Devendra Patel

Journalist and Author

Date: August 1, 2014

સરહદ પારની એ સંવેદના ફ્રોમ પાકિસ્તાન વિથ લવ

ભારતીય ચેનલો દ્વારા પ્રસારિત ‘સાસુ-વહુ’ના ઝઘડા અને કાવતરાંઓની સિરિયલો જોઈને કંટાળ્યા હોવ તો હવે એક નવી જ તાજી હવા પાકિસ્તાન તરફથી આવી છે. એ હવામાં તાજગી છે,નાવિન્ય છે, લાગણીઓ છે, દુઃખ અને દર્દ પણ છે. હા, તેમાં ભારત પ્રત્યે કોઈ નફરતની લાગણી નથી. આ નવી તાજગી છેઃ ‘જિંદગી’ચેનલ પર રજૂ થતી પાકિસ્તાનના કથાકારો દ્વારા લખાયેલી,પાકિસ્તાનના કલાકારો દ્વારા ભજવાયેલી, પાકિસ્તાનની ભૂમિ પર નિર્માણ પામેલી અને ઉર્દૂમાં બનેલી પાકિસ્તાની સિરિયલ્સ. તેમાંની એક છે ”જિંદગી ગુલઝાર હૈં” જે એક મિની સિરિયલ હતી અને ભારતીય દર્શકોને ભીંજવી દઈ હમણાં જ પૂરી થઈ. બીજી છે ”કાશ મેં તેરી બેટી ના હોતી.” આ સિરિયલોએ ભારતના ટીવી દર્શકો પર જાદુ જમાવવા માંડયો છે. પાકિસ્તાની લેખકો દ્વારા લખાયેલ મજબૂત કથાવસ્તુના કારણે ભારતીય ટીવી સિરિયલના નિર્માતાઓ પણ હવે નવેસરથી વિચારવા લાગ્યા છે.

‘જિંદગી’ પર રજૂ થયેલી ‘જિંદગી ગુલઝાર હૈ”- સિરિયલ પાકિસ્તાની લેખિકા ઉમેરા અહેમદની કૃતિ હતી. કશફ નામની યુવતી તેનું મુખ્ય પાત્ર છે, જ્યારે ઝારુન તે સિરિયલનું મુખ્ય પુરુષપાત્ર છે. આ સિરિયલોની કથાઓ જોતાં તો એમ જ લાગે છે કે ભારત અને પાકિસ્તાન ભલે અલગ દેશ છે પરંતુ તેમનો અને આપણો ઈતિહાસ, સમાજનાં ધોરણો, મૂલ્યો, સંઘર્ષ, સંસ્કૃતિ, ખાનપાન- એ બધું તો એક સમાન છે. એક જમાનામાં પાકિસ્તાનમાં બનેલી ‘ધૂપ કિનારે’ જેવી ટીવી સિરિયલ્સ ભારતમાં પણ ખૂબ લોકપ્રિય હતી. તે જ કથા પરથી ભારતીય નિર્માતાએ ટીવી માટે ”કુછ તો લોગ કહેંગે” પણ હમણાં જ બનાવી. ‘ધૂપ કિનારેની લેખિકા પાકિસ્તાનની હસિના મોઈન હતી. તે જ લેખિકાની બીજી એક પાકિસ્તાની સિરિયલ ”તન્હાઈયાં” પર ભારતમાં ”ઈમ્તીહામ”ના નામે બની. ભારતના લેખકોએ વાત કબૂલ કરવી જોઈએ કે પાકિસ્તાનમાં મજબૂત કથાવસ્તુ અને ડ્રામા લખી શકે તેવા શક્તિશાળી લેખકો છે.

”જિંદગી ગુલઝાર હૈ”માં કશફનો રોલ સનમ સઈદ નામની પાકિસ્તાની અભિનેત્રી કરી રહી હતી, જ્યારે ઝારૃનનો રોલ પાકિસ્તાની એક્ટર ફવાદ અફઝલ ખાન કરી રહ્યો હતોે. ફવાદ અફઝલખાન ઘણી ભારતીય યુવતીઓનો ફેવરીટ હીરો છે. હફવાદને ભારતીય ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી છે. પણ કશફનો રોલ કરી રહેલી સનમ સઈદ ‘જિંદગી ગુલઝાર હૈં”માં લાગે છે તેવી ગંભીર અને સ્વમાની યુવતી રિયલ લાઈફમાં પણ છે તે કહે છે?” હું આઈટમ નંબર કે સ્કીન શો કરવા માટે કમ્ફર્ટેબલ નથી.”

કશફની માતાનો રોલ સમીના પીરઝાદા એ કર્યો હતો. ભારતીય એન્ટેરટેઈનમેન્ટ ચેનલો પર સાસુ- વહુ, મા-દીકરી, નણંદ-ભોજાઈના સંબંધોની સિરિયલો માણનાર દર્શકો માટે આ એક નવું નામ છે. ભારતીય ફિલ્મોમાં ઘણી અભિનેત્રીઓએ માનો લાજવાબ રોલ કરેલો છે. દુર્ગા ખોટે, લીલા ચીટનીસ, લીલા મિશ્રા, લલિતા પવાર, અચલા   સચદેવ, સુલોચના જેવી અનેક અભિનેત્રીઓ ‘સેલ્યુલોઈડ મધર’ તરીકે ખ્યાતનામ છે. ખુદ નરગીસે ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં તેમની ભરજુવાનીમાં માનો અદ્ભુત રોલ કરીને એક નવું જ પરિમાણ બક્ષ્યું હતું. પરંતુ સરહદ પારથી ભારતીય એન્ટરટેઈનમેન્ટ ચેનલ પર આવેલી એક પાકિસ્તાનની માતાનું પરદા પરનું નામ છેઃ રાફિયા મુર્તઝા. રાફિયા મુર્તઝાનો રોલ પાકિસ્તાની એક્ટ્રેસ સમીના પીરઝાદા કરી રહી હતી. તેમાં ત્રણ દીકરીઓની એક ખુદ્દાર માતા રાફિયા મુર્તઝાનો રોલ પાકિસ્તાનની સ્ટેજ અને ફિલ્મોની એક્ટ્રેસ સમીના પીરઝાદાએ બડી બેખૂબીથી અદા કર્યો હતોે. રોલ નાનો હોવા છતાં પણ એક્લા હાથે ત્રણ દીકરીઓને ઉછેરતી મા તરીકે તે સંપૂર્ણ મા લાગે છે. રાફિયા મુર્તઝાના પતિએ ત્રણ દીકરીઓે અને પત્ની રાફિયાને ત્યજીને બીજી એક સ્ત્રી સાથે લગ્ન કરી લીધું છે. પરંતુ રાફિયા બહુ જ મુશ્કેલીઓ વેઠી દીકરીઓને ભણાવે છે, મોટી કરે છે, ઉછેરે છે અને તેમને ઠેકાણે પાડવા મથામણ કરતી રહી છે તે આખીયે સિરિયલના મુખ્ય પાત્ર એવી કશફ નામની સ્વાભિમાની પુત્રીની મા પણ છે. આખીય સિરિયલ પાકિસ્તાનમાં શૂટ થયેલી છે. પાકિસ્તાનની સામાજિક સમસ્યાઓ જોઈએ તો પાકિસ્તાનના સમાજ અને ભારતીય સમાજ વચ્ચે કોઈ જ ભેદ લાગતો નથી. બધે જ એક જ પ્રકારના પ્રશ્નો છે. એક જ પ્રકારની માતાઓ, દીકરીઓ, પુત્રો, સમસ્યાઓ છે. બધે જ પુરુષપ્રધાન સમાજ છે.

 કશફની મા બનતી એક્ટ્રેસ સમીના પીરઝાદા પાકિસ્તાનની પ્રતિષ્ઠીત સ્ટેજ અને ફિલ્મ એક્ટ્રેસ છે. એણે વર્ષોથી પાકિસ્તાન ટીવીનો વિકાસ અને સંક્રાંતિકાળ નીહાળ્યો છે. તે એક્ટ્રેસ હોવા ઉપરાંત ડાયરેક્ટર અને પ્રોડયુસર પણ છે. પાકિસ્તાનમાં તે તેની’ઈન્તેહા’ ફિલ્મથી ખૂબ જાણીતી છે. સમીના પીરઝાદા કહે છે ઃ ”પાકિસ્તાનમાં એક માત્ર જ્યારે પીટીવી- ચેનલ’ હતી ત્યારે એ સમય પાકિસ્તાનના ટેલિવિઝન માટે સુવર્ણયુગ હતો. એ વખતે પીટીવી પર માનવીની જિંદગીની નજીકના સંબંધોની કથાઓ દર્શાવવામાં આવતી હતી. એ સમયે ”ધૂપ કિનારે” નામની સિરિયલ પાકિસ્તાનમાં ખૂબ લોકપ્રિય સાબિત થઈ હતી. ‘ધૂપ કિનારે’ એક સાહિત્યકૃતિ પરથી બની હતી.

સમીના પીરઝાદાનો જન્મ લાહોરમાં તા. ૯ એપ્રિલ, ૧૯૫૫ના રોજ થયો હતો. તેના પિતાનું નામ મોઈનુદ્દીન બટ અને માતાનું નામ અલમાસ બટ હતું. તેણે વાણિજ્યના વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું હતું પરંતુ તે પછી અભિનયના ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. ૧૯૭૫માં ઉસ્માન પીરઝાદા સાથે તેનું લગ્ન થયું હતું. તેમના પતિ પણ એક્ટર છે. હાલ તે કરાચી- પાકિસ્તાનમાં રહે છે. સમીનાએ વિશ્વભરનો પ્રવાસ કરેલો છે. લિસ્બન ખાતેના ફિલ્મ ફેસ્ટીવલમાં પણ પરર્ફોમન્સ આપેલું છે. અભિનય માટે બે પ્રેસિડેન્શિયલ એવોર્ડ્સ મળેલા છે. સમીના પીરઝાદા ભારતના બોલિવૂડની ફિલ્મો જોઈને જ મોટી થઈ છે. શાશ્વત સૌંદર્ય ધરાવતી મધુબાલાની એક્ટિંગથી તે પ્રભાવીત છે. નવી ફિલ્મો ”પરિણીતા” અને ”બરફી” પણ તેણે માણી છે. આગામી ઓગસ્ટ માસમાં તે ભારત આવી રહી છે. ભારતની મુલાકાત વખતે તે માધુરી દીક્ષિત અને કોમેડી શોવાળા કપિલને મળવા આતુર છે.   તે નાની હતી ત્યારથી જ અભિનય માટે અભિરુચિ ધરાવતી હતી. એણે થિયેટરનો અભ્યાસ કર્યો. મોડેલિંગ પણ કર્યું. ટીવી શો પણ કર્યા. સ્ટેજ પર અભિનય કર્યા બાદ એમણે ”નજદીકિયાં” નામની પાકિસ્તાની ફિલ્મમાં કામ કર્યું. તે પછી ”બાઝારે હુશ્ન” અને ”ખ્વાહીશ” માટે કામ કર્યું.

પાકિસ્તાનમાં સમીના પીરઝાદાનું નામ આદરપૂર્વક લેવાય છે. એક ધીર અભિનેત્રી તરીકે અને ધીર ગંભીર મહિલા તરીકે પણ લોકો તેમનું સન્માન કરે છે. સમીના પીરઝાદા ‘જિંદગી’ ચેનલ પર ”નુરપુર કી રાની” નામની સિરિયલમાં પણ આવી રહી છે. આ સિરિયલ અંગ્રેજી નવલકથા ‘રેબેકા’ પર આધારિત છે.

સમીના કહે છેઃ ”હું હજુ એક વધુ યોગ્ય સ્ક્રીપ્ટ માટે ઈન્તજાર કરી રહી છું. આવી કથા મને ભારતમાંથી મળશે તો હું ભારતની ચેનલ્સ માટે અભિનય કરવા તૈયાર છું. ભારતની ‘ઉત્તરાન’, ‘બાલિકા બધુ’ અને ‘કોમેડી નાઈટ વીથ કપિલ’ પાકિસ્તાનમાં પણ લોકપ્રિય છે.

સમીના પીરઝાદા એક એક્ટ્રેસ કરતાં પણ કાંઈક વધુ છે, કારણ કે તે થિયેટરમાંથી પેદા થયેલી પ્રતિભા છે. સમાજ, સમસ્યાઓ,સ્ત્રી અને વાસ્તવિકતા એના પ્રિય વિષયો છે અને ફિલ્મ કે સિરિયલ્સ તેના માધ્યમ છે. ‘જિંદગી ગુલઝાર હૈ”માં એક નાનકડા રોલ દ્વારા પણ દર્શકના દિલ પર એક અમીટછાંટ છોડી ગઈ. મધ્યમવર્ગના પરિવારની, પતિથી છૂટાછેડા પામેલી, એકલા હાથે ત્રણ દીકરીઓને ઉછેરતી મા અને તેની દીકરી કશફ પણ કેવી સ્વમાની છે તે જોવું હોય તો ઘડીભર પાકિસ્તાનના સ્વાર્થી રાજનેતાઓ,પાકિસ્તાનની નોટોરિયલ ગુપ્તચર સંસ્થા- આઈએસઆઈ, પાકિસ્તાનના નાપાક લશ્કર અને કટ્ટર ત્રાસવાદને બાજુએ રાખીને પણ પાકિસ્તાનના સમાજની વાસ્તવિકતાની આ સંવેદનશીલ કથાઓ માણજો. ‘કાશ મેં તેરી બેટી ન હોતી’ એ સિરિયલની કથા હચમચાવી દે તેવી છે. એ કથાઓ ભલે સરહદ પારથી આવી છે પરંતુ તમને ભારત અને પાકિસ્તાનના સમાજજીવનમાં કોઈક ફરક નહીં લાગે. સમાજ બધે જ એકસરખો છેે. રાફિયા મુર્તઝાના રોલમાં સમીના પીરઝાદા એક ભારતીય મા જેવી છે અને સનમ સઈદ સ્વમાની ભારતીય યુવતી જેવી જ લાગતી હતી.

ભારતના બિગ સ્ક્રીન માટે બનેલી મોટી ફિલ્મો જે રીતે ”પાકિસ્તાનમાં લોકપ્રિય છે તે જ રીતે પાકિસ્તાનમાં બનતી ટીવી સિરિયલ્સ હવે ભારતમાં લોકપ્રિય થઈ રહી છે. પાકિસ્તાનનો ભારત સાથેનો આ ‘સ્વીટ રિવેન્જ’ છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

લેડી ડોન હસીનાના મૃત્યુ પછી દાઉદનો ધંધો કોણ સંભાળશે?

હસીના પારકર.

‘ગોડમધર ઓફ નાગપાડા’ હસીના પારકરનું ૬ઠ્ઠી જુલાઈના રોજ મુંબઈમાં મૃત્યુ નીપજ્યું ત્યારે મુંબઈની પોલીસ સૌથી વધુ સતર્ક થઈ ગઈ.કારણ ?

તે ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહીમની બહેન હતી. માત્ર ૫૧ વર્ષની વયે હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામનાર હસીના પારકર પાકિસ્તાન સ્થિત દાઉદ ઈબ્રાહીમના ભારતમાંના કાયદેસરના અને ગેરકાયદે બિઝનેસને મુંબઈમાં રહી હેન્ડલ કરતી હતી. આમ તો હસીના પારકર સામે છેતરપિંડીનો અને ખંડણીના આક્ષેપવાળો એક જ કેસ ચાલતો હતો, પરંતુ ભારતનું ગુપ્તચર ખાતું તેની તમામ ગતિવિધિઓ પર નજર રાખતું હતું. દાઉદ ઈબ્રાહીમની આ પ્રિય અને નાની બહેનને ડોંગરી વિસ્તારના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી રહી હતી ત્યારે વાતાવરણમાં જબરદસ્ત શાંતિ, ચૂપકિદી અને ભયની લાગણી હતી. દાઉદ ઈબ્રાહીમના વફાદારોએ આજે તેમના ધંધા બંધ રાખ્યા હતા. પોલીસે કેટલાંક સ્થળોએ આડશો મૂકી હતી. છતાં કેટલાક જિજ્ઞાાસુઓ તથા કેમેરામેન અહીં હસીનાની અંતિમક્રિયા પર નજર નાખવા પ્રવેશી ગયા હતા.

પરિવારમાં હસીના ‘આપા’ના નામથી જાણીતી હતી. કેટલાક લોકો તેને ‘લેડી ડોન’ તરીકે ઓળખતા હતા. દાઉદ ઈબ્રાહીમના પાકિસ્તાન ચાલ્યા ગયા બાદ પણ તે ડોંગરી વિસ્તારમાં જ નાગપાડાના ગોર્ડન હાઉસમાં રહેતી હતી. ૧૯૯૩ના મુંબઈ બોમ્બ ધડાકા બાદ દાઉદનું આખું પરિવાર ભાગી ગયું હતું, પરંતુ હસીના હિંમતથી મુંબઈમાં રહેતી હતી. ૧૯૯૧માં અરુણ ગવળીએ તેના પતિ ઈસ્માઈલ પારકરની ડોંગરીમાં જ ગોળી મારી હત્યા કરી નાખી હતી. હસીનાનો પતિ ઈસ્માઈલ ડોન દાઉદનો વિશ્વાસુ સાથી હતો.

પતિના મૃત્યુ બાદ હસીના પારકરને ડી-કંપનીમાં સામેલ કરી દેવામાં આવી હતી. એણે ખૂબ જલદીથી ડોનના ‘બિઝનેસ’ પર કાબૂ મેળવી લીધો હતો. એની ત્વરા માટે એક જ દાખલો પૂરતો છે. એક દિવસ તે એક ભવ્ય એપાર્ટમેન્ટ બિલ્ડિંગ જોવા ગઈ. એણે એ બિલ્ડિંગમાં ૭મા માળે રહેતા તમામ રહીશોને માત્ર અડધા કલાકમાં ફેંકી દીધા હતા, કારણ કે તે એપાર્ટમેન્ટ-બિલ્ડિંગ તેને ગમી ગયું હતું. એ બિલ્ડિંગમાં રહેતા એક પણ રહીશે પોલીસમાં ફરિયાદ કરવાની પણ હિંમત કરી નહોતી. નાગપાડા વિસ્તારના ગોર્ડન હાઉસનો આખોયે સાતમો માળ માત્ર હસીના પારકરની માલિકીનો હતો. પોલીસના જણાવ્યા મુજબ હસીનાની ગેંગના સભ્યો અને દાઉદ ઈબ્રાહીમના વફાદાર સાથીઓએ એ બિલ્ડિંગની આસપાસ સુરક્ષા ઘેરો મજબૂત બનાવી દીધો હતો. કહેવાય છે કે, ડોંગરી વિસ્તારમાં ચાલતાં કેટલાયે શંકાસ્પદ ‘બિઝનેસ’ને પોલીસે ‘કેર ટેકિંગ’ એવું નામ આપ્યું હતું.

મુંબઈની ગુપ્તચર શાખાને ખબર હતી કે, હસીનાને જે ગેરકાયદે બિઝનેસ ગમી જાય તે ધંધો તે હાંસલ કરી લેતી હતી. જરૃર પડે તમામ ધંધાઓમાં તેના ‘કટ’ રાખતી. તમે તેને કમિશન, હપતો કે ખંડણી કહી શકો છો અને એ બધું જ દાઉદ ઈબ્રાહીમના નામે થતું. હસીના પારકરની જીવનશૈલી પણ ‘ગોડમધર’ સ્ટાઈલની હતી. જેઓ તેને વફાદાર રહેવાના સોગંદ લેતા તેની પૂરેપૂરી કાળજી તે લેતી હતી. પોતાના સાથીઓ વચ્ચે તેની પ્રતિષ્ઠા રોબિનહૂડ-ટાઈપની હતી. એ જ એની સિક્યોરિટી સિસ્ટમ અને એ જ એની રાહત પણ હતી.

હસીના પારકર ધારવા કરતાં ખૂબ ચાલાક હતી. હસીના પાકિસ્તાન સ્થિત તેના ભાઈ દાઉદ ઈબ્રાહીમ સાથે સીધો સંબંધ બહુ જ ઓછો રાખતી. તેની સાથેનો સીધો સંદેશાવ્યવહાર નહિવત્ હતો જેથી ગુપ્તચર ખાતાના સર્વેલન્સમાં તે આવી ના જાય. ગુપ્તચર ખાતું તેના ટેલિફોન્સને આંતરે છે તે વાતની તેને ખબર હતી. આ કારણથી હસીના તેના અંગત અને વિશ્વાસુ સંદેશાવાહકો દ્વારા જ દાઉદ ઈબ્રાહીમના સંપર્કમાં રહેતી. આ માટે તેની પાસે સંદેશાવાહકોનું એક ખાસ નેટવર્ક હતું. કહેવાય છે કે, ડોન દાઉદ ઈબ્રાહીમ દર મહિને રૃ. બે કરોડની રકમ નેટવર્ક ખર્ચ અને બીજા નિભાવ માટે હસીનાને મોકલતો હતો.

મુંબઈના માફિયાઓ પર પુસ્તક લખનાર લેખક હુસેન ઝૈદી એકવાર પુસ્તક લખતા પહેલાં હસીનાને મળવા ગયા હતા. હસીના એ રૃમમાં આવે તે પહેલાં તેઓ સોફા પર બેઠા હતા. તે પછી હસીના પ્રવેશી પણ હુસેન ઝૈદી બેઠેલા જ રહ્યા. ઘરની નોકરાણીએ તેમને પૂછયું : “તમે કેમ ઊભા ના થયા ?” એ પ્રશ્નના જવાબમાં લેખકે જણાવ્યું : “હું ઊભો થાઉં એનો મતલબ એ થાત કે હું ભયના કારણે ઊભો થયો છું અને તે હસીના પારકર માટે સાચું સન્માન ના હોત !” અને એ જવાબ સસ્મિત એણે સ્વીકારી લીધો હતો.

હસીના પારકરે તેની જિંદગીમાં ઘણા હાદસા નિહાળ્યા છે. ૨૦૦૬માં તેનો પુત્ર દાનીશ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. તે પહેલાં ૧૯૯૧માં તેના પતિ ઈસ્માઈલ પારકરની હત્યા થઈ ગઈ. એ પછી દાઉદે પોતાના બનેવીને મારનાર અરુણ ગણવળીના માણસને જે. જે. હોસ્પિટલ શૂટ આઉટમાં પતાવી દીધો હતો.

આવી હસીના પારકર ઘણીવાર લોકોની નજરમાંથી અદૃશ્ય રહેતી. ઘણા તેને પાકિસ્તાન જતી રહી છે તેમ માનતા, પરંતુ તે નાગપાડામાં જ હતી. મૃત્યુના એક અઠવાડિયા પહેલાં તેનો ડાયાબિટીસ અને શુગર વધી ગયા હતા. બ્લડપ્રેશર ઘટી રહ્યું હતું. અન્ય દેશમાં રહેલા તેના ભાઈને આ વાતની ખબર પડતાં તે ચિંતામાં પડી ગયો હતો તેમ મુંબઈની પોલીસ કહે છે.

રાતના ૨.૩૦ વાગે હસીનાએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. તેને તરત જ ડોંગરીની ૮૦ પથારીઓવાળી હબીબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે જાણીતી છે. મુંબઈના કેટલાક ટોચના ફિઝિશિયન્સ આ હોસ્પિટલ સાથે સંલગ્ન છે. તે બધાંને જ બોલાવી લેવાયા. તે બધા જ નિષ્ણાત તબીબોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં ર્કાિડયાક એટેકના કારણે હસીનાનું મૃત્યુ થયું. પોલીસના કહેવા મુજબ “દાઉદના માણસો હસીનાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તે પછી પળેપળની જાણકારી દાઉદને મોકલતા હતા. હસીના મૃત્યુ પામી ત્યાં સુધી આ સંદેશાવ્યવહાર જારી રહ્યો. અમે આંતરેલા કોલ્સના આધારે અમે માનીએ છીએ કે એ વખતે દાઉદ સંયુક્ત આરબ અમીરાતમાં કોઈક સ્થળેથી બોલતો હતો અને બહેનના સમાચારથી ઘણો દુઃખી હતો. કેટલાક લોકો માનતા હતા કે બહેનની અંતિમક્રિયા વખતે તે ભારત આવશે, પરંતુ પાછળથી એણે વીડિયો દ્વારા જ અંતિમક્રિયા નિહાળવાનો નિર્ણય લીધો હતો. કોઈએ સ્કાઈપ દ્વારા દાઉદને વીડિયો દૃશ્યો મોકલ્યાં હતાં.”

પોલીસ કહે છે : “સોમવારની સાંજના પાંચ વાગે હસીનાની અંતિમક્રિયા થઈ અને એ ક્રિયાની વીડિયોગ્રાફી કરતાં કોઈને રોકી શકીએ નહીં.” છેવટે હસીના પારકરને મરીન લાઈન કબ્રસ્તાન ખાતે દફનાવવામાં આવી.

પોલીસ માને છે કે, દાઉદે તેની ૪૫ જેટલી બેનામી મિલકતોને હેન્ડલ કરવાનું કામ હસીનાને સોંપ્યું હતું. હસીના એ કામ તો કરતી જ રહી, પણ દાઉદ માટે તે તેની ખંડણીનો બિઝનેસ, બોલિવૂડ ફિલ્મ્સનાં ઓવરસીઝ બિઝનેસ, હવાલા રેકેટ્સ, ટી.વી. કેબલ બિઝનેસ પણ સંભાળતી રહી. મોટી પ્રોપર્ટીઓના ઝઘડામાં મધ્યસ્થી બની તેના ઉકેલ લાવવાનું અને તે દ્વારા મોટી ફી વસૂલવાનું કામ પણ તે કરતી રહી. છેલ્લા કેટલાક સમયથી તેનું કથળતું સ્વાસ્થ્ય એક મર્યાદા બનતું જતું હતું. કેટલાક વખત પહેલાં દાઉદના ભાઈ ઇકબાલ કાસકર ભારત આવેલો છે. તે હસીનાને મદદ કરતો હતો. હવે હસીના પારકરના કામકાજનો હવાલો ઇકબાલ કાસકર સંભાળશે તેમ મનાઈ રહ્યું છે.

૧૯૮૨માં દાઉદ ઈબ્રાહીમે મુંબઈના બડા કબ્રસ્તાન ટ્રસ્ટને રૃ. ૫૦૦૦નું દાન આપી આખા પરિવારની દફનવિધિ માટે જગા નિર્ધારિત કરાવી હતી. આ કબ્રસ્તાન મુંબઈમાં ચંદનવાડી, મરીન લાઈન્સ ખાતે આવેલું છે, જ્યાં હસીનાને દફનાવવામાં આવી. દાઉદે પણ પોતાની દફનવિધિ માટે આ જ જગા બુક કરાવેલી છે. આજે પણ એ દફન સ્થળ માટે જરૃરી મેન્ટેનન્સ ફી નિયમિત રીતે ચૂકવવામાં આવે છે. દાઉદ ઈબ્રાહીમની માતા આમેના બી, પિતા ઈબ્રાહીમ, ભાઈ સાબિર અને બનેવી ઈસ્માઈલ પારકરને પણ અહીં જ દફનાવેલાં છે. હવે બહેન હસીના પણ અહીં જ સૂતી છે.

– દેવેન્દ્ર પટેલ

પાકિસ્તાનનો નાપાક કારગિલ કાંડ ‘ઓપરેશન બદ્ર’ સામે ‘ઓપરેશન વિજય’

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

પાકિસ્તાને ભારત સાથે હંમેશાં દગો કર્યો છે. ભારતના એ વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બસમાં બેસી દોસ્તી અને અમન માટે હાથ લંબાવવા લાહોર-પાકિસ્તાન ગયા ત્યારે એ વખતે જ પાકિસ્તાનના લશ્કરે ભારતના કારગિલ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરીને એ ક્ષેત્રનો કબજો લઈ લીધો હતો. એ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે નવાઝ શરીફ હતા, જ્યારે કારગિલમાં ઘૂસણખોરીનું ષડ્યંત્ર રચનાર પાકિસ્તાન સૈન્યના વડા તરીકે જનરલ પરવેઝ મુશર્રફ હતા.

પાકિસ્તાની સૈન્યનું કૃત્ય

આ ઘટના મે-જુલાઈ, ૧૯૯૯ની છે. કારગિલ એ જમ્મુ અને કાશ્મીર પ્રદેશનો એક જિલ્લો છે. એ વખતે ભારતીય લશ્કરના વડા તરીકે વેદપ્રકાશ મલિક હતા. પાકિસ્તાનના વડાપ્રધાનને અંધારામાં રાખી પાકિસ્તાનની સેના અને કાશ્મીરી ઉગ્રવાદીઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની નિયંત્રણ રેખા પાર કરીને ભારતની જમીન પર કબજો કરવા કોશિશ કરી હતી. અલબત્ત, પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે, ભારતની ભૂમિ પર કબજો લેવાનો પ્રયાસ કરનારા તમામ ઉગ્રવાદીઓ છે, પરંતુ આ યુદ્ધમાં કબજે કરવામાં આવેલાં દસ્તાવેજો, શસ્ત્રો અને પાકિસ્તાની નેતાઓનાં બયાનો પછી એ સાબિત થઈ ગયું કે કારગિલમાં ઘૂસણખોરી કરવામાં પાકિસ્તાની લશ્કર પ્રત્યક્ષરૃપે સામેલ હતું.

ઓપરેશન વિજય

ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ સંઘર્ષમાં કારગિલમાંથી પાકિસ્તાનીઓને હટાવવાના લક્ષ્યાંકને ‘ઓપરેશન વિજય’ એવું નામ આપવામાં આવ્યું હતું. આ યુદ્ધ દરમિયાન ભારતે ૩૦,૦૦૦ સૈનિકોને મેદાનમાં ઉતાર્યા હતા. તેની સામે ૫૦૦૦ જેટલા ઘૂસણખોરોને પાકિસ્તાને કારગિલમાં ઘુસાડી દીધા હતા. પાકિસ્તાનના પેરામિલિટરી ફોર્સના વડા અશરફ રશીદની આગેવાની હેઠળ પાકિસ્તાની સૈનિકોએ કારગિલમાં ઘૂસણખોરી કરી હતી. ભારતીય સૈન્યએ ભારતીય વાયુસેનાની મદદથી ઘૂસણખોરોને ખદેડવાની કામગીરી શરૃ કરી હતી. આંતરરાષ્ટ્રીય સમૂહના સહયોગથી પાકિસ્તાનના સૈનિકોએ કારગિલ છોડીને ભાગી જવું પડયું હતું.

આ યુદ્ધ અત્યંત ઊંચી પહાડીઓ પર કાતિલ ઠંડીના યુદ્ધ તરીકે ઓળખાય છે. યુદ્ધ અત્યંત ઊંચી પહાડીઓ પર કરવાનું હોઈ ભારતીય સૈનિકોને જરૃરી શસ્ત્ર-સરંજામ તથા બીજો સામાન મોકલવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ભારત અને પાકિસ્તાન બેઉ પરમાણુ આયુધો ધરાવતાં રાષ્ટ્રો હોઈ આ યુદ્ધ પ્રત્યે આખી દુનિયાનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. આ યુદ્ધ પહેલાં એટલે કે ૧૯૭૪માં ભારતે પોખરણમાં પહેલો પ્રાયોગિક અણુધડાકો કર્યો હતો તે પછી પાકિસ્તાન ગુપ્ત રીતે ન્યુક્લિઅર બોમ્બ બનાવવાની કામગીરીમાં લાગી ગયું હતું. ૧૯૮૮માં પાકિસ્તાને પણ તેને પહેલો પ્રાયોગિક અણુધડાકો કર્યો હતો.

કારગિલ યુદ્ધ કેમ થયું?

કારગિલ યુદ્ધ કેમ થયું તેનાં કારણ પણ જાણવાં જેવાં છે. એ વખતના પાકિસ્તાનના

વડાપ્રધાન નવાઝ શરીફ અને પાકિસ્તાની સૈન્યના વડા કરામાત વચ્ચે ૧૯૯૮માં મતભેદો વધી ગયા હતા. કરામાતની નિવૃત્તિ બાદ કોને સૈન્યના પ્રમુખ બનાવવામાં આવે તે વાત પાકિસ્તાનમાં ચર્ચાતી હતી. તે વખતના વડાપ્રધાન નવાઝ શરીફે એક જાહેર સભામાં કેટલીક ટીકા કરી. એ વાત સાંભળીને ગુસ્સે થયેલા સેનાના વડા કરામાતે સૈન્યના વડા તરીકે રાજીનામું આપી દીધું હતું. એ પછી નવાઝ શરીફે જનરલ પરવેઝ મુશર્રફને પાકિસ્તાની લશ્કરના વડા બનાવી દીધા હતા. આ ઘટના બાદ ફરી એક વાર પાકિસ્તાની સૈન્ય અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર વચ્ચે મતભેદો શરૃ થયા હતા અને જનરલ પરવેઝ મુશર્રફની રાજકીય મહત્ત્વાકાંક્ષાને લીધે પરવેઝ મુશર્રફે જ કારગિલમાં ઘૂસણખોરી કરવાનું કાવતરું રચ્યું હતું. આ યુદ્ધને કારણે પાકિસ્તાનમાં રાજકીય અને આર્િથક અસ્થિરતા વધી ગઈ હતી અને નવાઝ શરીફને હટાવીને પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના સરમુખત્યાર-પ્રેસિડેન્ટ બની ગયા હતા.

કારગિલ-લોકેશન

ઇતિહાસ એવો છે કે, ૧૯૪૭ પહેલાં કારગિલ લડાખના બાલિસ્તાન જિલ્લાનો એક હિસ્સો હતું. અહીં અનેક ભાષા, ધર્મો અને જાતિઓના લોકો છૂટાછવાયા રહેતા હતા. કારગિલ શ્રીનગરથી ૨૦૫ કિલોમીટર દૂર આવેલું નગર છે. તેની નજીકમાં જ લાઈન ઓફ કંટ્રોલ છે. તે હિમાલયના બીજા ઊંચા ભાગ જેવું જ છે. ત્યાં ઉનાળામાં પણ કાતિલ ઠંડી હોય છે. શિયાળામાં કારગિલનું તાપમાન માઈનસ ૪૮ ડિગ્રી સુધી પહોંચી જાય છે. ભારતનો નેશનલ હાઈવે(એનએચ૧ડી)કે તે શ્રીનગરથી લેહ જાય છે તે વાયા કારગિલ થઈને જ જાય છે. પાકિસ્તાને જ્યાં ઘૂસણખોરી કરી તે ૧૬૦ કિલોમીટર જેટલો પથરાયેલો રોડ છે. કારગિલની નજીકમાં જ દ્રાસ અને મુશ્કોવેલી આવેલાં છે. કારગિલ એ પાકિસ્તાનના અંકુશ હેઠળના સ્કર્દુ નગરથી માત્ર ૧૭૩ કિલોમીટર દૂર આવેલું છે. કારગિલના પર્વતો એટલા દુર્ગમ છે કે જ્યાં ભારતીય ચોકીઓ ન હોઈ પાકિસ્તાને ત્યાં ઘૂસવાની હિમ્મત કરી હતી.

કારગિલની કેજ્યુઆલિટીઝ

કારગિલના યુદ્ધ દરમિયાન ભારતના અધિકૃત આંકડા પ્રમાણે ૫૨૭ જવાનો શહીદ થયા હતા. ૧૩૬૩ જવાનો ઘાયલ થયા હતા. એક સૈનિક યુદ્ધના સૈનિક તરીકે પકડાયો હતો. ભારતે એક ફાઈટર જેટ ગુમાવ્યું હતું. એક ફાઈટર જેટ તૂટી પડયું હતું. ભારતે એક હેલિકોપ્ટર પણ ગુમાવ્યું હતું. પાકિસ્તાને કરેલા દાવા પ્રમાણે ૧૬૦૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. એ જ રીતે પાકિસ્તાને આપેલા આંકડા પ્રમાણે પાકિસ્તાને ૩૫૭થી ૪૫૬ સૈનિકો ગુમાવ્યા હતા. ૬૬૫ ઘવાયા હતા. પાકિસ્તાનના આઠ સૈનિકો યુદ્ધના કેદી તરીકે પકડાયા હતા. કેટલાંક માને છે કે પાકિસ્તાનના ૧૦૦૦થી ૪૦૦૦ જેટલાં સૈનિકો માર્યા ગયા હતા. ભારતે આપેલા આંકડા પ્રમાણે ૭૦૦થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

પશ્ચાદ્ભૂમિકા

૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ પછી ભારત-પાક સરહદ પર અવારનવાર છમકલાં ચાલુ જ હતાં. સિયાચીન ગ્લેશિયર પર અંકુશ જમાવવો બન્ને દેશો માટે એક વ્યૂહાત્મક જરૃરિયાત હતી. ૧૯૯૦ સુધીમાં કાશ્મીરમાં અલગતાવાદીઓ વધુ સક્રિય બન્યા હતા. વળી અત્યાર સુધીમાં બંને દેશો અણુપ્રયોગ કરી ચૂક્યા હતા. બન્ને દેશો વચ્ચેના તનાવને ઘટાડવા માટે ફેબ્રુઆરી ૧૯૯૯માં લાહોર ડેક્લેરેશન પર બંને દેશોએ દસ્તખત કર્યા હતા. તેમાં કાશ્મીરનો પ્રશ્ન બન્ને દેશોએ વાટાઘાટ દ્વારા શાંતિથી ઉકેલવાની વાત હતી,પરંતુ ૧૯૯૮-૧૯૯૯ના ગાળામાં પાકિસ્તાન લશ્કરનાં કેટલાંક તત્ત્વોએ એલઓસી નજીક કેટલાંક મુજાહિદ્દીનોને લશ્કરી તાલીમ આપવાની શરૃઆત કરી દીધી હતી. તેમનો ઈરાદો ભારતીય એલઓસીને ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરવાનો હતો અને એમ કરી ભારત અને લડાખ વચ્ચેની લિંક કાપી નાખવાનો તેમનો ઈરાદો હતો. કારગિલમાં ઘૂસણખોરી કરવાના આ મિશનને’ઓપરેશન બદ્ર’ એવું સાંકેતિક નામ આપવામાં આવ્યું હતું. ભારત અને લડાખ વચ્ચેનો સેતુ તૂટી જાય તો તેઓ ભારતે સિયાચીન ગ્લેશિયર પરથી પણ હટી જવું પડે. જો એમ થાય તો ભારતે પાકિસ્તાન સાથે કાશ્મીરના મુદ્દે ચર્ચા કરવાની ફરજ પડે તેવો ખતરનાક ઈરાદો પાકિસ્તાનનાં કેટલાંક તત્ત્વોનો હતો. પાકિસ્તાન એમ પણ માનતું હતું કે, આ વિસ્તારમાં કોઈ પણ તનાવ ઊભો થશે તો કાશ્મીરના પ્રશ્નનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ જશે અને કાશ્મીરનો પ્રશ્ન પાકિસ્તાનને જોઈએ છે તે રીતે હલ થઈ જશે. આ કાવતરામાં આઈએસઆઈ પણ સામેલ હતું. કેટલાક નિષ્ણાતો માને છે કે ૧૯૮૪માં ભારતે સિયાચીન ગ્લેશિયર માટે કરેલાં’ઓપરેશન મેઘદૂત’નો જવાબ આપવા પાકિસ્તાને કારગિલમાં ઘૂસવા માટે ‘ઓપરેશન બદ્ર’ હાથ ધર્યું હતું. એક માહિતી એવી પણ છે કે, ૧૯૮૦થી ૧૯૯૦ દરમિયાન પાકિસ્તાન લશ્કરે પાકિસ્તાનના વડા ઝિયા-ઉલ-હક્ક અને બેનઝીર ભુટ્ટોના શાસન વખતે પણ કારગિલમાં ઘૂસણખોરી કરવાની યોજના રજૂ કરી હતી, પરંતુ એ શાસકોએ મોટા યુદ્ધના ભયે એ યોજના અભરાઈ પર ચડાવી દીધી હતી.

શરીફ જાણતા હતા?

પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના લશ્કરી વડા બન્યા તે પછી કારગિલમાં ઘૂસણખોરી કરવાની બ્લૂપ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી અને તે યોજનાને પુનર્જીવિત કરવામાં આવી હતી. એક અભિપ્રાય પ્રમાણે પાકિસ્તાનના એ વખતના વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખવામાં આવ્યા હતા અને ભારતના એ વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ફોન કરીને જાણ કરી ત્યારે જ નવાઝ શરીફને કારગિલમાં ઘૂસણખોરીની જાણ થઈ હતી. નવાઝ શરીફે સ્પષ્ટતા કરી હતી કે આ કાવતરું પરવેઝ મુશર્રફનું છે જ્યારે મુશર્રફના કહેવા પ્રમાણે પાકિસ્તાનના લશ્કરે એ વખતના વડાપ્રધાન નવાઝ શરીફને કારગિલમાં ઘૂસણખોરીની યોજનાની અગાઉથી જાણ કરેલી જ હતી. અટલ બિહારી વાજપેયી લાહોર આવવાના હતા તેના ૧૫ દિવસ પહેલાં નવાઝ શરીફને આ ષડ્યંત્રની જાણ કરી દેવામાં આવી હતી.

www. devendrapatel.in

જાતે જ બની બેઠેલા ‘નેતા’ ને જાતે જ બનેલા ‘રાજદૂત’

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદ અને એક પત્રકાર વેદ પ્રતાપ વૈદિક આજકાલ ચર્ચામાં છે. વેદ પ્રતાપ વૈદિક હમણાં પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને મળ્યા. તે પછી મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને પણ મળ્યા. એ કારણે દેશની પાર્લામેન્ટમાં ધમાલ મચી ગઈ છે. કોઈ કહે છે તેઓ આરએસએસના સભ્ય છે,કોઈ તેનો ઈનકાર કરે છે, કોઈ કહે છે તેઓ ભારત સરકારના દૂત બનીને ગયા હતા. કેન્દ્ર સરકાર એ વાતનો ધરાર ઈનકાર કરે છે.

પત્રકારની સીમા

સૌથી પહેલાં વેદ પ્રતાપ વૈદિકની વાત. તેઓ એક પત્રકાર છે તો વિશ્વની કોઈપણ વ્યક્તિને તેઓ મળી શકે છે. માહિતીના ઉત્સર્જન માટે કોઈને પણ મળવું તે પત્રકારનો ધર્મ છે. આઝાદીના જંગના સમયમાં અંગ્રેજી હકૂમતના વિરોધી મહાત્મા ગાંધીજીને અંગ્રેજી પત્રકારો પણ મળતા હતા. તેમની સાથે રહેતા હતા. તેમની સાથે જમતા પણ હતા. ખુદ વેદ પ્રતાપ વૈદિકે પણ પોતાનો બચાવ કરતાં કહ્યું છે કે, કેટલાયે પત્રકારો એલટીટીઈના પ્રમુખ પ્રભાકરનને પણ મળી ચૂક્યા છે. એ જ રીતે તેમણે વાલ્મીકિ અને અંગુલિમાલના પણ દાખલા આપ્યા છે. એ વાતમાં કોઈનેય વાંધો ના હોઈ શકે કે, વેદ પ્રતાપ વૈદિક એક પત્રકારની હેસિયતથી હાફિઝ સઈદ સહિત કોઈને પણ મળી શકે છે. પત્રકાર તરીકે તેઓ હાફિઝ સઈદને મળે તે સામે મુક્ત અખબારી સ્વાતંત્ર્ય ધરાવતા દેશમાં કોઈને પણ વાંધો હોઈ ના શકે, પરંતુ પાકિસ્તાની ટી.વી. ચેનલ પર તેમણે જે ઈન્ટરવ્યૂ આપ્યો તેમાં વેદ પ્રતાપ વૈદિકે કહ્યું કે, “પાકિસ્તાન અને ભારત હસ્તકના કાશ્મીરને જો તે પ્રજા આઝાદી ઈચ્છતી હોય તો આઝાદી આપવી જોઈએ.” વેદ પ્રતાપ વૈદિકનું આ બયાન કોઈપણ ભારતીયને સ્વીકાર્ય નથી. લાગે છે કે, વેદ પ્રતાપ વૈદિકે જબરદસ્ત પબ્લિસિટી પ્રાપ્ત કરવા અને પોતાની જાતને મહાન પત્રકાર તરીકે ખપાવવાના મોહમાં આવું રાષ્ટ્રવિરોધી બયાન પાકિસ્તાની ચેનલને આપ્યું હતું. વેદ પ્રતાપ વૈદિકના આ નિવેદનથી ખુદ પાકિસ્તાની ન્યૂઝ ચેનલના પત્રકાર પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

બડી બડી બાતેં

સૌથી અગત્યની વાત એ છે કે, વેદ પ્રતાપ વૈદિક છે કોણ ? આખીયે કેન્દ્ર સરકારને મુસીબતમાં મૂકી દેનાર વેદ પ્રતાપ વૈદિક કોઈ એક અખબાર કે મેગેઝિન સાથે સંકળાયેલા નથી. તેઓ જાતે જ પોતાની જાતને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો વિશે નિષ્ણાત માને છે. તેમનો દાવો છે કે, પૂર્વ વડા પ્રધાન નરસિંહરાવ પણ વિદેશી નીતિની બાબતમાં તેમની સલાહ લેતા હતા. વેદ પ્રતાપ વૈદિક કહે છે કે, “હું દુનિયાભરના નેતાઓના સંપર્કમાં છું.” ખરી વાત એ છે કે, જેઓ સાધુ ઓછા અને રાજકારણી તથા વેપારી વધુ છે તેવા બાબા રામદેવના તેઓ ચેલા છે. તેમણે જાતે જ એવી હવા ઊભી કરી છે કે, ભારતના બડા બડા નેતાઓ સાથે તેમનો ઘરોબો છે અને બધા તેમને પૂછી પૂછીને જ પાણી પીએ છે. પાકિસ્તાનમાં એક કાર્યક્રમ માટે જાય, કાર્યક્રમ પૂરો થયા બાદ પંદર દિવસ ત્યાં રોકાઈ જાય. પાકિસ્તાનના વડા પ્રધાનને મળે તે પછી હાફિઝ સઈદને પણ મળે તે દર્શાવે છે કે, આટલી બધી મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ વ્યક્તિઓને મળવાની વ્યવસ્થા ગોઠવવા પાછળ કોઈ ‘તાકાત’ તો હશે જ. કોઈનું પીઠબળ તો હશે જ. એમણે જે કર્યું તે કર્યું, પરંતુ કાશ્મીરને આઝાદી અપાવવાની વાત પાકિસ્તાનની ભૂમિ પર કરવાની તેમની ગુસ્તાખીથી આખી મોદી સરકારને તેમણે કઠેડામાં ખડી કરી દીધી છે અને છેવટે ભાજપાએ તથા સરકારે વેદ પ્રતાપ વૈદિક સામે કડક વલણ અપનાવવું પડયું છે.

હાફિઝ સઈદ કોણ છે ?

આખા દેશની જનતા એ સમજી શકતી નથી કે, એક પત્રકારને રાષ્ટ્રવિરોધી બયાન કરવાનો અધિકાર કોણે આપ્યો ? વળી તેઓ પત્રકાર છે તો કયા અખબારના ? તેઓ એ વાત કેમ ભૂલી ગયા કે, હાફિઝ સઈદ ૨૬/૧૧ના મુંબઈ હુમલામાં માર્યા ગયેલા ૧૬૬ ભારતીયો માટે જવાબદાર છે. કસાબને ભારત મોકલનાર પણ હાફિઝ સઈદ જ હતો. હાફિઝ સઈદ એક આંતરરાષ્ટ્રીય ગુનેગાર છે. તેના માથે ૬ અબજ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું છે. તે સતત ભારતીય સરહદોની નજીક પાકિસ્તાનમાં ફરતો દેખાયો છે. સીમાન્ત પ્રદેશોમાં ફરી ભારતીય જવાનોના માથાં કાપી લાવવા માટે લોકોને ઉશ્કેરતો રહે છે. ભારતીય સૈનિકોનાં માથાં વાઢી લાવનારને તે ઇનામ પણ આપે છે. આવી ઘૃણાસ્પદ વ્યક્તિને મળ્યા બાદ વળી પાછા વેદ પ્રતાપ વૈદિક તેની પ્રશંસા કરે છે. હાફિઝ સઈદ તેમને ઘરની બહાર મૂકવા આવ્યો અને કારનો દરવાજો ખોલી આપ્યો તેનું વર્ણન કરી તેઓ એનાથી કેટલા પ્રભાવિત છે તે વાતનો પણ નિર્દેશ કરે છે. આવા હાફિઝ સઈદને મળવાથી વેદ પ્રતાપ વૈદિકને પબ્લિસિટી તો જરૂર મળી, પરંતુ તેથી આતંકવાદની વિરુદ્ધ સરકારની ઝુંબેશ પર આંચ જરૂર આવી છે.

આતંકવાદના વકીલ

વેદ પ્રતાપ વૈદિક હાફિઝ સઈદને મળ્યા એ એક અલગ વાત છે, પરંતુ તેમણે જે વાતો ટેલિવિઝન ચેનલ પર કહી તે જોતાં તો તેઓ એક ખતરનાક આતંકવાદીના વકીલ જેવા લાગ્યા. કાશ્મીર પર વક્તવ્ય આપતી વખતે તો તેઓ સ્વયંભૂ ભારતના રાજદૂત બની ગયા હોય એમ લાગ્યું. તેમનો ઇન્ટરવ્યૂ સાંભળતાં તો એમ લાગતું હતું કે, હાફિઝ સઈદ પાકિસ્તાનની પ્રજા વગેરે તૈયાર હોય તો તેઓ જ કેન્દ્ર સરકારને સમજાવવા તૈયાર છે. હકીકતમાં પાકિસ્તાનની ભૂમિ પર જઈ વેદ પ્રતાપ વૈદિકે ભારત સરકારની ઉદ્ઘોષિત નીતિની જ મજાક ઉડાવી. એ એક આશ્ચર્યની વાત છે કે, ભાજપા અને આરએસએસ સાથે સંકળાયેલી વ્યક્તિઓ પાકિસ્તાનની ભૂમિ પર જઈ બદલાઈ કેમ જાય છે ? એલ. કે. અડવાણી ખુદ કરાચીમાં મોહંમદ અલી ઝીણાની કબર પર માથું ટેકવી આવ્યા હતા. ભાજપાના જશવંતસિંહે ભારતના ભાગલા કરાવનાર ઝીણાની પ્રશંસા કરી હતી. હવે વેદ પ્રતાપ વૈદિક પોતે ભલે આરએસએસના સભ્ય નથી એમ કહેતા હોય, પરંતુ તેમણે ભાજપાની, સંઘની અને ભારત સરકારની જાહેર નીતિ વિરુદ્ધ કાશ્મીરને આઝાદ કરાવવાની વાત કહી ભાજપાને, સંઘને અને મોદી સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે. શું વૈદિક એ વાત જાણતા નથી કે પાક. હસ્તક કાશ્મીરમાં હાફિઝ સઈદ આતંકવાદીઓ તૈયાર કરવાના કેમ્પ ચલાવે છે ?

સ્વયંભૂ રાજદૂત ?

વેદ પ્રતાપ વૈદિક એ વાત યાદ રાખે કે, હાફિઝ સઈદ કોઈ ગૌતમ બુદ્ધ નથી, યાસિન મલિક કોઈ અંગુલિમાલ નથી. વૈદિક જાતે જ બની બેઠેલા પત્રકાર છે. જાતે જ બની બેઠેલા કેન્દ્ર સરકારના રાજદૂત છે અને જાતે જ બની બેઠેલા મધ્યસ્થી છે. જો એમ ના હોય તો તેઓ જાહેર કરે કે, તેઓ કોના કહેવાથી કાશ્મીરની આઝાદી વિશે વાત કરવા હાફિઝ સઈદને મળવા ગયા હતા. 

કાંઈક ગરબડ તો છે જ !

Powered by WordPress & Theme by Anders Norén