Devendra Patel

Journalist and Author

Month: January 2015 (Page 2 of 3)

‘હું તને બરબાદ કરી નાખીશ’

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

જે તસવીરો તમારી જિંદગી ખતમ કરી શકે છે તે ‘પોર્ન રિવેન્જ’ શું છે?

 

શબાના દિલ્હીમાં રહે છે. એક મલ્ટિનેશનલ કંપનીમાં તે એક્ઝિક્યુટિવ છે. રોજ સવારે ઓફિસ જતા પહેલાં તેનો ઈ-મેલ ખોલી આવેલા સંદેશા જોઈ લે છે. એક સવારે એણે એક ઈ-મેલ ખોલ્યો. તેમાં કોઈએ એક ‘લીંક’ મોકલાવી હતી. શબાનાએ એ લીંક પર ક્લિક કરી અને તેમાં ખૂલેલા દૃશ્યને જોઈ તે સ્તબ્ધ થઈ ગઈ. તેમાં એના જ બેડરૂમનું એક દૃશ્ય હતું. પોતાની જ તસવીર મૂકવામાં આવી હતી અને તેની નીચે લખવામાં આવ્યું હતું, “આ યુવતી સેક્સ માટે ઉપલબ્ધ છે.” એ વેબસાઇટ પર તેના ઘરનું સરનામું અને તેનો ફોન નંબર પણ મૂકેલો હતો.

ધમકી કોણે આપી?

આ દૃશ્ય જોઈ શબાના ધ્રૂજી ગઈ. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ ઈ-મેલમાં છેલ્લે લખવામાં આવ્યું હતું, “હું તારી જિંદગી બરબાદ કરી નાખીશ.” શબાના સમજી ગઈ કે તેની પ્રતિષ્ઠા ખતમ કરી નાખવા કોઈ તેની પાછળ પડયું છે. તેની તસવીર એક પોર્ન સાઇટ પર મૂકવામાં આવી હતી. તે કોઈના બદલાની ભાવનાનો ભોગ બની હતી. સ્વસ્થતા ધારણ કર્યા બાદ શબાનાએ પોલીસનો સંપર્ક સાધ્યો. આખોય કેસ સાઇબર ક્રાઇમ સેલને સોંપવામાં આવ્યો. તપાસ કરતાં ખબર પડી કે શબાનાની તસવીર એક ધંધાદારી યુવતી તરીકે પોર્ન સાઇટ પર મૂકનાર તેનાથી છૂટાછેડા પામેલો તેનો જ પૂર્વ પતિ હતો. બેડરૂમની એ તસવીર તેઓ સાથે રહેતાં હતાં ત્યારે લેવામાં આવેલી હતી. અલબત્ત, એ અસલ તસવીરમાં તેણે નાઇટ ગાઉન પહેરેલું હતું, પરંતુ તેના પૂર્વ પતિએ કમ્પ્યૂટર પર એ તસવીરને મોર્ફ કરીને એક નગ્ન સ્ત્રીની સાથે તેનો ચહેરો જોડી દીધો હતો. સાયબર ક્રાઇમ સેલે શબાનાના પૂર્વ પતિની ધરપકડ કરી.

રિવેન્જ પોર્ન

ગુનાખોરીની ભાષામાં આવા ગુનાને ‘રિવેન્જ પોર્ન’ કહે છે. ખાસ કરીને અમેરિકા, જાપાન અને યુરોપ જેવા વિકસતા દેશોમાં રિવેન્જ પોર્નની અનેક ઘટનાઓ જોવા મળે છે. હવે તેનો ભારતમાં પણ પગપેસારો થયો છે. ગુજરાતના બનાસકાંઠાના એક નાનકડા ગામના એક ફોટોગ્રાફરે પણ એક નિર્દોષ શિક્ષકની તસવીરો નેટ પર મૂકી સતામણી કર્યાની ઘટના બહાર આવેલી છે. હવે દરેકના પાસે મોબાઇલ જેવું એક નાનકડું સાધન ઉપલબ્ધ છે, જે તસવીરો પણ લે છે, તેને મોર્ફ પણ કરી શકે છે, તેની સાથે છેડછાડ પણ કરી શકે છે અને નેટ પર કે બનાવટી ફેસબુક પર મૂકી પણ શકે છે. તે મોબાઇલ પર જે એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે તે ખતરનાક પરિણામો લાવી શકે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ જુલાઈ ૨૦૧૪માં જાહેર કરેલા આંકડા અનુસાર ૨૦૧૨થી ૨૦૧૩ના વર્ષ દરમિયાન સાઇબર ગુનાઓમાં ૬૩.૭ ટકાનો વધારો ભારતમાં થયો છે. તેમાંયે બીભત્સ તસવીરો લેવાની અને તે મોકલવાની ઘટનાઓમાં તો ૧૦૪.૨ ટકા વધારો થયો છે. આ વર્ષ દરમિયાન ૧૨૦૩ ગુનાઓ નોંધાયા હતા. તે પૈકી ૭૩૭ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. એમાંયે સ્ત્રીઓને પરેશાન કરવાના કેસોમાં સહુથી વધુ વધારો નોંધાયો છે.

સ્નેહાનો કેસ

સ્નેહા એક ૨૨ વર્ષની યુવતી છે. તે કોલેજમાં ભણે છે. તે કર્ણાટકની છે. એક દિવસ તે પોલીસ સ્ટેશને ગઈ અને ફરિયાદ કરી કે, “કોઈએ મારી તસવીરો અને વીડિયો નેટ પર મૂક્યાં છે.” મણીપાલ પોલીસે તપાસ કરી તો ખબર પડી કે સ્નેહાની તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર મૂકનાર તેનો જ એક્સ-બોયફ્રેન્ડ હતો. હવે એ યુવાન જેલમાં છે. આ ઘટના બાદ કર્ણાટક પોલીસે હવે દરેક જિલ્લામાં એક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પણ ઊભું કરવા નિર્ણય કર્યો છે.

દેશનાં જે કોઈ પોલીસ સ્ટેશનો પર સ્ત્રીઓની પ્રતિષ્ઠા સાથે છેડછાડ કરવાના જે કોઈ સાયબર ગુનાઓ નોંધાય છે તે પૈકી મોટેભાગે જે તે યુવતીઓના પૂર્વ પ્રેમીઓ, પૂર્વ પતિઓ, એક તરફી પ્રેમ કરનારાઓ, પૂર્વ મિત્રો, પૂર્વ પાર્ટનર્સ, પૂર્વ સહકર્મચારીઓ કે સગાં-સંબંધીઓ જ જવાબદાર હોય છે. કોઈ પણ યુવતીની તસવીરને છેડછાડ કરી તેને નગ્ન સ્વરૂપ આપીને પોર્ન સાઇટ પર મૂકવામાં આવે છે, પરંતુ એ ગુનો આચરનાર શખ્સ જલદીથી શોધી શકાતો નથી. જ્યારે જ્યારે આવી ફરિયાદ પોલીસ પાસે આવે છે ત્યારે પોલીસ આઈપી એડ્રેસ યુનિક આઇડેન્ટિફાયર ફોર ધ કમ્પ્યૂટરને શોધવા પ્રયાસ કરે છે, પરંતુ આવા ધંધા કરનારા બદમાશો ઘણી વાર દૂરના કોઈ દેશનું બનાવટી આઈપી એડ્રેસ ઉપયોગમાં લે છે. પોલીસના હાથમાં એક વખત આઈપી એડ્રેસ આવી જાય તે પછી તે વેબ હોસ્ટને ગુનાઇત મટીરિયલ હટાવવા જણાવે છે, પરંતુ આ બધી પ્રક્રિયા પૂરી કરતાં ઘણી વાર ઘણાં અઠવાડિયાં કે મહિનાઓ પણ લાગે છે.

બાથરૂમનાં દૃશ્યો

તામિલનાડુમાં તિરુનલવેલીના સાયબર ગુનાઓ અંગેના નિષ્ણાત ધારાશાસ્ત્રી કહે છેઃ દર મહિને મારી પાસે આવા સાયબર પોર્ન રિવેન્જના ૧૦થી ૧૫ કેસ આવે છે. તેમાં મોટેભાગે ફરિયાદી કોલેજની વિર્દ્યાિથનીઓ જ હોય છે. એમાં કેટલીક મુશ્કેલીઓ તો એ છોકરીઓએ જાતે જ ઊભી કરેલી હોય છે. કોલેજમાં ભણતી કેટલીક છોકરીઓ પોતે બાથરૂમમાં શાવર લેતી હોય તેની સેલ્ફી (જાતે જ લીધેલી તસવીરો) લઈ તેમના બોય ફ્રેન્ડ્સને મોકલે છે. એ તસવીર જે તે છોકરીની માત્ર આંતરવસ્ત્રોમાં જ હોય છે. પાછળથી સંબંધો બગડતાં તેમના બોય ફ્રેન્ડ તે અર્ધનગ્ન તસવીરો ઇન્ટરનેટ પર મૂકી દે છે. મનોવિજ્ઞાાનીઓ કહે છે કે યુવતીઓનો બાથરૂમમાં કે શયનખંડમાં પોતાની જ નગ્ન કે અર્ધનગ્ન તસવીરો લેવાનો શોખ વકરતો જાય છે. પોતાની જ અર્ધનગ્ન તસવીરો લેવામાં તેઓ માનસિક સ્વતંત્રતાની લાગણી અનુભવે છે અથવા તો સમાજે સ્થાપેલાં બંધનોને બાયપાસ કરવામાં તેમને આ રીતે આનંદ આવે છે.

૩૦૦૦ પોર્ન વેબસાઇટ્સ

નિષ્ણાતો કહે છે કે આજની નવી પેઢીનાં યુવાનો કે યુવતીઓ ઇન્ટરનેટ પર પોતાની પ્રાઇવસી કે સલામતીની બહુ ચિંતા કરતાં નથી. કેનેડાના ઇન્ટરનેટ સેફ્ટી નિષ્ણાત ટેરી કટલર કહે છે. “એક વાર તમે તમારી અયોગ્ય તસવીર કે વીડિયો બહાર મોકલો છો તે પછી તેની ઉપર તમારો કોઈ જ કાબૂ રહેતો નથી. વિશ્વમાં ૩૦૦૦ જેટલી પોર્નોગ્રાફીની એવી વેબસાઇટ્સ છે કે જેની પર તમે કોઈનીયે તસવીર પોસ્ટ કરી શકો છો. જે તે દૃશ્યોની કોપી પણ થઈ શકે છે અને તે પછી અનેક પોર્નસાઇટ પર તે મોકલી શકાય છે. કેટલીક વાર તેને દૂર કરવાનું કામ મુશ્કેલ બની જાય છે. પ્રેમમાં પાગલ યુવક-યુવતીઓ તેમની અંગત ક્ષણોને મોબાઇલમાં કેદ કરતી વખતે એવું ભાગ્યે જ વિચારે છે કે એ તસવીરો કે ક્લિપિંગ્સ ક્યારેક પબ્લિક અર્થાત્ જાહેર જનતા માટે ઉપલબ્ધ પણ થઈ શકે છે. તમે જ્યારે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમે એ પાર્ટનર પર ભરોસો મૂકી દો છો, પરંતુ સંબંધો બગડે ત્યારે જ એ પાર્ટનર તમારી પ્રતિષ્ઠાને ખતમ કરી નાખવા એ જ અંગત તસવીરોનો દુરુપયોગ કરે છે.”

એ તસવીરો કોણે લીધી?

ઘણી વાર કોઈ યુવતીને ખબર જ ન હોય તોપણ તેની તસવીર લેવાઈ શકે છે. કોલકાત્તામાં એક કોલેજિયન યુવતીએ જ્યારે તેની તેના બેડરૂમમાં લેવાયેલી તસવીરો સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સ પર નિહાળી ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ. સ્તબ્ધ એટલા માટે થઈ ગઈ કે એણે એ તસવીરો લીધી જ નહોતી. એ જ રીતે બીજા કોઈએ પણ તેની એ તસવીરો લીધી નહોતી. પોલીસે જ્યારે તપાસ કરી તો ખબર પડી કે, તેને લેપટોપ આપનાર યુવાને જ તેના લેપટોપમાં ગુપ્ત સ્પાય કેમેરા ગોઠવી દીધો હતો. તેની ખૂબી એ હતી કે લેપટોપ જ્યારે બંધ હોય ત્યારે પણ તે કેમેરાની ગતિવિધિ ચાલુ રહેતી અને તે કેમેરા તે છોકરીની અંગત તસવીરો લઈ લેતો, એટલું જ નહીં પરંતુ તે તસવીરો અને દૃશ્યો ઇન્ટરનેટ દ્વારા એ લેપટોપ આપનારને ઇન્ટરનેટ દ્વારા કનેક્ટ થઈ મોકલી દેતો હતો.

આટલું ધ્યાન રાખો

વિશ્વભરના સાયબર ક્રાઇમ અંગેના નિષ્ણાતો કહે છેઃ (૧) તમે જ્યારે ફેસબુક, માય પેજ કે બીજી સોશિયલ નેટવર્ક સાઇટ્સનો,ડેટિંગ કે મેટ્રિમોનિયલ સાઇટ્સનો ઉપયોગ કરતા હોવ ત્યારે તેમાં તમારી પ્રાઇવસી માટેનાં સેટિંગ હોય છે. તેને બરાબર જાણી લો.

(૨) ઇન્ટરનેટ પર તમારી અંગત પળોના ક્લોઝ શોટ કદી અપલોડ ન કરો. તેની સાથે છેડછાડ કે તેનો દુરુપયોગ થઈ શકે છે. (૩) તમે જ્યારે સેક્સ માણતા હોવ ત્યારે એ અંગત ક્ષણોની તસવીરો કે વીડિયો કદી ન લો.

(૪) તમારા વિયર્ડ વેબકેમની એક્ટિવિટી પર ધ્યાન રાખો. કોઈ ખરાબ સોફ્ટવેર તમારા કમ્પ્યૂટર, ફોન કે કંટ્રોલ ઓફ વેબકેબને ઇન્ફેક્ટિયસ કરી શકે છે. (૫) તમારો ફોન કે કમ્પ્યૂટર ર્સિવસ પ્રોવાઇડરને આપતા પહેલાં તેની અંદરનું મેમરી કાર્ડ કે ફોર્મેટ ઓફ હાર્ડ ડિસ્ક કાઢી લો. (૬) તમે તમારું ઉપકરણ-સાધન મોબાઇલ કદીયે કોઈ બીજાને વાપરવા માટે આપશો નહીં. (૭) ફોન પરની અને ખાસ કરીને પિક્ચર ગેલેરીની એપ્લિકેશન્સને હંમેશાં લોક રાખો. (૮) તમારા ઉપકરણમાં એન્ટિ વાઇરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને અપડેટ રાખો.

પાકિસ્તાન-એક નિષ્ફળ દેશ

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

ભારત અને પાકિસ્તાન એક સાથે બ્રિટિશ શાસનના અંત પછી સ્વતંત્ર દેશ તરીકે જન્મ્યા, પરંતુ ફરક એટલો જ છે કે ભારતમાં આઝાદી ટકી જ્યારે પાકિસ્તાનમાં છાસવારે સરમુખત્યારશાહી અમલમાં આવી. બીજો ફરક એ છે કે, ભારત એક વિશાળ દેશ અને એની વિશાળ આર્મી છતાં ભારતમાં કદીયે આર્મીએ લોકતંત્ર પર કબજો જમાવવા કોશિશ ન કરી. એથી ઊલટું પાકિસ્તાન આર્મી,અમેરિકા અને અલ્લાહના ભરોસે જ ચાલતો દેશ બની ગયો. કહેવાય છે કે વિશ્વના બધા જ દેશો પાસે આર્મી છે, પરંતુ પાકિસ્તાનમાં આર્મી પાસે દેશ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ જો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિમાં આવે તો આર્મી છંછેડાઈ જાય છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયી લાહોર જાય તો પાકિસ્તાન આર્મી કારગિલ પર હુમલો કરી દે છે. પાકિસ્તાનનો એક પણ રાજકારણી પાકિસ્તાનની આર્મીને નારાજ કરવાની હિંમત ધરાવતો નથી. પાકિસ્તાન આર્મીની મદદ-ઇચ્છા વગર પાકિસ્તાન પર રાજ કરવું સહેલું નથી. આ કારણથી પાકિસ્તાન આર્મીના ટોચના અધિકારીઓ પાકિસ્તાનના કેટલાંક ટોચના રાજકારણીઓ કરતાં પણ વધુ ધનવાન છે. ભારતના નેતાઓ કરતાં પાકિસ્તાનના આર્મી અધિકારીઓનું કાળું નાણું વિદેશોની બેન્કોમાં વધુ છે.

બીજો મોટો ફરક એ છે કે પાકિસ્તાનના જન્મ વખતે જ પાકિસ્તાનની આર્મીએ કાશ્મીર પર આક્રમણ કરી દીધું હતું. પાક. આર્મી યુદ્ધખોર છે જ્યારે ભારતની આર્મી દેશને સર્મિપત અને સેવા માટે કટિબદ્ધ છે. ત્રીજો ફરક એ છે કે, પાકિસ્તાનની આર્મી તેમના રાજનેતાઓને ગમે કે ન ગમે ઓસામા બિન લાદેન તથા દાઉદ ઈબ્રાહીમ જેવા આંતરરાષ્ટ્રીય ગુનેગારને પોતાના જ દેશમાં પનાહ આપવાની ધૃષ્ટતા કરી શકે છે. ભારતની આર્મી આવા ખતરનાક ત્રાસવાદીઓ સાથે કદી મૈત્રી રાખશે નહીં, કારણ કે તેની નૈતિકતા ઊંચી છે. ચોથો ફરક એ છે કે પાકિસ્તાનની આર્મી ત્રાસવાદીઓ સાથે મેળાપ રાખી તેમને તાલીમ અને દારૂગોળો પણ પૂરાં પાડે છે. ભારતની આર્મી આવાં કામો કદી કરતી નથી.

આ જ કારણસર પાકિસ્તાન આર્મીએ આઝાદી પછીનાં ૬૭ વર્ષમાં ૩૩ વર્ષ પાકિસ્તાનમાં શાસન કર્યું છે. બીજી નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાનના બજેટનો નોંધપાત્ર હિસ્સો પાકિસ્તાનની આર્મી લઈ જાય છે. પાકિસ્તાનના આર્મીમાં કલ્પના બહારનો ભ્રષ્ટાચાર છે. ‘ધી સ્ટ્રગલ ફોર પાકિસ્તાન’ નામના પુસ્તકમાં તેનાં લેખિકા આયેશા જલાલ લખે છે કે, પાકિસ્તાનના બજેટનો ૯૦ ટકા હિસ્સો પાકિસ્તાનની આર્મી લઈ જાય છે. આ એક ચોંકાવનારો ઘટસ્ફોટ છે.

એ જ રીતે ‘ફાઈટિંગ ટુ ધી એન્ડ’ પુસ્તકમાં ક્રિસ્ટાઈન ફેર લખે છે કે, અમેરિકાએ પાકિસ્તાનને છેલ્લાં ૧૧ વર્ષમાં જે ૩૦ બિલિયન ડોલરની મદદ કરી હતી, તેણે પાકિસ્તાનનો વિકાસ બહુ ઓછો કર્યો છે, પરંતુ પાકિસ્તાન આર્મીને વધુ મજબૂત બનાવી દીધી છે.

આ બંને પુસ્તકોનો સાર લગભગ એક જેવો છે. પ્રથમ પુસ્તકનાં લેખિકા આયેશા જલાલ તુફટ્સ યુનિર્વિસટીમાં પ્રોફેસર છે જ્યારે મિસ ક્રિસ્ટાઈન ફેર જયોર્જ ટાઉનમાં પ્રોફેસર છે.

નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનની આર્મી, પાકિસ્તાનનું ન્યાયતંત્ર અને પાકિસ્તાનના રાજનેતાઓ પાકિસ્તાનની પ્રજાની,પાકિસ્તાનની કાનૂન વ્યવસ્થાની અને પાકિસ્તાનમાં વધતી જતી આતંકવાદીઓની તાકાતની ચિંતા ઓછી કરે છે. પાકિસ્તાનની આર્મી એક નિષ્ફળ આર્મી કહેવાય છે. તેના કહેવાતા જાસૂસો દ્વારા કરવામાં આવતા ખર્ચની કોઈ એકાઉન્ટિબિલિટી જ નથી. તેનું કોઈ ઓડિટ શક્ય નથી. પાકિસ્તાન આર્મી ક્યાં પૈસા વાપરે છે તેનો જવાબ એણે કોઈને આપવો પડતો નથી. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે પાકિસ્તાનની આર્મી પાકિસ્તાનની પોલિટિકલ સિસ્ટમનો એક હિસ્સો બની ગયું છે. ભારતની આર્મી ભારતની રાજનીતિનો હિસ્સો નથી. આયેશા જલાલે તેમના પુસ્તકમાં પાકિસ્તાનના પૂર્વ સરમુખત્યાર પરવેઝ મુશર્રફ દ્વારા કરવામાં આવેલાં કેટલાંક દુઃસાહસોનો પણ ઉલ્લેખ છે. હવે એ જ પરવેઝ મુશર્રફ સામે પાકિસ્તાનની અદાલતમાં ખટલો ચાલે છે.

પાકિસ્તાન આર્મીનો રેકોર્ડ પાકિસ્તાન માટે ગૌરવ લેવા જેવો નથી. પાકિસ્તાને ભારત સામે ૧૯૪૭, ૧૯૬૫ અને ૧૯૯૯માં યુદ્ધ આદર્યું હતું. તે યુદ્ધ દ્વારા પાકિસ્તાનને ભાગ્યે જ કાંઈ પ્રાપ્ત થયું છે. એથીયે શરમજનક વાત એ છે કે પાકિસ્તાન આર્મીને ૧૯૭૧માં ભારતે મોટી પછડાટ આપી અને પાકિસ્તાનના બે ટુકડા થઈ ગયા. એક ટુકડો પૂર્વ પાકિસ્તાન ખતમ થઈ ગયું અને તે બાંગલાદેશ બન્યું. પાકિસ્તાન લશ્કરના પૂર્વ પાકિસ્તાન પાંખના વડા જનરલ નિયાઝીએ ભારતીય લશ્કરના શરણે આવવું પડયું એ પાકિસ્તાન માટે મોટી નાલેશી હતી. ૧૯૭૧માં પાકિસ્તાન આર્મીની બેવકૂફીને કારણે પાકિસ્તાને તેનો અડધો ભાગ ગુમાવવો પડયો હતો.

પાકિસ્તાન આર્મી વિશ્વશાંતિ માટે જોખમી પણ બની રહી છે. પાકિસ્તાન આર્મીએ તેની ન્યુક્લિઅર ટેક્નોલોજીની ગેરકાયદે નિકાસ ઉત્તર કોરિયા, ઈરાન અને લિબિયા ખાતે પણ કરેલી છે. પાકિસ્તાન આર્મીએ ઈસ્લામિક કટ્ટરવાદીઓની પણ દુનિયાભરમાં નિકાસ કરી છે. આ ત્રાસવાદીઓ ભારત, અફઘાનિસ્તાન પછી હવે ચીન માટે પણ ચિંતાનો વિષય બન્યા છે.

ઘરઆંગણે પણ પાકિસ્તાની લશ્કરનો રેકોર્ડ સારો નથી. પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને ફાંસીના માંચડે લટકાવી દીધા હતા. પાકિસ્તાની લશ્કરના જાસૂસો ચૂંટણીઓ દરમિયાન ઘણી ગરબડો કરે છે. પત્રકારોને પરેશાન કરે છે. જે પત્રકારો અને પોલિટિશિયનો તેને ગમતાં નથી. તે બધાંને પાકિસ્તાન આર્મી પતાવી દે છે. ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનાં દીકરી અને પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોને ૨૦૦૭માં મારી નંખાયાં હતાં. એવું કહેવાય છે કે તેમાં પણ પાકિસ્તાનની આર્મીનો હાથ હતો. પાકિસ્તાન આર્મીના પૂર્વ વડા ઝિયા ઉલ હકના સમયમાં જેહાદને રાજ્યની નીતિનો એક ભાગ બનાવી ઈસ્લામિક કટ્ટરવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

ક્રિસ્ટાઈન ફેર નોંધે છે કે, પાકિસ્તાન આર્મીના જનરલ્સને પાકિસ્તાનની સલામતી કરતાં હિન્દુઓ પ્રભાવિત ભારતને નબળું પાડવામાં વધુ રસ છે. પાકિસ્તાન આર્મી પાકિસ્તાનને મળતી બધી જ આંતરરાષ્ટ્રીય મદદ આરોગી જાય છે. પાકિસ્તાન આર્મીને ભારત સાથે શાંતિ સ્થાપવામાં રસ જ નથી.

ક્રિસ્ટાઈન ફેર કહે છે. “અમેરિકાએ હવે પાકિસ્તાનને તમામ પ્રકારની સહાય બંધ કરી દેવી જોઈએ.” જ્યારે આયેશા જલાલ કહે છેઃ “અમેરિકાએ પરમાણુ શક્તિ સમ્પન્ન પાકિસ્તાનને મદદ જારી રાખવી જોઈએ, કારણ કે એમ નહીં કરાય તો કોઈ કાળે ખતરનાક પરિણામો આવવાનું જોખમ છે.” પરંતુ ક્રિસ્ટાઈન ફેર સ્પષ્ટ લખે છે. ‘Let pakistan fail’ (પાકિસ્તાનને નિષ્ફળતા વહોરવા દો.)પાકિસ્તાને ઘણી અસ્થિરતાઓ સ્થિરતાપૂર્વક જોઈ છે. પાકિસ્તાન લશ્કરને એ નિષ્ફળતાઓની જવાબદારી લેવી પડે તેવી સ્થિતિ આવવા દો અને એ નિષ્ફળતાઓ માટે પશ્ચિમના દેશોએ ભરણ કરી આપવાની જરૂર નથી.”

સેમસનની તાકાતનું રહસ્ય એક સ્ત્રીએ જાણી લીધું અને…

(ગતાંકથી ચાલુ)

એક દિવસ સેમસન ફિલીસ્તીઓના નગર ગાઝામાં ગયો. ગાઝામાં એક વેશ્યા રહેતી હતી. સેમસન વેશ્યાના ઘરે ગયો અને ત્યાં જ વાત ફેલાઈ ગઈ કે, સેમસન ગાઝામાં આવ્યો છે.

સેમસનના નામની જબરદસ્ત ધાક હતી. એની અસાધારણ શક્તિથી લોકો ડરતા હતા.

શહેરના ચોકિયાતોને સાબદા કરી દેવામાં આવ્યા. શહેરના લોકો નગરના દરવાજે જઈ સેમસન પકડાઈ જાય એની રાહ જોવા લાગ્યા. સવારે તે બધા સેમસનને મારી નાખવા માગતા હતા. તેઓ સંતાઈ રહ્યા.

મધરાત સુધી સેમસન સૂઈ રહ્યો, પણ પરોઢ પહેલાં જ મધ્ય રાત્રિએ તે ઊઠયો અને સીધો નગરના દરવાજે પહોંચ્યો. દરવાજા બંધ હતા, પરંતુ સેમસને પોતાની પ્રચંડ તાકાતથી નગરના દરવાજાનાં બંને કમાડ તેની બારસાખ સહિત ઉખાડી નાખ્યા. આખા દરવાજાને ખભે ઊંચકીને તે હેબ્રોનની સામેના એક પર્વત પર લઈ ગયો. લોકો આશ્ચર્ય પામી ગયા કે આ માણસમાં આટલી જબરદસ્ત તાકાત ક્યાંથી આવી છે?

ઇઝરાયેલમાં સોરેક નામની એક ખીણ છે. અહીં ડલાઇલાહ નામની એક યુવતી સાથે એનો ભેટો થયો. સેમસન ડલાઇલાહને જોતાં એના પ્રેમમાં પડી ગયો. ધીમે ધીમે લોકોને આ વાતની ખબર પડી ત્યારે પાંચ ફિલીસ્તી અધિકારીઓ ડલાઇલાહ પાસે પહોંચ્યા. એમણે ડલાઇલાહને કહ્યું, “તું સેમસન પાસેથી એ રહસ્ય જાણી લે કે તેની પ્રચંડ શક્તિ ક્યાં છુપાયેલી છે? અમારે એને પકડીને સાંકળોથી બાંધવો છે. આ કામના બદલામાં તને ચાંદીના ૧૧૦૦ સિક્કાઓ આપીશું.”

ડલાઇલાહ સંમત થઈ ગઈ.

એક દિવસ ડલાઇલાહે સેમસનને પૂછયું, “સેમસન! તું આટલો બધો બળવાન કેમ છે? મને નથી લાગતું કે તને કોઈ કેદ કરી શકે!”

સેમસને કહ્યું, “મને ધનુષ્યની ન સૂકવી હોય તેવા ચામડાની સાત પણછોથી બાંધવામાં આવે તો હું નિર્બળ બની જાઉં.”

એ રાત્રે સેમસન સૂઈ ગયો ત્યારે ફિલીસ્તીઓએ લાવી આપેલી લીલા ચામડાની સાત પણછોથી એની પ્રેયસી ડલાઇલાહે સેમસનને બાંધી દીધો. કેટલાક બીજા માણસો પહેલેથી જ બીજા ઓરડામાં સંતાઈ રહ્યા હતા.

ડલાઇલાહે હવે બૂમ મારી, “સેમસન ઊઠ! ફિલીસ્તીઓ આવી પહોંચ્યા છે.”

સેમસન ઊઠયો અને સૂતરનાં દોરડાં તોડી નાખતો હોય તેમ ચામડાની પણછો તોડી નાખી.

ફિલીસ્તીઓ ભાગી ગયા.

ડલાઇલાહે સેમસન સાથે રૂસણું લેતાં કહ્યું, “તેં મને જૂઠ્ઠું કહ્યું હતું, તેં મારી મશ્કરી કરી. સાચું કહે, તને કેવી રીતે બાંધી શકાય?”

સેમસને ખૂબ વિચારીને કહ્યું, “જો તું મારા માથાની સાત લટોને તાણા સાથે વણી લે અને ખીલા સાથે બાંધ તો હું નિર્બળ બની જાઉં.”

એ જ રાતે સેમસન સૂઈ ગયો અને ડલાઇલાહે સેમસનના માથાની સાત લટોને તાણામાં વણી ખીલા સાથે બાંધી દીધી. ત્યારબાદ ડલાઇલાહે જ બૂમ મારી, “સેમસન જાગ. ફિલીસ્તીઓ આવ્યા.”

સેમસન જાગી ગયો અને કપડાં વણવાની સાળને ખીલા સાથે જ ખેંચી કાઢી. ડલાઇલાહ હવે વધુ ખિજાઈ. એણે સેમસનને લડતાં કહ્યું, “મને લાગે છે કે તને મારામાં વિશ્વાસ નથી. તું મને પ્રેમ કરતો જ નથી. વારંવાર તું મારી મશ્કરી કરે છે. તું મને ચાહતો હોત તો તેં ક્યારનુંયે મને કહી દીધું હોત કે તું આટલો તાકાતવાન કેમ બન્યો?”

ડલાઇલાહ રોજ એકનો એક પ્રશ્ન પૂછયા કરતી હતી. એક દિવસ કંટાળીને એણે રહસ્ય ખોલી નાખ્યું. સેમસને કહ્યું, “જો ડલાઇલાહ, જન્મ પછી મારા વાળ કદી કાપવામાં આવ્યા નથી, કારણ કે જન્મ અગાઉ જ ઈશ્વરે મને નાઝીરા (સેવક) બનાવેલો છે. મારા માથા પર કોઈ અસ્ત્રો ફેરવી વાળ કાપી લે તો મારી તાકાત જતી રહે અને હું બીજા લોકોની જેમ નિર્બળ અને સામાન્ય બની જાઉં. મારી તાકાતનું આ જ રહસ્ય છે.”

ડલાઇલાહને લાગ્યું કે સેમસને હવે સાચી વાત કરી છે. એણે ફિલીસ્તી આગેવાનોને બોલાવ્યા અને કહ્યું, “હવે છેલ્લી વાર આવો. આ વખતે સેમસને એનું દિલ ખોલી નાખ્યું છે.”

ફિલીસ્તીઓ આ વખતે તો ડલાઇલાહને આપવા નાણાં લઈને જ આવ્યા.

એ રાત્રે ડલાઇલાહે સેમસનનું માથું પોતાના ખોળામાં જ રાખીને ઊંઘાડી દીધો. સેમસન થોડીક જ વારમાં ઊંઘી ગયો. અગાઉથી કરેલ વ્યવસ્થા મુજબ એક માણસને બોલાવી સેમસનના માથામાંથી વાળની સાત લટો કાપી લીધી. આટલું કર્યા બાદ ડલાઇલાહે હવે સેમસનને ઢંઢોળ્યો, એને છંછેડયો, પણ સેમસનની બધી તાકાત જ ચાલી ગઈ હતી.

ડલાઇલાહે હવે પૂરા વિશ્વાસથી બૂમ પાડી, “ઊઠ સેમસન! તને પકડવા ફિલીસ્તીઓ આવી પહોંચ્યા છે.”

સેમસન જાગ્યો પણ હવે તે શક્તિહીન બની ગયો હતો. એના માથાના વાળ કપાઈ જતાં એની તાકાત ચાલી ગઈ હતી. ફિલીસ્તીઓએ તેને પકડી બાંધી દીધો. એની આંખોમાં ધગધગતા સળિયા નાખી સેમસનની આંખો ફોડી નાખવામાં આવી. સેમસનને હવે ગાઝા લાવવામાં આવ્યો. પિત્તળની સાંકળોથી બાંધી જેલમાં જ અનાજ દળવાની તોતિંગ ઘંટી ફેરવવાનું કામ એને સોંપવામાં આવ્યું. કેટલાયે દિવસો સુધી બંદીખાનામાં તે દળતો જ રહ્યો. દિવસો વીતતાં એના માથાના વાળ ફરી વધવા લાગ્યા હતા.

ફિલીસ્તીઓ હવે નિર્ભય હતા. ખુશ હતા. તેઓ એક દિવસ કોઈ મોટો ઉત્સવ ઊજવવા તોતિંગ શિલાઓથી બનાવેલી વિશાળ ઇમારતના ચોકમાં એકત્ર થયા હતા. ફિલીસ્તીઓના દેવ દાગોન હતા. મહાયજ્ઞાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દેવની ર્મૂિતને અર્પણો ચઢાવ્યાં. ફિલીસ્તીઓ ર્મૂિતપૂજામાં માનતા હતા. હજ્જારોની સંખ્યામાં ફિલીસ્તી સ્ત્રી-પુરુષો તેમના આ મહાઉત્સવને માણવા એકત્ર થયાં હતાં. સાંકળોથી બંધાયેલા આંધળા સેમસનને અહીં લાવવામાં આવ્યો હતો અને એ ભવ્ય ર્ધાિમક ઇમારતના હાથના પગ કરતાંયે જાડા અને પથ્થરોથી બનેલા થાંભલા સાથે સાંકળોથી બાંધી દેવામાં આવ્યો હતો. અંધ સેમસનને સાંકળોથી બંધાયેલો જોઈ લોકો તેની ક્રૂર હસીમજાક કરવા લાગ્યા હતા. મહોત્સવ ટાણે હજારો ફિલીસ્તીઓ મદ્યપાન પણ કરી રહ્યા હતા. પીધેલી હાલતમાં લોકોએ સેમસનની વધુ ઠેકડી ઉડાવી. બે થાંભલાની વચ્ચે એને બાંધનાર છોકરાને સેમસને જ કહ્યું હતું કે બે થાંભલા પર મારો એક-એક હાથ મૂક જેથી મને આરામ મળે.

આખું ગામ હવે ભવ્ય મંદિરમાં ઊમટયું હતું. લોકો સેમસનને જોવા પડાપડી કરતા હતા. ત્રણ હજારની માનવમેદનીથી ઇમારત ઊભરાઈ ગઈ હતી. લોકો ઝરૂખા પર પણ ચડી ગયા હતા. તમામ ફિલીસ્તી સેનાપતિઓ પણ અહીં ઉપસ્થિત હતા.

અંધ સેમસને હવે તેના પ્રભુ યહોવાહને યાદ કર્યા. “હે પ્રભુ! મને એક જ વાર શક્તિ આપ, જેથી મારી બંને આંખો ગુમાવ્યાનું વેર વાળી શકું.”

સેમસન એ ભવ્ય મંદિરના બે થાંભલાની વચ્ચે ઊભો હતો. એણે એક હાથ એક થાંભલાને અઢેલી રાખી બીજા તોતિંગ પથ્થરિયા સ્તંભ પર તાકાત અજમાવી. તેને થાંભલો ખસેડવાનો પ્રયાસ કરતો જોઈ લોકોએ સેમસનની વધુ મજાક કરી, કારણ કે ખડકોના પથ્થરોમાંથી બનાવેલા થાંભલા હાથીના પગ કરતાંયે વધુ જાડા ને મજબૂત હતા. લોકોને એ વાતની ખબર નહોતી કે સેમસનના માથાના કપાયેલા વાળ ફરી ઊગી ગયા અને તેને દૈવીબળ ફરી હાંસલ થઈ ચૂક્યું હતું.

પ્રથમ પ્રયાસે થાંભલો ન ખસ્યો.

સેમસને ફરી પ્રભુને પ્રાર્થના કરી. “ફિલીસ્તીઓની સાથે હું પણ ભલે મરી જાઉં.”

સેમસને ફરી બળ વાપર્યું.

તોતિંગ થાંભલો સહેજ ખસ્યો. ક્રૂર મજાક કરી રહેલા હજ્જારો લોકોના ચહેરા પર હાસ્ય થંભી ગયું. કુતૂહલથી તેઓ સેમસનને જોઈ રહ્યા. તેણે હાથના ટેકાથી થાંભલાને ખસેડવા વધુ બળ વાપર્યું. ભવ્ય મંદિરની મજબૂત છત આ બે થાંભલાઓની ઉપર જ હતી. સેમસનની તાકાતથી સેંકડો ટન વજનનો થાંભલો ખસતો જોઈ લોકો સ્તબ્ધ બની ગયા. હવે તો અવાજ પણ બંધ થઈ ગયો. માત્ર સખત વજનવાળા થાંભલાનો પથ્થર પરથી ખસવાનો અવાજ આવતો હતો. લોકો અવાક્ બની ગયા. તેઓ કંઈ વિચારે અને નાસી શકે એ પહેલાં ન માની શકાય તેવો પથ્થરનો સ્તંભ ખસી ગયો અને આખીયે ઇમારત કડડભૂસ કરતી પડવા લાગી. ઝરૂખા તૂટી પડયા. છત તૂટી ગઈ. દીવાલો તૂટી પડી. લોકોએ ભાગવા કોશિશ કરી, પરંતુ હજારો માણસો મહાકાય પથ્થરો નીચે દટાઈને મૃત્યુ પામ્યા. ફિલીસ્તીઓએ એમની આખી જિંદગી દરમિયાન જેટલા યહૂદીઓને માર્યા હતા તેના કરતાં વધુ ફિલીસ્તીઓ અહીં જ ઇમારત નીચે દટાઈને મરી ગયા. સેમસન પણ મૃત્યુ પામ્યો. પાછળથી સેમસનના મૃતદેહને તેનાં સગાં-સંબંધીઓ આવીને લઈ ગયા. ઇઝરાયેલમાં સોરા અને એશ્તાએલ વચ્ચે એના પિતાની કબરની બાજુમાં જ સેમસનના મૃતદેહને દફનાવવામાં આવ્યો.

યહૂદીઓ માને છે કે ૨૦ વર્ષ સુધી સેમસન ઇઝરાયેલીઓને ન્યાય અપાવતો રહ્યો. ઈસુના જન્મનાં ઘણાં વર્ષો પૂર્વેની આ કથા છે. ઇઝરાયેલીઓ માટે સેમસન એક દંતકથા જેવું અમર પાત્ર છે. સેમસનને પણ એક મસીહા ગણવામાં આવે છે.(ક્રમશઃ)

સેમસન ઇશ્વરે બક્ષેલી અસાધારણ તાકાતવાળો ઉદ્ધારક હતો

‘સેમસન એન્ડ ડલાઇલાહ’ એ પણ બાઇબલની જ એક કથા છે. સેમસન યહૂદી હતો. યહૂદીઓએ જ્યારે જ્યારે ભૂલો કરી ત્યારે ત્યારે ઈશ્વરે તેમને સજા કરેલી છે અને તેમના ઉદ્ધાર માટે ઈશ્વરે કોઈ ને કોઈ ઉદ્ધારક મોકલ્યો છે તેવી કથાઓ બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં મોજૂદ છે. સેમસન પણ ઈશ્વરે બક્ષેલી અસાધારણ તાકાતવાળો ઉદ્ધારક જ હતો, પરંતુ ડલાઇલાહ નામની એક સ્વરૂપવાન યુવતીના હાથે છેતરાયો હતો. મૂળ કથા આ પ્રમાણે છેઃ

લગભગ ત્રણેક હજાર વર્ષ પૂર્વે યહૂદીઓને સતાવનાર એક પ્રજાનું નામ છેઃ ફિલીસ્તાનીઓ. તેઓ ફિલીસ્તી અથવા પલીસ્તી તરીકે પણ ઓળખાય છે. આ ફિલીસ્તી દરિયાપારથી આવ્યા હતા અને ઊંચા તથા કદાવર હતા. ર્મૂિતપૂજામાં માનતા હતા અને સુન્નતના વિરોધી હતા. ઇઝરાયેલીઓ જ્યારે જ્યારે ખોટું કામ કરતા ગયા ત્યારે ત્યારે ઈશ્વરની અવકૃપા તેમને મળતી ગઈ. યહોવાહની નારાજગીને કારણે ૪૦ વર્ષ સુધી યહૂદીઓ ફિલીસ્તાનીઓના શાસન હેઠળ આવી ગયા હતા.

એ કાળમાં સોરાહમાં માનોઆહ નામે એક યહૂદી રહેતો હતો. એક સ્ત્રીને બાળક થતાં નહોતાં. એને દેવદૂતે દર્શન આપીને કહ્યું કે, “તને હવે ગર્ભ રહેશે, પરંતુ તારે હવે દ્રાક્ષાસવ કે મદ્યપાન લેવાં નહીં. તારા ઉદરમાં આકાર લેનારું બાળક ઈશ્વર માટે ‘નાઝીરી’અર્થાત્ સેવક હશે. એના માથે કદી અસ્ત્રો ફેરવવો નહીં. તે ઇઝરાયેલીઓને ફિલીસ્તીઓના ત્રાસમાંથી મુક્ત કરાવશે.” સમયાંતરે તે સ્ત્રીને ગર્ભ રહ્યો. દીકરો અવતર્યો, જેનું નામ સેમસન પાડવામાં આવ્યું. સેમસન જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ તેનામાં અસાધારણ બાહુબળ અને શક્તિ વિકસવા લાગ્યાં. એક દિવસ પુખ્ત થયેલા સેમસનને એક યુવતી ગમી ગઈ, પરંતુ એ સ્ત્રી યહૂદીઓના કટ્ટર દુશ્મન એવા ફિલીસ્તીઓની હતી, જ્યારે સેમસન યહૂદી હતો. યહૂદીઓ સુન્નતમાં માનતા હતા જ્યારે ફિલીસ્તાનીઓ સુન્નતના વિરોધી હતા.

સેમસને એના પિતાને કહ્યું, “મને એ યુવતી સાથે પરણાવો.”

એના પિતા કહે, “તારે પરણવું જ હોય તો આપણા લોકોમાં ઘણી યુવતીઓ છે. બેસુન્નત ફિલીસ્તાનીઓમાં જવાની શું જરૂર છે?”

એ વખતે ફિલીસ્તીઓ ઇઝરાયલ પર રાજ કરતા હતા અને સેમસનનાં મા-બાપને ખબર નહોતી કે સેમસન અને ફિલીસ્તીઓ વચ્ચે સંઘર્ષ થાય તેવા નિમિત્તની વ્યવસ્થા કોઈ ગૂઢ શક્તિ જ ગોઠવી રહી હતી.

સેમસનને જે યુવતી ગમી હતી તે તિમ્નાહ નામના વિસ્તારમાં રહેતી હતી. સેમસન અને તેનાં માતા-પિતા તિમ્નાહ જવા નીકળ્યાં. રસ્તામાં દ્રાક્ષની વાડીઓ આવી. તેઓ ક્યાંક બેઠાં હતાં ને સેમસન સહેજ આગળ વધ્યો. એટલામાં એક મહાભયંકર ગર્જના સંભળાઈ. એમણે જોયું તો સામે જ વિકરાળ સિંહ ઊભો હતો. સેમસન તેનાથી જરાયે ગભરાયો નહીં. સિંહે સેમસન પર હુમલો કર્યો,પરંતુ ઈશ્વરદત્ત તાકાત ધરાવતા સેમસને સિંહ સાથે તુમુલ યુદ્ધ કર્યું. ભયાનક ત્રાડોથી આખુંયે અરણ્ય ગાજી ઊઠયું. સિંહે સેમસનને અનેક ભાગ પર ઘાયલ કરવા કોશિશ કરી, પરંતુ સેમસને કોઈ બકરીના બચ્ચાની જેમ સિંહને જડબામાંથી જ ચીરી નાખ્યો.

સેમસનનાં માતા-પિતાને તો હજી આ વાતની ખબર જ નહોતી, કારણ કે એ વખતે તેઓ અન્યત્ર હતાં. સેમસન અને તેનાં માતા-પિતા પેલી ફિલીસ્તી સ્ત્રીના ઘરે ગયાં અને એક ભવ્ય મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું. સેમસને હવે તેને ગમતી સ્ત્રી સાથે લગ્ન કરી લીધાં હતાં. અલબત્ત, લગ્નની ઉજવણી દરમિયાન સેમસને એક ઉખાણું પૂછયું: મિજબાનીમાં ૩૦ ફિલીસ્તીઓ પણ હાજર હતા. ત્યારબાદ તે આ શેલોન નગરમાં ગયો અને ૩૦ માણસોને મારી નાખ્યા અને સેમસન પોતાના ઘરે ચાલ્યો ગયો. એની પત્નીને એના પિતાએ લગ્ન સમયે અણવર તરીકે આવેલા નિકટના મિત્રને આપી દીધી.

સેમસન હવે પોતાનાં માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો હતો.

કેટલાક સમય બાદ ઘઉંની કાપણી વખતે સેમસન પેલી ફિલીસ્તી પત્નીને મળવા નીકળ્યો. તે ફિલીસ્તી સ્ત્રીને ભેટ આપવા એણે બકરીનું એક બચ્ચું પણ સાથે લઈ લીધું. એ જેવો ફિલીસ્તી સ્ત્રીના ઘરે પહોંચ્યો એટલે એ સ્ત્રીના પિતાએ સેમસનને રોક્યો. સ્ત્રીના પિતાએ સેમસનને કહ્યું, “મને લાગે છે કે, તું મારી દીકરીને ધિક્કારે છે, તેથી જ મેં મારી પુત્રી કે જેને તારી સાથે પરણાવી હોવા છતાં તારા મિત્રને સોંપી દીધી છે. તેમ છતાં તારી ઇચ્છા હોય તો બોલ, એની બહેન તેના કરતાં વધુ સુંદર છે, એની સાથે લગ્ન કરી લે.” આ સાંભળી સેમસન છંછેડાયો.

ક્રોધિત સેમસન બહાર નીકળી ગયો. એણે જંગલમાંથી ૩૦૦ શિયાળ પકડી લીધાં. બબ્બે શિયાળ ભેગાં બાંધી તેમાં મશાલ મૂકી અને મશાલો સળગાવી તમામ શિયાળોને ફિલીસ્તીઓનાં ખેતરોમાં છોડી મૂક્યાં. સળગતી પૂંછડીવાળાં શિયાળોએ ખેતરોમાં નાસભાગ કરી મૂકી અને ફિલીસ્તીઓનો ઊભો પાક ને પૂળા સળગી ગયા. જૈત વૃક્ષો પણ ભસ્મ થઈ ગયાં.

આ ઘટનાથી ફિલીસ્તીઓ ક્રોધે ભરાયા. આ બધાનું નિમિત્ત સેમસનની પત્ની અને તેનો પિતા છે એમ સમજીને ફિલીસ્તીઓએ એ સ્ત્રી અને તેના પિતાને પકડીને જીવતાં સળગાવી મૂક્યાં. સેમસનને વધુ ક્રોધિત કરવા માટે આટલી બીના પૂરતી હતી. એણે કહ્યું, “હવે આનું વેર લીધા વિના હું રહીશ નહીં.”

ગુસ્સે ભરાયેલા સેમસને ઘણા ફિલીસ્તીઓને મારી નાખ્યા અને ત્યારબાદ તે ઇઝરાયેલમાં એટામની ગુફાઓ તરીકે ઓળખાતી ગુફાઓમાં રહેવા ચાલ્યો ગયો. સેમસનના હુમલાના વિરોધમાં ફિલીસ્તીઓએ જ્યુડિયા પર સૈન્ય મોકલ્યું અને લેહી પર છાપો માર્યો. સેમસન તો અહીં હતો નહીં. જ્યુડિયાના લોકો વિચારમાં પડી ગયા કે, “કોઈ પણ જાતના કારણ વગર ફિલીસ્તી સૈન્યે અહીં આક્રમણ કેમ કર્યું?” ફિલીસ્તીઓએ જવાબ આપ્યો કે, “તમારા સેમસને અમારા માણસોને મારી નાખ્યા છે. તેનો બદલો લેવા અમે અહીં આવ્યા છીએ.”

હજુ જ્યુડિયાએ ૩૦૦૦ માણસોને એટામની ખડકની ગુફાઓમાં મોકલ્યા, જેથી તેઓ સેમસનને પકડી લાવે અને ફિલીસ્તીઓને હવાલે કરે.

સેમસન તો મળ્યો પણ એણે પૂછયું, “તમે અહીં કેમ આવ્યા છો?”

જ્યુડિયાના માણસોએ કહ્યું, “તને ખબર નથી કે, ફિલીસ્તીઓ આપણા પર રાજ કરે છે? તો પછી તેં આમ કેમ કર્યું?”

“મેં તો વેર લેવા માટે જ આમ કર્યું છે.” સેમસને જવાબ આપ્યો.

“પણ અમે તને પકડીને ફિલીસ્તીઓ પાસે લઈ જવા માટે આવ્યા છીએ.”

સેમસને કહ્યું કે, “સારું, મને વચન આપો કે તમે પોતે મને મારી નહીં નાખો.”

જ્યુડિયાના માણસોએ વચન આપ્યું, “ઠીક છે, અમે તને મારી નહીં નાખીએ. ખાલી તને બાંધીશું અને ફિલીસ્તીઓને હવાલે સોંપી દઈશું.”

– ત્યારબાદ સેમસનને નવા જ દોરડાથી બાંધી દેવામાં આવ્યો અને બધા લેહી પહોંચ્યા.

સેમસનને મજબૂત દોરડાંઓથી બંધાયેલો જોતાં જ ફિલીસ્તીઓએ હર્ષના પોકારો કર્યા. વિજયનો ટંકાર કર્યો. ચારેકોર બુમરાણ મચી ગઈ. અનેક ફિલીસ્તીઓને મારી નાખનાર સેમસન હવે બંધાયેલો હતો. આ વિજયોન્માદમાં એ વાતનો ખ્યાલ ન રહ્યો કે સેમસનના શરીર પર બંધાયેલાં મજબૂત દોરડાં સેમસને પોતાની વિરાટ તાકાતથી તોડી નાખ્યાં હતાં અને તે હવે મુક્ત થઈ ગયો હતો. હર્ષના પોકારો કરી રહેલા ફિલીસ્તીઓ કંઈ વિચારે એ પહેલાં જમીન પર પડેલું ગધેડાનું એક જડબું એણે લીધું અને એ જડબાને હાથમાં પકડી સેમસન ફિલીસ્તીઓ પર તૂટી પડયો. ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ. બધાએ સેમસનને પકડવા કોશિશ કરી, પરંતુ અસાધારણ તાકાત ધરાવતા સેમસને આ ઘમસાણમાં એક હજાર ફિલીસ્તીઓને મારી નાખ્યા. ચારે બાજુ હવે મડદાં જ મડદાં પડયાં હતાં. ત્યારબાદ સેમસને ગધેડાનું જડબું ફેંકી દીધું અને એ સ્થળ આજે પણ ‘રામાથલેહી’ અર્થાત્ જડબાના ડુંગર તરીકે ઓળખાય છે. ભયાનક યુદ્ધને કારણે એકલે હાથે લડનાર સેમસન પણ અર્ધ બેભાન બની ગયો હતો. એને તરસ લાગી હતી. સેમસને ઈશ્વરને યાદ કર્યા. “હે પ્રભુ! આજે મારા દ્વારા તમે જ ઇઝરાયેલનો બચાવ કર્યો છે. શું મારે હવે મરી જવાનું?” અને થોડીક જ ક્ષણોમાં જમીનમાં એક તિરાડ પડી. એના પોલાણમાંથી ભારે વેગથી પાણી ધસી આવ્યું. પાણીના એ નવા ફુવારામાંથી સેમસને જળ પીધું. તે હવે સ્વસ્થ થયો. શુદ્ધિમાં આવ્યો. એ સ્થળનું નામ એણે ‘એન હોક્કારે’ પાડયું. ‘એન હોક્કારે’નો અર્થ થાય છે હાક મારવાનું ઝરણું. આ ઝરણું આજે પણ ઇઝરાયેલમાં ત્યાં જ છે. મુલાકાતીઓ આ ઝરણાને જુએ ત્યારે હજારો વર્ષ પૂર્વેની બાઇબલની એ ઘટનાને યાદ કરે છે. આ ઘટના પછી વીસ વર્ષ સુધી સેમસન ઇઝરાયેલીઓને ન્યાય અપાવતો રહ્યો, પરંતુ હજી રાજ તો ફિલીસ્તીઓનું જ હતું.(ક્રમશઃ)

ધી ટેન કમાન્ડમેન્ટ્સ જેના આધાર પર પિનલ કોડ બન્યો?

(ગતાંકથી ચાલુ)

મોઝીઝમાં કુદરતી રીતે જ નેતૃત્વના ગુણો હતા અને તેમને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હતો. ઇજિપ્તના ફેરોઝની ગુલામીમાંથી પોતાના દેશવાસીઓને મુક્ત કરાવવાનું એણે બીડું ઝડપેલું હતું. એ બધા મોઝીઝની આગેવાની હેઠળ ઇજિપ્તથી પોતાના વતન પેલેસ્ટાઇન (હાલનું ઇઝરાયેલ) જવા નીકળ્યા હતા. ૪૦ વર્ષ સુધી તેઓ વેરાન પ્રદેશોમાં ઘૂમતા રહ્યા હતા. યહૂદીઓમાં અંદરોઅંદર ઘણા મતભેદો હતા. મોઝીઝની પાછળ પાછળ ઇજિપ્ત છોડી રહેલાઓની સંખ્યા હજ્જારોમાં હતી.

આ લોકો ઇજિપ્તમાંથી છટકી ન જાય એટલા માટે તેમની પાછળ સશસ્ત્ર સૈનિકો આવી જ રહ્યા હતા.

હવે પેલેસ્ટાઇન પહોંચવામાં સામે રાતો સમુદ્ર આવીને ઊભો હતો. પાછળ સૈનિકો હતા. યહોવાહની આજ્ઞાા પ્રમાણે મોઝીઝે લાકડી ઊંચી કરી દરિયામાં પછાડી અને યહૂદીઓને પસાર થવા માટે દરિયાનાં પાણી બે બાજુ ખસી ગયાં. દરિયાની વચ્ચે એક રસ્તા જેટલો ભાગ ખુલ્લો થઈ ગયો અને મોઝીઝની આગેવાની હેઠળ યહૂદીઓ નીકળી ગયા. પાછળ સૈનિકો આવી રહ્યા હતા અને તેમણે પણ દરિયાને ખસી જઈને કરી આપેલા માર્ગમાંથી યહૂદીઓનો પીછો કરવા કોશિશ કરી, પરંતુ દરિયો તેમની ઉપર ફરી વળ્યો. સૈનિકો પાણીમાં ડૂબી ગયા અને યહૂદીઓ દરિયાની આરપાર સહીસલામત નીકળી ગયા.

આ એક ચમત્કાર હતો.

આ યાત્રામાં અનેક ચમત્કારો થયા. ભૂખ્યા અને તરસ્યા ઇઝરાયેલીઓને એવા જ ચમત્કારોથી ભગવાને ખોરાક અને પાણી પૂરાં પાડયાં.

મોઝીઝ એક અસાધારણ શક્તિશાળી આદમી હતા. હજુયે ઘણા લોકો ભાતભાતની ર્મૂિતઓની પૂજા અને અનેક દેવીદેવતાઓની સાધનામાં અટવાયેલા હતા ત્યારે મોઝીઝ સીનાઈ નામના એક પર્વત પર ગયા. ભયંકર તોફાની પવન ફૂંકાયા. વીજળીના કડાકા થયા, ત્યારે મોટી ગર્જના થઈ અને એક અતિ પ્રકાશપુંજ દ્વારા મોઝીઝને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. પ્રત્યેક ધડાકે પર્વતના એક પથ્થર પર માનવીએ કેવી રીતે વર્તવું અને શું કરવું તે માટે દસ આદેશો આપ્યા. જે ટેન કમાન્ડમેન્ટ્સ તરીકે ઓળખાયા. ઈશ્વરના આ દસ આદેશો યહૂદીઓ અને તેમના દેવ વચ્ચેનો કરાર છે. યહૂદીઓ તેને ઓલ્ડ ટેસ્ટામેન્ટ તરીકે ઓળખે છે. પથ્થર અને ઈશ્વરની આંગળીથી આપોઆપ કોતરાઈ ગયેલા આ ટેન કમાન્ડમેન્ટ્સવાળો શિલાલેખ લઈને મોઝીઝ કેટલાક સમય બાદ પર્વત પરથી નીચે ઊતર્યા ત્યારે ઈશ્વરના સાક્ષાત્કારને કારણે એમના ચહેરા ઉપર શ્રદ્ધા હતી. શ્રદ્ધાળુ લોકોએ એમના પર ભરોસો મૂક્યો અને જેઓ એમની પાછળ પાછળ ગયા તે તમામ બચી ગયા. વિરોધીઓ એ જ સ્થળે ભયાનક કુદરતી આતંકનો ભોગ બન્યા અને ત્યાં સોનાની ર્મૂિતઓ ફાટીને તૂટી જ્યાં દટાઈને મરી ગયા. મોઝીઝે ફરી એક જ ઈશ્વરની વાત દોહરાવી. ત્યાર પછી અબ્રાહમ ઇસાક અને જેકબની શ્રદ્ધાને યહૂદીઓમાં બળવત્તર બનાવી.

અનેક આફતો બાદ મોઝીઝ ઇઝરાયેલીઓને ઇજિપ્તની બહાર લઈ આવ્યા. મોઝીઝ હવે માતૃભૂમિ કેનાનને આંખોથી નિહાળવા તત્પર બન્યા હતા.

એક દિવસ ભગવાન યહોવાહે મોઝીઝને કહ્યું, “સામે જ નીબો નામનો પર્વત છે, ત્યાં તું ચઢ. સામે કેનાન નામનો પ્રદેશ હું ઇઝરાયેલપુત્રોનેે વતન તરીકે આપું છું અને જે પર્વત પર તું ચઢે છે ત્યાં તું મૃત્યુ પામ અને તારા પિતૃઓ સાથે ભળી જા. ઇઝરાયેલપુત્રોએ અરણ્યમાં કેટલીક વાર મારો અપરાધ કરેલો છે. તે દેશ તું દૂરથી જોઈ શકીશ, પણ જે દેશ હું ઇઝરાયેલપુત્રોને આપું છું તેમાં તું જવા પામીશ નહીં.”

મોઝીઝ ઈશ્વરની આજ્ઞાા પ્રમાણે નીબો પર્વત પર ગયા અને ઉપર ચઢી યહોવાહના દાન પ્રમાણે ગિલીયાદ, નફતાલી, એફાઈમ, મનાશ્શા, જ્યુડીઆ, નેગેબ, સોઆર અર્થાત્ આખું ઇઝરાયેલ નજરોનજર નિહાળ્યંુ અને એ પર્વત પર જ પ્રાણ છોડયા. એ વખતે એમની ઉંમર ૧૨૦ વર્ષની હતી. મોઆબ દેશના નીચાણમાં બેથ-પેઓઠની સામે મોઝીઝને દાટવામાં આવ્યા. પણ આજ સુધી તેમની કબર વિશે કોઈ જ જાણતું નથી. ત્રણ દિવસ સુધી ઇઝરાયેલીઓએ મોઆબમાં શોક પાળ્યો હતો.

ઇઝરાયેલની ભૂમિ મોઝીઝે હવે તેમના જમણા હાથ ગણાતા જોશુઓને સોંપી હતી. ઇઝરાયેલીઓ કાદેશબાર્નીયા પહોંચ્યા ત્યારે પ્રશ્ન એ હતો કે કેનાનમાં કયા માર્ગે પ્રવેશવું? બે જૂથ પાડી દેવામાં આવ્યાં. બે રસ્તે પ્રવેશીને ‘ડેડ સી’ પાસે સૌએ ભેગાં થવું એમ નક્કી થયું. જોશુઓની યોજના પ્રમાણે યહૂદીઓ વર્ષો બાદ કેનાન ઉર્ફે પેલેસ્ટાઇનમાં પ્રવેશી શક્યા નહોતા, પરંતુ મૃત્યુ પહેલાં તેઓ પ્રોમિસ્ડ લેન્ડ-પેલેસ્ટાઇનને જોઈ શક્યા હતા એ જ એમનો મોટામાં મોટો સંતોષ હતો.

આ વખતે પોતાની માતૃભૂમિ પર રહેતી બીજી કેટલીય સ્થાનિક વસ્તી સાથે યહૂદીઓએ અનેક વાર યુદ્ધો ખેલવાં પડયાં હતાં. પેલેસ્ટાઇનમાં પ્રવેશ સરળ અને શાંત નહોતો. પેલેસ્ટાઇન તેમના માટે રેઢું પડયું નહોતું, કારણ કે અહીં એમના જ પૂર્વજોના કેટલાક શાસકો રાજ કરતા હતા. યુદ્ધ જાહેર કરીને જોશુઓએ પેલેસ્ટાઇનના ગેટ-વે તરીકે ઓળખાતું જેરીકો શહેર સર કરી લીધું. શેચમ શહેરને એણે પોતાનું હેડક્વાર્ટર બનાવ્યું. અહીં રહી જોશુઓના સૈનિકોએ ધીમે ધીમે આખુંયે કેનાન જીતી લીધું.

આ આખીયે કથામાં બે નામો યહૂદીઓને હંમેશાં યાદ રહેશે. એક તો મોઝીઝ કે જેમણે યહૂદીઓને ઇજિપ્તની ગુલામીમાંથી બહાર કાઢયા અને જોશુઆ કે જેણે યહૂદીઓને હાલના ઇઝરાયેલમાં પ્રવેશ કરાવ્યો અને એ રીતે ૪૦૦ વર્ષની ગુલામીનો અંત આવ્યો.

યહૂદીઓ હવે સ્વતંત્ર બન્યા અને પોતાના દેશ ઇઝરાયેલમાં રહેવા લાગ્યા.

જોશુઆ પછી ઇઝરાયેલમાં ન્યાયર્મૂિતઓ રાજ કરતા રહ્યા. દાવો એવો હતો કે ભગવાન દ્વારા તેઓ સીધા જ સંદેશા મેળવતા હતા. જોશુઓનાં ૧૫૦ વર્ષ બાદ ઇઝરાયેલને હવે પોતાના રાષ્ટ્રના વ્યવસ્થિત સુકાની પસંદ કરવાની જરૂર ઊભી થતાં અને ઇઝરાયેલનાં ૧૨ રાજ્યોએ એ પુરાણી પદ્ધતિનો ત્યાગ કરીને રાજાશાહી પસંદ કરવા વિચાર્યું. અત્યાર સુધી સુકાન ચલાવતા ન્યાયર્મૂિતઓ મોટેભાગે ધર્મગુરુઓ જ હતા.

ઇઝરાયેલનો પ્રથમ રાજા કિંગ સોલ હતો. તે ઊંચો અને રૂપાળો હતો. શરૂઆતમાં એણે ભગવાન યહોવાહમાં લોકોને વધુ ને વધુ શ્રદ્ધા રાખતા કર્યા. પણ તેની પાછળની ઉંમરમાં તે ધૂની બની ગયો અને ગાંડા જેવું વર્તન કરવા લાગ્યો. એના શાસન દરમિયાન ફિલિસ્તિનીસ તરીકે ઓળખાતી સ્થાનિક જાતિના લોકોએ ઇઝરાયેલીઓને પરેશાન કરવા માંડયા. યુવાન ડેવિડ જે પાછળથી રાજા બન્યો તેણે રાક્ષસી ગોલાયથ નામના ફિલિસ્તિનીસને મારીને લોકોને છુટકારાનો દમ બક્ષ્યો.

ડેવિડ હવે રાજા બન્યો.

ડેવિડે એના જમાનામાં અણમોલ કાવ્યોની ભેટ આપી. ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં તેની પંક્તિઓ અમર છે.

ડેવિડના રાજા બન્યા બાદ જ ઇઝરાયેલના પાટનગર તરીકે જેરૂસલેમની પસંદગી થઈ. ઇસુના જન્મનાં ૧૦૦૦ વર્ષ પહેલાં આ નાનકડું નગર માત્ર ‘સલેમ’ તરીકે ઓળખાતું હતું તે હવે જેરૂસલેમ બન્યું.

બીજી મોટી આશ્ચર્યની વાત એ હતી કે ડેવિડે પોતાના પુત્ર સોલોમનને રાજગાદી સોંપી પોતે સત્તાનો ત્યાગ કર્યો. ઇઝરાયેલના ઇતિહાસમાં રાષ્ટ્રીય હીરો તરીકે પહેલાં મોઝીઝ, બીજા જોશુઆ અને ત્રીજા ડેવિડ ગણાયા. ડેવિડનો પુત્ર સોલોમન પણ એક ડાહ્યો રાજા ગણાયો. તેની પણ એક સ્વતંત્ર કહાણી છે. મોઝીઝને સીનાઈ પર્વત પર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો અને ઈશ્વરે જે દસ આદેશો, ‘ધી ટેન કમાન્ડમેન્ટ્સ’ આપ્યા તે આદેશો પર આધારિત જ બ્રિટિશ પિનલ કોડ બન્યો અને તેને આધારિત સ્વતંત્રતા બાદ ભારતમાં ઇન્ડિયન પિનલ કોડ બન્યો. ઈશ્વરના મોઝીઝ દ્વારા જગતને અપાયેલા આદેશો આ પ્રમાણે હતા, તું ચોરી કરીશ નહીં. તું વ્યભિચાર કરીશ નહીં. તું ખૂન કરીશ નહીં. તારા પાડોશીની વિરુદ્ધ જુઠ્ઠી સાક્ષી પૂરીશ નહીં. તું તારા પાડોશીનાં ઘર, તેની પત્ની,તેનાં દાસ-દાસી કે પાડોશીનું જે કાંઈ હોય તેનો લોભ રાખીશ નહીં. તારાં માતા-પિતાનંુ સન્માન કર. તું જૂઠું બોલીશ નહીં.

ઈશ્વરે આપેલા આ આદેશો જ વિશ્વભરના સભ્ય દેશોમાં ફોજદારી ધારો બન્યા.

યહૂદીઓની માન્યતા અનુસાર સૃષ્ટિનું સર્જન કરતાં ઈશ્વરને છ દિવસ લાગ્યા હતા અને સાતમા દિવસે આરામ કર્યો હતો. યહૂદીઓની માન્યતા અનુસાર તે દિવસે શનિવાર હતો. આ માન્યતા મુજબ યહૂદીઓ શનિવારે રજા રાખી શ્રદ્ધાપૂર્વક ભગવાન યહોવાહે સૂચવેલા નીતિનિયમો મુજબ ર્ધાિમક પ્રવૃત્તિ કરે છે. યહૂદીઓની હિબ્રૂ ભાષામાં શનિવારે ‘જીછમ્છ્ઁ’ સાબાથ રહે છે. સાબાથની શરૂઆત શુક્રવારની સાંજથી જ થઈ જતી હોઈ વેપાર, ધંધો કે દુકાન બંધ કરી દઈ ઘરે જતા રહે છે. ઘરની બત્તીઓ ધીમી કરી નાખે છે. બારીબારણાં બંધ કરી દઈ ખૂબ જ ધીમેથી વાત કરે છે. ભોજન પણ ર્ધાિમક ગ્રંથોમાં અપાયેલી સૂચના મુજબ જ લે છે. આ કારણથી ઇઝરાયેલમાં શનિવાર એ રજાનો દિવસ છે. શનિવાર એ ર્ધાિમક વિધિનો દિવસ છે, આનંદપ્રમોદનો નથી, એમ ગણી ઇઝરાયેલમાં શનિવારે સિનેમા, થિયેટર્સ કે નાટયગૃહો પણ બંધ રહે છે. યહૂદીઓની જેમ ખ્રિસ્તીઓ પણ એ વાત સાથે સંમત છે કે સૃષ્ટિના સર્જનમાં ઈશ્વરને છ દિવસ લાગ્યા હતા અને સાતમા દિવસે આરામ કર્યો હતો. ફરક એટલો છે કે ખ્રિસ્તીઓ માને છે કે, ઈશ્વરે રવિવારે આરામ કર્યો હતો, તેથી ખ્રિસ્તીઓ રવિવારે રજા રાખે છે. આપણે પશ્ચિમના દેશોને અનુસરતા હોઈ રવિવારે રજા રાખીએ છીએ. એ જ રીતે મુસ્લિમો શુક્રવારે રજા રાખે છે અને શુક્રવારે મસ્જિદોમાં જઈ ખુદાની બંદગી કરે છે. અઠવાડિક રજા ક્યાંથી આવી તેનો આ ઇતિહાસ છે. ભારતમાં રવિવારની રજા અંગ્રેજ-ખ્રિસ્તીઓ લાવ્યા. બાઇબલ અને પવિત્ર કુઆર્ન અનુસાર રજાનો દિવસ અત્યંત પવિત્ર છે. સર્જનહાર ઈશ્વર કે અલ્લાહની પ્રાર્થના કરવાનો દિવસ છે. એ જ રીતે ભોજન લેતા પહેલાં ભોજન આપનાર ઈશ્વરની પ્રાર્થના કરી ઈશ્વરનો આભાર માનવો તે પણ બાઇબલની જ પ્રણાલિકા છે.

“મારા દેવની આજ્ઞાા છે કે તમે ઇઝરાયેલીઓને મુક્ત કરો”

ઇઝરાયેલનો ઇતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે. પહાડીઓ, પર્વતો,ખીણો અને સમુદ્રથી ઘેરાયેલો અને નહીંવત્ વરસાદ ધરાવતો આ દેશ બાઇબલની પવિત્ર ભૂમિ છે. ચાર હજાર વર્ષ પહેલાં યહૂદીઓ અને આરબોના પૂર્વજ અબ્રાહમ પણ અહીં જ જન્મ્યા હતા. તેઓ જન્મે યહૂદી હતા. વિશ્વને અમર ગીતો આપનાર કિંગ ડેવિડ અને કિંગ સોલોમન પણ અહીં જ જન્મ્યા હતા અને તેઓ યહૂદી હતા. ઈશ્વર પાસેથી ‘ધી ટેન કમાન્ડમેન્ટ્સ’ લેનાર મોઝીઝ પણ યહૂદી હતા. સમગ્ર વિશ્વને પ્રેમ અને કરુણાનો સંદેશો આપનાર જિસસ ક્રાઇસ્ટ પણ જન્મે યહૂદી હતા. સમગ્ર વિશ્વને સામ્યવાદની થિયરી આપનાર કાર્લ માર્ક્સ પણ યહૂદી હતા. માનવીના તમામ વર્તનનું કેન્દ્ર સેક્સ છે તેવી વિવાદાસ્પદ થિયરી આપનાર અને આધુનિક મનોવિજ્ઞાાનના પિતા એવા ડો. સિગમંડ ફ્રોઇડ પણ યહૂદી હતા. પરમાણુ બોમ્બ જે સિદ્ધાંત પર બને તે સાપેક્ષવાદ અર્થાત્ રિલેટિવિટીનો સિદ્ધાંત આપનાર આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ યહૂદી હતા.’શિન્ડલર્સ લિસ્ટ’ અને ‘જુરાસિક પાર્ક’ જેવી ફિલ્મોના સર્જક સ્ટીવન સ્પિલબર્ગ પણ યહૂદી છે. નોબેલ પ્રાઇઝ શરૂ થયું તે પછી એક પણ વર્ષ એવું પસાર થયું નથી કે જે વર્ષે કોઈ ને કોઈ યહૂદી વ્યક્તિને નોબેલ પ્રાઇઝ મળ્યું ન હોય. અમેરિકા જેવા ધનાઢય દેશમાં સહુથી વધુ ધનિકો યહૂદીઓ છે. આ બધું હોવા છતાં ઇઝરાયેલની યહૂદી પ્રજાએ સહુથી વધુ તકલીફો ભોગવી છે. વર્ષો સુધી ગુલામી ભોગવી છે. હિટલરે ૬૦ લાખ યહૂદીઓની હત્યા કરી નાખી હતી.

કેમ?

યહૂદીઓની માન્યતા અનુસાર ઇઝરાયેલ એ ઈશ્વરની પસંદગીની ભૂમિ છે. કહેવાય છે કે યહૂદીઓએ જ્યારે જ્યારે ઈશ્વરે દર્શાવેલા રાહથી અલગ રાહ લીધો અને ઈશ્વરે બનાવેલા નીતિનિયમોનો ભંગ કર્યો ત્યારે ત્યારે ઈશ્વરે તેમને સજા કરી છે અને છેવટે કોઈ ને કોઈ ઉદ્ધારક કે પયગંબરને ધરતી પર મોકલ્યા છે. આ બધી કથાઓ બાઇબલના જૂના કરારમાં ઉપલબ્ધ છે.

ઇઝરાયેલના રંગીન રોમાંચક પણ લોહિયાળ ઇતિહાસમાં મોઝીઝનું પાત્ર અસાધારણ છે. ઈસુના જન્મનાં ૨૦૦૦ વર્ષ પૂર્વે એ વખતે કેનાન (પેલેસ્ટાઇન) તરીકે ઓળખાતા પ્રદેશમાં સેમિટિક લોકો રહેતા હતા. કેટલાક ઇજિપ્તના નાઇલ ડેલ્ટા તરીકે ઓળખાતા વિસ્તારમાં જઈને વસ્યા હતા. એ વખતે ઇજિપ્તના રાજાઓ યહૂદીઓને ગુલામ તરીકે રાખતા હતા. આવા જ લોકો પાસે તેઓ મજૂરી કરાવતા, મહેલો અને પિરામિડ બંધાવતા અને અશક્ત કે દૂબળા માણસોને મારી નાખતા. ગુલામને પૂરાં કપડાં પણ પહેરવા માટે અપાતાં નહીં. ઇજિપ્તના રાજાઓ અનેક દેવદેવીઓની પૂજા કરતા.મૃત્યુ પછી પણ એક દિવસ તેઓ ફરી સજીવન થઈ શકશે એવી માન્યતા સાથે તેમના મૃતદેહને મમીના સ્વરૂપમાં સાચવી રખાતા. એની ઉપર તેઓ પિરામિડ બંધાવતા. ઇજિપ્તના રાજાઓનું અનેક સ્થળો પર રાજ્ય હતું.એક તબક્કે તો પેલેસ્ટાઇન ઉપર પણ એમનું શાસન હતું.

આવા સમયે મોઝીઝનો જન્મ થયો હતો. છેલ્લાં ૪૦૦ વર્ષથી યહૂદીઓ ઇજિપ્તના રાજાઓની ગુલામીમાં હતા. કહેવાય છે કે જેકબના પુત્ર જોસેફને તેના ભાઈઓએ ઇજિપ્તમાં વેચી માર્યો હતો, પરંતુ પાછળથી તે ઇજિપ્તના ફેરો હીક્સોસનો મુખ્યમંત્રી બન્યો હતો.

બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટની કથા રસપ્રચુર છે. એ વખતે ઇજિપ્તમાં ફારૂન રેમસેસે નામનો રાજા રાજ કરતો હતો. તે ઇઝરાયેલી યહૂદીઓ પાસે સખત વેઠ કરાવતો હતો. એણે ફરમાન બહાર પાડયું હતું કે જે કોઈ સ્ત્રીના પેટે છોકરો જન્મે તેને મારી નાખવો અને છોકરી જન્મે તો એને જીવતી રાખવી. હિબ્રૂ પરિવારો માટે જ એણે આ કાયદો બનાવ્યો હતો.

એ કાળમાં હિબ્રૂ પરિવારમાં એક સ્ત્રીના પેટે દીકરો અવતર્યો. બાળક એટલું સુંદર હતું કેે એને મારી નાખવાને બદલે ત્રણ માસ સુધી સંતાડી રાખ્યું. હવે વધુ સંતાડવું શક્ય ન હોઈ ઘાસની પેટીમાં બાળકને છુપાવી નદીમાં તરતું મૂકી દેવાયું. એ જ વખતે ઇજિપ્તના રાજા ફારૂનની પુત્રી નદીમાં સ્નાન કરવા આવી હતી. એણે નદીમાં તરતી પેટી જોઈ દાસીઓને કહ્યું, “એ પેટી લઈ આવો.”

પેટી ઉઘાડીને જોયું તો અંદર બાળક હતું. ફારૂનની પુત્રીને દયા આવી ગઈ અને એણે દાસીને કહ્યું, “જા, આ બાળકને સ્તનપાન કરાવવા કોઈ હિબ્રુ સ્ત્રીને લઈ આવ.”

દાસી એ બાળકની માને જ તેડી લાવી અને એ રીતે એ બાળક મોટું થયું, જે મોઝીઝ અથવા મુસા તરીકે ઓળખાયા. ‘મોઝીઝ’ એ હિબ્રૂ શબ્દ છે. એનો અર્થ છે કે જેને પાણીમાંથી ખેંચી કઢાયા.

મોઝીઝ મોટા થયા ત્યારે એમને ઇજિપ્ત છોડવું પડયું અને મિદ્યાન નામના દેશમાં જઈને વસ્યા. અહીં મિદ્યાનના વાજકની પુત્રીને પરણ્યા. એક દિવસ ઘેટાં લઈને તેઓ હેરોબ નામના પર્વત પર ગયા હતા અને અગ્નિની જ્વાળામાં દેવદૂત-ફરિશ્તાનાં દર્શન થયાં. એમણે મોઝીઝને આદેશ આપ્યો! “મોઝીઝ! મિસર (ઇજિપ્ત)માં ઇઝરાયેલીઓની દશા બહુ ખરાબ છે. તું રાજા ફારૂન પાસેથી મિસરને અને ઇઝરાયેલીઓને મુક્ત કરાવ.”

એ વાણી ભગવાન યહોવાહની હતી.

મોઝીઝ પોતાની પત્ની તથા પુત્રોને ગધેડા પર બેસાડીને મિસર ગયા. મિસરના રાજા સમક્ષ મોઝીઝે માંગણી કરી કે, “મારા દેવની આજ્ઞાા છે કે તમે ઇઝરાયેલીઓને મુક્ત કરો.”

રાજા માન્યો નહીં.

મોઝીઝે રાજા સમક્ષ પોતાની લાકડી ભોંય પર નાખી અને તે લાકડી સર્પ બની ગઈ. આ ચમત્કાર પછી પણ રાજા માન્યો નહીં. બીજા દિવસે મોઝીઝ રાજા ફારૂનને નદીના કાંઠે મળવા જવાના હતા. ઈશ્વરે આપેલી સૂચના પ્રમાણે મોઝીઝે એ સવારે રાજા ફારૂનના દેખતાં જ લાકડી નદી પર મારી અને નદીનું પાણી લોહીમાં બદલાઈ ગયું. નદીની અંદરની માછલીઓ મૃત્યુ પામી. પાણી ગંધાઈ ગયાં. મિસરીઓ નદીનું પાણી પી શક્યા નહીં. છતાં રાજા ફારૂન ઢીલો પડયો નહીં.એણે મિસરીઓને પાણી પીવરાવવા આસપાસના વિસ્તારોમાં પાણીના વીરડા ખોદાવ્યા. સાત દિવસ સુધી નદીનાં પાણી હરકતના સ્વરૂપમાં દૂષિત રહ્યાં.

યહોવાહે ફરી મોઝીઝને કહ્યું, “હજુ મિસરનો રાજા માનતો ન હોય તો રાજા ફારૂનને કહે કે, તારા દેશ પર દેડકાઓનો વરસાદ વરસશે. તું તારી લાકડી નદીઓ અને તળાવો પર ઊંચી કરજે. દેડકાથી મિસર ઊભરાઈ જશે.” આખું મિસર દેડકાથી ઢંકાઈ ગયું.

રાજા સહેજ ઢીલો પડયો અને એણે મોઝીઝને વિનંતી કરી કે, તમને તથા તમારા લોકોને જરૂરી ર્ધાિમક વિધિ માટે હું અરણ્યમાં જવાની છૂટ આપંુ છું. પણ તમે તમારા દેવને વિનંતી કરો કે, આ દેડકા હટાવી લે.

– એ રીતે રાજા ફારૂને તત્કાલીન રાહતનો દમ લીધો, પણ હજુ તે ઇઝરાયેલીઓને મુક્ત કરવા તૈયાર નહોતો.

યહોવાહની આજ્ઞાાથી મોઝીઝે લાકડીના ચમત્કારથી આખા મિસરમાં મરકીનો રોગ ફેલાવ્યો છતાં રાજા માન્યો નહીં. એ જ રીતે મોઝીઝે આખા દેશમાં કરાનો વરસાદ વરસાવ્યો અને આખા મિસરની ખેતી, વૃક્ષો, ઢોરઢાંખર નાશ પામ્યાં. માત્ર ગોશેને પ્રદેશ કે જ્યાં ઇઝરાયેલીઓ રહેતા હતા ત્યાં કરા પડયા નહીં. રાજા ફારૂને ફરી મોઝીઝને બોલાવી કરાની વર્ષા બંધ કરાવી, પરંતુ રાજા વધુ એક વાર ફરી ગયો ને વધુ હઠીલો બન્યો. મોઝીઝે હવે આખા મિસરને તીડનાં ટોળાંથી ઢાંકી દીધું. રાજા ગભરાઈ ગયો ને મોઝીઝને વિનંતી કરી તીડ હટાવી લીધાં, પણ તીડ જતાં જ તે હતો તેવો ને તેવો જ રહ્યો.

હવે ઈશ્વરની આજ્ઞાાથી મોઝીઝે પોતાનો હાથ આકાશ તરફ લાંબો કર્યો અને ત્રણ દિવસ સુધી મિસર પર કાળું અંધારું છવાઈ ગયું. કોઈ પોતાની જગ્યાએથી ઊઠી શક્યું નહીં. એકમાત્ર મિસરમાં રહેતા ઇઝરાયેલીઓના ઘરમાં જ અજવાળું હતું, છતાં રાજા અક્કડ રહ્યો.

ફરી એક વાર ઈશ્વરની ‘આજ્ઞાા’ પ્રમાણે મધ્યરાત્રિએ મોઝીઝ નીકળ્યા અને એ રાત્રે રાજા ફારૂનના પ્રથમ બાળકથી માંડીને મિસરના પ્રત્યેક મિસરી પરિવારનું પ્રથમ બાળક મૃત્યુ પામ્યું. આખા મિસરમાં હાહાકાર મચી ગયો. એક પણ એવું ઘર નહોતું કે જ્યાં એક બાળક મરી ગયું ન હોય. હવે રાજા થાકી ગયો. એણે રાત્રે જ મોઝીઝને બોલાવીને કહ્યું, “તમે ઇઝરાયેલીઓ હવે જાવ અહીંથી.”

રાત્રે જ મિસરમાં ગુલામી કરતા ઇઝરાયેલી યહૂદીઓ હવે નીકળી ગયા. કહેવાય છે કે, એમની સંખ્યા છ લાખ લોકોની હતી. ફારૂને તે બધાને જવા દીધા. ઇઝરાયેલીઓ હવે પોતાના માદરેવતન તરફ જવા નીકળ્યા અને થોડાક જ સમયમાં મિસરના રાજા ફારૂનનું મગજ ફરી ગયું, “આ બધા જતા રહેશે તો આપણી સેવાચાકરી કોણ કરશે?” એ વળી પાછો ઇઝરાયેલીઓને પકડવા પાછળ પડયો. ફારૂને ચૂંટી કાઢેલા ૬૦૦ રથ, બધા જ સેનાપતિઓ અને આખા સૈન્યને એ બધાનો પીછો કરવા રવાના કર્યું.

એ વખતે બધા યહૂદીઓ બાલસફોનની સામે પીહાહીરોથની પાસે સમુદ્રકાંઠે છાવણી નાખીને પડેલા હતા. ફારૂન અને તેના સૈન્યને નજીક આવતાં જોઈ ઇઝરાયેલીઓ ગભરાયા. યહૂદીઓ મોતને સામે જોતાં કેટલાક મોઝીઝનો વાંક કાઢવા લાગ્યા. મોઝીઝે બધાંને સાંત્વના આપી ભગવાનને યાદ કર્યા. ભગવાન યહોવાહે મોઝીઝને કહ્યું, “તું તારી લાકડી લઈને તારો હાથ સમુદ્ર પર ઊંચો કર અને દરિયાનાં પાણી પર લાકડી માર, દરિયો રસ્તો કરી દેશે. તમે બધા ચાલીને નીકળી જજો.” (ક્રમશઃ)

એક ડાહ્યો રાજા સોલોમન સ્વરૂપવાન સ્ત્રીના આકર્ષણથી મુક્ત ન થઇ શક્યો

ઈસુના જન્મ પૂર્વે ૯૬૦-૯૨૨ સુધીનો કાળ રાજા સોલોમનનો હતો. એના રાજ્યનું નામ ઇઝરાયેલ હતું. જેરૂસલેમ તેનું પાટનગર હતંુ. તે કિંગ ડેવિડનો પુત્ર હતો. એક રાત્રે યહૂદીઓના દેવ યહોવાહે રાજા સોલોમનને સાક્ષાત્કાર આપી કહ્યું, “માંગ સોલોમન! હું તને શું આપું?”

રાજા સોલોમન ડાહ્યો માણસ હતો. એણે વિનમ્રતાથી કહ્યું, “હે ભગવાન! પૃથ્વીની રજ જેટલા અસંખ્ય લોકોનો તેં મને રાજા બનાવ્યો છે. હું એ બધાને સંભાળી શકું એટલા માટે મને ડહાપણ અને વિવેકબુદ્ધિ આપો જેથી હું એ બધાંને ન્યાય આપી શકું.”

દેવ ખુશ થયા. એમણે કહ્યું, “સોલોમન! તેં ધાર્યું હોત તો ધન,સંપત્તિ અને લાંબું આયુષ્ય માગી શક્યો હોત. તેં ધાર્યું હોેત તો તારા દુશ્મનનો જીવ માગી શક્યો હોત. એના બદલે તેં તારી પ્રજાનો ન્યાય કરી શકે એટલા માટે ડહાપણ અને વિવેકબુદ્ધિ માગ્યાં. એ તો મેં તને બક્ષ્યાં જ છે, પણ એની સાથે સાથે હું તને એટલું બધું ધન અને સંપત્તિ આપીશ કે જે અગાઉના કોઈ રાજા પાસે ન હોય.”

એ પછી રાજા સોલોમને જેરૂસલેમમાં તેના દેવ યહોવાહનું ભવ્ય મંદિર બનાવડાવ્યું. એ મંદિરનાં દ્વાર અને બારીબારણાં સોનાથી મઢી લેવાયાં. મંદિર તૈયાર થતાં ૨૦ વર્ષ લાગ્યાં. એ મંદિર બાંધવા માટે ત્રણ હજાર વર્ષ પહેલાં ૮૦ હજાર માણસોને કામે લગાડવામાં આવ્યા હતા.

રાજા સોલોમને તેના રાજ્ય ઇઝરાયેલને ૧૨ પ્રાંતોમાં વહેંચી નાખ્યું હતું. સોલોમન અને તેમના રાષ્ટ્રની અદેખાઈ કરનારાં બીજાં અનેક રાષ્ટ્રો હતાં. તેમાં ઇજિપ્તનો રાજા અર્થાત્ ફેરો એ રાષ્ટ્રનો વડો હતો. ઇજિપ્તનાં સાથીરાષ્ટ્રોમાં એક રાષ્ટ્ર શીબા પણ હતું. આજે તે યેમેનના નામે અને કદીક ઇથોપિયાના નામે જાણીતું હતું. એ શીબા પર રાણી જ રાજ કરતી હતી અને તે ક્વીન ઓફ શીબા કહેવાતી હતી. રાજા સોલોમનને હરાવવામાં બધાં જ રાષ્ટ્ર નિષ્ફળ ગયાં ત્યારે ક્વીન ઓફ શીબાએ ઇજિપ્તના ફેરોને કહ્યું, “આ કામ હું કરી દઈશ.”

“પણ તને ખબર છે ને કે તે ખૂબ જ વિચારશીલ રાજા છે. વિચારશીલ માણસો સશસ્ત્ર માણસો કરતાં વધુ ખતરનાક હોય છે. વળી તે રાજા ડાહ્યો પણ છે.” સાથીદેશના એક રાજાએ કહ્યું.

ક્વીન ઓફ શીબાએ કહ્યું, “માનવી ગમે તેટલો ડાહ્યો અને વિવેકબુદ્ધિ ધરાવતો હોય પણ આખરે તો તે માનવી જ છે. દરેક માણસની કોઈ ને કોઈ નબળાઈ હોય છે. હું મારા હોઠથી તેને પરાજય આપી દઈશ.”

ક્વીન ઓફ શીબાએ રાજા સોલોમનને હરાવવાનું બીડું ઝડપ્યું. તેના સૌંદર્યની અને કૌમાર્યની ચર્ચા દૂર દૂર સુધી ફેલાયેલી હતી. ક્વીન શીબાએ ઇઝરાયેલ અર્થાત્ ફિલિસ્તાન સાથે વેપારધંધો કરતા અમીર સોદાગર તામરિનને બોલાવી કહ્યું, “આપણા દેશમાં જેટલી પણ મૂલ્યવાન સુંદર ચીજો છે તે એકત્ર કરી રાજ્ય સોલોમનને ભેટ મોકલો.” અમીર સોદાગર તામરિન મૂલ્યવાન ચીજવસ્તુઓ લઈ રાજા સોલોમન પાસે ગયો અને રાણી શીબા તરફથી તે ચીજવસ્તુઓ ભેટ ધરી. રાજા સોલોમને શીબાએ મોકલેલી ભેટ સ્વીકારી અને બદલામાં ઘણી ચીજવસ્તુઓ શીબાને મોકલી. રાજા સોલોમને મોકલાવેલાં હીરા અને ઝવેરાત જોઈ ક્વીન ઓફ શીબા સ્તબ્ધ થઈ ગઈ અને રાજા સોલોમનને મળવા બેચેન થઈ ગઈ.

ક્વીન ઓફ શીબાએ જેરૂસલેમ જવાની તૈયારીઓ શરૂ કરી દીધી. શીબા રાજા સોલોમને બંધાવેલું ભવ્ય મંદિર પણ જોવા માગતી હતી અને તેની બુદ્ધિમત્તા તથા ડહાપણ પણ ચકાસવા માગતી હતી. ક્વીન શીબા માત્ર રૂપાળી નહોતી પણ સ્વયં શ્રેષ્ઠ બુદ્ધિ,સમજદારી અને પોતાના પદનું ગૌરવ ધરાવતી સાચા અર્થમાં કુંવારિકા પણ હતી. તેના સ્વરમાં ગજબનાક માધુર્ય હતું. તે કુશળ વક્તા પણ હતી. અરબી ભાષામાં તેનું નામ ‘બાલ્કિસ’ હતું, પણ લોકો તેને શીબા તરીકે જ ઓળખતા હતા. શીબાએ મોટા કાફલા સાથે ઇથોપિયાથી જેરૂસલેમ જવાની તૈયારી શરૂ કરી. ઇથોપિયાથી જેરૂસલેમ ૧૪૦૦ માઇલ દૂર છે. અરબસ્તાનના રણમાં થઈ જેરૂસલેમ પહોંચતાં શીબાને છ મહિનાનો સમય લાગ્યો હતો. ૮૦૦ જેટલાં ઊંટ અને ખચ્ચરો પર કીમતી ભેટસોગાદો સાથે ક્વીન શીબા જેરૂસલેમ પહોંચી.

રાજા સોલોમને ક્વીન શીબાનું ભવ્ય સ્વાગત કર્યું. ક્વીનને જબરદસ્ત સન્માન બક્ષ્યું અને પોતાના મહેલની બાજુમાં જ આવેલા એક મહેલમાં રાણીને ઊતરવાનો પ્રબંધ કરી આપ્યો. ક્વીન શીબાને જે મહેલમાં ઉતારો આપવામાં આવ્યો હતો તેની ભવ્યતા જોઈ તે સ્તબ્ધ થઈ ગઈ.

ક્વીન હવે રાજા સોલોમનની સાથે વિવિધ સ્થળે જવા લાગી. એક દિવસ ક્વીને પૂછયું, “તમારા આરાધ્યદેવ કોણ છે?”

રાજાએ કહ્યું, “મારા આરાધ્યદેવ યહોવાહ છે, જે ઇઝરાયેલના ભગવાન છે.”

ક્વીન શીબા અનેક દેવોને પૂજતી હતી. ક્વીન ધીમે ધીમે રાજા સોલોમનની નિકટ આવતી થઈ પણ હજુ તેણે પોતાનું કૌમાર્ય અકબંધ રાખ્યું. ક્વીન શીબાએ રાજા સોલોમનની બુદ્ધિમત્તાની અનેક વાર કસોટી કરી. ક્વીન શીબાને છ મહિના જેરૂસલેમ આવ્યાને થઈ ગયા. તે દરરોજ સોલોમનને મળતી. અલબત્ત, રોજબરોજના આ મિલનમાં કામવાસનાને કોઈ સ્થાન નહોતું. ક્વીન શીબાની ભૂખ રાજા સોલોમન પાસેથી જ્ઞાાનપ્રાપ્તિની જ હતી, પરંતુ રાજા સોલોમનની સ્થિતિ હવે ભિન્ન હતી. એક તરફ તેને હવે ક્વીનના અદ્વિતીય સૌંદર્યનું સંમોહન થવા લાગ્યું હતું, બીજી તરફ તેની વિવેકબુદ્ધિ તેને સંયમી રહેવા ફરજ પાડતી હતી.

પૂરા છ મહિના બાદ ક્વીન શીબાએ રાજા સોલોમનને સંદેશો મોકલ્યો. “આપની બુદ્ધિમત્તાથી સંમોહિત થયેલી હું આજીવન આપની પાસે રહી જ્ઞાાન-પિપાસા તૃપ્ત કરવા માગું છું, પરંતુ મારા દેશ પ્રત્યેનું કર્તવ્ય મને ત્યાં પાછું બોલાવે છે. હવે મારા દેશ પાછા જવાનો સમય થઈ ગયો છે.”

શીબાનો આ સંદેશો સાંભળતાં જ રાજા સોલોમનની મનમાં રહેલી અભિપ્સાઓ ઊભરી આવી. ક્વીન શીબાના સૌંદર્યથી તે મોહિત હતો. એણે શીબાના તનનું સૌંદર્ય જોવા એક યોજના બનાવી. રાજા સોલોમને ક્વીન શીબાએ એક સંદેશો મોકલ્યો, “આવતીકાલે મારા દરબારમાં મારી શાસનપ્રણાલી પણ તમે નિહાળો. દરબારમાં તમારું સિંહાસન એવી જગ્યાએ ગોઠવવામાં આવશે કે એક પરદાની ભીતર તમે હશો. તમે બધાંને જોઈ શકશો પણ બીજા લોકો તમને જોઈ નહીં શકે.”

આ સંદેશો મળતાં જ ક્વીન શીબાએ સ્વીકૃતિ મોકલી આપી.

નિર્ધારિત સમય પર ક્વીન શીબા રાજા સોલોમનના મહેલમાં પહોંચી ત્યારે મહેલના વિશાળ કક્ષમાં ક્વીનના સ્વાગત માટે કતારબદ્ધ કેટલીક દાસીઓ ઊભી હતી. તે પ્રત્યેક બાંદીઓના હાથમાં પાણીથી ભરેલું એક પાત્ર હતું. બાંદીઓની કતાર પૂરી થયા બાદ છેલ્લે રાજા સોલોમન ક્વીન શીબાના સ્વાગત માટે ઊભા હતા. ક્વીન શીબા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ બાંદીઓ ક્વીનના પગને સ્પર્શે તે રીતે પાણી ફર્સ પર ઢોળતી ગઈ. પાણીથી વસ્ત્રો ભીનાં ન થાય તે હેતુથી ક્વીન શીબા તેનાં નીચેનાં વસ્ત્રો છેક ઘૂંટણ સુધી ઊંચકતી ગઈ. ક્વીન શીબાએ પગ પર ઢોળાતા પાણીને સ્વાગતની કોઈ પ્રણાલિકા સમજી લીધી, પરંતુ વાસ્તવિકતા એ હતી કે, રાજા સોલોમન શીબાના ઘૂંટણને જોવા માંગતો હતો. રાજાએ શીબાના ઘૂંટણના સૌંદર્યની ચર્ચા અનેક વાર સાંભળી હતી અને આજે તે શીબાના સ્વરૂપવાન ઘૂંટણ જોઈ અતિ પ્રસન્ન થયો.

ક્વીન શીબાના સત્કારમાં ભવ્ય મિજબાની રાખવામાં આવી. અતિ સુંદર મનોરંજન પણ પીરસવામાં આવ્યું. જાતજાતનાં પીણાં અને ભાતભાતનાં વ્યંજનો પીરસવામાં આવ્યાં. એ ભોજન અને પીણાંમાં એક યુક્તિ એવી કરવામાં આવી હતી કે ભોજનના કેટલાક સમય બાદ ખૂબ જ તરસ લાગે. મિજબાની સમાપ્ત થયા બાદ શાહી મહેમાનોએ વિદાય લીધી. નોકરચાકરોને વિદાય કરીને રાજા સોલોમન ઊભા થઈ ક્વીન શીબા પાસે ગયા. ખૂબ જ વિનમ્રતાથી તેમણે કહ્યું, “તમને મારા માટે સન્માનની લાગણી હોય તો મારી વિનંતી છે કે આજની રાત અહીં જ વિશ્રામ કરો.”

શીબા ક્ષણભર માટે વિચારમાં પડી ગઈ. પણ થોડી વાર બાદ તે બોલી, “હું રોકાઈ જવા તૈયાર છું, પરંતુ તમારે મને વચન આપવું પડશે કે તમે મારી સાથે કોઈ પણ બળનો પ્રયોગ નહીં કરો.”

રાજા સોલોમને તરત જ કહ્યું, “હું વચન આપું છું કે, હું તમારી સાથે કોઈ બળપ્રયોગ નહીં કરું, પરંતુ તમારે પણ મને એક વચન આપવું પડશે.”

શીબાએ પૂછયું. “કયું વચન?”

રાજાએ કહ્યું, “તમે આ મહેલમાંથી ચોરીછૂપીથી કોઈ પણ ચીજ લેવાનો પ્રયાસ નહીં કરો.” ક્વીન શીબાએ કહ્યું, “આટલા બુદ્ધિમાન થઈ તમે મારી પર શંકા કરો છો? મારા રાજ્યમાં ધનદોલતની કોઈ કમી નથી. મને તમારી પાસેના જ્ઞાાન સિવાય બીજી કોઈ ચીજવસ્તુની જરૂર નથી. છતાં હું તમને વચન આપું છું કે હું તમારી કોઈ ચીજને નહીં લઉં.”

આ પ્રકારના વચનબદ્ધ થઈ બેઉ એક જ મહેલમાં અલગ અલગ શયનકક્ષમાં ચાલ્યાં ગયાં. બંનેના શયનખંડ બાજુબાજુમાં જ હતા. સૂતાંની સાથે થોડી જ વારમાં ક્વીન શીબાને તરસ લાગી. એણે બાંદીને પાણી લાવવા કહ્યું. બાંદીએ કહ્યું, “પાણી નથી.” આ તરફ ભોજન સમારંભમાં પીવરાવવામાં આવેલા વિશેષ પીણાની અસરથી શીબાની પાણીની તરસ વધવા લાગી હતી. એ રાત્રે રાજા સોલોમને પીવાના પાણીની તમામ સવલતો પ્રતિબંધિત કરી દીધી હતી. ક્વીન શીબાથી ન રહેવાતાં તે બેચેન થઈ ગઈ ને તે પીવાનું પાણી લેવા રાજા સોલોમનના કક્ષમાં ગઈ. ત્યાં મૂકેલું પીવાના પાણીનું પાત્ર ઉઠાવીને તે પાણી પીવા જતી હતી ત્યાં જ રાજા સોલોમને તેનો હાથ પકડી લેતાં કહ્યું, “થોભો.”

શીબાએ કહ્યું, “કેમ?”

રાજા સોલોમને કહ્યું, “તમે વચનભંગ કરી રહ્યાં છો.”

શીબાએ પૂછયું, “પાણી પીવાથી વચનભંગ કેવી રીતે? પાણી શું ધનદૌલત છે?”

રાજા સોલોમને કહ્યું, “પાણીથી અધિક મૂલ્યવાન ચીજવસ્તુઓ પૃથ્વી પર કાંઈ જ નથી. તમે વચન આપ્યું હતું કે, તમે મારા મહેલની કોઈ ચીજવસ્તુને ગ્રહણ કરશો નહીં.”

ક્વીન શીબાએ રાજા સોલોમનના એ તર્કનો સ્વીકાર કર્યો અને કહ્યું, “ઠીક છે. હું વચનભંગ કરીને પાપ કરી રહી છું, પરંતુ તમે તમારું વચનભંગ ન કરતા અને મને જળ પીવા દો.”

રાજા સોલોમને કહ્યું, “તમે ખુશીથી પાણી પી શકો છો, પરંતુ મારી પણ વિનંતી છે કે મને પણ મારી વચનબદ્ધતાથી મુક્ત કરો.”

ક્વીન શીબાએ અસહાય થઈને કહ્યું, “ઠીક છે. આપની જે ઇચ્છા હોય તે કરી લો પણ મહેરબાની કરી મને પાણી પીવા દો.”

રાજા સોલોમને તરત જ ક્વીન શીબાનો પકડેલો હાથ છોડી દીધો. શીબાએ પાણી પીધું અને રાજા સોલોમને પ્રસારેલા બાહુઓનું આમંત્રણ સ્વીકારી ક્વીન શીબા તેમાં સમાઈ ગઈ. ક્વીન શીબાએ તે સામે કોઈ જ વિરોધ ન નોંધાવ્યો. રાજા સોલોમનને જે કામના હતી તે પરિપૂર્ણ થઈ. એ રાત્રે ક્વીન શીબાના કૌમાર્યનો ભંગ થયો, પરંતુ એ રાત્રે રાજા સોલોમનને એક વિચિત્ર સ્વપ્નઆવ્યું. આકાશમાંથી સૂર્ય ધરતી પર ઊતરી આવ્યો. પહેલાં તેણે ઇઝરાયેલ પર પોતાનાં પ્રકાશકિરણો પ્રસાર્યાં. તે પછી સૂર્ય સરકતો સરકતો ક્વીન શીબાના દેશ ઇથોપિયા પર પ્રકાશ પ્રસારવા લાગ્યો. કેટલીક વાર બાદ બીજો એક સૂર્ય ઇઝરાયેલ પર ઊતરી આવ્યો પણ ઇઝરાયેલના લોકો તેને જોવા માગતા નહોતા. લોકો તલવારો લઈને તેનો વિરોધ કરવા લાગ્યા. આ સ્વપ્નથી રાજા સોલોમન ડરી ગયો. 

બીજા દિવસે ક્વીન શીબાએ રાજા સોલોમનની વિદાય લઈ ઇથોપિયા તરફ પ્રસ્થાન કર્યું. રાજાએ અસંખ્ય ધનદૌલત અને અનેક પશુ ક્વીન શીબાને ભેટ આપ્યાં, જેમાં ૬૦૦૦ જેટલાં ઊંટ અનેક કીમતી વસ્તુઓથી ભરેલાં હતાં. જતી વખતે રાજા સોલોમને ક્વીન શીબાને એક વીંટી ભેટ આપી અને કહ્યું, “આ મારા પ્રેમની નિશાની છે. તમને પુત્રનો જન્મ થાય તો તેને મારી પાસે મોકલી દેજો.”

ક્વીન શીબાને પાછા પોતાના રાજ્યમાં પહોંચતાં મહિનાઓ લાગ્યા. રસ્તામાં જ ક્વીન શીબાએ પોતાની સાથે પુત્રરત્નને જન્મ આપ્યો. પોતાના રાજ્ય પહોંચીને ક્વીન શીબાએ પોતાની સાથે લાવેલું ધન લોકોમાં વહેંચી દીધું અને પુત્ર મોટો થતાં ક્વીન શીબાએ રાજા સોલોમન પાસેથી જે જ્ઞાાન પ્રાપ્ત કર્યું હતું તે જ્ઞાાન પુત્રને પણ આપ્યું. તે પુત્રનું નામ મેલેનિક. વયસ્ક થતાં પુત્રએ તેની માતાને પૂછયું. “મારા પિતા કોણ છે?”

શીબાએ કહ્યું, “અત્યારે એ જાણવાની જરૂર નથી.”

રાજકુમાર હવે ૨૨ વર્ષનો થયો એટલે ફરી એણે પિતાનું નામ જાણવાની માગણી કરી, “મારે મારા પિતાને મળવું છે. મને આજ્ઞાા આપો.”

ક્વીન શીબાએ અમીર વેપારી તામરિનને કહ્યું, “રાજકુમારને રાજા સોલોમન પાસે લઈ જાવ. રાજાએ આપેલી વીંટી સાથે પુત્રને જેરૂસલેમ મોકલ્યો. ક્વીન શીબાનો પુત્ર અદ્દલ રાજા સોલોમન જેવો જ દેખાતો હતો. કેટલાક એમ સમજ્યા કે ક્વીન શીબાનો પુત્ર જેરૂસલેમની ગાદી પર બેસવા આવ્યો છે પણ તેને સ્પષ્ટતા કરી, “હું તો કેવળ મારા પિતાનાં દર્શન કરવા જ આવ્યો હતો, સિંહાસન પર બેસવા નહીં.”

આ સાંભળતાં જ રાજા સોલોમને પુત્રને ગળે લગાડયો. તેને પોતાના મહેલમાં રાખ્યો. કેટલાક દિવસ બાદ પુત્રએ વિદાય લીધી. રાજા સોલોમને તેને ખૂબ ધનસંપત્તિ આપ્યાં.

ઇથોપિયા પહોંચ્યા બાદ ક્વીન શીબાએ પુત્રને પ્રેમથી ગળે લગાડયો. એ જ દિવસે ક્વીન શીબાએ ઘોષણા કરી, “આજથી હું સિંહાસન છોડું છું અને આજથી મારા પુત્રને ઇથોપિયાના રાજા તરીકે ઘોષિત કરું છું.”

લોકોએ ક્વીન શીબાના પુત્રનો નવા રાજા તરીકે જયજયકાર કર્યો. આ જયજયકારની ગુંજ ઇઝરાયેલ સુધી પહોંચી તો રાજા સોલોમનને સ્વપ્ન યાદ આવતાં ખ્યાલ આવી ગયો કે ઇઝરાયેલના ભાગ્યનો સૂરજ હવે ડૂબી રહ્યો છે અને તે સૂર્ય હવે ઇથોપિયાના આકાશ પર ચમકવા લાગ્યો. છે.

જેરૂસલેમનો રાજા સોલોમન એક ડાહ્યો અને ન્યાય આપવામાં કુશળ રાજકર્તા ગણાયો છે. એક વાર સોલોમનના દરબારમાં એક જ બાળક માટે લડતી બે સ્ત્રીઓ આવી. બંને સ્ત્રીઓ દાવો કરતી હતી કે, “આ બાળક મારું છે. બંને કલ્પાંત કરતી હતી. બાળકનો કબજો લેવા માટે એકબીજાને પીંખી નાખવા તૈયાર હતી. રાજા સોલોમને બંનેની દલીલો સાંભળી, પણ કોઈ નક્કી કરી શકતું નહોતું કે, આ નાનકડા બાળકની અસલી માતા કોણ છે?” બધા સ્તબ્ધ હતા. છેવટે રાજા સોલોમને પોતાની તલવાર ઉપાડી અને કહ્યું, “હું આ બાળકના બે ટુકડા કરી નાખું છું. બંને સ્ત્રીઓને એ બાળકના અડધા અડધા ટુકડા વહેંચી દો.”

રાજા સોલોમને જેવો બાળક પર તલવારનો ઘા કરવા હાથ ઉઠાવ્યો ત્યાં જ એક સ્ત્રી બોલી ઊઠી. “નહીં, નહીં મારે બાળક નથી જોઈતું. બાળક આ સ્ત્રીને આપી દો.”

રાજા સોલોમન સમજી ગયો કે બાળકની અસલી માતા કોણ છે. તેઓ જાણતા હતા કે, “બાળકની સાચી મા કદી બાળકના ટુકડા થવા નહીં દે.” રાજા સોલોમન તરત જ “બાળક પેલી સ્ત્રીને સોંપી દો.” કહેનાર સ્ત્રીને બાળકની અસલી માતા તરીકે જાહેર કરી એ બાળક એને સોંપી દીધું.

આ વિદ્વાન રાજા સોલોમનના ઉદય અને ક્વીન શીબાના આગમન પછી તેના પતનની કથા પણ બાઇબલની રસપ્રચુર કહાણી છે. રાજા સોલોમન વિદ્વાન હતો. કવિ પણ હતો. તેની વિદ્વત્તાનાં અનેક પ્રમાણ છે. એક વાર તે તેના દરબારમાં નાગરિકો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે કોઈ પ્રશ્નના સંબંધમાં તેણે કહ્યું હતું. “સામાન્ય રીતે બુદ્ધિમાન લોકો મૌન રહેવાનું પસંદ કરે છે અને કોઈ વાર મૂર્ખ માણસ પણ મૌન રહે તો તે પણ બુદ્ધિમાન લાગે છે.”

લોકોને તેનું આ વિધાન સમજતાં વાર લાગી હતી. સમજણ પડયાં પછી બધા હસી પડયાં હતાં. રાજા સોલોમને બીજાં ઘણાં ગહન સત્યો પણ ઉચ્ચાર્યાં છે. ક્વીન શીબા સાથેનાં લગ્ન બાદ તે પ્રજાજનોને ભૂલી ગયો હતો. તેણે પાછલી જિંદગીમાં કેટલીક ભૂલો પણ કરી હતી. પવિત્ર બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટ પર આધારિત આ કથો બાઇબલની વધુ કહાણીઓ તરફ આર્કિષત કરે છે.

 

એક તબક્કે તેણે કબૂલ કર્યું હતું કે, “જ્ઞાાનની વ્યાપકતા ક્યારેક દુઃખો પણ લાવે છે.”

 
 

દર વર્ષે સોલોમન પાસે અઢળક સોનું આવતું હતું. અરબસ્તાનના ખંડિયા રાજાઓ, અમીરો તથા વેપારીઓ તરફથી કર પેેટે આ સોનું આવતું હતું. સોલોમને એના સમયમાં સોનાની ૨૦૦ મોટી ઢાલો, ૩૦૦ નાની ઢાલો બનાવડાવી હતી. પોતાના માટે હાથીદાંતનું મોટું સિંહાસન બનાવ્યું હતું. તેને સોનાથી મઢી લીધું હતું. રાજાના પીવાનાં સર્વે પાત્રો સોનાનાં હતાં. એના સમયમાં ચાંદીની કોઈ કિંમત જ નહોતી. ઘોડાઓ માટે ચાર હજાર તબેલા બનાવ્યા હતા. રાજા સોલોમને ઇઝરાયેેલ ઉપર ૪૦ વર્ષ રાજ કર્યું અને ઇઝરાયેલ પાસે આજે પણ જે ધનસંપત્તિ છે, તેનું કારણ સોલોમન છે. સોલોમને લખેલાં કાવ્યો પૌરાણિક સાહિત્યમાં અણમોલ ગણાય છે. સોલોમન પ્રજા માટે ડાહ્યો રાજા હતો, પરંતુ તેનું અંગત જીવન વિલાસી હતું. તે પુષ્કળ કામુક હતો. એણે પુષ્કળ લગ્નો કર્યાં હતાં અને હારેમની કેટલીક સ્ત્રીઓને ર્મૂિતપૂજા કરવાની પણ છૂટ આપી હતી. તે ફેરોઝની દીકરીઓને પણ પરણ્યો હતો. સોલોમને વેપાર-ધંધા પણ ખૂબ વધાર્યા હતા અને કહેવાય છે કે ભારતના વેપારીઓ પાસેથી પણ એ કેટલીક અમૂલ્ય ચીજો ખરીદતો.

સોલોમનના સમયમાં જેરૂસલેમ એની ઊંચામાં ઊંચી ભવ્યતાના સમયમાંથી પસાર થઈ રહ્યું. અલબત્ત, અહીં બંધાયેલું જેરૂસલેમનું મંદિર ઇઝરાયેલના યહૂદીઓ માટે જ નહીં, પરંતુ બિન-યહૂદીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું. આ મંદિર અનેક વાર તૂટયું અને અનેક વાર ફરી બંધાયું. સદીઓથી યહૂદીઓ માટે સોલોમને બંધાવેલું મંદિર અને મોઝીઝે પ્રાપ્ત કરેલા શિલાલેખ જે અહીં સ્થાપિત કરાયા હતા તે યહૂદીઓ માટે આજે પણ શ્રદ્ધાનું કેન્દ્ર છે.

રાજા સોલોમનના મૃત્યુ પછી તેને દાઉદનગરમાં દાટવામાં આવ્યો અને તેની જગ્યાએ તેનો પુત્ર રહાબઆમ રાજા બન્યો. રાજા સોલોમને બાંધેલી જેરૂસલેમની ઊંચી દીવાલો આજે પણ દૃશ્યમાન છે. એના ચોરસ પથ્થરોની ભીતર હજારો વર્ષ પુરાણી રાજાશાહીની ભવ્યતા અને શીબાની પ્રણયકથાની કંઈકેટલીયે વાતો ધરબાયેલી છે.

આજથી ૩૦૦ વર્ષ પૂર્વે થઈ ગયેલો રાજા સોલોમન એક ડાહ્યો રાજા હોવા છતાં એક સ્ત્રીનાં સૌંદર્યથી આકર્ષાઈને ભાન ભૂલ્યો હતો. ક્વીન શીબા કે જે ખુદ રાજા સોલોમનનું સામ્રાજ્ય ધ્વસ્ત કરવા આવી હતી તે પણ રાજાનાં જ્ઞાાન અને બુદ્ધિમત્તાને જોઈ કિંગ સોલોમનના પ્રેમમાં પડી ગઈ હતી. પાછલી જિંદગીમાં રાજા સોલોમને ઘણી ભૂલો કરી હતી. ઈશ્વરે દર્શાવેલા મૂળ રાહમાંથી તે ભટકી ગયો હતો. એણે લોકો પર ખૂબ આકરા કર નાખ્યા હતા. બીજી એક દંતકથા પ્રમાણે જેરૂસલેમના લોકોએ મંદિરમાં પ્રાર્થના કરવા ગયેલી ક્વીન શીબાને ઇઝરાયેલનાં બધાં જ દુઃખોનું કારણ કહી પથ્થરો મારી ઘાયલ પણ કરી દીધી હતી. રાજા સોલોમન ઈશ્વરની આજ્ઞાાથી ડરતો હતો ત્યારે ક્વીન શીબા રાજા સોલોમનના ઇષ્ટદેવની અનુરાગી બની ગઈ હતી. પાછલી જિંદગીમાં રાજા સોલોમને ખૂબ દુઃખ અનુભવ્યું હતું અને ઇઝરાયેલ પર નારાજ થયેલા દેવની અવકૃપા પણ એણે નજરોનજર નિહાળી હતી.

પવિત્ર બાઇબલના ઓલ્ડ ટેસ્ટામેન્ટ પર આધારિત આ કથાએ કોલેજકાળ પર મને બાઇબલની વધુ કહાણીઓ તરફ આર્કિષત કર્યો હતો. સોલોમને બાંધેલાં અને હવે ખંડેર થઈ ગયેલાં એ મંદિરની દીવાલ ‘રુદનની દીવાલ’ તરીકે ઓળખાય છે.   

હની, તમે એવું ઇચ્છો છો કે, હું તમને સીટ બેલ્ટ બાંધતા શીખવું

રાજસ્થાનની દારૂની ફેક્ટરીઓ ગુજરાત પર ચાલે છે. બીજી ઉક્તિ છે કે, સ્કોટલેન્ડમાં જેટલો સ્કોચ બને છે તે કરતા વધુ સ્કોચ ગુજરાતમાં પીવાય છે. પહેલી ઉક્તિ સમજવી સરળ છે. બીજી ના સમજાય તો’પેગ’ ના જાણકારને પૂછી જોજો કે ગુજરાતમાં કેટલો બનાવટી સ્કોચ વેચાય છે, પીવાય છે. આ કક્ષના મૂળ વિષય પર આવતા પહેલાં પ્રસ્તાવના એટલા માટે બાંધવી પડી કે, જ્યાં દારૂ પીવાની છૂટ છે તેવા દેશો અને રાજ્યો કરતા જ્યાં દારૂબંધી છે તેવા ગુજરાતમાં શ્રીમંતોના નબીરાઓ પીને અને પીધા વગર પણ ગંભીર અકસ્માતો સર્જે છે. હિટ એન્ડ રન એ અમદાવાદ જેવા શહેરની ઓળખ બની ગઈ છે. જેની પાસે જેટલી સહુથી મોંઘી ગાડી તેટલી કાનૂન ભંગની માનસિકતા વધુ. પાંચ લાખની કાર કરતાં ૨૦, ૪૦ કે ૮૦ લાખની કાર ચલાવતો નબીરો સિગ્નલ તોડવામાં, બેફામ કાર ચલાવવામાં, ખોટા ઓવરટેક કરવામાં પોતાની જાતને સુપરસ્ટાર સમજે છે. હવે ધારો કે ગુજરાતમાં ‘ચીલ્ડ બિયર’ ની દુકાનો ખૂલી જાય અને ચોરે ને ચૌટે ‘બાર’ ખૂલી જાય તો આ નબીરાઓ રોજ કેટલા અકસ્માતો સર્જે?

લાઈસન્સ ટુ કીલ?

અમદાવાદના કારચાલકો કરતા મુંબઈની કાળી પીળી ટેકસીવાળા વધુ સિવિલાઈઝડ છે, કાનૂનને માન આપનારા છે. હેલ્મેટ ફરજિયાત છે. છતાં ગુજરાતના શહેરોમાં ૮૦ ટકા કરતા વધુ વાહનચાલકો હેલ્મેટ પહેરતા નથી. સીટ બેલ્ટ ફરજિયાત છે પણ ૮૦ ટકા વાહનચાલકો સીટબેલ્ટનો ઉપયોગ કરતા નથી. શહેરની છોકરીઓ સ્કૂટી પર સવાર થઈને નીકળે છે ત્યારે અફઘાન સ્ત્રીની જેમ આંખો દેખાય એટલો જ ભાગ ખૂલ્લો રાખી આખો ચહેરો   કપાળ અને કાન દુપટ્ટાથી ઢાંકી દે છે . આ દુપટ્ટો ત્વચાને નુકસાન થતું અટકાવવા બાંધવામાં આવે છે કે ચહેરો છૂપાવવા તે કળવું મુશ્કેલ છે. આજે તો પિતા આગળથી પોતાની દીકરી પસાર થઈ જાય તો સગો બાપ પણ તેના ઓળખી ના શકે તેવી પરિસ્થિતિ હોય છે. કેટલાક ટાબરિયા વગર લાઈસન્સે સ્કૂટી દોડાવતા જણાય છે. આમાં બાળકો કરતા તેમના માતા-પિતાનો દોષ વધુ છે. પિતાએ બાળકના હાથમાં સ્કૂટીની કે યુવાન પુત્રના હાથમાં કારની ચાવી આપતા પહેલાં કહેવું જોઈએ કે “આ વાહનની ચાવી ‘લાઈસન્સ ટુ કિલ’ નથી.

કિન્નરોનો ઉપયોગ

મુંબઈ જેવા શહેરમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે હવે કેટલાંક અભિયાન ચલાવવામાં આવે છે. “્રી જીીટ્વં હ્વીઙ્મં ષ્ઠિીુ” નામની બે મિનિટની એક ફિલ્મ ટ્રાફિકના નિયમોની જાગૃતિ માટે બની છે તે ટૂંક સમયમાં જ વાયરલ બનતા ‘યૂ ટયૂબ’ પર તેને ૪૬ લાખ હીટસ મળી છે. એટલે કે ૪૬ લાખ માણસોએ એને નિહાળી છે. એ જ રીતે નવી દિલ્હીમાં તેથીયે અલગ એવો પ્રયોગ ટ્રાફિક અવેરનેસ માટે કરવામાં આવ્યો છે. પશ્ચિમ દિલ્હીના ડિસ્ટ્રિકસ કમિશનરે લોકો તેમના ટ્રાન્સજેન્ડર્સ એટલે કે કિન્નરો (હીજડા)નો ઉપયોગ લોકોમાં ટ્રાફિકના નિયમોમાં જાગૃતિ લાવવા માટે શરૂ કર્યો છે.

એર હોસ્ટેસ જેવો ડ્રેસ

દિલ્હીમાં કેટલાક કિન્નરોને ટ્રાફિકના નિયમો અંગે તાલીમ આપવામાં આવી છે. તેમને એરહોસ્ટેસ જેવો આકર્ષક ડ્રેસ-સાડી આપવામાં આવ્યા છે. આખી બાંયનું બ્લાઉસ અને એરહોસ્ટેસની સ્ટાઈલથી સાડી પહેરાવવામાં આવે છે. તે પછી દિલ્હીના મુખ્ય માર્ગોના ચાર રસ્તાઓ પર તેઓ ઊભા રહી બાઈક સવારને હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ બાંધ્યા વગર વાહન ચલાવતા ચાલકને તેમની આગવી અદાથી ખાસ સ્ટાઈલથી સીટ બેલ્ટ બાંધવા નમ્રતાથી સલાહ આપે છે. લોકોને પણ મજા પડે છે. એરહોસ્ટેસ જેવા દેખાતા રૂપાળા કિન્નરો સાથે લોકો વાત કરી તેમની સૂચનાનો તરત જ અમલ કરે છે. આ કિન્નરો પ્લેનના કેબિન ક્રૂ જેવા જ લાગે છે. તેઓ લોકોને તેમની જિંદગી બચાવવાના માત્ર પાઠ જ ભણાવતા નથી પરંતુ પોતાની ખાસ લાક્ષણિકતાથી લોકોના ચહેરા પર સ્મિત પણ આણે છે.

પાઈલોટ પ્રોજેક્ટ

દિલ્હીની ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ તાલીમ પામેલા આ કિન્નરોને રોજનું ૫૦૦ રૂપિયાનુ વેતન આપવામાં આવે છે. તેમને પૂર્વ દિલ્હીના મહત્ત્વના સ્થાનો પર તૈનાત કરવામાં આવ્યા છે. તેમને રોજ બપોરના ત્રણ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીની ડયૂટી સોંપવામાં આવી છે. આ એક પાઈલોટ પ્રોજેક્ટ છે અને પ્રથમ પ્રયોગ માટે આઠ કિન્નરોની સેવા લેવામાં આવી રહી છે. આ કિન્નરોની પસંદગી કિન્નરોના કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઃ “પહેલ વેલ્ફેર સોસાયટી” દ્વારા કરવામાં આવી છે. આ પ્રકારનો એક પ્રયોગ સુરતમાં પણ થયો હતો. મુંબઈ અને ચેન્નાઈમાં પણ આ પ્રકારના પ્રયોગો થઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં સરકારે સ્વચ્છ ભારત અભિયાન માટે પણ કિન્નરોનો ઉપયોગ કર્યો હતો. આ કિન્નરોની પસંદગી સાવધાનીપૂર્વક કરવામાં આવે છે. તેઓ દેખાવડાં હોય,સુંદર મેઈકઅપ કરી શકતાં હોય અને વાહનચાલકને સમજાવવાની આવડત હોય તેવા કિન્નરોની જ સેવા લેવામાં આવે છે. ટેકસી કે ઓટોમાં બેસતાં પહેલા તેની તસવીર લેવી, ડ્રાઈવરનો મોબાઈલ નંબર લેવો અને વાહન ચાલુ થાય તે પહેલા તે નંબરની પરિવારને કે મિત્રને જાણ કરવી એવા નિયમો અને સાવધાની ખાસ કરીને સ્ત્રીઓની સલામતી માટે તેઓ શીખવે છે. દારૂ પીને કદી મોટર કે દ્વિચક્રી વાહન ના ચલાવવા તેની પણ તેઓ સમજણ આપે છે. લાલબત્તી પાસે ઊભા રહેલા વાહનોને તેઓ સંબોધે છે ત્યારે લોકો મંત્રમુગ્ધ થઈ તેમને સાંભળી રહે છે. લોકોને તેઓ કહે છે “તમારી મોટરકારમાં ઓક્સિજન માસ્ક નથી. તમારી સીટની નીચે લાઈફ જેકેટ નથી, પણ તમારી પાસે સીટ બેલ્ટ છે એને બાંધો. તમે એ કેમ પહેર્યો નથી, હની! તમે એવું ઇચ્છો હું તમને સીટ બેલ્ટ બાંધવાનું શીખવું? અને લોકો ખુશ થઈ જાય છે. ક્યારેક તેઓ મોટરચાલકોને ખુશ કરવા ગ્રૂપ ડાન્સ પણ કરે છે.

સમાજમાં ભાગીદારી

અને આ ટ્રાન્સજેન્ડર્સ અદ્ભુત લાગે છે. બ્લેક બોર્ડર વાળી બ્લુ સાડીમાં તેઓ આકર્ષક લાગે છે. સલામતી માટેના તેમના સંદેશાનુ તેઓ જ્યારે બ્રોડકાસ્ટિંગ કરે છે ત્યારે તે દૃશ્યનો પ્રેક્ષણીય હોય છે તે બધાને ‘હમ હૈ ….” એવું નામ આપવામાં આવ્યું છે.

ચાલો, એક તો એ સારું થયું કે સમાજ જેમને તરછોડે છે તેવા કિન્નરોનો સદુપયોગ થયો તેમને આદર મળ્યો. સમાજમાં ભાગીદારી મળી અને લોકોને શિક્ષણ મળ્યું. જે કામ સ્કૂલના શિક્ષકો-શિક્ષિકાઓએ કરવું જોઈએ તે કામ હવે કિન્નરો કરી રહ્યાં છે.

નવી દિલ્હીમાં સરદાર સાહેબનું નિવાસસ્થાન સ્મારક ના બન્યું

નવી દિલ્હી હવે કેટલાક નેતાઓના જ સ્મારકોની નગરી બની રહી છે કેમ ?

દેશની રાજધાની નવી દિલ્હીનું સ્વરૂપ બદલાતું જાય છે. મંત્રીઓ અને નવા ચૂંટાયેલા સાંસદો માટે બંગલા ઓછા પડે છે. સિનિયર સાંસદોને બંગલા મળે છે. નવા સાંસદોને ફ્લેટ્સ મળે છે. કેટલાક સાંસદો હારી ગયા પછી પણ તેમને અપાયેલા બંગલા ખાલી કરતા નથી. તેઓ એ બંગલાઓને પોતાની જાગીર સમજે છે. તેનો લેટેસ્ટ દાખલો પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહના પુત્ર અજિતસિંહ છે. ચૌધરી અજિતસિંહ છેલ્લાં ૩૬ વર્ષથી આ બંગલામાં રહેતા હતા, પરંતુ તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓમાં અજિતસિંહ અને તેમના પુત્ર ચૌધરી જયંત એ બંને હારી ગયા. તેમને બંગલો ખાલી કરવા નોટિસ આપવામાં આવી છતાં બંગલો ખાલી ના કર્યો. છેવટે વીજળી-પાણીનાં જોડાણો કાપવામાં આવતાં વિવશ થઈ બંગલો ખાલી કરવો પડયો.

સ્મારક અને જાટ

ચૌધરી અજિતસિંહ નવી દિલ્હીના તુગલક રોડના આ બંગલામાં રહેતા હતા. અજિતસિંહની માગણી હતી કે, આ બંગલામાં તેમના પિતા ચૌધરી ચરણસિંહ રહેતા હોઈ બીજા પૂર્વ વડા પ્રધાનોની જેમ આ બંગલાને પણ ચૌધરી ચરણસિંહના સ્મારકમાં પરિર્વિતત કરી નાખવું જોઈએ. કેન્દ્ર સરકારે તેમ કરવાનો ઈનકાર કરી દીધો છે. અજિતસિંહનું કહેવું છે કે, “મારા પિતા ઘણા દાયકા સુધી આ બંગલામાં રહ્યા હતા. આ જ મકાનમાં તેમનું નિધન થયું હતું”, પરંતુ કેન્દ્ર સરકારે એવી કોઈ વાત સ્વીકારી નથી. એ કારણસર અજિતસિંહે જાટ-કાર્ડ ખેલ્યું. તેમણે કહ્યું, “ચૌધરી ચરણસિંહ જાટોના-ખેડૂતોના નેતા હતા. આ ઘટના જાટોનું અપમાન છે.” એ પછી એમણે જાટોને ઉશ્કેર્યા. હરિયાણા, રાજસ્થાનના જાટોમાં મોદી સરકાર વિરુદ્ધ રોષ ફેલાવાની કોશિશ થઈ. દિલ્હીમાં જબરદસ્ત દેખાવો થયા. ઉત્તર પ્રદેશની પોલીસ સાથે સંઘર્ષ થયો. અનેક લોકોની ધરપકડ થઈ. જાટોની આ નારાજગીની અસર હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ના પડી.

અજિતસિંહનો આરોપ

ચૌધરી અજિતસિંહનો આરોપ છે કે, ભાજપાની સરકારે દ્વેષભાવથી આ બંગલો ખાલી કરાવ્યો છે. ચૂંટણીમાં હારી ગયેલા કેટલાયે ભાજપાના નેતાઓએ કેટલાક બંગલાઓનો ગેરકાયદે કબજો જારી રાખ્યો છે. ૧૫ વર્ષ પહેલાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે,ભવિષ્યમાં એક પણ નેતાના આવાસને સ્મારકમાં બદલી નાખવામાં નહીં આવે તો પછી લાલબહાદુર શાસ્ત્રી અને બાબુ જગજીવરામના બંગલાઓને સ્મારકના રૂપમાં કેમ પરિર્વિતત કરવામાં આવ્યા ?

અન્ય સ્મારકો !

એ વાત સાચી છે કે, નવી દિલ્હી હવે સ્મારકોની જ નગરી બનતી જાય છે. દિલ્હીમાં કેટલાયે નેતાઓના મૃત્યુ બાદ તે નિવાસોને સ્મારક બનાવી દેવાયા છે. શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીથી જ થઈ હતી. બાપુ એક વિરાટ પ્રતિભા હતા. તેમનું સ્મારક બને તેની સામે કોઈને ય વાંધો હોઈ ના શકે. બાપુનું જ્યાં નિધન થયું તે બિરલા હાઉસને સ્મૃતિ સ્થળ તરીકે બદલી નાખવામાં આવ્યું. એ પછી પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ કે જેઓ તીનર્મૂિત ભવનમાં રહેતા હતા તેને નહેરુ રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ફેરવી નાખવામાં આવ્યું. નવી દિલ્હીના સફ્દર જંગ રોડ ખાતે જ્યાં પૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી રહેતાં હતાં અને જ્યાં તેમની હત્યા થઈ તેને ઇન્દિરા સ્મારક ભવનમાં બદલી નાખવામાં આવ્યું. એ જ રીતે લાલબહાદુર શાસ્ત્રી કે જેઓ જનપથ રોડના જે બંગલામાં રહેતા હતા તે બંગલાને લાલબહાદુર શાસ્ત્રી સ્મારક ભવન તરીકે બદલી નાખવામાં આવ્યું. દલિત નેતા બાબુ જગજીવનરામના આવાસને પણ સ્મારક ભવનમાં બદલી નાખવાનો મામલો વર્ષો સુધી લટકતો રહ્યો, પરંતુ લોકસભાની છેલ્લી ચૂંટણીના ૧૦ મહિના પહેલાં જ પૂર્વ યુપીએ સરકારે તેમના નિવાસ સ્થાનને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપ્યો. ડો. આંબેડકરના અલીપુર રોડ સ્થિત આવાસને રૂ. ૫૦ કરોડનો ખર્ચ કરીને એક ઉદ્યોગપતિ પાસેથી ખરીદીને કેન્દ્ર સરકારે તેને ‘આંબેડકર સ્મૃતિ સદન’નો દરજ્જો આપ્યો છે. એ જ રીતે મૌલાના આઝાદ અને ડો. ઝાકિર હુસેન, ફકરુદ્દીન અલી અહેમદના સ્મારક પણ કેન્દ્ર સરકારના ખર્ચે જ દિલ્હીમાં બની ગયા છે.

જેમનાં સ્મારક નથી !

નવી દિલ્હીમાં રાષ્ટ્રીય નેતાઓનાં સ્મારકો બનાવવામાં પણ વ્યક્તિગત કારણો અને પક્ષીય રાજનીતિની અસર દેખાય છે. દેશના પહેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ એક ઉમદા વ્યક્તિ હતા, પરંતુ દેશની રાજધાનીમાં તેમનું કોઈ જ સ્મારક નથી. દેશના એવા જ એક વિદ્વાન રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નવી દિલ્હીમાં કોઈ જ રાષ્ટ્રીય સ્મારક નથી. ડો. શ્યામા પ્રસાદ મુકરજીના આવાસને પણ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપ્યો નથી. આ જ સ્થિતિ સરદાર વલ્લભભાઈ પટેલની છે. દેશની ૫૦૦થી વધુ રિયાસતોને એક કરી હિન્દુસ્તાનના નેજા હેઠળ લાવવાનું ભગીરથ કાર્ય કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ નાયબ વડા પ્રધાન તરીકે જે મકાનમાં રહેતા હતા તેને આજ સુધી રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવ્યું નથી. સરદાર સાહેબ દિલ્હીના જે મકાનમાં રહેતા હતા તે મકાનમાં કેટલીક રાજકીય પાર્ટીઓના માણસો ઘૂસી ગયા છે અને તેમાં તેમના પક્ષોની ઓફિસ ચલાવે છે. આ મકાન બિસ્માર હાલતમાં છે. તેની માવજત પણ થતી નથી અને તેની પરથી ઉખડી ગયેલો રંગ પણ નવેસરથી કરવામાં આવતો નથી. સરદાર સાહેબનું નિધન મુંબઈ ખાતે થયું હતું અને તેમની અંતિમક્રિયા પણ એક સામાન્ય સ્મશાન ખાતે કરી દેવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાાન ઝૈલસિંહના પરિવારજનોના ભારે દબાણ છતાં ચાણક્યપુરી ખાતેના તેમના નિવાસને રાષ્ટ્રીય સ્મારકમાં બદલવાની માગણી ફગાવી દેવામાં આવી છે.

દિલ્હીમાં આટલા બધા નેતાઓનાં સ્મારકો છે પણ દેશની રાજધાનીમાં સરદાર સાહેબ જે બંગલામાં રહેતા હતા તે નિવાસસ્થાન જ સ્મારકમાં પરિર્વિતત નથી .

કેમ ?

ભાજપા તેના સાથી પક્ષોને કદ પ્રમાણે વેતરી રહ્યો છે

રાજનીતિ ક્રૂર છે. રાજનીતિમાં સંબંધો, લાગણીવેડા, પૂર્વનાં સમીકરણો એ કાંઈ ચાલતું નથી. રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીના આગમન બાદ દેશની રાજનીતિ અને સમીકરણો એ બધું જ બદલાઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપા અને શિવસેનાના ૨૫ વર્ષના સંબંધો ખરાબે ચડયા છે. શિવસેના સાથેના સંબંધોનો અંત એ ભારતીય જનતા પાર્ટીની લાંબા ગાળાની યોજનાનો જ એક ભાગ છે. અત્યારે ટૂંકાગાળા માટે એ સંબંધો પૂર્વવત્ બને કે તૂટે, પરંતુ ભાજપાની રાજનીતિ એ છે કે, દેશમાં ફરી એક વાર એક નાના તમામ પક્ષોને ગ્રહણની પાછળ અદૃશ્ય કરીને ભાજપાએ એક શક્તિશાળી રાષ્ટ્રીય પક્ષ તરીકે ઊપસવું. મહારાષ્ટ્ર અને હરિયાણા- આ બંને રાજ્યોની ચૂંટણીઓ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રાજનીતિમાંથી ગઠબંધનની જરૂરિયાતોનો અંત લાવવા ભાર મૂક્યો હતો.

સોદાબાજી શક્ય નથી

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ દેશમાં જે રાજકીય શૂન્યાવકાશ પેદા થયો છે તેમાં પદાર્પણ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાના પ્રમુખ અમિત શાહ ઝડપભેર કામગીરી કરી રહ્યા છે. આ યોજનાના ભાગરૂપે ભાજપા તાત્કાલિક તેના સાથી પક્ષોને ફગાવી નહીં દે, પરંતુ મોદી સરકારના અસ્તિત્વ માટે કોઈ ખાસ મહત્ત્વ ન ધરાવતા તેના સાથી પક્ષો આજે ભાજપા સાથે કોઈ શરતો લાદી શકે અને સત્તામાં ભાગીદારી માટે કોઈ સોદાબાજી કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી. મહારાષ્ટ્રમાં શિવસેનાની હાલત ખરાબ છે. ઉદ્ધવ ઠાકરે ભાજપાની સરકારમાં જોડાવા તત્પર છે, પરંતુ ભાજપા જ તેનાથી અંતર રાખે છે. શિવસેનાની આટલી દયામણી હાલત અગાઉ કદી નહોતી.

નવી વ્યૂહરચના

એક સમય હતો જ્યારે દેશમાં ભારતીય જનતા પાર્ટી બીજા પક્ષો માટે અસ્પૃશ્ય હતી. અટલ બિહારી વાજપેયીના ઉદય બાદ તેમના ઉદારમતવાદી ચહેરાના કારણે ‘૯૦ પછીનાં વર્ષોમાં કેટલાક પક્ષો તેમના સાથી બન્યા અને ૧૯૯૮માં ૨૪ જેટલા ભાગીદાર પક્ષોની બનેલી ભાજપાના નેતૃત્વવાળી એનડીએ સરકાર બની. રસપ્રદ વાત એ પણ છે કે, આજની નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની એનડીએ સરકાર પણ ૨૯ જેટલા પક્ષોની બની. તેમાંથી બે પક્ષો સાથ છોડી ગયા છે. ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાં આ સાથીદારોની ખોજ કરવામાં આવી હતી, કારણ કે ભાજપાને પોતાને જ ખાતરી નહોતી કે તેને સ્પષ્ટ બહુમતી મળશે. ભાજપાએ હવે નવી વ્યૂહરચના અપનાવી છે. બીજી પાર્ટીઓ સાથે નવાં જોડાણો કરવાના બદલે બીજા પક્ષોના ચાવીરૂપ નેતાઓની જ આયાત કરવા માંડી છે. દા.ત. કોંગ્રેસના બીરેન્દ્ર સિંહ અને રાવ ઇન્દ્રજીત સિંહ, રાષ્ટ્રીય જનતા દળના રામક્રીપાલ યાદવ, રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીના ઉપેન્દ્ર કુશવાહ અને નેશનલ કોન્ફરન્સના અજાતશત્રુ આનાં ઉદાહરણો છે.

ભાજપાનું ગેમ્બલિંગ

રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીના ઉદય સાથે જ બધું બદલાવા માંડયું છે. મોદીના નામની જાહેરાત સાથે જ નીતિશકુમારની જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ ભાજપા સાથે છેડો ફાડયો તે પહેલો સંકેત હતો. અલબત્ત, ભાજપા માટે આ મોટો જુગાર હતો. તેને મોટો ફાયદો બિહારમાં જ થયો અને નીતિશકુમારની પાર્ટીને મોટી પછડાટ મળી. પરિસ્થિતિ એવી પેદા થઈ કે નીતિશકુમારે તેના જબરદસ્ત વિરોધી એવા લાલુ પ્રસાદ યાદવ સાથે દોસ્તી કરવા જવું પડયું. દિલ્હીમાં મોદી સરકારની રચના બાદ નાના સાથી પક્ષોને હડસેલી મૂકવા માટે ભાજપાનો આત્મવિશ્વાસ વધ્યો અને મહારાષ્ટ્ર તથા હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડવાની રણનીતિ અપનાવી. જેનો તેને ફાયદો પણ થયો. આ બંને રાજ્યોમાં ભાજપાના મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરી શકાય તેવો એક પણ કેરિશ્મેટિક ચહેરો ના હોવા છતાં ભાજપા નરેન્દ્ર મોદીના સહારે તરી ગઈ અને એ બંને રાજ્યોમાં સરકાર પણ રચી દીધી. હરિયાણામાં ભાજપાએ કુલદીપ બિશ્નોઈના નેતૃત્વ હેઠળની હરિયાણા જનહિત કોંગ્રેસ સાથે છેડો ફાડયો. નોંધપાત્ર વાત એ છે લોકસભામાં આ બંને પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી કુલ ૧૦માંથી ૭ બેઠકો કબજે કરી હતી છતાં ભાજપાએ હરિયાણા જનહિત કોંગ્રેસને અલગ કરી એકલા હાથે ચૂંટણી લડી. આ જુગાર પણ સફળ થયો. ભાજપાને હરિયાણામાં જબરદસ્ત સફળતા મળી. મહારાષ્ટ્રમાં પણ લોકસભાની ચૂંટણી વખતે ભાજપા-શિવસેનાની યુતિએ કુલ ૪૮માંથી ૪૨ બેઠકો કબજે કરી હતી. એ જ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપાએ તેના વર્ષો જૂના સહયોગી શિવસેનાથી અલગ થઈને ચૂંટણી લડવાનો જુગાર ખેલ્યો. ફાયદો ભાજપાને જ થયો. એક મોટા પક્ષ તરીકે ભાજપા ઊપસી. શિવસેનાને બાજુમાં હડસેલી સરકાર પણ રચી દીધી.

દક્ષિણનાં રાજ્યોમાં

દક્ષિણનાં રાજ્યોમાં ભાજપાનો હજુ પ્રભાવ નથી, પણ એણે પોતાનો પગદંડો જમાવવાના પ્રયાસનો આરંભ તો કરી જ દીધો છે. ૨૦૦૮માં ભાજપાએ કર્ણાટકમાં પહેલી જ વાર સરકાર રચી હતી, પણ તે પછીની ચૂંટણીઓમાં ભાજપાનો પરાજય થયો. તે પછી કર્ણાટકમાં ભાજપાએ નાની પ્રાદેશિક પાર્ટીઓ સાથે જોડાણ કર્યું. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૧૨ બેઠકો જીતીને ભાજપાએ તેનો આત્મવિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત કર્યો છે. તમિળનાડુમાં જયલલિતાને આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં જેલમાં જવું પડયું અને જયલલિતાના પ્રતિસ્પર્ધી એવા એમ. કરુણાનિધિની ડીએમકે પાર્ટીને કોંગ્રેસ સાથે વાંકુ પડયું છે તેથી ભાજપા હવે કોઈપણ સાથી પક્ષની મદદ વિના તમિળનાડુમાં પગરણ માંડવા તૈયારી કરી રહ્યું છે. તમિળનાડુની નાની પાર્ટીના નેતા વાઈકો અને કેપ્ટન વિજયકાંત કે જેઓ એનડીએના સહયોગી રહ્યા છે તેમને પણ હવે દૂર કરવાની રણનીતિ ભાજપા અપનાવી રહ્યું છે.

દેશને કોઈ એક જ રાષ્ટ્રીય પક્ષ ચલાવે તે જરૂરી છે અને ભાજપા એ યોજનાના ભાગરૂપે નાના સાથી પક્ષોને તેમના કદ પ્રમાણે વેતરી રહ્યું છે, જે ખોટું પણ નથી.

ભારતીય જનતા પાર્ટીએ તેના સાથી પક્ષોને સોદાબાજી કરી ન શકે તેવી સ્થિતિમાં લાવી દીધા

Page 2 of 3

Powered by WordPress & Theme by Anders Norén