હરપ્રીત કૌરનું આજે લગ્ન હતું. ભાવિ પિયા સાથે ડોર બાંધવામાં હવે માત્ર ત્રણ જ કલાક બાકી હતા. હરપ્રીત મનમાં ઇન્દ્રધનુષી સ્વપ્નો નિહાળી રહી હતી. લુધિયાણાના સુપ્રસિદ્ધ ર્સ્ટિંલગ રિસોર્ટમાં લગ્નમંડપ સજાવવામાં આવ્યો હતો. મમ્મીએ કહ્યું : “બેટા! જલ્દી તૈયાર થઇ જા. બ્યુટીપાર્લરમાં સમય લાગશે.”
“હા, મમ્મીજી! ચાલો. હું તૈયાર છું.” : કહેતાં હરપ્રીત કૌરે તેની સખીઓ સાથે ઇનોવા કારમાં બેસી ‘આશા હેર એન્ડ કેર’ નામના સલૂન-બ્યૂટીપાર્લર પહોંચી. સલૂનના સંચાલક સંજીવ ગોયેલે મેકઅપ શરૃ કર્યો. સવારે બરાબર નવ વાગે એક યુવક પાર્લરમાં પ્રવેશ્યો. એણે મોં પર રૃમાલ બાંધી રાખ્યો હતો. તેના હાથમાં કોલ્ડડ્રીંકસની લીલા કલરની પ્લાસ્ટિકની બોટલ હતી. તે સીધો હરપ્રીતકૌર પાસે પહોંચી ગયો. સંજીવ ગોયેલ સમજ્યા કે દુલ્હનનો કોઇ સંબંધી પાર્લરની ચેરમાં બેઠેલી હરપ્રીત માટે કોલ્ડ ડ્રીંક લઇને આવ્યો છે. હરપ્રીત કૌર તેને જોઇ રહી. કોઇ કાંઇ સમજે તે પહેલાં અજાણ્યા યુવકે કોલ્ડડ્રીંકની બોટલમાં ભરેલુ તરલ પ્રવાહી હરપ્રીતકૌરના ચહેરા પર ઢોળી દીધું, અને બોટલ ત્યાં ફેંકી તે ભાગી ગયો.
હરપ્રીત કૌર એકદમ ચીસો પાડવા લાગી. તેના ચહેરા પરથી ધૂમાડા ઊઠી રહ્યા હતા. તેની પર તેજાબ ઢોળી દેવામાં આવ્યો હતો. તેજાબ છેક ગળા સુધી પ્રસરી ગયો હતો. બ્યુટીપાર્લરના માણસો અજાણ્યા યુવકને પકડવા બહાર દોડયા પરંતુ એ શખસ મારુતિ ઝેન કાર લઇ ભાગી ગયો.
હરપ્રીત કૌરને બેહદ નાજુક હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તે તડપી રહી હતી. તેની હાલત ગંભીર હોઇ આઇસીયુમાં દાખલ કરવામાં આવી. ઘટના પણ બેહદ ગંભીર હોઇ પોલીસે ઉચ્ચ અધિકારીઓની એક ટીમને તપાસ સોંપી. શહેરમાં આ અગાઉ પણ ચાર-પાંચ યુવતીઓ પર તેજાબ ફેંકવામાં આવ્યો હતો. હરપ્રીતકૌર ૫૦ ટકા કરતા વધુ દાઝી ગઇ હતી.
પોલીસે તપાસ શરૃ કરી. પહેલી નજરમાં મામલો પ્રેમ સંબંધી લાગ્યો પરંતુ સવાલ એ હતો કે હરપ્રીતકૌર પર તેજાબ ફેંકવાવાળો અજાણ્યો શખસ કોણ હતો જેણે લગ્નના થોડા કલાક પહેલાં જ ખુશીને માતમમાં બદલી નાંખી. પોલીસે બ્યુટીપાર્લર જઇ તપાસ શરૃ કરી. સદભાગ્યે બ્યુટીપાર્લરની અંદર અને બહાર સીસીટીવી કેમેરાજ લાગેલા હતા. સીસીટીવી કેમેરામાં ઝડપાયેલા ફૂટેજમાં એક શખસ દેખાયો પણ તેણે ચહેરા પર રૃમાલ બાંધી રાખ્યો હતો, પરંતુ તેની મારુતિકારનો નંબર દેખાતો હતો. પોલીસે કારના નંબરની તપાસ કરી પરંતુ એ નંબર પણ બનાવટી નીકળ્યો.
પોલીસે હવે હરપ્રીતકૌરની માતા દેવિન્દર કૌર સાથે પૂછપરછ કરી એમણે કહ્યું : હા, મારી દિકરીની શાદી નક્કી થઇ તે પછી અમારા ઘેર ફોન પર ધમકીના ફોન આવતા હતા. ફોન પર અમને કહેવામાં આવતું હતું કે, તમારી છોકરીનું લગ્ન એ છોકરા સાથે ના કરો. હરપ્રીત કૌરનું લગ્ન થવાનું હતું એ યુવકનું નામ નીલમ છે.”
પોલીસને લાગ્યું કે, આ એકતરફી પ્રેમનો કિસ્સો લાગે છે. કોઇ યુવક હરપ્રીત કૌરને એકતરફી પ્રેમ કરતો હોવો જોઇએ. એ પછી પોલીસ ફરી આશા હેર એન્ડ કેર નામના બ્યુટીપાર્લર પહોંચી. પોલીસ એ શોધવા માંગતી હતી કે ઘટનાને અંજામ આપવાવાળી વ્યક્તિને કેવી રીતે ખબર પડી કે હરપ્રીત કૌર અમુક જ સમયે આ બ્યુટીપાર્લર આવવાની છે. પોલીસ બ્યુટીપાર્લરના સંચાલકને પૂછયું : હરપ્રીત કૌરના મેકઅપ માટે કોણે બુકીંગ કરાવ્યું હતું અને બીજા કોના કોના ફોન આવ્યા હતા?”
બ્યુટીપાર્લરના સંચાલકે કહ્યું : ‘હરપ્રીત કૌરના પરિવારે બુકિંગ કરાવ્યું હતું પરંતુ એક મહિલાના ફોન પણ અવારનવાર આવતા હતા તે વારંવાર પૂછતી હતી કે ‘હરપ્રીત કૌર મેકઅપ માટે ક્યારે આવવાની છે?’
પોલીસે ઇન કમિંગ કોલ્સની ડિટેઇલ્સ લીધી. હરપ્રીતકૌર માટે ફોન કરનાર મહિલાનો ફોન નંબર શોધી તેનું સરનામું પણ ટેલિફોન કંપની પાસેથી મેળવી લીધું. હરપ્રીત કૌર માટે પૂછપરછ કરનાર મહિલાનું નામ અમિતા હતું. તે પતિયાલા રહેતી હતી. પોલીસે એક ટીમ પતિયાલા મોકલી અને અમિતાને તેના ઘરમાંથી જ પકડી લીધી. શરૃઆતમાં તો એણે કાંઇપણ કહેવા ઇન્કાર કર્યો પરંતુ પોલીસે મનોવૈજ્ઞાાનિક રીતે કડકાઇથી પૂછપરછ કરી તો ખબર પડી કે, હરપ્રીતકૌર પર તેજાબ ફેંકાવવાવાળી માસ્ટર માઇન્ડ અમિતા હતી.
અમિતાએ તેજાબ કેમ ફેંકાવરાવ્યો તે કારણ પણ રસપ્રદ છે. અમિતાને હરપ્રીત કૌર સાથે કોઇજ દુશ્મનાવટ નહોતી. હકીકત એ હતી કે હરપ્રીત કૌરનું લગ્ન જે યુવક સાથે થવાનું હતું તે યુવક-નીલમની અમિતા સગી ભાભી હતી.
વાત જાણે એમ હતી કે હરપ્રીત કૌરની સગાઇ સરદાર રણજીતસિંહના પુત્ર નીલમ સાથે ગોઠવવામાં આવી હતી. આ સગાઇ બાદ કેટલાક અજાણ્યા લોકોના ફોન બંને પરિવારોના ઘેર આવવા લાગ્યા હતા. એ ધમકીઓની પરવા કર્યા વિના બંને પરિવારોએ નીલમ અને હરપ્રીત કૌરના લગ્ન માટે આગળ વધવા નિર્ણય કર્યો હતો પરંતુ લગ્નના થોડા કલાક અગાઉ જ નવવધૂ પર તેજાબ ફેંકવામાં આવ્યો. પોલીસે અમિતાની પૂછપરછ શરૃ કરી તો એક દિલચશ્પ કહાણી બહાર આવી.
અમિતા લુધિયાણામાં રહેતા સોહનસિંહની પુત્રી હતી. અમિતા બચપણથી મહત્ત્વાકાંક્ષી અને સ્વચ્છંદી હતી. તે ખૂબસુરત પણ હતી. લગ્ન પહેલાંથી જ કેટલાયે યુવકો સાથે તેના સંબંધ હતા. તે ઝઘડાળુ અને જિદ્દી પણ હતી. તેણે પોતાની મરજીથી સરદાર રણજીતસિંહના મોટા પુત્ર તરનજીત સિંહ સાથે લગ્ન કર્યુ ંહતું. નીલમ તેનો દિયર થતો હતો. તરનજીત અને તેના પિતા પાસે કરોડોની સંપત્તિ હતી. લગ્નના થોડા દિવસમાં જ અમિતાને ખબર પડી કે પતિ પૈસાદાર છે પરંતુ શરીર સુખ આપી શકવા સમર્થ નથી. થોડા દિવસો બાદ બધું ઠીક થઇ જશે પણ એમ થયું નહીં. અમિતા કામુક સ્ત્રી હતી. થોડા જ દિવસોમાં ઘરમાં ઝઘડા શરૃ થઇ ગયા. માત્ર કરોડોની સંપત્તિની તે માલિકણ હોવાથી હજુ તે એ જ ઘરમાં રહેતી હતી.
થોડા જ વખતમાં તરનજીત સિંહને ખ્યાલ આવી ગયો કે તેની પત્ની અમિતાને બીજા કેટલાક પુરુષો સાથે પણ અનૈતિક સંબંધો છે. વળી તે ઘરની બહાર જ વધુ સમય રહેતી હતી. ઝઘડો વધી ગયો. વાત આગળ વધતાં મામલો કોર્ટમાં ગયો. કોર્ટે છૂટાછેડા મંજૂર રાખ્યા. અમિતા ૭૪ લાખ રૃપિયા રોકડા અને બંગલો લઇ તેની ઇચ્છા વિરુદ્ધ છૂટી થઇ. અમિતા પૂરી સંપત્તિ પર આધિપત્ય જમાવવા માંગતી હતી પરંતુ કોર્ટે કહ્યું કે, સરદાર રણજીતસિંહની સંપત્તિમાં અમિતાના પતિ તરનજીત ઉપરાંત તેનો ભાઇ નીલમ પણ ભાગીદર-હિસ્સો ધરાવે છે તેથી બધી સંપત્તિની અડધી સંપત્તિ અમિતાને આપી ના શકાય. આ કારણથી અમિતા ભારે ગુસ્સા સાથે છૂટી થઇ. અલગ રહેવા લાગી હતી.
એક દિવસ તેને ખબર પડી કે તેના પૂર્વ દિયર નીલમનું હરપ્રીતકૌર સાથે લગ્ન થવાનું છે. આ સમાચાર મળતાં જ તેને સનક ચડી ગઇ. છૂટાછેડા પછી પણ તેને જે અનેક લોકો સાથે સંબંધ હતા તેમાં એક પલવિન્દર હતો. પલવિન્દર અપરાધી વૃત્તિ વાળો માણસ હતો. અમિતાએ પલવિન્દરને કહ્યું : ‘મારે મારા સાસરિયા સાથે બદલો લેવો છે. મારા દિયર નીલમની શાદી છે.’
પલવિન્દેર વ્હિસ્કી પીતાં પીતાં કહ્યું : ‘તું કહે તો નીલમને ઉડાવી દઉં.’
‘ના’ અમિતા બોલી : ‘મારે નીલમને કાંઇ કરવું નથી. હું મારા સાસરિયાના ઘરમાં શહેનાઇ વાગતી જોવા માંગતી નથી. તું નીલમને કાંઇ ના કર પણ તેની થનાર પત્ની હરપ્રીતકૌરના ચહેરાની સુંદરતા ખતમ કરી નાખ. એના ચહેરા પર તેજાબ ફેંક. બસ,આટલુ પૂરતુ છે. હરપ્રીત કૌરનો બેડોળ ચહેરો જોઇ નીલમ પરણશે નહીં. લગ્ન અટકી જશે. એ પછી એ પરિવારને બીજો કોઇ છોકરી નહીં આપે. મને મારા સાસરિયાના પરિવારની તમામ મિલકતમાં અડધો ભાગ જોઇએ છે તેથી ન તો મારા પૂર્વ પતિને પરણવા દઇશ કે ન તો મારા દીયરને. એ પરિવારને વાંઝિયો રાખીશ તો જ મારા આત્માને પણ શાંતિ મળશે. અને એક દિવસ મારા પતિ અને દીયરની મિલકતમાં હું અડધો અડધ ભાગ માંગવા હકદાર બનીશ.’
અમિતાના પ્રેમી પરવિન્દર સિંહે રૃ. ૧૦ લાખમાં હરપ્રીત કૌર પર નાંખવાની સોપારી લીધી. સવા લાખ રૃપિયા એડવાન્સ પણ લીધા. પલવિન્દરે તેની પ્રેમિકા અમિતાને યોજનાને અંજામ દીધો અને તેના પિત્રાઇ ભાઇ સનીને ચહેરા પર રૃમાલ બાંધી તેજાબ ફેંકવા મોકલ્યો. હરપ્રીત કૌર દાઝી ગઇ, પરંતુ અમિતાની ધરપકડ બાદ પલવિન્દર પણ ઝડપાયો. સની પણ ઝડપાયો પરંતુ હરપ્રીતકૌર કે જેનો આ મામલામાં કોઇ જ દોષ નહોતો તેણે ૨૦ દિવસ બાદ હોસ્પિટલમાં જ દમ તોડી લીધો.
કેવી ખતરનાક સ્ત્રી?
દીયરને કુંવારો રાખવા એક ભાભી એ તેના દીયરની થનાર વાગ્દત્તાની જિંદગીને ખતમ કરી નાંખી. કેરમની રમત યાદ છે ને! બાજુમાં પડેલી કૂકરીને મારવા જોમેટ્રીનો ઉપયોગ કરવામાં આવે છે! અમિતા એ પણ એવું જ કાંઇ કર્યું.
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "