Devendra Patel

Journalist and Author

Date: December 7, 2013

અલંકૃત ભાષાનો સ્વામી તરુણ અબજોપતિ કેવી રીતે બન્યો ?

તરુણ તેજપાલની કંપનીઓમાં શરાબ માફિયા રિયલ એસ્ટેટ અને સુગરકિંગના નાણાં ?

તરુણ તેજપાલ.

જેના નામ માત્રથી દિલ્હીના બડાબડા નેતાઓ ડરતા હતા તે ખુદ આજે ડરી ગયેલો માણસ છે. જેના કારણે લક્ષ્મણ બંગારુને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવું પડયું તે ખુદ હવે ‘તહેલકા’થી ફારગતી પામ્યો છે. જે ફાઈવસ્ટાર હોટલના રોજના ૨૫૦૦૦ રૂપિયાના ભાડાનું સ્વીટ રૂમમાં જ એશઆરામ કરતો હતો તે હવે કાચબા પકડનારા શિકારીઓની સાથે જેલની બંધ કોટડીમાં પુરાયેલો છે. એ કોટડીમાં પંખો પણ નથી. અચ્છા અચ્છા નેતાઓને નાગા ઉઘાડા કરી દેનાર તેજપાલની અસલિયત હવે લોકોની સામે છે. ગુજરાતીમાં કહેવત છે કે, ”બહુ કરે તે થોડા માટે.”

વિચારક કે વેપારી?

અલંકૃત ભાષાનો સ્વામી તરુણ અબજોપતિ કેવી રીતે બન્યો ?

તરુણ તેજપાલ કોણ છે ? એક પત્રકાર છે, વિચારક છે કે માત્ર અને માત્ર બિઝનેસમેન? તરુણ તેજપાલ એક આર્મી ઓફિસરનો પુત્ર છે અને તેણે ‘ઈન્ડિન એક્સપ્રેસ’ની ચંદીગઢની આવૃત્તિથી કારકિર્દીની શરૂઆત કરી હતી. અનેક મેગેઝિનો બદલ્યા બાદ તહેલકા ડોટ કોમ શરૂ કર્યું હતું. લક્ષ્મણ બાંગારું પછી ઓપરેશન વેસ્ટ એમના સ્ટિંગ બાદ તે વખતના સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝે રાજીનામું આપી દેવુ પડયું હતું. આવાં સ્ટિંગ ઓપરેશનો માટે રૂપજીવીનીઓના ઉપયોગ અંગે પણ વિવાદ થયો હતો. અલંકૃત શબ્દોથી ભરેલી ભાષા બોલવાવાળા તરુણ તેજપાલના દોસ્તોમાં આમીરખાનથી માંડીને ટીના બ્રાઉન પણ છે. સફળતાના કારણે ‘સેલિબ્રિટી’ બની ગયેલા તરુણ તેજપાલ ભલે સુપરસ્ટાર હોય પરંતુ ભીતરથી પોતાની જ વિકૃત માનસિક્તાના ભોગ બની હવે જેલના સળીયા ગણી રહ્યા છે. તરુણ તેજપાલને લોકો આજ સુધી ‘તહેલકા’ના નીડર અને પ્રામાણિક પત્રકાર તરીકે જ લોકો ઓળખતા હતા, અસલમાં તે આઠ કંપનીઓનું વિશાળ આર્થિક સામ્રાજ્ય ધરાવતો ‘બિગ બિઝનેસમેન’ છે. ગોવાથી માંડીને દિલ્હી અને નૈનિતાલમાં તેનાં ભવ્ય રિસોર્ટસ છે. બધી જ કંપનીઓ કાગળ પર ખોટ કરતી હોવા છતાં તરુણ તેજપાલ અબજોપતિ કેવી રીતે બની ગયો તે એક રહસ્ય છે. તરુણ તેજપાલ અનંત મીડિયા પ્રા.લિ.ના નેતા હેઠળ ‘તહેલકા’ નામનું સાપ્તાહિક મેગેઝિન બહાર પાડતો હતો. ૨૦૧૧-૧૨ના વર્ષ દરમિયાન આ મેગેઝિને રૂ.૧૩ કરોડની ખોટ કરી હતી. આમ છતાં એ જ વર્ષે થ્રાઈવિંગ આર્ટ પ્રા.લિ. નામની બીજી કંપની ઊભી કરી હતી. આ કંપની ગ્રેટર કૈલાસ નવી દિલ્હી ખાતે એલાઈટ થિંક ટેન્ક પ્રુફ્રોક ચલાવે છે. એક માત્ર તેની ”થિંક વર્કસ પ્રા.લિ.એ કંપનીએ ગોવામાં થિંક ફેસ્ટિવલ કરીને રૂ. ૧.૯૯ કરોડનો નફો કર્યો હતો. આ બધું જ રહસ્યમય છે.

૬૬ કરોડનું નુકસાન છતાં

તરુણ તેજપાલની કંપની ગોવાની એક ફાઈવસ્ટાર હોટલમાં સમાજના સ્ત્રીઓના અને મીડિયાના વિષયો પર ચર્ચા સભાઓ યોજતો, પરંતુ તેમાં ખાણીપીણીનું જ મહત્ત્વ રહેતું. તેજપાલનો પ્રભાવ એવો હતો કે, આવા કહેવાતા વૈચારિક ફાઈવસ્ટાર ફેસ્ટિવલમાં હોલિવૂડના સ્ટાર રોબર્ટ ડી ડી નીરો, પૂર્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવ, વી.એસ.નાયપોલ, અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તર, ફારુખ અબ્દુલ્લા, નંદન નિલેકાની, વિનોદ રાય, મેધા પાટકર પણ હાજરી આપતાં. તાલિબાનના સ્થાપક સભ્ય અબ્દુલ સલામ ઝઈફ પણ આ ફેસ્ટિવલના મહેમાન હતા. આટલી મોટી હસ્તીઓને ગોવામાં લાવવા અને ત્રણ દિવસ સુધી ફાઈવસ્ટાર હોટલમાં રાખવાનું ખર્ચ નાનું ના હોય. જે મેગેઝિન વર્ષે દહાડે રૂ.૧૩ કરોડની ખોટ કરતું હોય તે મેગેઝિનના માલિકને કરોડોનું આ ખર્ચ કેવી રીતે પોસાય ? કોણ આપતાં હતા પૈસા ? કોણ હતા તેના સ્પોન્સર્સ ? તહેલકા અત્યાર સુધીમાં કુલ રૂ.૬૬ કરોડનું નુકસાન કરી ચૂક્યું છે, તો તેજપાલ અબજોપતિ કેવી રીતે થયો ?

બિઝનેસ પ્લાન

થિંક વર્કસ પ્રા.લિ. કંપની કે જેણે ગોવામાં આ ફાઈવસ્ટાર વૈચારિક ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું, તેનું રજિસ્ટ્રેશન ફેબ્રુઆરી ૨૦૧૦માં ”બેબ્લર બુક્સ” ના નામે થયું હતું. તેની માલિકો તરીકે તરુણ તેજપાલ, તેની બહેન નીના શર્મા અને શોમા ચૌધરી છે, તેજપાલ કંપનીના, ૪૦,૦૦૦ શેર એટલે કે ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે નીના શર્મા અને શોમા ચૌધરી બંને ૧૦-૧૦ ટકા હિસ્સો ધરાવે છે. પહેલા ફેસ્ટિવલમાં આ કંપનીએ નફો કર્યો નહોતો, પરંતુ ૨૦૧૧-૧૨માં તેણે આવો જ ફેસ્ટિવલ યોજી રૂ.૧૪.૨૬ કરોડની કુલ આવકમાં રૂ.૧.૯૯ કરોડનો નફો કાગળ પર બતાવ્યો હતો. આ ફેસ્ટિવલ માટે દેશની કોર્પોરેટ કંપનીઓ તેને સ્પોન્સરશિપ આપતી હતી. ૩૪ જેટલા કોર્પોરેશન્સ તેનાં સ્પોન્સર હતાં. ૨૦૧૩ની ગોવાની આ વૈચારિક મહેફિલના સ્પોન્સર તરીકે ભારતી એરટેલ, એસ્સાર, ડી.એલ.એફ., કોકાકોલા, યુનિટેક, વેવ, ટોયોટા, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ, ઈન્દુસ બેંક તથા ગોવા ટૂરીઝમ વગેરે હતાં. આ વાતને હવે બીજી રીતે જોઈએ. જે કંપનીનો માલિક તરુણ તેજપાલ હતો તે નફો કરતી હતી અને જે કંપનીમાં તેજપાલનો હિસ્સો ઓછો છે તે ‘તહેલકા’ મેગેઝિન ખોટ કરતું હતું. ‘તહેલકા મેગેઝિન અનંત મીડિયા પ્રા.લિ.ના નેજા હેઠળ પ્રગટ થાય છે. અનંત મીડિયામાં મોટો હિસ્સો તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કે.ડી.સિંહનો છે. આમાં ચતુરાઈ એ હતી કે થિંક ઈવેન્ટ માટે ‘તહેલકા’ બ્રાન્ડ ઈક્વિટી અને મેનપાવર પૂરાં પાડતું હતું. જે મહિલા પત્રકારે તરુણ તેજપાલ સામે યૌન ઉત્પીડનનો આક્ષેપ કર્યો છે તે યુવતીને ફિલ્મ એક્ટર રોબર્ટ ડી નીરો અને તેમની દીકરીની દેખરેખ રાખવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

બુદ્ધિજીવીઓનું સ્વર્ગ

થિંક વર્કસ દ્વારા ગોવામાં યોજાયેલા ફેસ્ટિવલને જે સફળતા મળી તેમાંથી જ તરુણ તેજપાલને દિલ્હીમાં પણ કહેવાતા અબજોપતિ, બુદ્ધિજીવીઓ માટે સ્વર્ગસમી એક ફાઈવસ્ટાર કલબ ઊભી કરવાનો આઈડિયા આવ્યો હતો અને તેના ભાગરૂપે જ ‘પ્રુફ્રોક’ નામની કલબનો જન્મ થયો હતો, ‘પ્રુફ્રોક- ધી આર્ટસ એન્ડ ડાઈનર્સ કલબ’ પણ તરુણ તેજપાલના જ ભેજાની પેદાશ છે. તે એક પ્રકારની પ્રાઈવેટ મેમ્બરશિપ કલબ છે. તે દિલ્હીના ઉન્નત વર્ગના લોકો માટેની કલ્પરસ અને ઈન્ટેલિક્ચુઅલ કલબ ગણાય છે. કલબ દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાસ- ૨ના માર્કેટમાં આવેલી છે. એ કલબ ત્રણ માળમાં વહેંચાયેલી છે. દરેક માળનો આગવો અભિગમ છે. ફાઈવસ્ટાર હોટલ્સના સેલિબ્રિટી શેફ- રસોઈયાઓ દ્વારા બનાવેલ ભોજન અને બ્લૂ લેબલ વ્હીસ્કીના પેગ ગટગટાવતાં દિલ્હીના જાણીતા લોકો નવા વિશ્વના સર્જન માટે શું કરવું જોઈએ તેની ચર્ચા અહીં કરતા હોય છે. ”પ્રુફ્રોક” તે થ્રાઈવિંગ આર્ટસ નામની કંપનીની પ્રોપર્ટી છે. તરુણ તેજપાલનો કંપનીમાં ૮૦ ટકા અને તેની બહેનનો ૨૦ ટકા હિસ્સાથી આ કંપની શરૂ કરવામાં આવી હતી. તે વખતે તેજપાલે માત્ર રૂ. ૯ લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ ચડ્ડા હોલ્ડિંગે તે કંપનીના ૧૧,૧૧૧ શેર ખરીદીને રૂ. બે કરોડનું રોકાણ કર્યું હતું. આ બધા જ શેર પ્રતિશેર રૂ.૧,૭૯૦ જેવું પ્રીમિયમ ચૂકવીને ખરીદવામાં આવ્યા હતા. ચડ્ડા હોલ્ડિંગ્સ કોણ છે તે પણ જાણવા જેવું છે. ચડ્ડા હોલ્ડિંગ્સ મૂળ તો વેવ ગ્રૂપની કંપની છે. વેવ ગ્રૂપ કોનું છે તે પણ જાણવા જેવું છે. વેવ ગ્રૂપ લિકર બેરન એટલે કે શરાબના કિંગ પોન્ટી ચડ્ડાની કંપની છે અને પોન્ટી ચડ્ડા એટલે જેની નવેમ્બર ૨૦૧૨માં તેના જ પરિવારના એક સભ્ય દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી. આમ તરુણ તેજપાલની ‘પ્રુફ્રોક’ કલબમાં દારૂ રિઅલ એસ્ટેટ અને સુગર કિંગ્સના નાણાં રોકાયેલા છે.આ સિવાય તરુણ તેજપાલે કરેલાં કહેવાતાં બ્લેકમેઈલિંગ અને ભ્રષ્ટાચારની સ્ટોરી દબાવી દીધાની લાંબી યાદી છે

હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી

કભી કભી – દેવેન્દ્ર પટેલ
  • લખનૌની એક વિશિષ્ઠ-પ્રાયોગિક જેલ કે જ્યાં કેદીઓનું જીવન બદલાઇ રહ્યું છે

મોજીલું લખનૌ શહેર. લગ્નોની મોસમ છે. આજે લખનૌમાં પણ એક વરઘોડો નીકળ્યો છે. વરરાજા સજીધજીને શણગારેલા ઘોડા પર બેઠા છે. આજુબાજુમાં જાનૈયાઓ નાચી રહ્યા છે. પાછળ જાનડીઓ લગ્ન ગીતો ગાઇ રહી છે. સહુથી આગળ બેન્ડવાજાં વાગી રહ્યા છે.

હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી

બેન્ડવાજાના કલાકારોએ રાજા-મહારાજા જેવો યુનિફોર્મ પહેર્યો છે. બેન્ડ-વાજા પર લેટેસ્ટ ફિલ્મી ગીતોની ધૂન બજી રહી છે. એ ધૂન આખી જાનને મસ્તીમાં ડોલાવી રહી છે. બેન્ડના માસ્ટર ટ્રમ્પેટ બજાવી રહ્યા છે. બાકીના બાર કલાકારો જુદાં જુદાં ઇન્સ્ટ્રુમેન્ટસ વગાડી રહ્યા છે. દરેક કલાકારના ચહેરા પર સ્મિત છે. લોકો કહે છે કે આખા લખનૌમાં આ બેન્ડની સહુથી વધુ માંગ છે.

 લાંબો રસ્તો કાપ્યા બાદ બેન્ડવાજાથી દોરાતી જાન કન્યાના દરવાજે પહોંચે છે. એ વખતે બેન્ડ પર ‘યે દેશ હૈં વીર જવાનો કા’ ની ધૂન પરાકાષ્ટાએ પહોંચે છે. કન્યા પક્ષ તરફથી જાનમાં આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત થાય છે. વરરાજાનાં પોંખણાં થાય છે. વરરાજા માંડવામાં પ્રવેશે છે અને તે પછી બેન્ડવાજાવાળા વિરામ લે છે. તેમના ઇન્સ્ટ્રુમેન્ટસ બાજુએ મૂકી કોઇ બીડી ફૂંકે છે. હળવો નાસ્તો કરી બેન્ડવાજાવાળા તેમની કામગીરી પૂરી થતાં પોતપોતાની સાઇકલ લઇ ઘેર જવાના બદલે લખનૌની જેલના દરવાજે પહોંચે છે. જેલનો દરવાજો ખૂલે છે.બધાં જ અંદર પ્રવેશે છે. સહુ પોતપોતાની ખોલીમાં જઇ પોતાનો યુનિફોર્મ ખીંટી પર લટકાવી દે છે અને કેદીનાં વસ્ત્રો પહેરે છે.

જાનની આગળ બેન્ડ વગાડતા તમામ લોકો હકીકતમાં લખનૌની જેલના કેદીઓ છે. તે બધા જ સજા પામેલા લોકો છે. કોઇ ખૂની હતા, કોઇ હુમલાખોર હતા, કોઇ ચોર હતા. કોઇએ અગાઉ છેતરપિંડી કરી હતી. તે પૈકીના બાદલ અને ડ્રમ વગાડનાર રાજકુમાર રસ્તોગી છેલ્લા પાંચ વર્ષથી લખનૌની જેલના કેદી છે. બીજા બે ટ્રમ્પેટ વગાડનાર નિશાન અલી અને ઉત્તમકુમાર નામના બે કેદીઓ છેલ્લા ૧૦ વર્ષથી લખનૌની જેલમાં છે. બાકીના ચાર જણ આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા છે.

આજે જેલ એટલે ખતરનાક લોકોથી ભરેલું સંકુલ એવી સામાન્ય છાપ છે. જેલોમાં રહીને પણ કેટલાક અસામાજિક તત્વો રિમોટથી બહાર ગુનાખોરી આચરે છે એવી પણ એક છાપ છે, પરંતુ લખનૌની આ જેલ સહેજ અલગ છે. અહીં ‘જેલ સુધારણા’ માત્ર કાગળ પર જ નથી. જેલના કેદીઓના પુનર્વસનનું અનોખું કામ આ જેલમાં થઇ રહ્યું છે. સામાન્ય રીતે દેશની બીજી જેલોમાં કેદીઓ સુધરવાના બદલે નવી ગુનાખોરી અને પ્રવૃત્તિઓ શીખતા હોય છે. કેટલીક જેલો નવી નવી ગુનાખોરી શીખવાની યુનિર્વિસટીઓ બની જતી હોય છે, પરંતુ અહીં એ બધાથી ઊંધું છે. લખનૌની જેલમાં એવી કોઇ સમસ્યાઓ નથી. અન્ય જેલોમાં જે કેદીઓ સારી ચાલચલગત ધરાવતા હોય તેમને અહીં ટ્રાન્સફર આપવામાં આવે છે. એ તમામ કેદીઓને લખનૌની આ વિશિષ્ઠ જેલમાં ચાલતા અભિનવ પ્રયોગમાં સામેલ કરવામાં આવે છે.

લખનૌની આ વિશિષ્ઠ જેલનું વાતાવરણ જોવા જેવું છે. આ જેલમાં રાખવામાં આવતા ૧૦૦ જેટલા કેદીઓને રોજ સવારે લાઇનબંધ બહાર લાવવામાં આવે છે. તે પછી દરેક કેદી પોતપોતાની સાઇકલ પર કોઇને કોઇ કામે જવા નીકળે છે. આ બધા જ કેદીઓ બેન્ડવાળા નથી, કેટલાક જ બેન્ડવાળા છે. કેટલાક કડિયા કામ જાણે છે. કેટલાક સુથારી કામ જાણે છે, કેટલાક પ્લમ્બર છે. કેટલાક હાથશાળ પર કામ કરવા જાય છે. કેટલાક હેરકટીંગ સલુનમાં નાઇનું કામ કરવા જાય છે. કેટલાક લોકો દુકાન પર નોકર તરીકે કામગીરી બજાવે છે. કેટલાક ખેતીકામ કરવા જાય છે. એ બધાને એમના કામનું મહેનતાણું મળે છે. કેટલાક કેદીઓ જેલમાં રસોઇ બનાવે છે. બીજા કેટલાક જેલમાં જાળવણી અને સફાઇનું કામ કરે છે.

જેલર સુરેશચંદ્ર કહે છે : ‘અમારી જેલમાં રહેતા કેદીઓને સુધારવા અને એમના જીવનમાં પરિવર્તન લાવવા માટે અમે તેમને કોઇને કોઇ કામની તાલીમ આપીએ છીએ. તેમના આર્થિક અને સામાજિક પાસાં પર પણ ધ્યાન આપીએ છીએ. આ કેદીઓને મળતા મહેનતાણાનો નાનકડો હિસ્સો જેલની તિજોરીમાં જાય છે. બાકીના પૈસા જે તે કેદી પાસે રહે છે. તેઓ તે રકમ તેમના ખાતામાં જમા કરાવી શકે છે. તેઓ ઇચ્છે તો તે રકમ, તેઓ તેમના પરિવારને મોકલાવી શકે છે.’

સામાન્ય રીતે જેલને કોન્ક્રીટ જંગલ કહે છે. પુરુષો પુરુષો સાથે રહે છે. સ્ત્રીઓ અલગ હોય છે. સજા પામેલા કેદીઓ જેલમાં હોઇ તેમનું લગ્નજીવન માણી શકતા નથી. ભારતની જેલો હજુ અંગ્રેજોના સમયમાં બનેલા જૂના કાયદાકાનૂન પ્રમાણે ચાલે છે. આ નિયમ મુજબ કેદીઓને લગ્ન જીવનના હક્કો મળતા નથી. કાયદામાં એવી કોઇ જોગવાઇ જ નથી. પરંતુ લખનૌની આ વિશિષ્ઠ જેલે આ દીશામાં એક નવી જ પહેલ કરી છે. લખનૌની આ જેલમાં રહેતા પુરુષ કેદીઓ જો પરણેલા હોય તો કેટલાક સમયના અંતરે તેમની પત્ની સાથે એકાંત ગાળી શકે તેવી સુવિધા કરવામાં આવી છે. કેદીઓ માટેની કાનૂની પરિભાષામાં આને ‘કોન્જૂયુગલ વિઝીટસ’ કહે છે. આ સુવિધા એવા કેદીઓ માટે છે જેમનું કુટુંબ લખનૌમાં જ વસે છે. વળી જે કેદીઓને કામ માટે બહાર જવાની છૂટ છે એવા કેદીઓને આ સુવિધા અપાય છે. કેદીઓને જેલની બહારના લોકો સાથે હળવા મળવાની છૂટ હોવાથી એક નાઇ કેદી એક છોકરીના પ્રેમમાં પડી ગયો હતો અને બેઉએ લગ્ન કરી લેવાની ઇચ્છા જેલના સત્તાવાળાઓ સમક્ષ વ્યક્ત કરી હતી. જેલના સત્તાવાળાઓએ એ લગ્નને મંજૂરી પણ આપી. જેલમાં જ તેમના લગ્ન થયાં. ૧૦૦ થી વધુ કેદીઓએ આ લગ્નમાં હાજરી આપી. જેલના અધિકારીઓ તો ખરાજ. એ બધાની હાજરીમાં જેલના સંકુલમાં જ એમના ફેરા થયા. એ દૃશ્ય અનોખુ ંહતું. હોલિવૂડની કોઇ ઇટાલિયન ફિલ્મના દૃશ્ય જેવો સીન હતો. માફિયાના લગ્નમાં ગેંગસ્ટરો હાજરી આપે તેમ અહીં બધા સજા પામેલાઓ જ લગ્નમાં હાજર હતા. જેલમાં બેન્ડવાજાવાળા તો હતા જ.

તા.૨૬ જાન્યુઆરી, ૧૯૯૨ના રોજ એટલે કે ભારતના પ્રજાસત્તાક દિને જ લખનૌની આ વિશિષ્ઠ જેલના પ્રાંગણમાં આ ‘જેલ બેન્ડ’નું ઉદ્ઘાટન થયું હતું. તેમાંથી કેટલાક બદલાતા રહ્યા છે કેટલાક નવા ઉમેરાતા રહ્યા છે. આ કેદીઓ તેમની સજા પૂરી થતાં જેલમાંથી જ્યારે બહાર નીકળશે ત્યારે તેમણે કામ શોધવા જવું નહીં પડે. કામ તેને શોધતું આવશે. કારણકે તે બધા જ હવે કુશળ કલાકારો છે.

આશ્ચર્યની વાત એ છે કે લખનૌની આ જેલમાંથી રોજ અનેક કેદીઓ કોઇને કોઇ કામે બહાર જાય છે અને સાંજે પાછા ફરે છે. આજ સુધી એક પણ કેદી ભાગી ગયો નથી. લખનૌની આ વિશિષ્ઠ જેલને આ અભિનવ પ્રયોગમાં સો એ સો ટકા સફળતા મળી છે. આજ સુધી એક પણ કેદીએ ભાગી જવા પ્રયાસ કર્યો નથી. ગુજરાતમાં અમદાવાદની સેન્ટ્રલ જેલમાં પણ ગુજરાતની જેલોના વડા પી.સી.ઠાકુરના માર્ગદર્શન હેઠળ કેદીઓની સુધારણાના સુંદર પ્રયોગો શરૃ થયા છે. તેના ફળદાયી પરિણામો પણ મળી રહ્યાં છે. સજા પામેલા કેદીને જેલમાં વધુ સજા કરવી તે કરતા તેના જીવનનું પુનર્વસન કરવું તે વધુ મહત્ત્વનું છે.

લખનૌની આ વિશિષ્ઠ જેલમાં રોજ સાંજે બધા કેદીઓ જેલમાં પાછા પ્રવેશ કરતી વખતે જે રીતે કતારમાં ઊભા રહે છે તે દૃશ્ય જોવા જેવું હોય છે. લાગે છે કે, આ બધા જ કેદીઓને તેમણે આચરેલા ગુનાઓનો હવે પસ્તાવો છે. કવિતાની પેલી પંક્તિ ફરી ગણગણવા જેવી છે.’

‘હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી ખાઇને પુણ્યશાળી બને છે.’

(દૂરદર્શન પર પ્રસારીત થયેલી એવોર્ડ વિજેતા શ્રેણી ‘કિરણ’ પર આધારીત ઉમેશ અગ્રવાલના પુસ્તક ‘જીના ઇસી કા નામ હૈ’ના સૌજન્યથી)

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

 

ચૂંટણીસભાઓમાં નેતાઓ દ્વારા ભાષાનો વ્યભિચાર !

મસાલેદાર પ્રવચનોની સ્પર્ધામાં દેશની સમસ્યાઓના અસલી મુદ્દા ગુમ થયા !

૨૦૧૪ની લોકસભાની આવી રહેલી ચૂંટણીઓનું ગ્રાન્ડ રિહર્સલ ભજવાઈ રહ્યું છે. સામાન્ય રીતે મેરેથોન દોડમાં શરૂઆતમાં ધીમે દોડવાનું હોય છે અને છેલ્લે ફાસ્ટ દોડવાનું હોય છે, પરંતુ ભાજપા-એનડીએના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શરૂઆતથી જ ખૂબ ઝડપથી અને બીજા પક્ષો ધીમેથી દોડી રહ્યા છે. લોકસભાની ચૂંટણીઓ પૂર્વે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હીમાં નરેન્દ્ર મોદી રેલીઓ ગજવી, અને એનો થાક તેમના ચહેરા અને સ્વર પર વર્તાય છે. જ્યારે દિલ્હીમાં શીલા દીક્ષિતની સભાઓમાં પાંખી હાજરીની ચિંતા કોંગ્રેસી નેતાઓના ચહેરા પર વર્તાય છે. દિલ્હીમાં આમઆદમીની પાર્ટીમાં ‘બચના ઓ હસીના..’ જેવાં નિમ્ન કક્ષાના ગીતો પીરસવામાં આવે છે.

નિમ્ન સ્તરની ભાષા
ચૂંટણીસભાઓમાં નેતાઓ દ્વારા ભાષાનો વ્યભિચાર !

૨૦૧૪ની ચૂંટણીઓ પૂર્વેની કેટલીક વિધાનસભાની ચૂંટણીઓમાં નેતાઓ તરફથી જે પ્રવચનો થઈ રહ્યાં છે તે જોતાં લાગે છે કે, રાજનીતિ અને પ્રવચનોનું સ્તર તથા ગરિમા નીચે આવી રહ્યાં છે. સમાજવાદી પક્ષના એક નેતા નરેશ અગ્રવાલે નરેન્દ્ર મોદીને ચા વેચવાવાળા વ્યક્તિ કહ્યા. કોઈએ તેમને હિટલર કહ્યા, તો કોઈએ તેમને ફાસીસ્ટ કહ્યા. રાહુલ ગાંધીએ ભાજપને ચોરોની પાર્ટીની ઉપમા આપી. તેની સામે મોદીએ સોનિયા ગાંધીને બીમાર અને કોંગ્રેસને ખૂની પંજો કહ્યા. મોદી કોંગ્રેસને ઇનડોર પાર્ટી કહે છે અને ભાજપાને આઉટડોર પાર્ટી કહે છે. મોદી રાહુલ ગાંધીને શાહજાદા કહે છે તો કોંગ્રેસ મોદીને સાહેબજાદા કહે છે. આ બધામાં બિહારમાં નીતીશકુમાર પણ બાકાત નથી. નીતીશકુમારે એવું હાસ્યાસ્પદ નિવેદન કર્યું કે, પટણામાં આતંકવાદીઓએ બોમ્બ ધડાકા કર્યા ના હોત તો મોદીની રેલી ફ્લોપ હતી. લાગે છે કે, આવનારા દિવસોમાં નેતાઓની ભાષાનું સ્તર હજુ નીચે જશે.

અસલી મુદ્દા ગુમ !

પ્રવચનો કરવાની ઉતાવળમાં મોટા મોટા નેતાઓ પણ ભૂલો કરી બેસ છે. કોઈ કહે છે કે, નરેન્દ્ર મોદીને ઇતિહાસ, ભૂગોળનું જ્ઞાન જ નથી. જનતાદળ (યુ)ના નેતા શિવાનંદ તિવારીએ એવું નિવેદન કર્યું હતું કે, “મોદી બૌદ્ધિક રૂપથી દરિદ્ર છે અને તેમની બૌદ્ધિક સંપન્નતાનો પરિચય આપે છે.” તેની સામે ભાજપાના એક પ્રવકતાએ કહ્યું કે, “શિવાનંદ તિવારી સ્વયં ગ્રેજ્યુએટ પણ નથી અને નીકળી પડયા છે ઇતિહાસ-ભૂગોળની વાત કરવા. ડિગ્રી વગરના આવા નેતાના દિમાગ પર સંશોધન થવું જોઈએ.” જેમના પતિ જેલમાં છે તેવા લાલુ યાદવનાં ધર્મપત્ની રાબડીદેવીએ ભાજપાને ‘રાવણ’ અને જનતાદળને ‘કંસ’ કહ્યા. એ જ રીતે કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજયસિંહે મોદીને ફેંકુ નં. ૧ અને શિવરાજસિંહને ફેંકુ નં. ૨ કહ્યા. તેની સામે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કહે છે કે, “ખુદ તેમની પાર્ટી પણ દિગ્વિજયસિંહને ગંભીરતાથી લેતી નથી.” નેતાઓની આ બયાનબાજી જોતાં લાગે છે કે, દેશની કરોડની જનતાના પ્રશ્નોના અસલી મુદ્દા ભૂલાઈ ગયા છે અને નેતાઓ સ્ટંટ, કોમેડી અને થ્રીલથી ભરપૂર મસાલાવાળી ફિલ્મનું મનોરંજન દેશને પૂરું પાડી રહ્યા છે. આખો દેશ પેટ્રોલ-ડિઝલના ભાવવધારાથી, શાકભાજીના ભાવવધારાથી, વસતીવધારાથી, બેરોજગારીથી, મંદીથી બળાત્કાર-હિંસા અને હત્યાઓથી તથા આંતરરાષ્ટ્રીય સમસ્યાઓથી ત્રસ્ત છે, પરંતુ એક પણ નેતા પાસે આ પ્રશ્નો હલ કરવા તેમની પાસે શું યોજના છે તેની વાત કોઈ કરતું નથી. આતંકવાદ તો એથીય મોટી સમસ્યા છે, પરંતુ તે વિશે કોઈ બોલતું જ નથી. પબ્લિક પણ હૈસા ભેગો હૈસો કરી રહી છે. એમ પણ લાગે છે કે, આ દેશમાંથી ‘મધર ઇન્ડિયા’નું ઓડિયન્સ અલોપ અને ‘દબંગ’નું ઓડિયન્સ પેદા થઈ રહ્યું છે.

કલ્ચરનાં મૂળ

જો કે આવાં સૂત્રો અને નારાનું કલ્ચર રાતોરાત પ્રગટ થયું નથી. એની શરૂઆત તો છેક ૧૯૭૧થી જ થઈ ચૂકી હતી. ૧૯૭૧માં લોકસભાની ચૂંટણી પૂર્વે ઇન્દિરા ગાંધીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું હતું અને તેમના પુત્ર સંજય ગાંધી એ વખતે દેશમાં મારુતિ કાર બનાવવાની ઝુંબેશ ચલાવી રહ્યા હતા ત્યારે ચૂંટણી વખતે જનસંઘે એક સૂત્ર ઉચ્ચાર્યું હતું : “બેટા કાર બનાતા હૈ ઔર માં બેકાર બનાતી હૈ.” જો કે કોંગ્રેસ પાર્ટીએ એ નારાનો કોઈ નિષેધાત્મક જવાબ આપ્યો નહીં, એના બદલે ઇન્દિરા ગાંધીએ એક બીજું જ સૂત્ર આપ્યું : “વહ કહેતે હૈ ઇન્દિરા હટાવ, હમ કહેતે હૈ ગરીબી હટાવ.” એ પછી કોંગ્રેસની લોકસભામાં પણ બહુમતી આવી. જો કે તે પછી સ્વતંત્ર પાર્ટીના નેતા પીલુ મોદીએ દિલ્હીની એક સભામાં કહ્યું : “ઇન્દિરાજીને ચાર સાલ પહલે કહા થા ગરીબી હટાવ મગર ગરીબી તો હટી નહીં સિર્ફ ગરીબ હટ ગયા.” એ વખતે મંચ પર એ વખતના જનસંઘના નેતા અટલ બિહારી વાજપેયી બેઠેલા હતા. તેઓ પણ હસી પડયા હતા અને તે પછીની તમામ સભાઓમાં વાજપેયીજીએ પીલુ મોદીના એ વિધાનનો પોતાના પ્રવચનમાં ઉપયોગ કર્યો.

દુર્ગુણાજી

કેટલાંક વર્ષો પહેલાં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની ભીતર વિદ્રોહ થતાં ઇન્દિરા ગાંધીએ કમલાપતિ ત્રિપાઠીને દિલ્હી બોલાવી પોતાના મંત્રીમંડળમાં સામેલ કરી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે હેમવતીનંદન બહુગુણાની પસંદગી કરી દીધી હતી. એ પછી ચૂંટણીઓ આવી ત્યારે જનસંઘે બહુગુણાને ‘દુર્ગુણાજી’ કહેવા સિવાય બીજા કોઈ મુદ્દાઓ પર ભાષણો કર્યા નહીં. ઉત્તરપ્રદેશમાં મુલાયમસિંહ યાદવે મુસ્લિમ વોટબેંકને અંકે કરવા ભૂતકાળમાં કોશિશ કરી તો કેટલાકે તેમને ‘મૌલવી મુલાયમ’ કહ્યા. તેમના જ એક સાથી અને તેમની સ્ત્રી-મિત્ર અને પૂર્વ ફિલ્મ એક્ટ્રેસના સંબંધો માટે અહીં પ્રયોજી ના શકાય તેવા શબ્દનો ઉપયોગ થયો. કોંગ્રેસના નેતા શશિ થરુર અને તેમનાં પત્ની માટે પણ પતિ-પત્નીની ગરિમાને ધ્વસ્ત કરે તેવા ‘ગર્લફ્રેન્ડ’ શબ્દનો પ્રયોગ થયો. આ સિલસિલો આજે પણ અટક્યો નથી. નરેન્દ્ર મોદીના એક બયાન પછી એક કોંગ્રેસી નેતાએ કહ્યું : “ભાજપાનું કલ્ચર જ કુંવારાઓનું છે. તેમને ‘ફેમિલી’ શું છે તેની શું સમજ પડે ?” ભૂતકાળમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતી માટે પણ અશોભનીય શબ્દોનો પ્રયોગ થયો હતો.

વેપારી નેતાઓ

ભૂતકાળમાં હાર-જીતના મુદ્દા વિવિધ પક્ષોની નીતિઓમાંથી પ્રગટ થતાં હતા. હવે જાતિ, વર્ગ, વર્ણ, સંપ્રદાય અને કોમ પર આધારિત ચૂંટણીઓ થઈ રહી છે. લગભગ તમામ પક્ષોએ તેમના મૂળ સિદ્ધાંતોને તિલાંજલિ આપી છે. દેશની રાજનીતિ હવે વેપારમાં તબદિલ થઈ ગઈ છે. કેટલાક નેતાઓ રાજકારણને એક ધંધો જ સમજે છે. રાજનીતિ હવે સ્વયં એક બજાર છે. આજે ડાબેરીઓને બાદ કરતાં તમામ પક્ષોના ૮૦ ટકા નેતાઓ પ્રોપર્ટી ડિલર છે. આવા વેપારીઓના ખભા પર ઊભી થયેલી પોલિટિકલ પાર્ટીઓના નેતાઓ પાસેથી આપણે કેવી રીતે ગરિમાપૂર્વક ભાષાની અપેક્ષા રાખી શકીએ ?

રાજનીતિ : A Family Business

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
પત્ની, ભાઈ, ભત્રીજા, પુત્ર-પુત્રી, પૌત્રીઓને ટિકિટ

ભારતની રાજનીતિમાં નહેરુ-ગાંધી પરિવાર પર પરિવાદના નામે વિપક્ષો આક્ષેપ કરે છે, પરંતુ ભૂમિગત હકીકત એ છે કે દેશના તમામ પક્ષોમાં પરિવાદનું અસ્તિત્વ છે અને દેશની પ્રજાએ વંશવાદને સ્વીકાર્યો છે. ગુજરાતથી શરૂઆત કરીએ તો માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા, આજે તેમના પુત્ર ભરતસિંહ સોલંકી જેટલી વાર લોકસભાની ચૂંટણી લડયા છે, તે તમામ વાર જીતતા આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી પણ સાંસદ અને કેન્દ્રીય મંત્રી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા વિઠ્ઠલ રાદડિયા સંસદમાં અને તેમના પુત્ર જયેશ રાદડિયા વિધાનસભામાં ચૂંટાયા છે અને હવે મંત્રી બન્યા છે. પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ પણ અગાઉ વિધાનસભામાં ચૂંટાઈ ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા એ બંને ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા છે.

રાજનીતિ : AFamily Business
રાષ્ટ્રીય કક્ષાએ

મહારાષ્ટ્રમાં શિવસેનાના સુપ્રીમો સ્વ. બાલ ઠાકરેએ શિવસેનાના વારસદાર તરીકે તેમના જ પુત્ર ઉદ્ધવ ઠાકરેને નીમી દીધા અને એ વારસો ન મળતાં બાલ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરેએ અલગ પાર્ટી ઊભી કરી છે. મહારાષ્ટ્રમાં એનસીપીના વડા શરદ પવાર સ્વયં કેન્દ્રીય મંત્રી છે. અને તેમનાં પુત્રી સુપ્રિયા પણ સાંસદ છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ સુનીલ દત્તનાં પુત્રી પ્રિયા દત્ત પણ સાંસદ છે. તામિલનાડુમાં ડીએમકેના સુપ્રીમો કરુણાનિધિનાં પુત્રી કનિમોઝી સાંસદ છે. કરુણાનિધિના પરિવારના જ દયાનિધિ મારન પણ સાંસદ છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ અને તેમનાં પત્ની રાબડી દેવી બંને મુખ્યમંત્રી પદ ભોગવી ચૂક્યાં છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવના પુત્ર હાલ યુપીના મુખ્યમંત્રી છે. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લા હાલ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી છે. ડાબેરીઓના પ્રકાશ કરાત અને તેમનાં પત્ની વૃંદા કરાત બેઉ રાજનીતિમાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજેશ પાઇલટના પુત્ર પણ સાંસદ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી દેવરાના પુત્ર મિલિન્દ દેવરા પણ આજે કેન્દ્રીય મંત્રી છે.

આખો સિંધિયા પરિવાર

મધ્યપ્રદેશનાં પૂર્વ રાજમાતા વિજયારાજે સિંધિયા કે જેઓ ભાજપની સ્થાપનાનાં મુખ્ય સ્તંભ હતાં. તેમનો આખો પરિવાર રાજનીતિમાં છે. રાજમાતા વિજયારાજે સિંધિયાના પુત્ર સ્વ. માધવરાવ સિંધિયા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી પદે રહી ચૂક્યા હતા. તેમના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા આજે કેન્દ્રીય મંત્રી છે. રાજમાતા વિજયારાજે સિંધિયાનાં પુત્રી વસુંધરા રાજે સિંધિયા રાજસ્થાનમાં ભાજપનાં મોવડી છે અને રાજ્યનાં મુખ્યમંત્રી પણ રહી ચૂક્યાં છે. હવે ફરી રાજસ્થાનમાં સત્તા કબજે કરવા પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ નેતા સંજય ગાંધીનાં પત્ની મેનકા ગાંધી અને તેમનો પુત્ર વરુણ ગાંધી બંને ભાજપમાં સક્રિય છે અને સાંસદ પણ છે. પંજાબમાં આખો બાદલ પરિવાર વંશવાદનો પ્રતીક છે. એક બાદલ મુખ્યમંત્રી છે, બીજા બાદલ ઉપમુખ્યમંત્રી છે અને એક પુત્રવધૂ સાંસદ છે. આંધ્રના પૂર્વ મુખ્યમંત્રી એન.ટી. રામારાવના જમાઈ ચન્દ્રાબાબુ નાયડુ પણ આંધ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બીજુ પટનાયકના પુત્ર નવીન પટનાયક આજકાલ ઓડિશાના મુખ્યમંત્રી છે.

રાજવંશના ઠેકેદારો

રાજસ્થાનમાં સિંધિયા પરિવાર તો આખો રાજનીતિમાં છે પરંતુ બીજા રાજવી પરિવારોનાં દૃષ્ટાંતો પણ જોવા જેવાં છે. બિકાનેર રાજવી પરિવારનાં સિદ્ધિ કુમારી હાલ ભાજપ તરફથી વિધાનસભામાં છે, તેમના દાદા કરણસિંહ પણ સાંસદ હતા. ભિન્ડરના રાજવી પરિવારના રણધીરસિંહ ભિન્ડર અગાઉ અપક્ષ તરીકે ચૂંટણી લડી વિધાનસભામાં ચૂંટાયા હતા. દેવગઢ રાજઘરાનાના સભ્ય રણધીરસિંહ ભિન્ડર અપક્ષ તરીકે ચૂંટણી લડી વિધાનસભામાં ચૂંટાયા હતા. દેવગઢના રાજવી પરિવારના સભ્ય કૌશલેન્દ્રસિંહ વિધાનસભામાં ચૂંટાયા હતા. તેમના પિતા માંધાતા સિંહ કેન્દ્રમાં મંત્રી હતા.

રાજસ્થાનના કુંદનપુરના રાજવી પરિવારના સભ્ય ભરતસિંહ કોંગ્રેસ પક્ષ તરફથી વિધાનસભામાં ચૂંટાયા હતા. તેમના પિતા જુંઝારસિંહ અગાઉ કેન્દ્રમાં મંત્રી હતા. જયપુરના રાજવી પરિવારનાં સભ્ય દિયા કુમારી ભાજપની ટિકિટ પર રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે. તેમનાં દાદી ગાયત્રીદેવી અને તેમના કાકા પૃથ્વીરાજસિંહ સંસદમાં ચૂંટાયાં હતાં. તેમના પિતા ભવાનીસિંહ પણ લોકસભાની ચૂંટણી લડયા હતા. ભરતપુર રાજવી પરિવારના વિશ્વેન્દ્રસિંહ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના કાકા માનસિંહ અગાઉ ધારાસભ્ય અને કાકાના પુત્ર અરુણસિંહ પણ રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા છે. શાહપુર (જયપુર) પરિવારના રાવ રાજેન્દ્રસિંહ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમના પિતા રાવ ધીરસિંહ રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમનાં માતા ગુણવંત કંવર પણ ધારાસભ્ય રહી ચૂક્યાં છે.

રાજાશાહીનું નવું સ્વરૂપ

દેશના દરેક રાજકીય પક્ષો એવા જ ઉમેદવારોને ટિકિટ આપે છે કે જેઓ આસાનીથી જીતી શકે. આઝાદીનાં આટલાં વર્ષો બાદ પણ પ્રજામાં એક એવો વર્ગ છે કે જે પૂર્વ રાજાઓને અને તેમના પરિવાર પ્રત્યે જબરદસ્ત આદર ધરાવે છે. ગુજરાતમાંથી વડોદરાના પૂર્વ મહારાજા ફતેસિંહ રાવ ગુજરાતમાં મંત્રી રહી ચૂક્યા હતા. રાજકોટના રાજવી પરિવારના મનોહરસિંહજી પણ રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા છે. રાજવી પરિવારોની લોકપ્રિયતા જોતાં દરેક રાજકીય પક્ષની એ મજબૂરી બની ગઈ છે કે તેઓ વધુ ને વધુ પૂર્વ રાજાઓના પરિવારના કોઈ ને કોઈ સભ્યને ચૂંટણીના મેદાનમાં ઉતારે છે. આ એક પ્રકારની નવી જ રાજાશાહી છે. રાજસ્થાનમાં રાજકીય પરિવારોની પ્રજા પર પકડ વધુ હોઈ જયપુર, જોધપુર, કોટા, બિકાનેર, ભરતપુર, અલવર, ધૌલપુર, ભીલવાડા, કરૌલી, નાગૌર અને ડુંગરપુર જેવા જિલ્લાઓમાં પૂર્વ રાજવી પરિવારોના સભ્યો કોઈ ને કોઈ રૂપે રાજનીતિમાં સક્રિય છે. આ વખતે પણ બધા જ રાજકીય પક્ષોએ એ રાજવી પરિવારોના કોઈ ને કોઈ સભ્યને ટિકિટો આપી છે. આ અંગે એક મત એવો પણ છે કે રાજવી પરિવારોને ટિકિટો આપવાથી કેડર આધારિત સંગઠન નબળું પડે છે. આમ કરવાથી રાજવી પરિવારોના સભ્યો રાજઘરાનાઓના જ પરિવારોનાં હિતો જુએ છે એમ કેટલાકને લાગે છે. રાજસ્થાનનાં વસુંધરા રાજે સિંધિયાના સમયગાળામાં રાજસ્થાનનો વિકાસ રસ્તા અને વીજળી વ્યવસ્થા ખાડે ગયાં હતાં. એ પછી અશોક ગેહલોતની સરકારે તેમાં ઘણો સુધારો કર્યો હોવા છતાં વસુંધરા રાજે ફરી મુખ્યમંત્રી બને તેમ લાગે છે. તેઓ સ્વયં રાજમાતાનાં પુત્રી છે. ધૌલપુર રાજવી પરિવારનાં સભ્ય છે અને તેમના પુત્ર પણ સાંસદ છે. રાજસ્થાનમાં તો રાજાશાહી પાછી આવી ગઈ હોય તેમ લાગે છે.

દાગી પરિવારો પણ

રાજસ્થાનમાં કેટલાક રાજનેતાઓની છબી બગડેલી છે અને કેટલાક જેલમાં છે, છતાં તેમના પરિવારોને ટિકિટો આપવામાં આવી છે. દા.ત. ભંવરી દેવી પ્રકરણમાં જેલમાં ગયેલા મહિપાલ મદેરણાને કોંગ્રેસે ટિકિટ આપી છે. આ જ પ્રકરણમાં જેલ ભોગવી રહેલા બીજા નેતા મલખાન સિંહનાં માતા અમરી દેવીને કોંગ્રેસે ટિકિટ આપી છે. બળાત્કાર કેસના આરોપી બાબુલાલ નાગરના ભાઈ હજારીલાલ નાગર પણ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર લડી રહ્યા છે.

એ જ રીતે રાજસ્થાનમાં પરિવારવાદની વાત કરીએ તો રાજસ્થાન વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રામનિવાસ મિશ્રાના પુત્ર હરેન્દ્ર મિશ્રા અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ મંત્રી ગંગારામ ચૌધરીની પૌત્રી ડો. પ્રિયંકા ચૌધરી ભાજપની ટિકિટ પર બાડમેરમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. ગંગારામ ચૌધરી આઠ વખત ધારાસભામાં રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી લાલચંદ કટારિયાએ તેમના ભાઈની પત્નીને ટિકિટ અપાવી છે. પૂર્વે સાંસદ અબરાર એહમદના પુત્ર પણ ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નવલકિશોર શર્માના પુત્ર વ્રજકિશોર શર્મા પણ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી નટવરસિંહના પુત્ર જગતસિંહ ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે રાજસ્થાનમાં ગોગુંદ, સાગવાડા, ચૌરાસી, ખાનપુર, છબડા, બાડમેર, ફત્તેહપુર, શ્રી માધોપુર, સાદુલપુર,સૂરતગઢ, સંગરિયા અને ભાદરાની બેઠકો પર પરિવારવાદના આધારે જ ઉમેદવારો ઊભા રાખ્યા છે. આખો દેશ પરિવારવાદ પર ચાલતો હોય તો નહેરુ-ગાંધી પરિવાર પર જ આરોપ કેમ?

(પૂરક માહિતી : રાજસ્થાન પત્રિકા)

www. devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén