ફ્રાન્સના પ્રેસિડન્ટ હોલાન્દે ને ફ્રેન્ચ અભિનેત્રી જુલી ગાયેતના પ્રણય સંબંધની રસપ્રદ કહાણી
રાજનીતિ આમ તો શુષ્ક છે, પરંતુ તેમાં પ્રણયનો રંગ ઉમેરાય છે ત્યારે આમ આદમીને પણ તેમાં રસ પડે છે. અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ જ્હોન એફ. કેનેડી એ જમાનાની મશહૂર અભિનેત્રી મેરિલિન મનરોના પ્રેમમાં પડયા ત્યારે આખી દુનિયાને રસ પડી ગયો હતો. એ જ રીતે એ જ અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બિલ ક્લિંટન મોનિકા લેવિન્સ્કિીના પ્રેમમાં પડયા ત્યારે આખા અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો. એડોલ્ફ હિટલર એક ક્રૂર સરમુખત્યાર હતો, પરંતુ ઈવા બ્રાઉન નામની એક સ્ત્રીના પ્રેમમાં હતો. ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેક્સ ચિરાકને સંખ્યાબંધ લગ્ન બાહ્ય સંબંધો હતા. ફ્રાન્સના પૂર્વપ્રમુખ ફ્રાન્કોઈસ મિત્તરાંએ તેમની મિસ્ટ્રેસ અને તેમનાથી થયેલી પુત્રીને વર્ષો સુધી એક ગુપ્ત મહેલમાં રાખ્યાં હતાં. તેઓ નિવૃત્ત થવાના હતાં તે વખતે એટલે કે છેક ૧૪ વર્ષ બાદ જ ફ્રાન્સની પ્રજા એ રહસ્ય જાણી શકી હતી.
રાજકારણીઓની આ પ્રણય ગાથાઓમાં એેક નવી જ આવૃત્તિનો ઉમેરો થયો છે, અને તે પણ ફ્રાન્સના જ પ્રમુખ ફ્રાંકોઇસ હોલાન્દે છે. ”ક્લોઝર” નામના એક ગ્લોસી મેગેઝિને તાજેતરમાં જ એક અહેવાલ પ્રગટ કરી એવો રહસ્ય સ્ફોટ કર્યો છે કે, પ્રેસિડન્ટ હોલાન્દે જુલી ગાયેત નામની એક ફિલ્મ અભિનેત્રીના પ્રેમમાં છે. પ્રેસિડન્ટ હોલાન્દે પરણેલા છે અને તેમનાં પત્નીનું નામ વેેલેરી ટ્રાયરવિલર છે. ‘ક્લોઝર’ મેગેઝિનમાં સાત પાનાં ભરીને છપાયેલી આ ન્યૂઝ સ્ટોરીએ પ્રેસિડન્ટના દામ્પત્ય જીવનને ખરાબે ચડાવી દીધું છે.’ક્લોઝર’ મેગેઝિને પ્રેસિડન્ટ હોલાન્દે અને એક્ટ્રેસ જુલી ગાયેતને ખાનગીમાં મળતા તસ્વીરોમાં દર્શાવ્યા છે.
હોલાન્દે સમાજવાદી છે, અને ફ્રાન્સના પ્રમુખ બન્યા ત્યારે તેમણે પ્રજાને એવી ખાતરી આપી હતી કે, તેમની અંગત જિંદગીને અખબારોની હેડલાઈન્સથી દૂર રાખશે, પરંતુ એવું રહ્યું નથી. હવે તેમના અંગત જીવનને એક મેગેઝિને ખુલ્લું કરી નાખ્યું છે. તેની સામે પ્રેસિડન્ટની ઓફિસે પ્રમુખની અંગત જિંદગીમાં પ્રવેશ કરવાની હરક્તની સખ્ત ટીકા કરી છે.
જે મેગેઝિને ફ્રાન્સના પ્રેસિડન્ટની ઊંઘ હરામ કરી નાખી છે તે મેેગેઝિને ગયા વર્ષે ડચેઝ ઓફ કેમ્બ્રીજ કેટની ટોપ લેસ તસવીર પ્રગટ કરીને હોબાળો મચાવી દીધો હતો. હવે એ જ મેગેઝિને ૫૯ વર્ષના પ્રેસિડન્ટ હોલાન્દે અને ૪૧ વર્ષની જુલી ગાયેત વચ્ચેના પ્રેમસંબંધોની કહાણી તસવીરો સાથે પ્રગટ કરી છે. ‘ક્લોઝર’ મેગેઝિને જે તસ્વીરો છાપી છે તેમાં એક તસવીર તા. ૩૦મી ડિસેમ્બરના રોજ રાત્રે ૧૦-૪૮ વાગે જુલી ગાયેત પેરિસના એક ફલેટમાં પ્રવેશી રહી હોવાનું દર્શાવાયું છે. તેની ૩૬ મિનિટ બાદ બીજી એક વ્યક્તિ એ જ ફલેટમાં પ્રવેશે છે, જે પ્રેસિડન્ટનો સિક્યોરિટી ગાર્ડ હોવાનું દર્શાવાયું છે અને સલામતી ગાર્ડ ફલેટમાં બીજો કોઈ અજાણ્યો માણસ છે કે કેમ તે માટે પ્રવેશ દ્વારનો વિસ્તાર તપાસતો જણાય છે. તેની બરાબર એક જ મિનિટ પછી એ ઈમારતની બહાર એક મોટરસાઈકલ આવતી હોવાની તસવીર પ્રગટ કરવામાં આવી. એ મોટરસાઈકલ પર આવેલો માણસ બીજો કોઈ નહીં, પરંતુ પ્રેસિડન્ટ હોલાન્દે છે, જેમણે હેલ્મેટની અંદર ચહેરો છૂપાવેલો છે.- એ તસવીર પણ મેઝેઝિને પ્રગટ કરી છે. ક્લોઝર મેગેઝિને ચોથી એક તસ્વીર પ્રગટ કરી છે, જે બીજા દિવસે સવારે ૮-૦૩ વાગે લેવાયેલી છે. તેમાં એક સલામતી ગાર્ડ એક બેગ લઈને ફલેટમાં પ્રવેશતો જણાય છે. એ બેગમાં પ્રેસિડન્ટ હોલાન્દે અને જુલી માટેના કેટલાંક વસ્ત્રો હોવાનું કહેવાયું છે. પ્રેસિડન્ટ હોલાન્દે અને એક્ટ્રેસ જુલી ગાયેત વચ્ચેના પ્રણય સંબંધોની અફવા ઘણા મહિનાઓથી પેરિસમાં ચર્ચાતી હતી. ‘ક્લોઝર’ મેેગેઝિને જે ફ્લેટની અંદર પ્રેસિડન્ટ અને એક્ટ્રેસને અંદર રાત ગાળતા દર્શાવ્યાં છે તે ફલેટ પેરિસમાં પ્રેસિડન્ટના પેલેસની નજીક જ આવેલો છે.
ગયા વર્ષે જ ફ્રાન્સમાં પ્રમુખપદ માટે ચૂંટણી થઈ હતી. ચૂંટણી ઝુંબેશ વખતે એક્ટ્રેસ જુલી ગાયેતે જાહેરમાં હોલાન્દેને નમ્ર અને સમજદાર વ્યક્તિ તરીકે વર્ણવ્યા હતા. એ વખતે જ જુલી ગાયેત પર હોલાન્દે સાથે સંબંધની એક ન્યૂઝ સ્ટોરી સ્થાનિક અખબારોમાં પ્રગટ થઈ હતી, પરંતુ જુલી ગાયેતે તેની અંગત જિંદગી પર આક્રમણ કરવા બદલ એ અખબારો સામે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી હતી, પરંતુ હવે ‘ક્લોઝર’ના અહેવાલ બાદ એ પ્રણય ગાથા એક કદમ આગળ વધી છે.
જે રીતે પ્રેસિડન્ટ હોલાન્દે ખુદ પરણેલા છે તે રીતે એક્ટ્રેસ જુલી ગાયેત પણ બે બાળકોની માતા છે. જુલીના પતિ સેન્ટિઆગો આર્જેન્ટિનાના ફિલ્મ ડાયરેક્ટર છે, એજ રીતે હોલાન્દે પણ ચાર સંતાનોના પિતા છે. અલબત્ત, એ ચાર બાળકો તેમનાં આગલાં પત્ની સેગોલિની રોયલથી થયેલાં છે, જેઓ હોલાન્દેની જેમ જ સોશિયાલિસ્ટ પોલિટિશયન હતાં. આજથી સાત વર્ષ અગાઉ તેમનાં છુટાછેડા થઈ ગયા હતા અને હોલાન્દેએ વેલેરી ટ્રાયરવિલર સાથે લગ્ન કર્યું હતું. વેલેરીની વય ૪૮ વર્ષની છે. ‘ક્લોઝર’મેગેઝિનમાં પ્રેસિડન્ટના આ પ્રણય સંબંધની સ્ટોરી પ્રગટ થયા બાદ ફ્રાન્સના ફર્સ્ટ લેડી વેલેરીએ પ્રેસિડન્ટની વેટિકનની મુલાકાત વખતે સાથે જવા ઈનકાર કરી દીધો છે.
કેટલાક સમય પહેલાં પેરિસના એક ટેલિવિઝન શો દરમિયાન એક એન્કરે જુલીને પૂછયું હતું કે, ”તમારે હોલાન્દે સાથે કેવું છે?” એ વખતથી જ આ વાત ચર્ચામાં આવી ગઈ હતી. જો કે હવે ‘ક્લોઝર’ મેગેઝિનના રિપોર્ટ બાદ ફરી એક વાર ફ્રાન્સમાં જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે. એક જમાનામાં ફ્રાન્સના પ્રેસિડન્ટની પ્રાઈવેટ લાઈફને મીડિયાથી સુરક્ષિત રાખવામાં આવતી હતી, હવે એવું રહ્યું નથી. ‘ક્લોઝર’ના એ અહેવાલ બાદ ફ્રાન્સના મુખ્ય અખબાર ‘લા ફિગારો’થી માંડીને ફ્રાન્સની બધી જ ન્યૂઝ ચેન્લસ અને ફ્રાન્સના રેડિયો સ્ટેશન પર આ ન્યૂઝ સ્ટોરી ટોપ ન્યૂઝમાં જ રહી છે. અગાઉના પ્રમુખોને આટલી બધી ક્ષોભજનક પરિસ્થિતિમાં કદી મુકાવું પડયું નથી. ૧૯૭૦માં રાજ્યના વડા વેલેરી ગિસ્કાર્ડ દૂધના એક વાહનમાં એક એક્ટ્રેસ સાથે મજા માણતા ઝડપાયા હતા. ત્યાર પછી તસવીરો સાથેનો અહેવાલ પ્રગટ થયો હોય તો તે હાલના પ્રેસિડન્ટ હોલાન્દેનો છે.
આ ઘટના બાદ પ્રેસિડન્ટ હોલાન્દેએ ‘ક્લોઝર’ મેગેઝિન સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. ફ્રાન્સના પ્રેસિડન્ટ હોલાન્દેના પત્ની અને ફ્રાન્સનાં ફર્સ્ટ લેડી વેલેરી અત્યંત ઈર્ષાળુ પણ છે. પ્રેસિડન્ટની ઓફિસમાંથી એટલી જ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ”પ્રેસિડન્ટને ફ્રાન્સના બીજા કોઈ પણ નાગરિક જેટલી જ પ્રાઈવેસીનો અધિકાર છે” અલબત્ત, પ્રેસિડન્ટના એક્ટ્રેસ સાથેના સંબંધો ઈનકારવામાં આવ્યા નથી.
ફ્રાન્સના પ્રેસિડન્ટ હોલાન્દેએ એક નિવેદનમાં કહ્યું છે કે, આ મારો અંગત મામલો છે. જાહેર મામલો નથી. ‘‘This was a personal than a public matter.’’
‘ક્લોઝર’ મેગેઝિનના તંત્રી લોરેન્સ પાઈઝએ પણ કહ્યું છે કે, ”પ્રેસિડન્ટ એક નોર્મલ વ્યક્તિ છે. લોકપ્રિય છે પરંતુ તસવીરો નાટયાત્મક નથી.”
પ્રેસિડન્ટ હોલાન્દે યુરોઝોનના અર્થતંત્રને સરખું કરવા સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે તેમના અંગત જીવનની તસવીરો ફ્રાન્સ માટે કેટલી મહત્ત્વની? કોઇ એક નેતાનું અંગત જીવન રંગીન હોય પણ તે પ્રજામાં કલ્યાણના કામો કરતો હોય અને બીજા કોઇ નેતાનુ અંગત જીવન સ્વચ્છ હોય પણ પ્રજાના કામો કરતો જ ના હોેય તો તમે કોને પસંદ કરશો?ઈસુના જન્મ પહેલા થઈ ગયેલા ઈઝરાયલના રાજા કિંગ સોલોમનને અનેક પત્નીઓ હતી, પરંતુ તે ડાહ્યો, ન્યાયપ્રિય અને પ્રજાભિમુખ રાજા કહેવાયો. રોમના શાસક જુલિયસ સિઝર પરણિત હોવા છતાં તેમનાં કરતાં અડધી ઉંમરની ક્લિયોપેટ્રાના પ્રેમમાં પડયા હતા, પણ એ જ સિઝરે આખા વિશ્વમાં રોમને એક શક્તિશાળી રાષ્ટ્ર બનાવ્યું હતું. એક નેતા પ્રજા માટે કેવો છે તે અગત્યનું છે કે તેનું અંગત જીવન અગત્યનું છે તે બદલાતા સમયની ચર્ચાનો વિષય છે.
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "