ઘવામી ધોનચેહ” એક ર્પિસયન નામ છે.
તે એક સુશિક્ષિત યુવતી છે. તે કહે છે : “મારો ઉછેર બ્રિટનમાં થયો છે. મારાં માતા-પિતા ઈરાનથી આવેલા છે. મારી પાસે ઈરાન અને બ્રિટન એ બંને દેશોનું નાગરિકત્વ છે. બચપમાં મેં મારાં મમ્મી-પપ્પા પાસેથી ઈરાન વિશે ઘણું બધું સાંભળ્યું હતું. મારા પપ્પા અવારનવાર તેમના દેશ ઈરાનને યાદ કરતા હતા. એ જ વખતે મેં નક્કી કરી લીધું હતું કે, ભણવાનું પૂરું કરીને હું મારા દેશ પાછી જઈશ. લંડન યુનિર્વિસટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ પૂરો કર્યા બાદ હું ઈરાન ગઈ. મને વતન પાછા ફરવાનું બહુ જ ગમ્યું. જૂના રિશ્તેદારોને અને નજીકના સ્વજનોને મળતા એમ લાગ્યું કે, હું મારા ઘરે પાછી ફરી છું. મેં પહેલી જ વાર ઈરાનની આબોહવાને અનુભવી.
પોતાના સ્વજનો વચ્ચે રહેવું અને તેમને મળવું તે એક સુખદ અનુભવ હતો, પરંતુ એ અહેસાસ જલદી ફિક્કો પડવા લાગ્યો. મેં જોયું કે બ્રિટનમાં જે રીતે યુવતીઓને ભણવાની, ફરવાની અને વસ્ત્રો પહેરવાની આઝાદી છે, તેવી આઝાદી ઇરાનની યુવતીઓ માટે નહોતી. લંડનમાં મોડી સાંજ સુધી છોકરીઓ હરીફરી શકે છે. પોતાના પુરુષ મિત્રો સાથે રેસ્ટોરાંમાં જમવા જઈ શકે છે, ફિલ્મો જોવા જઈ શકે છે અથવા તો નાઈટ શિફ્ટમાં કામ કરી શકે છે. તેવું અહીં કાંઈ જ નથી. ઈરાનમાં આવી આઝાદીની કલ્પના પણ કરી શકાય તેમ નથી. આશ્ચર્યની વાત તો એ હતી કે, આવી સ્વતંત્રતાને અહીં કોઈ મહત્ત્વ જ આપતું નહોતું. ઈરાનની યુવતીઓ પણ આવા પ્રતિબંધોનો કોઈ વિરોધ કરતી નથી. જાણે કે આ બધી બંદીશોને એમણે પોતાનું કિસ્મત માની લીધું હતું.
આ બધા વાતાવરણમાં પણ હું એક શૈક્ષણિક મિશનમાં જોડાઈ ગઈ. ઈરાન આવતા પહેલાં મેં નક્કી કરી લીધું હતું કે, હું મારા દેશમાં બાળકો માટે કામ કરીશ. મારા અંતરથી એ ઈચ્છા રહી છે કે, ઈરાનનું પ્રત્યેક બાળક સ્કૂલમાં જાય અને છોકરો હોય કે છોકરી એ બંનેને ભણવાનો પૂરો અધિકાર મળે.
એક દિવસ મને કોઈએ કહ્યું કે, તહેરાનના આઝાદી મેદાનમાં વોલિબોલની મેચ યોજાવાની છે. વોલિબોલ મારી પસંદગીની રમત છે. મેં મેચ જોવાનો નિર્ણય કર્યો, પરંતુ મારી એક સહેલીએ કહ્યું : “તું ત્યાં જઈ શકીશ નહીં.”
મેં પૂછયું : “કેમ?”
એણે કહ્યું : “કારણ કે આ પુરુષોની વોલિબોલ મેચ છે અને ઇરાનમાં યુવતીઓ પુરુષોની મેચ જોઈ શકે નહીં.”
આ સાંભળીને મને આશ્ચર્ય અને આઘાતની લાગણી થઈ. મેં વિચાર્યું કે, આ તો ગેમ છે. એ જોવા પર ઇરાનમાં યુવતીઓ પર પ્રતિબંધનું કારણ શું? મેં નક્કી કરી લીધું કે, જે થવાનું હોય તે થાય, પરંતુ હું તો મેચ જોવા જઈશ જ. મારા પરિવારનાં સભ્યોએ મને મારી જિદ્દ છોડી દેવા સમજાવી. એમને ડર હતો કે, મારી જિદ્દ મારા જીવન પર ક્યાંક ભારે પડી ના જાય ! એમનો ડર વાજબી હતો. આજ સુધી ઈરાનમાં આવા પ્રતિબંધનો કોઈએ વિરોધ કર્યો નહોતો, પણ હું અડગ રહી. મેં કહ્યું : “હું મેચ જોવા જરૂરથી જઈશ.”
શરૂઆતમાં તો બધા મને ના પાડતાં રહ્યા, પરંતુ પાછળથી કેટલીક યુવતીઓ મારી સાથે મેચ જોવા આવવા સંમત થઈ. અમે બધાં ઇરાનની રાજધાની તહેરાનના આઝાદી ઇનડોર સ્ટેડિયમ પહોંચ્યાં. જૂન, ૨૦૧૪ના દિવસોની આ વાત છે. અમે મેચની ટિકિટો ખરીદી લીધી હતી. સ્ટેડિયમના ગેટની બહાર અમને છોકરીઓને ઊભેલી જોઈ પુરુષ પ્રેક્ષકો વિચારમાં પડી ગયા. એ વાત સાચી કે આજ સુધી પુરુષોની રમતોમાં ઇરાનમાં કોઈ મહિલા દર્શકો જોવા મળી નહોતી. બધાં અમને ધારી ધારીને જોઈ રહ્યા હતા. અમે સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ગેટ પર પહોંચ્યા, પરંતુ સુરક્ષા કર્મીઓએ અમને રોકી દીધી. તેમણે કહ્યું : “મહિલાઓને અંદર પ્રવેશવાની મનાઈ છે. સ્ત્રીઓને પુરુષોની મેચ જોવાની પરવાનગી નથી.”
અમે જિદ્દ કરી કે અમને અંદર જવા દો, મારી સાથે આવેલી બીજી છોકરીઓ ગભરાઈ ગઈ. એ બધી બોલી : “ચાલો પાછાં જઈએ.”
પણ હું મક્કમ રહી.
ખાસ વાત એ હતી કે, અમે બધી યુવતીઓએ માથા પર સફેદ રંગનો સ્કાર્ફ બાંધી રાખ્યો હતો. ઇરાનમાં નિયમ એવો હતો કે,મહિલાઓએ ગહેરા રંગનો જ સ્કાર્ફ પહેરવો. અમારી નાફરમાનીથી પોલીસ ગુસ્સે થઈ ગઈ. પોલીસે મારી સાથે બદસલૂકી કરી. એક પોલીસ કર્મીએ મને ગાલ પર થપ્પડ મારી. બીજાએ મારા ખભા પર માર માર્યો. એ પછી મારી ધરપકડ કરવામાં આવી. મારો મોબાઈલ ફોન અને મારું પર્સ જપ્ત કરી લીધાં. કેટલાયે કલાકો સુધી મને કોટડીમાં પૂરી રાખવામાં આવી. આ દરમિયાન મારી સાથે આવેલી યુવતીઓએ મારી ગિરફ્તારીનો જબરદસ્ત વિરોધ કર્યો.
મને જામીન પર મુક્ત કરવામાં આવી. આ ઘટના આખા ઇરાનમાં ચર્ચાનો વિષય બની ગઈ, પણ કોઈએ સ્પષ્ટપણે મને સાથ આપ્યો નહીં.
આ ઘટનાના એક અઠવાડિયા બાદ હું મારો સામાન લેવા પોલીસ સ્ટેશને પહોંચી. મેં મારો મોબાઈલ અને પર્સ માગ્યા. હું કંઈ સમજું એ પહેલાં પોલીસે મને ફરીથી ગિરફ્તાર કરી લીધી. મને જેલમાં પૂરી દેવામાં આવી. જેલમાં પણ મને એક દૂરની કોટડીમાં સાવ એકલી જ રાખવામાં આવી. મેં પૂછયું કે, મને ફરીથી શા માટે જેલમાં પૂરી દેવામાં આવી છે ? તો કોઈએ કોઈ જ કારણ આપ્યું નહીં. હું એકાકી બની ગઈ. આવી એકાકી બેેરેકમાં સામાન્ય રીતે ખતરનાક ગુનેગારોને રાખવામાં આવે છે. મને એ વાત હજી સમજાતી નહોતી કે, મેં એવો કયો કુખ્યાત અપરાધ કર્યો છે ?
થોડા દિવસો બાદ એ લોકોએ મારી પર ઇરાનની સરકારની વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો આરોપ મૂક્યો. મને કહેવામાં આવ્યું કે, મારે એક વર્ષ સુધી કેદમાં જ રહેવું પડશે.
એ લોકોને લાગે છે કે, હું સરકારની વિરુદ્ધ વિદ્રોહ કરી રહી છું. એમને લાગે છે કે, હું સરકાર વિરુદ્ધ બગાવત કરી રહી છું. અરે ભાઈ, કોઈ મહિલા વોલિબોલની મેચ જોવા જાય તે શું સરકાર વિરોધી બગાવત છે ? આખરે મહિલાઓ પર આવી બંદીશ શા માટે? આ સવાલ ઉઠાવવાનો મારો હક છે, પરંતુ જેલમાં મારી વાત સાંભળવાવાળું છે જ નહીં. છેવટે વિરોધ કરવા માટે મેં જમવાનું બંધ કરી દીધું. મેં ભૂખ હડતાળ શરૂ કરી, પણ મારી ભૂખ હડતાળની સરકારને શું ચિંતા ? એ બધાં ભેગા થઈ મને શક્તિહીન બનાવવા પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે. મને મારા વકીલ સાથે મળવાની પણ છૂટ નથી. એ લોકોને એવી વાતો કરતાં પણ સાંભળ્યા છે કે, હું શાયદ જ આ જેલમાંથી જીવતી બહાર નીકળીશ !
મારા પરિવારના લોકો બહુ ચિંતામાં છે. ઇરાનની કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. છેલ્લી સુનાવણી વખતે કોર્ટમાં મારી મમ્મી અને મારા દાદાજી પણ આવ્યા હતા. એમને મળવાની તક મને મળી હતી, પણ એ મુલાકાત માત્ર થોડીક ક્ષણો માટે પણ હતી. મમ્મી મને ગળે લગાવતી વખતે ભાવુક થઈ ગઈ હતી. હું એનું દર્દ સમજી શકું છું. મને જેલમાંથી મુક્ત કરાવવા મારો ભાઈ ખૂબ દોડાદોડ કરે છે. મેં સાંભળ્યું છે કે, સેંકડો લોકોએ મારી મુક્તિ માટે ઓન લાઈન એક અભિયાન છેડયું છે. હું ઉમ્મીદ કરું છું કે, આ ચળવળ ઇરાનની મહિલાઓના જીવનમાં એક નવી દિશા દર્શાવશે.”
એટલી વાત કરી તે ફરીથી જેલમાં જતી રહી.
૨૧મી સદીના ઇરાનમાં પુરુષની વોલિબોલ મેચ જેવી એ સ્ત્રીઓ માટે અપરાધ ગણાય છે. કેવો દેશ ? કેવું શિક્ષણ ? કેવી સંસ્કૃતિ ? કેવો ઉપદેશ?
– દેવેન્દ્ર પટેલ



What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "