Devendra Patel

Journalist and Author

Date: March 2, 2015

એક કાળી ઘનઘોર રાત્રે જ્યારે વડા પ્રધાનનું વિમાન તૂટી પડયું

તા.૨૯ ફેબ્રુઆરીએ પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનો જન્મ દિવસ છે. આ તારીખ ચાર વર્ષે એક જ વાર આવે છે. એક ગુજરાતી અને અનેક લાક્ષણિકતાઓ ધરાવતા પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈના જીવનનો આ પ્રસંગ છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પહેલાં કોઈ ગુજરાતીને દેશના વડા પ્રધાન બનવાનું માન પ્રાપ્ત થયું હોય તો તે મોરારજીભાઈ દેસાઈ હતા. એ વખતે તેમના અંગત સચિવ તરીકે ગુજરાતના બાહોશ અધિકારી હસમુખ શાહ હતા. ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા તરીકે જ્હોન લોબો હતા. વડા પ્રધાન બન્યા પછી અરુણાચલ, મણિપુર અને સિક્કિમના પ્રવાસનો કાર્યક્રમ ગોઠવાયો હતો.

તા. ૪થી નવેમ્બર, ૧૯૭૭ના રોજ નવી દિલ્હીથી એરફોર્સના વિમાનમાં વડા પ્રધાનનો કાફલો ઊપડયો. ઉત્તર-પૂર્વનાં રાજ્યો તરફ જતાં પહેલાં હવામાનની બરાબર ખાતરી કરી લેવી પડતી. વડા પ્રધાન વિમાને જોરહાટ એરપોર્ટ પર ઊતરવાનું હતું. હવામાન બગડે તો વિમાનને કોલકાતા કે તેજપુર વાળવા નક્કી થયું હતું. વિમાનમાં વડા પ્રધાન મોરારજી દેસાઈ ઉપરાંત નારાયણભાઈ દેસાઈ, અંગત સચિવ હસમુખ શાહ અને અરુણાચલના મુખ્યમંત્રી ઉપરાંત બીજા બે-ત્રણ જણ હતા. વિમાન ઊપડયા પછીની ઘટનાનું વર્ણન વડા પ્રધાનના એ વખતના સેક્રેટરી હસમુખ શાહના શબ્દોમાં જ વાંચો :

ચોથી તારીખે સાંજે અરુણાચલ પ્રદેશ, મણિપુર અને સિક્કિમના પાંચ દિવસના પ્રવાસે જવા અમે નીકળ્યા, સાંજે પાંચ વાગે પાલમથી ઊપડયા. હવાઈદળના રશિયન ટીયુ-૫૪ વિમાનમાં અમારો ૧૧ જણાનો કાફલો ઊપડયો. દસ વિમાનચાલકોનો કાફલો હતો. વિમાન આકાશમાં ચડે તે પહેલાં જ કેટલીક ફાઈલો અને કાગળો મેં મોરારજીભાઈને જોવા માટે આપ્યા. હું પાછળની કેબિનમાં જઈને કામ કરતો રહ્યો. આ વિમાનમાં ત્રણ કેબિનો હતી. કોકપીટ પછીની પહેલી વડા પ્રધાનની, બીજી આઠ જણ માટે,છેલ્લી બાકીના સૌ માટે. ૭ ક્યારે વાગ્યા તેની ખબર ન પડી. ૭ વાગે હું મોરારજીભાઈ પાસે જઈને કાગળો લઈ આવ્યો અને બધાં કાગળો મારી બાજુની સીટ પર મૂકીને થોડી વાર આંખ બંધ કરીને ઝોકું ખાઈ લીધું, કારણ કે જોરહાટ પહોંચવાને હજી પોણા કલાકની વાર હતી.

પહોંચવાની દસેક મિનિટ અગાઉ આંખ ખૂલી અને વિમાન ઊતરવાની રાહ જોતો હતો. પોણા આઠે વિમાને જોરહાટ અરોડ્રોમ પર ચક્કર લગાવીને નીચે ઊતરવા પ્રયાસ કર્યો, પરંતુ પાઈલટને બરાબર ઊતરાણ થશે કે નહીં તેની ખાતરી ન થઈ તેથી એણે વિમાનને પાછું ઉપાડયું અને બીજું ચક્કર મારીને પાછો આવું છું એમ કંટ્રોલ ટાવરને કહ્યું. ત્યાર પછી એક મિનિટની અંદર જ વિમાનને પાછું વાળતાં એણે કાબૂ ગુમાવ્યો અને વિમાનનું ઊતરાણ હાથ બહાર ગયું. ત્યાર પછી એમ જણાય છે કે બધો પ્રયત્ન કરીને વિમાનને સીધું રાખ્યું અને ડાંગરના ખેતરમાં એ ઊતરે એવા પ્રયત્નો કર્યા. વિમાન ખેતરમાં પટકાયું. ખેતરમાં સોપારીના ઝાડ થોડે થોડે અંતરે હતાં. વિમાન જમીનને અડકે ત્યાં સુધીમાં ૧૩૦ સોપારીના ઝાડને કાપતું કાપતું ઊતર્યું. વિમાન ઊતરતાં જ પહેલો આંચકો પાયલોટની કેબિનને વાગ્યો અને સાથે સાથે અમને પણ હચમચાવી મૂક્યા. ત્યાર પછીની બે પાંચ સેકંડોમાં વિમાન લગભગ દોઢસો મીટર ઘસડાયું અને એ દરમિયાન અમે હાલકડોલક થઈ ગયા. કેટલીક વસ્તુઓ અમારા ઉપર પડી, ત્રણ જણાનાં હાડકાં ભાંગ્યાં, કોઈને મૂઢ માર વાગ્યો, કોઈને મામૂલી ઇજા થઈ. ઇજા ન પામનાર બે કે ત્રણ જણામાંનો એક હું હતો. વિમાન પહેલું જમીનને અડયું તે જ ઘડીએ વીજળી જતી રહી અને ઘોર અંધકાર વ્યાપી રહ્યો. ત્યાર પછી એકબીજાના નામ બોલીને કોણ ક્યાં છે તેનો અંદાજ મેળવ્યો. કોઈએ કહ્યું ગભરાશો નહીં, કોઈએ કહ્યું દિવાસળી ન સળગાવશો, કોઈએ કહ્યું વડા પ્રધાન ક્યાં છે ?આ બધું બે-ચાર સેકંડોમાં બન્યું. વિમાન જ્યારે જમીન સાથે પહેલી વખત અથડાયું ત્યારે તેની ડાબી પાંખ તૂટીને પાછળ પડી ગઈ. જેને કારણે વિમાન એક બાજુ નમીને ઊભું રહ્યું. તેથી બીજી પાંખ અને તે સાથેની પેટ્રોલની ટાંકી ઊંચી થઈ ગઈ જેથી આગની સંભાવના ઓછી થઈ ગઈ. વિમાન એક બાજુ ઢળ્યું એટલે પાછળનો દરવાજો લગભગ જમીનની લગોલગ આવી ગયો. એ ઘોર અંધકારમાં મેં પહેલો પગ બહાર મૂક્યો તો નીચે પાણીવાળી પોચી જમીન અને ઘાસ જણાયાં. આગિયા ઊડતાં જોયા, ક્યાં હતા તેની કશી જાણ ન હતી, પરંતુ અમારા બધામાંથી કોઈ પણ નર્વસ ન થયું. ગભરામણ ન થઈ અને ઝડપથી સૌ બધાને બહાર લાવવાના કામમાં લાગી ગયા. મોરારજીભાઈ તેમની સીટનો પટ્ટો ખોલી ઊભા થયા હતા. તેમની નસકોરી ફૂટી હતી, ચોક્ઠું તૂટી ગયું હતું અને ચશ્મા ફેંકાઈ ગયા હતા. એમને થોડી મદદ આપીને નીચે લાવ્યા. આટલી વારમાં હું લગભગ ૧૦૦ વાર જેટલું નાકની લીટીએ સીધું દોડીને પ્રમાણમાં કોરી જગ્યા શોધી આવેલો. પછી જેમને ટેકાની જરૂર હતી તેમને ટેકો આપીને ત્યાં લઈ ગયા.

અંધારું ઘોર હતું. મેઘલી રાત હતી અને આગિયા ઊડતાં હતાં. દસેક મિનિટમાં આજુબાજુના કોઈ ગામનો માણસ ટોર્ચ લઈને આવ્યો. એની મદદથી બધાની ઇજાઓ જોઈ. બને એટલી પ્રાથમિક સારવાર આપી. થોડી વારમાં બીજો માણસ આવ્યો. એણે કહ્યું કે, કોઈ માણસ દૂર પડેલો છે. પછી બીજા માણસો પણ ટોર્ચ લઈને આવતા ગયા. ટોર્ચની મદદથી અમે જોયું તો પાઈલટ અને એના સાથીદારો રસ્તામાં ફેંકાયેલા પડયા હતા. બેમાં થોડોક પ્રાણ હતો. એમને ગરમી આપવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ. એ સૌને ઉપાડીને બધાને પાસે લાવ્યા. અમને ત્રણ જણ (એમ. એસ. કંપાણી, જ્હોન લોબો અને હું)ને જ ઇજા થઈ ન હતી. એટલે આ બધું કામ એ કાદવની વચ્ચે અમે કરતાં રહ્યા. એટલી બધી શક્તિ, સૂઝ અને ગતિ એ બધું કઈ રીતે આવ્યું એની કલ્પના કરવી મુશ્કેલ છે, પરંતુ આ રીતે બધાને ગોઠવ્યા. કંઈક વ્યવસ્થિત થયા ત્યાં ગામડાંના થોડા વધારે લોકો આવ્યા. એમની પાસે ખાટલા મગાવ્યા. દરમિયાનમાં હું ને જ્હોન લોબો વિમાનની ફરતે ફરી વળ્યા અને બીજું કોઈ રહી ગયું હોય તો તેની શોધ કરતા રહ્યા. કોઈ પેટ્રોમેક્સ લઈને આવ્યું. ગામ કેટલું દૂર છે, નજીકનું મકાન ક્યાં છે તેની તપાસ કરી બે જણને સાઈકલ પર જોરહાટ જવા માટે સૂચના આપી. આમ બધું સ્વસ્થતાથી અને ઝડપથી ચાલતું રહ્યું. ખાટલા તો નહીં, પણ બાંકડા આવ્યા. એની પર ઇજા પામેલાઓને સૂવાડીને લઈ ગયા. ત્યાર પછી વડા પ્રધાનને નજીકના ઝૂંપડામાં અર્ધો કિલોમીટરે પાણીવાળી પોચી જમીનમાં ખૂંચતા ખૂંચતા ચાલીને લઈ ગયા.

મેં કહ્યું કે, મૃતદેહોની પાસે ખેતરમાં હું રહીશ, કારણ કે અમારા એક સાથી કંપાણી આસામી ભાષા જાણતા હોવાથી એ ગામમાં ઉપયોગી થઈ શકે. લોબો સંદેશો પહોંચાડવામાં ઉપયોગી થાય, પરંતુ પછી કંપાણી મૃતદેહો સાથે ખેતરમાં રહે, મારે વડા પ્રધાન અને ઘવાયેલાઓની સારવારમાં રહેવું અને લોબો કોઈ પણ નજીકના સ્થળેથી જોરહાટ સાથે સંપર્ક સાધે એમ નક્કી થયું. ત્યાર પછી હું ઝૂંપડામાં ગયો. મોરારજીભાઈના મોં પર રેલાયેલું લોહી વહેતું હતું. એમને એક પાંસળીમાં તિરાડ પડેલી એ કારણે છાતીમાં દુઃખતું પણ હતું. કાંતિભાઈ એક બાંકડા પર કણસતા હતા. અરુણાચલના મુખ્યપ્રધાન એક બીજા બાંકડા પર મન મક્કમ કરીને વેદના સહન કરતા હતા. નારાયણભાઈની પાટાપિંડી કરી. ઝૂંપડું નાનું, માણસો અનેક. સૌની આંખોમાં ચિંતા અને આતુરતા અને મદદરૂપ થવાની વૃત્તિ. એમની પાસે જે કંઈ હતું તે અમારી સમક્ષ ધરી દેવામાં જરા પણ ખચકાટ નહીં. ચારે બાજુ માનવતા પાંગરી ઊઠેલી. પણ વાતો તો અકસ્માતની જ ચાલે. સૌથી વધુ ઇજા થયેલી નારાયણ દેસાઈને. એમની વેદનાનો પાર નહીં, પણ હસતું મોઢું અને કોઈને પણ બોજારૂપ થવાની ઇચ્છા નહીં. એ કહે, આ ગામડાંના લોકોને આપણે કહીએ કે, એમનું આસામી ભાષામાં ભજન સંભળાવે. પણ બધાની સારવારનું કંઈ ને કંઈ કામ ચાલતું રહ્યું.

લગભગ દસ વાગે શોધખોળ કરતી પહેલી ટુકડી અમારા ઝૂંપડે પહોંચી. એ પહેલાં અમારી સાથે આવેલા રેડિયો અને સરકારી સમાચાર માધ્યમના પ્રતિનિધિને પગપાળા દોડાવ્યા અને શું સંદેશો આપવો તે લખી આપ્યું. એમની રીતે તેથી મેં સંદેશો લખી આપ્યો જે સદ્ભાગ્યે રાતના અગિયાર વાગ્યાના સમાચારમાં વંચાયો અને દેશમાં સૌને રાહતની લાગણી થઈ. અમને ઝૂંપડેથી જોરહાટ હોસ્પિટલમાં પહોંચતાં લગભગ દોઢ કલાક થયો અને બાર વાગતાંની દસ મિનિટ પહેલાં ત્યાં પહોંચ્યા. હું નારાયણભાઈ અને કાંતિભાઈની સાથે એમ્બ્યુલન્સમાં હતો. જોરહાટમાં એરફોર્સની મોટી હોસ્પિટલ છે જ્યાં એમણે ખૂબ પ્રેમ અને આદરથી સૌની સુશ્રુતા કરી. હું લગભગ આખી રાત બધાની દેખભાળ લેતો રહ્યો, કારણ કે લોબોને થોડું વાગેલું અને કંપાણી પણ થાકી ગયા હતા. દવાખાનાનાં કપડાં પહેરીને અમે રાત વિતાવી. સવારના એ લોકોએ કાળજીપૂર્વક અમારે માટે બજારમાંથી ટુવાલ, સાબુ, દાંતિયો,કફની-લેંઘા મગાવી રાખેલું. એટલે સવારે સાત વાગે નાહીને તૈયાર થયા. સાડા સાતે જોરહાટની નિશાળનાં બસો છોકરાંઓ હાથમાં ફૂલોના ગુચ્છા લઈને આવી પહોંચ્યા. એમાં જે ભાવના અને પ્રેમ હતાં તે ભાગ્યે જ ક્યાંય મળે.

આ આખીયે દિલધડક ઘટનાનું વિસ્તૃત વર્ણન હસમુખ શાહે ‘દીઠું મેં…’ પુસ્તકમાં કર્યું છે.

આસમનાં કેતરોમાં કાળી ઘનઘોર રાત્રે વિમાન તૂટી પડયું હોવા છતાં એ વખતના વડા પ્રધાન મોરારજી દેસાઈની સ્વસ્થતા ગજબની હતી. માનવીની હિંમતની કસોટી આપત્તિમાં જ થતી હોય છે.

સુમિત્રાના શોને નિહાળવા માટે નહેરુ પણ આવ્યા હતા

સુમિત્રા ચરતરામ.

પર્ફોમિંગ  આર્ટની દુનિયાના લોકો માટે આ નામ જાણીતું અને આમ જનતા માટે અજાણ્યું છે. વીતેલા જમાનાનાં એ સન્નારી હતાં. સુમિત્રા ચરતરામનો જન્મ ઉત્તર પ્રદેશના એક જાણીતા પરિવારમાં ૧૯૧૪ના વર્ષે દિવાળીના દિવસે થયો હતો. તેમના પિતા રાજા જ્વાલાપ્રસાદ બિજનૌરના ભારતના પ્રથમ ચીફ એન્જિનિયર હતા. તેમના મોટા ભાઈ ધરમવીર ભારત આઝાદ થયા પછી ભારત સરકારના પ્રથમ કેબિનેટ સેક્રેટરી હતા. તેમના પિતા બનારસ હિંદુ યુનિર્વિસટીના સ્થાપકો પૈકીના એક હતા. તેમણે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિશ્નના અંગત સચિવ તરીકે પણ સેવાઓ આપી હતી.

સુમિત્રા આઝાદી પહેલાં જન્મ્યાં હતાં અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરનાં તેઓ શિષ્યા પણ હતાં. તેમનો ઉછેર સર્વપલ્લી રાધાક્રિશ્નન, મદન મોહન માલવિયા, મહાદેવી વર્મા, હરિશંકર ઔધ જેવાઓના સાંનિધ્યમાં થયો હતો. બનારસ હિંદુ યુનિર્વિસટીમાં અભ્યાસકાર્ય દરમિયાન સુમિત્રા રોજ વહેલી સવારે ઊઠી જતાં અને વિખ્યાત શહેનાઈવાદક ઉસ્તાદ બિસમિલ્લાહ ખાનનું શહેનાઈવાદન સાંભળતાં.

૧૯૪૧ની સાલમાં તેઓ દિલ્હી ક્લોથ મિલના માલિક શ્રીરામના પુત્ર ચરતરામ સાથે પરણ્યાં હતાં. તે પછી તેઓ દીપક, શોભા,સિદ્ધાર્થ અને ગૌરી એમ ચાર બાળકોનાં માતા બન્યાં હતાં. તે તમામ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવ્યું હતું.

તા. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ એટલે કે ભારતના સ્વાતંત્ર્ય દિને સુમિત્રાએ શ્રેષ્ઠ સંગીતના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે તેમણે શ્રેષ્ઠ હિંદુસ્તાની સંગીતનો કાર્યક્રમ તૈયાર કર્યો હતો. નવી દિલ્હીમાં ૨૦, કર્ઝન રોડ ખાતે આવેલા ‘શ્રીરામ હાઉસ’ ખાતે યોજાયેલી આ સંગીત સંધ્યામાં ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન, ઉસ્તાદ વિલાયત ખાન, પંડિત રવિશંકર,ઉસ્તાદ હાફિઝ અલી ખાન વગેરેએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમની સફળતા બાદ સુમિત્રાએ ગીત-સંગીતની દુનિયાના કલાકારોને એકત્ર કરી ઝંકાર મ્યુઝિક સર્કલ ઊભું કર્યું હતું. ધીમેધીમે તે શ્રીરામ શંકરલાલ મ્યુઝિક ફેસ્ટિવલનું ર્વાિષક આયોજન કરનારું વૃંદ બની ગયું હતું. ૧૯૫૨માં ઝંકાર મ્યુઝિકલ સર્કલનું ભારતીય કલા કેન્દ્ર તરીકે પહેલી જ વાર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ કલા કેન્દ્રનું ધ્યેય એ હતું કે, ભારતીય ગીત-સંગીત, નૃત્ય અને સંસ્કૃતિના ભવ્ય વારસાનું જતન કરવું અને તેને પ્રોત્સાહન આપવું.

ભારતીય કલાકેન્દ્રનો જન્મ અને સ્થાપના તે એકમાત્ર સુમિત્રા ચરતરામનું જ સ્વપ્ન હતું. આજે આખા દેશમાં ‘કથક’ નૃત્ય જાણીતું છે, પરંતુ તેને ભારતીય કલાના જગતમાં સન્માન અપાવનાર સુમિત્રા ચરતરામ હતાં. ધીમેધીમે સુમિત્રા આખા દેશમાં જાણીતાં બની ગયાં. તેમના એ પ્રયાસોને સફળતા મળતાં સંસ્થાએ જે નવા કલાકારોને જન્મ આપ્યો હતો તે શંભુ મહારાજ, બિરજુ મહારાજ અને સુંદર પ્રસાદ હતા. તેમણે ગુજરાતનાં સુપ્રસિદ્ધ કથક કલાકાર કુમુદિની લાખિયા સહિત ઉષા શર્મા, કેશવ કોઠારી, રશ્મિ જૈન જેવાઓને પણ કથકની તાલીમ આપી.

એ સિવાય દિલ્હીના ભારતીય કલાકેન્દ્રએ દેશનાં બીજાં જે શ્રેષ્ઠ કલાકારો તયાર કર્યાં તેમાં વિદુષી સિદ્ધેશ્વરી દેવી, ડાગર બંધુઓ, પ્રો. દિલીપચંદ્ર વેદી, ઉસ્તાદ અમજદ અલી ખાન, પંડિત દુર્ગાલાલ, લીલા સેમસન, ગુરુ કૃષ્ણચંદ્ર અને બીજાઓનો સમાવેશ થાય છે.

ભારતના સુપ્રસિદ્ધ મહાકાવ્ય ‘રામાયણ’ને પણ સ્ટેજ પર લાવવાનું કામ સુમિત્રા ચરતરામે કર્યું. સુમિત્રા જ્યારે સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે બનારસના મહારાજાના મહેલમાં રામાયણને ભજવવાનું નિહાળતાં હતાં. બસ, એ જ સમયથી જ તેમણે એક સ્વપ્ન નિહાળ્યું હતું કે, તેઓ પણ એક દિવસ ‘રામાયણ’ને પોતાની રીતે સ્ટેજ પર લાવશે. પોતાના નિર્ણયમાં હંમેશાં મક્કમ રહેનારા સુમિત્રા ચરતરામે ૧૯૫૭માં રામાયણને સ્ટેજ પર લાવવાનું પોતાનું સ્વપ્ન સાકાર કર્યું.

નોંધપાત્ર વાત એ છે કે, સુમિત્રા ચરતરામ સંચાલિત શ્રીરામ ભારતીય કલાકેન્દ્રના આ પ્રથમ શોને નિહાળવા જે મહાનુભાવો હાજર હતા તેમાં તે વખતના વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પણ એક હતા. એ શો ભજવાયા પછીના ૫૮ વર્ષ સુધી ‘રામાયણ’ એ ભારતીય કલાકેન્દ્રની એક ઓળખ બની રહી.

સુમિત્રા ચરતરામ ભારતની લોકસંસ્કૃતિ, લોકનૃત્ય અને પ્રણાલિકાગત શાસ્ત્રીય સંગીતનો જ ઉપયોગ કરતાં હતાં. તેમણે ભારતીય કલાકેન્દ્રમાં ભારતીય સંસ્કૃતિના પરંપરાગત કળા એવી કઠપૂતળીની કળા માટે એક આગવું ડિપાર્ટમેન્ટ ઊભું કર્યું હતું. આ ડિપાર્ટમેન્ટે તૈયાર કરેલા ઝાંસીની રાણી અને ઢોલા મારુનો શો અત્યંત જાણીતા શો બની રહ્યા. એ માટે પંડિત બિરજ મહારાજે સંવાદો લખ્યા હતા જ્યારે ઉસ્તાદ અમજદ અલી ખાને ડિપાર્ટમેન્ટના શો માટે સરોદ વગાડયું હતું.

તે પછી સુમિત્રા અમેરિકા ગયાં. અમેરિકાના પ્રવાસ દરમિયાન તેઓ ન્યૂયોર્કના લિંકન સેન્ટર અને કાર્નેજી હોલથી કાફી પ્રભાવિત થયાં. તેમાંથી પ્રેરણા લઈને પાછાં આવ્યાં અને તેના ફળ સ્વરૂપે તેમણે ૧૯૭૧માં તેમણે દિલ્હીમાં કામાણી ઓડિટોરિયમ ઊભું કર્યું,જેનું ઉદ્ઘાટન તે વખતના રાષ્ટ્રપતિ વી. વી. ગીરીએ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન એમ. એસ. શુભલક્ષ્મીએ પર્ફોર્મન્સ આપ્યું હતું. એ રીતે ભારતમાં પહેલી જ વાર પ્રોફેશનલ થિયેટરનો આરંભ થયો. આજે પણ એ થિયેટર ‘ધ્વનિ’ એકોસ્ટિક્સ, લાઈટ્સ,કર્ટેન્સ અને વિંગ્સની બાબતમાં એક શ્રેષ્ઠ થિયેટર ગણાય છે.

હિંદુસ્તાની ગીત, સંગીત અને કળાના ક્ષેત્રમાં સુમિત્રાના શ્રેષ્ઠ યોગદાનનાં ઉપલક્ષ્યમાં ૧૯૬૩માં ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્વારા તેમને ‘પદ્મશ્રી’નો એવોર્ડ એનાયત થયો હતો. ભારતીય કળાઓ વર્ષોથી જાણીતી હતી, પરંતુ તેમાં નવો ઉજાસ પાથરવાની બાબતમાં સુમિત્રા ચરતરામ ‘રેનેસાં વુમન’ તરીકે ઓળખાયાં. ભારતીય કળાનો ખરો ઉદય તેમની સંસ્થાની સ્થાપના પછી જ થયો. નવી દિલ્હી માટે તેઓ અત્યંત જાણીતા સેલિબ્રિટી બની ગયાં. આઝાદી બાદ પર્ફોમિંગ  આર્ટની દુનિયામાં સુમિત્રા ચરતરામથી ઊંચું નામ બીજું કોઈ નથી.

છેલ્લાં ૬૫ વર્ષ દરમિયાન સુમિત્રા ચરતરામ દ્વારા સ્થાપિત ભારતીય કલાકેન્દ્રએ જે વિદ્યાર્થીઓ અને કલાકારો દેશને બક્ષ્યા છે તે બધા તેમના ક્ષેત્રમાં ગ્લોબલ લેજન્ડ્સ બની ચૂક્યા છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, તે બધા જ કલાકારો-વિદ્યાર્થીઓ ભારતીય કલાકેન્દ્રના એમ્બેસેડર્સ છે.

સુમિત્રા ચરતરામે તેમની સફળતાનો વારસો તેમની મોટી દીકરી શોભાને બક્ષ્યો છે. ભારતીય કલાકેન્દ્રનું સંચાલન હવે શોભા દીપક સિંઘ કરે છે.

૨૦૦૭માં તેમના પતિ ડો. ચરતરામનું અવસાન થતાં સુમિત્રા ચરતરામની જીવવાની ઇચ્છા પણ જાણે કે સમાપ્ત થઈ ગઈ. ૨૦૧૧માં સુમિત્રા ચરતરામનું પણ અવસાન થયું.

૨૦૧૪નું વર્ષ સુમિત્રા ચરતરામની ૧૦૦મી જન્મજયંતી વર્ષ છે.
– દેવેન્દ્ર પટેલ

દેશના સહુથી વધુ ગરીબ મુખ્યમંત્રી માણિક સરકાર

ગાંધીજી હવે દીવાલોની જ શોભા બની તસવીરો ટીંગાડવાનું સાધન માત્ર રહ્યા છે. દેશના જાહેર જીવનમાંથી ગાંધીજીને પ્રિય સાદગી,ખાદી, ગૃહઉદ્યોગ અને ગ્રામ સ્વરાજ અદૃશ્ય થતાં જાય છે. ભારતીય ચલણી નોટો પર ગાંધીજીની છબી છે, પણ એ નોટો કાળાં ધનના સ્વરૂપમાં ધનવાનો, કરચોરો, નેતાઓ અને અધિકારીઓ તેમનાં ગુપ્ત ખાનાં અને ખાતાંઓમાં કેદ કરીને બેઠા છે. ગાંધીજીને ફૂલહાર પસંદ નહોતા. તેઓ સૂતરની આંટી જ સ્વીકારતા હતા. આજે નેતાઓ એક મણ વજનનો હાર કે એક કરોડ રૂપિયાની ચલણી નોટોનો હાર પહેરી તેની તસવીરો પડાવે છે. ગાંધીજીએ કદી કહ્યું નહોતું કે, ‘મારી પ્રતિમા મૂકજો,’ પણ ગાંધીજીના હત્યારા નથ્થુરામ ગોડસેની પ્રતિમા મૂકવા કેટલાક લોકો ઘાંઘા થઈ ગયા છે.

સુશીલ કોઈરાલા

લાગે છે કે, ગાંધીજીની સાદગી ભારતમાંથી ઊડીને નેપાળ ચાલી ગઈ છે. નેપાળમાં આજે રાજકીય રીતે સૌથી શક્તિશાળી વ્યક્તિ નેપાળના વડા પ્રધાન સુશીલ કોઈરાલા છે, પરંતુ સત્તાની કોઈ અસર તેમના વ્યક્તિગત જીવન પર થઈ નથી. નેપાળના વડા પ્રધાન સુશીલ કોઈરાલાની કેટલી સંપત્તિ છે તેની વિગતો તાજેતરમાં જ જાહેર થઈ છે. નેપાળ સરકારે વડા પ્રધાન તથા તેમના મંત્રીમંડળના સભ્યોની મિલકતો જાહેર કરવા માટે એક સૂચના આપી હતી. એ અહેવાલ પ્રમાણે નેપાળના વડા પ્રધાન પાસે સ્થાયી અને અસ્થાયી મિલકતોમાં માત્ર ત્રણ મોબાઈલ ફોન જ છે. તે સિવાય તેમની પાસે પોતાનું કોઈ ઘર નથી, કોઈ જમીન-જાયદાદ નથી. કોઈ મોટરકાર કે કોઈ બેંક બેલેન્સ નથી. શેર પણ નથી. સોનું-ચાંદી કે દાગીના પણ નથી. ૭૪ વર્ષની વયના આ વડા પ્રધાન તેમની સાદગી અને સરળ જીવન માટે જાણીતા છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી જાહેર જીવનમાં છે, પરંતુ વિશ્વના વિવિધ દેશોના જે વડાઓ આજે છે તેમાં સૌથી ગરીબ વડા પ્રધાન છે.

પહેલો ચેક આવ્યો ત્યારે

સુશીલ કોઈરાલા નેપાળના ૩૭મા વડા પ્રધાન છે. તેઓ પહેલી જ વાર વડા પ્રધાન બન્યા અને વડા પ્રધાન તરીકેના તેમના વેતનનો પહેલો ચેક આવ્યો ત્યારે સુશીલ કોઈરાલા પાસે કોઈ જ બેંક એકાઉન્ટ ના હોવાથી અધિકારીઓ મૂંઝાયા હતા કે ચેક કયા ખાતામાં જમા કરાવવો. અલબત્ત, એ પછી પણ એમણે બેંકમાં ખાતું ખોલાવ્યું છે કે, કેમ તે કોઈ જાણતું નથી. હા, તેમની પાસે એક કાંડા ઘડિયાળ અને આંગળી પર એક વીંટી છે, પરંતુ તે વીંટી સોનાની છે કે ચાંદીની તેની તેમને ખબર નથી. એથી ઊલટું ગાંધીજીના ઇન્ડિયામાં છે. ભારતના કેટલાક નેતાઓના પુત્રો પાસે હાથમાં ૨૦ લાખની ઘડિયાળ, એક લાખનો મોબાઈલ અને એક કરોડની કાર જોઈ શકાય છે. ભારતનાં મહિલા નેતાઓ પણ બાકાત નથી. એક મહિલા નેતાના વોર્ડરોબમાં ૧૦ હજાર સાડીઓ અને સેંકડો જૂતાં છે. બીજાં એક મહિલા નેતાના સેન્ડલ ખરીદવા એક હેલિકોપ્ટર દ્વારા રાજ્યની રાજધાનીથી મુંબઈ જાય છે.

મમતા બેનરજી

હા, ભારતનાં બધાં જ નેતાઓ એવા નથી. બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી આજે પણ એક સામાન્ય ઘરમાં રહે છે. સ્લીપર પહેરીને ઓફિસે જાય છે. સાદી સાડી પહેરે છે. કોઈ વાર સચિવાલયની કેન્ટિનમાં જમી લે છે અને તેનું બિલ પણ ચૂકવી દે છે. તેમની પાસે કોઈ મિલકત નથી સગાં-સંબંધીઓના નામે પણ નહીં. ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કેબિનેટના મંત્રી મોહન પરિકર પણ એમની સાદગી માટે જાણીતા છે. ભારતના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ સાદગી માટે જાણીતા છે. ભાજપના પૂર્વ પ્રમુખ કુશાભાઉ ઠાકરે જાતે જ પોતાનાં વસ્ત્રો ધોઈ નાખતા હતા.

માણિક સરકાર

ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકાર પણ તેમની સાદગી માટે જાણીતા છે. તેઓ કોઈ મોબાઈલનો ઉપયોગ કરતાં નથી. ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે ત્રણ ટર્મ પૂરી કરી ચૂકેલા માણિક સરકાર પોતાનું કોઈ ઇ-મેલ એકાઉન્ટ પણ ધરાવતાં નથી. ભારતના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓમાં તેઓ સૌથી ગરીબ મુખ્યમંત્રી છે. વિધાનસભાની ચૂંટણી લડતી વખતે તેમણે પોતાની સંપત્તિની જાહેરાત કરતાં એફિડેવિટમાં લખ્યું હતું કે, તેમની પાસે રૂ. ૯૭૨૦નું બેંક બેલેન્સ છે. રૂ. ૧૦૮૦ રોકડા છે. એ સિવાય તેમની પાસે કોઈ સ્થાવર મિલકત નથી. તેમનાં પત્ની પલ્લવી કે જેઓ નિવૃત્ત સરકારી કર્મચારી છે. તેમની પાસે રૂ. ૨૪ લાખની ફિક્સ્ડ ડિપોઝિટ છે. ૨૦ ગ્રામ સોનું છે. તેમની પાસે કોઈ અંગત મોટરકાર ના હોવાથી મુખ્યમંત્રીનાં પત્ની ઓટોરિક્ષામાં ફરે છે. કોઈ આઈપીએસ અધિકારી કે આઈએએસ અધિકારી કે આરએન્ડબીના અધિકારીની કાર પણ વાપરતાં નથી.

પગાર પક્ષને આપે છે

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)ના સભ્ય માણિક સરકાર સુતરાઉ લેંઘો-ઝભ્ભો પહેરે છે. પોતાનાં વસ્ત્રો જાતે જ ધૂએ છે. તેમની માતાએ વારસામાં આપેલું ૪૩૨ સ્ક્વેર ફૂટના મકાન સિવાય તેમની પાસે કોઈ મિલકત નથી. તેમની સામે ભ્રષ્ટાચારનો કોઈ આરોપ નથી. તેમના વિરોધીઓ પણ તેમની પ્રામાણિકતાની પ્રશંસા કરે છે. મુખ્યમંત્રી તરીકે તેમને મળતું તમામ વેતન તેઓ પોતાની પાર્ટીમાં જમા કરાવી દે છે. તેના બદલામાં તેમની પાર્ટી તેમને એલાઉન્સના પાંચ હજાર રૂપિયા આપે છે. તેમની પત્ની નોકરી કરતાં હતાં તેથી તેમાંથી મળતા પેન્શનમાંથી તેઓ જીવનનિર્વાહ કરે છે. તેમનાં પત્ની પર તેમના નોકરીકાળ દરમિયાન રિક્ષામાં બેસીને જતાં હતાં. માણિક સરકાર દરરોજ ૧૦ વાગે તેમની ઓફિસે પહોંચી જાય છે. ગાંધીજીએ દર્શાવેલ ટ્રસ્ટીશિપના સિદ્ધાંત પ્રમાણે માણિક સરકારે ત્રિપુરાના મુખ્યમંત્રી હોવા છતાં રાજ્યના એક ટ્રસ્ટી તરીકે કામ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી તરીકે મળતું તેમનું વેતન તેઓ પોતાની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જમા કરાવે છે

રાજનીતિની જાણીતી મહિલાઓ અને ઓછા જાણીતા પતિદેવો

દેશની રાજનીતિમાં મહાત્મા ગાંધીજીને બાદ કરતા બહુ ઓછા એવા રાજકારણીઓ રહ્યા છે જેમણે તેમના જીવનસાથીઓને પણ જાહેર જીવનનો એક ભાગ બનાવ્યો હોય. ખુદ જવાહરલાલ નહેરુનાં પત્ની જાહેર જીવનમાં નહોતાં. હા, લાલ બહાદુર શાસ્ત્રીનાં પત્ની લલિતાદેવીનું જાહેર જીવનમાં યોગદાન હતું. મોરારજી દેસાઈનાં પત્ની જાહેર જીવનમાં નહોતાં. ઇન્દિરા ગાંધીના પતિ ફિરોજ ગાંધી જાહેર જીવનમાં હતા. મુલાયમસિંહ યાદવનાં પત્ની જાહેર જીવનમાં નથી. હા, લાલુ પ્રસાદ યાદવનાં પત્ની રાબડીદેવી પતિદેવની કૃપાથી મુખ્યમંત્રી બની ચૂક્યાં છે. ગુજરાતમાં હિતેન્દ્ર દેસાઈ સિવાયના મુખ્યમંત્રીઓએ તેમનાં પત્નીઓને લોકદર્શનથી દૂર રાખ્યાં છે.

આજે એવી મહિલા રાજકારણીઓની વાત છે જેમને લોકો જાણે છે,પરંતુ તેમનાં પતિઓ વિશે પ્રજા બહુ જાણતી નથી.

સ્મૃતિ ઈરાની-ઝુબીન ઈરાની

સ્મૃતિ ઈરાની દેશનાં માનવ સંસાધન મંત્રી છે. એક જમાનામાં તેઓ ટેલિવિઝનના પરદા પર છવાયેલાં અભિનેત્રી રહી ચૂક્યાં હોઈ દેશની તમામ સ્ત્રીઓ તેમના ચહેરાને ઓળખે છે, પરંતુ તેમના પતિ ઝુબીન ઈરાનીને બહુ ઓછા લોકો ઓળખે છે. ઝુબીન ઈરાની એક લો પ્રોફાઈલ વ્યક્તિ છે. તેઓ પ્લાસ્ટિકના બિઝનેસમાં છે અને મુંબઈ ખાતે એક ફળવાડી ધરાવે છે. તેઓ કોઈક વાર જ ટ્વિટર પર આવે છે. મોટે ભાગે તેઓ પત્નીનાં ટ્વિટરને રિટ્વીટ કરે છે. તેઓ કહે છે : “હું નોર્મલ પર્સન છું.”

કિરણ બેદી-બ્રિજ બેદી

દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજનીતિમાં પ્રવેશતાં કિરણ બેદી પૂર્વ આઈપીએસ અધિકારી છે. તેમના પતિનું નામ બ્રિજ બેદી છે. બ્રીજ બેદી મોટા ભાગે અમૃતસરમાં રહે છે, જ્યારે કિરણ બેદી દિલ્હીમાં રહે છે. બ્રિજ બેદી કહે છે : “અમે શહેરોની દૃષ્ટિએ દૂર દૂર રહીએ છીએ તેનો મતલબ એ નથી કે, અમારી વચ્ચે કોઈ મતભેદો છે. મેં હમણાં જ કિરણને કહ્યું હતું કે, હું ચૂંટણીમાં તને બહુ મદદ કરી શકીશ નહીં.” પરંતુ કિરણે મને કહ્યું હતું કે, “તમે મને માત્ર આશીર્વાદ જ આપો.” બ્રિજ બેદી તેમનાં પત્નીની ચૂંટણીમાં મદદ કરવા માગતા હતા, પરંતુ હવે ૭૦ વર્ષની વય થઈ જવાના કારણે તેઓ દોડધામ કરી શકે તેટલી ઊર્જા તેમનામાં રહી નથી તેમ તેઓ કહે છે. તેમણે કહ્યું હતું : “કિરણ પીઢ અને પરિપક્વ છે અને સુશાસનમાં માને છે. તે પૈસા બનાવવા માટે જાહેર જીવનમાં પ્રવેશ્યાં નથી. કિરણની ઉંમર ૬૫ વર્ષની છે અને તે હજી સખત પરિશ્રમ કરી શકે તેમ છે.” જો કે પતિની શુભેચ્છા છતાં કિરણ બેદી હારી ગયાં. પોતે ડૂબ્યાં અને ભાજપને પણ ડૂબાડયું.

કિરણ બેદીના પતિ બ્રિજ બેદીએ સમજણપૂર્વક જ પોતાની જાતને રાજનીતિથી અલગ રાખી છે. હા, તેઓ એક સામાજિક કાર્યકર્તા જરૂર છે. રસપ્રદ વાત એ છે કે, ૧૯૭૦ની સાલમાં તેઓ અમૃતસરની એક ર્સિવસ ક્લબમાં ટેનિસ કોર્ટમાં મળ્યાં હતાં. જ્યારે બ્રિજ એક ટેક્સટાઈલ એન્જિનિયર હતા અને કિરણ એક અગ્રગણ્ય ટેનિસ પ્લેયર હતાં.

મીનાક્ષી લેખી-અમન લેખી


મીનાક્ષી લેખીએ દિલ્હી ભાજપાનો જાણીતો ચહેરો છે. તેઓ છટાદાર અંગ્રેજી અને આક્રમક શૈલીનાં પ્રવકતા તરીકે જાણીતાં બની ચૂક્યાં છે. મીનાક્ષી લેખીના પતિનું નામ અમન લેખી છે. અમન લેખી સુપ્રીમ કોર્ટના ટોચના ધારાશાસ્ત્રી છે. મીનાક્ષી લેખી સાંસદ પણ છે. મીનાક્ષી લેખી એ સ્ત્રીઓના હકો માટે લડનારાં ફેમિનિસ્ટ મહિલા અગ્રણી તરીકે જાણીતાં છે. મીનાક્ષી લેખીના પતિ અમન લેખીના પિતા પ્રાણનાથ લેખી પણ એક જાણીતા ધારાશાસ્ત્રી છે. પ્રાણનાથ લેખીએ ઈન્દિરા ગાંધીના હત્યારા સતવંત સિંઘના બચાવ પક્ષના ધારાશાસ્ત્રી તરીકે કામગીરી બજાવી હતી. તેઓ જનસંઘ તરફી ઝુકાવ ધરાવતા હતા. મીનાક્ષી લેખીના પતિ અમન લેખી કહે છે : “કાયદાશાસ્ત્ર પ્રત્યેની મારી સંપૂર્ણ પ્રતિબદ્ધતાના કારણે મેં મારી જાતને રાજનીતિથી દૂર રાખી છે. સમાજે મને જે આપ્યું છે તે સમાજને પાછું આપવા ભવિષ્યમાં હું કદાચ રાજનીતિમાં જોડાઈ શકું છું.”

નિર્મલા-પ્રભાકર

નિર્મલા સીતારામન એક સમયે ભાજપાનાં પ્રવકતા હતાં. તેઓ અત્યંત સુંદર અંગ્રેજી બોલી શકે છે. તેઓ લંડનમાં પણ રહી ચૂક્યાં છે. તેઓ હવે કેન્દ્રમાં મંત્રી છે. તેમના પતિનું નામ પરકલા પ્રભાકર છે. નોંધપાત્ર વાત એ છે કે, નિર્મલા સીતારામન કેન્દ્રમાં ભાજપાની સરકારનાં મંત્રી છે, પરંતુ તેમના પતિ પ્રભાકર આંધ્ર પ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ્ સરકારમાં કેબિનેટ કક્ષાનો હોદ્દો ધરાવતા કોમ્યુનિકેશન્સ એડવાઈઝર છે. પ્રભાકર એ સામ્યવાદી વિચારધારા ધરાવતા અને કોંગ્રેસના સમર્થક પરિવારમાંથી આવે છે, પરંતુ તેમનાં પત્ની નિર્મલા ભાજપાના નેતા તરીકે વધુ ઊપસી આવ્યાં છે. નિર્મલાના પતિ પ્રભાકર લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા પીએચ.ડી. થયેલા છે. તેઓ એક જમાનામાં પ્રજા રાજ્યમ્ પાર્ટીના પ્રવકતા પણ હતા. એ પક્ષ કોંગ્રેસમાં ભળી ગયો તે પછી તેમણે પક્ષ અને હોદ્દાઓ પણ છોડી દીધા હતા. પ્રભાકર આજકાલ ચંદ્રાબાબુ નાયડુના મીડિયા સ્ટ્રેટેજિસ્ટ પણ છે. તેમણે ચંદ્રાબાબુ નાયડુને બાહ્ય શૈલી કરતાં કામ પર ભાર મૂકવા સલાહ આપેલી છે.

જાહેર જીવનમાં પતિ કરતાં પત્ની આગળ હોય તે ઘણા પતિઓને ગમતું હોતું નથી, પરંતુ તેઓ જાહેરમાં એ વેદના વ્યક્ત પણ કરી શકતા નથી, એવું પણ બને.

સ્મૃતિ ઈરાનીકિરણ બેદીમીનાક્ષી લેખી,નિર્મલા સીતારામનના પતિદેવો શું કરે છે ?

અભિવ્યક્તિની આઝાદી

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

લોકતંત્ર એ આધુનિક વિશ્વવ્યવસ્થાનું આગવું સ્વરૂપ છે. તેમાં અભિવ્યક્તિની આઝાદી, ફ્રીડમ ઓફ સ્પીચ, લખવાની સ્વતંત્રતા એ બધા તેના ફળસ્વરૂપ પાસાં છે.

ચાલો ઠીક છે.

અભિવ્યક્તિની આઝાદીના નામે બધું જ યથાયોગ્ય છે તે ઠીક નથી. ફ્રાન્સના પાટનગર પેરિસના વ્યંગ મેગેઝિન ‘શાર્લી હેબ્દો’ પર મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવાં હજરત પયંગબર સાહેબનાં ચિત્રો દોરવાના વિરોધમાં આતંકવાદી હુમલો થયો અને ૧૪ પત્રકારોની હત્યા કરી દેવાઈ. બેશક, આ ઘટના નીંદનીય છે, પરંતુ સાથે સાથે એ વાત પણ સમજવી જોઈએ કે પત્રકારોએ કે ચિત્રકારોએ અન્ય ધર્મમાં માનતા તેના અનુયાયીઓની શ્રદ્ધા, માન્યતા અને લાગણીઓનું સન્માન પણ કરવું જોઈએ. ઈસ્લામ ધર્મમાં હજરત મોહંમદ પયંગબર સાહેબની કોઈ પ્રતિમા કે ચિત્રને સ્થાન નથી. આ તેમની આસ્થાનો વિષય છે એ જાણવા છતાં કોઈ જાણીબૂઝીને પયંગબર સાહેબનું કાર્ટૂન દોરે તે ઉચિત નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતાને સ્વછંદતામાં ખપાવી શકાય નહીં. અભિવ્યક્તિ, પછી તે બોલવામાં હોય કે લખવામાં, ચિત્ર દોરવામાં હોય કે ફિલ્મના નિર્માણમાં પણ તે સમાજને, અન્ય ધર્મોને અને કાનૂનને માન્ય હોવું જોઈએ. શબ્દ એ તલવાર કરતાંયે ધારદાર શસ્ત્ર છે. એક કહેવત છે કે ન બોલાયેલા શબ્દના તમે સ્વામી છો,બોલાયેલો શબ્દ તમારો સ્વામી છે. કોઈ એક રાજનેતા એમ કહે કે જેઓ હિન્દુ છે તેઓ ‘રામજાદા’ છે અને જેઓ હિન્દુ નથી તેઓ ‘… જાદા’ છે. પહેલાં તો રાજનેતાઓના મુખમાં આવા શબ્દો શોભતા નથી. એ જ રીતે તાલિબાનો કે ઈસ્લામિક સ્ટેટ નામના સંગઠનના આતંકવાદીઓ પણ ધર્મના નામે જે ઉચ્ચારણો કરે છે, તે શબ્દો અને કૃત્યો બેઉ ધર્મને સુસંગત નથી.

ભારતને લાગેવળગે છે ત્યાં સુધી કેટલાંક વિચારકો ભારતને અડધું લોકતંત્ર કહે છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી તથા લોકોની સ્વતંત્ર આવાજાહી જેવા મામલાઓમાં આપણે વિશ્વના કોઈ પણ લોકતાંત્રિક દેશનો મુકાબલો કરી શકીએ તેમ છીએ, પરંતુ ‘અભિવ્યક્તિની આઝાદી’ની બાબતમાં આપણે બેજવાબદાર અને ઘણા પાછળ છીએ.

ભારતમાં ઘણી વાર ગુણવત્તાના ધોરણે નહીં પરંતુ રાજકીય કારણોસર પણ કેટલાંક પુસ્તકો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે. વૈડી ડોનિજરના પુસ્તક ‘ધી હિન્દુઝઃ એન ઓલ્ટરનેટિવ હિસ્ટ્રી’ પુસ્તક પર પ્રતિબંધ લાદી દેવાની માંગણી કરવામાં આવી હતી. આઝાદ ભારતમાં આજે પણ એવા કાયદાઓ છે જેને આઉટ ઓફ ડેટ ગણાવી શકાય, કારણ કે અભિવ્યક્તિની આઝાદીની બાબતમાં કેટલાંક કાયદા લોકતાંત્રિક મૂલ્યોની બિલકુલ વિરુદ્ધ છે. સરકાર ધારે ત્યારે કોઈ પણ પુસ્તક પર પ્રતિબંધ મૂકી શકે છે અને તે પુસ્તકો કબજે કરી શકે છે. કોઈની ર્ધાિમક લાગણીને ઉશ્કેરનારાં ન હોય તોપણ એવાં પુસ્તકોનો ક્યારેક કેટલીક વિચારધારાવાળા લોકો વિરોધ કરે છે.

મે, ૧૯૫૧માં ભારતના વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નહેરુ હતા. એ વખતે દેશના કાયદામંત્રી તરીકે ભીમરાવ આંબેડકર હતા. તે વખતે ભારતના બંધારણમાં એવું સંશોધન લાવવામાં આવ્યું હતું કે સરકાર એવાં પત્ર-પત્રિકાઓ કે પુસ્તકો પર પ્રતિબંધ લાવી શકે છે જેનાથી દેશની સુરક્ષાને ખતરો હોય, વિદેશો સાથેના મિત્રતાપૂર્ણ સંબંધોને ખતરો હોય. બંધારણમાં કરવામાં આવેલી આ જોગવાઈથી કોઈ પણ સરકારને કોઈ પણ પુસ્તક, અખબાર કે ફિલ્મ પર અધિકાર મળી જાય છે, જે તેને પસંદ ન હોય.

પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તેમની વિરુદ્ધ છપાતાં કાર્ટૂનોને જોઈ ખુદ હસતા હતા, પરંતુ તે પછીના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ તેમનાં કાર્ટૂનો જોઈ ગુસ્સે ભરાતા હતા અને તે કાર્ટૂનો પર પ્રતિબંધ લાદવા ઇચ્છતા હતા. પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ પણ કટોકટી જાહેર કરી ત્યારે અખબારો પર સેન્સરશિપ લાદી દીધી હતી, પરંતુ તેમને પાછળથી એ ભૂલ સમજાઈ હતી અને એ ભૂલની ભારે કિંમત પણ ચૂકવવી પડી હતી. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અખબારોની આઝાદીના પૂર્ણ સમર્થક હતા. તેઓ અખબારોના તંત્રીઓને, પત્રકારોને તથા કટાર લેખકોને ખુલ્લા દિલે મળવાનું પસંદ કરતા હતા. જવાહરલાલ નહેરુ અભિવ્યક્તિની આઝાદીના જબરદસ્ત સમર્થક હતા. રશિયન ક્રાંતિની પશ્ચાદ્ભૂમિકામાં રશિયન લેખક બોરિસ પાસ્તરનાકે ‘ડો.જિવાગો’નામની નવલકથા લખી હતી જેને રશિયાની સામ્યવાદી સરકારે છાપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. એ નવલકથા રશિયાની બહાર છપાઈ હતી. તે પછી તે નવલકથાને નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. રશિયન સરકારને આ વાત ગમી નહોતી. રશિયન સરકારે’ ડો.જિવાગો’ના લેખક બોરિસ પાસ્તરનાકને નોબેલ પ્રાઈઝ સ્વીકારવા દેશની બહાર જવા ના પાડી હતી અને જો તેઓ જશે તો રશિયામાં પુનઃપ્રવેશ નહીં મળે તેવી ધમકી આપી હતી. લેખક નોબેલ પ્રાઈઝ લેવા ગયા નહોતા. તેમણે માતૃભૂમિમાં જ રહેવાનું અને મરવાનું પસંદ કર્યું હતું. આમ છતાં રશિયન સરકાર હજીયે બોરિસ પાસ્તરનાકને જેલમાં મોકલવા માંગતી હતી ત્યારે એ વખતના ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રશિયાનાં વડા નિકિતા ખુશ્ચોવને સમજાવી એક લેખકની ધરપકડ ન કરવા દરમિયાનગીરી કરી હતી. નહેરુની વાત રશિયન સરકારે સ્વીકારી હતી અને બોરિસ પાસ્તરનાકની ધરપકડ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. વિદેશોમાં પણ ઘણાં પુસ્તકો પર પ્રતિબંધ લગાવ્યાનાં ઉદાહરણો છે. વર્ષો પહેલાં ડી.એચ.લોરેન્સ દ્વારા લખવામાં આવેલ ‘લેડી ચેર્ટિલઝ લવર’ નામની નવલકથાને અશ્લીલ ગણી ઈંગ્લેન્ડમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ નવલકથાના સમર્થકોએ એવી દલીલ કરી હતી કે, આ પુસ્તકના કેટલાંક અંશ ભલે અશ્લીલ લાગી શકે છે, પરંતુ તેમાં વિજ્ઞાાન, કથા અને શિક્ષણ જેવાં સાર્વજનિક હિતોને ફાયદો મળે તેવી વાત પણ છે. આ સમર્થકોએ અશ્લીલ સાહિત્ય કાનૂનની એક પેટા કલમનો ઉપયોગ કરી એ પુસ્તક પરનો પ્રતિબંધ હટાવ્યો હતો. આમ, આઝાદીની અભિવ્યક્તિ એ બેધારી તલવાર છે તેનો સમજદારીથી, સંયમથી અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. અભિવ્યક્તિ પર રોક પણ ન હોવી જોઈએ અને અભિવ્યક્તિની આઝાદી તે સ્વચ્છંદતા પણ ન હોવી જોઈએ.

ઈન્દ્રપ્રસ્થનું સિંહાસન આસાન, પણ શાસન મુશ્કેલ

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

મહાભારતના કાળમાં દિલ્હીનું નામ ઈન્દ્રપ્રસ્થ હતું. ચન્દબરદાઈની રચના પૃથ્વીરાજ રાસોમાં તોમર રાજા અનંગપાલને દિલ્હીના સંસ્થાપક કહેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દિલ્હી ૭ વાર ઇતિહાસમાં ધ્વસ્ત થયું અને ફરી વસ્યું. એના કેટલાંક અવશેષો પણ દિલ્હીમાં જોવા મળે છે. ઈ.સ.પૂર્વે ૫૦૦ની સાલમાં દિલ્હી એક સમૃદ્ધ નગર હતું.

તા.૧ મે, ૧૨૦૬માં દિલ્હી સલ્તનતના ઉત્થાન સાથે દિલ્હી એક મુખ્ય રાજનૈતિક, વાણિજ્ય અને સાંસ્કૃતિક નગર તરીકે ઉપસ્યું. ઈ.સ. ૧૬૩૯માં મોગલ બાદશાહ શાહજહાંએ દિલ્હીને ૭મી વાર વસાવ્યું. શાહજહાંએ દિલ્હીમાં ૭ દરવાજા બનાવડાવ્યા. તે એક જ ચાર દીવાલોથી ઘેરાયેલું હતું. જેને આજકાલ પુરાણી દિલ્હી- જૂની દિલ્હી કહેવામાં આવે છે. ૧૮૫૭ સુધી દિલ્હી મોગલ સામ્રાજ્યની રાજધાની રહ્યું. તા.૧૨ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ બ્રિટિશ સામ્રાજ્યે ફરી એક વાર કોલકાતાથી હટાવીને દિલ્હીને રાજધાની બનાવી. ઈ.સ.૧૯૧૨માં બ્રિટિશ આર્કિટેક એડવિન લુટિયન્સને નવી દિલ્હીની ડિઝાઈન તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું. ૧૯૩૧માં લોર્ડ ઈરવિને નવી દિલ્હી તરીકે ઓળખાતા શહેરનું ઉદ્ઘાટન કર્યું. આજે દિલ્હી ૪૮૩ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું શહેર છે. દિલ્હીની વસ્તી આજકાલ ૧ કરોડ ૭૦ લાખ લોકોની છે.

કેજરીવાલની દિલ્હી

આવી દિલ્હી પર હવે આમ આદમી તરીકે ઓળખાતા અરવિંદ કેજરીવાલનું શાસન છે. દિલ્હીની પ્રજાએ ૭૦માંથી ૬૭ બેઠકો કેજરીવાલને આપી એક વિક્રમ સર્જ્યો છે. આટલી પ્રચંડ બહુમતીથી પોતે ડરી ગયા હોવાનું કેજરીવાલે કહ્યું છે. તેમની વાત સાચી પણ છે. દિલ્હી શહેરમાં શાસન કરવું અત્યંત કઠિન છે. કહેવાય છે કે દિલ્હીની ભીતર એક બીજું દિલ્હી વસે છે, જેને માત્ર કેજરીવાલ નિહાળી શક્યા છે. તેને ‘અન્ડરક્લાસ સિટી’ કહે છે. તેમાં તમામ જાતિ અને ધર્મના લોકો છે. એ બધા લોકો જીવનની પાયાની સુવિધાઓથી વંચિત છે. દિલ્હીમાં વર્લ્ડક્લાસ એરપોર્ટ, મેટ્રો ટ્રેન્સ, ફ્લાયઓવર્સ, સ્ટેડિયમ્સ તથા પાંચ સિતારા હોટલોની શૃંખલા છે, પરંતુ આ ઝાકઝમાળની પાછળ નર્કાગાર જેવું જીવન જીવતી ગરીબ પ્રજાનું પણ એક દિલ્હી છે. જ્યાં પીવાનું પાણી નથી. શૌચાલયો નથી, વીજળી નથી, સડકો નથી, સ્કૂલો નથી, બસ, કેજરીવાલ આ લોકોને સ્પર્શ્યા છે.

અંડરક્લાસ સિટી

અંડરક્લાસ સિટી તરીકે ઓળખાતા દિલ્હીમાં ઔદ્યોગિક કામદારો, અસંગઠિત ક્ષેત્રના મજદૂરો, નાના-મોટા દુકાનદારો, દુકાનોમાં કામ કરતા નોકરો વગેરે છે. દિલ્હીમાં ૨૧ ટકા લોકો મહિને ૭૦૦૦ રૂપિયા કરતાં ઓછી આવક ધરાવે છે. દિલ્હીના ૬૦ ટકા લોકો મહિને રૂ.૧૩,૫૦૦ કરતાં ઓછી આવક ધરાવે છે. ૯૩ ટકા લોકો મહિને રૂ.૩૧,૦૦૦થી ઓછું કમાય છે. માત્ર ૭ ટકા દિલ્હીવાસીઓની આવક મહિને રૂ.૩૧,૦૦૦ કરતાં વધુ છે. સરકારે નિમ્નતમ વેતન મહિને રૂ.૮૫૫૦ નક્કી કર્યું છે, પરંતુ ઉદ્યોગો અને ખાનગી ઓફિસોમાં તેનું કોઈ પાલન થતું નથી. આજ સુધી આવેલી એક પણ સરકારે આ વિષય પર ધ્યાન આપ્યું નથી. અરવિંદ કેજરીવાલ આ લોકો માટે શું કરી શકશે તે કહેવું મુશ્કેલ છે.

કપરાં ચઢાણ

ચૂંટણી જીતવી સરળ છે, પરંતુ અરવિંદ કેજરીવાલ માટે તેમની સામે જે સમસ્યાઓ છે તે એટલી જ મુશ્કેલ છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં વીજળીના દર ઘટાડવા માંગે છે, પરંતુ દિલ્હી સરકાર પોતે કોઈ વીજળી પેદા કરતી નથી. તેઓ વીજ સબસિડી આપી શકે છે પણ તે નાણાં શિક્ષણમાંથી કે બીજા કોઈ વિભાગમાંથી લાવીને જ આપવાં પડશે. એકના ભોગે બીજામાં પૈસા વાપરવા પડશે. કેજરીવાલ સ્કૂલો બાંધવા માગે છે, પરંતુ દિલ્હી સરકાર પાસે એક ઈંચ જમીન પોતાની માલિકીની નથી. જમીન એમણે કેન્દ્ર સરકાર પાસેથી જ લેવી પડશે. દિલ્હી પાણી માટે સંપૂર્ણપણે હરિયાણા પર નિર્ભર છે. કેન્દ્રમાં અને હરિયાણામાં ભાજપની સરકાર છે. કેજરીવાલ તેમને કેટલું મનાવી શકશે તે કહેવું મુશ્કેલ છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ છે પણ દિલ્હીની પોલીસ કેજરીવાલના હસ્તક નથી, પણ કેન્દ્ર સરકારના તાબા હેઠળ છે. કેજરીવાલ દિલ્હી માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો માંગે છે,પરંતુ એ દરજ્જો આપવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. દિલ્હીમાં મોંઘવારીનો પ્રશ્ન છે, પરંતુ ભાવોને નિયંત્રણમાં રાખવાની નીતિ તે પણ કેન્દ્ર સરકારનો વિષય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે લોકોની અપેક્ષાઓ અગણિત છે. તેની સામે કેજરીવાલની તાકાત, મર્યાદાઓ, સ્ત્રોત, સત્તા એ બધું જ મર્યાદિત છે. કેજરીવાલ આ કપરી સમસ્યાઓનો હલ કેવી રીતે કરે છે તે જોવું રહ્યું.

જ્ઞાાતિવાર ટકાવારી

એક સરવે અનુસાર દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કઈ જ્ઞાાતિએ, કઈ પાર્ટીને કેટલા ટકા મત આપ્યા, તે પણ જાણવા જેવું છે. ઓબીસીમાં આવતા ગુજ્જર અને યાદવ જ્ઞાાતિઓમાંથી ૫૩ ટકા મત આમ આદમી પાર્ટીને, ૩૫ ટકા મત ભાજપને અને ૭ ટકા મત કોંગ્રેસને મળ્યા. આ જ્ઞાાતિઓની દિલ્હીમાં ૬ ટકા વસ્તી છે. હવે અન્ય પછાત જ્ઞાાતિઓમાં જેની વસ્તી ૧૨ ટકા છે તેમાંથી ૬૦ ટકા મત આમ આદમી પાર્ટીને, ૨૯ ટકા મત ભાજપને તથા ૯ ટકા મત કોંગ્રેસને મળ્યા છે. દિલ્હીમાં દલિતો કે જેમની વસ્તી ૧૭ ટકા છે તેમાંથી ૬૮ ટકા મત આમ આદમી પાર્ટીને, ૨૦ ટકા મત ભાજપને અને માત્ર ૬ ટકા મત જ કોંગ્રેસને મળ્યા છે.

શીખ અને મુસ્લિમ મતો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ઘણાંને આશ્ચર્યજનક લાગે છે, પરંતુ ચૂંટણી પછી જે વૈજ્ઞાાનિક સર્વેક્ષણ થયું તેમાં કેટલીક નોંધપાત્ર બાબતો જોવા મળે છે. ૨૦૧૩માં મુસ્લિમો અને શીખ એ બન્ને કોમ આમ આદમી પાર્ટીથી દૂર રહ્યા હતા, પરંતુ આ વખતે ૭૭ ટકા મુસલમાન મતદારોએ અને ૫૭ ટકા શીખ મતદારોએ આમ આદમી પાર્ટીને મત આપ્યા છે. કોંગ્રેસને મળતા પરંપરાગત મુસ્લિમ મતો આમ આદમી તરફ ઢળ્યા છે.

ગરીબોના મતો

એ જ રીતે ચૂંટણી પછીની મોજણીના આંકડા દર્શાવે છે કે, દિલ્હીની ગરીબ વસ્તીના ૬૬ ટકા લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યા છે, જ્યારે ગરીબ વસ્તીના માત્ર ૨૨ ટકા વોટ જ ભાજપને મળ્યા છે. જ્યારે મધ્યમવર્ગના મતો આમ આદમી પાર્ટી અને ભાજપની વચ્ચે વહેંચાયા છે. ભાજપને મધ્યમ વર્ગના ૪૧ ટકા મત તો આમ આદમી પાર્ટીને ૪૫ ટકા મત મળ્યા છે. દિલ્હીના ગ્રામ્ય વિસ્તારોમાંથી ૩૫ ટકા મત ભાજપને અને ૫૧ ટકા મત આમ આદમી પાર્ટીને મળ્યા છે.

વીજળી-પાણી

ચૂંટણી પછીનાં સર્વેક્ષણોમાં કયા મુદ્દાના આધારે લોકોએ મતદાન કર્યું તેની વિગતો પણ રસપ્રદ છે. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની, સ્માર્ટ સિટીઝ બનાવવાની, શહેરને અદ્યતન બનાવવાની વાત પર વધુ વજન આપ્યું હતું. જ્યારે આમ આદમી પાર્ટીએ દિલ્હીના લોકોની વીજળી-પાણી જેવી મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આમ આદમી પાર્ટીએ નીચલા લેવલે ચાલતા ભ્રષ્ટાચાર પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મોંઘવારી પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હવે જે મતદાન થયું તેને ટકાવારીમાં જોઈએ. પોસ્ટ પોલ સર્વેક્ષણો અનુસાર દિલ્હીના જે નાગરિકોએ મતદાન કર્યું તે પૈકી ૧૭ ટકા લોકોએ મોંઘવારીને, ૧૭ ટકા લોકોએ ભ્રષ્ટાચારના મુદ્દાને ૧૫ ટકા લોકોએ વીજળી અને પાણીના મુદ્દાને, ૧૧ ટકા લોકોએ વિકાસના મુદ્દાને, ૮ ટકા મતદારોએ સ્ત્રીઓની સલામતીના મુદ્દાને, ૪ ટકા લોકોએ નોકરીના મુદ્દા પર મતદાન કર્યું હતું. ૧૭ ટકા લોકોએ બીજા જવાબો આપ્યા હતા. જ્યારે ૧૧ ટકા લોકો “અમે જાણતા નથી” એવા જવાબો આપ્યા હતા. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટયા પણ તેની કોઈ અસર મતદારો પર નહોતી. છેલ્લા કેટલાક મહિનાઓમાં શાકભાજી અને અનાજના વધેલા ભાવોથી લોકો ત્રસ્ત અને નારાજ હતા.

પેલું છેલ્લું પાદડું ખરી પડશે, એટલે હું પણ મૃત્યુ પામીશ

ટૂંકી વાર્તાઓના લેખનમાં અમેરિકન લેખક ઓ. હેન્રીનું નામ આટલાં વર્ષો બાદ પણ આદરથી લેવાય છે. દરેક કથાના અંતે એક ચમત્કૃતિ લાવવા માટે જાણીતા ઓ. હેન્રીની ‘ધ લાસ્ટ લીફ’ વાર્તા સૌથી વધારે પોંખાયેલી કૃતિ છે. ‘ધ લાસ્ટ લીફ’ની કથા કંઈક આ પ્રમાણે છેઃ

એક જૂના ગ્રીનવીચ વિલેજની એક આગવી ઓળખ હતી. આ ગામમાં દેશ અને દુનિયામાંથી કલાકારો અને ચિત્રકારો આવતા હતા. અહીં લાલ ઈંટોથી બનેલા ત્રણ માળના જૂના મકાનમાં બે સખીઓ રહેતી હતી. એકનું નામ સુ અને બીજીનું નામ જોન્સી. બંને યુવાન હતી. બંને આર્ટીસ્ટ હતી. બંને આર્ટીસ્ટ હોઈ બંનેના રસ એકસમાન હતા. તેમણે ચિત્રો દોરવા માટે ઉપરના માળે એક સ્ટુડિયો પણ બનાવ્યો હતો.

૧૯મી સદીનાં વર્ષોની આ વાત છે. નવેમ્બર મહિનામાં કાતિલ ઠંડી પડી. એ વખતે ન્યુમોનિયા એક જીવલેણ રોગ ગણાતો. આખીયે કોલોનીના અનેક લોકો ન્યુમોનિયાના ભોગ બન્યા. સખત ઠંડીના કારણે વૃક્ષો પણ સુકાવાં લાગ્યાં. જોન્સીને પણ તાવ આવ્યો. તેને ન્યુમોનિયા થઈ ગયો. તે પથારીવશ થઈ ગઈ. દિવસે દિવસે તે વધુ ને વધુ નબળી થતી ગઈ. ડોક્ટરે નિદાન કર્યું. “તેને બચાવવામાં દસમાંથી એક જ ચાન્સ છે.”

સુ બોલી, “પણ હજુ તે એના જીવનનું એક સુંદર પેઇન્ટિંગ બનાવવા માગે છે.”

ડોક્ટરે બહુ આશાવાદ પ્રગટ ન કર્યો. ડોક્ટરના ગયા બાદ સુ એના સ્ટુડિયોમાં ગઈ અને રડવા લાગી. એ પાછી જોન્સીના રૂમમાં આવી. બીમાર જોન્સી રજાઈ ઓઢીને સૂતેલી હતી. જોન્સીની સામે જ એક ડ્રોઇંગ બોર્ડ મૂકી એક ચિત્ર દોરવા લાગી, પણ એને લાગ્યું કે બીમાર જોન્સી ધીમેથી કંઈક બોલી રહી છે. એણે જોયું તો પથારીમાં સૂતેલી જોન્સીની આંખો ખુલ્લી હતી. તેની નજર બારીની બહાર સ્થિર થયેલી હતી. તે કંઈક ગણી રહી હતી. જોન્સી બોલી. “બાર.”

અને થોડી વાર પછી બોલી. “અગિયાર, દસ, નવ, આઠ અને સાત.”

સુ વિચારમાં પડી ગઈ. જોન્સી બારીની બહાર જોતાં જોતાં કંઈક ગણી રહી હતી. બારીની બહાર લગભગ ચાલીસેક ફૂટ દૂર લાલ ઈંટોવાળું એક બીજું મકાન હતું. બારીની બહાર દેખાતા એ મકાનની લાલ ઈંટો પર એક વેલો હતો. નીચે મૂળમાંથી બહાર આવેલા વેલા પર થોડાંક જ પાંદડાં હતાં. કેટલાંક લીલાં અને કેટલાંક ઠંડીને કારણે પીળાં પડી ગયેલાં અને ખરવાની તૈયારીમાં હતાં,કારણ કે હવે પાનખરની તૈયારી હતી.

સુએ જોન્સીને પૂછયું. “ડિયર, તું શું ગણી રહી છે?”

જોન્સી બોલી. “છ.”

સુએ પૂછયું. “શું?”

જોન્સી પથારીમાં પડયાં પડયાં જ બહારની દીવાલના વેલાને જોતાં જોતાં બોલી. “એ પાંદડાં જલદી જલદી ખરી રહ્યાં છે. ત્રણ દિવસ પહેલાં એ વેલા પર સો જેટલાં પાંદડાં હતાં. હવે માત્ર પાંચ જ બચ્યાં છે.”

“પાંચ જ? પણ એનો મતલબ શું, ડિયર?”

જોન્સી બોલી. “જો, સુ! સામેના મકાનની દીવાલ પર નાનકડો વેલો છેને! તેની પર હવે પાંચ જ પાંદડાં બચ્યાં છે. મને લાગે છે કે એના ખરતાં પાંદડાંની જેમ મારું પણ જીવન ટૂંકાઈ રહ્યું છે. એનું છેલ્લું પાંદડું ખરી પડશે ત્યારે હંુ પણ આ જગતમાંથી વિદાય લઈશ. હું હવે લાંબું જીવવાની નથી એ વાત ત્રણ દિવસથી જાણું છું. તને ડોક્ટરે પણ આવી જ વાત કરી હતીને?”

સુ બોલી. “ડિયર, આવી અર્થહીન વાત ન કર. પાંદડાં ખરવાને અને તારી જીવનદોરી વચ્ચે કોઈ જ સંબંધ નથી. ડોક્ટરે તો એમ જ કહ્યું હતું કે, આવા કેસમાં બચવાનો ચાન્સ દસમાંથી એક છે અને તે એક તું કેમ ન હોઈ શકે?”

પણ જોન્સી તેની ધારણામાં અડગ રહી. બીજા દિવસે સવારે ઊઠી ત્યારે પણ તેની નજર બારીની બહાર સામેની દીવાલ પર ઊગેલા વેલા પર જ હતી. તે બોલી. “હવે ચાર જ પાંદડાં બચ્યાં છે, જો સુ!”

સુ બોલી. “મહેરબાની કરીને તું તારી આંખો બંધ રાખ અને બારીની બહાર જોવાનું બંધ કરી દે.”

પણ જોન્સી તો આખો દિવસ બારીની બહાર સામેની દીવાલ પરના વેલાને એકીટસે જોઈ જ રહેતી.

જોન્સીએ સુની વાત ન માની એટલે એણે એ જ મકાનના નીચેના ભાગમાં રહેતા બેરહમાન નામના એક વૃદ્ધ આર્ટીસ્ટની મદદ લેવાનું નક્કી કર્યું. વૃદ્ધ બેરહમાન પણ એક પેઇન્ટર હતો. તે માઇકલ એન્જેલો જેવી સફેદ લાંબી દાઢી ધરાવતો હતો. તે છેલ્લાં ચાલીસ વર્ષથી પેઇન્ટિંગ કરતો હતો, પરંતુ તે એક નિષ્ફળ આર્ટીસ્ટ હતો. તે તેના જીવનમાં જિંદગીનું એક શ્રેષ્ઠ ચિત્ર બનાવવા માંગતો હતો. તેનું આ સ્વપ્ન હજુ અધૂરું હતું. તે બિચારો આ કોલોનીમાં આવતા યુવાન ચિત્રકારો માટે મોડલ બનીને ગુજારો કરતો હતો. સુએ એ વૃદ્ધ આર્ટીસ્ટ બેરહમાનને ઉપર બોલાવી જોન્સીને રાજી કરવા તેની સામે જ ડ્રોઇંગબોર્ડ મૂકી વૃદ્ધ બેરહમાનનો મોડલ તરીકે ઉપયોગ કરવા નક્કી કર્યું. એ જ્યારે પણ કોઈને મળતો ત્યારે કહેતો કે, “મારે એક સર્વશ્રેષ્ઠ માસ્ટરપીસ-ચિત્ર જગતને આપવાનું બાકી છે.”

વૃદ્ધ આર્ટીસ્ટને તે જ મકાનના ઉપરના માળે રહેતી બંને ચિત્રકાર યુવતીઓ માટે લાગણી હતી, પણ તે આખો દિવસ જીન પીધા કરતો. ખાંસતો રહેતો. સુએ વૃદ્ધ બેરહમાનને કહ્યું, “મારી સખી જોન્સી બીમાર છે. એનો જીવ બારીમાંથી દેખાતા વેલા પર ચોંટયો છે. તે કહે છે કે, એ વેલા પરનું છેલ્લું પાંદડું ખરી પડશે ત્યારે હું પણ મૃત્યુ પામીશ.”

તે બોલ્યો, “આવું વિચારવું તે મૂર્ખામી છે. કોઈ વ્યક્તિના જીવનને અને પાંદડાંને શું સંબંધ હોઈ શકે?”

સુ બોલી. “પણ જોન્સી હવે બહુ જ અશક્ત થઈ ગઈ છે. તે ઊભી પણ થઈ શકતી નથી. તે બહુ જ બીમાર છે. સખત તાવના કારણે તેના દિમાગ પર અસર થઈ ગઈ છે અને એ કારણે આવી વિચિત્ર વાતો કરે છે.”

સુ વૃદ્ધ આર્ટીસ્ટને લઈ ઉપર ગઈ. જોન્સી સૂતેલી હતી. તેની નજર બારીની બહારની દીવાલ પર હતી. સુએ બેરહમાનને બારીની બહાર સામેની દીવાલ પરનો વેલો દર્શાવ્યો. હવે માત્ર એક જ છેલ્લું પાંદડું બચ્યું હતું. બંને કંઈ પણ બોલ્યા વિના એકબીજાની સામે જોઈ રહ્યાં. હવે સાંજ પડવા આવી હતી. ઠંડી પણ વધી રહી હતી. બહાર સુસવાટાભર્યો પવન શરૂ થઈ ગયો. વાવાઝોડા સાથે વરસાદ આવે તેવી શક્યતા હતી. વૃદ્ધ બેરહમાને જોયું તો સુ ડરી ગઈ હતી. રાતના વાવાઝોડામાં સામેની દીવાલ પરનું પાંદડું ટકી રહે તેવી કોઈ શક્યતા નહોતી. વૃદ્ધ બેરહમાન તેને સાંત્વના આપી નીચે જતો રહ્યો. જોન્સી પણ હવે આંખો બંધ કરીને તંદ્રાવસ્થામાં ચાલી ગઈ હતી. સહેજ સળવળાટ થતાં જોન્સી બોલી. “હવે છેલ્લું પાંદડું બચ્યું છે. મને લાગે છે કે આજે રાત્રે જે એ ખરી પડશે અને રાત્રે જ હું મૃત્યુ પામીશ.”

સુ રડી પડી. તે બોલી, “ઓહ ડિયર, ડિયર તું ચિંતા ન કર. તું મારી તો ચિંતા ન કર. તું નહીં હોય તો હું શું કરીશ?”

જોન્સીએ કોઈ જ જવાબ આપ્યો નહીં. તે હવે એક લાંબી યાત્રા પર જવા તૈયાર હતી. તેના ચહેરા પરથી લાગતું હતું કે, તેનાં દિલોદિમાગ પર સવાર થયેલી કલ્પનામાંથી તે બહાર આવી શકે તેમ નહોતી.

વૃદ્ધ આર્ટીસ્ટ પણ નીચે ચાલ્યો ગયો. એ રાત્રે ભયંકર વાવાઝોડું ત્રાટક્યું. બહાર જોશભેર વરસાદ વરસવા લાગ્યો. વીજળીના ચમકારા થવા લાગ્યા. પવનના સુસવાટાથી બારીઓ પણ ધ્રૂજવા લાગી હતી. રાત ભયાનક તોફાન સાથે પસાર થઈ ગઈ. સવાર પડી. તોફાન શમી ગયું હતું. વરસાદ બંધ થઈ ગયો હતો. જોન્સીએ આંખો ખોલી હતી. તેની નજર હજુ બારીની બહાર જ હતી. બારીની પેલે પાર સામેની દીવાલ પરના વેલા પર એક પાંદડું હજુ યથાવત્ હતું. એણે સુને બોલાવી. સુ દોડીને જોન્સી પાસે ગઈ. જોન્સી બોલી. “જો સુ! પેલું પાંદડું હજુ ખર્યું નથી. હું બહુ જ ખરાબ યુવતી હોઈશ જેથી પાંદડું ખર્યું નથી. હું મૃત્યુ પામી નહીં,કારણ કે મારું કોઈ પાપ હશે.”

સુએ જોયું તો બારીની બહાર સામેની દીવાલ પર ચોંટેલા વેલા પર છેલ્લું પાંદડું હજુ યથાવત્ હતું. જોન્સી બોલી. “હવે મને ઓશિકું આપ, મારે બેઠા થવું છે. તું દૂધ ગરમ કર. મારે તને રસોઈ બનાવતી નિહાળવી છે.”

જોન્સી હવે બચી ગઈ હતી. તે બોલી. “હવે મને લાગે છે કે હવે હું બે ઓફ નેપલ્સનું પેઇન્ટિંગ બનાવી શકીશ.”

બપોરે ડોક્ટર આવ્યા. તેમણે જોન્સીને તપાસીને કહ્યું, “જોન્સી બચી ગઈ છે. તારી સારી સારવારને કારણે જ એ બચી છે, પણ હવે મારે તમારી નીચે રહેતા વૃદ્ધ આર્ટીસ્ટ બેરહમાનને તપાસવા જવું છે. ગઈકાલે તેને સખત ન્યુમોનિયા હતો. મેં ગઈકાલે એને તપાસ્યો હતો. તે અત્યંત વૃદ્ધ અને અશક્ત હતો. તેને ન્યુમોનિયાનો ભારે મોટો હુમલો થયો હતો. તે બચી શકે તેમ નથી.”

બીજા દિવસે ડોક્ટરે આવીને જોન્સીને તપાસી જાહેર કર્યું કે, “જોન્સીને હવે કોઈ ભય નથી.”

પરંતુ બપોર બાદ સુ જોન્સી પાસે આવી અને ધીમેથી બોલી. “જોન્સી, મારે તને એક દુઃખદ સમાચાર આપવાના છે. વૃદ્ધ આર્ટીસ્ટ બેરહમાનનું ન્યુમોનિયાને કારણે આજે હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે. તે બે દિવસથી બીમાર હતો. પાડોશીઓએ કહ્યું કે, આજે સવારે એ લોકોએ બેરહમાનને ભીનાં થઈ ગયેલાં વસ્ત્રોમાં જોયો હતો.બહાર ભયંકર ઠંડી હતી ત્યારે તેે એક ફાનસ લઈને ગયો હતો. કોઈને ખબર નહોતી કે તે રાત્રે ફાનસ લઈને બહાર કેમ નીકળ્યો હતો. છેક સવારે જોયું તો એક નિસરણી લઈને સામેની દીવાલ પાસે ગયો હતો. દીવાલ પાસે પેઇન્ટનો ડબ્બો અને કેટલાંક બ્રશ પડયાં હતાં. ડબ્બામાંથી લીલો અને પીળો મિક્સ કરેલો રંગ હતો અને જોન્સી! તું સામેની દીવાલ પર જે પાંદડું જોઈ રહી છે તે પવન છતાં જરાયે હાલતું નથી.”

જોન્સીએ ફરી ધ્યાનપૂર્વક બારીની બહાર લાલ ઈંટોવાળી દીવાલ પર જોયું તો વેલા પર દેખાતું એક પાંદડું સ્થિર હતું. અલબત્ત,તે અદ્દલ પાંદડાં જેવું જ લાગતું હતું.

સુ બોલી. “જોન્સી ર્ડાિંલગ! વૃદ્ધ આર્ટીસ્ટ આખી જિંદગીમાં જે ન કરી શક્યો તે ગઈકાલે રાત્રે એણે કરી લીધું. બેરહમાને ગઈ આખી રાત ભયંકર તોફાનમાં બહાર રહીને ફાનસના અજવાળે તને બચાવવા છેલ્લું પાંદડું પેઇન્ટ કરી દીધું અને તેણે કાતિલ ઠંડીમાં અને ન્યુમોનિયાની હાલતમાં મૃત્યુ પામવાનું પસંદ કર્યું હતું.”

ઓ. હેન્રીની ચમત્કૃતિપૂર્ણ વાર્તા ‘ધ લાસ્ટ લીફ’ અહીં પૂરી થાય છે.

ઓ. હેન્રીનું અસલી નામ વિલિયમ સિડની પોર્ટર હતું. તેમનો જન્મ ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨ના રોજ અમેરિકામાં નોર્થ કેરોલિનાના ગ્રીન્સબોરો ખાતે થયો હતો. ઓ. હેન્રી તેમનું પેન નેમ હતું. મધ્યમવર્ગમાં જન્મેલા ઓ. હેન્રીના પિતા ડોક્ટર અને માતા કોલેજમાં શિક્ષણ પામેલાં હતાં. માતાના મૃત્યુ પછી પિતા આલ્કોહોલિક બની ગયા હતા અને ઓ. હેન્રીના ઉછેરની જવાબદારી તેમનાં કાકીએ સંભાળી હતી. તેમનાં કાકી સ્કૂલટીચર હતાં. તેમણે બાળક ઓ. હેન્રીને ભણવાની, વાંચવાની અને સર્જનાત્મક શક્તિ ખીલવવાની ટેવ પાડી. તેઓ કોઈ ને કોઈ વાર્તા કહી બાળકને ભણાવતાં. નાનકડા પોર્ટર ઉર્ફે ઓ. હેન્રીએ બચપણમાં જ ‘એનેટોમી ઓફ મેલેન્કોલી’ અને ‘અરેબિયન નાઇટ્સ’ વાંચી હતી. ૨૦ વર્ષની ઉંમરે તેઓ મિત્રો સાથે ટેક્સાસ ગયા. અહીં તેમણે કાઉબોય, પોસ્ટમેન, કૂક, ડ્રાફ્ટસમેન અને કારકુન જેવી અનેક નોકરીઓ કરી. તેમણે ભિન્ન ભિન્ન સ્થળે રખડપટ્ટી કરવાનો શોખ વિકસાવ્યો.

એમાંથી ભવિષ્યમાં લખાનારી વાર્તાઓ માટેની સામગ્રી એકત્ર થતી રહી. જીવનમાં અનેક તકલીફો ભોગવ્યા બાદ તેઓ ન્યૂ યોર્ક આવ્યા. ૧૯૦૨થી ૧૯૦૭ દરમિયાન તેમણે સર્જનાત્મક કાર્ય શરૂ કર્યું. ‘ન્યૂ યોર્ક સન્ડે વર્લ્ડ’ માટે દર અઠવાડિયે એક વાર્તા લખવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. એ વખતે એ અખબાર અમેરિકાનું મોટામાં મોટું અખબાર હતું. એ અખબાર માટે તેમણે બધી મળીને ૧૦૦ જેટલી વાર્તાઓ લખી જેમાં ‘ધ ર્ફિનશ્ડ રૂમ’, ‘ગિફ્ટ ફોર મેગી’ તથા ‘એન અનફિનિશ્ડ સ્ટોરી’ જેવી ક્લાસિક વાર્તાઓનો સમાવેશ થાય છે. તા. ૫ જૂન, ૧૯૨૦ના રોજ છ મહિનાની બીમારી બાદ મૃત્યુ પામ્યા. નોંધપાત્ર વાત એ છે કે, ઓ. હેન્રીના મૃત્યુનાં ૨૦ વર્ષ બાદ તે એટલી બધી લોકપ્રિય સાબિત થઈ કે ૧૯૨૦ પછી બીજા લેખકોની વાર્તાઓ માટે ઓ. હેન્રીની વાર્તાઓ એક ‘સ્ટાન્ડર્ડ’ ગણાવા લાગી.

ઓ. હેન્રીને જ્યારે તેમના લેખન વિશે પૂછવામાં આવતું ત્યારે તેઓ કહેતાં, ”ૈં ટ્વદ્બ ુિૈંૈહખ્ત ર્કિ સ્િ. ઈદૃીિઅર્હ્વઙ્ઘઅ અર્થાત્ હું બધાંના માટે લખું છું.” એમના આ કથનનો અર્થ એ હતો કે તેઓ ‘એવરીબડી’ વિશે જ લખે છે. એક વાર ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની સફળતાનું રહસ્ય ખોલતાં તેમણે કહ્યું હતું, “હું મારી ટૂંકી વાર્તાઓનું રહસ્ય તમને કહી દઉં. આ છે સિક્રેટ. નિયમ નંબર-૧ : તમે એ જ સ્ટોરી લખો જે તમને આનંદ આપતી હોય. નિયમ નંબર-૨ : જે સ્ટોરી તમને આનંદ આપી શકે તેમ ન હોય તે લોકોને પણ આનંદ નહીં આપે, પણ હા, તમે જ્યારે સ્ટોરી લખવા બેસો છો ત્યારે લોકોને ભૂલી જાવ.”

Powered by WordPress & Theme by Anders Norén