Devendra Patel

Journalist and Author

Date: November 9, 2013

સમુદ્રમાંથી પ્રગટેલાં લક્ષ્મી જ્યારે ભગવાન વિષ્ણુને વર્યાં

કભી કભી – દેવેન્દ્ર પટેલ

Ÿ         સમુદ્રમંથનમાંથી નીકળેલું સાચું અમૃત કયું ?

એક વાર ઈન્દ્ર રાજાને રસ્તામાં દુર્વાસા ઋષિ મળી ગયા. પોતાના ગળામાં ફૂલોની જે માળા હતી તે ઉતારીને ઋષિએ ઈન્દ્રદેવને આપી, પણ ઈન્દ્રએ તે પ્રેમની કદર કરી નહીં. તેમણે ફુલોની માળા હાથીના મસ્તક પર ફેંકી દીધી. હાથી તે માળા સૂંઢથી ઉતારીને પગ નીચે કચડવા લાગ્યો. દુર્વાસા ઋષિને તે ઠીક લાગ્યું નહીં. ફુલોમાં લક્ષ્મીજીનો નિવાસ છે. દુર્વાસા ઋષિએ ઈન્દ્રરાજાને શાપ આપ્યોઃ ”તને અભિમાન થયું છે. તું દરિદ્ર થઈ જઈશ.”

સમુદ્રમાંથી પ્રગટેલાં લક્ષ્મી જ્યારે ભગવાન વિષ્ણુને વર્યાં

આ શાપ પછી દેવો અને દૈત્યોનું યુદ્ધ થયું. યુદ્ધમાં દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ રાક્ષસોને મળ્યું. ઈન્દ્ર પાસેથી સ્વર્ગ જતું રહેતાં બધા દેવો દુઃખી થઈ ગયા. બધા દેવો પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુએ આજ્ઞા કરી : ”તમે સમુદ્ર મંથન કરો. તેમાંથી અમૃત નીકળશે, જે યુક્તિથી હું તમને પીવરાવીશ. આ કામ અત્યંત મુશ્કેલ છે તેથી દૈત્યોની પણ મદદ લો. શત્રુને વંદન કરી મિત્ર બનાવો. એમ નહીં કરો તો શત્રુ તમારા કામમાં વિઘ્ન નાંખશે. દૈત્યો પણ જે માંગે તે આપજો.”

દેવોએ દૈત્યો સાથે મૈત્રી કરી. મંદારાચલ પર્વતનો રવો બનાવ્યો. તેને સમુદ્રમાં પધરાવ્યો. સમુદ્રમાં દેવો અને દૈત્યો મંથન કરવા લાગ્યા. મંદરાચલ પર્વત ડૂબવા લાગ્યો. બધા ગભરાયા. એ વખતે કૂર્મ નારાયણ ભગવાન પ્રગટ થયા. તેમણે પોતાની પીઠ પર મંદરાચલ પર્વત રાખ્યો. દેવો અને દૈત્યો અમૃત માટે મંથન કરતા હતા પરંતુ નીકળ્યું ઝેર. બધા ગભરાયા દેવો અને દૈત્યો ભગવાન શંકરની સ્તુતિ કરવા લાગ્યાઃ ” હે મહાદેવ! આ ઝેર અમને બાળે છે.”

શિવજીએ પાર્વતીજીને કહ્યું: ”આ બધા મને ઝેર પીવા કહે છે.”

પાર્વતીજીએ કહ્યું: ”પરોપકાર સારો, પણ એવો પરોપકાર શું કામનો જેનાથી આપણો વિનાશ થાય?”

શિવજીએ કહ્યું: ”મને જે થવાનું હોય તે થાય પણ આ લોકો તો સુખી થશે ને ?”

ભગવાન શિવ પધાર્યા. ‘રામ’ નામનો જપ કરતાં શિવજી ઝેર પી ગયા, પણ ઝેર તેમણે ગળામાં રાખ્યું, પેટમાં ઉતાર્યું નહીં. એ ઝેર બહાર કાઢયું પણ નહીં. એ કારણે તેમનો કંઠ નીલ થયો. દેવો અને ગાંધર્વોએ શિવજીનો જયજયકાર કર્યો. દેવો અને દૈત્યોએ મંથન ચાલુ રાખ્યું. હવે સમુદ્રમાંથી કામઘેનુ ગાય માતા પ્રગટ થયાં તે બ્રાહ્મણોને અર્પણ કરવામાં આવ્યા. તે પછી સમુદ્રમાંથી ઉચ્ચૈઃ શ્રવા નામનો ઘોડો બહાર આવ્યો. દાનવોએ માગણી કરી કે, આ ઘોડો અમને મળવો જોઈએ. રાક્ષસોને એ ઉચ્ચૈઃશ્રવા ઘોડો આપવામાં આવ્યો. તે પછી સમુદ્રમાંથી ઐરાવત નામનો હાથી બહાર આવ્યો. ઐરાવત હાથી દેવોના પક્ષમાં આવ્યો. હાથી પછી કૌસ્તુભ મણિ નીકળ્યો. તે નારાયણને અર્પણ કર્યો. તે પછી પારિજાત નામનું કલ્પવૃક્ષ અને અપ્સરાઓ બહાર આવ્યા. તે પછી સમુદ્રમાંથી સાક્ષાત્ શ્રી મહાલક્ષ્મી પ્રગટ થઈ બહાર આવ્યા. મહાલક્ષ્મીને સોનાના પાટલે બેસાડી બ્રાહ્મણોએ વેદમંત્રો સાથે તેમનો અભિષેક કર્યો. સખીઓએ લક્ષ્મીજીને શ્રૃંગાર કર્યો. બધાને એવી ઈચ્છા થઈ કે, આ લક્ષ્મી મને મળે તો સારું.”

લક્ષ્મીજીએ કહ્યું: ”સ્વયંવર યોજો. હું બધાને જોઈશ અને એ વખતે હું મારા પતિને પસંદ કરી તેને વિજયમાળા અર્પણ કરીશ.”

સ્વયંવરનું આયોજન થયું. એક બાજુ સિંહાસન પર દેવો બિરાજ્યા. બીજી બાજુ સિંહાસન પર દાનવો બેઠા. ઋષિમુનિઓ અને તપસ્વીઓ પણ લક્ષ્મીજીને પામવાની આકાંક્ષાથી સ્વયંવરમાં આવ્યા. સખીઓ હાથમાં ફૂલમાળા સાથે લક્ષ્મીજીને વારાફરતી એક બીજાની પાસે લઈ જવા માંડી. લક્ષ્મીજીએ તપસ્વીને જોઈ સખીઓને કહ્યું: ”આ તપસ્વી છે, પણ તેમના તપને ભક્તિનો સાથ નથી. તેઓ ક્રોધ બહુ કરે છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને દેવો પાસે લઈ ગયાં. લક્ષ્મીજીએ દેવો સામે જોયું અને સખીઓને કહ્યુંં: ”દેવો કામી બહુ હોય છે. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગયાઃ હવે પરશુરામ ભગવાન બીરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ પરશુરામ ભગવાન છે. તેઓ કામી નથી, ક્રોધી નથી, મહાન વીર છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”… પણ તેઓ બહુ નિષ્ઠુર જણાય છે. તેઓ ક્ષત્રિયોના નાના બાળકોની હિંસા કરતા હતા. જ્યાં દયા નથી ત્યાં હું નહીં. આગળ ચાલો.”

સખીઓ લક્ષ્મીજીને આગળ લઈ ગઈ. અહીં માર્કન્ડેય ઋષિ બિરાજતા હતા. સખીઓ કહેવા લાગીઃ ”આ માર્કન્ડેય ઋષિ છે. તેઓ કામી નથી, ક્રોધી નથી અને નિષ્ઠુર પણ નથી. પ્રલયકાળ સુધી તેમનું આયુષ્ય છે. તેઓ મહાનજ્ઞાની પણ છે.”

માર્કન્ડેય ઋષિ સભામાં આંખો બંધ કરીને બેઠા હતા. તેઓ મનમાં વિચારતા હતા કે, લક્ષ્મી કરતાં તો મારા નારાયણ સુંદર છે. લક્ષ્મીજી તેમની સમક્ષ ઊભા રહ્યા, પણ તેમણે આંખ ઉઘાડી જ નહીં, આંખો બંધ રાખીને ઋષિ બોલ્યાઃ ”માતાજી! તમે સુંદર છો પણ તમારા કરતાં પણ નારાયણ વધુ સુંદર છે.”

લક્ષ્મીજીએ સખીઓને કહ્યું: ”આ ઋષિ તો આંખ જ ઉઘાડતા નથી. આગળ ચાલો.”

હવે આગળ ભગવાન શંકર બિરાજતા હતા. સખીઓએ લક્ષ્મીજીને કહ્યું: ”આ દેવોના દેવ છે. એમણે કામને બાળીને ભસ્મ કર્યો છે. વળી એમને કદી ક્રોધ આવતો નથી. એમના માથા પર ગંગાજી છે.”

લક્ષ્મીજીએ કહ્યું: ”બધું સારું છે, પણ એમનો વેશ બહુ સારો નથી. વાઘામ્બર ઓઢયું છે. તેમના ગળામાં તો સર્પ છે, આગળ ચાલો.”

હવે આગળ શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ બેઠેલા હતા. લક્ષ્મીજીએ તેમને જોયાં. લક્ષ્મીજીને લાગ્યું કે, ”આ જ ભગવાન સર્વગુણસંપન્ન છે. તેમનામાં એક પણ દોષ નથી. તેમની અડધી આંખ ઉઘાડી છે. અડધી આંખ બંધ છે. લક્ષ્મીજીને લાગ્યું કે આ જ ભગવાન નારાયણ છે એટલે તેમણે તરત જ ફુલોની બનેલી વિજયમાળા તેમને અર્પણ કરી દીધી. દેવો અને ગાંધર્વોએ લક્ષ્મીનારાયણ ભગવાનનો જયઘોષ કર્યો. લક્ષ્મીજીએ વિજયમાળા અર્પણ કરી એટલે ભગવાન ચારેય બાજુ જોવા લાગ્યા. પણ લક્ષ્મીજી હવે નારાયણને વરી ચૂક્યાં હતાં. દેવો અને દૈત્યો ફરી સમુદ્રમંથન કરવા લાગ્યા. સમુદ્રમાંથી ભગવાન ધન્વન્તરી હાથમાં અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા. દાનવોએ દોડીને આ ઘડો ખેંચી લીધો. અમૃત કુંભ માટે દેવો અને દાનવો વચ્ચે ઝઘડો થયો. ભગવાન નારાયણે હવે યુક્તિ કરી. તેઓ મોહિનીનારાયણ રૂપે પ્રગટ થયા. આજે તેમને પિતામ્બર પહેર્યું નહોતું. એથી ઊલટું સુંદર સ્ત્રીનું સ્વરૂપ લઈને સાડીને પહેરીને આવ્યા હતા. મોહિની નારાયણના સ્વરૂપમાં એક અદ્ભુત સ્ત્રી સૌંદર્યને જોઈને દાનવો અમૃતને ભૂલી ગયા, અને એ મોહિનીનારાયણને તાકી રહ્યા. દાનવો દોડતા તેમની પાસે ગયા અને પૂછવા લાગ્યાઃ ”તમે કોણ છો ? તમારું ઘર ક્યાં છે ? તમારાં માતા-પિતા કોણ છે ? તમારું લગ્ન થયું છે કે કેમ ?”

મોહિનીના સ્વરૂપમાં ભગવાન નારાયણે ગાલમાં હસતાં હસતાં કહ્યું: ” તમે મારું ઘર પૂછો છો, પણ મારું કોઈ ઘર નથી. જે વ્યક્તિ મારા માટે રડે છે, જે વ્યક્તિ મને પ્રેમ કરે છે તેના જ ઘરમાં હું જાઉં છું.”

એ વખતે જે દાનવના હાથમાં અમૃતનો કુંભ હતો તેની તરફ મોહિની સ્વરૂપમાં ભગવાન નારાયણ જોઈ રહ્યા. એ દાનવ તો રાજી થઈ ગયો. એને લાગ્યું કે, આ મોહિનીને મારા માટે જ પ્રેમ થઈ ગયો છે. એણે મોહિની સ્વરૂપમાં આવેલા ભગવાન નારાયણને અમૃતનો કુંભ ધરતા કહ્યું: ”બહુ પરિશ્રમ પછી આ અમૃત મળ્યું છે જે હું તમને અર્પણ કરી દઉં છું. આ અમૃત માટે અમારી અને દેવોની વચ્ચે ઝઘડો થયો છે. તમે પીરસશો તો કોઈ ઝઘડો કરશે નહીં ” એમ કહી દાનવે અમૃતકુંભ મોહિની નારાયણને આપ્યો.

હવે દેવો અને દાનવો આમને સામને બેસી ગયા. મોહિની નારાયણ પહેલાં દાનવો પાસે આવ્યા. તેમણે દાનવોને કહ્યું: ”આ કુંભમાં ઉપર પાણી જેવું અમૃત છે. તે પહેલાં દેવોને પીવરાવું અને નીચે જે અસલી અમૃત છે તે પાછળથી હું તમને પીવરાવીશ.”

મોહભંગ દાનવોએ એ વાત કબૂલ રાખી. દૈત્યોના મંડપમાં રાહુ નામનો એક દૈત્ય હતો. તેને કપટનો શક જતાં તે દેવનું સ્વરૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રની વચ્ચે જઈ બેસી ગયો. મોહિની નારાયણને પંગતમાં કોઈ વિષમતા કરવી ઠીક લાગી નહીં. તેથી રાહુને પણ અમૃત આપ્યું. સૂર્ય અને ચંદ્રએ આંખથી ઈશારો કર્યો. પ્રભુએ સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક કાપી નાંખ્યું. રાહુ અમૃત પી ગયો હોઈ તે મર્યો નહીં. તેનાં ધડ અને મસ્તક અલગ થયા. આ ઘટનાનું અર્થઘટન કરતાં પૂ. ડોંગરેજી મહારાજ કહે છે કેઃ ”મોહિની નારાયણે ઈન્દ્રને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. અશ્વિનીકુમારને અમૃત આપ્યું ત્યારે રાહુ આવ્યો નહીં. સૂર્ય અને ચંદ્રને અમૃત આપતી વખતે જ તે વચ્ચે આવી ગયો. સૂર્ય બુદ્ધિનો માલિક છે જ્યારે ચંદ્ર મનનો માલિક છે. બુદ્ધિ અને મન ભક્તિમાં તરબોળ બને છે ત્યારે રાહુ આવે છે. આંખથી કે શરીરથી જે ભક્તિ કરે છે તેને રાહુ ત્રાસ આપતો નથી. પરંતુ મનથી જે ભક્તિ કરે છે તેને વિષમરૂપી રાહુ બહુ ત્રાસ આપે છે. ભગવાને તેનું માથું કાપ્યું છે પણ તે મર્યો નથી. તે અજરઅમર છે. તે ક્યારે માથું ઊંચકશે તે કહી શકાતું નથી. હું ભક્તિ કરું છું, બહુ જ્ઞાની છું, મારા મનમાં ક્રોધ નથી, કામ નથી-” એવી તમારી માન્યતા ખોટી છે. આ બધા જ વિકારો તમારી અંદર બેઠેલા છે. માનવ સહેજ ગાફેલ થાય એટલે અંદરના વિકારો બહાર આવે છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી મન પર વિશ્વાસ રાખશો નહીં.

એ પછી મોહિનીનારાયણે બધું અમૃત દેવોને પીવરાવી દીધું. અમૃતનો ખાલી કુંભ રાક્ષસો સમક્ષ પછાડયો. ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા. રાક્ષસોને ખ્યાલ આવી ગયો કે, દગો થયો છે. સાડીમાં આવેલી મોહિની તે તો ભગવાન વિષ્ણુ જ હતા. દૈત્યો ક્રોધે ભરાયા. ફરી દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અમૃતના પ્રભાવથી દેવો મર્યા નહીં. અમૃતના પ્રતાપે દેવોની શક્તિ વધી. દૈત્યો હારી ગયા. દેવોને ફરી સ્વર્ગનું રાજ મળ્યું પરંતુ શુક્રાચાર્યે સંજીવની મંત્રના પ્રતાપે મરી ગયેલા દૈત્યોને ફરી સજીવન કર્યા.

નૂતન વર્ષના પ્રારંભે સમુદ્રમંથનમાંથી નીકળતા ભક્તિના માહાત્મ્યની આ પ્રેરકકથા સહુ વાચકોને અર્પણ છે. સાચું અમૃત મન પર કાબૂ દ્વારા કરવામાં આવેલી ભક્તિ જ છે. નૂતન વર્ષાભિનંદન.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

સરદારે રાજાઓને એક કર્યા આજના નેતાઓ એક થતાં નથી

સરદારની અસલી વિરાસત શું હતી ?

સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્મૃતિ સંગ્રહાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કાશ, સરદાર સાહેબ દેશના પ્રથમ વડા પ્રધાન હોત તો દેશની તસવીર અને તાસીર આજે કાંઈક ઓર જ હોત.” તે પછી વડા પ્રધાન ડો. મનમોહનસિંહે કહ્યું કે, “સરદાર પટેલ પૂરેપૂરા ધર્મનિરપેક્ષ હતા અને સરદાર પટેલ જે પાર્ટીમાંથી આવતા હતા તે જ રાજકીય પક્ષનો હું સભ્ય છું તેનો મને ગર્વ છે.”

સરદારે રાજાઓને એક કર્યા આજના નેતાઓ એક થતાં નથી

આ બંને વિધાનોનું દેશના મીડિયાએ પોતપોતાની રીતે અર્થઘટન કર્યું. તે પછી કેવડિયા કોલોની ખાતે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના શિલાન્યાસ વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું : “હું સરદાર સાહેબની જ ધર્મનિરપેક્ષતામાં જ માનું છું. સરદાર સાહેબ કોઈ એક પક્ષના નહીં, પરંતુ સમગ્ર દેશના હતા.

નેતાઓ બાખડયા

લાગે છે કે, સરદાર સાહેબની વિરાસત માટે યુદ્ધ છેડાઈ ગયું છે. સરદાર સાહેબ દેશનાં ૫૦૦થી વધુ રજવાડાંઓને એક કરી શક્યા, પરંતુ આજના નેતાઓને એક કરી શકતા નથી. જનતાદળ (યુ)ના નેતા શરદ યાદવ કહે છે કે, “આ દેશ બાવલાઓનું કબાડખાનું બની ગયો છે.” એનસીપીના નેતા શરદ પવારે પણ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે, ૬૫ વર્ષ બાદ ભાજપાને સરદાર સાહેબ કેમ યાદ આવ્યા ?” તેની સામે ભાજપાનો આક્ષેપ છે કે, “કોંગ્રેસે સરદાર સાહેબને અન્યાય કરવા સિવાય બીજું કાંઈ કર્યું નથી. વાત આટલેથી અટકતી નથી. કોંગ્રેસ પૂછે છે કે, “ગાંધીજીની હત્યા બાદ સરદાર સાહેબે દેશના ગૃહમંત્રી તરીકે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો, તમે સરદાર સાહેબની એ વિચારધારા સાથે સંમત છો ?” તેની સામે ભાજપાનો જવાબ છે કે, સત્યની ખાતરી થયા બાદ સરદાર સાહેબે જ એ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને ગાંધીજીની હત્યામાં સંઘનો કોઈ હાથ નથી તેમ કહ્યું હતું.” અલબત, ઇતિહાસના નિષ્ણાતોનો મત છે કે, ‘સરદાર સાહેબે આરએસએસ પાસે એવી બાંહેધરી માંગી હતી કે તેમનું સંગઠન રાજનીતિમાં ભાગ નહી લે. અને આવી સંઘે આપેલી એ ખાતરી બાદ જ સરદાર સાહેબે આરએસએસ પરનો પ્રતિબંધ ઉઠાવ્યો હતો. હવે આજે આરએસએસ ખુલ્લી રીતે ભાજપના નામે રાજનીતિમાં તરબતર છે અને સંઘે સરદાર સાહેબને આપેલી ખાતરીનું ઉલ્લંઘન કર્યું છે.’ આમ, આ આખો પ્રશ્ન એક ચર્ચાનો વિષય છે.

નહેરુ અને સરદાર

આ વિવાદને બાજુએ રાખીએ તો પણ એક નક્કર હકીકત એ છે કે, દુનિયાના નક્શા પર ભારતને શક્તિશાળી દેશનો દરજ્જો અપાવનાર સરદાર સાહેબ જ હતા. ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, દેશના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર સાહેબ વાતચીત કરવામાં અત્યંત મૃદુ હતા. તેઓ નિર્ણયોના મજબૂત હતા. સરદાર સાહેબે લશ્કર મોકલી હૈદરાબાદના નિઝામને નમાવી દીધા હતા અને જૂનાગઢના નવાબને પાકિસ્તાન ભાગી જવું પડયું હતું. ભારતના ભાગલાની જાહેરાત પછી પાકિસ્તાનની સેનાએ કબાલિયોનો સાથ લઈને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી, ત્યારે ભારતીય સેનાએ તે વખતના લશ્કરી જનરલ રાજેન્દ્રસિંહના નેતૃત્વ હેઠળ કાશ્મીરમાં જઈ પાકિસ્તાની સેનાને ભગાડી મૂકી હતી.

નહેરુના પિતા મોતીલાલ નહેરુ એમના જમાનાના એરિસ્ટોક્રેટ હતા. તેમની પાસે સેંકડો પેઢીઓ ચાલે તેટલી સંપત્તિ હતી. આઝાદી પહેલાં અંગ્રેજો પણ તેમના અતિથિ બનતા. આઝાદી પહેલાં જમ્મુ-કાશ્મીરમાં એક નહેર ખોદવાની જરૂર પડી. એ નહેર મોતીલાલ નહેરુની જમીનોમાં થઈ પસાર થતી હતી. પંડિત મોતીલાલ નહેરુએ એ નહેર ખોદવાની પરવાનગી આપી. અંગ્રેજોએ તે નહેર માટે જે કર ભરવાની વ્યવસ્થા કરી તેના કારણે ગામ લોકો નહેરવાળા મોતીલાલને ‘નહેરુ’ તરીકે ઓળખવા લાગ્યા. આવા મોતીલાલ નહેરુએ પણ તેમના પ્રિય પુત્ર જવાહરલાલ નહેરુને ગાંધીજીના સાંનિધ્યમાં દેશ માટે સમર્પિત કરી દીધો અને જવાહરલાલ નહેરુએ પણ તમામ ઐશ્વર્ય છોડી આઝાદી માટે અનેકવાર જેલમાં જવાનું પસંદ કર્યું. એમણે પોતાની કોઈ સંપત્તિ રાખી નહીં, જે હતું તે તમામ દેશને અર્પણ કરી દીધું. સરદાર સાહેબે પણ એ જ કર્યું. નહેરુએ તેમના વ્યક્તિત્વથી લોર્ડ માઉન્ટ બેટનથી માંડીને અનેક અંગ્રેજોને પ્રભાવિત કર્યા હતા. સરદાર સાહેબે તેમની કુનેહથી ૫૦૦થી વધુ રજવાડાંઓને ભારતમાં વિલીન કરાવી દીધા હતા. સરદાર સાહેબ પાસે પણ પોતાની કોઈ સંપત્તિ નહોતી. બેંક બેલેન્સ માત્ર ૨૬૨ રૂપિયા, બે જોડી કપડાં અને ચંપલ સિવાય તેમની પાસે કાંઈ જ નહોતું. ખુદ ગાંધીજીએ તેમના માટે કહ્યું હતું : “વલ્લભભાઈ મને મળ્યા ના હોત તો જે કામ થયું તે ન થાત.” પંડિત જવાહરલાલ નહેરુએ તેમના માટે કહ્યું હતું : “સરદાર વલ્લભભાઈનું જીવન એક મહાન ગાથા છે… ઇતિહાસનાં પાનાંઓમાં તેની નોંધ લેવાશે.” લોર્ડ માઉન્ટ બેટને તેમના માટે કહ્યું હતું : “પટેલનો સાથ મળે તો ઘણું ભારે કામ પણ સરળ થાય, પણ વિરોધ કરે તો કોઈપણ કામ થવાની આશા રાખી ન શકાય.” એક અંગ્રેજ પત્રકાર અને લેખક બ્રેશરે ૧૯૫૦માં નોંધ્યું હતું કે : “સરકારના વડા નહેરુ છે, પણ સરકાર તો સરદાર પટેલ જ ચલાવે છે.”

સરખામણી શા માટે ?

સરદાર અને નહેરુની સરખામણી અને હવે વિવાદ સાવ અપ્રસ્તુત છે. બંને એકબીજાના પૂરક હતા. ભારતને આઝાદી મળે તે માટે બંનેએ સંઘર્ષ કર્યો છે. બેઉ ગાંધીજીના અનુયાયી હતા. સાચી વાત એ છે કે, ગાંધી-નહેરુ- સરદારની ત્રિપુટીએ જ અંગ્રેજોને હાંકી કાઢવા એકબીજાના પૂરક બની એક ‘ત્રિદેવ’ જેવી તાકાત ઊભી કરી હતી. હવે આ બધાની એકબીજા સાથેની સરખામણી આજના સમયે અર્થપૂર્ણ નથી. એમ કરવાથી આપણે કોઈ એકને જાણે અજાણે અન્યાય કરી બેસીએ છીએ. નહેરુ અને સરદાર બંને ગાંધીજીના નેતૃત્વ હેઠળના સ્વાતંત્ર્ય સંગ્રામના અપ્રતિમ સાથી હતા. બંનેએ ગાંધીજીને પોતાના ગુરુ માન્યા હતા. નહેરુએ ૧૯૧૮માં અને સરદારે ૧૯૧૭માં રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. આયુષ્યમાં નહેરુ ગાંધીજીથી ૨૦ વર્ષ નાના અને સરદાર ગાંધીજીથી ૬ વર્ષ નાના હતા. ગાંધીજી નહેરુને પુત્રવત્ અને સરદારને નાના ભાઈ જેવા ગણતા. નહેરુ સરદાર કરતાં ૧૪ વર્ષ નાના હતા. ઉંમર, ઉછેર અને વિચારમાં બંને વચ્ચે અંતર હોવા છતાં બેઉ એકબીજાની શક્તિ અને સીમાઓથી પરિચિત હતા. બંને વચ્ચે કેટલીક બાબતોમાં ભિન્ન વિચારો હોવા છતાં બેઉ એકબીજાની આમન્યા રાખતા. આજે વૈચારિક મતભેદો કોની વચ્ચે નથી ? કોંગ્રેસ અને ભાજપા વચ્ચે નથી ? કોંગ્રેસની ભીતર સોનિયા ગાંધી અને મનમોહનસિંહ વચ્ચે નથી ? ભાજપાની ભીતર નરેન્દ્ર મોદી અને એલ. કે. અડવાણી વચ્ચે નથી ? શિવસેના, એનસીપી, ડાબેરીઓ કે જનતાદળ (યુ)ની અંદર પણ મતભેદો નથી ? નહેરુ અને સરદાર વચ્ચે રાજકીય મતભેદો હોવા છતાં બેઉનું એકબીજા પ્રત્યેનું સન્માન અને ગૌરવ આજના રાજકારણીઓને નહીં સમજાય. નહેરુ અને સરદારની સરખામણી એ બંને ઉત્કૃષ્ટ નેતાઓને અન્યાય કરનારી બની રહેશે.

સરદારની વિરાસત

સરદારની વિરાસત માટે આજે નેતાઓ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. પણ હકીકત એ છે કે, સરદાર માત્ર પટેલોના, માત્ર ગુજરાતના, કે માત્ર કોંગ્રેસના નેતા નહોતા. સરદાર કોઈ કોમના કે કોઈ સમુદાયના નેતા નહોતા. સરદાર સાહેબ સમગ્ર રાષ્ટ્રના નેતા હતા. સરદાર વગર નહેરુ જ નહીં, પરંતુ ગાંધીજી પણ અધૂરા હતા. ખુદ ગાંધીજીએ કહ્યું છે કે, “સરદાર ના હોત તો જે કામ થયું છે તે થયું ના હોત.” રાષ્ટ્રના એક મહાન સપૂતની વિરાસત માટે આજે નેતાઓ ઝઘડે છે, પરંતુ સરદાર સાહેબ મૃત્યુ પામ્યા ત્યારે તેમનું બેંક બેલેન્સ માત્ર રૂ. ૨૬૨ હતું. આજે દેશના એક પણ નેતાની હિંમત છે કે તેઓ પોતાની વિરાસત-સંપત્તિની જાહેરાત કરે ! કોંગ્રેસ અને ભાજપાના નેતા પૈકી એકની પણ તાકાત છે કે, જે છાતી ઠોકીને કહે કે, “રાજનીતિ કરતી વખતે હું મારી સંપત્તિ નહીં વધારું. મારા પુત્ર-પુત્રીઓ, જમાઈઓની પરવા નહીં કરું !” સરદાર સાહેબનાં પુત્રી મણિબહેન પટેલ તો જિંદગીભર અમદાવાદમાં એક ભાડાંના મકાનમાં રહ્યાં અને રિક્ષામાં જ ફર્યાં. સરદાર સાહેબની વિરાસત અપનાવવી હોય તો સરદાર સાહેબની સાદગીની, રાષ્ટ્રપ્રેમની, અકિંચનપણાની અને સર્વધર્મસમભાવની અપનાવો. સરદારની અસલી વિરાસત આ હતી.

સરદારે દેશના ૫૦૦ રાજાઓને એક કર્યા. આજે દેશના નેતાઓ સરદારના નામે પણ એક થઈ શકતા નથી. કેવી વક્રતા ?

લક્ષ્મીજી આપણી ભીતર મોજૂદ છે

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

Ÿ         સમૃદ્ધિ નામનું પતંગિયું હંમેશાં આપણી આસપાસ ઊડતું જ રહે છે. પરંતુ સત્ય એ છે કે સુખ અને સમૃદ્ધિ ભૌતિક તત્ત્વોમાં જ નથી, પણ લક્ષ્મી પ્રાપ્ત કરવાના આકાંક્ષી આ વાત ભૂલી જાય છે

લક્ષ્મીજી આપણી ભીતર મોજૂદ છે

આજે દીપાવલી છે. હિન્દુઓનો આ સૌથી મોટો તહેવાર છે. ગરીબથી માંડીને તવંગર સહુ આજના દિવસે તમામ દુઃખો ભૂલીને આ તહેવાર ઊજવે છે. ઉલ્લાસ અને ઉત્સાહથી ભરેલા મહાપર્વ દીપાવલી અનેક ઘટનાઓની યાદ અપાવે છે. કારતકની અમાવાસ્યાના દિવસે જ ભગવાન શ્રીરામ લંકા વિજય કરીને સીતાજી, લક્ષ્મણ, હનુમાનજી તથા અન્ય સાથીઓની સાથે આકાશમાર્ગે અયોધ્યા પધાર્યા હતા.

જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી આજના જ દિવસે નિર્વાણ પામ્યા હતા. મહાન સમાજ સુધારક દયાનંદ સરસ્વતી પણ આજના દિવસે જ નિર્વાણ પામ્યા હતા. સ્વામી રામતીર્થ પરમહંસનો જન્મ અને જળસમાધિ આજના દિવસે જ થયાં હતાં. શીખોના છઠ્ઠા ધર્મગુરૂ હરગોવિંદજી અને પરાક્રમી રાજા વિક્રમાદિત્યએ પણ આજના જ દિવસે વિજયપર્વ મનાવ્યું હતું. ભગવાન શ્રીરામ અયોધ્યા પધાર્યા તેની ખુશાલીમાં આખા નગરે દીપ પ્રગટાવ્યા હતા. એ પરંપરા પ્રમાણે આજના દિવસે લોકો તેમના ઘરે દીપ પ્રગટાવે છે. રંગોળી પૂરે છે. ઘરનાં બારણાં આગળ તોરણ બાંધે છે. દારૂખાનું ફોડે છે.

દીપાવલીનો દિવસ લક્ષ્મીપૂજનનો દિવસ પણ છે. સમુદ્રમંથન દરમિયાન જે ૧૪ રત્નો બહાર નીકળ્યાં તેમાં સહુથી વિશિષ્ટ રત્ન લક્ષ્મીજી હતાં. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી, તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવદના, શુભા અને ક્ષમાશીલ એવાં લક્ષ્મીજીને આ અનુપમાને પત્નીના રૂપમાં સ્વીકાર કર્યાં હતાં. આ પ્રકાશમયી દેવીએ અમાવસ્યાની રાત્રે જ ઘટાટોપ અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરીને સમુદ્રમાંથી પ્રગટ થઈ સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય કરી દીધું હતું. આ કાળી રાત્રે જ આપણે પણ પ્રતિવર્ષ સમસ્ત વાતાવરણને દીપમાલાઓથી પ્રજ્વલિત કરી મહાલક્ષ્મીનું સ્વાગત કરીએ છીએ અને પૂજન પણ કરીએ છીએ. આ દિવસે આંબા અને અશોક વૃક્ષનાં પાંદડાંઓનું તોરણ બનાવી તેને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવાથી ધનધાન્યની વૃદ્ધિ, વંશવૃદ્ધિ તથા મનને શાંતિ મળે છે. લક્ષ્મીજી શુક્ર ગ્રહનાં કિરણોથી આકૃષ્ઠ થાય છે. પૂજન વખતે નવી કલમ, નવી સ્યાહીનો ઉપયોગ કરવાની જરૂર રહે છે. ચાદર ઇત્યાદી શ્વેત રંગના હોવા જરૂરી છે. શુભ્રતાનો વિશેષ ખ્યાલ રાખવો જરૂરી છે.

પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છેઃ જે ઘરમાં ફૂલ પગ નીચે કચડાય છે તે ઘરમાં લક્ષ્મીજી બિરાજતાં નથી. જે ઘરમાં સાયંકાળે કજિયા થાય છે તે ઘરમાં લક્ષ્મીજી બિરાજતાં નથી. સાયંકાળે લક્ષ્મી-નારાયણ ઘરે આવે છે. જે ઘરે આવેલા ભિખારીનું અપમાન થાય છે તે ઘરમાં લક્ષ્મીજી બિરાજતાં નથી. ભિખારીને કંઈ આપવાની અનુકૂળતા ન હોય તો તેને હાથ જોડી નમ્રતાપૂર્વક ‘જય શ્રીકૃષ્ણ’ કહો. સાયંકાળે સૌભાગ્યવતી સ્ત્રી માથું ઓળવા બેસે તે ઘરમાં લક્ષ્મી બિરાજતાં નથી. સૌભાગ્યવતી સ્ત્રીના કેશમાં લક્ષ્મીજી બિરાજે છે. જે ઘરમાં ઠાકોરજીની પૂજા થાય છે, તે વૈકુંઠ ધામ ગણાય છે. જે ઘરમાં પ્રભુના નામનું કીર્તન થતું નથી તે ઘર ઘર નથી, સ્મશાન છે. તે ઘર અશુદ્ધ છે. કેટલાક લોકો ઠાકોરજીને પધરાવે છે પણ ઘરના ગોખલામાં જ બંધ રાખે છે. પોતાના માટે લાખોનું ર્ફિનચર બનાવે છે પણ ઠાકોરજીને ગોખલામાં પૂરી રાખે છે. પ્રભુએ સંપત્તિ આપી હોય તો ભગવાનની સેવામાં તેનો ઉપયોગ કરો. લક્ષ્મી નારાયણની છે. લક્ષ્મી ભોગવવા માટે નથી. ભગવાન માટે સુંદર સિંહાસન બનાવો. સુંદર મખમલની ગાદી બનાવો. તમારા ઘરમાં જે સારામાં સારી જગ્યા હોય તે ભગવાન માટે રાખો. જે ઘરમાં લક્ષ્મીનો ઉપયોગ નારાયણની સેવા માટે થાય છે તે ઘરમાં લક્ષ્મીજી અખંડ બિરાજે છે. સુખમાં જીવ ભાન ભૂલે છે. અતિ સુખ મળે તે સારું નહીં. દુઃખમાં માનવી થોડો ડાહ્યો થાય છે. ખૂબ પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન પ્રાપ્ત થતું નથી તે દુઃખના સમયે અનાયાસે જ અંદરથી સ્ફુરણા પામે છે. ભગવાન જ જીવને પોતાના તરફ ખેંચવા તેના માટે આપત્તિ ઊભી કરે છે. મનુષ્ય સ્વભાવ જ છે કે તેને માર પડે એટલે તે સુધરે છે. તેથી જે સુખમાં ભગવાન ભુલાય તે સંપત્તિ એ વિપત્તિ છે અને જે વિપત્તિમાં ભગવાન યાદ આવે તે વિપત્તિ એ સંપત્તિ છે. સમૃદ્ધિ નામનું પતંગિયું હંમેશાં આપણી આસપાસ ઊડતું જ રહે છે. પરંતુ સત્ય એ છે કે સુખ અને સમૃદ્ધિ ભૌતિક તત્ત્વોમાં જ નથી. આજનો માનવી સમૃદ્ધિની ઓળખ ગોલ્ડ, શેર, બંગલો, ફ્લેટ અને બેન્ક બેલેન્સથી કરે છે. લક્ષ્મીજીના આશીર્વાદથી આ બધું મળે છે, પરંતુ લક્ષ્મી પ્રાપ્ત કરવાના આકાંક્ષી એ વાત ભૂલી જાય છે કે લક્ષ્મીજી ખુદ કદી ભૌતિક ચીજોની પાછળ પડયાં નથી. લક્ષ્મીજી તો ભગવાન વિષ્ણુની પાછળ દોડે છે. ક્ષીરસાગરમાં શાંત ચિત્તે સૂતેલા ભગવાન વિષ્ણુ જ સમૃદ્ધિના અસલી પ્રતીક છે. તેઓ સ્વયં એટલા સમૃદ્ધ છે કે તેમને સમૃદ્ધિની કોઈ ચાહત જ નથી. સમૃદ્ધિની અપેક્ષા હોય તો લક્ષ્મીજીની જેમ ચંચળ નહીં પરંતુ ભગવાન વિષ્ણુની જેમ શાંત ચિત્ત હોવું જરૂરી છે. સતત અશાંત રહેવું અને સતત અભાવની લાગણીથી પીડાવું તે વાસ્તવિક સમૃદ્ધિથી માનવીને દૂર લઈ જાય છે. અભાવની સોચ ચાહે તે પૈસાના અભાવની, પ્રતિષ્ઠા – પદના અભાવની, પ્રેમના અભાવની હોય તે માનવીમાં અભાવ -દુઃખ જ પેદા કરે છે. સુપ્રસિદ્ધ દાર્શનિક ટોમસ હોલ્સ કહે છે કે સમૃદ્ધિને શોધી શકાતી નથી. તે પોતે જ પોતાની રીતે આવે છે. શરત એટલી જ છે કે તમે બે હાથ ફેલાવી તેના સ્વાગત માટે તૈયાર હોવા જોઈએ. સમૃદ્ધિ આપણી ભીતર જ મોજૂદ છે. બસ, એની અનુભૂતિ કરવાની જરૂર છે. એટલા માટે જરૂર છે કે આપણે સારી વાતો સ્વીકારતા શીખીએ. એ સારી વાતો જે આપણા જીવનમાં પહેલાંથી જ મોજૂદ છે. યાદ રહે કે જે માનવી પોતાને તુચ્છ ગણે છે અને પોતાની પાસે કોઈને આપવા જેવું કાંઈ નથી તે માનસિકતા માનવીને અસમૃદ્ધિ તરફ લઈ જાય છે. માત્ર હિન્દુ ધર્મ જ નહીં, પરંતુ વિશ્વના ઘણા બધા ધર્મોનું દર્શન એ જ છે કે વાસ્તવમાં એ જ સમૃદ્ધ છે જે બીજાને કાંઈક આપી શકે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છેઃ કોઈ પણ ચીજ એવી નથી જે તમારા ભીતર મોજૂદ નથી.

આજે દીપાવલીના દિવસે તમારી પાસે જે છે તે બીજાને આપનાર દાનવીર બનવાનો સંકલ્પ કરો. દરેક વ્યક્તિની પાસે કાંઈક ને કાંઈક છે. કોઈને ધન આપો. ધન ન હોય તો શુભાશિષ આપો. કોઈને સાંત્વના આપો. કોઈને આશીર્વાદ આપો. કોઈનાં ખબર-અંતર પૂછો. કોઈ નિરાશ વ્યક્તિને આશા આપો. કોઈને આત્મવિશ્વાસ આપો. કોઈ દુઃખી મનુષ્યોનું દુઃખ સાંભળો. કોઈને દવા આપો. કોઈને સાચી સલાહ આપો. કશું જ આપવા જેવું ન હોય તો પશુ, પક્ષી કે મનુષ્યને દયા આપો જે કાંઈ પણ બીજાને આપી શકે છે તે જ સમૃદ્ધ છે. હતાશ અને હારી ગયેલા મનુષ્યને હતાશામાંથી બહાર કાઢવા અપાતા બે બોલ પણ હૃદયથી સમૃદ્ધ વ્યક્તિ જ આપી શકે છે. સમૃદ્ધિની સાચી વ્યાખ્યા આ છે. સમૃદ્ધ હોવું અને સમૃદ્ધિનો અભાવ એ બંને અંદરની પરિસ્થિતિ છે. લક્ષ્મી આપણી અંદર જ મોજૂદ છે. લક્ષ્મીજીનું અને સમૃદ્ધિનું સાચું સ્વરૂપ જે દિવસે જાણી લઈશું તે દિવસે સુખ શાંતિ પ્રાપ્ત કરી લઈશું. જે દિવસે આપણે આપણી ભીતર ભગવાન વિષ્ણુ જેવા પાલનહારનો અંશ આપણી અંદર મહેસૂસ કરીશું તે પછી કોઈ કારણ નથી કે લક્ષ્મીજી આપણી પર કૃપા ન કરે. આજે દીપાવલીના મંગલ દિવસે ખુશીયાં વહેંચીએ. આપણી પાસે જે છે તે બીજાને આપીએ. કાંઈ જ ન હોય તો કોઈને સ્મિત આપીએ.  

www.devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén