Devendra Patel

Journalist and Author

Date: April 11, 2014

ખંજન ધરાવતી બે સુંદરીઓ વચ્ચે ખૂબસૂરત ચૂંટણીજંગ

કભી કભી – દેવેન્દ્ર પટેલ
એક છે કિરણ ખેર.
બીજી છે ગુલ પનાગ.

બંને અભિનેત્રીઓ છે. બંને ચંડીગઢની છે. બંનેના ગાલ પર ખંજન પડે છે. ગાલ પર ડિમ્પલવાળી બંને મહિલાઓ વચ્ચે ચંડીગઢમાં ચૂંટણી યુદ્ધ ફાટી નીકળ્યું છે. કિરણ ખેર ‘દેવદાસ’ ફિલ્મમાં પારોની માના રોલથી વધુ જાણીતી છે. અનેક ટેલિવિઝન શોમાં ‘હોસ્ટ’ તરીકેની સેવાઓ આપી ચૂકી છે. કિરણ ખેર આક્રમક છે. એક્ટિવિસ્ટ જેવી લાગે છે. એક્ટર અનુપમ ખેરનાં પત્ની છે. ચંડીગઢમાં તે ભારતીય જનતા પાર્ટીની લોકસભાની બેઠક માટેની ઉમેદવાર છે.

ખંજન ધરાવતી બે સુંદરીઓ વચ્ચે ખૂબસૂરત ચૂંટણીજંગ

ચંડીગઢની બેઠક માટે તેનું નામ જાહેર થયું ત્યારે શહેરની પ્રજાએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. લોકોએ કાળા વાવટા ફરકાવ્યા હતા. ઇંડાં પણ ફેંક્યાં હતાં, પરંતુ હવે ધીમેધીમે એ આંધી શાંત થઈ ચૂકી છે. ચંડીગઢના લોકો અને પક્ષના કાર્યકરો કહે છે કે, કિરણ ખેર બહારથી આવીને ટપકી પડેલાં ઉમેદવાર છે. સિનેમાના એક્ટર્સને ચૂંટણીના મેદાનમાં ઉતારવા એ આજકાલ રાજકીય પક્ષોની મજબૂરી બની ગઈ છે.

કિરણ ખેરની ફિલ્મી કારકિર્દી જોઈએ તો તે આમિર ખાન, શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, કાજોલ, ઐશ્વર્યા રાય અને રાની મુકરજીની માનો રોલ ભજવી ચૂકી છે. માના પ્રભાવશાળી રોલમાં દીપી ઊઠતાં કિરણ ખેરને તેમનાં પ્રતિસ્પર્ધી ઉમેદવાર ગુલ પનાગ માટે કોઈ પ્રેમ કે વાત્સલ્ય જણાતું નથી. ગુલ પનાગ આમઆદમી પાર્ટી તરફથી ચંડીગઢનાં ચૂંટણી મેદાનમાં છે. બંને એકબીજાની સામે આકરા પ્રહારો કરી રહ્યાં છે.

બંને અભિનેત્રીઓ બોલિવૂડનાં જ કલાકાર હોવા છતાં કિરણ ખેર કહે છે કે, “હું મુંબઈમાં ગુલ પનાગને કદી મળી નથી. હા, હું એને જાણુ ંછું ખરી.”

કિરણ ખેરને વાંધો એ વાતનો છે કે, આમઆદમી પાર્ટીએ તેની સામે એક કુમાશભર્યો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. ગુલ પનાગ તેમની દીકરી જેવી લાગે છે, પરંતુ કિરણ ખેર જરા પણ લાગણી દર્શાવ્યા સિવાય કહે છે : “વિરોધ પક્ષ એટલે વિરોધ પક્ષ. વિરોધી એટલે વિરોધી. હું એમને એ દૃષ્ટિથી જ જોઉં છું.”

એથીયે આગળ વધીને તે કહે છે : “ગુલ પનાગની આમઆદમી પાર્ટી દિલ્હીમાં સત્તા પર આવી જ હતી, અને સરકાર પણ રચી હતી, પરંતુ આમઆદમી પાર્ટીના નેતાઓ થોડા જ સમયમાં જવાબદારીમાંથી છટકીને ભાગી ગયા. દિલ્હીની પ્રજાને એમણે રેઢી મૂકી દીધી.”

કિરણ ખેર અને ગુલ પનાગ વચ્ચે રાજકીય સ્પર્ધા હોવા છતાં બીજું પણ કેટલુંક સામ્ય છે. બંને મહિલાઓ લશ્કરી અધિકારીઓની પુત્રીઓ છે. બંનેનું બચપણ ચંડીગઢમાં વીત્યું છે.

ગુલ પનાગ કહે છે કે : “હું તો ચંડીગઢની ધરતીની જ પુત્રી છું.” આ બાબતમાં કિરણ ખેરને કેટલાક વિરોધનો સામનો કરવો પડયો છે. કિરણ ખેરની એક મહિલા સંબંધીએ એવો આક્ષેપ કર્યો છે કે, કિરણ ખેરે ચૂંટણીપંચને ખોટી માહિતી આપી છે. કિરણ ખેરે એ આક્ષેપો ફગાવી દઈ કહ્યું છે કે, “હું તો ચંડીગઢની જ છું.”

કિરણ ખેર કહે છે : “તમે મારી સરખામણી દીપિકા પાદુકોણ કે કેટરિના સાથે ન કરી શકો. તેમની પાસે ફિલ્મોની બહાર ફાળવવા માટે સમય જ નથી. જ્યારે હું વર્ષમાં ઘણી ઓછી ફિલ્મો કરું છું. ટી.વી.ના ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ માટે વર્ષમાં મારે ૧૯ જ દિવસ ફાળવવા પડે છે. હું ચૂંટાઈશ તો ચંડીગઢ માટે પૂરતો સમય ફાળવીશ.”

કિરણ ખેર હવે રાજનીતિની ભાષામાં પણ વાત કરે છે. તે કહે છે : “ગુલ પનાગ પાસે આમઆદમી પાર્ટીની પૂરી લાયકાતો જ નથી. તે તકવાદી છે. ગુલ એવી પાર્ટીની ઉમેદવાર છે જે પાર્ટીના લોકો અણ્ણા હઝારેના આંદોલન સાથે હતા ત્યારે ‘નમો નમો’ કરતા હતા, પણ આમઆદમી પાર્ટીની રચના બાદ તેઓ બદલાઈ ગયા. આમઆદમી પાર્ટીના નેતા પ્રશાંત ભૂષણ કાશ્મીરમાં લોકમત લેવાની વાત કરે છે. એક લશ્કરી અધિકારીની પુત્રી આવી પાર્ટીની સભ્ય કેવી રીતે હોઈ શકે ? આમઆદમી પાર્ટીના એક નેતાએ દિલ્હીમાં બે આફ્રિકન અશ્વેત મહિલાઓનું અપમાન કર્યું હતું તે પાર્ટીની સાથે ગુલ પનાગ કેવી રીતે જોડાઈ શકે ?આમઆદમી પાર્ટીના નેતાઓ જુઠ્ઠા છે. દિલ્હીમાં તેમણે કેવો તમાશો કર્યો ?”

હવે ગુલ પનાગની વાત. કિરણ ખેરની સામે ગુલ પનાગ એક નાનકડી છોકરી જેવી લાગે છે. દેખાવમાં એની દીકરી જેવી જ છે,પરંતુ કોઈ ગુલની કિરણ ખેર સાથે સરખામણી કરે તો તે ગુસ્સે થઈ જાય છે. સોશિયલ મીડિયા પર ગુલની કિરણ ખેર સાથે લડાઈ થઈ ચૂકી છે. ગુલ પનાગ ૩૫ વર્ષની છે અને તે પૂર્વ મિસ ઇન્ડિયા પણ છે. કિરણ ખેરના ભભકાદારી વસ્ત્ર પરિધાન સામે ગુલ સાદાં વસ્ત્રો પહેરે છે. કિરણ ખેર કહે છે કે, “ઘણા લોકો મને કહે છે કે, તમે હવે ચૂંટણી લડી રહ્યાં છો તેથી સારાં વસ્ત્રો પહેરો, પરંતુ હું રેલીઓમાં પોલિટિશિયનની એક્ટિંગ કરવા માગતી નથી. ટેલિવિઝન ઇન્ટરવ્યૂ વખતે આમઆદમી પાર્ટીની ટોપી પણ પહેરે છે. ચંડીગઢમાં તે રોયલ એનફિલ્ડ મોટરબાઈક પર ઘૂમે છે. કોઈવાર સવાર સવારમાં ઠંડક હોય ત્યારે અરવિંદ કેજરીવાલ જેવા મફલર પણ વિંટાળે છે. રસ્તા પર વાહન ચલાવતા લોકો ગુલને જોવામાં અકસ્માતો પણ સર્જે છે. રસ્તા પર પણ ટોપી પહેરીને જ ફરે છે અને લોકો સાથે હાથ મિલાવે છે.

શરૃઆતમાં બંને વચ્ચે ઠીકઠીક રહ્યું, પરંતુ પાછળથી ટ્વિટર યુદ્ધ ફાટી નીકળતાં સંબંધોમાં ખટાશ આવી ગઈ. કિરણ ખેરે ટ્વિટર પર એવો મુદ્દો ઊભો કર્યો હતો કે, બે મહિના પહેલાં ગુલ કિરણ કૌર પનાગ મોદીને મત આપવા માગતી હતી. મને હજુ પણ લાગે છે કે, તે મોદીને જ મત આપશે.”

કિરણ ખેરના ફેસબુક પરના આ વ્યંગથી ખીજાયેલી ગુલ પનાગે ટ્વિટર પર કહ્યું : “તે (કિરણ) ટ્વિટર પર નવી છે. ટ્વિટર કેવી રીતે કામ કરે છે તેની જ શાયદ તેને ખબર નહીં હોય. મેં મોદી માટે લખ્યું તે પહેલાંના મારાં ટ્વિટ્સ વાંચ્યા લાગતાં નથી. ફેસબુક પર તે શું લખે છે તેમાં મને કોઈ રસ નથી. હું અહીં લોકોના પ્રશ્નો માટે ચૂંટણી લડવા આવી છું. હું અહીં કોઈ આક્ષેપો, પ્રોપેગેન્ડા કે આડુંઅવળું કરવા આવી નથી.”

ગુલ કહે છે : “કિરણ ખેરને ભાજપાની ટિકિટ મળી ત્યારે મેં સૌથી પહેલાં તેમને અભિનંદન આપ્યા હતા, પરંતુ આમઆદમી પાર્ટીની ટિકિટ મને મળી ત્યારે એમણે મને કોઈ જ અભિનંદન આપ્યાં નહીં. એમને લાગે છે કે, મારે ‘લક’ની જરૃર નથી. મારે એમના વિશે ઝાઝી વાતો કરવી નથી. તેઓ કદાચ આ ચૂંટણીજંગને ‘પર્સનલ’ બનાવી દેવા માગે છે, પરંતુ મને એવો કોઈ જ રસ નથી. મારો જંગ તો આ શહેરને વિશ્વના નક્શા પર મૂકવા માટે છે.”

કિરણ ખેર એના ટ્વિટર પર લખે છે : “જીવનની શરૃઆત સાઠ વર્ષે જ થાય છે અને ગુલની જેમ હું મેરેથોન રનર નથી. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ.”

એના જવાબમાં ગુલ કહે છે : “કિરણને અને સર (પવન બન્સલ)ને મારા ટ્વિટ્સને પર્સનલ બનાવવામાં તો તેઓ તેમ કરી શકે છે.”

યાદ રહે છે કે, ચંડીગઢમાં ભાજપાનાં ઉમેદવાર કિરણ ખેર, આમઆદમી પાર્ટીનાં ઉમેદવાર ગુલ પનાગ છે તો કોંગ્રેસના ઉમેદવાર પવન બંસલ છે.

કેવું બ્યૂટીફૂલ એમ્બેરેસમેન્ટ ?
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

અનંત, ક્યાં છો ? તમારી શ્રદ્ધા તમને શોધી રહી છે !

કભી કભી – દેવેન્દ્ર પટેલ
એક રાત્રે મેં નિખાલસતાથી મારા બચપણની વાત પતિને કહી દીધી

“સર ! તમે લખ્યું હતું કે, સાયરાબાનુને ૧૨ વર્ષની ઉંમરે જ દિલીપકુમાર માટે પ્રેમ થયો હતો. સાયરાબાનુએ એમ પણ કહ્યું કે, “બસ, હવે અમે એકબીજા માટે જીવીએ છીએ.” મારું જીવન પણ થોડુંક એવું અને થોડુંક જુદું પણ છે. હું પણ ૧૪ વર્ષની હતી ત્યારે જ અનંત મને ગમવા લાગ્યો હતો. અનંત મારાથી મોટો હતો. એની વય ૧૭ વર્ષની હતી. અમારી વચ્ચે ઉંમરનો તફાવત હતો, પરંતુ એ મને કેમ ગમતો હતો એની મને ખબર નથી. એ મને ગમતો હતો એટલ  બસ ગમતો જ હતો” : એમ કહેતાં શ્રદ્ધા એની વાત શરૃ કરે છે. શ્રદ્ધા એક પ્રતિભાશાળી ગુજરાતમાં જ જન્મેલી, ગુજરાતમાં જ મોટી થયેલી, પરંતુ મૂળ મહારાષ્ટ્રીયન નારી છે. તે અત્યંત સુંદર ગુજરાતી બોલે છે. વાતચીતમાં સરળ અને સ્વભાવથી પારદર્શી છે. એની ખૂબી ગણો કે ખામી, પણ એ કોઈ વાત છુપાવી શકતી નથી. બેંકના ઉચ્ચ હોદ્દા પર તે અત્યારે નોકરી કરી રહી છે, પણ આજે વાત કરતી વખતે તેના ચહેરા પર વેદનાની લકીરો ખેંચાઈ છે. આંખોના ઊંડાણમાં કોઈ દર્દ છુપાયેલું છે.

અનંત, ક્યાં છો ? તમારી શ્રદ્ધા તમને શોધી રહી છે !

એ કહે છે : “અમે બંને એક જ સ્કૂલમાં ભણતાં હતાં. એ મારાથી સિનિયર હતો. રિસેસના સમયે હું મારા ક્લાસમાંથી બહાર નીકળી અનંતની રાહ જોતી. એ મારાથી મોટો હોવા છતાં વાત કરવામાં એકદમ શરમાળ હતો. હું વાતો વધુ કરતી. તે બહુ જ ઓછું બોલતો. આમેય હું પહેલેથી જ વાચાળ રહી છું. હું બહિર્મુખ છું, એ અંતર્મુખી. હું એના તરફ આર્કિષત હતી. એને પણ હું ગમતી હતી, પણ તે કદી બોલતો નહોતો. તે કદી કાંઈ કહેતો નહોતો. એક દિવસ તો મેં એને હિંમત કરીને કહી દીધું હતું : “આઈ લવ યુ.”

એણે કોઈ જવાબ આપ્યો નહોતો. ઊલટો તે શરમાઈ ગયો હતો. હા, એને મારી વાત ગમી હતી. તે દોડીને જતો રહ્યો હતો. મારા મનમાં જે ભાવ ઊભરે તે કહી દેવાની મને ટેવ રહી છે. એ એના ભાવ આંખોથી પ્રગટ કરતો, પણ શબ્દોથી પ્રગટ કરતો નહીં. એ કારણે ઘણીવાર હું મૂંઝાઈ જતી, પણ એક દિવસ તો મેં એને રોકીને કહી જ દીધું : “હું પરણીશ તો તને જ.”

એ સ્તબ્ધ થઈ જતો રહ્યો, કારણ કે મારી પરણવાની વયને ઘણી વાર હતી. હજુ હું કિશોરી જ હતી. તે સમજદાર હતો. શાયદ તેને પણ હું ગમતી હતી, પણ તે કહી શકતો નહોતો.

સમય વહેતો રહ્યો.

મારા પિતાની નોકરીની બદલી થતાં અમે અન્યત્ર ચાલ્યાં ગયાં. મારી સ્કૂલ બદલાઈ ગઈ. અનંત એની એ જ સ્કૂલમાં રહ્યો. મારી પાસે એના ઘરનો ફોન નંબર નહોતો. મારે એની સાથે વાત કરવી હતી, પણ વાત કેવી રીતે કરવી ? એણે તો મને શોધવા કદી પ્રયાસ કર્યો નહીં, પરંતુ મેં કર્યો. કેટલાક સમય બાદ મને ખબર પડી કે એનો પરિવાર મુંબઈ ચાલ્યો ગયો છે અને મુંબઈમાં એ લોકો ક્યાં રહે છે તેની કોઈનેય ખબર નહોતી. અમે હવે એકબીજાથી છૂટા પડી ગયા. પણ હું તેને ભૂલી શકતી નહોતી.

એ વાત પછી ઘણી ઘટનાઓ ઘટી. હું વયસ્ક થઈ. મારી અને અનંત વચ્ચે હવે કોઈ સંપર્ક રહ્યો નહોતો. બચપણના એ સુંદર સ્વપ્નને વાગોળવા સિવાય મારી પાસે હવે કોઈ વિકલ્પ નહોતો. મારું ભણવાનું પૂરું થતાં મારા પિતાએ મારા માટે છોકરા શોધવા માંડયા. મેં વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. બચપણ એ બચપણ છે. માનવીએ વર્તમાનમાં જ જીવવું જોઈએ. ભૂતકાળ વાગોળવા માટે છે અને ભવિષ્ય એ વિચારવા માટે છે. મેં છોકરા જોયા. મારા કરતાં મારા પિતાને જે છોકરો પસંદ હતો તેની સાથે મેં લગ્ન કરી લીધાં. હા, હું નાની હતી ત્યારે વિચારતી હતી કે, મન તો હું અનંતને વરી ચૂકી છું, પરંતુ અત્યારે વાસ્તવિકતા અલગ હતી. મેં સંજોગોને આધીન થઈને વાસ્તવિકતા સ્વીકારી લીધી.

લગ્ન બાદ મધુકર સાથે મારું લગ્નજીવન શરૃ થયું. મધુકરને એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો ધંધો હતો. અમે અમદાવાદ છોડી મુંબઈ રહેવા ગયાં. અમારા દાંપત્યજીવનની શરૃઆત બહુ જ સારી રહી. વાતવાતમાં મધુકર એમના કોલેજ જીવનની વાત કરતા. કોલેજમાં એમને કઈ કઈ છોકરીઓ બહુ જ ગમતી હતી એ પણ કહેતા હતા. કઈ કઈ છોકરીઓ સાથે તેમણે પિક્ચર જોયા હતા તે પણ કહેવા લાગ્યા. એમની વાતોમાં રહેલી નિખાલસતા જોઈને મેં પણ એક રાત્રે કહી દીધું કે, “હું ૧૨ વર્ષની હતી ત્યારે મને પણ મારી સ્કૂલમાં ભણતો અનંત નામનો એક છોકરો ગમતો હતો.”

એમણે મને પૂછયું હતું : “એ ક્યાં છે અત્યારે ?”
મેં કહ્યું : “મુંબઈમાં જ છે.”
એમણે મને પૂછયું : “શું કરે છે તે ?”
મેં કહ્યું : “મને ખબર નથી.”
એમણે કહ્યું : “ક્યાં રહે છે તે ?”
મેં કહ્યું : “મને ખબર નથી.”
“ઇમ્પોસીબલ.” એમણે આક્રમક સ્વરે કહ્યું.

હું વિચારમાં પડી ગઈ. એમણે એમના કોલેજકાળની છોકરીઓ સાથેની દોસ્તીની વાત કરી ત્યારે મેં સાહજિકતાથી એ બધી વાતો સ્વીકારી લીધી અને મેં પણ જ્યારે મારા બચપણની વાત કરી તો તેઓ ઉશ્કેરાઈ ગયા. મેં તેમને પૂછયું : “તમે કેમ ગુસ્સે થઈ ગયા. તમે પણ કોલેજમાં છોકરીઓ સાથે ફ્લર્ટ કરતા હતા, તેની સામે મેં કોઈ જ વાંધો લીધો નહીં અને મેં મારી વાત કરી તો ખીજાઈ ગયા ?”

એમણે મને કહ્યું : “મારે કોલેજમાં કોઈપણ છોકરી સાથે સંબંધ નહોતો. મેં તો તારા દિલની વાત જાણવા જ એ જુઠી વાત કહી હતી. મને લાગે છે કે, તું એક સારી સ્ત્રી નથી.”

બસ, એ દિવસથી એનો મારા પ્રત્યેનો વ્યવહાર અને વર્તન બદલાઈ ગયા. સવારે ચાનો કપ ફેંકી દેવા લાગ્યા. બપોરે જમતાં જમતાં થાળી ફેંકી દેતા. હા, રાત્રે સૂવા પૂરતો જ સંબંધ રાખ્યો, પણ હવે તેઓ મને શંકાની નજરે જોવા લાગ્યા. મારા ભોળપણમાં એમણે મને જ ફસાવી દઈને મારા ભૂતકાળના નિર્દોષ પ્રેમની વાતો જાણી લીધી હતી. હવે તેઓ મારી સાથે એક દુશ્મન જેવો વ્યવહાર રાખતા હતા. માનસિક અને લાગણીના અમારા સંબંધો ખતમ થઈ ચૂક્યા હતા. તેઓ મારી સાથે માત્ર શારીરિક સંબંધ જ રાખતા હતા. અનંતને તો સ્કૂલ છોડયા પછી હું કદી મળી નહોતી. તે પછી આજ સુધી મેં એને જોયો પણ નથી. આજે તે વાતને વર્ષો વીતી ગયા છે. અનંત મને સામા મળે તો હું તેમને ઓળખું પણ નહીં. હા, મને તેમનું નામ ‘અનંત ભારદ્વાજ’ છે એટલી જ ખબર હતી. એથી વિશેષ કાંઈ જ નહીં.

મારા પતિ અને મારા શારીરિક સંબંધના કારણે હું ગર્ભવતી થઈ. એમાં પણ મારા પતિ મને શંકાથી જોવા લાગ્યા. એક દિવસ તો તેમણે મને કહી દીધું : “તારા ઉદરમાં જે ગર્ભ છે તે મારો નહીં, પણ અનંતનો છે.”

હું આઘાતમાં સરી પડી. એ દિવસે હું બહુ જ રડી. મેં માથા પછાડી નાખ્યા. બચપણના એ પ્રેમથી આગળ મારા અને અનંત વચ્ચે કોઈ સંબંધ નહોતો, છતાં એમણે મારી વાત સ્વીકારવા ઇનકાર કરી દીધો. મારા પર શકના કારણે એમણે મારા બહાર જવા પર પ્રતિબંધ લાદી દીધો. એક દિવસ તેમની ગેરહાજરીમાં હું કાંઈક ખરીદી કરવા બજારમાં ગઈ. સાંજે પાછી આવી ત્યારે તેઓ પહેલેથી જ ઘરમાં હાજર હતા. એમણે મને લાત મારી. હું પડી ગઈ. મારા દાંતમાંથી લોહી નીકળી આવ્યું. હું માથા પછાડીને રડતી રહી. મારા ઉદરમાં મારા પતિનો જ ગર્ભ હતો, પણ તેઓ માનવા જ તૈયાર નહોતા. મેં ખાવાનું બંધ કરી દીધું તો પણ તેમને કોઈ લાગણી ન થઈ. મેં દૂધ પીવાનું બંધ કરી દીધું તો પણ એમને કોઈ લાગણી ના થઈ. તેમના શકને દૂર કરવાનો મારી પાસે કોઈ ઉપાય નહોતો.

મેં ઘર છોડી દેવા વિચાર કર્યો. પહેલાં તો મેં ગર્ભપાત કરાવી લેવા પણ વિચાર્યું, પરંતુ એક નવજાત શિશુને આ જગતમાં આવતાં પહેલાં જ તેની હત્યા કરી નાખવી એ પાપ છે એમ વિચારી મેં એ નિર્ણય હવે માંડી વાળ્યો છે. હવે હું ઘર છોડી રહી છું. ગમે ત્યાં એકલી જ રહીશ, પણ ખોટી બદનામી અને ખોટા આક્ષેપોનો ભારો લઈને પિયરમાં તો નહીં જ જઉં. હું મારા બાળકને જન્મ આપીશ અને એ બાળક ભલે મારા કાયદેસરના પતિનું છે, પરંતુ હું એમની પાસે પાછી કદી નહીં જાઉં. મારા બાળકના જન્મ પછી એના પિતાના નામના બદલે મારા બાળકના નામ પાછળ હું મારું નામ લખાવીશ.

અનંત ભારદ્વાજ ! તમે ક્યાં છો ? તમારી શ્રદ્ધા તમને હવે શોધે છે.
– કહેતાં શ્રદ્ધા તેની વાત પૂરી કરે છે.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

૧૯૫૨માં માત્ર રૂ.૨૦૦૦માં લોકસભાની ચૂંટણી લડાતી હતી

દરેક ઉમેદવારના નામની અલગ મતપેટી અને ગુલાબી રંગનાં મતપત્રો અપાતાં હતાં

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી ૭૦ એમ.એમ.માં આવી રહેલી ૩ડી- ‘શોલે’ જેવી ગ્રાન્ડ સ્પેક્ટેક્યુલર ફિલ્મ જેવી બની રહી છે. તેમાં એક્શન છે, ઇમોશન્સ છે, ડ્રામા છે અને એલિમેન્ટ ઓફ સરપ્રાઈઝ પણ છે. અલબત્ત, આ ફિલ્મમાં જય અને વીરુ કોણ, ગબ્બરસિંહ કોણ,બસંતી કોણ, ઠાકુર કોણ, અને સાંબા કોણ એ નક્કી કરવું મુશ્કેલ છે. આઝાદીના આટલાં વર્ષો બાદ દેશની લોકસભાની ચૂંટણી પહેલી જ વાર મહિનાઓ અગાઉથી રસપ્રદ બની ગઈ છે. ચાલો, આ એક્શન ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં બ્લેક એન્ડ વ્હાઈટના જમાનાની ભારતીય લોકતંત્રની અગાઉની ચૂંટણીઓ પર નજર નાખીએ.

૧૯૫૨માં માત્ર રૂ.૨૦૦૦માં લોકસભાની ચૂંટણી લડાતી હતી

બે હજાર રૂપિયા ફંડ

એક જમાનામાં અટલ બિહારી વાજપેયીને હરાવનાર સુભદ્રા જોશીએ આજથી ૨૦ વર્ષ પહેલાં ‘પંજાબ કેસરી’ના વરિષ્ઠ લેખક ડો. ચંદ્ર મિત્રાને જણાવ્યું હતું કે, “૧૯૫૨ની ચૂંટણીઓમાં મને અંબાલા મતવિસ્તારની ટિકિટ એકદમ આપી દેવામાં આવી હતી. મારો ત્યાં કોઈ જનાધાર નહોતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીનો જનાધાર મજબૂત હતો. મને કોંગ્રેસ કાર્યાલય પર બે હજાર રૂપિયા અને એક જૂની જીપ આપી દેવામાં આવી હતી અને આદેશ આપવામાં આવ્યો : “જાવ, ચૂંટણી લડો.” એ વખતે અંબાલા મતવિસ્તાર સીમલાથી કરનાર સુધી ફેલાયેલો હતો.

પર્વતીય વિસ્તારોમાં કે ગામડાંઓમાં કોઈ જ સડક નહોતી. ચૂંટણીયાત્રા પગે ચાલીને જ કરવી પડતી. જ્યાં સાંજ પડી જાય ત્યાં સૂઈ જવાનું. મારી સાથે ૧૦-૧૨ કાર્યકર્તાઓ જ ચાલી શકતા હતા. એક જૂનું માઈક અને એક બેટરી આપવામાં આવી હતી. એક મહિના સુધી ચાલીને હું ૯૦થી ૯૫ ગામો- શહેરો સુધી જ પહોંચી શકી હતી. ‘ગાંધી બાપુ અમર રહે અને પંડિત નહેરુ જિંદાબાદ’ના નારા જ ચાલતા હતા. મને માત્ર એક હજાર છાપેલી પત્રિકાઓ વહેંચવા આપવામાં આવી હતી, જેને પોસ્ટર પણ કહી ના શકાય. દરેક ગામમાં માંડ ૧૦ કે ૧૫ પત્રિકાઓ જ વહેંચતાં, પરંતુ જોશ અને ઉમંગ ભરપૂર હતાં. હું એ ચૂંટણી જીતી ગઈ. તે પછી બે મહિના સુધી દરેક ગામમાં ચક્કર માંડીને દિલ્હી આવી હતી.”

ગુલાબી મતપત્ર

૧૯૫૨માં દેશની લોકસભામાં કુલ ૪૦૧ બેઠકો હતી. તેમાં ૮૬ બેઠકો પર એકથી વધુ પ્રતિનિધિ ચૂંટવામાં આવતા હતા. અર્થાત્ બેઠકો ૪૦૧ હતી, પરંતુ ૮૬ બેઠકો ‘ડબલ ક્ષેત્ર’ કહેવાતી હોઈ તે બેઠક એક જ, મતદાતા એ જ, પણ પ્રતિનિધિ બે. આમ પહેલી ચૂંટણીમાં કુલ ૪૮૯ સભ્યો ચૂંટાઈને આવ્યા હતા. દિલચશ્પ વાત એ છે કે, એ વખતે વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણીની સાથે જ થતી હતી. દરેક મતદાતાને ગુલાબી રંગના બે મતપત્ર આપવામાં આવતા હતા. લોકસભાની ચૂંટણી માટેના ગુલાબી મતપત્રની નીચે લીલા રંગની અને વિધાનસભાની ચૂંટણીના ગુલાબી મતપત્ર માટે નીચે ચોકલેટી રંગની પટ્ટી રહેતી. એક વખતે દરેક ઉમેદવારના નામની તખ્તીવાળી સ્ટીલની મતપેટી રાખવામાં આવતી હતી. અત્યારે એક જ મતપેટી હોય છે. એ વખતે જેટલા ઉમેદવાર એટલી એમના નામવાળી અલગ મતપેટીઓ રહેતી. મતદાતાઓ પોતાની પસંદગીના ઉમેદવારના નામવાળી અને ચિહ્નવાળી મતપેટીમાં મતપત્ર નાખવાનું રહેતું.

ચૂંટણી ફંડ પાછું આપ્યું

એ વખતે દેશમાં ૨ લાખ ૨૪ હજાર મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં હતાં. એ ચૂંટણી પ્રક્રિયા માટે ૧૦ લાખ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. કુલ મુદ્રિત મતપત્રોની સંખ્યા ૬૨ કરોડ હતી. એ વખતે દેશમાં કુલ ૧૦ રાષ્ટ્રીય પક્ષો અને ૩૯ પ્રાદેશિક પક્ષો હતા. બીજા અપક્ષ ઉમેદવારો પણ મોટી સંખ્યામાં મેદાનમાં ઉતર્યા હતા. આખી ચૂંટણી માટે સરકારે રૂ. ૧૦.૪૫ કરોડ ખર્ચ કર્યું હતું. નોંધનીય વાત એ છે કે, કોંગ્રેસે તેના દરેક ઉમેદવારને ચૂંટણી ખર્ચ માટે રૂ. ૨૦૦૦નું ફંડ આપ્યું હતું. તેમાંથી પણ કેટલાક ઉમેદવાર એ રકમ પણ પૂરી વાપરી શક્યા નહોતા. એમાંથી ૧૧૦ ઉમેદવારોએ રૂ. ૨૦૦થી રૂ. ૧૧૦૦ જેટલું ચૂંટણી ફંડ કોંગ્રેસ પક્ષને પાછું આપ્યું હતું. એ વખતે આવા પ્રામાણિક ઉમેદવારો પણ હતા. ઇમાનદારી માટે એક સ્પર્ધા પણ હતી.

કોંગ્રેસને ૩૬૪ બેઠકો

૧૯૫૨માં દેશમાં કુલ ૧૭ કરોડ ૩૦ લાખ મતદારો હતા. દેશના પહેલા ચૂંટણી કમિશનર તરીકે સુકુમાર સેન હતા. તેમની તમામ ચૂંટણી વિષયક જાહેરાતો રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવતી હતી. તેમણે એક દસ્તાવેજી ફિલ્મ પણ બનાવરાવી હતી જે દેશભરમાં પ્રર્દિશત થઈ હતી. એ વખતે ચૂંટણી લડવાવાળા મુખ્ય પક્ષોમાં કોંગ્રેસ ઉપરાંત ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, સોશિયાલિસ્ટ પાર્ટી, હિન્દુ મહાસભા, ડો. આંબેડકરની રિપબ્લિકન પાર્ટી, આચાર્ય કૃપલાણીજીની કિસાન મજદૂર પ્રજા પાર્ટી અને ડો. શ્યામાપ્રસાદ મુકરજીનું ભારતીય જનસંઘ દળ પણ સામેલ હતું. ભારતના બંધારણના પિતામહ એવા ડો. બાબાસાહેબ આંબેડકર આ ચૂંટણીમાં મુંબઈમાં એક સામાન્ય ઉમેદવાર સામે હારી ગયા હતા. એ ચૂંટણીમાં ભારતીય જનસંઘ માત્ર ખાતું જ ખોલી શક્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુ સામે સ્વામી કરપાત્રેએ ચૂંટણી લડી હતી. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીને ૧૬ અને સોશિયાલિસ્ટ પાર્ટીને ૧૨ બેઠકો મળી હતી. કોંગ્રેસ ૩૬૯ બેઠકો પર વિજયી બની હતી. ૧૯૫૨ની પહેલી ચૂંટણીમાં મતદાન ૪૪.૮૭ ટકા થયું હતું.

હવે ૭૦ લાખ…?

હવે સમય બદલાઈ ગયો છે. ૨૦૧૪ની ૧૬મી લોકસભાની ચૂંટણીમાં ૮૧ કરોડ કરતાં પણ વધુ મતદાતાઓ છે. ગત ચૂંટણી કરતાં ૧૦ કરોડ નવા મતદાતાઓ ઉમેરાયા છે. ૧૯૫૨માં ચૂંટણીખર્ચ પેટે રૂ. ૨૦૦૦ પક્ષ તરફથી અપાતા હતા. ચૂંટણીપંચે હવે તે મર્યાદા ઉમેદવાર દીઠ રૂ. ૭૦ લાખની કરી દીધી છે. બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે, કોઈપણ ઉમેદવાર ૭૦ લાખમાં લોકસભાની ચૂંટણી લડી શકે તેમ નથી. ઘણા ઉમેદવારો લોકસભાની ચૂંટણી માટે હકીકતમાં રૂ. ૧૦ કરોડથી રૂ. ૫૦ કરોડનું ખર્ચ કરતાં હોવાનું મનાઈ રહ્યું છે. અત્યારે વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો રૂ. ૩ કરોડથી પાંચ કરોડની જરૂર રહે છે. ઉમેદવારોને જે તે ગામોનાં, જે તે દેવ-દેવીઓનાં મંદિરો માટે લાખોના દાન આપવા પડે છે. કહેવાય છે કે મતદીઠ રકમ વહેંચવી પડે છે. દારૂ, ચવાણું પણ વહેંચવા પડે છે. પોસ્ટરો, રેલીઓ, રેલીઓમાં લોકોને લાવવાનું ખર્ચ જુદું. જે લાખો-કરોડોમાં આવે છે. વાહનો, પેટ્રોલ-ડિઝલ અને મોબિલિટીનું ખર્ચ પણ મોટું આવે છે. શહેરોમાં નુક્કડ નાટક, પત્રિકાઓ, બિલ્લા માસ્ક, ભજન મંડળીઓ, ગીત-સંગીતની મંડળીઓનું ખર્ચ અલગ.

છે ને ગરીબ ભારતના અમીરોની ચૂંટણી !

‘મોદી યુગ’ના ઉદય સાથે બુઝર્ગોની આંખમાં આંસુ

વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવનાર જસવંતસિંહની ટિકિટ તેમણે જ કપાવી

ભારતીય જનતા પાર્ટીમાં અટલ-અડવાણી યુગનો અસ્ત થઈ ગયો છે. મોદી યુગનો આરંભ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય ફલક પર નરેન્દ્ર મોદીના આગમનની સાથે જ એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી, લાલજી ટંડન, જસવંતસિંહ, યશવંત સિંહા અને કલરાજ મિશ્રને તેમનું સ્થાન બતાવવામાં આવી દીધું છે. જે લાલકૃષ્ણ અડવાણી ગઈકાલ સુધી પક્ષની તમામ ટિકિટો વહેંચતા હતા, તેઓ આજે તેમની મનપસંદ બેઠક પર ચૂંટણી લડી શકતા નથી. લાલજી ટંડનનો યુ.પી.માં ડંકો હતો તેઓ પોતાની બેઠક મોદી માટે ખાલી કરી નમો નમો કરવા લાગ્યા હતા. મુરલી મનોહર જોશીને પોતાની પસંદગીની બેઠક વારાણસી છોડીને અન્યત્ર ભાગવું પડયું છે. એક વખત વિદેશમંત્રી રહી ચૂકેલા જસવંતસિંહને તો ટિકિટ આપવાનો ઈનકાર કરી ‘ના’ સાંભળવાની તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી છે. ભારતીય જનકતા પાર્ટીમાં હવે નરેન્દ્ર મોદી, રાજનાથસિંહ અને વસુંધરા રાજેનો દબદબો છે. આ યુતિએ ભલભલા બુઝર્ગોની આંખમાં આંસુ લાવી દીધાં છે.

'મોદી યુગ'ના ઉદય સાથે બુઝર્ગોની આંખમાં આંસુ

ખાનદાની દુશ્મની

ભારતીય જનતા પાર્ટીમાં નવી નેતાગીરીના ઉદયે સૌથી વધુ આંચકો જસવંતસિંહને આપ્યો છે. જસવંતસિંહ રાજસ્થાનની બાડમેર બેઠક પરથી પક્ષની ટિકિટ પર ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમને ટિકિટ ના આપવાના નિર્ણયને રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેના વિજય તરીકે ગણવામાં આવે છે. આ બંને નેતાઓ વચ્ચે છેલ્લા સાત વર્ષથી એકબીજા સામે દુશ્મની છે. બંને રાજપૂત છે. એ દુશ્મની હવે ખાનદાની દુશ્મનીમાં પલટાઈ ગઈ છે. વસુંધરારાજેની રાજનીતિ પણ એકાધિકારવાદી જ છે. જેઓ તેમનું શરણું સ્વીકારતા નથી તે તમામ નેતાઓને ખૂણામાં ધકેલી દેવામાં આવે છે. જસવંતસિંહ તેનું છેલ્લું ઉદાહરણ છે. જસવંતસિંહ એક જમાનામાં ભારતીય લશ્કરમાં હતા. અટલ બિહારી વાજપેયીના મિત્ર રહ્યા છે. તેઓ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના જેસોલ ગામના વતની છે. રાજસ્થાનના મારવાડ વિસ્તારમાં તેમનો સારો એવો પ્રભાવ છે.

અસલીનકલી

જસવંતસિંહને ટિકિટનો ઇનકાર કરાયા બાદ તેમણે કહ્યું છે કે, દેશમાં હવે બે ભાજપા છે. એક અસલી ભાજપા છે અને એક નકલી ભાજપા છે. બહારથી આયાત થઈ રહેલા ઉમેદવારોએ સાચુકલા ભાજપા પણ એક પ્રકારનું દબાણ છે. હવે કાર્યકરોએ જ નક્કી કરી નાખવાનું છે કે, અસલી ભાજપા અને નકલી ભાજપાના ઉમેદવારોને ઓળખી લે. પક્ષની ટિકિટ ના મળતાં જસવંતસિંહે બાડમેરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભર્યું છે. જસવંતસિંહને ટિકિટ આપવાનો ઇનકાર કરીને ભાજપાએ કોંગ્રેસમાંથી હમણાં જ ભાજપામાં આવેલા સોનારામ ચૌધરીને ટિકિટ આપી છે. સોનારામ ચૌધરી જાટ છે. આ વિસ્તારમાં જાટ મતોની સંખ્યા પણ ઘણી મોટી છે.

વસુંધરાના ગુરુ

વિધિની વક્રતા એ છે કે, એક જમાનામાં વસુંધરા રાજેને તેમની રાજકીય કારકિર્દીમાં પોતાની મહત્ત્વાકાંક્ષા પાર પાડવા જસવંતસિંહની મદદ લેવી પડતી હતી. એ જમાનામાં રાજસ્થાનના રાજકારણમાં ભૈરોસિંહ શેખાવતનો દબદબો હતો. ભૈરોસિંહ શેખાવત ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા. તેઓ જ વસુંધરા રાજેને જસવંતસિંહની ભલામણના કારણે રાજસ્થાનની રાજનીતિમાં લાવ્યા હતા. એક વખત એવો હતો કે, જસવંતસિંહ અને ભૈરોસિંહ શેખાવત અંદરના દીવાનખંડમાં બેઠા હોય ત્યારે વસુંધરા રાજેએ તેઓ અંદર બોલાવે નહીં ત્યાં સુધી બહાર બેસી રહેવું પડતું. ૨૦૦૩ની ચૂંટણીઓ દરમિયાન વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્યમંત્રી બન્યાં હતાં. એ વખતે જસવંતસિંહ કેન્દ્રમાં નાણામંત્રી હતા અને વસુંધરા રાજેને પહેલી જ વાર મુખ્યમંત્રી બનાવવામાં મુખ્ય ફાળો જસવંતસિંહનો જ હતો. એ વખતે વસુંધરા રાજે લાગણીશીલ થઈ ગયાં હતાં અને હર્ષનાં આંસુ સાથે તેમણે જસવંતસિંહનાં ચરણ સ્પર્શ પણ કર્યાં હતાં.

દુશ્મનાવટનો આરંભ

એ ઘટનાના ચાર વર્ષ બાદ બધું પલટાઈ ગયું. બન્યું એવું કે, એક પ્રકાશકે એક પુસ્તક પ્રગટ કર્યું અને તેમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેને એ પુસ્તકમાં હિન્દુ દેવી તરીકે વર્ણવ્યાં. આ વાત જસવંતસિંહનાં પત્ની શીતલ કંવરને પસંદ ના આવતા તેમણે પુસ્તકના પ્રકાશકની સામે જૂન, ૨૦૦૭માં પોલીસ ફરિયાદ કરી દીધી. આ ઘટનાથી વસુંધરા રાજે છંછેડાયાં અને જસવંતસિંહના પરિવાર સામે તેમની દુશ્મનાવટનો આરંભ થયો. આ ઘટનાના પાંચ મહિના બાદ જસવંતસિંહે તેમના ગામ જેસોલ ખાતે ભાજપાના અસંતુષ્ટ નેતાઓની એક બેઠક બોલાવી અને તેમાં અફીણ પીરસવામાં આવ્યું. મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આ ઘટનાની તપાસ માટે સીઆઈડીને ઓર્ડર કરતાં સંબંધો વણસ્યા. અલબત્ત, ૨૦૧૨માં થોડા સમય માટે બેઉએ તેમના આંતરિક મતભેદો દફનાવી દીધા, કારણ કે, ૨૦૧૩માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન બેઉએ સાથે પ્રવાસ કર્યો. એ વખતે જસવંતસિંહનો હેતુ તેમના પુત્ર માનવેન્દ્ર સિંહ માટે રાજકીય ભૂમિકા તૈયાર કરવાનો હતો. માનવેન્દ્ર સિંહ વિધાનસભાની ચૂંટણી જીતી ગયા, પરંતુ વસુંધરા રાજેએ જસવંતસિંહના પુત્ર માનવેન્દ્ર સિંહને પ્રધાનમંડળમાંથી બાકાત રાખ્યા. આ કારણે પિતા-પુત્ર ચીડાયા.

કોણ કોને હરાવશે ?

હવે ભાજપાનું હાઈ કમાન્ડ ખુલ્લંખુલ્લા વસુંધરા રાજેની પડખે છે. વસુંધરા રાજેના સખત દબાણ હેઠળ જસવંતસિંહને બાડમેરની ટિકિટ આપવામાં આવી નથી. એ કારણે જસવંતસિંહે બાડમેરમાંથી જ અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. તેઓ જીતશે કે નહીં એ તો ખબર નથી, પરંતુ તેઓ જીતશે તો વસુંધરા રાજે સાથેનો તેમનો સ્વીટ રિવેન્જ હશે. જસવંતસિંહની હાર તેમની રાજનીતિને સમાપ્ત કરી દેશે અને તેમનો વિજય વસુંધરા રાજેના ટેબલ ટર્ન કરી શકે છે. જસવંતસિંહને એલ. કે. અડવાણીના આશીર્વાદ છે. સુષ્મા સ્વરાજની શુભેચ્છા અને શુભ લાગણી છે. મુરલી મનોહર જોશી અને લાલજી ટંડન જવાઓનો છૂપો સાથ છે, પરંતુ બાડમેરની પ્રજા તેમને સાથ આપે છે કે નહીં તે જોવા સૌને ઇન્તજાર છે.

વૃદ્ધો નિવૃત્ત થાય

૮૦ વટાવી ગયેલા બુઝર્ગોએ પણ હવે સમજી લેવાની જરૂર છે કે, મોદી-રાજનાથ- વસુંધરા યુગનો ઉદય થઈ ગયો છે. નવો પવન વહી રહ્યો છે ત્યારે વૃદ્ધો પાછલી ઉંમરમાં ઘોડે ચડવાની જેમ ચૂંટણી લડવાનો અભરખો છોડીને અને નવા રાજનીતિજ્ઞાો માટે જગ્યા કરે તે સમયની માગ છે. ૮૭ વર્ષની ઉંમરે એલ. કે. અડવાણી ચૂંટણી લડી રહ્યા છે તે વિચિત્ર નથી લાગતું ?

રાજનીતિમાં શક્તિશાળી મહિલા નેતાઓની ધાક

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
રાજકારણમાં મહિલાઓનો દબદબો છતાં દેશમાં સ્ત્રીઓ જબિચારી

તાજેતરમાં મહિલાદિન ઊજવાયો. ભારત જેવા દેશમાં વક્રતા એ છે કે, સ્ત્રીને ‘શક્તિ સ્વરૂપા’ અને ‘દેવી’ જેવા શબ્દોથી સંબોધવામાં આવે છે તે જ દેશમાં સ્ત્રીઓ પર સહુથી વધુ અત્યાચાર થાય છે. અમેરિકા જેવા દેશમાં આજ સુધી કોઈ મહિલાને પ્રેસિડેન્ટ બનાવવાથી પ્રજા દૂર રહી છે ત્યારે ભારત જેવા દેશમાં ઈન્દિંરા ગાંધી જેવાં શક્તિશાળી વડાપ્રધાન હાંસલ થયાં છે છતાં ભારતમાં સ્ત્રીઓ સહુથી વધુ બળાત્કારનો ભોગ બનતી રહી છે. દિલચશ્પ વાત એ છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ૪૯ ટકા મતદાતાઓ મહિલાઓ હશે. મહિલાઓને પ્રભાવિત કરવા રાજકીય પક્ષો રસોઈ ગેસની સબસિડી વધારવા, સાડી, દુપટ્ટો, પ્રેશર કૂકર, મિક્સર, ગ્રાઈન્ડર અને કલર ટીવી વહેંચવા વગેરે પ્રયુક્તિઓ અજમાવે છે,પરંતુ દેશના ૬૦ કરોડ મતદાતાઓ જેમાં ૩૦ કરોડ મહિલાઓ પણ છે. તે બધાં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે.

મહિલાઓની ઉપેક્ષા

જે દેશની રાજનીતિ પર મહિલાઓની ધાક છે તે જ દેશમાં મહિલાઓની દુર્દશા વધુ કેમ છે? સંસદમાં ૩૩ ટકા અનામત મહિલાઓ માટે લાવવાનું બિલ લાવવામાં આવ્યું, પરંતુ રાજકીય પક્ષોની પુરુષવાદી વિચારધારાને કારણે તે વિલંબિત જ રહ્યું છે. દેશની રાષ્ટ્રીય પાર્ટીઓ લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને ૧૦ કે ૧૫ ટકાથી વધુ ટિકિટો આપતી નથી. કેજરીવાલની આમ આદમી પાર્ટીએ શાઝિયા ઈલ્મીને દિલ્હીમાં ટિકિટ આપવા ઈન્કાર કરી દીધો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલાં નૃત્યાંગના મલ્લિકા સારાભાઈની પાર્ટીના નેતાઓ ઉપેક્ષા કરી રહી રહ્યા છે. એ આશ્ચર્યની વાત છે કે ભારતમાં પ્રતિભા પાટિલ જેવાં મહિલાએ રાષ્ટ્રપતિ પદ શોભાવ્યું છે. દેશની રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ્સ પર મહિલા એન્કર્સ સુંદર રોલ ભજવી રહી છે, પરંતુ ચૂંટણી આવે ત્યારે એ જ દેશની રાજનીતિ મહિલાઓની ભાગીદારીની ઉપેક્ષા કરી રહી છે. આ દેશે રાજનીતિમાં ધાક જમાવવાવાળી શક્તિશાળી મહિલાઓ આપી છે, તેની પર નજર કરીએ.

ઇન્દિરા ગાંધી

ઇન્દિરા ગાંધી આ દેશમાં પહેલાં મહિલા વડાપ્રધાન બન્યાં. ૧૯૬૬થી ૧૯૭૭ સુધી સતત ત્રણ વખત તેઓ વડાપ્રધાન રહ્યાં. તે પછી ૧૯૮૦થી ૧૯૮૪ સુધી ચોથી વખત પણ તેઓ વડાપ્રધાન પદે રહ્યાં. તેમણે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. રાજાઓનાં સાલિયાણાં અને વિશેષધિકારો રદ કર્યાં. પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા. તેમના શાસનમાં દેશમાં હરિયાળી ક્રાંતિ અને દૂધ ઉત્પાદનમાં દેશ આત્મનિર્ભર બન્યો. ૧૯૭૫માં તેમણે દેશમાં કટોકટી જાહેર કરી અને તેઓ ચૂંટણી હારી ગયાં, પરંતુ ત્રણ વાર તેઓ સત્તામાં પાછાં આવ્યાં.

વિજયાલક્ષ્મી પંડિત

વિજયાલક્ષ્મી પંડિત પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં બહેન હતાં. ૧૯૫૬ના વર્ષમાં વિજયાલક્ષ્મી પંડિત સંયુક્ત રાષ્ટ્ર સંઘની આમ સભાનાં પ્રથમ ભારતીય અને મહિલા અધ્યક્ષ બન્યાં. ૧૯૬૨થી ૧૯૬૪ના વર્ષ દરમિયાન તેઓ મહારાષ્ટ્રનાં રાજ્યપાલ પણ રહ્યાં. ૧૯૬૪થી ૧૯૬૮ સુધી તેઓ ઉત્તર પ્રદેશના ફુલપુર મતવિસ્તારમાંથી લોકસભાનાં સાંસદ તરીકે ચૂંટાયાં હતા.

સરોજિની નાયડુ

સરોજિની નાયડુને ઘણાં ભારતનાં ‘બુલબુલ’ પણ કહેતાં. તેઓ ગાંધીજી સરદારનાં સાથી અને સ્વાતંત્ર્ય સેનાની હતાં. આઝાદી પહેલાં તેઓ સંયુક્ત પ્રાંતનાં રાજ્યપાલ બન્યાં. આઝાદી પછી તેઓ એ જ રાજ્યનાં ગવર્નર બન્યાં એટલે કે સ્વતંત્ર ભારતનાં તેઓ પહેલા મહિલા રાજ્યપાલ બન્યાં. આઝાદી પહેલાં તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ પણ રહ્યાં. આઝાદીની લડત દરમિયાન તેઓ અનેક વાર જેલમાં ગયાં.

સુચેતા કૃપાલાણી

સુચેતા કૃપાલાણી ભારતના સ્વાતંત્ર્ય પૂર્વ સેનાની આચાર્ય કૃપાલાનીનાં પત્ની હતાં. સુચેતા કૃપાલાની ૧૯૬૭માં ઉત્તર પ્રદેશનાં પહેલા મુખ્યમંત્રી બન્યાં. તેઓ ભારતના બંધારણના ઘડવૈયાઓની બનેલી સમિતિનાં સભ્ય પણ હતાં. એ સિવાય કેટલીયે સમિતિઓ અને ઉપસમિતિઓનાં સભ્ય પણ રહ્યાં. તેમના પતિ આઝાદી પછી કોંગ્રેસના સખત ટીકાકાર હતાં, પરંતુ સુચેતા કૃપાલાની કોંગ્રેસમાં જ અનેક પદ શોભાવતાં રહ્યાં.

સોનિયા ગાંધી

ઈ.સ. ૧૯૯૮થી સોનિયા ગાંધી આજ સુધી સતત કોંગ્રેસ પાર્ટીનાં અધ્યક્ષ છે. ઈટાલીમાં જન્મેલાં સોનિયા ગાંધી યુપીએ ગઠબંધનનાં પણ અધ્યક્ષ છે. શરૂઆતમાં તેઓ રાજનીતિમાં આવવા માગતાં નહોતાં, પરંતુ શ્રીપેરુમ્બુદુર ખાતે બોમ્બ વિસ્ફોટમાં પતિની હત્યા બાદ કેટલાંક વર્ષોના વિશ્રામ બાદ તેમણે કોંગ્રેસનું અધ્યક્ષ પદ સંભાળ્યું. આખો પક્ષ તેમને વડાપ્રધાન તરીકે જોવા ઇચ્છતો હતો, પરંતુ તેમણે વડાપ્રધાન પદ ઠુકરાવી વિપક્ષને પણ આંચકો આપ્યો. યુપીએ સરકારના શાસન દરમિયાન માહિતીનો અધિકાર અને મનરેગા લાવવામાં તેમની મોટી ભૂમિકા રહી.

સુષમા સ્વરાજ

ભાજપનાં નેતા સુષમા સ્વરાજ લોકસભામાં વિપક્ષનાં નેતા છે. તેઓ છ વખત સંસદ અને ત્રણ વખત વિધાનસભામાં ચૂંટાયાં છે. સુષમા સ્વરાજ ૧૯૯૮માં દિલ્હીનાં પહેલા મુખ્યમંત્રી બન્યાં. એમનો કાર્યકાળ માત્ર બે મહિના જ રહ્યો. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં પણ મંત્રી રહ્યા. વ્યવસાયથી ધારાશાસ્ત્રી રહેલાં સુષમા સ્વરાજે ૧૯૭૭માં હરિયાણાથી જાહેરજીવનની કારકિર્દી શરૂ કરી હતી. લોકસભામાં વિપક્ષનાં નેતા તરીકે તેમણે અસરકારક ભૂમિકા નિભાવી અને છતાં ભાષાનો વિવેક કદી ચૂક્યાં નથી.

માયાવતી

દલિતોનાં નેતા તરીકે ઉભરી આવેલાં માયાવતી બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ છે. તેઓ ઉત્તર પ્રદેશમાં ચાર વખત મુખ્યમંત્રી પદે રહી ચૂક્યાં છે. હાલ મુખ્યમંત્રી ન હોવા છતાં આખાયે ઉત્તર પ્રદેશમાં તેમનો પ્રભાવ છે. ઉત્તર પ્રદેશમાં તેમણે દલિત- બ્રાહ્મણોનું સમીકરણ આપ્યું છે. ઈ.સ. ૧૯૭૭માં બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક કાંશીરામ માયાવતીને રાજનીતિમાં લાવ્યા હતા.

મમતા બેનરજી

મમતા બેનરજી પશ્ચિમ બંગાળનાં પહેલા મહિલા મુખ્યમંત્રી છે. તેમણે પશ્ચિમ બંગાળમાંથી ડાબેરીઓનાં ૩૪ વર્ષના શાસનને ખતમ કરી દીધું. તેઓ દેશનાં પહેલા રેલમંત્રી પણ રહ્યાં. તેમણે રાજનીતિની શરૂઆત કોંગ્રેસમાં જોડાઈને કરી હતી, પરંતુ ત્યારબાદ કોંગ્રેસથી અલગ થઈ તૃણમૂલ કોંગ્રેસની રચના કરી હતી. તેઓ પશ્ચિમ બંગાળમાં ‘દીદી’ના નામે ઓળખાય છે.

જયલલિતા

જયલલિતા તામિલનાડુનાં મુખ્યમંત્રી અને એઆઈએડીએમકેનાં પ્રમુખ છે. કરુણાનિધિની ડીએમકે પાર્ટીને પરાસ્ત કરીને તેઓ સત્તા પર આવ્યાં હતાં. તામિલનાડુના ભૂતપૂર્વ લિજેન્ડરી અભિનેતા એમ.જી. રામચંદ્રન તેમને રાજનીતિમાં લાવ્યા હતા. જયલલિતા ખુદ એક અભિનેત્રી હતાં. તાિમલનાડુમાં તેમની જબરદસ્ત લોકપ્રિયતાને કારણે કેટલાંક લોકોએ તેમનાં મંદિરો પણ બનાવ્યાં છે. તેઓ તમિળ ઉપરાંત સુંદર હિન્દી અને અંગ્રેજી પણ બોલી શકે છે. સીબીઆઈના દરોડા દરમિયાન ૧૦ હજાર સાડીઓ જોઈને અધિકારીઓ પર સ્તબ્ધ થઈ ગયા હતા. જયલલિતા દેશનાં વડાપ્રધાન બનવાની ખુલ્લી ખ્વાહીશ ધરાવે છે. તામિલનાડુમાં તેઓ ‘અમ્મા’ ના નામે જાણીતાં છે.

અન્ય મહિલાઓ

આ સિવાય ભારતે જે શક્તિશાળી મહિલા નેતાઓ આપ્યાં છે, તેમાં લોકસભામાં સ્પીકર મીરાં કુમાર, દિલ્હીનાં પૂર્વ મુખ્યમંત્રી અને હવે કેરળનાં રાજ્યપાલ શીલા દીક્ષિત પણ છે. મેનકા ગાંધી અને એવાં બીજાં અનેક નામો આ યાદીમાં ઉમેરી શકાય. ગુજરાતનાં રાજ્યપાલ તરીકે પણ ડો. શ્રીમતી કમલા પણ રાજસ્થાનમાં શક્તિશાળી મહિલા રાજકીય નેતા રહી ચૂક્યાં છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકે પણ વસુંધરા રાજે એક તાકાતવર મહિલા નેતા છે. તેમનાં માતા વિજયારાજે સિંધિયા પણ ભાજપનાં કદાવર નેતા હતાં. એ સિવાય ડાબેરી નેતા વૃંદા કરાત, પૂરણદેશ્વરી, સુપ્રિયા સૂલે, પ્રભા તાવડિયા પણ સંસદમાં તેમનો રોલ ભજવે છે. આટલાં બધાં શક્તિશાળી મહિલા નેતાઓના દેશમાં ‘મહિલા’ જ અસુરક્ષિત કેમ?

www.devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén