દિલ્હીથી પ્રગટ થતા અંગ્રેજી અખબાર “હિન્દુસ્તાન ટાઇમ્સ” એ ‘વેઇક અપ ઇન્ડિયા’ ના ટાઇટલ હેઠળ બળાત્કાર ગુજારતા હેવાનોની હેવાનિયત સામે લોકોને જાગૃત કરવા સુંદર ઝુંબેશ શરૂ કરી છે. આ અખબારમાં પ્રગટ થયેલી ૨૮ વર્ષની એક યુવતીની કથા એના જ શબ્દોમાં :
“૨૦૦૬ના નવા વર્ષની આગલી સાંજ હતી. મારા લગ્ન થયે માત્ર આઠ જ મહિના થયા હતા. હું મારા પતિને બહુ જ ચાહતી હતી. મારા પતિને એક નાનો સરખો બિઝનેસ હતો.
તા.૩૧મી ડિસેમ્બરે હું અને મારા હસબન્ડ ગાઝિયાબાદમાં આવેલા ઇૅૅડીએમ મોલમાં આવેલા થિયેટરના સાંજના શો મા ફિલ્મ જોવા ગયા હતા. અડધી ફિલ્મ પૂરી થઇ હશે અને મારા પતિએ કહ્યું :’ફિલ્મ કંટાળાજનક છે, ચાલો બહાર નીકળી જઇએ.’
એ સાંભળી મારા પતિ ગુસ્સે થઇ ગયા. સીટમાંથી ઊભા થતાં મને કહ્યું : “હું ઘેર જાઉ છું. તું ફિલ્મ પૂરી થાય પછી આવજે.”
અમારુ ઘર મોલની બાજુમા જ હતું. હું થિયેટરમાં પૂરેપૂરી ફિલ્મ જોવા બેસી રહી. મને હતું કે એમનો ગુસ્સો ઉતરી જશે એટલે થોડીવારમાં તેઓ પાછા અંદર આવીને મારી બાજુમાં બેસી જશે પણ તેઓ ના આવ્યા. ફિલ્મ પૂરી થયા બાદ હું બહાર નીકળી. બહાર નીકળી ત્યારે અંધારું થઇ ગયું હતું. હું ઓટોરિક્ષાની રાહ જોવા લાગી. એટલામાં એક મોટરકાર મારી પાસે આવીને ઊભી રહી. હું ઓળખી ગઇ. કારચાલક અમિત હતો. તે મારા પતિનો મિત્ર હતો. ઘણીવાર અમારા ઘેર આવી ચૂક્યો હતો. એણે મને મારા હસબન્ડ વિશે પૂછયું. મેં કહ્યું : “એમને ફિલ્મ ના ગમી એટલે ઘેર જતા રહ્યા છે.”
અમિતે મને લિફટ આપવાની ઓફર કરી. મોડું થઇ ગયું હોઇ હા પાડી. હું અમિતની કારમાં બેઠી. ચાલુ કારે અમિતે મને સોફ્ટ ડ્રીંક્સની ઓફર કરી. મેં તો ના પાડી પણ તેણે ખૂબ દુરાગ્રહ કરી મને એક ગ્લાસમાં સોફ્ટ ડિં્રકસ આપ્યું. કારમાં કેટલીક ખાલી બાટલીઓ પડેલી હતી. થોડી વારમાં મને ઘેન ચડયું. મને ઝાંખુ ઝાંખું દેખાવા લાગ્યું. તે પછી મને યાદ નથી કે એ મને ક્યાં લઇ ગયો. મને એટલું જ યાદ છે કે અમિત મને કારમાંથી બહાર ખેંચીને એક નવા જ બંધાઇ રહેલા બિલ્ડિંગના પગથિયા પર ઢસડી રહ્યો હતો. એણે મને ક્રોંકિટના સરફેસ પર સુવાડી દીધી. હું ચીસો પાડતી રહી. પણ એ મારી પર બળજબરી કરતો રહ્યો. મેં ખૂબ પ્રતિકાર કર્યો પરંતુ તે મારાથી વધુ શક્તિશાળી હતો.
મને યાદ નથી એણે કેટલીવાર મારી પર બળાત્કાર કર્યો. તે પછી તે મને તેની કારમાં ઘસડી ગયો. તે પછી મને એટલું જ યાદ છે કે હું કોઇ અજાણ્યા ઘરમાં હતી. એ ઘરમાં પાંચથી છ જેટલા માણસો પહેલેથી જ મોજુદ હતા. અમિતે એ બધાંને બોલાવી રાખ્યા હોય તેમ મારી રાહ જોતા હતા. તે બધાએ વારાફરતી મારી પર બળાત્કાર કર્યો. હું બેભાન થઇ ગઇ.
મને જ્યારે ભાન આવ્યું ત્યારે જ મને ખબર પડી કે હું ઇડીએમ મોલના પગથિયા પર પડેલી છું. એ લોકો મને અહીં મૂકીને જતા રહ્યા હતા. એ વખતે સવાર થઇ ગઇ હતી. હું બેઠી થઇ. એક ઓટો ભાડે કરી હું ઘેર પહોંચી. મારા પતિ ગુસ્સાથી લાલચોળ હતા. એમણે ત્રાડ પાડીને મને પૂછયું : “આખી રાત ક્યાં હતી?”
હું પણ ગુસ્સે થઇ ગઇ. રડી પડી અને સ્વસ્થ થયા બાદ રાત્રે જે કાંઇ બન્યું તે બધું જ મેં એમને કહી દીધું. તે પછી હું અને મારા હસબન્ડ પોલીસ સ્ટેશને લેખિત ફરિયાદ લઇને ગયા. પોલીસે અમારી ફરિયાદ ફાડી નાંખતાં કહ્યું : “તમે તમારી આબરુ અને નામ શા માટે ખરાબ કરવા માંગો છો?”
અમે પોલીસના વલણ સામે વિરોધ કર્યો. અમે ઘેર પાછા ફર્યા પરંતુ મારા હસબન્ડ એક પત્રકારને ઓળખતા હતા. એક ન્યૂઝ ચેનલે મારી સાથે ઘટેલી ઘટના ચેનલ પર પ્રસારીત કરી મીડિયાનું દબાણ વધતાં પોલીસે અમારી ફરિયાદ લીધી, અને મુખ્ય આરોપી અમિત સામે ગુનો દાખલ કર્યો.
તે પછી નવા દુઃખોનો આરંભ થયો. મારે હવે બીજા ૨૨ વર્ષ સુધી એ યાતનાઓ ભોગવવાની હતી. એ ઘટના પછી મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન બદલાઇ ગયું હતું. મારું જીવન નર્કાગાર જેવું બની ગયું. મારા પતિનો જ બિઝનેસ ફ્રેન્ડ મારી પર બળાત્કાર કરશે અને તેના મિત્રોને પણ બોલાવી સામૂહિક બળાત્કાર કરાવશે તેવી કલ્પના પણ કરવી મુશ્કેલ હતી. મારા પતિ દારૂની લતે ચડી ગયા. મારા પતિ મારી પર જાત જાતના વ્યંગ કરી મને જેમ તેમ બોલવા લાગ્યા. પણ હું જાણતી હતી કે તેઓ હજુ મને ચાહતા હતા. હું એ પણ જાણતી હતી કે, તેઓ મને કદીયે ઘરમાંથી બહાર કાઢી નહીં મૂકે. એમણે એવું કદી ના કર્યું. પરંતુ અમારા સગાઓ, પડોશી અને મિત્રોએ અમારું જીવન યાતનાઓથી ભરી દીધું. બધા મારા માટે જેમ તેમ બોલતા રહ્યા. હું જ્યાં પણ જાઉં ત્યાં લોકો મારી સામે જોઇ રહેતા હતા. અંદરોઅંદર ગુપચૂપ વાતો કરતા હતા. એક તબક્કે તો મને જ લાગ્યુ કે જાણે મેં જ કોઇ ગુનો કર્યો છે. એ લોકો એવું જ કહી રહ્યા કે જાણે કે મેં જ મારી પર બળાત્કાર કરવા એ બધાને નિમંત્ર્યા હતા. પડોશીઓ અને મિત્રોના મહેણાં ટોણાંથી અમે ઇસ્ટ દિલ્હી છોડી દીધું અને બીજે રહેવા જતાં રહ્યાં.
એ સમય દરમિયાન હું સગર્ભા બની. હું એક પુત્રની માતા બની. હવે હું મારા પતિના હરિયાણામાં આવેલા નાનકડા ગામમાં રહેવા જતા રહ્યા. અહીં પણ શાંતિ ના મળી. લોકો મારી પર થયેલા બળાત્કારની વાતો કરી મારી પર ટીકાઓ કરતા રહ્યા. દિલ્હી કરતા અહીં તો સહુથી વધુ વાતો થતી રહી. મેં આપઘાત કરવા વિચાર કર્યો પણ મારા નાનકડા પુત્રનો ચહેરો સામે આવી જતાં હું એમ ના કરી શકી. હું મરી જઇશ તો મારા દિકરાની સંભાળ કોણ લેશે? એવા ખ્યાલથી મેં જીવવાનું નક્કી કર્યું. કેટલાક સમય બાદ ફરી હું બીજા એક પુત્રની માતા બની. પરંતુ હું મારા હસબન્ડને નોર્મલ બનાવી ના શકી. તેઓ વધુને વધુ દુઃખી રહેવા લાગ્યા. તેમની વ્યથા ભૂલી જવા તેઓ વધુ ને વધુ દારૂ પીવા લાગ્યા.
આ તરફ હવે અમિત અને તેના સાગરીતો સામેનો કોર્ટ કેસ શરૂ થયો. અમિતને અગાઉ જામીન મળી ગયા હતા. તે બહાર આવ્યો તે પછી અમને વારંવાર ધમકીઓ મોકલ્યા કરતો હતો. એના પરિવાર તરફથી ભારે દબાણ શરૂ થયું. અમિત તરફથી ધમકીના ફોન ચાલુ જ રહ્યા. હવે હું મારા ઘરની બહાર નીકળવાની હિંમત કરી શકતી નહોતી. કેટલાક આરોપીઓના વાલીઓ મારા ઘરે આવ્યાં અને તેમના દિકરાઓનું જીવન બચાવવા અમને વિનવણી કરવા લાગ્યા. કેસ, લાંબો ખેંચાતો રહ્યો. છેવટે એ લોકોના ભારે દબાણને વશ થવું જ પડયું. અમે કોર્ટની બહાર સમાધાન કરવા સંમત થયા. અમને દોઢ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. મારા શીલની કિંમત માટે દોઢ લાખ રૂપિયા!
એ સમાધાનના થોડા સમય બાદ મારા પતિ ગુજરી ગયા. હવે બધોજ આધાર મારા પર જ હતો. મારે મારા પગ પર જ ઊભા રહેવાનું હતું. હા, મારા માટે માથે છાપરૂ હતું. મેં કામ કરવાનું નક્કી કર્યું. મારા પુત્રોને જીવાડવાનો એ એકમાત્ર વિકલ્પ હતો. મારા સગાંઓ અને મારા સાસરિયા તરફથી ભારે વિરોધ છતાં મેં નોકરી શોધી કાઢી અને કામ કરવાનું શરૂ કર્યું. હવે હું સરકારની એક ઓફિસમાં સુપરવાઇઝર છું. હું કોન્ટ્રાક્ટ પર જોબ કરુ છું. મને જે પૈસા મળે છે તે પૂરતા નથી, પણ હું ચલાવી લઉં છું. હું મારા સંતાનોને જીવાડી શકું છું.
૨૦૦૬ની ……. એ આગલી કાળરાત્રી પછી મેં મારી યાતનાભરી જિંદગીની એક લાંબી સફર તય કરી છે. મને એ વાતનો આનંદ છે કે હવે હું શક્તિશાળી બની છું.હવે કોઇની તાકાત નથી કે મારી સામે આંખ ઉઠાવીને જોઇ શકે. હવે હું કોઇને મારી આંખમાં આંખ મિલાવવા પણ દેતી નથી. મારી પાસે હવે નોકરી છે. મારા દિકરાઓ સ્કૂલે ભણવા જાય છે. મારી પાસે હવે જીવવાનું કારણ છે. મારા પુત્રો મારી આશા છે. હા, કોઇવાર રાત્રે મને બિહામણાં સ્વપ્ના આવે છે પણ ધીમે ધીમે એ દુઃખ હું ભૂલી રહી છું. પણ મારો ક્રોધ હજુ શમ્યો નથી.”
(સૌજન્ય : હિન્દુસ્તાન ટાઇમ્સમાં માનસી દાસગુપ્તા નામના મહિલા પત્રકાર દ્વારા લખાયેલી કથા પર આધારીત. પીડિતાનું નામ તેની ઓળખ છૂપાવવા માટે લખવામાં આવ્યું નથી. તસ્વીર પ્રતીકાત્મક છે.)
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "