‘ગોડમધર ઓફ નાગપાડા’ હસીના પારકરનું ૬ઠ્ઠી જુલાઈના રોજ મુંબઈમાં મૃત્યુ નીપજ્યું ત્યારે મુંબઈની પોલીસ સૌથી વધુ સતર્ક થઈ ગઈ.કારણ ?
તે ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહીમની બહેન હતી. માત્ર ૫૧ વર્ષની વયે હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામનાર હસીના પારકર પાકિસ્તાન સ્થિત દાઉદ ઈબ્રાહીમના ભારતમાંના કાયદેસરના અને ગેરકાયદે બિઝનેસને મુંબઈમાં રહી હેન્ડલ કરતી હતી. આમ તો હસીના પારકર સામે છેતરપિંડીનો અને ખંડણીના આક્ષેપવાળો એક જ કેસ ચાલતો હતો, પરંતુ ભારતનું ગુપ્તચર ખાતું તેની તમામ ગતિવિધિઓ પર નજર રાખતું હતું. દાઉદ ઈબ્રાહીમની આ પ્રિય અને નાની બહેનને ડોંગરી વિસ્તારના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી રહી હતી ત્યારે વાતાવરણમાં જબરદસ્ત શાંતિ, ચૂપકિદી અને ભયની લાગણી હતી. દાઉદ ઈબ્રાહીમના વફાદારોએ આજે તેમના ધંધા બંધ રાખ્યા હતા. પોલીસે કેટલાંક સ્થળોએ આડશો મૂકી હતી. છતાં કેટલાક જિજ્ઞાાસુઓ તથા કેમેરામેન અહીં હસીનાની અંતિમક્રિયા પર નજર નાખવા પ્રવેશી ગયા હતા.
પરિવારમાં હસીના ‘આપા’ના નામથી જાણીતી હતી. કેટલાક લોકો તેને ‘લેડી ડોન’ તરીકે ઓળખતા હતા. દાઉદ ઈબ્રાહીમના પાકિસ્તાન ચાલ્યા ગયા બાદ પણ તે ડોંગરી વિસ્તારમાં જ નાગપાડાના ગોર્ડન હાઉસમાં રહેતી હતી. ૧૯૯૩ના મુંબઈ બોમ્બ ધડાકા બાદ દાઉદનું આખું પરિવાર ભાગી ગયું હતું, પરંતુ હસીના હિંમતથી મુંબઈમાં રહેતી હતી. ૧૯૯૧માં અરુણ ગવળીએ તેના પતિ ઈસ્માઈલ પારકરની ડોંગરીમાં જ ગોળી મારી હત્યા કરી નાખી હતી. હસીનાનો પતિ ઈસ્માઈલ ડોન દાઉદનો વિશ્વાસુ સાથી હતો.
પતિના મૃત્યુ બાદ હસીના પારકરને ડી-કંપનીમાં સામેલ કરી દેવામાં આવી હતી. એણે ખૂબ જલદીથી ડોનના ‘બિઝનેસ’ પર કાબૂ મેળવી લીધો હતો. એની ત્વરા માટે એક જ દાખલો પૂરતો છે. એક દિવસ તે એક ભવ્ય એપાર્ટમેન્ટ બિલ્ડિંગ જોવા ગઈ. એણે એ બિલ્ડિંગમાં ૭મા માળે રહેતા તમામ રહીશોને માત્ર અડધા કલાકમાં ફેંકી દીધા હતા, કારણ કે તે એપાર્ટમેન્ટ-બિલ્ડિંગ તેને ગમી ગયું હતું. એ બિલ્ડિંગમાં રહેતા એક પણ રહીશે પોલીસમાં ફરિયાદ કરવાની પણ હિંમત કરી નહોતી. નાગપાડા વિસ્તારના ગોર્ડન હાઉસનો આખોયે સાતમો માળ માત્ર હસીના પારકરની માલિકીનો હતો. પોલીસના જણાવ્યા મુજબ હસીનાની ગેંગના સભ્યો અને દાઉદ ઈબ્રાહીમના વફાદાર સાથીઓએ એ બિલ્ડિંગની આસપાસ સુરક્ષા ઘેરો મજબૂત બનાવી દીધો હતો. કહેવાય છે કે, ડોંગરી વિસ્તારમાં ચાલતાં કેટલાયે શંકાસ્પદ ‘બિઝનેસ’ને પોલીસે ‘કેર ટેકિંગ’ એવું નામ આપ્યું હતું.
મુંબઈની ગુપ્તચર શાખાને ખબર હતી કે, હસીનાને જે ગેરકાયદે બિઝનેસ ગમી જાય તે ધંધો તે હાંસલ કરી લેતી હતી. જરૃર પડે તમામ ધંધાઓમાં તેના ‘કટ’ રાખતી. તમે તેને કમિશન, હપતો કે ખંડણી કહી શકો છો અને એ બધું જ દાઉદ ઈબ્રાહીમના નામે થતું. હસીના પારકરની જીવનશૈલી પણ ‘ગોડમધર’ સ્ટાઈલની હતી. જેઓ તેને વફાદાર રહેવાના સોગંદ લેતા તેની પૂરેપૂરી કાળજી તે લેતી હતી. પોતાના સાથીઓ વચ્ચે તેની પ્રતિષ્ઠા રોબિનહૂડ-ટાઈપની હતી. એ જ એની સિક્યોરિટી સિસ્ટમ અને એ જ એની રાહત પણ હતી.
હસીના પારકર ધારવા કરતાં ખૂબ ચાલાક હતી. હસીના પાકિસ્તાન સ્થિત તેના ભાઈ દાઉદ ઈબ્રાહીમ સાથે સીધો સંબંધ બહુ જ ઓછો રાખતી. તેની સાથેનો સીધો સંદેશાવ્યવહાર નહિવત્ હતો જેથી ગુપ્તચર ખાતાના સર્વેલન્સમાં તે આવી ના જાય. ગુપ્તચર ખાતું તેના ટેલિફોન્સને આંતરે છે તે વાતની તેને ખબર હતી. આ કારણથી હસીના તેના અંગત અને વિશ્વાસુ સંદેશાવાહકો દ્વારા જ દાઉદ ઈબ્રાહીમના સંપર્કમાં રહેતી. આ માટે તેની પાસે સંદેશાવાહકોનું એક ખાસ નેટવર્ક હતું. કહેવાય છે કે, ડોન દાઉદ ઈબ્રાહીમ દર મહિને રૃ. બે કરોડની રકમ નેટવર્ક ખર્ચ અને બીજા નિભાવ માટે હસીનાને મોકલતો હતો.
મુંબઈના માફિયાઓ પર પુસ્તક લખનાર લેખક હુસેન ઝૈદી એકવાર પુસ્તક લખતા પહેલાં હસીનાને મળવા ગયા હતા. હસીના એ રૃમમાં આવે તે પહેલાં તેઓ સોફા પર બેઠા હતા. તે પછી હસીના પ્રવેશી પણ હુસેન ઝૈદી બેઠેલા જ રહ્યા. ઘરની નોકરાણીએ તેમને પૂછયું : “તમે કેમ ઊભા ના થયા ?” એ પ્રશ્નના જવાબમાં લેખકે જણાવ્યું : “હું ઊભો થાઉં એનો મતલબ એ થાત કે હું ભયના કારણે ઊભો થયો છું અને તે હસીના પારકર માટે સાચું સન્માન ના હોત !” અને એ જવાબ સસ્મિત એણે સ્વીકારી લીધો હતો.
હસીના પારકરે તેની જિંદગીમાં ઘણા હાદસા નિહાળ્યા છે. ૨૦૦૬માં તેનો પુત્ર દાનીશ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો. તે પહેલાં ૧૯૯૧માં તેના પતિ ઈસ્માઈલ પારકરની હત્યા થઈ ગઈ. એ પછી દાઉદે પોતાના બનેવીને મારનાર અરુણ ગણવળીના માણસને જે. જે. હોસ્પિટલ શૂટ આઉટમાં પતાવી દીધો હતો.
આવી હસીના પારકર ઘણીવાર લોકોની નજરમાંથી અદૃશ્ય રહેતી. ઘણા તેને પાકિસ્તાન જતી રહી છે તેમ માનતા, પરંતુ તે નાગપાડામાં જ હતી. મૃત્યુના એક અઠવાડિયા પહેલાં તેનો ડાયાબિટીસ અને શુગર વધી ગયા હતા. બ્લડપ્રેશર ઘટી રહ્યું હતું. અન્ય દેશમાં રહેલા તેના ભાઈને આ વાતની ખબર પડતાં તે ચિંતામાં પડી ગયો હતો તેમ મુંબઈની પોલીસ કહે છે.
રાતના ૨.૩૦ વાગે હસીનાએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. તેને તરત જ ડોંગરીની ૮૦ પથારીઓવાળી હબીબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે જાણીતી છે. મુંબઈના કેટલાક ટોચના ફિઝિશિયન્સ આ હોસ્પિટલ સાથે સંલગ્ન છે. તે બધાંને જ બોલાવી લેવાયા. તે બધા જ નિષ્ણાત તબીબોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં ર્કાિડયાક એટેકના કારણે હસીનાનું મૃત્યુ થયું. પોલીસના કહેવા મુજબ “દાઉદના માણસો હસીનાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તે પછી પળેપળની જાણકારી દાઉદને મોકલતા હતા. હસીના મૃત્યુ પામી ત્યાં સુધી આ સંદેશાવ્યવહાર જારી રહ્યો. અમે આંતરેલા કોલ્સના આધારે અમે માનીએ છીએ કે એ વખતે દાઉદ સંયુક્ત આરબ અમીરાતમાં કોઈક સ્થળેથી બોલતો હતો અને બહેનના સમાચારથી ઘણો દુઃખી હતો. કેટલાક લોકો માનતા હતા કે બહેનની અંતિમક્રિયા વખતે તે ભારત આવશે, પરંતુ પાછળથી એણે વીડિયો દ્વારા જ અંતિમક્રિયા નિહાળવાનો નિર્ણય લીધો હતો. કોઈએ સ્કાઈપ દ્વારા દાઉદને વીડિયો દૃશ્યો મોકલ્યાં હતાં.”
પોલીસ કહે છે : “સોમવારની સાંજના પાંચ વાગે હસીનાની અંતિમક્રિયા થઈ અને એ ક્રિયાની વીડિયોગ્રાફી કરતાં કોઈને રોકી શકીએ નહીં.” છેવટે હસીના પારકરને મરીન લાઈન કબ્રસ્તાન ખાતે દફનાવવામાં આવી.
પોલીસ માને છે કે, દાઉદે તેની ૪૫ જેટલી બેનામી મિલકતોને હેન્ડલ કરવાનું કામ હસીનાને સોંપ્યું હતું. હસીના એ કામ તો કરતી જ રહી, પણ દાઉદ માટે તે તેની ખંડણીનો બિઝનેસ, બોલિવૂડ ફિલ્મ્સનાં ઓવરસીઝ બિઝનેસ, હવાલા રેકેટ્સ, ટી.વી. કેબલ બિઝનેસ પણ સંભાળતી રહી. મોટી પ્રોપર્ટીઓના ઝઘડામાં મધ્યસ્થી બની તેના ઉકેલ લાવવાનું અને તે દ્વારા મોટી ફી વસૂલવાનું કામ પણ તે કરતી રહી. છેલ્લા કેટલાક સમયથી તેનું કથળતું સ્વાસ્થ્ય એક મર્યાદા બનતું જતું હતું. કેટલાક વખત પહેલાં દાઉદના ભાઈ ઇકબાલ કાસકર ભારત આવેલો છે. તે હસીનાને મદદ કરતો હતો. હવે હસીના પારકરના કામકાજનો હવાલો ઇકબાલ કાસકર સંભાળશે તેમ મનાઈ રહ્યું છે.
૧૯૮૨માં દાઉદ ઈબ્રાહીમે મુંબઈના બડા કબ્રસ્તાન ટ્રસ્ટને રૃ. ૫૦૦૦નું દાન આપી આખા પરિવારની દફનવિધિ માટે જગા નિર્ધારિત કરાવી હતી. આ કબ્રસ્તાન મુંબઈમાં ચંદનવાડી, મરીન લાઈન્સ ખાતે આવેલું છે, જ્યાં હસીનાને દફનાવવામાં આવી. દાઉદે પણ પોતાની દફનવિધિ માટે આ જ જગા બુક કરાવેલી છે. આજે પણ એ દફન સ્થળ માટે જરૃરી મેન્ટેનન્સ ફી નિયમિત રીતે ચૂકવવામાં આવે છે. દાઉદ ઈબ્રાહીમની માતા આમેના બી, પિતા ઈબ્રાહીમ, ભાઈ સાબિર અને બનેવી ઈસ્માઈલ પારકરને પણ અહીં જ દફનાવેલાં છે. હવે બહેન હસીના પણ અહીં જ સૂતી છે.
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "