Devendra Patel

Journalist and Author

Month: February 2014 (Page 2 of 2)

હું ટીનએજર નથી,ત્રણ વાર પરણેલા પુરુષના પ્રેમમાં પડું

કભી કભી – દેવેન્દ્ર પટેલ
  • રૂપાળા ચહેરાનું એટ્રેક્શન ફેટલ જ હોય છે પાક. પત્રકાર મેહર તરારની કૈફિયત શું છે ?

પા કિસ્તાન સરહદ પારથી આતંકવાદની નિકાસ માટે જાણીતું છે,પરંતુ જાણે અજાણે ભારતના દુશ્મન દેશ તરફથી આવેલા એક ખૂબસુરત અને નજાકતભર્યા આતંકે ભારતના એક રાજપુરુષની રાજનીતિનો અને તેમની સ્વરૂપવાન પત્નીની જિંદગીનો અંત લાવી દીધો. એ આતંકનું નામ છે : મેહર તરાર. મેહર તરાર પાકિસ્તાનની રૂપાળી મહિલા પત્રકાર છે. એ આવી હતી ભારતના કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની મુલાકાત લેવા, પરંતુ દેખાવડા ભારતીય મંત્રીના તે પ્રેમમાં પડી ગઈ. તેમના વ્યક્તિત્વ, તેમની ભાષા, તેમની છટા અને તેમના કાવ્યોથી તે પ્રભાવિત થઈ ગઈ. બની શકે કે એ સંબંધો ઉત્કૃષ્ટ કક્ષાના હોઈ શકે, પરંતુ શશિ થરૂરનાં સ્વરૂપવાન પત્ની સુનંદા પુષ્કરથી એ સહન ના થયું અને સુનંદાએ દિલ્હીની ફાઈવસ્ટાર હોટલના એક કમરામાં આપઘાત કરી લીધો.

હું ટીનએજર નથી,ત્રણ વાર પરણેલા પુરુષના પ્રેમમાં પડું

મેહર તરાર તા. ૨ માર્ચ,૧૯૬૮ના રોજ લાહોર, પાકિસ્તાનમાં જન્મેલી છે. અમેરિકાના વેસ્ટ ર્વિજનિયા પ્રાંતમાં આવેલી વેસ્ટ ર્વિજનિયા યુનિર્વિસટી દ્વારા તેણે પત્રકારત્વના વિષયમાં ગ્રેજ્યુએશન કરેલું છે. મેહર તરાર હાલ ‘ડેઈલી ટાઈમ્સ’ અખબારમાં આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કરે છે. મેહર તરાર પરણેલી છે અને તેને ૧૩ વર્ષની વયનો એક પુત્ર પણ છે.

કેન્દ્રના માનવ સંશાધન ખાતાના મંત્રી રાજ્યમંત્રી શશિ થરૂરનાં પત્ની સુનંદાને એવો શક હતો કે, તેમના પતિ અને મેહર તરાર વચ્ચે પ્રણય સંબંધો છે. એક તબક્કે સુનંદા પુષ્કરે ટ્વિટ કરીને એવો આક્ષેપ મૂક્યો કે, ‘મેહર તરારને મારા પતિ સાથે અનૈતિક સંબંધો છે અને મેહર તરાર પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈની એજન્ટ છે.’

સુનંદા પુષ્કરના આ આરોપ બાદ પાકિસ્તાનની પત્રકાર મેહરની કૈફિયત પર બહુ ઓછું ધ્યાન કેન્દ્રીત થયું છે. સુનંદાના એ આક્ષેપ બાદ મેહર તરારે ટ્વિટર પર કહ્યું હતું કે, ”હું કોઈ ટીનએજર નથી કે જે ત્રણ વખત પરણેલા ૪૫ વર્ષના પુરુષના પ્રેમમાં પડું. એ વાત સાચી છે કે હું શશિ થરૂરને જાણતી હતી, અને તેમની પ્રશંસક પણ છું. મારી અને તેમની વચ્ચે તેમનાં પુસ્તકો, ક્રિકેટ અને તેમના હોમ સ્ટેટ કેરાલા અંગે થતી વાતચીતને ગેરસમજથી લેવી ના જોઈએ. ”

”શું તમે શશિ થરૂર સાથે ટ્વિટર પર સંપર્કમાં હતા ?”- એવા પ્રશ્નના જવાબમાં તે કહે છેઃ ” કોઈ પણ વ્યક્તિ પબ્લિક ડોમેઈન ટ્વિટર પર શું પ્રણયના સંદેશા મોકલે ખરી ?”

શશિ થરૂરના સ્વર્ગસ્થ પત્ની સુનંદા પુષ્કરે એવો દાવો કર્યો હતો કે ‘એ બંને જણ વચ્ચે ટ્વિટર પર જે પ્રેમાલાપ થતો હતો તે ટ્વિટર પર જ હતો.’

 આ સંદર્ભમાં મેહર તરાર કહે છેઃ ” હું શશિ થરૂર સાથે ફોન અને ઈ-મેલ દ્વારા સંપર્કમાં હતી. મારા થરૂર સાથેના સંબંધ વિશે હું આખાબોલી અને ખુલ્લી છું. શશિ થરૂરની હું પ્રશંસક છું- એ વાત મેં કદી છૂપાવી નથી, પણ તે વાતનો બીજો કોઈ અર્થ કાઢવાની જરૂર નથી.”

મેહર તરાર કહે છેઃ ”હું ગયા વર્ષે એપ્રિલ માસમાં શશિ થરૂરનો ઈન્ટરવ્યુ લેવા ભારત ગઈ હતી. તે પછી પણ હું તેમની સાથે અવારનવાર ફોન પર વાત કરતી રહી હતી, કારણ કે હું ભારતમાં આવી રહેલી ચૂંટણીઓ વિશે એક પુસ્તક લખવા માંગતી હતી. અમારો વાર્તાલાપ એમણે લખેલા પુસ્તકો પૂરતો જ મર્યાદિત હતો. એથી યે આગળ તેમનાં એક પુસ્તક પર મેં મારું અવલોકન પણ લખ્યું હતું. અમે પુસ્તકોની ચર્ચા કરતા હતા. અમે રાજનીતિની ચર્ચા કરતાં હતા. અમે ક્રિકેટની પણ ચર્ચા કરતા હતા. એ ચર્ચાને કારણે કોઈએ ગેરસમજ ઊભી કરવી જોઈએ નહીં.”

એની સામે શશિ થરૂરનાં પત્ની સુનંદા પુષ્કરે બ્લેક બેરી મેસેન્જર પર આવેલા સંદેશા ટ્વિટર પર મૂકી દઈ લખ્યું હતું: ”જુઓ, આ છે મેહર તરારના બીબીએમ મેસેજિસ. કેવી ભયંકર સ્ત્રી છે તે ? તે મારા પતિને ફસાવવા પ્રયત્ન કરી રહી છે.”

તેની સામે મેહર તરારે ટ્વિટર પર જ જવાબ આપતાં કહ્યું હતું કે ”હું તમારું લગ્નજીવન સુખમય રહે તેવી શુભેચ્છા પાઠવું છું. થરૂરના પત્ની મને કોઈ વિવાદમાં ના ઘસડે તેવી આશા રાખું છું. સુનંદા મને ‘હોરીબલ’ અર્થાત ભયાનક સ્ત્રી અને આઈએસઆઈની એજન્ટ કહે છે તે જ કેટલી ભયાનક વાત છે! સુનંદાએ મને આઈએસઆઈની જાસૂસ કહીને ખૂબ ભયંકર કૃત્ય કર્યું છે.”

સુનંદા પુષ્કરે ટ્વિટર પર શરૂ કરેલા યુદ્ધ બાદ જે જે લોકોએ શશિ થરૂરને નૈતિક ટેકો આપ્યો તે બધાનો થરૂરે આભાર માન્યો હતો. તેનો ઉલ્લેખ કરતાં મેહર તરાર કહે છેઃ ”થરૂરના આવા સમર્થકો પૈકી એક શિવાંગીની પાઠકે મને સંબોધીને લખ્યું હતું કે,મેહર અમે બધાં તારા ટેકામાં છીએ. તું ડિગ્નીફાઈડ છે. વી લવ યુ.”

મેહર તરાર ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુમેળભર્યા રહે તે માટેના લખાણો માટે જાણીતી છે.

મેહર તરાર વધુ ખુલીને લખે છેઃ હું તેમને એપ્રિલ, ૨૦૧૩માં દિલ્હી ખાતેની તેમની ઓફિસમાં મળી હતી. અમે તેમની ઓફિસમાં ૪૫ મિનિટ સુધી વાત કરી હતી, અને તે પછી અમારો ઈન્ટરવ્યુ તેમની કારમાં જારી રાખ્યો હતો. તે પછી જૂનમાં એક એવોર્ડ સમારંભ દરમિયાન હું તેમને દુબઈમાં મળી હતી. એ પછી ફોન અને ઈ-મેલ્સ દ્વારા અમે કેરાલાની ચૂંટણીઓ અંગે વાતચીત કરતાં રહ્યા હતાં. હું કેરાલા અંગે એક પુસ્તક લખવા માંગતી હતી. તેમણે મને કેટલીક ટીપ્સ આપવા હા પાડી હતી. તેમનાં પત્ની કહે છે કે હું તેમની બ્લેક બેરી મેસેન્જર હતી. સત્ય એ છે કે હું થરૂર સાથે બ્લેકબેરી મેસેન્જર નહોતી. તેથી તેમનાં પત્નીના આક્ષેપથી હું ડઘાઈ ગઈ હતી. હું તેમનાં પત્નીને કદી રૂબરૂ મળી નથી. સુનંદા કહે છે કે, હું તેમના પતિને ફસાવી રહી છું અને અમારી વચ્ચે અફેર છે. હું પૂછું છું કે, એ બંને એકસાથે કેવી રીતે હોઈ શકે? સુનંદાના એ આક્ષેપો વાઈલ્ડ એલિગેશન્સ જ છે.’

સુનંદાના અકુદરતી મૃત્યુ પહેલા મેહર તરારે કહ્યું હતું: ”જે સ્ત્રી પોતાના પતિને પ્રેમ કરે છે તે જ સ્ત્રી તેના પતિ પર ગંદકી ઉછાળી રહી છે અને કાલ્પનિક વાતો મીડિયાને કહી રહી છે, તે બધું છેવટે તો હાસ્યાસ્પદ જ લાગે છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને પોતાના પતિ સાથે જોડી રહી છે તે એક પ્રકારની નીમ્ન કક્ષાની બીમારી જ છે. સુનંદાને તેમના લગ્નજીવનનું કોઈ સન્માન નથી. લાગે છે કે તેમનામાં વ્યાકરણ અને જોડણી કરતાં બુદ્ધિ ઓછી છે. માય નેમ ઈઝ મેહર, એન્ડ આઈ એમ નોટ એન આઈએસઆઈ એજન્ટ. ઓર રો. ઓર સીઆઈડીએ. ઓર મોસાદ, ઓર ડેડ કેજીબી.”

તે પછી સુનંદા પુષ્કરે કહ્યું હતું : ‘જે સ્ત્રી મારા પતિને દિવસમાં ૨૦ વખત ફોન કરે તે સ્ત્રી કેવી? પુરુષને સહેજ છુટ્ટા મૂકો એટલે બીજી સ્ત્રીઓ પાછળ પાગલ જ થઇ જતા હોય છે.’

-ટ્વિટર પરના આ બધા જ વાક્યુદ્ધના અંતે સુનંદા પુષ્કરે અચાનક જ તેની જીવનલીલા સંકેલી લીધી. આ ઘટના પછી ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી. ઘણાં લોકોએ આ ઘટનાને ”મર્ડર બાય ટ્વિટર” કહ્યું. કોઈએ ”ર્ફ્સ્ટ મર્ડર બાય ટ્વિટર ઈન્ડિયા.” કહ્યું. સુનંદા બિચારી જીવી ત્યાં સુધી તેની પાસે બધું જ હોવા છતાં સુખને પામી શકી નહીં. તેની પાસે પોતાનું રૂપ હતું, પૈસો હતો, સુંદર દેખાવડો પતિ હતો, રાજનીતિમાં નામ હતું, ઐશ્વર્ય હતું, મિત્રો હતા છતાં તેના જીવનનો દુઃખદ અંત આવ્યો. કોઈએ તેને ૫૦ કરોડની ગર્લફ્રેન્ડ કહી, કોઈએ તને ડ્રગ્સની બંધાણી કહી, કોઈએ તને અક્કલ વગરની કહી, કોઈએ તેને સતત અસલામતી અનુભવતી સાયકિક મહિલા કહી, કોઈએ તેને અસહિષ્ણુ કહી, પણ હવે સુનંદા આ જગતમાં નથી. શાયદ તે તેના પતિ પ્રત્યે વધુ પડતાં માલિકીપણાની લાગણી અનુભવતી હતી. એ જે હોય તે પરંતુ દેશની રાજનીતિના સ્ક્રીન પરના એક રૂપાળા યુગલની કથા દુઃખદ કથાનો ટ્રેજેડીમાં અંત આવ્યો. રૂપાળા ચહેરાઓનું આકર્ષણ હંમેશા ફેટલ જ હોય છે. આ કડવી વાસ્તવિકતાનો અનુભવ સુનંદા પુષ્કર શશિ થરૂર અને મેહર તરાર- એમ ત્રણેયને થઈ ગયો.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

એલ. કે. અડવાણી હંમેશાં ‘P.M. ઈન વેઈટિંગ’ રહેશે

  • સત્તાના પાયા પર રચાયેલા બંગલાઓની ઊંચી દીવાલોની બહાર નીકળવા કોઈ તૈયાર નથી

ફિલ્મનું એ ટાઈટલ જાણીતું છે- ‘દિલ હૈ કિ માનતા નહીં હૈં.’ બસ,આવું જ કાંઈ ભારતીય જનતા પાર્ટીના વયોવૃદ્ધ નેતા એલ. કે. અડવાણીનું છે. અડવાણી દાદા ૯૦ની નજીક સરકી રહ્યા છે, પરંતુ પોતાની ઉંમરનો રોલ ભજવવા તૈયાર નથી. આમ તો એમણે રાજનીતિમાંથી નિવૃત્ત થઈ, પક્ષના મોભી અને માર્ગદર્શક બની રહેવું જોઈએ, પરંતુ ભાજપાને સ્પષ્ટ બહુમતી ના મળે અને નરેન્દ્ર મોદીના નામને બીજા ઘટક પક્ષોનું સમર્થન ના મળે તો પોતે જ વડા પ્રધાનપદે આરુઢ થવાના અભરખાંમાંથી તેઓ હજુ બહાર આવ્યા નથી. તેમની વય અને બીજી મર્યાદાઓને કારણે અડવાણીને માનભેર રાજ્યસભામાં મોકલવા વિચારવામાં આવ્યું હતું, પરંતુ તેમણે એ પ્રસ્તાવ ઠુકરાવી દીધો, અને જાહેરાત કરી દીધી કે, “હું તો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી જ લડીશ. મારે રાજ્યસભામાં જવું હોત તો ઘણાં પહેલાં જ જતો રહ્યો હોત.”

એલ. કે. અડવાણી હંમેશાં ‘P.M. ઈન વેઈટિંગ' રહેશે

અડવાણીનું ગણિત

એ વાત સાચી છે કે, જેઓ જાહેર જીવનમાં રહેવા માગે છે તેઓ હંમેશાં જનતાથી સીધા જોડાયેલા રહેવાનું પસંદ કરે છે, પરંતુ અહીં અડવાણીજીનું ગણિત જનતા સાથે જોડાયેલા રહેવાનું ઓછું અને વડા પ્રધાનપદ પ્રાપ્ત કરવાનું વધુ લાગે છે. લોકસભાની ચૂંટણીઓ પછી મોદીને સમર્થન આપવામાં કોઈ ડખો પડે તો તેઓ પોતે લોકો દ્વારા ચૂંટાયેલા સ્વીકાર્ય નેતા છે, તેમ કહી વડા પ્રધાનપદ માટે પોતાનો દાવો રજૂ કરવા માગે છે. એમાં કોઈ સંદેહ નથી કે, ભારતીય જનતા પાર્ટીને દેશની એક મહત્ત્વપૂર્ણ પાર્ટી બનાવવામાં તેમનું યોગદાન સર્વોપરી છે. ભાજપામાં અટલબિહારી વાજપેયીની સાથે જે જે વ્યક્તિઓનાં નામો પાર્ટીને રાષ્ટ્રીય સ્તર પર લાવવાનું શ્રેય જાય છે, તેમાં સૌથી આગળની પંક્તિનું નામ લાલકૃષ્ણ અડવાણીનું પણ છે. તેઓ વડાપ્રધાનપદના પ્રાકૃતિક દાવેદાર રહ્યા છે. એ તેમનો અધિકાર છે, પરંતુ કરાચીમાં મોહંમદ અલી ઝીણાની કબર પર મસ્તક નમાવ્યા બાદ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુડ બુકમાં રહ્યા નથી. લાખોની ભીડ એકત્ર કરી શકે તેવો કોઈ કરિશ્મા તેમની પાસે નથી. ઉંમરનો તેમને સાથ નથી. કોર્પોરેટ વર્લ્ડનો તેમને સાથ નથી. હા, થોડાક ઘટક પક્ષોનો તેમને ટેકો મળી શકે તેમ છે,પરંતુ મોદીની લોકપ્રિયતા વગર ભાજપાની નૈયા પાર પડે તેમ નથી, અને આ વાસ્તવિકતા સ્વીકારવા અડવાણી તૈયાર નથી.

સત્તા અને સેવા

‘રાજનીતિ’ શબ્દ જ એવો છે કે, તેમાં તેની સાથે જ ‘મહત્ત્વાકાંક્ષા’ અભિપ્રેત છે. સત્તા અને પદની લાલચ નથી- એવું સાચા દિલથી એક પણ નેતા કહેવા તૈયાર નથી. કોઈ નેતા એમ કહે કે, “મને સત્તાની પરવા નથી, હું તો લોકોની સેવા જ કરવા માટે રાજનીતિમાં છું.” આવા નિવેદન જેવું કોઈ ગપ્પું નથી. દેશના સર્વોચ્ચ એવા વડાપ્રધાનપદને હાંસલ કરવાની મહત્ત્વાકાંક્ષા રાખવાનો કોઈને પણ અધિકાર છે. એ વાત પણ સાચી છે કે, અડવાણી રાજનીતિ અને પ્રગતિના સ્થાન પર ધર્મચિહ્નોનો પ્રયોગ કરી શિખર સુધી પહોંચવામાં કામિયાબ નીવડયા હતા. તેથી તેમને સ્વપ્નમાં પણ સત્તા સુખ દેખાય તે સ્વાભાવિક છે. મોરારજી દેસાઈને પણ આવો જ અભરખો હતો. ૮૨ વર્ષની વયે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે જ તેમને શાંતિ થઈ હતી. અલબત્ત, તેઓ અલ્પ સમય માટે જ વડા પ્રધાનપદે રહ્યા હતા અને જેટલો પણ સમય રહ્યા તેટલો સમય દેશનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. એ રીતે આ દેશમાં વૃદ્ધોની સત્તાલક્ષી મહત્ત્વાકાંક્ષાઓ એ કોઈ નવી વાત નથી. હા, સેવા કરવા કોઈ વડાપ્રધાનપદે બેસવા માગતું હોય તો તે વાતમાં કોઈ માલ નથી. સેવા કરવી જ હોય તો રક્તપિત્તિયાની હોસ્પિટલોમાં જઈ સેવા કરી શકાય છે. ગરીબ પરિવારના બાળકોને ભણવા પુસ્તકો અને ફી આપી સેવા કરી શકાય છે. ભૂખ્યા લોકોને અન્ન આપી સેવા કરી શકાય છે. કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂતેલા દરિદ્રનારાયણોના દેહ પર ધાબળો ઓઢાડી સેવા કરી શકાય છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે, આવી સેવા કરવા માટે આજે કોઈપણ વ્યક્તિ ‘રાજનીતિ’માં નથી. દરેકને સત્તા જોઈએ અને તે પણ અસાધારણ સત્તા. આ તેમની માનસિક ભૂખ છે અને એ સત્તાભૂખ્યાઓની ટોળીમાં અડવાણીજી પણ આવી જાય છે.

ર્ધાિમક ભાવનાનું શોષણ

અસાધારણ સત્તા હાંસલ કરવા અડવાણી તમામ પ્રયોગ કરી ચૂક્યા છે. તેઓ યાત્રાઓ કાઢી ચૂક્યા છે. રામ રથયાત્રા પણ કાઢી ચૂક્યા છે. એકતા અને ચેતના યાત્રા પણ કાઢી ચૂક્યા છે. રામમંદિરના નિર્માણના નામ પર તેમણે દેશની જનતાની ર્ધાિમક ભાવનાઓનું શોષણ કરવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી. હા, રામમંદિરના નિર્માણના નામે અડવાણીજી સફળ નીવડયા હોત તો તે સફળતા ભગવાન શ્રીરામની હોત, અડવાણીની નહીં. રામના નામે તેમને સત્તા તો મળી હતી, પરંતુ સત્તા પર આવતાં જ તેઓ રામને ભૂલી ગયા, ધારા ૩૭૦ ભૂલી ગયા, કોમન સિવિલ કોડનું વચન ભૂલી ગયા. એ તો ઠીક, પણ ભારતના બે ટુકડા કરાવનાર મોહંમદ અલી ઝીણાને તેમણે ‘ધર્મનિરપેક્ષ’ કહ્યા. હકીકતમાં મોહંમદ અલી ઝીણા જ એવા વ્યક્તિ હતા જેમણે નિર્દોષ નાગરિકોની ર્ધાિમક લાગણીઓ ભડકાવીને પાકિસ્તાનનું સર્જન કર્યું હતું. અટલબિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે પણ અડવાણીજીની વડા પ્રધાન બનવાની છૂપી કહાણી છૂપી નથી. એ વખતે નાયબ વડા પ્રધાન બનીને જ એમણે સંતોષ માનવો પડયો હતો. તેમના માટે વડા પ્રધાન બનવાનો વારો આવ્યો ત્યારે દેશની જનતાએ ‘ઇન્ડિયા શાઈનિંગ’ના નારાઓને ફગાવી દીધા અને અડવાણીજી ‘પ્રાઈમ મિનિસ્ટર ઇન વેઈટિંગ’ જ રહી ગયા. એ ચૂંટણીઓમાં પરાજય બાદ પણ અડવાણીજી પોતાના અયથાર્થતા સ્વીકારવા તૈયાર નથી. સમય હંમેશાં એક સરખો રહેતો નથી. પ્રકૃતિ પણ સમય સમય પર પોતાનાં અલગ અલગ સ્વરૂપ દેખાડે છે. સચિન તેંડુલકર ‘મહાન ક્રિકેટર’ છે, પરંતુ ઘણાંને એમ લાગે છે કે, છેલ્લે છેલ્લે જરૂર કરતાં વધુ મેચ રમી ગયા. તે પછી એક સમય એવો આવ્યો કે, તેમને ક્રિકેટમાંથી સંન્યાસ લેવો પડયો. હા, ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કેટલાક સમય પહેલાં લીધો હોત તો ક્રિકેટપ્રેમીઓના દિલોમાં તેમના માટેનું સન્માન વધી જાત.

બંગલા બહારનો ખૌફ

બસ, અડવાણીજીનું પણ કાંઈક આવું જ છે. સત્તાની મહત્ત્વાકાંક્ષા અને રાજનીતિ એક એવું વિષચક્ર છે, જેમાંથી બહાર આવવું મુશ્કેલ છે. સત્તા ના મળે ત્યાં સુધી લાલસાનો અંત આવતો નથી. ભારતીય રાજનીતિમાં અનેક ઊંચા સ્થાન પ્રાપ્ત કરવાવાળા અડવાણીજી સત્તાના પાયા પર રચાયેલી ઊંચી દીવાલોવાળા બંગલાની બહાર આવવા તૈયાર નથી. દિલ્હીની એ કોઠીઓ છોડવી કોઈને ગમતી નથી. દિલ્હીના એ વિશાળ બંગલાઓની બહાર રહેલી લોકોની અસ્વીકાર્યતાનો ખૌફ સૌને ડરાવે છે, અડવાણીજીને પણ.

પ્રકૃતિનો નિયમ છે, Every good thing has to come to end one day.

લાગે છે કે, અડવાણીજીનું વડા પ્રધાન બનવાનું સપનું સપનું જ રહેશે, અને તેઓ કાયમ માટે ‘પી.એમ. ઈન વેઈટિંગ’ જ રહેશે.

સડકછાપ રાજનીતિથી કેજરીવાલ હવે ‘ઝીરો’

અરવિંદ કેજરીવાલ લોકોની આશાઓ અને અપેક્ષાઓ પર પાણી ફેરવી રહ્યા છે

એક મુખ્યમંત્રી ખુદ કે જેના ટેકાથી સત્તા પર બેઠા છે, તેવા કોંગ્રેસ- યુપીએના શાસન સામે ધરણાં પર બેસી આ દેશની રાજનીતિમાં બદલાવ લાવી રહ્યા છે કે દેશમાં અરાજકતા લાવી રહ્યા છે, તે હવે એક ચર્ચાનો મુદ્દો બન્યો છે. મુખ્યમંત્રી બન્યા બાદ અરવિંદ કેજરીવાલે દેશની આમ જનતા માટે એક નવી આશાનો સંચાર કર્યો હતો, પરંતુ લાગે છે કે લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પર તેઓ પાણી ફેરવી રહ્યા છે. મુખ્યમંત્રીની ખુરશીમાં બેસીને શાસનની ધુરા હાથમાં લઈ લોકોના પ્રશ્નો હલ કરવા જોઈએ તેના બદલે બે પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા દિલ્હીમાં લોકોને પરેશાની થાય, મેટ્રો બંધ થઈ જાય અને ટ્રાફિક જામ થઈ જાય તેવી ધાંધલ મચાવવામાં આવે તે પરથી લાગે છે કે તેઓ હજી સડક છાપ રાજકારણમાંથી બહાર આવ્યા નથી. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે કેજરીવાલે ફરજ પર ઊભેલી પોલીસને વર્દી ઉતારી ધરણાં સામેલ થઈ જવા કહ્યું.આ એક ખતરનાક ટ્રેન્ડ છે. દેશની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને છિન્ન ભિન્ન કરવાની તેમની આ વિચારધારા દેશ માટે ભયંકર પરિણામો લાવી શકે છે.

સડકછાપ રાજનીતિથી કેજરીવાલ હવે 'ઝીરો'

અરાજકતાવાદી

આવી પરિસ્થિતિને ગુજરાતીમાં ‘અરાજક્તા’ અને અંગ્રેજીમાં Anarchist’ કહે છે. અરવિંદ કેજરીવાલે દિલ્હીની પાર્લામેન્ટની નજીક જ યોજેલા ધરણાં દરમિયાન જાતે જ કહ્યું કે, ‘હા, હું એનાર્કીસ્ટ છું.’ હવે સવાલ એ છેકે તેઓ અરાજકતાવાદી જ રહેવા માગે છે કે મુખ્યમંત્રી બની રહેવા માંગે છે ? Anarchi શબ્દ મૂળ ગ્રીક શબ્દ Anarchist’ પરથી આવ્યો છે. તેનો અર્થ શાસન વિરોધી છે,અથવા તો શાસન રહિત છે તેમ થાય. ‘એનાર્કી’ શબ્દ પર વિશ્વના અનેક વિચારકોએ તેમનાં ચિંતન આપેલા છે. ઈ.સ. ૧૮૪૦ની સાલમાં ફ્રેન્ચ વિચારક પિયર જોસેફે કહ્યું હતું કે,”સંપતિએ ચોરી છે. હા, હું અરાજક્તાવાદી છું. મારો આત્મા મારો છે, મારો ન્યાય મારો છે, અને મારી સ્વતંત્રતા એ મારી સાર્વભૌમ સ્વતંત્રતા છે.” લોકોએ સમાજવાદ વિશે સાંભળ્યું હશે, લોકોએ મૂડીવાદ વિશે સાંભળ્યું હશે, લોકોએ સામ્યવાદ વિશે સાંભળ્યું છે,પરંતુ વિશ્વના કોઈ પણ દેશમાં ‘અરાજકતાવાદ’ ફેલાવવો તે ભારત માટે નવો અને ખતરનાક અભિગમ છે. ૨૦મી સદીમાં આ ડેન્જરસ વિચારધારાએ મેક્સિકોથી માંડીને જાપાન સુધી વિવિધ કિસ્સામાં અરાજકતાવાદનો અનુભવ કર્યો છે. ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે એવું સ્પષ્ટ કહ્યું હતું કે, ”દેશમાં આર્થિક અને સામાજિક હેતુઓ પાર પાડવા માટે જ્યારે બંધારણીય પદ્ધતિ નિષ્ફળ જાય છે, ત્યારે ન્યાય મેળવવા કેટલીકવાર ગેરબંધારણીય પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, પરંતુ જ્યાં બંધારણીય પદ્ધતિઓનો વિકલ્પ ખુલ્લો છે, ત્યાં આવી ગેરબંધારણીય પદ્ધતિઓના ઉપયોગને કોઈ સ્થાન હોઈ શકે નહીં.”

લોકતંત્ર માટે જોખમી

અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં જે કરી રહ્યા છે તે એકતરફી છે. દિલ્હીના લોકોને ન્યાય અપાવવા માટે કે બે પોલીસ અધિકારીઓને હટાવવા માટે દેશમાં બંધારણીય માર્ગો, અદાલતો, માનવ અધિકારી પંચ, એ બધું જ ઉપલબ્ધ છે, તેમણે એ પદ્ધતિઓ અપનાવવાના બદલે સીધો અરાજકતાવાદનો ઉપયોગ કર્યો, અને તે પણ જ્યારે તેઓ સ્વયં સરકારનો એક હિસ્સો છે ત્યારે, એ વલણ લોકતંત્ર માટે ભયજનક છે. કેજરીવાલે એ સમજી લેવું જોઈએ કે દરેક પ્રશ્નો સડક પર લઈ જવાથી હલ થતા નથી. સડક પર જવાનો તેમનો અધિકાર છે, પણ તે અંતિમ શસ્ત્ર હોવું જોઈએ. તેમણે એ વાસ્તવિક્તા પણ સમજી લેવી જોઈએ કે, બે પોલીસ અધિકારીઓને હટાવવા તેમણે જે માનવભીડ એક્ત્ર કરી, તેમાં સંખ્યાબળ ઓછું અને ઘર્ષણ વધુ હતું. લોકોને છાશવારે સડક પર આવી સૂત્રો પોકારવાનો કે ધરણા પર બેસી જવાનો સમય નથી. લોકોને કામ ધંધે જવાનું હોય છે, પેટિયું રળવાનું હોય છે,બાળકોને સ્કૂલે મોકલવાના હોય છે. કેજરીવાલના ઘરમાં તો તેમનાં પત્ની આવકવેરા ખાતામાં મોટા અધિકારી છે. તેમની સંસ્થાઓને અમેરિકાની ‘આવાજ’ જેવી સંસ્થાઓ લાખો રૂપિયાનું ફંડ આપે છે. કેજરીવાલના ઘરમાં જે વેતન આવે છે તેટલું વેતન દેશના ૯૦ ટકા નોકરિયાતોને ઉપલબ્ધ નથી. રોજેરોજ જંતરમંતર પર બેસી જવા લોકોને બોલાવવાનું શસ્ત્ર એક દિવસ બુઠ્ઠું પણ થઈ જઈ શકે છે.

સમર્થન ઘટયું

છાશવારે ધરણાં પર બેસી જઈ દિલ્હીનું તંત્ર ખોરવી નાખવાના કેજરીવાલના પ્રયાસોના કારણે તેઓ મધ્યમ વર્ગ અને બુદ્ધિજીવીઓનું સમર્થન ગૂમાવી રહ્યા છે. બની શકે કે તેમની નજર લોકસભાની ચૂંટણી પર હશે. દિલ્હીનું મુખ્યમંત્રી પદ તેમને નાનું પડતું લાગતું હશે એ કારણે દિલ્હીના શાસનમાં તેમને રસ નહીં હોય, પરંતુ દિલ્હીની જનતાએ તેમને દિલ્હીના પ્રશ્નો હલ કરવા મોકલ્યા છે. એ કામ કરવાના બદલે તેમના મનમાં હવે વડાપ્રધાનપદ રમતું હોય તેમ લાગે છે, કેજરીવાલ ભણેલાગણેલા છે, ભારતના નાગરિક છે, હવે રાજનીતિમાં પણ છે, ત્યારે તેમને પણ વડાપ્રધાન બનવાનો અધિકાર છે, પરંતુ કેજરીવાલની પહોંચ હજુ દિલ્હી પૂરતી જ સીમિત છે. આ દેશની રાજનીતિ અત્યંત જટીલ છે. દિલ્હી એ જ માત્ર ભારત નથી. દેશમાં અનેક ભાષાના, અનેક કોમોના, અનેક ધર્મોના અને ભિન્ન ભિન્ન માનસિક્તા ધરાવતા લોકો વસે છે. દિલ્હીના પરિણામોથી ફુલાઈ જવાની કે વધુ પડતા આત્મવિશ્વાસમાં રાચવાની જરૂર નથી. છેલ્લા સર્વેક્ષણો પણ આમ આદમી પાર્ટીને દેશમાં માંડ ૧૦ બેઠકો આપે છે. જોકે આવનારી ચૂંટણીમાં એક એક બેઠકનું મૂલ્ય હશે, પરંતુ કેન્દ્રમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવી જશે એવા ખ્વાબમાં રહેવાની જરૂર નથી.

લોકપ્રિયતાનો પરપોટો

કેજરીવાલે એ પણ સમજી લેવાની જરૂર છે કે અણ્ણા હજારે પણ દિલ્હીના ઈલેક્ટ્રોનિક મીડિયાએ જ બનાવેલા હીરો હતા. મીડિયા આજકાલ તેમની ટીકા કરતું હોઈ, તેઓ સ્વયં મીડિયાના ટીકાકાર બની ગયા છે. મીડિયા જ્યાં સુધી તેમની પ્રશંસા કરતું હતું ત્યાં સુધી તે તેમને મીઠું મધ જેવું લાગતું હતું. હવે એ જ મીડિયા તેમના અરાજકતાવાદની ટીકા કરે છે ત્યારે મીડિયા તેમને ખલનાયક લાગે છે. અરવિંદ કેજરીવાલ પણ દિલ્હીના ઈલેક્ટ્રોનિક્સ મીડિયાએ બનાવેલા હીરો છે. ચેતન ભગત જેવા તેમના સમર્થકને પણ કેજરીવાલ હવે નાયકને બદલે ખલનાયક જેવા લાગે છે. ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા મળતી લોકપ્રિયતા પાણી પર લખેલા અક્ષરો જેવી હોય છે, અને ભૂંસાતા વાર લાગતી નથી. જે મીડિયાએ તેમને હીરો બનાવ્યા હતા તે જ મીડિયા તેમને ઝીરો પણ બનાવી શકે છે. કેજરીવાલની લોકપ્રિયતાનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી શકે તેમ છે. વળી આટલા સમયમાં કેજરીવાલના જ કેટલાક સાથીઓ ગમે તેમ બકવાસ કરવાના કારણે વિવાદમાં ફસાયા છે. કુમાર વિશ્વાસ અને અશ્વેત મહિલાઓ સામે અભદ્ર ઉચ્ચારણો કરનાર તેમના જ એક મંત્રીએ આમ આદમીની પાર્ટીની પ્રતિષ્ઠામાં ઘટાડો કર્યો છે. કેજરીવાલની અરાજકતાવાદી નીતિ અને સાથીઓના આવાને આવા વિવાદો ચાલુ રહેશે તો લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીનો ફિયાસ્કો થઈ શકે છે.

રાજા કેવો હોવો જોઇએ?

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
ભગવાન બુદ્ધે શાસકો માટે કયાં દસ કર્તવ્યો બતાવ્યાં છે?

ગુજરાતના અને દેશના હજારો દલિત પરિવારો હિન્દુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગિકાર કરી રહ્યા છે ત્યારે ભગવાન બુદ્ધના દર્શાવેલ પથ પરની શાસન પ્રણાલી કેવી હોવી જોઈએ તેની પર અહીં એક દૃષ્ટિપાત છે. દેશ અને દુનિયાની રાજનીતિ અનેક પક્ષો, અનેક વિચારધારાઓ અને અનેક પ્રકારોમાં વહેંચાયેલી છે. જ્યાં લોકશાહી છે ત્યાં ભીતરથી ભ્રષ્ટાચાર અને છૂપી સરમુખત્યારશાહી પણ છે. પ્રજા જ્ઞાતિવાદ અને કોમવાદની વચ્ચે વહેંચાયેલી પણ છે. લોકશાહીના નામે અરાજકતા પણ પગપેસારો કરી રહી છે. જ્યાં ધર્મ આધારિત રાષ્ટ્રો છે ત્યાં ઓછામાં ઓછી હિંસા છે તો બીજી બાજુ બિનસાંપ્રદાયિકતાને વરેલાં રાષ્ટ્રોમાં વધુ ને વધુ કોમી હિંસાની આગ ફેલાયેલી છે. આ દેશના રાષ્ટ્રધ્વજમાં અશોકચક્રને સ્થાન આપવામાં આવેલું છે તે સમ્રાટ અશોકને આજે પણ એક આદર્શ રાજા માનવામાં આવે છે. સમ્રાટ અશોકની રાજનીતિમાં પરિવર્તન આણનારા તેમના ધર્મગુરુ ભગવાન બુદ્ધ હતા. આજના રાજકારણીઓ ભારતના મહાન રાજા સમ્રાટ અશોક અને ભગવાન બુદ્ધ એ બેઉની વિચારધારાને ભૂલી સત્તા પ્રાપ્ત કરવા માટે તમામ નીતિ-નિયમોને વેગળે મૂકી રહ્યા છે ત્યારે ભગવાન બુદ્ધે પ્રજાતંત્ર અને તેના શાસકો કેવા હોવા જોઈએ, તેનું વિસ્તૃત માર્ગદર્શન આપેલું છે. એ યાદ રહે કે ભગવાન બુદ્ધે કરોડો લોકોને ઉપદેશ આપ્યો હતો, તેમાં યશ કુળના પુત્ર, કાશ્યપ બંધુઓ, સારિપુત્ર,મોદગલ્યાયન, મગધના રાજા બિંબીસાર, અનાથ પિંણ્ડક, રાજા પ્રસેનજિત, જીવક અને રટ્ટપાલ વગેરે હતા. તેમની પાસે દીક્ષા લેવાવાળાઓમાં તેમના પિતા અને કપિલવસ્તુના રાજા શુદ્ધોધન, માતા મહાપ્રજાપતિ યશોધરા, પત્ની યશોધરા અને પુત્ર રાહુલ પણ હતાં.

રાજા કેવો હોવો જોઇએ?

ભગવાન બુદ્ધે પ્રજાતાંત્રિક મૂલ્યોને બહુ જ મહત્ત્વ આપ્યું હતું. વિભિન્ન રાજ્યોના રાજાઓને તેમણે સલાહ આપી હતી કે કામકાજ નિશ્ચિત કાનૂન અને નિયમો પ્રમાણે જ ચલાવવું જોઈએ. કાનૂન બદલવા હોય તો જનપ્રતિનિધિ સભા (સંસદ કે વિધાનસભા)માં ચર્ચા કરી ત્યાં જ તેની મંજૂરી લેવી જોઈએ. નોંધપાત્ર વાત એ છે કે ઇંગ્લેન્ડમાં પ્રજાતંત્ર આવવાનાં બે હજાર વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધે આ વાત કહી હતી અને ભિક્ષુ અને ભિક્ષુણીઓમાં સંઘમાં પ્રજાતંત્રની પ્રણાલીનો અમલ કરાવ્યો હતો.

રાજધર્મ સમજાવતાં ભગવાન બુદ્ધે કહ્યું હતું : રાજાએ કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવા જોઈએ નહીં, બલકે ખૂબ વિચાર કરીને લેવા જોઈએ. રાજાએ મુકદ્દમાઓનો ફેંસલો ધર્મયુક્ત, ન્યાયયુક્ત કરવો જોઈએ, રાગદ્વેષથી નહીં.

તેમણે કહ્યું હતું : રાજનીતિજ્ઞો અને શાસકોએ સ્વયં ઉદાહરણ બનવું જોઈએ. વિલાસિતાપૂર્વક જીવન જીવશો નહીં, કારણ કે ધન-સંપત્તિ જ તમારા અને પ્રજાજીવન વચ્ચે એક ખાઈ ઊભી કરશે. શાસકો સાદું અને સર્વાંગ જીવન જીવે અને પોતાનો સમય સેવાઓમાં લગાવે, નહીં કે ભોગ અને વિલાસ માટે. નેતા સ્વયં ઉદાહરણરૂપ નહીં બને તો લોકોનો પ્રેમ અને સન્માન કેવી રીતે પ્રાપ્ત કરશે? સુશાસન દંડ પર આધારિત નથી હોતું. સાચી પ્રસન્નતા, આનંદ, દયાભાવથી જ સુંદર શાસન શક્ય છે.

બેથી વીસ હજાર કરોડની સંપત્તિના માલિક બની બેઠેલા નેતાઓને ભગવાન બુદ્ધની ઉપરોક્ત વાત નહીં ગમે. નેતાઓનું વૈભવી જીવન જોઈને જ પ્રજા વીફરી છે. દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ સડકો પર આવી ગયો છે. તેનું કારણ પણ એ જ છે કે નેતાઓની જીવનશૈલી અને સામાન્ય માનવીના જીવન વચ્ચે આસમાન જમીનનો ફરક પડી ગયો છે.

રાષ્ટ્રના શાસકો અને અધિકારીઓને ભગવાન બુદ્ધે જે દસ કર્તવ્યો દર્શાવ્યાં છે, તે આ પ્રમાણે છેઃ

(૧) પહેલું કર્તવ્ય છે ઉદારતા, વિશાળ હૃદય અને દાનશીલતા. શાસનમાં બેઠેલા લોકો ધન અને સંપત્તિનો મોહ રાખવાના બદલે સરકારી આવકનો ઉપયોગ જનતાની ભલાઈ માટે કરે.

(૨) શીલ અને સદાચારવાળું જીવન જીવો.

(૩) જનતાની ભલાઈ માટે પોતાની અંગત સુખ-સુવિધાઓનો ત્યાગ કરો. નેતાઓ પ્રતિષ્ઠા અને માન-સન્માનના ચક્કરમાં ન પડે.

(૪) શાસન પ્રામાણિકતા અને તન્મયતાની સાથે કોઈના પણ દબાણ કે પક્ષપાત વગર ચલાવે.

(૫) શાસક સૌમ્ય અને દયાળુ બને.
(૬) કોઈનાયે પ્રત્યે ઇર્ષ્યા, વેરભાવ કે દ્વેષ ન રાખે.

(૭) શાસન અહિંસાત્મક રીતે કરીને દેશમાં શાંતિ માટે પ્રયત્નશીલ રહે.

(૮) શાસક પોતાનું જીવન સાદું, સાધારણ અને ભોગવિલાસથી રહિત રાખે.

(૯) સહનશીલતા, ધૈર્ય અને સહિષ્ણુતા સાથે દુઃખ સહન કરવાની તૈયારી સાથે શાસન કરે.

(૧૦) શાસક જનતાના અભિપ્રાય અને ઇચ્છા સામે નતમસ્તક થાય.

સમ્રાટ અશોકે પોતાના શાસનકાળમાં ઉપરોક્ત બધી વાતોને લક્ષ્યમાં રાખી શાસન કર્યું હતું અને જે આજે પણ ભારતનું સર્વોત્તમ શાસન માનવામાં આવે છે. એ જ કારણથી અશોકને ‘દેવોના પ્રિય અશોક’ અને ‘અશોક મહાન’નાં બિરુદોથી વિભૂષિત કરવામાં આવ્યા છે.

ભગવાન બુદ્ધે ગરીબી, અપરાધ, હિંસા તથા આતંકવાદ રોકવાના ઉપાય પણ બતાવ્યા છે. ભગવાન બુદ્ધે પોતાના આર્થિક અને રાજનૈતિક વિચાર ચક્રવર્તી સિંહનાદ સુત્ત અને ક્રૂરદન્ત સુત્તમાં દર્શાવ્યા છે. તેમણે કહ્યું છે કે ચોરી, હિંસા, નફરત, નિર્દયતા જેવા અપરાધો અને અનૈતિક કૃત્યોનું કારણ ગરીબી છે. સજા કરવાથી આ અપરાધો રોકી શકાય નહીં.

અલગી નામના એક ગામમાં ભોજન બાદ ભગવાન બુદ્ધ ઉપદેશ આપવાના હતા. એમનો ઉપદેશ શરૂ થાય તે પહેલાં એક કિસાન આવ્યો, જે ભૂખ્યો હતો. ભગવાન બુદ્ધે કહ્યું, પહેલાં આ કિસાનને જમવાનું આપો. તે પછી જ ઉપદેશ શરૂ થશે. ભૂખ્યા માનવીનું મન ઉપદેશમાં કદી ન લાગે. ભૂખથી મોટું કોઈ દુઃખ નથી. દુનિયામાં એક પણ વ્યક્તિ ભૂખી ન રહેવી જોઈએ.

શ્રાવસ્તીમાં કોસલનરેશને ઉપદેશ આપતાં ભગવાન બુદ્ધે કહ્યું હતું : રાજ્યની અર્થવ્યવસ્થા અને ન્યાયપ્રણાલી સુધારો. સજા કરવાથી કે દંડ કરવાથી કે જેલમાં રાખવાથી અપરાધો પર કાબૂ નહીં આવે. અપરાધ અને હિંસા ભૂખ અને ગરીબીમાંથી જન્મે છે. ખેડૂતોને ભોજન, બિયારણ અને ખાતર પર ત્યાં સુધી સહાયતા કરો જ્યાં સુધી તેઓ આત્મનિર્ભર ન થઈ જાય. નાના વેપારીઓને મૂડી ઉધાર આપો. સરકારી કર્મચારીઓને પર્યાપ્ત વેતન આપો. લોકો બેકાર ન બને તેનું ધ્યાન રાખો. લોકોને પોતાનો વ્યવસાય કે ધંધો પસંદ કરવાનો અધિકાર અને તક આપો. તેમને કૌશલ્ય મળે તેવો બંદોબસ્ત કરો. જ્યારે લોકો પોતાના કામધંધે લાગી જશે ત્યારે કોઈ એકબીજાને પરેશાન કરશે નહીં. એમ થવાથી અર્થવ્યવસ્થા સુધરશે. રાજ્યની આવક વધશે અને રાજ્યની જનતામાં સુખ-શાંતિ અને ખુશી આવશે. લોકો બાળકોને પોતાના ખોળામાં લઈને ખુશીથી નાચશે, ગાશે અને દરવાજા ખુલ્લા રાખી ઊંઘી જશે.

ભગવાન બુદ્ધે કહ્યું છે કે ભય અને દંડના સહારાથી કોઈ સમસ્યા હલ થતી નથી. સમસ્યાઓનાં મૂળને દૂર કરવાથી જ સમસ્યાઓ દૂર થશે.

ભગવાન બુદ્ધ સર્વધર્મ સમભાવના હિમાયતી હતા. તેમણે પોતાના ઉપદેશોની પ્રશંસા કરનારાઓને કે તેમના ઉપદેશોની ટીકા કરનારાઓને મહત્ત્વ ન આપવા કહ્યું હતું.

અમ્બાલથ્થિકમાં બ્રહ્મજાલ સુત્તનો ઉપદેશ આપતાં તેમણે કહ્યું : ભિખ્ખુઓ, જ્યારે પણ તમે મારી કે સદ્ધર્મ માર્ગની આલોચના સાંભળો ત્યારે તેની પર ક્રોધ કરશો નહીં, પરેશાન થશો નહીં. એવી ભાવનાઓથી તમને જ હાનિ પહોંચશે. કોઈ મારી કે મારા સદ્માર્ગની પ્રશંસા કરે ત્યારે પણ પ્રસન્ન, હર્ષિત કે સંતોષની ભાવના મનમાં લાવશો નહીં. આ સંબંધમાં સાચો રસ્તો એ હશે કે આલોચનામાં કેટલું સત્ય છે અને કેટલું અસત્ય, તેનું વિશ્લેષણ કરવાથી જ તમે તમારા અધ્યયનમાં પ્રગતિ કરી શકશો. આ સંસારમાં અગણિત દર્શન, સિદ્ધાંત અને મત છે. લોકો અનંત સમય સુધી તેની પર આલોચના-પ્રત્યાલોચના કરતા રહેશે, પરંતુ હું એનો જે સાર સમજ્યો છું તે અનુસાર મુખ્ય ૬૨ સિદ્ધાંતો છે, જેમાં હજારો દર્શન અને ધાર્મિક મતમતાંતરોને સમાવિષ્ટ કરી શકાય છે. ચેતના, જાગૃતિ અને આત્મમુક્તિના માર્ગ પ્રમાણે આ બધા જ સિદ્ધાંતોમાં ત્રુટિઓ છે અને તેમાં કેટલીક મુશ્કેલીઓ પેદા થઈ શકે છે.

ભગવાન બુદ્ધનું આ શ્રેષ્ઠ જ્ઞાન અને સમ્રાટ અશોકના શ્રેષ્ઠ શાસનને આજે ફરી એક વાર યાદ કરી લેવાની જરૂર છે.

www.devendrapatel.in

આ ગાંધીજીની કલ્પનાનું સ્વરાજ નથી

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
  • ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને બેકારીથી ત્રસ્ત ભારતને કોઈ મસીહાનો ઇંતજાર છે

આજે પ્રજાસત્તાક દિન છે. દિલ્હીમાં ભવ્ય પરેડ થશે. ભારતની ફોજના જાંબાઝ જવાનોની શાન જોવા મળશે. ભારતનાં અદ્યતન આયુધોનું પ્રદર્શન થશે. લશ્કરી બેન્ડ પર મધુર તર્જ સાંભળવા મળશે. આકાશમાં હવાઈદળનાં યુદ્ધ વિમાનોની ગર્જના સાંભળવા મળશે. ભારતને આઝાદ અને પ્રજાસત્તાક જોવા માટે ગાંધીજી, સરદાર અને નહેરુએ જે સંઘર્ષ કર્યો હતો અને જે સ્વપ્નો નિહાળ્યાં હતાં તે ખરેખર સાકાર થયાં છે ખરાં? એ પ્રશ્ન આજે પણ જ્યાં અને ત્યાં ઊભો જ છે.

આ ગાંધીજીની કલ્પનાનું સ્વરાજ નથી

અન ટુ ધિસ લાસ્ટ

ચાલો, એક અતીત પર નજર નાંખીએ. એ વખતે મોહનદાસ કરમચંદ ગાંધી વિલાયતથી બેરિસ્ટરની ડિગ્રી લઈને દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવા ગયા. તેઓ ટ્રેન દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જઈ રહ્યા હતા. તેમના એક અંગ્રેજ મિત્ર પોલોક તેમને સ્ટેશને મૂકવા આવ્યા હતા. તેમણે મોહનદાસ કરમચંદ ગાંધીને એક નાનકડું પુસ્તક આપતાં કહ્યું: આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે, વાંચી જજો.

ગાંધીજી તેમની આત્મકથામાં લખે છેઃ “એ પુસ્તક ઇંગ્લેન્ડના લેખક જ્હોન રસ્કિન દ્વારા લિખિત ‘અન ટુ ધિસ લાસ્ટ’ હતું. એ પુસ્તક હાથમાં લીધા પછી હું તેને છોડી ન શક્યો. એ પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવા મેં ઈરાદો કર્યો.”

ગરીબોના બેરિસ્ટર

જ્હોન રસ્કિનના એ પુસ્તકે મોહનદાસ કરમચંદ ગાંધીને ‘ગાંધીજી’ બનાવી દીધા. એ પુસ્તકની એમની પર એટલી અસર થઈ કે તેમણે બેરિસ્ટરી છોડી દીધી અને દીન દરિદ્રનારાયણો માટે જ છેક છેલ્લી ઘડી સુધી બેરિસ્ટરી કરી. રસ્કિનની જે વાત ગાંધીજીને સ્પર્શી ગઈ તે એ હતી કે, (૧) પૂંજીપતિઓ ગમે તેટલું કમાય પરંતુ તેનો લાભ સમાજના છેલ્લા માણસને મળવો જોઈએ. (૨) અસલ સ્વરૂપ માનવતા સ્વયં છે. પૈસો એ તો તેના પડછાયા પાછળની દોડ છે. (૩) જીવન કરતાં અધિક કોઈ સંપત્તિ નથી. (૪) ભૂમિ, ખનીજ- ખાણ, જળધોધ જેવી કુદરતી સંપત્તિ તથા સંદેશાવ્યવહારનાં સાધનોનું રાષ્ટ્રીયકરણ હોવું જોઈએ. (૫) દરેકને દરેકની ક્ષમતા મુજબ વળતર મળવું જોઈએ. (૬) દરેકને આવશ્યકતા મુજબ વળતરનો સિદ્ધાંત લાગુ પડવો જોઈએ. (૭) ધનિક અને શાણા લોકોએ પોતાની ધનસંપત્તિનો અને શાણપણનો ઉપયોગ સહુના ભલા માટે કરવો જોઈએ.

ધનિકોને સલાહ

જ્હોન રસ્કિનના આ વિચારો પછી ગાંધીજીએ ધનિકોને સલાહ આપી હતી કે, તમારી ક્ષમતાથી મેળવેલી કરોડોની સંપત્તિ તમે અવશ્ય મેળવો, પણ સમજી લેજો કે આ સંપત્તિ તમારી નથી, લોકોની છે. પોતાને ખપ કરતાં વધુ મેળવવું કે સંઘરવું તે ધન એક પ્રકારની ચોરી જ છે. જ્યાં સુધી મુઠ્ઠીભર પૈસાવાળા અને ભૂખ્યા રહેતા કરોડો લોકો વચ્ચે બહોળું અંતર રહેશે ત્યાં સુધી અહિંસાના પાયા પર ચાલતો રાજ્ય વહીવટ સંભવિત નથી. સ્વતંત્ર હિન્દુસ્તાનમાં દેશનો તવંગર માણસ જેટલી સત્તા ભોગવતો હશે તેટલી જ ગરીબોની હશે. તેમાં નવી દિલ્હીના મહેલો અને તેમની બાજુમાં જ આવેલા ગરીબ મજૂર વસતીનાં ઘોલકાંઓ વચ્ચે આજે જે કારમો તફાવત દેખાય છે તે એક દિવસભર પણ નહીં નભે. ધનિકવર્ગ પોતાની સંપત્તિનો અને કૌશલ્યનો ઉપયોગ સહુનાં હિત માટે એક ટ્રસ્ટ તરીકે કરવાનો છે.

ગુનેગાર કોણ?

ગાંધીજીને એક જમીનદાર યજમાને સોનાના વાસણમાં ફળ અને દૂધ પીરસ્યાં. તેનો પ્રત્યાઘાત આપતાં તેમણે કહ્યું: આ સોનાનાં વાસણ ક્યાંથી આવ્યાં? દેખીતી રીતે રૈયતને ચૂસીને. હું રાજાના મહેલ કે ધનિકોનો વિરોધી નથી, પરંતુ મારી તેમને વિનંતી છે કે ગરીબોથી તેમનું અંતર વધારનારી ખાઈ ઘટાડવા તેઓ કાંઈક અવશ્ય કરે.

રસ્કિન અને ગાંધીજી એ બંને કહેતા હતાઃ “આજે જો કોઈ ગુનેગાર હોય તો તે ઔદ્યોગિકીકરણ છે. ઔદ્યોગિકીકરણે શ્રમની પ્રતિષ્ઠા અને હસ્ત કૌશલ્યનો નાશ કર્યો છે. ઔદ્યૌગિકીકરણે શાંતિમય ગ્રામસમાજના મધુર સમાજજીવનનો નાશ કર્યો છે.”

તે પછી ગાંધીજીએ કહ્યું: હિન્દુસ્તાનને ખરું સ્વરાજ્ય મળવું જોઈએ, પરંતુ એને તે નાશ કરનારાં ઈલાજો કે કારખાનાંઓ કરવાથી નહીં મળે. ઉદ્યમ જોઈએ પણ તે ખરે રસ્તે. હિન્દુસ્તાનની ભૂમિ એક વેળા સુવર્ણભૂમિ ગણાતી હતી. આજે પણ ભૂમિ તો તેની તે જ છે, પરંતુ માણસો બદલાઈ ગયા છે તેથી એ જ ભૂમિ વેરાન લાગે છે. હિન્દુસ્તાન સુવર્ણભૂમિ હતી, કારણ કે હિન્દી લોકો સુવર્ણરૂપે હતા. દરેક હિન્દી ‘સત્ય’નો આગ્રહ રાખશે તો હિન્દુસ્તાનને ઘરે બેઠાં સ્વરાજ્ય આવશે. સ્વરાજ્ય સહુએ સહુ માટે મેળવવાનું છે.

અંત્યોદય – સર્વોદય

ગાંધીજી અને રસ્કિનની વિચારધારામાં સમાજના છેવાડાના માનવી અને દરિદ્રનારાયણની ચિંતા હતી. એ પુસ્તકના પ્રભાવથી જ ગાંધીજીએ ‘સર્વોદય’ અને અંત્યોદય’ જેવા શબ્દો અને વિચારો આપ્યા હતા. આજની નવી પેઢીને, આજના નેતાઓને અને આજના પૂંજીપતિઓને તો આ શબ્દો પણ યાદ નહીં હોય. ગાંધીજીએ આ દેશમાં કેવા પ્રકારના સ્વરાજ્યની કલ્પના કરી હતી અને આજે શું પરિસ્થિતિ છે તે જોવા હયાત નથી તે સારું જ છે, નહીંતર તેઓ દુઃખી થઈ જાત. ગાંધીજીની ઇચ્છા વિરુદ્ધ ખાણ-ખનીજો, કુદરતી સંપદાઓ અને સંદેશાવ્યવહારનાં સાધનોનું ખાનગીકરણ થઈ ગયું છે. નેતાઓએ કોલસાની ખાણો વેચી મારી છે. કોઈને પોતાની ક્ષમતા મુજબનું વળતર મળતું નથી. કોઈને પણ પોતાની આવશ્યકતા જેટલું મળતું નથી. દિલ્હીમાં એક ડોલ પાણી પર દસ જણા નભે છે. બિહાર અને ઝારખંડના આદિવાસી વિસ્તારોના દરિદ્રનારાયણો કીડી-મકોડા ખાઈને પેટ ભરે છે. ધનિકોનાં મહાલયોમાં સેંકડો દીવાઓ અને ઝુમ્મરોમાં રોશની થાય છે, પરંતુ દેશનાં લાખો ગામડાંઓમાં હજુ કોડિયું જ બળે છે. મુંબઈ જેવા શહેરમાં એક ધનપતિ રૂપિયા ૬૦૦૦ કરોડના બંગલામાં રહે છે અને એ જ મુંબઈ એશિયાની મોટામાં મોટી ઝૂંપડપટ્ટી ધરાવે છે. ધનિકોના બાથરૂમમાં પણ એરકંડિશનર્સ કે હીટર્સ છે જ્યારે બીજી બાજુ દેશની ૪૦ કરોડ મહિલાઓ જાહેરમાં શૌચક્રિયા માટે જાય છે. ધનિકો અને ગરીબો વચ્ચેની ખાઈ વધુ ઊંડી થઈ છે.

નેતાઓ ધનવાન

આ તો શ્રીમંતોની વાત થઈ પરંતુ બીજી બાજુ દેશના તમામ પક્ષોના રાજનેતાઓનું જીવન ધનવાનોને પણ શરમાવે તેવું છે. કેટલાક રાજનેતાઓ એટલું કમાયા છે કે તેમણે પૈસા સ્વિસ બેન્કોમાં છુપાવવા પડયા છે. કેટલાક રાજનેતાઓની સુરક્ષા માટે દોઢ હજાર પોલીસ, ઢગલાબંધ કમાન્ડોઝ અને નવ નવ મોટરકારોનું સુરક્ષાકવચ જોઈએ છે ત્યારે બીજી બાજુ આમ આદમી રોજ લૂંટાય છે, એકલદોકલ યુવતી પર રોજ બળાત્કાર થાય છે. કેટલાક નેતાઓએ સાદગી અને સત્ય એ બેઉને કોરાણે મૂકી દીધાં છે. અસત્ય, જૂઠાં જૂઠાં વચનો અને જ્ઞાતિ કે કોમવાદ પર રાજનીતિ ચાલે છે. નિર્દોષ લોકોનાં મોત પર પણ રાજનીતિ ચાલે છે. આ દેશના કારખાનેદારો કરતાં શ્રીમંત નેતાઓની સંખ્યા વધુ છે. ગાંધીજીએ પૂંજીપતિઓને એક ટ્રસ્ટી તરીકે વર્તવા કહ્યું હતું. આજે એ જ પૂંજીપતિઓએ કેટલાક નેતાઓને ખરીદી લીધા છે. કેટલાક નેતાઓ તો દરિદ્રનારાયણો માટે નહીં પરંતુ ઉદ્યોગપતિઓ માટે જ સરકાર ચલાવતા હોય એમ લાગે છે. ગાંધીજી એક પોતડી પર જ જીવન ગુજારતા રહ્યા, પરંતુ આજના નેતાઓ દિવસમાં ત્રણ વખત વસ્ત્રો બદલે છે. એક મહિલા નેતા પાસે ૧૦,૦૦૦ સાડીઓ ને એટલાં જ જૂતાં છે. એક મહિલા નેતા પોતાનાં સેન્ડલ ખરીદવા હેલિકોપ્ટર મોકલે છે.

અમલદારો પણ

માત્ર નેતાઓ જ નહીં, પરંતુ દેશના ઉચ્ચ અધિકારીઓ દેશનો એક બીજો મોટો ધનિકવર્ગ છે. રેશનકાર્ડ પણ પૈસા આપ્યા વગર મળતું નથી. દુકાનનું લાઇસન્સ પણ પૈસા આપ્યા વગર મળતું નથી. પૈસા આપ્યા વગર જમીન એનએ થતી નથી. પૈસા આપ્યા વગર મકાનના પ્લાન પાસ થતા નથી. દેશનાં સચિવાલયોમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ ૨૦૦-૫૦૦ કે ૧૦૦૦ કરોડના આસામીઓ છે. આ દેશની સંપત્તિના અસલી માલિકો હવે ૫૦૦૦ નેતાઓ અને ૫૦૦૦ અધિકારીઓ જ છે. તે બધાંની સામે પ્રજા ભયભીત છે. ભૂખી છે. ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. ગરીબ છે. ઠંડીમાં ઠૂંઠવાઈ રહી છે. વરસાદમાં ભીંજાઈ રહી છે અને બેકારીથી હિજરાઈ રહી છે.

આ ગાંધીજીએ કલ્પેલું સ્વરાજ્ય નથી, નથી ને નથી જ. દેશના કરોડો લોકો ફરી એક વાર કોઈ મસીહાની રાહ જોઈ રહ્યા છે. કોઈ સાચા આમ આદમીની રાહ જોઈ રહ્યા છે અને દેશને ફરી એવો કોઈ આમ આદમી મળશે ત્યારે અંગ્રેજોની જેમ હાલના તમામ પક્ષોના નેતાઓએ ભાગવું પડશે.

www. devendrapatel.in

Page 2 of 2

Powered by WordPress & Theme by Anders Norén