Devendra Patel

Journalist and Author

Date: February 14, 2014

મને અત્યંત ગર્વ છે, હું હિન્દુસ્તાનમાં જન્મ્યો છું

કભી કભી – દેવેન્દ્ર પટેલ
  • હિમાલયની ર્બિફલી પહાડી પર ખેલાયેલા જંગની કથા
  • એલઓસી કારગિલ‘ અને લક્ષ્ય‘ ફિલ્મની કથાનો અસલી હીરો યોગેન્દ્રસિંહ યાદવ

ભારતવર્ષના લોકો ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી. દેશના નેતાઓ ભવ્ય બંગલા,લાલબત્તીવાળી મોટરકાર,કમાન્ડોઝની સુરક્ષા અને પોલીસની સલામોના વૈભવમાં ડૂબેલા છે ત્યારે અહીં એક એવા જવાનની કહાણી પ્રસ્તુત છે, જેણે માઈનસ ૨૦ ડિગ્રીમાં ગરકાવ ર્બિફલી પહાડીઓની વચ્ચે દુશ્મન સૈન્ય અને પોતાની જિંદગી સાથે એક જબરદસ્ત લડાઈ લડી.

ભારતીય લશ્કરના એ જવાનનું નામ છે : નાયબ સૂબેદાર યોગેન્દ્રસિંહ યાદવ.

એ જવાનની કથા એમના જ શબ્દોમાં સાંભળોઃ ”ઈશ્વર દરેક માનવીને જિંદગીમાં એક વાર કોઈને કોઈ ખાસ કામ કરવાની તક આપે છે. મારા જીવનમાં પણ આવો જ એક મોકો આવ્યો. વાત ૧૯૯૯ની સાલની છે, હું મારા જીવનની શરૃઆત કરી રહ્યો હતો. તા. ૫મી મે, ૧૯૯૯ના રોજ મારું લગ્ન હતું. હું લગ્ન માટે મારા ગામ ગયો હતો. લગ્ન કરી લીધા બાદ તા. ૨૦મી મેના રોજ હું જમ્મુ પાછો આવ્યો, ત્યારે ખબર પડી કે મારી બટાલિયન કારગિલ કૂચ કરી ગઈ છે. કારગિલ પર પાકિસ્તાનના સૈનિકોએ આક્રમણ કરી દીધું હતું. મારા જીવન માટે આ જ એક સુવર્ણપળ હતી, આ જ એ સોનેરી ક્ષણ હતી, જેણે મને મારા દેશની સેવા કરવાની તક આપી. મને ગર્વ છે કે હું હિન્દુસ્તાનમાં જન્મ્યો છું. મને ગર્વ છે મારા માતા-પિતા પર, જેમણે મને દેશની સેવા માટે પ્રેરિત કર્યો.

યુદ્ધના મેદાનમાંથી અમને સમાચાર મળી રહ્યા હતા કે, આપણા કેટલાય જવાનો શહીદ થઈ ગયા હતા. કારગિલ ક્ષેત્રમાં એક ”ટાઈગર હિલ” છે, તેની પર દુશ્મનોએ કબજો લઈ લીધો હતો. એ ટાઈગર હિલ પર ફરી વિજય મેળવવા માટે ભારતીય લશ્કરે એક સ્ટ્રાઈકિંગ ફોર્સ અર્થાત્ ઘાતક ટુકડી તૈયાર કરી હતી. મને એ ટુકડીમાં સામેલ કરવામાં આવ્યો હતો. તા. ૨જી જુલાઈના રોજ અમે ટાઈગરહિલ પર ચઢાઈ શરૃ કરી. ખુશી એ વાતની હતી કે, મને એ ટુકડીમાં સહુથી આગળ ચાલવાની તક મળી હતી. તા.૫મી જુલાઈ સુધીમાં અમે ટાઈગરહિલ ચડી ગયા. રસ્તો અત્યંત મુશ્કેલ હતો. બરફનું તોફાન ચાલુ હતું, પરંતુ અમારો જુસ્સો બુલંદ હતો. અમે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા સજ્જ હતા. અમે બધા કદમથી કદમ મીલાવીને આગળ વધી રહ્યા હતા.

મને અત્યંત ગર્વ છે, હું હિન્દુસ્તાનમાં જન્મ્યો છું

અમે આગળ વધી રહ્યા હતા, ત્યાં જ અચાનક દુશ્મનોએ અમારી પર ફાયરિંગ શરૃ કરી દીધું. અમે પણ વળતું ફાયરિંગ શરૃ કર્યું. બંને તરફથી ગોળીઓ છૂટવા લાગી. દુશ્મન સેનાના આઠ સૈનિકો માર્યા ગયા. તેની આમે અમે માત્ર સાત જ જવાન હતા, પણ એ વખતે એમને લાગ્યું કે અમે સાત નહીં પણ ૭૦૦ છીએ.આ દરમિયાન દુશ્મન સૈનિકોની ટુકડી નજીક આવી ત્યારે જ એમને ખબર પડી કે, અમે ફક્ત સાત જ જવાન છીએ. એ લોકોએ પાછા જઈને એમના કમાન્ડરને જાણ કરી.

દુશ્મનોએ એમની રણનીતિ બદલી. અડધા કલાક બાદ પાકિસ્તાનના સૈનિકોએ નારાબાજી શરૃ કરી. તેની સામે અમે નક્કી કર્યું કે,એ લોકો વધુ કરીબ આવે તે પછી જ ફાયરિંગ શરૃ કરવું. અમારી પાસે દારૃગોળો ઓછો થવા લાગ્યો હતો. નીચેથી જ અમને સપ્લાય થતો નહોતો. દુશ્મન ટુકડી નજીક આવતાં જ અમે ફાયરિંગ શરૃ કર્યું. સામેથી દુશ્મનોએ પણ ફાયરિંગ શરૃ કર્યું. આ લોહિયાળ સંઘર્ષમાં અમારી ટુકડીના છ જવાન શહીદ થઈ ગયા. પરંતુ શહીદ થતા પહેલાં એમણે દુશ્મન સૈન્યના ૩૫ જવાનોને ઢાળી દીધા હતા.

ભારતીય સૈન્યની ટુકડીના સાત પૈકી એક માત્ર હું જ જીવીત હતો, પરંતુ હું પણ ગંભીર રીતે ઘવાયો હતો. મારા શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. એ વખતે પણ મારો જુસ્સો યથાવત હતો. મારું શરીર લોહીલુહાણ હોવા છતાં મને જરા પણ દર્દનો અહેસાસ થતો નહોતો. મારા દિલોદિમાગમાં સિર્ફ ભારતનો ત્રિરંગો લહેરાઈ રહ્યો હતો. યુદ્ધ ભૂમિ પર મારા સાથીઓના શબ પડયા હતા. હું અર્ધ બેહોશ હતો. એટલામાં દુશ્મન સૈનિકો આવી પહોંચ્યા. આપણા શહીદોના શબ પર ફરી ગોળીઓ છોડવા લાગ્યા. આપણા શહીદોના મૃતદેહને બુટથી લાતો મારવા લાગ્યા. એ લોકો અમને ગાળો પણ દેતા હતા. હું એ લોકો જોઈ ના શકે તે રીતે દૂરની એક શીલાની પાછળ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. હું એમની વાતો સાંભળી રહ્યો હતો. એમના અફસરે અમારી નીચેની ચોકી નષ્ટ કરી દેવા હુકમ કર્યો. હું ચૂપચાપ પડયો જ રહ્યો. એક જણે મને જોઈ લીધો, પણ એ બધાંને લાગ્યું કે હું જીવંત નથી. મારી હાલત ગંભીર હતી. મેં ઈશ્વરને પ્રાર્થના કરી કે, ”હે ભગવાન! મને થોડીવાર માટે પણ જીવીત રાખો, જેથી હું નીચે મારી ચોકી પર જઈ મારા સાથીઓને દુશ્મનના ઈરાદાથી વાકેફ કરી શકું.”

આ દરમિયાન દુશ્મનોના અફસરે એના સાથીઓને કહ્યું, શબો પાસે જે રાઈફલો પડી છે, તે બધી ઉઠાવી લાવોે. એમણે અમારી રાઈફલો લઈ લીધી અને ફરીવાર શબો પર ગોળીઓ છોડવા લાગ્યા. એમણે મારા પર પણ ગોળી ચલાવી. એમણે મારી છાતી પર ગોળી મારી, પરંતુ મારા શર્ટના ઉપરના ખિસ્સામાં પાકિટ હતું. પાકિટમાં છુટ્ટા ચલણી સિક્કા હતા. દુશ્મનની ગોળી એ સિક્કા સાથે અથડાઈને પાછી ચાલી ગઈ.

હું બચી ગયો.

શાયદ ઈશ્વરની એ જ મરજી હતી. ઈશ્વર જ મને બચાવવા માંગતો હતો. દુશ્મનો અમારી રાઈફલો લઈને ભાગ્યા. મારી પાસે ખિસ્સામાં એક હેન્ડગ્રેનેડ જ બચ્યો હતો. મેં પૂરી તાકાતથી એ હેન્ડગ્રેનેડ દુશ્મનોની ભાગતી ટુકડી પર ફેંક્યો. પુષ્કળ અવાજ સાથે એ ફાટયો. એ ફાટતાં જ દુશ્મન ટુકડીમાં ગભરાટ ફેલાયો, એમને લાગ્યું કે ભારતીય ફોજ નીચેથી આવી ગઈ છે. જો કે એક જણે કહ્યું કે, ‘સાતમાંથી કોઈ એકાદ જવાન જીવતો લાગે છે.’

એ જ વખતે મેં મારી પાસે પડેલી એક રાઈફલ જોઈ. મારો એક હાથ બેકાર થઈ ગયો હતો. મેં બીજા હાથે રાઈફલ ઉઠાવી. અને દુશ્મનોના ચાર જવાનોને પાડી દીધા. મેં ઊભા થવા કોશિશ કરી અને ચારે તરફ મેં અંધાધૂંધ ફાયરિંગ શરૃ કરી દીધું. એ લોકોને હવે લાગ્યું કે સાચે જ ભારતીય ફોજ નીચેથી ઉપર આવી ગઈ છે. એ લોકો તેમનો જાન બચાવવા ભાગ્યા. કેટલાકને તો મેં લોહીલુહાણ કરી દીધા હતા.

એ લોકોના ભાગી ગયા બાદ મેં શાંતિથી મારા સાથીઓના શબ જોયાં, કદાચ કોઈ જીવીત હોય ! પરંતુ તે બધા જ શહીદ થઈ ચુક્યા હતા. મેં નીચે ભારતીય ચોકી તરફ જવા નિર્ણય કર્યો, જેથી દુશ્મનોની યોજનાને વિફલ બનાવી શકું. મેં માંડ માંડ ઊભા થઈ ચાલવાનું શરૃ કર્યું. એક નાળાના સહારે લથડીયા ખાતા ખાતા હું નીચે પહોંચ્યો. નીચે આવતાં જ મેં મારા કેટલાક સાથીઓને જોયા. મેં કમાન્ડરને બૂમ પાડી. મારો એક હાથ તૂટી ગયો હતો. આખો યુનિફોર્મ ચીંથરેહાલ અને લોહીથી તરબતર હતો. મારી હાલત જોઈ એમને લાગ્યું કે હું બચી શકીશ નહીં. મેં સાથીઓને કહ્યું: ”અહીં દુશ્મનો હુમલો કરવાના છે.”

એમણે તરત જ કમાન્ડિંગ ઓફિસરને સૂચના આપી. મને પણ તાત્કાલિક સારવાર આપવામાં આવી. પણ લોહી વહેવાનું ચાલુ હતું. અફસર સુધી પહોંચતાં સાંજના સાત વાગી ચુક્યા હતા. એ વખતે હું થોડું થોડું બોલી શક્તો હતો, પણ આંખે બરાબર દેખાતું નહોતું. હું મારા અધિકારીને બરાબર ઓળખી શક્યો નહીં, છતાં મેં ઉપર પહાડી પર બનેલી આખી ઘટનાથી તેમને વાકેફ કર્યા. એ વાત સાંભળ્યા બાદ તેમણે એક રણનીતિ બનાવી. તેના આધારે જવાનોની એક ટુકડી ફરી તૈયાર કરી અને પાકિસ્તાની ટુકડી સવારે અમારી ચોકી પર ત્રાટકે તે પહેલાં જ રાત્રે અમે દુશ્મનોને ઠાર કરી ટાઈગર હિલ પર ત્રિરંગો ફરકાવી દીધો.”

-નાયબ સૂબેદાર યોગેન્દ્રસિંહ યાદવની વાત અહીં પૂરી થાય છે. ભારતીય ફોજના જવાન યોગેન્દ્ર સિંહને કારગિલ યુદ્ધમાં તેમની શાનદાર બહાદુરી માટે દેશના પ્રતિષ્ઠિત સૈન્ય સન્માન પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. બોલિવૂડની ફિલ્મો ”લક્ષ્ય” અને ”એલઓસી” કારગિલમાં યોગેન્દ્રસિંહ યાદવની દાસ્તાનને બખૂબીથી દર્શાવવામાં આવી છે.

ભારતીય ફોજના જવાનોને સલામ.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ટોપી પહેરાવવામાં ઉસ્તાદ નેતાઓ ટોપીના શરણે

જનસંઘની ભગવી ટોપી, પ્રસોપાની લાલ ટોપી, કોંગ્રેસની ગાંધી ટોપી, કેજરીવાલની આમ ટોપી

અમદાવાદમાં એક જૂની લોન્ડ્રી છે- વિક્ટોરિયા વોશિંગ કાં. તેની દુકાનમાં એક બોર્ડ લગાવવામાં આવ્યું છે : “એક જમાનામાં અમે રોજ ૧૦૦૦ ટોપીઓ ધોતાં હતાં.” લાગે છે કે, એ જમાનો ફરી આવશે. ચૂંટણીની ખીલી રહેલી મોસમમાં ટોપીઓના ધંધામાં ફરી બહાર આવી રહી છે. થેંક્સ ટુ કેજરીવાલ.

કોંગ્રેસની ગાંધી ટોપી

હા, જૂની પેઢીના ઘણા લોકોને યાદ હશે કે, ગાંધી ટોપી એ કોંગ્રેસીઓનું પ્રતીક હતું. ગાંધીજીએ તો પાછલી વયમાં ટોપી પહેરવાનું છોડી દીધું હતું, પરંતુ પંડિત જવાહરલાલ નહેરુએ ખાદીની ધારદાર સફેદ ટોપી પહેરવાનું ચાલુ રાખ્યું હતું. ટોપી એ કોંગ્રેસીઓની ઓળખ બની ગઈ હતી. કોંગ્રેસીઓ પર પ્રજાની નારાજગી હોય ત્યારે લોકો ટોપીને જ નિશાન બનાવતા. દા.ત. ૧૯૫૬ના ગાળામાં મોરારજી દેસાઈના દુરાગ્રહથી ગુજરાત-મહારાષ્ટ્રનું એક એવું દ્વિભાષી રાજ્ય બનાવવામાં આવ્યું હતું. તે પછી ગુજરાતમાં મોરારજી દેસાઈના એ હઠાગ્રહના વિરોધમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. મહાગુજરાતના એ આંદોલન વખતે ગુજરાતના ગામો અને શહેરોના વિદ્યાર્થીઓએ કોંગ્રેસીઓ વિરોધી એક નારો ગજવ્યો હતો : “એક દો, ધોળી ટોપી ફેંક દો.” અને વિદ્યાર્થીઓએ કેટલાયે નેતાઓની ટોપી ઊતરાવી હતી.

ટોપી પહેરાવવામાં ઉસ્તાદ નેતાઓ ટોપીના શરણે

દરજીઓનો ધંધો વધ્યો

સમય બદલાતાં ટોપી આઉટ ઓફ ડેટ થઈ ગઈ. નેતાઓની નવી પેઢીએ ધોળી ટોપીને વિદાય આપી દીધી. ભારતભરમાંથી ટોપીઓ સીવવાવાળા દરજી ગાયબ થઈ ગયા, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટીએ દરજીઓને રોજગારનો નવો રસ્તો ખોલી આપ્યો છે. આમઆદમી પાર્ટીએ દેશના બડા બડા રાજકીય પક્ષોને કેટલીયે બાબતોમાં પોતાની નકલ કરતાં કરી દીધા છે. આગામી લોકસભાની ચૂંટણીમાં દિલ્હીના તખ્તા પર સત્તા હાંસલ કરવા માગતી ભારતીય જનતા પાર્ટીને પણ કેસરિયા કે ભગવા રંગની ટોપી પહેરતી કરી દીધી છે. આમઆદમી પાર્ટીની નકલ કરી રહેલા નેતાઓની એ નવી શૈલીને બદલાતા સમયની મજબૂરી ગણવી કે હાસ્યાસ્પદ હરકત એ વાચકોએ નક્કી કરી લેવાનું છે. એક જમાનાના એક ન્યૂઝ ચેનલના એન્કર આશુતોષ અને ભાજપના દિલ્હીના નેતા ડો. હર્ષવર્ધનને ટોપી પહેરેલા જોઈ કોઈને પણ હસવું આવશે.

ટોપીથી અધિકારીઓ ડરતા

એ વાત સુવિદિત છે કે, આ દેશમાં ગાંધી ટોપી એ ભારતીયતાની નિશાની હતી. એ સફેદ ટોપી કોંગ્રેસીઓના શિરની શાન હતી. કોઈપણ સરકારી કચેરીમાં સફેદ ટોપીવાળો નેતા પ્રવેશે એટલે અધિકારીઓ તેને માન આપતા, પરંતુ રાજનીતિએ એક કરવટ બદલી કે, સ્વતંત્રતા બાદ ભારતમાં ખુરશીની દોડમાં કોઈ નેતાઓ એકબીજાને ટોપી પહેરાવવા લાગ્યા અને કોઈ બીજાની ટોપી ઉતારવા લાગ્યા. છેલ્લે છેલ્લે કોંગ્રેસના મોરારજી દેસાઈ પ્રભાવશાળી ટોપી પહેરતા હતા, પરંતુ પહેલાં પંડિત જવાહરલાલ નહેરુએ અને ત્યાર બાદ ઇન્દિરા ગાંધીએ મોરારજીભાઈની ટોપી ઉડાવી દીધી હતી. મોરરાજી દેસાઈ એક પ્રામાણિક નેતા હોવા છતાં તેમના નામનો બ્રિજ કે રસ્તો શોધવો મુશ્કેલ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા, હિતેન્દ્ર દેસાઈ ગાંધીટોપી પહેરતા હતા, પણ બાબુભાઈ જસભાઈ પટેલ, ઘનશ્યામ ઓઝા, ચીમનભાઈ પટેલ અને છબીલદાસ મહેતાએ ટોપી ના પહેરી.

જનસંઘની ભગવી ટોપી

ટોપી માત્ર કોંગ્રેસીઓનું જ પ્રતીક રહી છે એવું નથી. ૧૯૬૨માં જ્યારે જનસંઘનો ઉદય થયો ત્યારે એ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ ભગવા રંગની ટોપી પહેરવા લાગ્યા હતા. એ વખતે જનસંઘનું ચૂંટણી પ્રતીક દીપક હતું. ભગવા રંગની ટોપી પહેરતા જનસંઘના કાર્યકર્તાઓ ૧૯૬૯માં ઉત્તર ભારતના કેટલાક ક્ષેત્રોમાં ગામેગામ ફરતા અને નારો પોકારતા : “હર હાથ કો કામ, હર ખેત કો પાની, ઘર ઘર મેં દીપક જનસંઘ કી નિશાની.” અટલ બિહારી વાજપેયી અને એલ. કે. અડવાણીનું ગોત્ર પણ જનસંઘ જ છે. બલરાજ મધોક જનસંઘના લોકપ્રિય નેતા હતા, પરંતુ કટ્ટરવાદના કારણે એ પક્ષ ના ચાલ્યો અને કેટલાય સમય બાદ’ભારતીય જનતા પાર્ટી’ના નવા નામે અવતરીત થયો. એટલે હવે ભાજપાના નેતાઓ અને કાર્યકર્તાઓ ભગવી ટોપી પહેરે તો તેમણે તેમના પુરોગામીઓનું જ અનુસરણ કર્યું તેમ તેઓ કહી શકશે, ભલે તેની પર કેજરીવાલ-ઇફેક્ટ હોય !

અત્રે એ નોંધવું પણ જરૃરી છે કે, જનસંઘ જ્યારે ઉદય પામી રહ્યો હતો ત્યારે ખભા ઉપર હળ સાથેના કિસાનના ચૂંટણી પ્રતીક સાથે ‘ભારતીય ક્રાંતિદળ’ નામનો પક્ષ પેદા થયો. તેના નેતા ચૌધરી ચરણસિંહ હતા. તેમણે એવો તર્ક આપ્યો કે, વીજળીના જમાનામાં જનસંઘનો દીપક કેવી રીતે રોશની આપી શકશે ? સમય જતાં જનસંઘના દીપકની જ્યોત મંદ થઈ અને ચરણસિંહ ચૌધરીએ સફેદ ગાંધીટોપી પહેરીને ખેડૂતોને સડક પર ઉતાર્યા. પરિણામે જનસંઘની ભગવી ટોપી અદૃશ્ય થઈ ગઈ.

સમાજવાદીઓની લાલ ટોપી

આ જ સમયગાળા દરમિયાન ડો. રામમનોહર લોહિયાએ ‘સંસોપા’ અર્થાત્ સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી અને આચાર્ય નરેન્દ્ર દેવે ‘પ્રસોપા’ એટલે કે પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી શરૃ કરી. ડો. રામમનોહર લોહિયાએ ટોપીને મહત્ત્વ ના આપ્યું. તેમણે કહ્યું : “દિલથી સમાજવાદ લાવો.” પરંતુ પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના આચાર્ય નરેન્દ્ર દેવે લાલ રંગની ટોપીને તેમના પક્ષના નેતાઓની પહેચાન બનાવી. એ જમાનામાં નાનાં નાનાં ગામોમાં પણ પ્રસોપાના લાલ રંગની ટોપી પહેરતા એક-બે નેતાઓ મળી આવતા. બિહારના લાલુ પ્રસાદ યાદવ, નીતીશકુમાર અને ઉત્તર પ્રદેશના મુલાયમસિંહ યાદવ ડો. રામમનોહર લોહિયાના જ શિષ્યો છે, પરંતુ પાછળથી તેમણે સ્વતંત્ર પક્ષો ઊભા કર્યા. લાલુ અને નીતીશકુમારે ટોપી ફગાવી દીધી, પરંતુ મુલાયમસિંહ યાદવ ક્યારેક લાલ રંગની ટોપી પહેરતા દેખાય છે. નીતીશકુમાર સિવાય બાકીના નેતાઓ ડો. લોહિયાના સિદ્ધાંતોથી વિમુખ થયેલા જણાય છે.

ભૂરી ટોપી

એ સમયગાળા દરમિયાન બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે સમાંતર એવી રિપબ્લિકન પાર્ટીની સ્થાપના કરી હતી. એમણે તેમના નેતાઓ અને કાર્યકર્તાઓને ભૂરી ટોપી અને હાથીનું નિશાન આપ્યાં. એ વખતે કોંગ્રેસનું ચૂંટણી પ્રતીક બે બળદની જોડી હતું. એ જોડીને ભગાવવા બાબાસાહેબ આંબેડકરે ઝુંબેશ ચલાવી હતી. એ વખતે ચૂંટણી મેદાનમાં ટોપીઓના રંગથી જ સમજી જતા હતા કે, બહાર કઈ પાર્ટીની હવા ચાલી રહી છે. હવે માયાવતીની બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ પણ ભૂરી ટોપી પહેરવા લાગ્યા છે.ળઇન્દિરાજીએ ટોપી હટાવી

ખરી રમત તો ૧૯૬૯માં જોવા મળી. ૧૯૬૯માં ઇન્દિરા ગાંધીએ પહેલી જ વાર કોંગ્રેસનું વિભાજન કરીને ‘કોંગ્રેસ-ઇ’ અર્થાત્ ઇન્ડિકેટ બનાવી ત્યારે માત્ર ‘કોંગ્રેસ-ઓ’ અર્થાત્ સિન્ડિકેટના નેતાઓ સહિત બીજી બધી જ પાર્ટીઓના નેતાઓના માથા પરથી ટોપીઓ ઊડી ગઈ. જનસંઘ, પ્રસોપા, સંસોપા, ભારતીય ક્રાંતિદળ અને મોરારજી દેસાઈની સંસ્થા કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓને ઇન્દિરા ગાંધીએ ભારે શિકસ્ત આપી અને ટોપી વગરના અજાણ્યા ચહેરા લોકસભામાં પ્રવેશ્યા. મોટા સાફા, પાઘડીઓ અને ભવ્ય મુગુટ પહેરતા રાજા-મહારાજાઓના ટોપી વગરના નોકરચાકરોને ચૂંટણીમાં જીત મળી અને એવા લોકોને લોકસભામાં સ્થાન મળ્યું. એ સમયથી જ કોંગ્રેસીઓના માથાં પરથી ટોપીઓ ગાયબ થઈ ગઈ. ટોપી વગરના નેતાઓ ‘ઇન્દિરા ગાંધી કી જય’ પોકારી સરકાર ચલાવવા લાગ્યા. એ વખતે ટોપી વગર રાજનીતિ કરવાવાળા સ્વતંત્ર પાર્ટીની જેમ બીજી બધી પાર્ટીઓએ પણ ટોપીને વિદાય આપી દીધી.

પણ હવે ફરી ટોપી મેદાનમાં આવી ગઈ છે. કેજરીવાલે ભાજપને તો તેની અસલી ભગવી ટોપી પહેરાવી, મુલાયમને લાલ ટોપી પહેરી અને માયાવતીને ભૂરી ટોપી પહેરાવી દીધી, પણ કોંગ્રેસ તેની ગાંધીટોપી ક્યારે અપનાવે છે તેની રાહ જોવી રહી. વર્ષો જૂની પાર્ટીઓએ કેજરીવાલની નકલ કરવી પડે તે પણ આશ્ચર્યની વાત છે.

એલ. કે. અડવાણી હંમેશાં ‘P.M. ઈન વેઈટિંગ’ રહેશે

સત્તાના પાયા પર રચાયેલા બંગલાઓની ઊંચી દીવાલોની બહાર નીકળવા કોઈ તૈયાર નથી

ફિલ્મનું એ ટાઈટલ જાણીતું છે- ‘દિલ હૈ કિ માનતા નહીં હૈં.’ બસ,આવું જ કાંઈ ભારતીય જનતા પાર્ટીના વયોવૃદ્ધ નેતા એલ. કે. અડવાણીનું છે. અડવાણી દાદા ૯૦ની નજીક સરકી રહ્યા છે, પરંતુ પોતાની ઉંમરનો રોલ ભજવવા તૈયાર નથી. આમ તો એમણે રાજનીતિમાંથી નિવૃત્ત થઈ, પક્ષના મોભી અને માર્ગદર્શક બની રહેવું જોઈએ, પરંતુ ભાજપાને સ્પષ્ટ બહુમતી ના મળે અને નરેન્દ્ર મોદીના નામને બીજા ઘટક પક્ષોનું સમર્થન ના મળે તો પોતે જ વડા પ્રધાનપદે આરુઢ થવાના અભરખાંમાંથી તેઓ હજુ બહાર આવ્યા નથી. તેમની વય અને બીજી મર્યાદાઓને કારણે અડવાણીને માનભેર રાજ્યસભામાં મોકલવા વિચારવામાં આવ્યું હતું, પરંતુ તેમણે એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો, અને જાહેરાત કરી દીધી કે, “હું તો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી જ લડીશ. મારે રાજ્યસભામાં જવું હોત તો ઘણાં પહેલાં જ જતો રહ્યો હોત.”

એલ. કે. અડવાણી હંમેશાં ‘P.M. ઈન વેઈટિંગ' રહેશે

અડવાણીનું ગણિત

એ વાત સાચી છે કે, જેઓ જાહેર જીવનમાં રહેવા માગે છે તેઓ હંમેશાં જનતાથી સીધા જોડાયેલા રહેવાનું પસંદ કરે છે, પરંતુ અહીં અડવાણીજીનું ગણિત જનતા સાથે જોડાયેલા રહેવાનું ઓછું અને વડા પ્રધાનપદ પ્રાપ્ત કરવાનું વધુ લાગે છે. લોકસભાની ચૂંટણીઓ પછી મોદીને સમર્થન આપવામાં કોઈ ડખો પડે તો તેઓ પોતે લોકો દ્વારા ચૂંટાયેલા સ્વીકાર્ય નેતા છે, તેમ કહી વડા પ્રધાનપદ માટે પોતાનો દાવો રજૂ કરવા માગે છે. એમાં કોઈ સંદેહ નથી કે, ભારતીય જનતા પાર્ટીને દેશની એક મહત્ત્વપૂર્ણ પાર્ટી બનાવવામાં તેમનું યોગદાન સર્વોપરી છે. ભાજપામાં અટલબિહારી વાજપેયીની સાથે જે જે વ્યક્તિઓનાં નામો પાર્ટીને રાષ્ટ્રીય સ્તર પર લાવવાનું શ્રેય જાય છે, તેમાં સૌથી આગળની પંક્તિનું નામ લાલકૃષ્ણ અડવાણીનું પણ છે. તેઓ વડાપ્રધાનપદના પ્રાકૃતિક દાવેદાર રહ્યા છે. એ તેમનો અધિકાર છે, પરંતુ કરાચીમાં મોહંમદ અલી ઝીણાની કબર પર મસ્તક નમાવ્યા બાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુડ બુકમાં રહ્યા નથી. લાખોની ભીડ એકત્ર કરી શકે તેવો કોઈ કરિશ્મા તેમની પાસે નથી. ઉંમરનો તેમને સાથ નથી. કોર્પોરેટ વર્લ્ડનો તેમને સાથ નથી. હા, થોડાક ઘટક પક્ષોનો તેમને ટેકો મળી શકે તેમ છે,પરંતુ મોદીની લોકપ્રિયતા વગર ભાજપાની નૈયા પાર પડે તેમ નથી, અને આ વાસ્તવિકતા સ્વીકારવા અડવાણી તૈયાર નથી.

સત્તા અને સેવા

‘રાજનીતિ’ શબ્દ જ એવો છે કે, તેમાં તેની સાથે જ ‘મહત્ત્વાકાંક્ષા’ અભિપ્રેત છે. સત્તા અને પદની લાલચ નથી- એવું સાચા દિલથી એક પણ નેતા કહેવા તૈયાર નથી. કોઈ નેતા એમ કહે કે, “મને સત્તાની પરવા નથી, હું તો લોકોની સેવા જ કરવા માટે રાજનીતિમાં છું.” આવા નિવેદન જેવું કોઈ ગપ્પું નથી. દેશના સર્વોચ્ચ એવા વડાપ્રધાનપદને હાંસલ કરવાની મહત્ત્વાકાંક્ષા રાખવાનો કોઈને પણ અધિકાર છે. એ વાત પણ સાચી છે કે, અડવાણી રાજનીતિ અને પ્રગતિના સ્થાન પર ધર્મચિહ્નોનો પ્રયોગ કરી શિખર સુધી પહોંચવામાં કામિયાબ નીવડયા હતા. તેથી તેમને સ્વપ્નમાં પણ સત્તા સુખ દેખાય તે સ્વાભાવિક છે. મોરારજી દેસાઈને પણ આવો જ અભરખો હતો. ૮૨ વર્ષની વયે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે જ તેમને શાંતિ થઈ હતી. અલબત્ત, તેઓ અલ્પ સમય માટે જ વડા પ્રધાનપદે રહ્યા હતા અને જેટલો પણ સમય રહ્યા તેટલો સમય દેશનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. એ રીતે આ દેશમાં વૃદ્ધોની સત્તાલક્ષી મહત્ત્વાકાંક્ષાઓ એ કોઈ નવી વાત નથી. હા, સેવા કરવા કોઈ વડાપ્રધાનપદે બેસવા માગતું હોય તો તે વાતમાં કોઈ માલ નથી. સેવા કરવી જ હોય તો રક્તપિત્તિયાની હોસ્પિટલોમાં જઈ સેવા કરી શકાય છે. ગરીબ પરિવારના બાળકોને ભણવા પુસ્તકો અને ફી આપી સેવા કરી શકાય છે. ભૂખ્યા લોકોને અન્ન આપી સેવા કરી શકાય છે. કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂતેલા દરિદ્રનારાયણોના દેહ પર ધાબળો ઓઢાડી સેવા કરી શકાય છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે, આવી સેવા કરવા માટે આજે કોઈપણ વ્યક્તિ ‘રાજનીતિ’માં નથી. દરેકને સત્તા જોઈએ અને તે પણ અસાધારણ સત્તા. આ તેમની માનસિક ભૂખ છે અને એ સત્તાભૂખ્યાઓની ટોળીમાં અડવાણીજી પણ આવી જાય છે.

ર્ધાિમક ભાવનાનું શોષણ

અસાધારણ સત્તા હાંસલ કરવા અડવાણી તમામ પ્રયોગ કરી ચૂક્યા છે. તેઓ યાત્રાઓ કાઢી ચૂક્યા છે. રામ રથયાત્રા પણ કાઢી ચૂક્યા છે. એકતા અને ચેતના યાત્રા પણ કાઢી ચૂક્યા છે. રામમંદિરના નિર્માણના નામ પર તેમણે દેશની જનતાની ર્ધાિમક ભાવનાઓનું શોષણ કરવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી. હા, રામમંદિરના નિર્માણના નામે અડવાણીજી સફળ નીવડયા હોત તો તે સફળતા ભગવાન શ્રીરામની હોત, અડવાણીની નહીં. રામના નામે તેમને સત્તા તો મળી હતી, પરંતુ સત્તા પર આવતાં જ તેઓ રામને ભૂલી ગયા, ધારા ૩૭૦ ભૂલી ગયા, કોમન સિવિલ કોડનું વચન ભૂલી ગયા. એ તો ઠીક, પણ ભારતના બે ટુકડા કરાવનાર મોહંમદ અલી ઝીણાને તેમણે ‘ધર્મનિરપેક્ષ’ કહ્યા. હકીકતમાં મોહંમદ અલી ઝીણા જ એવા વ્યક્તિ હતા જેમણે નિર્દોષ નાગરિકોની ર્ધાિમક લાગણીઓ ભડકાવીને પાકિસ્તાનનું સર્જન કર્યું હતું. અટલબિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે પણ અડવાણીજીની વડા પ્રધાન બનવાની છૂપી કહાણી છૂપી નથી. એ વખતે નાયબ વડા પ્રધાન બનીને જ એમણે સંતોષ માનવો પડયો હતો. તેમના માટે વડા પ્રધાન બનવાનો વારો આવ્યો ત્યારે દેશની જનતાએ ‘ઇન્ડિયા શાઈનિંગ’ના નારાઓને ફગાવી દીધા અને અડવાણીજી ‘પ્રાઈમ મિનિસ્ટર ઇન વેઈટિંગ’ જ રહી ગયા. એ ચૂંટણીઓમાં પરાજય બાદ પણ અડવાણીજી પોતાના અયથાર્થતા સ્વીકારવા તૈયાર નથી. સમય હંમેશાં એક સરખો રહેતો નથી. પ્રકૃતિ પણ સમય સમય પર પોતાનાં અલગ અલગ સ્વરૂપ દેખાડે છે. સચિન તેંડુલકર ‘મહાન ક્રિકેટર’ છે, પરંતુ ઘણાંને એમ લાગે છે કે, છેલ્લે છેલ્લે જરૂર કરતાં વધુ મેચ રમી ગયા. તે પછી એક સમય એવો આવ્યો કે, તેમને ક્રિકેટમાંથી સંન્યાસ લેવો પડયો. હા, ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કેટલાક સમય પહેલાં લીધો હોત તો ક્રિકેટપ્રેમીઓના દિલોમાં તેમના માટેનું સન્માન વધી જાત.

બંગલા બહારનો ખૌફ

બસ, અડવાણીજીનું પણ કાંઈક આવું જ છે. સત્તાની મહત્ત્વાકાંક્ષા અને રાજનીતિ એક એવું વિષચક્ર છે, જેમાંથી બહાર આવવું મુશ્કેલ છે. સત્તા ના મળે ત્યાં સુધી લાલસાનો અંત આવતો નથી. ભારતીય રાજનીતિમાં અનેક ઊંચા સ્થાન પ્રાપ્ત કરવાવાળા અડવાણીજી સત્તાના પાયા પર રચાયેલી ઊંચી દીવાલોવાળા બંગલાની બહાર આવવા તૈયાર નથી. દિલ્હીની એ કોઠીઓ છોડવી કોઈને ગમતી નથી. દિલ્હીના એ વિશાળ બંગલાઓની બહાર રહેલી લોકોની અસ્વીકાર્યતાનો ખૌફ સૌને ડરાવે છે, અડવાણીજીને પણ.

પ્રકૃતિનો નિયમ છે, Every good thing has to come to end one day.

લાગે છે કે, અડવાણીજીનું વડા પ્રધાન બનવાનું સપનું સપનું જ રહેશે, અને તેઓ કાયમ માટે ‘પી.એમ. ઈન વેઈટિંગ’ જ રહેશે.

પીએમ પદનાં ડાર્ક હોર્સ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

રાહુલ ગાંધીનરેન્દ્ર મોદી સિવાય શરદ પવારમમતા બેનરજીજયલલિતારાજનાથસિંહનીતિન ગડકરી અને એલ. કે. અડવાણી પણ મેદાનમાં

૨૦૧૪ની લોકસભાની આવી રહેલી ચૂંટણીઓમાં કયો પક્ષ વિજયી બનશે એ કરતાં વડાપ્રધાન કોણ બનશે, તે જાણવામાં દેશની આમ જનતાથી માંડીને સટોડિયાઓને અને કોર્પોરેટ વર્લ્ડથી માંડીને ભારતના પાડોશી દેશોને પણ રસ છે. કોંગ્રેસ અને ભાજપ આમ તો આમનેસામને છે, પરંતુ ભીતરથી બેઉ પક્ષો મૂડીવાદના સમર્થક છે. બેઉ પક્ષો અમેરિકાતરફી છે. એકમાત્ર ડાબેરીઓ અને મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી જ મૂડીવાદ અને જમણેરીઓ તરફી નથી. વ્યક્તિગત રીતે જોઈએ તો દિલ્હીનાં પરિણામો બાદ અરવિંદ કેજરીવાલ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બાદ વડાપ્રધાન પદની રેસમાં હતા, પરંતુ દિલ્હીમાં તેમણે જે રીતે અરાજકતા સર્જી તે પછી તેઓ એ રેસમાંથી પહેલા દાવમાં જ આઉટ થઈ ગયા છે, પરંતુ બે મોટા ખેલાડીઓ પછી જે આઉટ નથી થયાં તેમાં મમતા બેનરજી, જયલલિતા, માયાવતી, શરદ પવાર, નીતીશકુમાર અને મુલાયમસિંહ પણ મેદાનમાં છે. જેમાં નીતીશકુમાર અને મુલાયમસિંહ તો ઘરઆંગણે જ પ્રજાના વિરોધનો સામનો કરી રહ્યાં હોઈ વડાપ્રધાન બનવાની તેમની મહેચ્છા ફળે તેમ લાગતું નથી.

પીએમ પદનાં ડાર્ક હોર્સ

શરદ પવારની ગેઇમ

શરદ પવારને લાગેવળગે છે ત્યાં સુધી તેમણે થોડા દિવસથી નરેન્દ્ર મોદી માટે કૂણું વલણ અપનાવ્યું છે. પહેલા પ્રફુલ્લ પટેલ અને તેમના પછી શરદ પવાર બોલ્યા કે ૨૦૦૨ની ઘટનાઓ અંગે કોર્ટ નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપી દીધી હોઈ એ વિવાદને હવે સમાપ્ત કરી દેવો જોઈએ. કોંગ્રેસ માટે આ આંચકારૂપ નિવેદન છે, પરંતુ આવા વિધાન પાછળ શરદ પવારની ઊંડી સમજ છે. વડાપ્રધાન બનવાનું તેમનું સ્વપ્ન હજુ અધૂરું છે. અત્યારે તો તેઓ કોંગ્રેસ સાથે બેઠકો અંગેની સમજૂતી કરી લેશે, પરંતુ ચૂંટણી પછી એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે તો તેઓ ગમે ત્યાં જઈ શકે છે અથવા તો ગમે તેનો ટેકો લઈ ખુદ વડાપ્રધાન બની જવાની ઇચ્છા રાખે છે. શરદ પવાર સત્તા વગર રહી શકતા નથી. સોનિયા ગાંધીના વિદેશી કુળના મુદ્દે કોંગ્રેસ છોડી ગયા બાદ છેલ્લાં ૧૦ વર્ષથી તેઓ કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારના ભાગીદાર છે. હવે તેઓ નરેન્દ્ર મોદીની સરકાર બને તો તેમાં પણ ભાગીદાર બનવા માગે છે અથવા તો નરેન્દ્ર મોદી માટે સાર્વત્રિક સમર્થન ન મળે તો મોદીનો ટેકો લઈ ખુદ વડાપ્રધાન બની જવાની ફિરાકમાં છે.

જયલલિતા પણ

એવી જ રીતે નરેન્દ્ર મોદીનાં કરીબી ગણાતાં તામિલનાડુનાં જયલલિતા ભલે મોદીનાં રાજકીય મિત્ર ગણાતાં હોય પરંતુ તેમની રમત પણ શરદ પવાર જેવી જ છે. ચૂંટણી પરિણામો બાદ એક પણ પક્ષને બહુમતી ન મળે તો તેઓ નરેન્દ્ર મોદીને સમર્થન આપી પણ શકે છે અને મોદીના નામ માટે સહમતી ન સધાય તો તેમના ટેકાથી ખુદ વડાપ્રધાન બની જવાની ખેવના ધરાવે છે. તેમની આ ઇચ્છા હવે અપ્રગટ નથી. છેલ્લા પ્રવચન દરમિયાન તેમણે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ઇચ્છા સ્પષ્ટરૂપે જાહેર કરી જ દીધી છે. અલબત્ત, તેમની મુશ્કેલી એ છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ચેન્નાઈની મેટ્રોપોલિટન કોર્ટને આદેશ આપ્યો છે કે મુખ્યમંત્રી જયલલિતા સામે ચાલતા કેસો ચાર મહિનામાં પૂરા કરી દેવા. મુખ્યમંત્રી જયલલિતા પર ૧૯૯૧-૯૨, ૧૯૯૨-૯૩ અને ૧૯૯૩-૯૪માં આવકવેરાના રિટર્ન નહીં ભરવાનો આરોપ છે. તેમની પર ૧૯૯૧થી ૧૯૯૬ વચ્ચે મુખ્યમંત્રી પદ દરમિયાન રૂપિયા ૬૬.૬૬ કરોડની આવક કરતાં વધુ સંપત્તિ રાખવાનો પણ કેસ છે. જેની સુનાવણી બેંગલુરુની કોર્ટમાં ચાલે છે. ૧૯૯૭માં તેમના ઘરે દરોડા પડયા ત્યારે ૨૮ કિલો સોનું, ૩૦૦ કિલો ચાંદી, ૧૦૫૦૦ સાડીઓ અને ૭૫૦ જોડ સેન્ડલ્સ મળી આવ્યાં હતાં. તેમની સામે વિદેશમાં રૂપિયા ૨૮૦ કરોડની બે આલીશાન હોટેલો હોવાનો પણ આરોપ છે. જયલલિતાનાં નિકટનાં સ્ત્રીમિત્ર શશીકલાએ શશી એન્ટરપ્રાઈઝ નામની એક કંપની ઊભી કરી હતી, પરંતુ ન તો શશીકલાએ કે ન તો જયલલિતાએ ૧૯૯૧-૯૨,૧૯૯૨-૯૩ કે ૧૯૯૩-૯૪માં તેના આવકવેરા રિટર્ન ભર્યાં.

નવ ગુનાઓના કેસ

વાત આટલેથી અટકતી નથી. ૨૦૧૧ની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જયલલિતાએ તેમના સોગંદનામામાં પોતાની કુલ સંપત્તિ રૂપિયા ૫૧ કરોડ અને ૪૦ લાખ હોવાનું જાહેર કર્યું હતું. સોગંદનામામાં દર્શાવ્યા પ્રમાણે તેમની સામે નવ અપરાધિક કેસ ચાલી રહ્યા છે. એ જ રીતે તા. ૨૩ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ તેમની પર ન્યૂયોર્કની એક પેઢી દ્વારા ત્રણ લાખ ડોલરનો ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વીકારવાનો પણ આરોપ છે.

બીજો એક આરોપ એવો છે કે ૧૯૯૨માં તેઓ મુખ્યમંત્રી હતાં ત્યારે તેમના જન્મદિને બે કરોડ રૂપિયા કરતાં વધુ રકમના ૮૯ ડિમાન્ડ ડ્રાફ્ટ અને રૂપિયા ૧૫ લાખની રોકડ રકમ તેમણે સ્વીકારી હતી. જોકે, આ કેસોમાં સીબીઆઈને કોઈ પુરાવા મળ્યા નથી. આ સિવાય જયલલિતા પર એસપીઆઈ વિનિવેશ મામલો, કોલસા આયાત ડીલ, કલર ટીવી કેસ અને એક ઓડિટરને સેન્ડલો મારવાનો કેસ પણ ચાલ્યો હતો. તા. ૭ ડિસેમ્બર, ૧૯૯૬ના રોજ કલર ટીવી કેસમાં તેમની ધરપકડ પણ થઈ હતી. આ બધું હોવા છતાં તેઓ વડાપ્રધાન બનવા માગે છે.

મમતા બેનરજી પણ

ચાલો, હવે પશ્ચિમ બંગાળનાં દીદી મમતા બેનરજીની વાત. તાજેતરમાં જ કોલકાત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક જંગી રેલીને સંબોધન કર્યું. આ રેલીને સંબોધતાં તેમણે કોંગ્રેસ અને ભાજપ એમ બેઉ પર ભારે પ્રહારો કર્યા. દેખીતી રીતે જ એમના એ પ્રહારોનો અર્થ એ હતો કે તેઓ પણ હવે વડાપ્રધાન બનવાના કોરસમાં સામેલ થઈ ગયા છે. તેમણે સ્પષ્ટપણે જાહેર કરી દીધું કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે અને દિલ્હીની ગાદી સર કરવા માટે દેશમાં ફેડરલ ફ્રંટની રચના માટે નેતૃત્વ લેશે.

પશ્ચિમ બંગાળનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર મહાશ્વેતા દેવીએ પણ પ્રવચન દરમિયાન કહ્યું કે દેશના વડાપ્રધાન થવા માટે એકમાત્ર મમતા બેનરજી જ યોગ્ય ઉમેદવાર છે. કોલકાત્તાની ટીપુ સુલતાન મસ્જિદના શાહી ઈમામે પણ કહ્યું કે દેશને તેમની જરૂર છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળનું નેતૃત્વ કર્યું છે અને હવે દેશનું પણ નેતૃત્વ કરશે. કોલકાત્તાની એ મહા રેલીમાં મમતા બેનરજીએ ૪૫ મિનિટ સુધી લાગણીશીલ પ્રવચન કર્યું અને પશ્ચિમ બંગાળની પ્રજાને દિલ્હીમાં સત્તાપરિવર્તન લાવવામાં મદદ કરવા હાકલ કરી. તેમણે ‘ચલો દિલ્હી’નું સૂત્ર પણ આપ્યું. તેઓ બંગાળીમાં બોલ્યાં : “દિલ્હી ચલો, ભારત ગોરો” અર્થાત્ આપણે દિલ્હી જઈએ અને નયા ભારતનું નિર્માણ કરીએ. તેમણે રેલીમાં ઉપરોક્ત લાખોની જનમેદનીને સંબોધતાં પૂછયું : શું તમે દિલ્હીમાં પરિવર્તન ઇચ્છો છો? તો લાખ્ખો લોકોએ ગર્જના કરી, “હા”.

આ રેલીમાં કોંગ્રેસની અને નરેન્દ્ર મોદીની ટીકા કરતાં તેઓ બોલ્યાં : આપણને એવી સરકાર નથી જોઈતી જે બળતણમાં ભાવવધારો કર્યા કરે અને જે કોમી તોફાનો જ કરાવે. તેથી દેશમાં હવે તૃણમૂલ કોંગ્રેસ જ એકમાત્ર વિકલ્પ છે.

ભાજપનાં ડાર્ક હોર્સ

ટૂંકમાં, મમતા બેનરજી પણ પીએમ પદની રેસમાં ખુલ્લા મેદાનમાં આવી ગયાં છે, પરંતુ એ સિવાય ખુદ ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલાંક ડાર્ક હોર્સ છે. કોઈ જાણીતાં નામની સંમતિ ન થાય તો બહુ લો પ્રોફાઈલ પર રહેનારી વ્યક્તિને પદ સોંપી દેવાનો વચલો રસ્તો કાઢવામાં આવે છે અને સમાધાનથી અનાયાસે જ જેનું નામ આવે તેને રાજનીતિશાસ્ત્રોમાં ‘ડાર્ક હોર્સ’ કહે છે. ભાજપમાં નરેન્દ્ર મોદીના ટેકામાં બીજા ઘટક પક્ષો સંમત ન થાય તો ખુદ ભાજપમાં જ રાજનાથસિંહ, નીતિન ગડકરી, સુષમા સ્વરાજ અને એલ કે. અડવાણી પણ વડાપ્રધાન પદની મહેચ્છા રાખી રહ્યાં છે.

ચાલો, થોભો અને રાહ જુઓ.
www.devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén