રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

ભારતની વિદેશનીતિની બાબતમાં પહેલેથી જ પ્રજાના મનમાં પ્રશ્નો ઊઠતા આવ્યા છે. આઝાદી પછી તે વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રશિયા અને અમેરિકા વચ્ચેના જબરદસ્ત શીતયુદ્ધ દરમિયાન રશિયાતરફી વલણ અપનાવ્યું. નહેરુએ ચીન સાથે દોસ્તી કરી ચીનના તે વખતના વડાપ્રધાન ચાઉ એન લાઈ ભારત આવ્યા ત્યારે ‘હિન્દી ચીની ભાઈ-ભાઈ’ના નારા પોકારાવ્યા. તેના થોડા દિવસો બાદ જ ચીને ભારત પર આક્રમણ કરી દીધું. ભારતની હજારો ચોરસ કિલોમીટર ભૂમિ આજે પણ ચીનના કબજા હેઠળ છે. તે પછી લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા. પાકિસ્તાનના આક્રમણ બાદ ‘ઈંટ કા જવાબ પથ્થર સે દેંગે’ કહી તેમણે રશિયા સાથે મૈત્રીકરાર કર્યા. રશિયામાં જ તેમનું શંકાસ્પદ અવસાન થયું. તે પછી વડાપ્રધાનપદે આવેલાં ઇંદિરા ગાંધીએ પાકિસ્તાન સાથે સખત વલણ અપનાવ્યું અને પાકિસ્તાનના બે ટુકડા કરી નાખી બાંગલાદેશને આઝાદી અપાવડાવી.

એ બધી કોંગ્રેસની સરકારો હતી. એનડીએની સરકાર વખતે તે વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાન સાથે દોસ્તી કરવા કવિતાઓ ઉચ્ચારતાં ઉચ્ચારતાં બસમાં બેસી લાહોર ગયા, પરંતુ એ જ વખતે પાકિસ્તાને ભારત પર આક્રમણ કરી કારગિલ પર કબજો કરી લીધો. પાકિસ્તાનને ત્યાંથી હટાવવાનું બિલ રૂ.૧૦ હજાર કરોડ આવ્યું. પાકિસ્તાને કારગિલ પર કબજો કરાવ્યો તે પછી અમેરિકાએ ભારતીય સંસ્થાને ભારતીય ભૂમિ પર રહીને જ લડવા અને પાકિસ્તાનની ભૂમિમાં ન પ્રવેશવા દબાણ કર્યું હતું. હવે ફરી એક વાર નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના શપથગ્રહણના દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને નિમંત્રણ આપી એક શુભ સંકેત મોકલ્યો. તેના થોડા દિવસ બાદ નવાઝ શરીફે વડાપ્રધાનનાં માતુશ્રી માટે સાડી ભેટ મોકલી, પરંતુ તેના થોડા દિવસ બાદ પાકિસ્તાન સૈન્યએ ભારતીય સરહદ પર એક ડઝનથી વધુ વખત સીઝ ફાયર સીમાનો ભંગ કર્યો. અનેક વાર ગોળીબાર કર્યા.

આ ઘટના એવા સમયે ઘટી જેના થોડા દિવસો બાદ ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવોની ઈસ્લામાબાદ ખાતે બેઠક મળવાની હતી. પાકિસ્તાન આટલેથી અટક્યું નહીં. ઈસ્લામાબાદ ખાતે ભારત અને પાકિસ્તાનના વિદેશ સચિવોની બેઠક મળવાની હતી તેના થોડા દિવસ અગાઉ જ પાકિસ્તાનના ભારત ખાતેના રાજદૂત અબ્દુલ બાસીત જમ્મુ અને કાશ્મીરના અલગતાવાદી નેતાઓને મળ્યા. ભારત સરકારે તેમ ન કરવા જણાવ્યું હતું, પરંતુ પાકિસ્તાને ભારતની ચેતવણીની ધરાર અવગણના કરી. પાકિસ્તાનના હાઈકમિશનરે ભારત સરકારના નાક નીચે નવી દિલ્હીમાં જ કાશ્મીરના અલગતાવાદી નેતાઓ સાથે મિટિંગ કરી ભારતનું નાક કાપ્યું. પાકિસ્તાની સૈન્યના ગોળીબાર અને યુદ્ધવિરામ રેખાના ભંગની ઉપરાઉપરી ઘટનાઓથી ત્રસ્ત ભારત સરકારે ત્વરિત નિર્ણય લઈ ઈસ્લામાબાદ ખાતે મળનારી બંને દેશોના વિદેશ સચિવોની બેઠક રદ કરી. અલગતાવાદી નેતાઓ સાથે મંત્રણા કરી પાકિસ્તાને રાજનૈતિક શિષ્ટાચારનું ઉલ્લંઘન કર્યું છે, તેથી પાકિસ્તાનને આ લપડાક મારવી જરૂરી હતી, પરંતુ માત્ર વાટાઘાટ જ રદ કરવાની ભાષાને પાકિસ્તાન સમજતું નથી. આવું ભૂતકાળમાં પણ થઈ ચૂક્યું છે. પાકિસ્તાન ભારત પર આક્રમણ કરે, ભારતમાં આતંકવાદીઓ મોકલી બોમ્બ ધડાકાઓ કરાવે, ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહીમને પનાહ આપે,ભારતવિરોધી ષડ્યંત્ર રચનાર હાફીઝ સઈદને રક્ષણ આપે કે ભારતમાં ભારતીય કરન્સીની નકલી નોટો ઘુસાડે ત્યારે ભારત વધુમાં વધુ ક્રિકેટ મેચ રદ કે વાટાઘાટ રદ કરવાના પગલાંથી આગળ વધતું નથી. પાકિસ્તાનને પાકિસ્તાનની જ ભાષામાં જવાબ આપવો જરૂરી છે. ભારતના સાર્વભૌમત્વના રક્ષણ માટે અમેરિકાથી ડરવાની જરૂર નથી. અમેરિકા ભારતને પાકિસ્તાન સામે લશ્કરી પગલાં લેતાં હંમેશાં રોકે છે. ભારત પરમાણુ પરીક્ષણ કરે કે કોઈ લશ્કરી પગલું લેવા વિચારે તો અમેરિકા આર્િથક નિયંત્રણો મૂકવાની ખાનગીમાં ધમકી આપે છે. ભારતને અમેરિકાની આ દાદાગીરીમાંથી બહાર આવી જવાની જરૂર છે. ભારતના રાજનેતાઓ એ વાત યાદ રાખે કે, ભારત એક લોકતાંત્રિક દેશ હોવાથી અમેરિકા માટે માત્ર કહેવાતું મિત્ર છે, પરંતુ પાકિસ્તાનને તે નાનો ભાઈ સમજે છે. ભારતને નિયંત્રણમાં રાખવા અમેરિકાએ જ પાકિસ્તાનને અબજો ડોલરની મદદ કરી છે. લોન આપી છે અને માફ પણ કરી છે. પાકિસ્તાન એ અમેરિકા માટે વ્યૂહાત્મક અનિવાર્યતા છે. ભારત અમેરિકા માટે એક વ્યાપારી જરૂરિયાત છે,અમેરિકા બંને દેશોનો પોતપોતાની રીતે પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી રહ્યું છે.

આજે ભારતના વડાપ્રધાન તરીકે સખત પ્રશાસકની છબી ધરાવતા નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા છે ત્યારે રાજકીય કૂટનીતિની એ માંગ છે કે તેઓ ફરી એક વાર ઈંદિરા ગાંધી જેવો સખત અભિગમ પાકિસ્તાન સામે અપનાવે. ઈંદિરા ગાંધીના શાસનકાળ સમયે પૂર્વ પાકિસ્તાનમાં પણ પશ્ચિમ પાકિસ્તાનથી અલગ થવાનું જબરદસ્ત જનઆંદોલન ચાલતું હતું. એ વખતે ઈંદિરા ગાંધીએ પાકિસ્તાનની ભીતર રહેલાં અલગતાવાદી પરિબળોને લશ્કર સહિત તમામ પ્રકારની મદદ પૂરી પાડી હતી. પૂર્વ પાકિસ્તાનમાં ભારતીય સૈન્ય મોકલીને બાંગલાદેશને આઝાદ કરાવવામાં મદદ કરી હતી. આ કામ આજે પણ થઈ શકે તેમ છે. પાકિસ્તાનમાં સિંધ પ્રાંત પાકિસ્તાનની સરકારોથી નારાજ છે. વર્ષોથી ‘જય સિંધ’ના નારા હેઠળ ત્યાં અલગતાવાદી ચળવળ ચાલે છે. એ જ રીતે પાકિસ્તાનની તમામ સરકારો પાકિસ્તાનના બલૂચિસ્તાન વિસ્તારને અન્યાય કરે છે. બલૂચિસ્તાનના લોકો પણ પાકિસ્તાનથી અલગ થવા માંગે છે. ભારતે ચાલાકીપૂર્વક પાકિસ્તાનનાં અલગતાવાદી પરિબળોને મદદ અને માન્યતા આપી દેવી જોઈએ. પાકિસ્તાનથી અલગ થવા માંગતા પ્રદેશનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય રાજનીતિના ફોરમ પર લઈ જવો જોઈએ. પાકિસ્તાન સાથે સીધા યુદ્ધ કરવાની જરૂર નથી. પાકિસ્તાનના વધુ ટુકડા થાય તો જ તેની સાન ઠેકાણે આવશે.

પાકિસ્તાનની આંતરિક પરિસ્થિતિ જરાયે સારી નથી. પાકિસ્તાન સૈન્ય અને રાજકારણીઓ વચ્ચે વહેંચાયેલું છે. પાકિસ્તાનની રાજનીતિમાં સૈન્ય, કટ્ટરપંથી મૌલવીઓ અને તાલિબાનો પણ એક રોલ ભજવે છે. એમાંયે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ તો સહુથી વધુ કાવતરાબાજ છે. પાકિસ્તાનના રાજકારણીઓ અને લશ્કરી અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ ખાંડની અનેક મિલોના માલિક છે. તે સિવાયના બીજા અનેક ઉદ્યોગોના અને ઈત્તેફાક ગ્રૂપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના માલિક છે. તેની સામે પાકિસ્તાનમાં ગરીબોની સંખ્યા વધી છે. બેરોજગારોની સંખ્યા વધી છે. નવાઝ શરીફની સરકારને હટાવવા માટે ઈમરાન ખાન અને ર્ધાિમક વડા કાદરી ભારતના અણ્ણા હઝારે જેવું આંદોલન ચલાવી રહ્યા છે. ગમે તે સમયે પાકિસ્તાનના લશ્કરે પરિસ્થિતિ હાથમાં લેવી પડે તેવી પરિસ્થિતિ છે. આ સંજોગોમાં પાકિસ્તાન સાથે આમેય વાટાઘાટ કરવાનો કોઈ જ અર્થ નથી. પાકિસ્તાનનું શાસન વડાપ્રધાન નવાઝ શરીફ ચલાવે છે, આર્મી ચલાવે છે, આતંકવાદીઓ ચલાવે છે કે અમેરિકા ચલાવે છે તે સમજવું મુશ્કેલ છે.

આશ્ચર્યની વાત એ છે કે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરની ભીતર જે આતંકવાદી તાલીમ શિબિરો ચાલે છે ત્યાં જઈ આ આતંકવાદી કેમ્પ્સ ધ્વસ્ત કરવાની પણ પરવાનગી અમેરિકા ભારતને આપતું નથી. આ પરિસ્થિતિ પરથી તો એમ લાગે છે કે ભારત પહેલાં બ્રિટનનું ગુલામ હતું અને આજે અમેરિકાનું! શું ભારતે ભારતવિરોધી ત્રાસવાદી શિબિરો પર હુમલો કરવા અમેરિકાની પરવાનગી લેવાની?

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ઈંદિરા ગાંધીના સમયની ભારતીય ગુપ્તચર સંસ્થા ‘રો’ ને ફરી સક્રિય કરે અને પાકિસ્તાન સાથે સંરક્ષણાત્મક અભિગમ દાખવવાના બદલે પ્રોએક્ટિવ-આક્રમક વલણ અખત્યાર કરે.

પાકિસ્તાન સાથે સીધા યુદ્ધ કરવાની જરૂર નથી. પાકિસ્તાનના વધુ ટુકડા થાય તો જ તેની સાન ઠેકાણે આવશે

www. devendrapatel.in