Devendra Patel

Journalist and Author

Date: December 22, 2014

હું નાગણ બની ચૂકી છું ઘરમાં જ ફરતી હોઈશ!

રચના.

ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામ માંગરૌલીમાં રહેતા હાકિમસિંહની તે પુત્રી છે. દેખાવમાં ખૂબસૂરત અને સ્વભાવથી ચંચળ. હાકિમસિંહની પડોશમાં રામસિંહ રહેતો હતો. બંને એક જ જ્ઞાાતિના હતા. એક દિવસ રામસિંહના સાળાનો પુત્ર રામેશ્વર ત્યાં આવેલો હતો. તે પણ દેખાવડો હતો. એણે બાજુના જ ઘરમાં રહેતી રચનાને જોઈ અને તે તેનાથી આર્કિષત થઈ ગયો. એ જ રીતે રચના પણ રામેશ્વરનું ઊંચું કદ અને મજબૂત કાઠી જોઈ પ્રભાવિત થઈ. બંને વચ્ચે પરિચય થયો અને તે પ્રણયમાં પરિર્વિતત થઈ ગયો.

એ પછી રામેશ્વર અવારનવાર માંગરૌલી આવવા લાગ્યો. રચના પણ એને ચૂપચાપ મળવા લાગી. બંને હવે એકબીજા વગર રહી શકતા નહોતા. રચનાના માતા-પિતાને શંકા જતાં તેમણે રચનાને ઠપકો આપ્યો છતાં તે રામેશ્વરને મળતી જ રહી. રચનાને રામેશ્વરથી દૂર કરવા તેના પિતાએ દૂરના ગામનો એક પોતાની જ બિરાદરીનો બિહારી નામનો એક યુવાન શોધી કાઢયો. રચનાની સગાઈ બિહારી સાથે કરી દેવામાં આવી.

રચનાએ ઘરની બહાર જઈ ચૂપચાપ તેના પ્રેમ રામેશ્વરને જાણ કરીઃ ”રામેશ્વર! મારી સગાઈ બિહારી નામના કોઈ માણસ સાથે કરી દેવાઈ છે.”

રામેશ્વરે કહ્યું: ”ડોન્ટ વરી રચના! મને પણ આ વાતની ખબર પડી છે. એક બિહારી યુવાન છે પણ મારો સગો મામો થાય છે. તું એની સાથે લગ્ન કરી લે. આપણે પહેલાંની જેમ જ મળતાં રહીશું.” રચનાને રામેશ્વરની વાત ગમી નહીં. એ તો રામેશ્વર સાથે જ લગ્ન કરવા માંગતી હતી. છતાં રામેશ્વરે રચનાને બિહારીમામા સાથે જ પરણી જવા સલાહ આપી. રચનાએ પણ વિચાર્યું કે લગ્ન પહેલાં જ રામેશ્વર આવું કરે છે તો લગ્ન પછી મને શું સાચવશે? રચનાએ બિહારી સાથે લગ્ન કરવા હા પાડી દીધી.

લગ્ન બાદ રચના પતિગૃહે આવી. રામેશ્વર માટે તેની પ્રેયસી હવે મામી બનીને આવી હતી. રામેશ્વર ખુદ મામાના લગ્નમાં આવ્યો હતો. એણે મોકો જોઈ રચના સાથે વાત કરવા પ્રયત્ન કરી જોયો. પણ રચના ગુસ્સામાં હતી. તેણે મોં ફેરવી લીધું. રામેશ્વર હવે મૂંઝાયો. ફરી તેનું મન રચનામાં પરોવાયું. રચના તેની સાથે વાત પણ કરવા માગતી નહોતી. રામેશ્વરે વિચાર્યું કે, ”જરૂર પડશે તો હું રચનાને ભગાડીને પણ લઈ જઈશ.”

એક દિવસ મોકો જોઈને તે બિહારીમામાના ઘેર ગયો. રચના એકલી હતી. રામેશ્વર રચનાને બે હાથ જોડી વિનંતી કરીઃ ” રચના! હું આજે પણ ચાહું છું. હું બીજી કોઈ પણ છોકરી સાથે લગ્ન નહીં કરું.”

” તો પહેલાં જ મને લઈ જવી હતી ને?” રચના બોલી.

બેઉ વચ્ચે મૌન છવાયું.

કેટલીક વાતો થઈ અને તે પછી રામેશ્વર ત્યાંથી ચાલ્યો ગયો.

આ વાતને થોડા દિવસો વીત્યા. એક દિવસ રચનાએ તેેની સાસુને કહ્યું, ” મમ્મી! આજકાલ મને રાતના સમયે સ્વપ્નમાં એક નાગ આવે છે. તે કહે છે કે ગયા જન્મમાં હું નાગણ હતી. મારે તેની સાથે નાગ-નાગણનો સંબંધ હતો. તે નાગ મને તેની સાથે સર્પ લોકની દુનિયામાં લઈ જવા માંગે છે.”

રચનાની સાસુએ પુત્રવધૂની વાતને હસી કાઢી. સાસુએ કહ્યું: ”બેટા ! સપનાં સપના હોય છે. તે માત્ર દેખાય છે. સપનાં સાચા હોતાં નથી.”

આમ છતાં થોડા દિવસ પછી રચનાએ ફરી એના સાસુને કહ્યું: ” મને ફરી સ્વપ્નમાં એનો એ નાગ દેખાયો. તે કહેતો મને છોડશે નહીં.” રચનાની વાતો સાંભળી તેની સાસરીવાળા પરેશાન થઈ ગયા. તેમણે એ વાત રચનાના માતા-પિતાને પણ કરી, રચનાને તેમણે થોડા દિવસ માટે પિયર બોલાવી લીધી. ભુવા, તાંત્રિકોને બોલાવી ઝાડ કૂંંક ેપણ કરવામાં આવી. કેટલાક દિવસો સુધી પિયરમાં રોકાઈને રચના ફરી તેના પતિના ઘેર આવી. બધાને લાગ્યું કે રચના હવે ઠીક થઈ ગઈ છે. તેના ગળામાં મંત્રેલું માદળીયું અને હાથમાં કાળો દોરો બાંધેલો છે.

એ રાત્રે આખુંય પરિવાર રાત્રે જમી પરવારીને સૂઈ ગયું. બીજા દિવસે બિહારી સવારે ઉઠયો ત્યારે પલંગમાં રચના નહોતી. તેણે તપાસ કરી તો રચના બાથરૂમમાં પણ નહોતી. આખા ઘરમાં તપાસ કરી તો તે ઘરમાં યે ક્યાંય નહોતી. પલંગમાં રચનાએ રાત્રે જે વસ્ત્રો પહેર્યાં હતા તે વસ્ત્રો, બંગડીઓ અને મંગલસૂત્ર પડયા હતા. રચનાના બધાં જ વસ્ત્રો ઊતારી નાંખેલા હતા. તેની બાજુમાં એક ચિઠ્ઠી પડી હતી.

બિહારીએ તેે ચિઠ્ઠી ખોલી. રચનાએ એમાં લખ્યંુ હતું: ”હું નાગણ બની ચુકી છું. તમારા ઘરમાં જ ફરતી હોઈશ. સવારમાં હું જે હાલતમાં મળું તે જ હાલતમાં મને પકડી જંગલમાં મૂકી દેજો.!!

ચિઠ્ઠી વાંચી બિહારી સ્તબ્ધ થઈ ગયો. એણે એના સૂવાના ઓરડામાં જ આમ તેમ જોવા માંડયું. રૂમના એક ખૂણામાં એક કાળી નાગણ દેખાઈ. એ ચીસ પાડી ઊઠયો. ઘરનાં સભ્યો દોડીને આવી ગયા. નાગણ જોઈ રૂમ બંધ કરી દીધો. બિહારીએ રચનાની ચિઠ્ઠી બધાને બતાવી. થોડી જ વારમાં આખા ગામમાં ખબર પડી ગઈ કે બિહારીની પત્ની નાગણ બની ગઈ છે. આ નાગણને જોવા આસપાસના લોકો પણ દોડી આવ્યા. ઉત્સુકતાવશ લોકો એક મદારીને પકડી લાવ્યા. મદારીએ નાગણને જોઈને કહ્યું: ”આ નાગણ નથી પરંતુ નાગ છે. એના મોંમાંથી ઝેરની કોથળી કાઢી લેવામાં આવેલી છે. તે કોઈને કરડશે નહીં.

બિહારીના પરિવાર માટે આ બીજુ આશ્ચર્ય હતું. હવે તો રચનાના માતાપિતા પણ આવી ગયા હતા. તેમને સૌથી પહેલી શંકા રચનાના સાસરિયાં પર જ ગઈ. એમણે તરત જ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે રચનાની સાસરિયાવાળાઓએ મારી દીકરીની હત્યા કરી લાશ ક્યાંક ફેંકી દીધી છે અને ઘરમાં નાગ ગોઠવવાનું ષડયંત્ર રચ્યું છે.”

પોલીસ પણ આવોે વિચિત્ર કેસ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. પોલીસ તપાસ શરૂ કરી બિહારીના ઘરમાંથી કાંઈ મળ્યું નહીં. પોલીસે હવે ગામમાં તપાસ શરૂ કરી પોલીસને એવી બાતમી મળી કે, જે દિવસથી રચના ગુમ છે તે જ દિવસથી બિહારીનો ભાણેજ રામેશ્વર પણ ગુમ છે.

પોલીસે રામેશ્વરના મોબાઈલ ફોનને સર્વેલન્સ પર મૂકી દીધો. એ પરથી માલુમ પડયું કે રામેશ્વર રોજ તેના ઘરવાળાઓ સાથે વાત કરતો હતો. ફોનનું ટ્રેકિંગ કરતાં ખબર પડી કે રામેશ્વર ભોપાલમાં છે. પોલીસે રામેશ્વરના બે ભાઈઓને જ હિરાસતમાં લઈ લીધા. તેઓ રોજ રામેશ્વર સાથે ફોન પર વાત કરતા હતા. પોલીસ તેમને લઈ ભોપાલ પહોંચી. તેઓ રામેશ્વર કયાં છે તે જાણતા હતા. પોલીસે રાત્રે જ એના ભાઈઓએ આપેલી માહિતી પ્રમાણે એક મકાન પર છાપો માર્યો રચના અને રામેશ્વર બેઉ અંદર જ હતા. પોલીસે બંનેને પકડી લીધા.

રચનાએ કબૂલ કર્યું: ”હું રામેશ્વરને પ્રેમ કરતી હતી. મારી ઈચ્છા વિરુદ્ધ બિહારી સાથે મને પરણાવી દેવામાં આવી હતી. લગ્ન પછી રામેશ્વર પર મારો ગુસ્સોે હતો પણ તેણે મને ભગાડી જવાની હા પાડતાં અમે નાગ-નાગણના સ્વપ્નની બનાવટી વાત ઘરમાં બધાને કરી હતી. હું ઘરમાંથી ભાગી ગઈ એના આટલા દિવસેે જ મારો પ્રેમી રામેશ્વર એક મદારી પાસેથી પાળેલો નાગ લઈ આવ્યો હતો અને એ થેલીમાં સંતાડી એ મને આપી ગયો હતો. રાત્રે મેં મારા વસ્ત્રો બદલી નાંખ્યા. અને નાગને થેલીમાંથી બહાર કાઢી રૂમમાં છુટો મૂકી હું ભાગી ગઈ હતી. નક્કી કરેલા સ્થળે રામેશ્વર મારી રાહ જોઈને ઊભો હતો અને તે પછી એ રાત્રે જ અમે ત્યાંથી ભાગી બસમાં બેસી ભોપાલ આવ્યા.”

પોલીસ આખીયે કથા સાંભળી સ્તબ્ધ થઈ. મામલો અદાલતમાં ગયો. પરંતુ નાગ-નાગણનો ડ્રામા કોઈ મોટો ગુનો બનતો ના હોઈ મેજિસ્ટ્રેટે રચનાને તેની સાસરીમાં પાછા જવા સલાહ આપી અને કોઈની પુત્રવધૂને ભગાડી જવાના મુદ્દે રામેશ્વર સામે આગળની કાર્યવાહી જારી કરી.

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

હું મુંબઈનો ખતરનાક ડોન ‘ભાઈ’ બનવા માગતો હતો

અખિલેશ પોલ.

એ કહે છે : “એ દિવસોમાં હું આખો દિવસ મોજમસ્તીમાં પસાર કરી દેતો હતો. એ વખતે હું ફક્ત ૧૪ વર્ષનો હતો. અમે નાગપુરની એક ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. મારાં માતા-પિતા આખો દિવસ મજૂરી કરીને ઘર ચલાવતાં હતાં. જ્યારે હું મહોલ્લાના છોકરાઓ સાથે અહીં-તહીં રખડયા કરતો હતો. અમારી વસતીમાં બાળકો સ્કૂલમાં જતાં જ નહોતાં. એ બધાં તેમનાં માતા-પિતા સાથે ક્યાં તો મજૂરી કરવા જતાં અગર તો મારી જેમ આવારાગર્દી કરતાં. મારા ઘણા બધા મિત્રો નશો કરતાં થઈ ગયા હતા. બીજાઓને ડરાવવામાં અને રોફ મારવામાં એમને મજા આવતી હતી. અમે બધા મુંબઈયા ફિલ્મો જોયા કરતા હતા. ફિલ્મોના પરદે સિગારેટના ધૂમાડા કાઢતા ડોન જોવામાં મજા આવતી હતી.

અમારી વસતીની બહાર એક કોલેજ હતી. કોલેજની સામેની સડક પર અમારો અડ્ડો હતો. બધા જ ભાઈબંધો ત્યાં એકઠા થતા હતા. અમારી આદતો ખરાબ થઈ ચૂકી હતી. અમે બીજાઓને ડરાવીને પૈસા વસૂલવાનું કામ શરૂ કર્યું અને તે પૈસાથી નશો કરવા લાગ્યા હતા. મારા મનમાં હવે મુંબઈના ડોનની જેમ ‘ભાઈ’ બનવાની આશા પેદા થઈ હતી. આ દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અમારી વિરુદ્ધ નાનાં-મોટાં ગુના નોંધાઈ ચૂક્યા હતા. અલબત્તે, હજુ સુધી અમે એક પણ વાર જેલમાં ગયા નહોતા.

એક દિવસ અમે અડ્ડા પર બેસી ગપ્પાં મારી રહ્યા હતા તે વખતે કોલેજમાંથી એક માણસ અમારી પાસે આવ્યો. એણે અમને કહ્યું : “તમને અમારા સર બોલાવે છે.”

અમે ચોંકી જતાં પૂછયું : “સર ! કયા સર ?”

એણે કહ્યું : “અમારા એક સર કોલેજનાં છોકરાઓને રમત શીખવે છે એ તમને બોલાવે છે.”

અમે બધા કોલેજના સર પાસે ગયા. એમનું નામ હતું વિજય વારસે. એમણે અમને પૂછયું : “તમે લોકો ફૂટબોલ રમશો ?”

અમને એમની વાત અજબ લાગી. મારા એક મિત્રએ કહ્યું : “ક્યા પાગલ હો ગયે હો પ્રોફેસર ? તુમ કો પતા હી નહીં હૈં અપુન કૌન લોગ હૈ ?”

એ સમયમાં અમે બધા અમારી જાતને ‘ભાઈ’ સમજવા લાગ્યા હતા. અમે એવું માનવા લાગ્યા હતા કે અમે ખતરનાક માણસો છીએ અને આસપાસના લોકો અમારા ખૌફથી ડરવા લાગ્યા હતા.

ખેર ! અમને બધાને અસમંજસમાં જોઈને પ્રોફેસરે અમને ફૂટબોલ આપતાં કહ્યું : “શું તમે આ બોલ રમશો ?”

અમે ભાવ ખાતાં કહ્યું : “એ તો ઠીક છે, પણ પૈસા કેટલા આપશો ?”

પ્રોફેસરે કહ્યું : “રોજના પાંચ રૂપિયા.”

હવે અમારા ચહેરા પર મુસ્કાન હતી. અમે પાંચ સાથીઓ હતા. અમે પ્રોફેસરના હાથમાંથી ફરી ફૂટબોલ લઈ હા પાડી. પ્રોફેસર અમને મેદાન પર લઈ ગયા. અમે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. દોઢ કલાક રમ્યા પછી અમે પ્રોફેસરની પાસે ગયા. એમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અમને પાંચ-પાંચ રૂપિયા આપી દીધા. પૈસા લઈને અમે ચાલવા માંડયું. પ્રોફેસરે કહ્યું : “કાલે ફરી આવજો.” એ દિવસે અમને સારું લાગ્યું. કોઈને ય ડરાવ્યા-ધમકાવ્યા વિના અમે થોડા પૈસા કમાયા હતા. એ એક સારો અનુભવ હતો.

બીજા દિવસે અમે ફરી રમતના મેદાન પર પહોંચી ગયા. હવે અમને ફૂટબોલ રમવામાં મજા પડવા લાગી. અમે રોજ ફૂટબોલ રમવા લાગ્યા. રોજ પાંચ-પાંચ રૂપિયા મળતા હતા. આમ ને આમ પંદર દિવસ વીતી ગયા, પરંતુ પંદર દિવસ બાદ અમે કોલેજ પહોંચ્યા તો પ્રોફેસર સાહેબે અમને ના પાડતાં કહ્યું : “આજે આપણે ફૂટબોલની ગેમ રમવાની નથી !”

અમે પૂછયું : “કેમ ?”

એમણે કહ્યું : “આજે મારી પાસે પૈસા નથી.”

અમે પાછા જવા લાગ્યા એ દરમિયાન મારા એક મિત્રએ કહ્યું : “સર, પૈસા ના હોય તો કોઈ વાંધો નથી. કમ સે કમ અમને ફૂટબોલ તો રમવા દો. અમને રમવાનું મન છે.”

એમણે કહ્યું : “ઠીક છે. બોલ લઈ લો અને રમી લીધા પછી બોલ પાછો આપતા જજો.”

એ રીતે કેટલાક દિવસો સુધી અમે પૈસા લીધા વગર જ કોલેજના મેદાન પર જઈ ફૂટબોલ રમતા રહ્યા. એ પછી એક દિવસ પ્રોફેસરે અમને બોલ આપવાનો જ ઇનકાર કરી દીધો.

અમે અમારા અડ્ડા પર પાછા આવી ગયા. અમે ફરી લોકોને ડરાવવાનું, ધમકાવવાનું કામ શરૂ કરી દીધું. એક દિવસ મને એક પ્રોપર્ટી ખાલી કરાવવાનું કામ મળ્યું. હું પ્રોપર્ટી ખાલી કરાવવા ગયો. ત્યાં સામેવાળી પાર્ટીએ પણ અમારા જેવા દબંગ છોકરા તૈયાર રાખ્યા હતા. અમારી વચ્ચે ઝઘડો થયો. એ લોકો મારી પર તૂટી પડયા. મને બહુ ખરાબ રીતે મારવા લાગ્યા. એમની પાસે લાકડીઓ હતી. લાકડીઓ અને પથ્થરથી મને લોહીલુહાણ કરી દીધો. એ લોકોએ મારો પીછો કરવા માંડયો. હું ભાગી રહ્યો હતો. એક ચાલતી બસમાં હું ચડી ગયો. મારી પાસે એ ગુંડાઓનો સામનો કરવાની તાકાત નહોતી. હું પોલીસને ફરિયાદ કરવા પણ જઈ શકું તેમ નહોતો. પોલીસ સ્ટેશનમાં આમેય મારી સામે કેટલાક ગુના નોંધાયેલા હતા. મને સમજાતું નહોતું કે હું ક્યાં જાઉં ? ક્યાં છુપાઈ જાઉં ? મનમાં વિચાર આવ્યો કે કબ્રસ્તાનમાં જઈ સંતાઈ જાઉં. છેવટે હું કબ્રસ્તાનમાં જઈ છુપાઈ ગયો. કેટલાયે દિવસ કબ્રસ્તાનમાં જ છુપાયેલો રહ્યો. ભૂખ લાગતી ત્યારે બાજુમાં આવેલા એક મંદિરની બહાર ભિખારીઓની સાથે બેસી જતો અને ભક્તોનું વહેંચેલું અન્ન ખાઈ લેતો.

એ દરમિયાન એક વ્યક્તિની મારી પર નજર પડી. એ મને ઓળખતા હતા. તેઓ મને એક વકીલ પાસે લઈ ગયા. વકીલે કહ્યું : “તારે જેલમાં જવું પડશે. આ ભાઈ તને મદદ કરવા માગે છે.”

મેં કહ્યું : “આ કેવી મદદ ? મારે જેલમાં જવું પડે તે કોઈ મદદ થઈ ?”

વકીલે કહ્યું : “જો અખિલેશ ! આ રસ્તો મુશ્કેલ છે, પણ સાચો છે. તારી સામે કેટલાક ગુના નોંધાયેલા છે. તને જામીન મળી શકે તેમ છે. તે પછી તું સુંદર જિંદગી જીવી શકે તેમ છે.”

હવે મને પણ ખ્યાલ આવી ગયો કે ‘ભાઈ’ બનવાનો રસ્તો કઠિન છે. હું પોલીસ સ્ટેશને ગયો. મેં મારી જાતને સરેન્ડર કરી. હું જેલમાં ગયો. થોડા દિવસ બાદ મને જામીન પર મુક્ત કરવામાં આવ્યો.

એક દિવસ મેં બે બાળકોને સાઈકલ પર જતાં જોયાં. તેમાંથી એકની પાસે ફૂટબોલ હતો. હું તેમની પાછળ પાછળ ગયો. તેઓ સામેના મેદાન પર ફૂટબોલ રમવા લાગ્યા. હું તેમને ધ્યાનથી જોઈ રહ્યો હતો ત્યાં જ અમને ફૂટબોલની ગેમ શીખવનાર પ્રોફેસર વારસે સાહેબ આવ્યા. તેમણે મને પૂછયું : “કેમ છે ?”

મેં કહ્યું : “સર ! બધું બરાબર નથી.”

એમણે કહ્યું : “ચાલો ઠીક છે. જ્યારે મન થાય ત્યારે તું અહીં ફરીથી ફૂટબોલ રમવા આવી શકે છે.”

હવે ફરીથી હું કોલેજના મેદાન પર જવા લાગ્યો. થોડા જ દિવસોમાં હું સારું રમવા લાગ્યો. ‘ભાઈ’ બનવાની મારી ઇચ્છા ખતમ થઈ ગઈ હતી. હવે ફૂટબોલ સિવાય મને બીજા કશામાં રસ નહોતો. પ્રોફેસર વિજય વારસેએ મને વિધિવત તાલીમ આપવાનું શરૂ કર્યું. ગેમની તરકીબો શીખવી. તેઓ મારી રમતથી ખુશ હતા. તેમણે મને જિલ્લા સ્તરની ફૂટબોલ ટીમમાં સામેલ કરી દીધો. દરઅસલ એ બેસહારા અને ગરીબ બાળકોને રમતગમત પ્રત્યે આર્કિષત કરવાની યોજના હતી. એ યોજના પાછળ પ્રોફેસર વારસેનું જ દિમાગ હતું. ફૂટબોલ પ્રત્યે મારી દિલચશ્પી વધવા લાગી. જિલ્લા પછી મને રાજ્યની ટીમમાં સામેલ કરવામાં આવ્યો. રાજ્યની ટીમ પછી મને રાષ્ટ્રીય ટીમમાં દાખલ કરવામાં આવ્યો. ફૂટબોલમાં મારું બહેતરીન પ્રદર્શન જોઈ આયોજકોએ મને રાષ્ટ્રીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. ૨૦૧૦માં બ્રાઝિલ હોમલેસ ફૂટબોલ વર્લ્ડકપમાં હું ભારતીય ટીમનો કેપ્ટન હતો.

હું કાંઈ જ ભણેલો ન હોવા છતાં લોકો મને ‘સર’ કહે છે તે મને સારું લાગે છે અને આજે હું ગરીબોની વસતીમાં તમામ બેસહારા બાળકોને કોઈપણ ફી લીધા વિના જ ફૂટબોલની તાલીમ આપું છું, જેથી કોઈ પણ બાળકના મનમાં ‘ભાઈ’ બનવાની ઇચ્છા પેદા ના થાય.”

અને અખિલેશ પોલ તેમની વાત પૂરી કરે છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

એ બાળકો જાય છે કયાં ? ક્યાં ગુમ થઈ ગઈ એ દીકરી?

એ નું નામ સવિતા એહારવર.તે ૧૪ વર્ષની હતી. સવિતા તેનાં માતા-પિતા સાથે દિલ્હી નજીક ગુડગાંવમાં રહેતી હતી. ગઈ તા. ૧૬મી નવેમ્બરે, ૨૦૧૪ના રોજ તે ગુમ થઈ ગઈ. તેની માતાનું નામ ઉમિદા છે. તે ૪૮ વર્ષની વયની છે. તેની દીકરી સવિતા ટયૂશનમાં જતી હતી. એ દિવસે તે ટયૂશનમાં ગઈ પછી ઘેર જ ના આવી. તે સીધી ટયૂશનવાળી શિક્ષિકાને મળવા ગઈ. એને કહેવામાં આવ્યું કે સવિતા આજે ટયૂશન માટે આવી જ નથી.

ઉમિદા સીધી ગુડગાવ, પ્લોટ નં. ૮૦, ઈન્દ્ર કોલોની ખાતે આવેલા તેના એક રૂમના ભાડાના મકાનમાં પહોંચી. સવિતા સવારના આઠ વાગ્યાથી ગુમ હતી. સવારે આઠ વાગે નાનકડી સવિતા બાજુના ઘરમાં રહેતી આન્ટી દેવયાની સાથે બહાર ગઈ હતી, ત્યાંથી તે સીધી ટયૂશનમાં જવાની હતી.

તે દિવસ પછી આજ સુધી ૧૪ વર્ષની સવિતાનો પતો નથી. પુત્રીના ગુમ થઈ ગયા બાદ તેની મા ઉમિદાએ આજ સુધી પેટ ભરીને ખાધું નથી. તે કહે છેઃ ”સબ લોગ કહેતે હૈ કિ વહ વાપસ કભી નહીં આયેગી. કુછ લોગ કહેતે હે કિ વહ ભાગ ગઈ ઔર હરિદ્વારમાં મોજમસ્તી કર રહી હૈ.” પણ એ બધી વાતો ખોટી છે. મને ખબર છે કે મારી દીકરીનું અપહરણ થયું છે. તેને લોહીનો વેપાર કરનારી ગેંગને વેચી દેવામાં આવી છે. મને લાગે છે કે રોજ રાત્રે એને કોઈ ગ્રાહકને ખુશ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. મારી કમનસીબી એ છે કે, હું તેને કોઈ મદદ કરી શકતી નથી. મારી દીકરી નર્કાગાર જેવી જિંદગી જીવી રહી હશે. આવું બોલતા ઉમિદા દિલ્હી- ગુડગાંવમાં દર દર ભટકી રહી છે.

પુત્રીના ગુમ થયા બાદ તેની માતા ઉમિદા ભાગી પડી છે. ટીનએજ પુત્રીની ખોજ માટે તે કોઈ પણ મોટા અધિકારીને મળવા તૈયાર છે. તે કહે છેઃ ” મારી દીકરીને મારી પાસેથી ખૂંચવી લઈ તેને કોઈ ગંદા ધંધામાં નાખી દેવામાં આવી હોય ત્યારે હું ઊંઘી કેવી રીતે શકું ? મારી દીકરીને લઈ જનારા ઐશ કરે છે. મારી ગરીબ દીકરીને શોધવામાં મને કોઈ મદદ કરતું નથી. એથી ઊલટું મારી દીકરી ગુમ થવા પાછળ કેટલાક લોકો મને જ દોષ દે છે. મારા પડોસીઓે કહે છે કે હું મારી દીકરીને પૂરતું ખાવાનું આપતી નહોતી અને એને રોજ મારતી હતી. મારા પતિ બીમારીના કારણે છ માસ પહેલા જ મૃત્યુ પામ્યા છે. તેમના ગયા પછી હું અને મારી દીકરી બે એક જ ભાડાના એક ઓરડામાં રહેતા હતા. હું આસપાસના ઘરોમાં ઘરકામ કરીને મારી એકની એક દીકરીને ભણાવતી હતી.

ઉમિદા કહે છેઃ ”મારી દીકરીને ગુમ કરવા પાછળ મારી પડોશમાં રહેતી દેવયાની અને તેના પતિનો જ હાથ છે. એ લોકો છોકરીઓને વેચતી ગેંગ સાથે સંકળાયેલા છે. એ દિવસે મારી દીકરી ટયૂશન માટે જવા નીકળી ત્યારે મારી પડોસણ દેવયાનીને કેટલાક લોકોએ તેની સાથે જતાં જોઈ હતી. પહેલાં તો તેણે ના પાડી કે સવિતા તેની સાથે નહોતી પરંતુ મેં જ્યારે પોલીસ સ્ટેશનમાં દેવયાનીનું નામ આપ્યું અને પોલીસે સખ્તાઈથી પૂછયું ત્યારે તેણે કબૂલ કર્યું કે, તે મારી દીકરીને સાથે ફરવા લઈ ગઈ હતી. પોલીસે વધુ કડકાઈથી પૂછયું ત્યારે દેવયાનીએ કહ્યું કે, હા, હું અને સવિતા ઓટોરિક્ષામાં બેસી સદર બજાર ગયા હતા. સવિતાને ત્યાં ઉતારી દેવામાં આવી હતી. હું એ પૂછું છું કે, દેવયાની મારા પરિવારને જાણતી જ નહોતી તો મારી દીકરીને ઓટોમાં બેસાડીને લઈ ગઈ જ કેમ ? એને ઊતારી ? કોને સોંપી દીધી, તે પછી શું થયું તે જુઓ ! તા. ૧૭મી સપ્ટેમ્બરે પોલીસે દેવયાનીને પુરાવાના અભાવે જ છોડી દીધી. હકીકતમાં નજરે જોનાર એક બીજી સ્ત્રીએ પોલીસને જણાવ્યું કે, સવિતા ઘેરથી નીકળી ત્યારે એણે જે વસ્ત્રો પહેર્યા હતા તે કરતાં જુદાં વસ્ત્રોમાં તેણે સવિતાને દેવયાની સાથે ઓટોમાં બેઠેલી જોઈ હતી. આમ કેમ ? દેવયાની સાથે ઓટોના બેસતાં પહેલાં એના વસ્ત્રો કોણે બદલાવ્યા ? કેમ ? આ બધા સવાલોના જવાબ મેળવવાના બદલે પોલીસે દેવયાનીને છોડી મૂકી. એ પછી હું ફરી મારી પડોસણ દેવયાની પાસે ગઈ. મેં પૂછયું: ”મારી દીકરી કયાં છે?”

તો એણે જવાબ આપ્યો : ”હું મહિપાલપુર ખાતે મારા સગાને મળવા ગઈ હતી અને એ વખતે સવિતાને કંપની માટે સાથે લઈ ગઈ હતી.” હું પૂછું છું કે એક મોટી ઉંમરની સ્ત્રીને ૧૫ વર્ષની છોકરી શું કંપની આપવાની ? આ બધું એક રહસ્ય છે. દેવયાનીએ રાત્રે મહિપાલપુર ખાતે તેના સગાના ઘરે રોકાઈ હતી.   તે પછીની વાત કરવા તે ઈન્કાર કરે છે.

દેવયાનીની આ વાત સાંભળ્યા બાદ હું તેના મહિપાલપુર ખાતેના સગાના ઘેર ગઈ. તેના સગાએ કહ્યું: ”હા, દેવયાની અને સવિતા તો રાત્રે મારા ઘરે આવ્યા હતા પરંતુ મેં તેમને મારા ઘેર રોકાવા દેવાનો ઈન્કાર કરી દીધો હતો.”

ટૂંકમાં પડોસણ દેવયાની સવિતાને લઈને મહિપાલપુર ગઈ હતી, તે વાત સાબિત થાય છે. તે પછીની આગળની કડી મળતી નથી. તે દિવસથી આજ સુધી ઉમિદા ગુડગાંવ, સદરબજાર, વઝીરાબાદ અને મહિપાલપુર વિસ્તારોમાં દીકરીને શોધવા દિનરાત ભટકી રહી છે પણ સવિતાનો કોઈ જ પતો નથી. તે કહે છેઃ ”હવે તો ઘણું મોડું થઈ ગયું છે. અત્યાર સુધીમાં તો મારી દીકરીનું જીવન નર્કાગાર બની ગયું હશે મારી દીકરીના ગુમ થવા પાછળ મારી પડોસણ દેવયાની જ છે, પરંતુ પોલીસને તેને બોલાવી આખી ગેંગ પકડવામાં કોઈ જ રસ નથી.

આજે સવિતાની માતા- ઉમિદા પુત્રીની ખોજ માટે ભટકી રહી છે.

આ તો એક જ ઉદાહરણ છે. નેશનલ ક્રાઈમ રિસર્ચ બ્યૂરોના આંકડા અનુસાર એક માત્ર ૨૦૧૨માં જ દેશમાં ૩૮,૧૭૨ જેટલા બાળકો સાથે ગુના થયા છે. તેમાંથી એક માત્ર હરિયાણામાં જ ૨.૬૬ ટકા ગુના નોંધાયા છે. એ વર્ષમાં હરિયાણામાં જ ૫૩૫ બાળકોનાં અપહરણ થયા હતા એ બધા ટીનએજ બાળકો ક્યાં ગુમ થઈ ગયા તે કોઈ જાણતું નથી ? આ એક ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. એક માત્ર દિલ્હીમાં રોજ ૧૮ બાળકો ગુમ થયા છે. સરકારને પણ આ વિષય પર ઓછી ચિંતા હોય કે હોય જ નહીં એમ લાગે છે. આવા બધા બાળકોનું અપહરણ કરવું, તેમને વેચી દેવા, તેમના અંગો કાપીને તેમને ભિખારી બનાવી દેવા,સેક્સના ધંધામાં પરોવી દેવા અને આરબ રાષ્ટ્રોના વિકૃત આરબોને વિકૃત સેક્સના આનંદ માટે કુમળા બાળકોને વેચી દેવાનો એક જબરદસ્ત ધંધો આ દેશમાં ફૂલ્યો ફાલ્યો છે પણ કોઈને એની ચિંતા નથી. પ્રશાસન અને પોલીસને નેતાઓના રક્ષણમાં અને નેતાઓને જ સલામ મારવામાં રસ છે.

એક દિવસ કોઈ એક નેતાના નાનકડા પુત્ર કે પુત્રીને ગુમ થવા દો, પછી જ એમને ખબર પડશે કે ગુમ થયેલા નાનકડા સંતાનની માતા અને પિતાની વેદના કેવી હોય છે !

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén