારે જ દત્તક લઈ લીધો હતો. આ રીતે શેખ અબ્દુલ્લાના પુત્ર ફારુક અબ્દુલ્લા અને નઝીર અહેમદ ભાઈ થાય અને એ નાતે શેખ નઝીર અહેમદ ઓમર અબ્દુલ્લાના કાકા થાય.

નઝીર એક કોયડો

આટલી પશ્ચાદ્ ભૂમિકા પરથી હવે મૂળ વાત પર આવીએ. શેખ નઝીર અહેમદ એક કોયડારૂપ ગૂઢ માણસ હતા. તેમના પાલક પિતા શેખ અબ્દુલ્લાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો ત્યારે પૂરા ૨૪ વર્ષ સુધી તેઓ તેમના મજબૂત ટેકેદાર રહ્યા હતા, પરંતુ એક વાર અબ્દુલ્લા પરિવારને જમ્મુ-કાશ્મીરમાં સત્તા હાંસલ થઈ તે પછી શેખ નઝીર અહેમદે જાહેર કર્યું કે, “હું કાશ્મીરી છું, ભારતીય નથી.”

શેખ નઝીર અહેમદ આખી જિંદગી તેમની પાર્ટીને અને પરિવારને વફાદાર રહ્યા, પરંતુ હૃદયથી તેઓ બળવાખોર રહ્યા. તેઓ ભાગ્યે જ કોઈ મીડિયાને મળતા કે ભાગ્યે જ જાહેરમાં દેખાતા. અલબત્ત, શેખ નઝીરના ભારત વિશેના જે અભિપ્રાયો હતા તેમાં તેમની પાર્ટી કદી સૂર પૂરાવતી નહીં, પરંતુ તેમના ‘હું ભારતીય નથી’ એવા વિચારોથી તેઓ પાર્ટી માટે અને દેશ માટે એક કોયડો રહ્યા.

ભારતનું કાંઈ ના ખપે

શેખ નઝીર તાજેતરમાં જ ૭૮ વર્ષની વયે મૃત્યુ પામ્યા. ભારતની આઝાદીના સંગ્રામ દરમિયાન ભારત તરફી પોલિટિકલ પાર્ટી- નેશનલ કોન્ફરન્સના એક સ્તંભ જેવા શેખ નઝીરનું પાછળથી ભારત પ્રત્યે ધિક્કારનું વલણ કેમ રહ્યું તે ઘણાંને સમજાતું નથી. ભારતની કોઈ પણ ચીજ કે બાબત સાથે જોડાવાનો તેમણે ઇનકાર કર્યો. શેખ નઝીરે ભારત બહાર વિદેશનો પ્રવાસ કદી ના કર્યો,કારણ કે ભારત બહાર જવું હોય તો તેમણે ‘ભારતીય પાસપોર્ટ’ લેવો પડે. તેમણે ભારતીય પાસપોર્ટ કદી ના લીધો. એટલું જ નહીં,પરંતુ કાશ્મીરની બહાર એટલે કે ભારતના બીજા કોઈ પણ ભાગમાં પણ પગ મૂક્યો નહીં. એ જ રીતે તેઓ એક પણ ચૂંટણી લડયા નહીં અને એક પણ સરકારમાં જોડાયા નહીં. શેખ નઝીર કિડનીની બીમારીથી પીડાતા હતા, પરંતુ ‘ભારતીય’ સંબંધ ધરાવતી એક પણ ચીજ લેવા તેઓ તૈયાર નહોતા. તેમના પરિવારે તેમને દિલ્હીની ‘ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટયૂટ’ ખાતે દાખલ કરવા કહ્યું, પરંતુ તેમાં ‘ઇન્ડિયન’ નામ આવતું હોઈ તેમણે ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટયૂટમાં સારવાર લેવાનો ઇનકાર કર્યો અને તેના બદલે બત્રા હોસ્પિટલમાં દાખલ થયા. ખુદ ફારુક અબ્દુલ્લાએ તેમને દિલ્હી લઈ જઈ ડોક્ટરને બતાવવા દબાણ કર્યું, પરંતુ તેઓ દિલ્હી ના ગયા તે ના જ ગયા.

આશ્ચર્યની વાત એ છે કે, કાશ્મીરમાં રહીને કાશ્મીરનું અલગ રાષ્ટ્ર માગતા કેટલાક અલગતાવાદી નેતાઓ વારંવાર વિદેશ જાય છે અને ભારતીય પાસપોર્ટ માટે લડાઈ કરે છે, પરંતુ શેખ નઝીરે ભારતીય પાસપોર્ટ લેવાનો જ ઇનકાર કરી દીધો.

ઇન્ડિયન એરલાઈન્સ

શેખ નઝીરને ‘ઇન્ડિયા’ શબ્દ માટે એટલી બધી એલર્જી હતી કે, શ્રીનગરથી જમ્મુ જવું હોય તો હંમેશાં મોટર માર્ગે જ જતા. જમ્મુ અને શ્રીનગર વચ્ચે ઇન્ડિયન એરલાઈન્સની વિમાની સેવા હતી, પરંતુ તેમાં ‘ઇન્ડિયા’ શબ્દ આવતો હોઈ તેમણે ઇન્ડિયન એરલાઈન્સ દ્વારા કદી વિમાની મુસાફરી કરી નહીં. શેખ નઝીરના આ વલણને કાશ્મીરના અલગતાવાદી નેતાઓ હંમેશાં સરાહતા રહ્યા. કાશ્મીરનો અલગતાવાદી નેતા શકીલ બક્ષી કે જે તેની ચળવળ માટે કુંવારો રહ્યો છે તે પણ શેખ નઝીરનો પ્રશંસક રહ્યો. શકીલ જેવા અલગતાવાદી નેતાઓ કાશ્મીરની ‘આઝાદી’ માટે કુંવારા રહ્યા છે. શેખ નઝીર અહેમદે પણ લગ્ન કર્યું નહોતું. કારણ ?ખબર નથી. કાશ્મીરના અલગતાવાદી નેતાઓ તેનું અર્થઘટન એવું કરે છે કે, શેખ નઝીર અહેમદ પણ કાશ્મીરની આઝાદી ઇચ્છતા હતા.

આઈબીની નજરમાં

કહેવાય છે કે, શેખ નઝીર અહેમદની ભારત પ્રત્યેની સખત એલર્જીના કારણે ભારતીય ઇન્ટેલિજન્સ વિભાગે અનેકવાર તેમની સખ્તાઈપૂર્વક પૂછપરછ કરી હતી. શેખ નઝીરના નાના ભાઈ મુસ્તફા કમાલ કહે છે કે, શેખ અબ્દુલ્લા જ્યારે અલ્જિરિયામાં એ વખતના ચીનના વડા ચઉ-એન લાઈને મળ્યા ત્યારે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓએ શેખ નઝીરની કાશ્મીરમાં સખ્તાઈપૂર્વક પૂછપરછ કરી હતી. શેખ નઝીરને બરફની પાટ પર સૂવડાવવામાં આવ્યા હતા. એ કારણે તેમની ભારત પ્રત્યેની કડવાશ પેદા થઈ હતી અથવા વધી ગઈ હતી.

છેલ્લા કેટલાક સમયથી તેમને કિડનીનો ટી.બી. થઈ ગયો હતો. તેમના અવસાન પછી તેમના ભાઈ ફારુક અબ્દુલ્લાએ શેખ નઝીરના મૃતદેહને શેખ અબ્દુલ્લાની કબર છે તેની બાજુમાં હઝરત બાલ ખાતે દફનાવવાની લાગણી વ્યક્ત કરી હતી, પરંતુ શેખ નઝીરની ઇચ્છા પ્રમાણે તેમને તેમની ઇચ્છા અનુસાર તેમના પૂર્વજોની જ્યાં કબરો છે તે કબ્રસ્તાન ‘સૌરા’ ખાતે દફનાવવામાં આવ્યા હતા.

ઓમર અબ્દુલ્લાના કાકા શેખ નઝીર જેમને ભારતીય‘ નામની એલર્જી રહી

ગાંધીજી ૪૦ ટકા માર્ક્સે જ મેટ્રિક પાસ થયા હતા

મેટ્રિક પરીક્ષાને પહેલાં અંગ્રેજી ધો. ૭ ગણવામાં આવતું હતું. ઈ.સ. ૧૮૮૬માં મોહનદાસ કરમચંદ ગાંધી મેટ્રિકમાં આવ્યા. મેટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિર્વિસટી દ્વારા લેવામાં આવતી હતી. એ વખતે ગુજરાત અને કાઠિયાવાડનો વહીવટ અલગ અલગ ચાલતો હતો. સમગ્ર મુંબઈ રાજ્યમાંથી ૧૮૮૭માં મુંબઈ યુનિર્વિસટી સાથે મેટ્રિક્યુલેશન પરીક્ષા માટે જોડાયેલી ૭૭ શાળાઓ હતી. કાઠિયાવાડ હાઈસ્કૂલમાં તેઓ ભણતા હતા. ધો.-૬માં (અત્યારનું ધો.-૧૦) ૪૯.૪ ટકા માર્ક્સ મેળવીને વર્ગમાં ચોથા નંબરે પાસ થયા હતા. વર્ગમાં ૩૩ વિદ્યાર્થીઓ હતા. એક પણ છોકરી ભણતી ન હતી.

પરીક્ષા કેવી હતી ?

એ વખતે સત્રની શરૂઆત ડિસેમ્બરથી થતી હતી. અત્યારે આપણે ત્યાં જૂનથી શરૂ થાય છે ને ર્વાિષક પરીક્ષા નવેમ્બરમાં લેવાતી હતી. મેટ્રિકનો અભ્યાસક્રમ મુંબઈ યુનિર્વિસટી નક્કી કરતી. એ વખતે અભ્યાસક્રમ મુખ્ય ત્રણ વિભાગમાં કુલ પાંચ વિષયોમાં વહેંચાયો હતોઃ (૧) ભાષાઓ (૨) ગણિતશાસ્ત્ર અને (૩) સામાન્ય જ્ઞાાન. ભાષાઓના પ્રથમ વિભાગમાં ત્રણ કલાકનું અંગ્રેજીનું પ્રશ્નપત્ર રહેતું. પેરાફ્રેઈઝ કે અંગ્રેજીમાં ભાષાંતર તથા વ્યાકરણ અને લેખન પૂછાતાં. વળી આમાં મૌખિક પરીક્ષા પણ હતી, જેમાં પરીક્ષક કોઈ જાણીતા લેખકનો ફકરો પસંદ કરતા અને વિદ્યાર્થીને તે વાંચીને તેના ઉપર ચર્ચા કરવાની રહેતી. બીજી ભાષા અંગ્રેજી સિવાયની બાકીની ૧૩ ભાષાઓમાંથી પસંદ કરવાની હતી. આમાં સંસ્કૃત, ફારસી જેવી છ શિષ્ટ ભાષાઓ હતી, યુરોપની બે આધુનિક ભાષાઓ હતી અને ગુજરાતી, મરાઠી જેવી પાંચ પ્રાદેશિક ભાષાઓ હતી. આ ‘ભાષાઓના વિભાગ’ના કુલ ૩૦૦ ગુણ હતા. બીજા વિભાગ ગણિતશાસ્ત્રમાં અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ- એ વિષયો હતા. અંકગણિત અને બીજગણિતનું ૧૦૦ ગુણનું ત્રણ કલાકનું સંયુક્ત પ્રશ્નપત્ર રહેતું અને ભૂમિતનું ૭૫ ગુણનું બે કલાકનું પ્રશ્નપત્ર રહેતું. સામાન્ય જ્ઞાાનના ત્રીજા વિભાગમાં બે કલાક અને ૭૫ ગુણના બે પ્રશ્નપત્રો રહેતા. એક પ્રશ્નપત્ર ઇંગ્લેન્ડ અને ભારતના પ્રાથમિક ઇતિહાસ અને પ્રાથમિક ભૂગોળનું બનતું અને બીજું પ્રશ્નપત્ર ‘નેચરલ સાયન્સ’નું બનતું હતું. આ ત્રણે વિભાગોના બધા વિષયો માટે મેટ્રિકના વિદ્યાર્થીને લગભગ ૧૮ પુસ્તકોનો અભ્યાસ કરવાનો રહેતો હતો!

સામાન્ય વિદ્યાર્થી હતા

એ જમાનામાં પ્રથમ સત્રના અંતે છ માસિક પરીક્ષા લેવામાં આવતી હતી. તેઓના વર્ગમાં કુલ ૪૦ વિદ્યાર્થીઓ હતા. છમાસિક પરીક્ષામાં સારા ગુણ આવે એટલે પાસ થાય તો જ મેટ્રિકની પરીક્ષાનું ફોર્મ ભરી શકાય તેવો નિયમ હતો. મોહનદાસ ભણવામાં સામાન્ય વ્યક્તિ હતા. છમાસિક પરીક્ષામાં તેઓએ ૧૫૦માંથી ૪૩ ગુણ મેળવ્યા હતા. સંસ્કૃતમાં ૧૦૦માંથી ૨૫, ગણિતમાં ૧૭૫માંથી ૬૭ તથા ઇતિહાસ-ભૂગોળમાં ૭૫માંથી ૨૭, વિજ્ઞાાનમાં ૭૫માંથી ૨૧ ગુણ મેળવ્યા હતા. કુલ ૫૭૫માંથી ૧૮૩ ગુણ એટલે ૩૧.૮ ટકા માર્ક્સ મેળવી લાવેલા. પરિણામ પત્રકમાં ‘હ્લટ્વૈિ’ એવી નોંધ કરી હતી.

બીજા સત્રને અંતે પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ, જેમાં કુલ ૩૨ વિદ્યાર્થીઓ બેઠા હતા. ૪૦માંથી ૮ વિદ્યાર્થીઓ પ્રિલિમિનરી પરીક્ષામાં બેઠા જ નહીં ને જે બેઠા તેમાંથી ૧૫ વિદ્યાર્થીઓ નાપાસ થયા. જેથી તેઓ મેટ્રિક્યુલેશન પરીક્ષામાં ફોર્મ ભરી શક્યા નહીં. મોહનદાસ માંડ માંડ પ્રિલિમિનરીમાં પાસ થયા. તેઓનો ૧૭માંથી દસમો ક્રમ હતો. જો કે અંગ્રેજી અને સામાન્ય જ્ઞાાનમાં નાપાસ થયેલા, પણ ત્રણ મુખ્ય વિષયમાં પાસ થવાથી ફોર્મ ભરવા દીધું હતું. એ વખતે સમગ્ર ગુજરાતમાં એક જ સેન્ટર હતું ને તે હતું અમદાવાદ. રાજકોટથી મોહનદાસને પરીક્ષા આપવા અમદાવાદ આવવાનું હતું. અમદાવાદમાં કદી આવેલા નહીં, કદી જોયેલું નહીં. ક્યાં જવું ? કોના ત્યાં ઊતરવું આ પ્રશ્ન તેઓના માટે મૂંઝવણનો હતો. એ વખતે રાજકોટથી અમદાવાદ આવવા માટે બસની વ્યવસ્થા ન હતી. ગાડીમાં જ આવવું પડે. અમદાવાદમાં મુસાફરી કરવાનો આ તેઓનો પ્રથમ અનુભવ હતો. પરીક્ષા ૧૮મી ઓક્ટોબર, ૧૮૮૭ના દિવસે શરૂ થઈ હતી. લેખિત પરીક્ષા પછી અંગ્રેજી વિષયની મૌખિક પરીક્ષા લેવાતી હતી ને મૌખિક પરીક્ષા આપવા ઘણો સમય રોકાવું પડતું હતું. જેથી અમદાવાદ થોડો સમય રોકાયા. એ વખતે ભણતા તમામ વિદ્યાર્થીઓને અંગ્રેજ સરકાર સ્કોલરશિપ આપતી હતી. સ્કોલરશિપ દર ત્રણ મહિને અપાતી હતી. સ્કોલરશિપની બધી જ રકમોની પહોંચોમાં મોહનદાસે પોતે જે સહી કરી છે, તેમાં સ્ર્રટ્વહઙ્ઘટ્વજની જગ્યાએ સ્ર્રટ્વહઙ્ઘટ્વજજ લખ્યું છે. તેઓ મોહનદાસનો સ્પેલિંગ પોતાની રીતે લખતા હતા.

૪૦ ટકા માર્ક્સ

સમગ્ર મુંબઈ રાજ્યમાંથી એ વખતે ૩૦૬૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. જેમાં મોહનદાસનો પરીક્ષા નંબર ૨૨૭૫ હતો. ૩૦૬૩માંથી માત્ર ૮૨૩ વિદ્યાર્થીઓ મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા હતા. ૨૨૪૦ વિદ્યાર્થીઓ નાપાસ થયેલા. એ જમાનામાં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરવી અઘરી હતી. ૮૨૩ પાસ થયેલા વિદ્યાર્થીઓમાં તેઓનો બોર્ડમાં ૪૦૪મો ક્રમ હતો, પોતાની શાળામાંથી ૧૭ વિદ્યાર્થીઓ બેઠેલા એમાં ૧૦ પાસ થયા હતા. ને એમાં તેઓનો ક્રમ પાંચમો હતો. કાઠિયાવાડની પાંચ હાઈસ્કૂલોમાંથી કુલ ૩૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા, તેમાં મોહનદાસનો ક્રમ ૧૬મો હતો.

મેટ્રિક્યુલેશન પરીક્ષામાં કુલ ગુણ ૬૨૫ હતા. જેમાં અંગ્રેજી-૨૦૦, ગુજરાતી-૧૦૦, ગણિત-૧૭૫ અને સામાન્ય જ્ઞાાન-૧૫૦. આમાંથી મોહનદાસને અંગ્રેજીમાં ૮૯, ગુજરાતીમાં ૪૫.૧/૨, ગણિતમાં ૫૯ અને સામાન્ય જ્ઞાાનમાં ૫૪ ગુણ આવેલા. કુલ ૬૨૫માંથી ૨૪૭.૧/૨ ગુણ મેળવેલા. ૪૦ ટકા માર્ક્સ મેળવીને તેઓ પાસ થયા હતા.

ગોખલેને ૪૨ ટકા

અહીં એક વાત નોંધવા જેવી છે કે, ભારતના ત્રણ ઉચ્ચ કક્ષાના નેતાઓ કે જેઓએ દેશની આઝાદી માટે પોતાનું જીવન સર્મિપત કરેલું છે, તેઓનું મેટ્રિક્યુલેશનનું પરિણામ જાણવા જેવું છે.

૧. બાળગંગાધર તિલકે ૧૮૭૨માં મેટ્રિક પાસ કરી, તેઓને ૪૭.૧ ટકા માર્ક્સ મળેલ હતા.

૨. ગોપાલકૃષ્ણ ગોખલેએ ૧૮૮૧માં મેટ્રિક પાસ કરી, તેઓના માર્ક્સ ૪૨.૨ ટકા હતા ને

૩. ગાંધીજીએ ૧૮૮૭માં મેટ્રિક પાસ કરી, તેઓના માર્ક્સ ૪૦ ટકા હતા.

આ ત્રણેય વ્યક્તિઓના વિષયવાર ગુણાંક જોતાં એવું જણાય છે કે, મોહનદાસને ટિળક અને ગોખલે કરતાં ભાષાઓ ઉપર વધુ કાબૂ હતો.

મેડિકલમાં ના ગયા

મેટ્રિક થયા પછી હવે શું કરવું ? એ પ્રશ્ન મોહનદાસના પરિવારને મૂંઝવતો હતો. મેટ્રિક પછી ડોક્ટરી લાઈનમાં પ્રવેશ મળતો હતો,પણ તેઓના મોટા ભાઈ લક્ષ્મીદાસ ગાંધીજીના માર્ગદર્શક હતા. ડોક્ટરી લાઈનમાં મોકલવામાં લક્ષ્મીદાસ માનતા ન હતા. કારણ કે તેઓ માનતા કે, મેડિકલમાં જવું એટલે જીવહિંસા કરીને જ જ્ઞાાન મેળવવું. ત્યાર પછી તેઓ ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયા, પણ ત્યાં ફાવતું ન હતું. સાપ્તાહિક અને છમાસિક પરીક્ષાનાં તેઓનાં પરિણામો નિરાશાજનક હતાં. પ્રથમ સત્ર પછી રજાઓમાં ઘરે આવ્યા પછી શામળદાસ કોલેજમાં ફરી જવાની જ ના પાડી દીધી. હવે શું કરવું ? તેઓના કુટુંબમાં વડીલ તરીકેનો મોભો ધરાવનાર માવજીભાઈ દવે હતા. તેઓએ કુટુંબના લોકોને સમજાવ્યું કે, કોલેજનો સમય બગાડયા કરતાં વિલાયત જઈ બેરિસ્ટર થવાની સલાહ આપી ને ત્યાર બાદ તેઓ ઇંગ્લેન્ડ ભણવા ગયા. ગાંધીજીએ મેટ્રિક એટલે ધો.-૧૧ની પરીક્ષામાં કેવી રીતે સફળતા મેળવી તેની આ કથા છે. એ વખતના જમાનામાં લાઈટ નહીં, ટયૂશન નહીં, પૂરતાં કપડાં, નહીં, પગમાં ચંપલ નહીં,પૂરતી સગવડો નહીં છતાં જાત મહેનત કરીને પોતે ભણ્યા, તે આજના વિદ્યાર્થીઓ માટે જાણવુંજરૂરી છે.

જીવ-હિંસાના મુદ્દા પર મોટાભાઈએ ગાંધીજીને મેડિકલમાં જવા દીધા નહોતાઔ

મોબાઇલ ફોનનું ડેન્જરસ રેડિએશન

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

મોબાઇલ ફોન હવે આધુનિક જીવનશૈલી નહીં, પરંતુ રોજિંદા જીવનનો એક હિસ્સો છે. એક જમાનામાં ઘરમાં રેડિયો હોવો તે લક્ઝરી ગણાતું. તે પછી ટ્રાન્ઝિસ્ટર હોવું તે લક્ઝરી ગણાયું. તે પછી ઘરમાં ટેલિવિઝન હોવું તે લક્ઝરી ગણાયું. સમયગાળે તે બધાં જ સાધનો ટેક્નોલોજીના વિકાસ સાથે આમ આદમી સુધી પહોંચી ગયાં. ચણા-મમરા વેચતા અને શાકભાજીની લારીવાળાની લારી પર ટ્રાન્ઝિસ્ટર જોઈ શકાતું. રેડિયો તો આઉટ ઓફ ડેટ થયો અને ટેલિવિઝન ઝૂંપડાં સુધી પહોંચ્યું. સારી વાત છે કે, ટેક્નોલોજીનાં ફળ સામાન્ય માનવી સુધી પહોંચ્યાં. એમાં છેલ્લામાં છેલ્લું ઉપકરણ મોબાઇલ ફોન છે. મધ્યમવર્ગના એક ઘરમાં જેટલા સભ્યો હોય,એટલા જ મોબાઇલ ફોન હોય છે. બાળકોનાં જુદાં. શાકભાજીની લારી સોસાયટીના નાકા પર આવે ત્યારે શાકભાજી વેચતી મહિલા બહારથી જ મોબાઇલ ફોન પરથી વાત કરે છેઃ “ભાભી, શાકભાજી લઈ જાવ.” ફૂટપાથ પર બૂટપોલિશ કરનાર શ્રમજીવી પણ પોલિશ કરવાના બ્રશની બાજુમાં મોબાઇલ ફોન રાખે છે.

પરિણામ એ આવ્યું કે ૧૨૫ કરોડની વસ્તીવાળા ભારત દેશમાં મોબાઇલ ફોનધારકોની સંખ્યા ૯૦ કરોડ સુધી પહોંચી ગઈ છે. બ્રિટન કે અમેરિકા કરતાં ભારતમાં મોબાઇલ ફોન વાપરનારાઓની સંખ્યા વધુ છે. સ્કૂલમાં જતાં બાળકોને હાથમાં સ્માર્ટ ફોન જોઈએ છે. ટીવી ચાલુ હોય તોપણ બાળકનું ધ્યાન મોબાઇલ ફોનમાં આવતા વોટ્સઅપ મેસેજીસ કે ગેઇમ્સ પર હોય છે. ઘણી વાર બાળક દ્વિ-અવધાની લાગે. બાળકના હાથમાંથી મોબાઇલ ખૂંચવી લેવો મુશ્કેલ કામ છે. મોબાઇલ ફોન લઈ લો તો તે ચીડિયું થઈ જાય છે. કિશોરો સતત ઓનલાઇન રહેવાનું પસંદ કરે છે ‘ઓફ લાઇન’ અવસ્થાને તે ક્ષણભર પણ સહન કરી શકતાં નથી.

આ બધાના કારણે મોબાઇલ ફોનના વપરાશનો જે અતિરેક થયો છે, તેના કારણે લાઇફસ્ટાઇલ બીમારીઓ પણ માત્ર બાળકો જ નહીં પરંતુ યુવાનો અને મોટેરાંઓના જીવનનો એક હિસ્સો થઈ ગઈ છે. મોબાઇલ ફોનની ર્સિવસ પ્રોવાઇડર કંપનીઓ એ વાતનો સ્વીકાર કરતી નથી કે મોબાઇલ ફોન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પરંતુ વિશ્વમાં તબીબો અને વૈજ્ઞાાનિકોનો એક એવો મોટો વર્ગ પણ છે કે જેઓ માને છે કે, મોબાઇલ ફોનથી ઘણી બીમારીઓ થઈ શકે છે. મોબાઇલ ફોનમાંથી ઘાતક રેડિએશનનું ઉત્સર્જન થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે તમારો મોબાઇલ ફોન તે ટુ-વે રેડિયો છે. તે બહારથી આવતા સૂક્ષ્મ તરંગોને ધ્વનિમાં પરિર્વિતત કરી તમારા કાન સુધી પહોંચાડે છે અને તે જ રીતે તમારા અવાજને સૂક્ષ્મ તરંગોમાં પરિર્વિતત કરી કિલોમીટર કે બે કિલોમીટર દૂર આવેલા ટાવર સુધી પહોંચાડે છે. આ કાર્ય કરવા જતાં મોબાઇલ ફોને પુષ્કળ ઊર્જા ઉર્ત્સિજત કરવી પડે છે. બહુ ઓછા લોકોને અરે, ટેક્નોસેવી લોકોને પણ એ વાતની ખબર નથી કે, એ વાત ભલે સાબિત થઈ ન હોવા છતાં વૈજ્ઞાાનિકો એ હકીકત સ્વીકારે છે કે દરેક મોબાઇલ ફોન, તમે જ્યારે વાત કરો છો ત્યારે માઇક્રોવેવ રેડિએશન પણ ઉર્ત્સિજત કરે છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

રેડિએશનથી કેન્સર થઈ શકે છે. માથામાં ગાંઠ થઈ શકે છે. સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે. મગજની ભીતર રહેલા કોષોને નુકસાન પહોંચાડી શકે છે. સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે. એ જાણી લેવું જરૂરી છે કે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવર્સ એ બંને રેડિએશનનું ઉત્સર્જન કરે છે. એક્સ-રે જેવાં આયોનાઇઝિંગ રેડિએશન-કિરણો કેન્સર થવાની શક્યતાને વધારી દે છે. ર્સિવસ પ્રોવાઇડર્સનો દાવો છે કે મોબાઇલ ફોન અને મોબાઇલ ટાવર નોન-આયોનાઇઝિંગ રેડિએશનનું ઉત્સર્જન કરે છે. અલબત્ત,ટેલિકોમ્યુનિકેશન ખાતું ગમે તે કહે, પરંતુ વિશ્વના કેટલાક વૈજ્ઞાાનિકો મોબાઇલ ફોન કે ટાવરમાંથી નીકળતું રેડિએશન માનવ સ્વાસ્થ્ય માટે સલામત હોવાનું માનતા નથી.

નોંધપાત્ર વાત એ છે કે, મોબાઇલ ટાવર્સ જે માઇક્રોવેવ રેડિએશનનું ઉત્સર્જન કરે છે તે તમારા શરીરમાં પ્રવેશ્યા બાદ શરીરમાં રહેલા ફ્લુઇડ મોલેક્યુલ્સના વાઇબ્રેશનને વધારે છે અને તેને ઉષ્ણ પણ કરે છે. મોબાઇલ ફોન પર જો લાંબી વાત ચાલે તો માનવ શરીરમાં રહેલું લોહી પણ ઉષ્ણ થાય છે. એ ઉષ્ણતા આખા શરીરમાં ફેલાઈ જાય છે. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે, ટીવી, રેડિયો ટાવર્સ અને કમ્પ્યૂટર્સ પણ રેડિએશન ફેલાવે છે. સાથે સાથે એ પણ જાણી લેવું જોઈએ કે જો તમે જાણીતી કંપનીનો મોબાઇલ ફોન ખરીદો છો તો તે સાથે આવતી મેન્યુઅલ-પુસ્તિકામાં રેડિએશનના ઉત્સર્જન અંગે પણ ચેતવણી લખવામાં આવેલી હોય છે, પણ બહુ ઓછા લોકો એ વાંચે છે.

સૌથી ભયજનક વાત એ છે કે, મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે, કારણ કે તેમનામાં રોગપ્રતિકારક ક્ષમતા વિકસેલી હોતી નથી. તાજેતરમાં દેશના એક મેટ્રો શહેરની એક સ્કૂલનાં ૧૦૦૦ બાળકો પર એક સરવે થયો હતો. આ સરવેની ફલશ્રુતિ એવી હતી કે ૬૩ ટકા બાળકોને એ વાતની ખબર નહોતી કે મોબાઇલ ફોનના વધુ પડતા વપરાશથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. ૧૩થી ૧૮ વર્ષનાં બાળકો પર થયેલી આ મોજણીમાં જણાયું હતું કે, ૫૭ ટકા બાળકો મોબાઇલ પર રોજ ૧૨૦ મિનિટ વાત કરે છે. તે પૈકી ૬૫ ટકા બાળકો ઇયર ફોનનો ઉપયોગ કરતાં નથી. ૫૬ ટકા બાળકો એવાં હતાં જેમના ઘરમાં લેન્ડલાઇન ફોન હોવા છતાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં હતાં. ૫૧ ટકા બાળકો ઘરમાં વાઇ-ફાઇનો ઉપયોગ કરતાં હતાં. ૭૪ ટકા બાળકો રાત્રે સૂતી વખતે પણ મોબાઇલ ફોન સ્વિચ ઓફ કર્યા વગર મોબાઇલને બાજુમાં રાખી સૂઈ જતાં હતાં. પશ્ચિમના તબીબો રાત્રે સૂતી વખતે મોબાઇલ ફોનને બાજુમાં રાખીને ન સૂવા સલાહ આપે છે.

સેલ્યુલર ઓપરેટર એસોસિયેશન મોબાઇલ ફોનમાંથી નીકળતા રેડિએશનથી માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે તેવું સાબિત થયું નથી તેમ કહે છે, પરંતુ વૈજ્ઞાાનિકો કહે છે, મોબાઇલ ફોનના રેડિએશન અંગે વિશ્વમાં ચર્ચા ચાલે છે ત્યાં સુધી પાછળથી પસ્તાવું તે કરતાં મોબાઇલ ફોનનો વિવેકસભર ટૂંકો ઉપયોગ કરવો તે વધુ બહેતર છે.

સલાહ છે કે, મોબાઇલ પર વાત કરવાના બદલે ટેક્સ્ટ મેસેજીસ(એસએમએસ)નો વધુ ઉપયોગ કરો. મોબાઇલ ફોન પર સ્પીકર ફોનની સુવિધા છે તેનો ઉપયોગ કરો. ખૂબ લાંબી વાતો મોબાઇલ પર ન કરો. રાત્રે સૂતી વખતે મોબાઇલ ફોનને દૂર રાખો. લેન્ડલાઇન ફોનનો વધુ ઉપયોગ કરો. જ્યાં ઓછાં સિગ્નલ આવતાં હોય ત્યાં મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળો, કારણ કે અહીં જ રેડિએશનના ઉત્સર્જનની શક્યતા વધુ રહે છે.

સેફ્રન વેલી સુકાઇ રહી છે

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

કે સર એક બહુમૂલ્ય પુષ્પ છે. એના ગુણો અદ્ભુત છે. એમાં અનોખાં રસાયણો છે. દૂધપાકથી માંડીને અનેક પ્રકારની મીઠાઈઓમાં તેનો ઉપયોગ થાય છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ અનેક પ્રકારનાં ઔષધો બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. આયુર્વેદ કંપનીઓ માનવ સ્વાસ્થ્યને શક્તિ બક્ષવા કેસરયુક્ત કેપ્સ્યૂલ્સ, અવલેહ અને બીજાં ઔષધો બનાવે છે. કેસરનો નિયત માત્રા કરતાં વધુ ઉપયોગ કિડની અને લિવરને નુકસાન પણ પહોંચાડી શકે છે. કેસરમાં ક્રોસિન,પ્રિક્રોસિન તથા સેફ્રાનલ નામનાં રસાયણો આવેલાં છે. ઔષધીય ઉપયોગ સિવાય કેસરનો ઉપયોગ પરફ્યૂમ્સ અને કોસ્મેસ્ટિક્સ બનાવવા માટે પણ થાય છે.

કેસર જમ્મુ અને કાશ્મીરની ખીણોમાં, ઈરાનમાં અને સ્પેનમાં ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે ઓક્ટોબર અને નવેમ્બરનાં ત્રણથી ચાર અઠવાડિયાં દરમિયાન કેસરની લણણી થાય છે. આ પશ્ચાદ્ભૂમિકા આપવી એટલા માટે પડી કે જમ્મુ અને કાશ્મીરની ખીણ કે જે ‘સેફ્રન વેલી’ તરીકે ઓળખાય છે તે ખીણમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા અનેક પ્રયાસો છતાં કેસરનું ઉત્પાદન ઘટી રહ્યું છે. કેટલાંક વર્ષો પહેલાં સરકારના ધ્યાન પર આ વાત આવતાં કેન્દ્ર અને રાજ્ય સરકારે નેશનલ સેફ્રન મિશનનો આરંભ કર્યો હતો, પરંતુ ઘટી રહેલા કેસરના ઉત્પાદનને અટકાવવામાં એ મિશન ધરાર નિષ્ફળ નીવડયું છે. એમાંયે ગયા ચોમાસા દરમિયાન કાશ્મીરમાં આવેલા મહાપૂરે પરિસ્થિતિ વધુ બગાડી નાખી છે. કેસર પકવતા ખેડૂતોનું ભાવિ અંધકારમય છે. ઔદ્યોગિકીકરણના આંધળા મોહમાં અત્યાર સુધી આવેલી તમામ સરકારો જગતના તાત ગણાતા ખેડૂતો અને ખેતીને જ ભૂલી ગઈ છે. ગુજરાત માટે કપાસ એ વ્હાઈટ ગોલ્ડ હતું તો જમ્મુ અને કાશ્મીરમાં કેસર પકવતા ખેડૂતો માટે કેસર એ ‘સેફ્રન ગોલ્ડ’ હતું. પણ હવે કપાસ કે કેસર ખેડૂતો માટે ‘ગોલ્ડ’ રહ્યાં નથી. બલકે ખેડૂતોને આપઘાત તરફ દોરી જનાર અને દેવાદાર બનાવી દેનાર ખેતઉત્પાદનો બની રહ્યાં છે.

ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોની જે હાલત છે તેવી જ હાલત કાશ્મીરમાં કેસર પકવતા ખેડૂતોની છે. શ્રીનગરના બહારના વિસ્તારમાં આસપાસનાં ખેતરોમાં પ્રતિવર્ષ ખીલી ઊઠતાં કેસરનાં ફૂલો આજકાલ દેખાતાં નથી. તેમાં એક કારણ મહાપૂર પણ છે. ખેડૂતો કેસરનાં પુષ્પ વીણવા ખેતરમાં જાય છે અને નિરાશ થઈ પાછા ફરે છે. હવે તેમણે તમામ આશા છોડી દીધી છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં ચોમાસામાં ૮૯ એમએમ વરસાદ પડતો હોય છે, પરંતુ આ વર્ષે ૨૮૩ એમએમ વરસાદ પડયો, એ કારણે જમીન ધોવાઈ ગઈ અને ૮૦ ટકા ઉત્પાદન ઓછું થયું છે. કેટલાંક ખેતરોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયાં તેથી ક્રોપ બાયોલોજીને નુકસાન થયું અને છોડવાઓમાં હોર્મોનનું સંતુલન બગડી ગયું.

૨૦૧૦ના વર્ષમાં કેન્દ્ર સરકારે કેસરનું ઉત્પાદન વધારવા તથા ઉત્પાદિત કેસરને ઔદ્યોગિક પ્રોડક્ટમાં બદલવા રૂ.૩૭૬ કરોડનો નેશનલ સેફ્રન મિશન પ્લાન શરૂ કર્યો હતો. પાછળથી આ રકમ વધારીને રૂ..૪૧૧ કરોડ કરવામાં આવી હતી, પરંતુ એ મિશન લગભગ નિષ્ફળ ગયું છે. કાશ્મીરની ખીણને કેસરના ઉત્પાદનમાં અનેકગણો વધારો કરીને વિશ્વના નકશા પર મૂકવાનું સ્વપ્ન,સ્વપ્ન જ રહી ગયું છે.

એક અંદાજ પ્રમાણે કાશ્મીરની ખીણ વર્ષેદહાડે ૧૨,૫૦૦ કિલોગ્રામ કેસરનું ઉત્પાદન કરે છે. આ કેસરનો ઉપયોગ સામાન્ય રીતે ઔષધો બનાવવામાં અને દક્ષિણ-એશિયન વાનગીઓ બનાવવામાં થાય છે. કાશ્મીરના પેમ્પોર બેલ્ટમાં આવેલી ૪૫૦૦ હેકટર જમીન પર કેસર વાવવામાં આવે છે. કાશ્મીરનાં લગભગ ૨૦૦ જેટલાં ગામડાંઓમાં કેસરની ખેતી થાય છે. ખેતરમાં ખીલી ઊઠતાં અબજો ફલાવર્સમાંથી લાલ રંગના સળી જેવા તાંતણાને અલગ કરવામાં આવે છે. કેસરની ખેતી સાથે ૧૭,૦૦૦ ખેડૂતો સંકળાયેલા છે. ધી ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)એ કાશ્મીરના આ પેમ્પોર બેલ્ટને વૈશ્વિક મહત્ત્વપૂર્ણ એગ્રીકલ્ચર હેરિટેજ સિસ્ટમ તરીકે જાહેર કર્યો છે. જૂન,૨૦૧૧માં બિજીંગ ખાતે મળેલી એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમિયાન પેમ્પોરને આ હેરિટેજ દરજ્જો આપવામાં આવ્યો હતો. કાશ્મીરની ખીણના આ ભાગ ઉપરાંત સેન્ટ્રલ કાશ્મીરના બેડગામ અને જમ્મુના કિશ્તવાર વિસ્તારમાં પણ કેસર પકવવામાં આવે છે.

આ બધું હોવા છતાં ખીણમાં કેસરની ખેતીનું ભાવિ ઉજળું જણાતું નથી. ઉત્પાદન ઝડપથી ઘટી રહ્યું છે અને ખેતી કરવાલાયક જમીન પણ સંકોચાઈને હવે માત્ર ૩૬૦૦ હેક્ટર થઈ ગઈ છે. એટલે કે ૧૦૦૦ હેક્ટર જમીન ઘટી ગઈ છે.

આ વર્ષે કેસરનો ભાવ પ્રતિ કિલો રૂ..૧,૪૪,૦૦૦ છે. માર્કેટ ધીમું છે. કાશ્મીરી કેસર બે ગ્રેડમાં વેચાય છે. એક લાચાં (સેફ્રન ઈન ફિલામેન્ટ) અને બીજો ગ્રેડ ‘મોંગ્રા’ (સેફ્રન ઈન કટ ફિલામેન્ટ) તરીકે ઓળખાય છે.મોંગ્રા એ પ્યોર કેસર છે.

નિષ્ણાતો માને છે કે કાશ્મીરની ખીણમાં કેસરનું ઉત્પાદન ઘટવાનાં બીજાં અનેક કારણો પણ છે. છેલ્લા બે દાયકાથી એકંદરે વરસાદ ઘટયો છે. દુકાળ પણ પડયો છે. કેસરની ખેતીમાં વૈજ્ઞાાનિક પદ્ધતિનો અભાવ છે. કેસરની ખેતી માટેની જે જમીન હતી તેની પર રહેણાકનાં મકાનો બની રહ્યાં છે. આ કોલોનીઓના કારણે ગયા ચોમાસામાં ભારે પૂરથી પાણી વહી જવાના બદલે ખેતરોમાં ભરાઈ ગયું અને ખેતરોની ફળદ્રુપતાને નષ્ટ કરી દીધી.

કાશ્મીરમાં કેસરની ખેતીને નુકસાન કરવાનું બીજું એક મહત્ત્વનું કારણ ખીણની અશાંતિ પણ છે. લશ્કરના જવાનો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં ચાર નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં. તે વખતે જબરદસ્ત વિરોધ થયો હતો. આ વિરોધનું એપીસેન્ટર કેસર બેલ્ટ-પેમ્પોર જ હતું. વિરોધ કરનાર ૧૦૦ જેટલાં વિરોધીઓનાં મોત નીપજ્યાં હતાં. એ વખતે દિવસો સુધી જમ્મુ-કાશ્મીર હાઈવે બંધ કરાવી દેવામાં આવ્યો હતો. આ બધાની પણ તેની પર અસર થઈ હતી. ડો.મનમોહનસિંહની સરકારનું આ સેફ્રન મિશન કેસરની ખેતી કરતાં ખેડૂતોને મદદ કરવા માટે હતું, પરંતુ અશાંત ખીણમાં એ મિશનને પણ અનેક વિઘ્નો નડયાં હતાં.

કાશ્મીરની ખીણમાં પાકતા કેસરમાં હવે ભેળસેળ પણ એક મોટો પ્રશ્ન છે. ૧,૬૦,૦૦૦ જેટલાં ફૂલોમાંથી માત્ર એક કિલોગ્રામ સૂકું કેસર પ્રાપ્ત કરી શકાય છે. કેસરનું ફૂલ એક ૨૫૦થી ૩૦૦ મિલીગ્રામ વજનનું હોય છે. ૩૦૦૦થી ૩૫૦૦ ફૂલોનું વજન એક કિલો સેફ્રન ફ્લાવર થાય છે. કેસર એ બહુ મુશ્કેલીથી હાંસલ થતી ચીજ છે તેથી ધુતારાઓ તેમાં ભેળસેળ કરવા લાગ્યા છે. થોડા સમય પહેલાં જ કાશ્મીરમાંથી બનાવટી કેસર તૈયાર કરતી આખી ફેક્ટરી પકડાઈ હતી. બનાવટખોરોને પોલીસે પકડી પણ લીધા હતા.

આ બધું હોવા છતાં કાશ્મીરની ખીણ કેસરનાં ખેતરોથી વર્ષોથી સુશોભિત રહી છે. કેસરની ખેતીના આ ભવ્ય વારસાને બચાવી લેવો જરૂરી છે.

Page 2 of 2

Powered by WordPress & Theme by Anders Norén